આત્માની અંતિમ ઇચ્છા - ૧૨ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આત્માની અંતિમ ઇચ્છા - ૧૨

આત્માની અંતિમ ઇચ્છા

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૨

કાવેરીના ફોન પછી ખુશ થવું કે કેમ? એ લોકેશ નક્કી કરી શકતો ન હતો. સમાચાર તો ખુશીના હતા પણ લોકેશનું મન મૂંઝવણ અનુભવી રહ્યું હતું. કાવેરીના શબ્દો તેના મનમાં પડઘાતા હતા:"લોકેશ! બહુ જ ખુશીના સમાચાર છે. મોરાઇ માએ આપણી પ્રાર્થના સાંભળી લીધી છે. હું મા બનવાની છું! તમે પિતા બનશો! હું એટલી ખુશ છું કે તમને વર્ણન કરી શકતી નથી.... પહેલાં મને એમ હતું કે તમને રૂબરૂમાં આ સમાચાર આપીશ. પણ આ ખુશીને હું વહેંચ્યા વગર રહી શકી નથી. સૌથી મોટો આભાર તો એ અજાણી મહિલાનો કે જેણે મને આશીર્વાદ આપ્યા હતા. તેણે આશા બંધાવ્યા પછી મને હતું જ કે એની આગાહી સાચી પડશે. એ આગાહી આટલી જલદી સાચી પડશે એવી કલ્પના ન હતી. આ તો હમણાં પણ ખબર પડી ના હોત લોકેશ! થયું એવું કે મને ગઇકાલથી બેચેની જેવું લાગતું હતું. આજે સવારે ઉબકા આવ્યા અને મને પેટમાં કંઇક અનુભવ થવા લાગ્યો. હું સમય બગાડ્યા વગર મેડિકલ સ્ટોરમાંથી પ્રેગનન્સી તપાસવાની કિટ લઇ આવી. અને એમાં હું મા બનવાની હોવાનું પાકું થઇ ગયું છે! લોકેશ! તું જલદી આવી જા. આપણે હોસ્પિટલમાં બરાબર ચેક કરાવી લઇએ. મોરાઇ માએ મારા પર કૃપા કરી છે...."

લોકેશે સહજ રીતે ખુશી વ્યક્ત કરી પોતે વ્યસ્ત હોવાનું જણાવ્યું એટલે કાવેરીએ પછી લાંબી વાત ના કરી અને ફોન મૂકી દીધો.

લોકેશને સમજાતું ન હતું કે કાવેરી મા કેવી રીતે બની શકે? છેલ્લા ઘણા વર્ષથી બાળક માટે પ્રયત્ન કરતા હતા. છેલ્લે એક ડૉક્ટરે તો આશા છોડી દેવાનું કહી દીધું હતું. એ વાત પોતે કાવેરીને કરી ન હતી. કાવેરીને એમ કહેવામાં આવે કે તે પોતે મા બની શકે એમ નથી તો તેની જિંદગી રણ જેવી બની જાય. હસતી-ખીલતી જિંદગી મુરઝાયેલી રહે એવું ઇચ્છતો ન હતો. તે ખોટી આશા આપીને કાવેરીને ખુશ રાખતો હતો. તો પછી આ શક્ય કેવી રીતે બન્યું? કુદરતનો કોઇ ચમત્કાર છે કે પેલી અજાણી મહિલા લસિકાની કોઇ ચાલ છે? ડૉક્ટરે તો મને ચેતવણી પણ આપી હતી કે જો કાવેરીને ગર્ભ રહેશે તો પણ એ બાળકને જન્મ આપી શકે એમ નથી. બાળકથી તેના જીવન પર ખતરો ઊભો થશે. અને એટલે જ પોતે નહોતો ઇચ્છતો કે કાવેરી મા બને. લસિકા પોતાની શક્તિઓથી કાવેરીને મા બનાવી એને મારી નાખવા માગતી તો નથી ને? તે મારી સામેનો બદલો લેવા માગતી હોય એવું લાગે છે. તે મને મળ્યા વગર સતત મારી પાછળ પડી છે. તે ખરેખર મરી ગઇ છે કે નહીં એ હજુ સુધી જાણી શક્યો નથી. અહીંનો ફેરો પણ ફોગટ જ ગયો છે. તેણે કાવેરીને પોતાના બદલાનું હથિયાર બનાવી છે. તે બદલો લેશે પછી જ તેના આત્માને શાંતિ મળશે. તે પોતે મા બનવાની હતી અને મોત આવી ગયું. હવે તે ઇચ્છતી નથી કે એના વગર મારું કોઇ સંતાન અવતરે અને હું ક્યારેય પિતા બનું. હવે આ સ્થિતિમાં કાવેરીને કેવી રીતે સમજાવું કે મા બનવાનું તેના માટે કેટલું જોખમી છે. એ અજાણી મહિલાએ મા બનાવીને મોતના મુખમાં ધકેલી દીધી છે એનો ખ્યાલ કાવેરીને કેવી રીતે અપાવું?

ગેસ્ટ હાઉસમાં કાવેરીના વિચારો કરતાં ક્યારે ઊંઘ આવી ગઇ એનો લોકેશને ખ્યાલ જ ના રહ્યો. અડધી રાતે તે એક વિચિત્ર સપનું જોઇને "ના-ના-ના" બોલતો પથારીમાં બેઠો થઇ ગયો. પરસેવાથી રેબઝેબ થયેલો ચહેરો લૂછીને તે આખો ગ્લાસ પાણી ગટગટાવી ગયો. તેને સપનાના થોડા દ્રશ્યો યાદ આવવા લાગ્યા. કાવેરીએ કહી હતી એવી જ અજાણી મહિલા ઊડતી ઊડતી તેની સામે આવી. તેનો ચહેરો લસિકાનો હતો. તે કહી રહી હતી:"દગાબાજ! તેં મા બનવાની મારી ઇચ્છા પૂરી થવા ના દીધી. એ અધુરી ઇચ્છાને લઇ હું ભટકી રહી છું. હું તને બાળકનો પિતા બનવા નહીં દઉં. કાવેરીને બાળક જરૂર આવવાનું છે પણ એ બંનેનો જીવ લેશે. મને મોક્ષ મળી જશે. પણ કાવેરી એની મા બનવાની અધુરી ઇચ્છા સાથે ભટકશે..."

લોકેશ વિચારવા લાગ્યો કે આ સપનું હશે કે ખરેખર લસિકા તેને મળવા આવી હતી? કાવેરીની જેમ એ મારા સપનામાં આવવા લાગી છે. તેણે પોતાનો ઇરાદો જાહેર કરી દીધો છે. તેણે જ કાવેરીને માતૃત્વ આપીને મારવાનું ષડયંત્ર રચી દીધું છે. કાવેરીને બચાવવી પડશે. તેને સમજાવવી પડશે. કાવેરીને સમજાવવાનું સરળ નથી. તે કેટલાય સમયથી મા બનવાનું સપનું જોઇ રહી છે. એ સપનું હવે હકીકત બની રહ્યું છે ત્યારે તેને અટકાવવી મુશ્કેલ છે. લોકેશને થયું કે એક જ વ્યક્તિ છે જે તેને સમજાવી શકશે. લોકેશને હવે ઊંઘ આવે એમ ન હતી. તેણે કાર્યક્રમ બદલી નાખ્યો. સવારે નીકળવાને બદલે અત્યારે જ નીકળી જવાનું નક્કી કર્યું. ડ્રાઇવરને ઊઠાડીને પૈસા આપ્યા અને પોતાને એક અગત્યના કામે બીજે જવાનું થયું હોવાથી બસ કે ટ્રેન મારફત પાછા આવવા કહીને કાર લઇ નીકળી ગયો. તેણે ઘડિયાળમાં જોયું. સવારે સાત વાગે તે કાવેરીની મા દીનાબેનના ઘરે પહોંચી જશે.

દીનાબેન તો લોકેશકુમારને જોઇ નવાઇ પામ્યા. આટલી વહેલી સવારે અચાનક કોઇ ખબર આપ્યા વગર જમાઇ કેમ આવ્યા હશે? એની અટકળ કરતા હતા ત્યાં લોકેશે કહ્યું:"મમ્મી, કંપનીના કામે બહારગામ ગયો હતો. વળતા થયું કે રસ્તામાં તમારું ઘર નજીક છે તો મળતો જાઉં..."

"હા, કેમ નહીં લોકેશકુમાર. તમે આવ્યા એ બહુ ગમ્યું. તમને હવે રૂબરૂમાં જ અભિનંદન આપી દઉં. તમે પિતા બનવાના છો એ જાણી બહુ આનંદ થયો. કાલે કાવેરીએ મને કહ્યું ત્યારે જ હું ફોન કરવાની હતી. પણ તમે કામમાં હશો એમ વિચારી ઘરે પહોંચો પછી શાંતિથી ફોન કરવાનું વિચાર્યું હતું...." બોલીને દીનાબેન રસોડામાં ગયા. આવીને એક વાડકીમાં સાકર ધરી આગળ વાત કરવા લાગ્યા:"લોકેશકુમાર! મોં મીઠું કરો! તમારા સસરાજી તો એક મિત્રના સામાજિક પ્રસંગમાં બે દિવસ માટે ગયા છે એટલે તમને મળી શક્યા નથી. હું ફોન કરીને તમારી વાત કરાવું છું..."

દીનાબેનને ફોન કરતા અટકાવવા લોકેશ બોલ્યો:"મમ્મી, રહેવા દો...હું પછી ફોન કરી લઇશ...." લોકેશે મોંમાં સાકર નાખી પણ લસિકાના બદલાની ચિંતામાં ન જાણે એની મીઠાશ ક્યાંક ખોવાઇ ગઇ હોય એમ લાગ્યું. એ ખુશીના આ સમાચારને ભવિષ્યના કરુણ બનાવ તરીકે માનતો હતો. પણ દીનાબેનની ખુશી અને ઉત્સાહ જોતાં કેવી રીતે વાત કરવી એ જ સમજાતું ન હતું.

બે-ચાર આડીઅવળી વાત કરી લોકેશે આખરે પોતાની બીક વ્યક્ત કરી:"મમ્મી, કાવેરી મા બનવાની છે પણ મને એક ડર છે..."

"ડર? શેનો ડર જમાઇરાજ?" દીનાબેનના સ્વરમાં ફડકો હતો.

"ડૉક્ટરોએ કાવેરી મા બને તો જોખમ હોવાનું કહ્યું હતું. એક ડૉક્ટરે તો સ્પષ્ટ કહ્યું હતું કે કાવેરી મા બનશે તો એને જીવનું જોખમ ઊભું થશે. એટલે મારો એવો મત હતો કે કાવેરી થોડા વર્ષ પછી મા બને તો સારું. ત્યાં સુધીમાં કોઇ આધુનિક સારવાર ઉપલબ્ધ થઇ જશે અને તે કોઇ જોખમ વગર બાળકને જન્મ આપી શકશે...."

લોકેશની વાત સાંભળી દીનાબેન વિચારમાં ગરકાવ થઇ ગયા. તેમને ચૂપ જોઇ લોકેશને થયું કે દીનાબેન કાવેરીને સમજાવી શકશે. તે આગળ બોલ્યો:"....અને મમ્મી, આ વાતની કાવેરીને ખબર નથી. એ નિરાશ ના થાય અને દુ:ખી ના થાય એટલે મેં આજ સુધી આ વાત કરી નથી. તમે પણ ખાનગી રાખજો..."

લોકેશની વાત સાંભળી દીનાબેન બોલ્યા:"લોકેશકુમાર, તમારી ચિંતા બરાબર છે. બાળકથી કાવેરીને જોખમ હોવાનું ડૉકટરે કહ્યું હશે પણ મોરાઇ મા પર મને શ્રધ્ધા છે. એ કોઇનું અહિત કરશે નહીં. એમણે કાવેરીને મા બનવા માટે પસંદ કરી છે તો એ બાળકને જન્મ આપશે અને સ્વસ્થ રહેશે. તમે નાહકની ચિંતા છોડી દો. બધું મોરાઇ મા પર છોડી દો. એમની ઇચ્છા વગર કશું થતું નથી. કાવેરીને સપનામાં પેલી મહિલા આવી હતી એ મોરાઇ મા જ હશે. એના આશીર્વાદથી જ તો આ શક્ય બન્યું છે. હું મોરાઇ માની માનતા માનીશ કે મારી છોકરી અને એના સંતાનને કોઇ આંચ ના આવે. અને છેલ્લા મહિનામાં હું પોતે એની પાસે રહેવા આવીશ. અહીં મોટી હોસ્પિટલ નથી અને ત્યાં સારા ડૉક્ટરો પણ છે એટલે કાવેરીએ ત્યાં જ બાળકને જન્મ આપવાનું નક્કી કરી લીધું છે. મોરાઇ મામાં શ્રધ્ધા રાખી તમે પિતા બનવાની તૈયારી કરો..."

દીનાબેનની વાત સાંભળી લોકેશ સડક થઇ ગયો. તેની કલ્પનાથી વિપરિત જ અહીં વાત થઇ રહી હતી. લસિકાએ કાવેરી પર દુશ્મનાવટ રાખીને જ આ કાવતરું કર્યું છે. તો શું લસિકાએ દીનાબેનનું મગજ પણ ભરમાવી દીધું છે? બંને મા-દીકરીને મોરાઇ માના આશીર્વાદના ભ્રમમાં રાખી પોતાનો બદલો લેવામાં એ સફળ થઇ જશે?

*વધુ હવે પછીના પ્રકરણમાં*

મિત્રો, ઓગષ્ટ-૨૦૨૦ સુધીમાં ૫.૧૫ લાખથી વધુ જેમની ઇ બુક્સ ડાઉનલોડ થઇ ચૂકી છે એ રાકેશ ઠક્કરની 'માતૃભારતી' આયોજિત 'લોંગ સ્ટોરી કોમ્પીટીશન-૨૦૨૦' માં વિજેતા નીવડેલી હોરર નવલકથા 'આત્માનો પુનર્જન્મ' પણ વાંચવાનું ચૂકશો નહીં. અને સૌથી વધુ વંચાયેલી સુપરહિટ નવલકથા 'રેડલાઇટ બંગલો' જો હજુ સુધી વાંચી ના હોય તો જરૂર વાંચી લેશો. આજ સુધી આ વિષય પર આવી નવલકથા તમે વાંચી નહીં હોય. ૪૮ મા પ્રકરણમાં જે રહસ્ય ખૂલે છે અને જે વિચાર વ્યકત થયો છે એ જાણવા જેવો છે. અને એક રહસ્યમય રૂપાળી યુવતીની હીરોઇન બનવાના સંઘર્ષની 'લાઇમલાઇટ' તમને સુપરહિટ ફિલ્મની જેમ છેલ્લે સુધી જકડી રાખશે.