આત્માની અંતિમ ઇચ્છા - ૧૪ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આત્માની અંતિમ ઇચ્છા - ૧૪

આત્માની અંતિમ ઇચ્છા

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૪

ડૉકટરની સલાહ સાંભળવા આતુર કાવેરી અને લોકેશ તેમની સામે જ જોઇ રહ્યા હતા. લોકેશને થયું કે ડૉક્ટર એમ જ કહેશે કે શારીરિક સ્થિતિને જોતાં ગર્ભ રાખવાનું સલામતિભર્યું નથી. અગાઉના ડૉક્ટરોના રીપોર્ટસ પણ એમ જ કહેતા હતા. કદાચ ગર્ભ રાખવા બદલ ડૉક્ટર એમને ઠપકો પણ આપી શકે. લોકેશ એમ ઇચ્છતો હતો કે ડૉકટર કોઇપણ એવી વાત કરે જેથી આ ગર્ભને પાડી નાખવો પડે અને કાવેરીનું જીવન બચી જાય. સલાહ આપવાની વાત કરીને અટકી ગયેલા ડૉક્ટર અગાઉના રીપોર્ટના પાનાં ફેરવતા આગળ બોલ્યા:"...હા, મારી સલાહ છે કે આ બાળક સ્વસ્થ અવતરે એ માટે કાવેરીબેન શક્ય એટલો આરામ કરે. અગાઉના રીપોર્ટ પ્રમાણે ગર્ભ રાખવાનું સલામત ન હતું....પણ હવે જ્યારે ગર્ભ રહી જ ગયો છે ત્યારે સ્થિતિ ઘણી બદલાઇ છે. હાલના ચેકઅપમાં કોઇ મોટું જોખમ દેખાતું નથી. પહેલો પ્રયત્ન કરવામાં વાંધો નથી. દવાઓ લખી આપું છું એ નિયમિત લેવાની અને દર મહિને નિયમિત ચેકઅપ માટે આવી જવાનું. મને પોતાને નવાઇ લાગે છે કે અગાઉના રીપોર્ટસ કરતાં પરિસ્થિતિ જુદી છે. કુદરતનો આ ચમત્કાર જ છે!"

ડૉક્ટરે દવાનું પ્રિસ્ક્રિપ્શન લખીને આપતાં કહ્યું:"લોકેશભાઇ, હવે તમારી જવાબદારી વધારે રહેશે. કાવેરીબેનની બરાબર સંભાળ રાખવાની. એમને વધારે શ્રમ ના પડે અને મનમાં કોઇ આઘાત ના લાગે એનું ધ્યાન રાખવાનું."

કાવેરીએ રસ્તામાં કહ્યું:"લોકેશ, મોરાઇ માએ આપણા પર મોટી કૃપા કરી. અને એ અજાણી મહિલાના આશીર્વાદ પણ ફળ્યા છે. એણે મને બોલાવીને એની કૃપા ના વરસાવી હોત તો હું કદાચ વાંઝણી જ રહી ગઇ હોત. ગયા જનમના કોઇ પુણ્યનો જ આ પ્રતાપ છે...."

લોકેશને કહેવાનું મન થઇ ગયું કે લસિકા ગયા જન્મનો બદલો લઇ રહી છે, એ તને કેવી રીતે સમજાવું? લોકેશના મનમાં ડર વધી રહ્યો હતો. લસિકાએ કાવેરી પર પોતાનો જાદૂ ચલાવી દીધો છે. તે એકસાથે બે જણ પર ઘાત બનીને ત્રાટકવાની તૈયારી કરી છે. લોકેશને થયું કે એણે કોઇક રીતે તો કાવેરીને મોઘમ પણ લસિકાની વાત કરવી જ પડશે. એના જીવનું જોખમ ઉઠાવી ના શકાય.

કાવેરી તો અતિશય ખુશ હતી. તે બાળકની મા બનવા જઇ રહી હતી. ડૉકટર પણ એની ઇચ્છા સાથે હતા. ડૉકટરે જોખમની વાત કરી ન હોવાથી લોકેશ એમ પણ કહી શકતો ન હતો કે તે બાળકને જન્મ ના આપે.

લોકેશે અડધો દિવસ વિચારમાં જ પસાર કર્યો. સાંજે પોતે ચા બનાવીને લઇ ગયો. અને કાવેરીને ઉઠાડી. કાવેરીને આજે બપોરે સારી ઊંઘ આવી ગઇ. હવે પોતાનું મા બનવાનું સપનું પૂરું થઇ રહ્યું હોવાથી તનમન પ્રફુલ્લિત હતા. લોકેશ કાવેરીને ખુશ જોઇને ખુશ થઇ શક્યો નહીં. તેણે મોકો જોઇ કહ્યું:"કાવેરી, આપણે બીજા કોઇ ડૉક્ટરને બતાવી જોઇએ તો? આ ડૉક્ટરની કોઇ ભૂલ પણ થતી હોય. અગાઉના ડૉક્ટરોના રીપોર્ટસ કંઇ સાવ ખોટા ના હોય. હું તારા માટી કોઇ જોખમ લેવા માગતો નથી..."

"તમે તો બહુ ચિંતા કરો છો. ડોક્ટરે ખુદ કહ્યું કે હવે જોખમ નથી...." કાવેરી ચાના ઘૂંટ ભરતાં બોલી.

"કાવેરી, મને તો લાગે છે કે પેલી મહિલા કોઇ તંત્રમંત્રની જાણકાર છે. એણે તને હેરાન કરવા આવો આભાસ ઊભો કર્યો હશે. તારા શરીર પરનું જોખમ એમ રાતોરાત જતું ના રહે. ડૉક્ટરને પણ કોઇ ચમત્કાર જેવું જ લાગ્યું છે. મને તો લાગે છે કે પેલી મહિલા તારી સાથે કોઇ રમત રમી રહી છે. મને તો ભૂત-પ્રેત જેવી તેની હરકતો લાગી છે. તું એની વાતમાં આવીને તારો અને બાળકનો જીવ જોખમમાં મૂકી રહી છે. મારું માન તો આપણે બાળક માટે ઉતાવળ કરવી નથી. મને તારા જીવની બહુ ફિકર થાય છે..."

"હા...હા...હા..." કાવેરી હસીને આગળ બોલી:"મારી માને આ વાતની ખબર પડશે તો એ એમ જ કહેશે કે જમાઇ તો વહુઘેલા છે. કેટલી બધી ચિંતા કરે છે. જો બધા જ પતિઓ આવી ચિંતા કરવા લાગે તો તેમની પત્નીઓ મા બની શકે નહીં. બાળકને જન્મ આપવાની પીડાનો પણ એક આનંદ હોય છે....અને તમે પેલી મહિલા માટે ખોટું વિચારો છો. એને આપણું બૂરું કરવાની શું જરૂર પડી? આપણે આ જન્મમાં કોઇનું કંઇ અહિત કર્યું હોય તો ડર રાખવાનો. અને એ મહિલા તો ગયા જન્મની મારી બહેન હોય એટલો પ્રેમ બતાવી રહી હતી. તમે એ બધું વિચારવાનું જ બંધ કરો અને આવનારા બાળક વિશે વિચારો. ઘરમાં કેવો કિલકિલાટ શરૂ થશે અને આપણું જીવન ખુશીઓથી ભરેલું હશે...."

લોકેશે પોતાના તરફથી બધા જ પ્રયત્ન કરી જોયા પણ કાવેરીના મનમાં એમ ઠસાવવામાં નિષ્ફળ રહ્યો કે બાળકથી એને જોખમ છે.

લોકેશનું મન ભારે રહેતું હતું. કાવેરીની સારસંભાળ માટે એક મહિલાને રાખી લીધી હતી. તે સવારથી સાંજ સુધી કાવેરીનું ધ્યાન રાખતી હતી. દીનાબેને બે-ત્રણ વખત આવી જવા માટે કહ્યું હતું. પણ કાવેરી તેમને ઘણા મહિના સુધી હેરાન કરવા માગતી ન હતી. મહિનામાં એક વખત તે કાવેરીના ખબર અંતર લઇ જતા હતા. કાવેરીએ એમને છેલ્લા મહિનામાં પોતાની પાસે રોકાવા કહી દીધું હતું. કાવેરી નિયમિત દવાઓ લે એનું ધ્યાન રાખવા સાથે ખાવાપીવામાં તે કાળજી રખાવતો હતો. લોકેશ કાવેરીને નિયમિત ડૉક્ટર પાસે લઇ જતો હતો. ડૉકટર કાવેરીના પેટમાં બાળકના થઇ રહેલા વિકાસથી ખુશ હતા. કાવેરીને શારીરિક કે માનસિક કોઇ તકલીફ જણાતી ન હતી. કાવેરીનું શરીર ભરાયું હતું. પણ લોકેશના મનમાં લસિકાનું ભૂત એવું ભરાયું હતું કે જેમજેમ કાવેરીની ડિલિવરીની તારીખ નજીક આવતી જતી હતી એમએમ ડર વધતો જતો હતો. જ્યાં સુધી કાવેરી બાળકને જન્મ ના આપી દે ત્યાં સુધી તેનું મન શાંત પડવાનું ન હતું. લોકેશને નવાઇ લાગી રહી હતી કે છેલ્લા ઘણા મહિનાથી બધું બરાબર કેમ ચાલી રહ્યું છે. લસિકાએ કોઇ હરકત કેમ કરી નથી. શું તે છેલ્લો વાર કરવાની છે?

લોકેશની વાત સાચી પડવાની હોય એમ એક રાત્રે ઘસઘસાટ ઊંઘતો હતો ત્યારે લસિકાનો અવાજ સંભળાયો:"લોકેશ, આવતા મહિને તારી ઊંઘ ઊડી જવાની છે. કાવેરીને હું મારી પાસે બોલાવી લેવાની છું. મારી ઇચ્છા મા બનવાની હતી એ તેં પૂરી કરી નથી. હું કાવેરીની એ ઇચ્છા પૂરી થવા દેવાની નથી. મને કોઇ રોકી શકે એમ નથી. તને સજા આપીને જ હું મોક્ષ મેળવીશ..."

અચાનક લોકેશની આંખ ખૂલી ગઇ. તે પરસેવે રેબઝેબ થઇ ગયો હતો. લસિકાએ તેને પડકાર ફેંકી દીધો હતો. તેણે બાજુમાં જોયું તો કાવેરી ન હતી. સવારના પાંચ વાગ્યા હતા. તે ઊભો થયો અને આખા ઘરમાં ફરી વળ્યો. કાવેરી ક્યાંય ન હતી. તે કાવેરીના નામની બૂમો પાડવા લાગ્યો.

*વધુ હવે પછીના પ્રકરણમાં*

મિત્રો, ઓગષ્ટ-૨૦૨૦ સુધીમાં ૫.૧૫ લાખથી વધુ જેમની ઇ બુક્સ ડાઉનલોડ થઇ ચૂકી છે એ રાકેશ ઠક્કરની 'માતૃભારતી' આયોજિત 'લોંગ સ્ટોરી કોમ્પીટીશન-૨૦૨૦' માં વિજેતા નીવડેલી હોરર નવલકથા 'આત્માનો પુનર્જન્મ' પણ વાંચવાનું ચૂકશો નહીં. અને સૌથી વધુ વંચાયેલી સુપરહિટ નવલકથા 'રેડલાઇટ બંગલો' જો હજુ સુધી વાંચી ના હોય તો જરૂર વાંચી લેશો. આજ સુધી આ વિષય પર આવી નવલકથા તમે વાંચી નહીં હોય. ૪૮ મા પ્રકરણમાં જે રહસ્ય ખૂલે છે અને જે વિચાર વ્યકત થયો છે એ જાણવા જેવો છે. અને એક રહસ્યમય રૂપાળી યુવતીની હીરોઇન બનવાના સંઘર્ષની 'લાઇમલાઇટ' તમને સુપરહિટ ફિલ્મની જેમ છેલ્લે સુધી જકડી રાખશે.