આત્માની અંતિમ ઇચ્છા
-રાકેશ ઠક્કર
પ્રકરણ-૧૦
લોકેશની હાલત કફોડી હતી. ડાબો હાથ લોખંડના એંગલમાં ફસાઇ ગયો હતો અને જમણો હાથ લસિકાના ડાબા હાથમાં હતો. એ હાથમાંથી લસિકા લપસી ચૂકી હતી. તેનું શરીર લોકેશના જમણા હાથ પર બે ક્ષણ અટકીને નદીના ધસમસતા પ્રવાહમાં પડી રહ્યું હતું.... લોકેશ લસિકા સાથે જીવનનો અંત લાવી દેવાની કસમ નિભાવી શકયો નહીં. તેનો હાથ એંગલમાં ખરાબ રીતે ફસાઇ ગયો હતો. લોકેશ અને લસિકાને હાથ પકડીને નદીમાં ઝંપલાવતા જોઇ ડ્રાઇવર ડઘાઇને થોડે દૂર ઊભો રહી ગયો. તેણે બંનેને પાણીમાં પડતા જોઇ તરત જ પાછા વળી બંને જાડા માણસોને આગળ વધતા અટકાવ્યા અને કહ્યું:"ચાલો પેલી બાજુ...બંનેએ પાણીમાં ઝંપલાવ્યું છે. આસપાસમાં કિનારો હોય તો તેમને બચાવવાનો પ્રયત્ન કરીએ..."
લોકેશને ડ્રાઇવરના શબ્દો અડધા-પડધા સંભળાયા. અને ખ્યાલ આવી ગયો કે તેમણે લસિકા સાથે તેને પણ નદીના પાણીમાં કૂદી જતો જોયો છે. હવે શું કરવું એ લોકેશને સમજાતું ન હતું. તે થોડીવાર તો ફસાયેલા હાથ સાથે લટકાઇને બીજો હાથ એંગલ સાથે પકડી ઉપર ચઢવાનો પ્રયત્ન કરતો રહ્યો... પછી બૂમ પાડવા લાગ્યો. લોકેશની ગણતરી હતી કે રેખા ત્યાં આવશે તો તેની બૂમ સાંભળશે. રેખા ત્યાં આવી પહોંચી જ હતી. રેલ્વે ટ્રેકવાળા પુલ પાસે આવીને તે લોકેશ અને લસિકાને શોધી રહી હતી. અચાનક તેના કાને લોકેશનો અવાજ સંભળાયો. તે દોડીને લોકેશ પાસે પહોંચી ગઇ. કોઇ ટ્રેન આવતી ન હતી. છતાં રેખા સાવધાનીથી આગળ વધી. તેણે નજીક જઇને જોયું તો લોકેશ લટકતો હતો. તેણે લોકેશને જમણો હાથ આપવા કહ્યું. લોકેશે રેખાના હાથમાં જમણો હાથ આપ્યો એટલે તેને ઉપર ખેંચવાનો પ્રયત્ન કર્યો. જેવું લોકેશનું શરીર થોડું ઉપર તરફ થયું કે તેનો ફસાયેલો ડાબો હાથ થોડો ખુલ્લો થયો. તેણે રેખાને ડાબો હાથ ઉપર લેવા કહ્યું. રેખાએ હાથ થોડો ઉપર ખેંચ્યો અને બહાર નીકળી ગયો. લોકેશ રેખાની મદદથી ઉપર આવી ગયો. કોઇ ટ્રેન આવે એ પહેલાં બંને દોડીને બહાર નીકળી ગયા.
રેખાએ શ્વાસ પણ લીધા વગર પહેલો પ્રશ્ન કર્યો:"લસિકા ક્યાં છે?"
લોકેશ રડવા જેવો થઇ ગયો. તેણે આખી કહાની સંભળાવી. અને લસિકાને બચાવવા પોતે નદીમાં કૂદી પડવા માગતો હોય એમ નજીક જવા લાગ્યો. રેખાએ એને રોક્યો:"લોકેશ, આટલા ધસમસતા પ્રવાહમાં લસિકા ક્યાંને ક્યાં પહોંચી ગઇ હશે." રેખાના કહેવાનો એક અર્થ એ પણ હતો કે એ ભગવાનને ત્યાં પહોંચી ગઇ હશે?
લોકેશની નજર નદી પર પડી. તેણે જોયું કે બે માણસો હોડી લઇને ફરી રહ્યા છે. તે સમજી ગયો કે હિમ્મતસિંહના માણસો લસિકાને શોધી રહ્યા છે. લોકેશ રેખા સાથે જ ત્યાં છુપાઇને એ લોકોને જોતો રહ્યો. એ હોડીમાંથી એક માણસ અંદર પડી શોધખોળ કરીને ખાલી હાથે પાછો આવ્યો. લોકેશના હાથમાં થોડી ઇજાને કારણે લોહી નીકળ્યું હતું ત્યાં રેખાએ હાથરૂમાલથી પાટો બાંધી દીધો હતો. લોકેશને થયું કે તે વચન નિભાવી શક્યો નહીં. અફસોસ કરતો તે નિરાશ ચહેરે બેસી રહ્યો. ઘણી શોધખોળ પછી પેલી હોડી કિનારે જતી રહી.
રેખા કહે:"લોકેશ, તું અહીંથી પાછો ચાલ્યો જા. લસિકાના પિતાના માણસોને ખબર પડશે કે તું જીવતો છે તો તને છોડશે નહીં..."
લોકેશને રેખાની વાત સાચી લાગી. તે વળતી ટ્રેન પકડીને જેસવાડા પહોંચી ગયો. બે દિવસ પછી તેણે રેખાને ફોન કરીને પૂછયું ત્યારે ખબર પડી કે નદીમાંથી એક યુવતીની લાશ મળી હતી. એ લસિકાની જ છે કે નહીં એની સ્પષ્ટતા થઇ નથી. પોલીસ તપાસ કરી રહી છે. લોકેશને થયું કે લસિકા તો ચાલી ગઇ. પોતે જન્મોજનમ તેને સાથ આપવાનું વચન નિભાવી શક્યો નથી. લોકેશને પહેલાં તો થયું કે હું પણ જીવ આપીને તેની સાથે ઉપર ચાલ્યો જાઉં. પણ તે મૃત્યુથી ડરતો હતો. તેને મોતનો ડર લાગતો હતો. એટલે જ તે ઝનૂનથી લસિકા સાથે નદીમાં કૂદી શક્યો નહીં હોય. કદાચ તેની સાથે કૂદી પડયો હોત તો બચાવી શક્યો હોત. લસિકાનો પિતાના ડરથી જીવનનો અંત લાવી દેવાનો નિર્ણય કાચો અને ઉતાવળો હતો. એમાં પરિપકવતાનો અભાવ હતો. સમય અને સંજોગો જ એવા હતા કે પોતે બહાવરો બની ગયો અને લસિકાને સાથ આપી દીધો. અને એ તો મા બનવાની હતી. એણે આ વાત મને પહેલાં કહી હોત તો કેટલું સારું હતું. જીવવા માટેનું એક કારણ મળી જાત. આ વાત જાણીને તેના પરિવારના લોકોએ કદાચ અમને સ્વીકારી લીધા હોત. હવે આ બધું વિચારવાનો કોઇ અર્થ ન હતો.
લસિકાની યાદમાં તેણે થોડા દિવસો કાઢ્યા. પછી તેને ભૂલીને જીવનમાં આગળ વધવા લાગ્યો.
ખટ ખટ...દરવાજો કોઇ ઠોકતું હોય એમ લાગતાં લોકેશ ભૂતકાળના વિચારોમાંથી બહાર આવ્યો. લસિકા સાથેની જીવનયાત્રાના એ દિવસોની યાદ તેને ઘણા વર્ષો પછી આવી હતી. જો કાવેરીને સપનામાં લસિકા ના આવી હોત તો એ યાદ આવી ન હોત. ખટ...ખટ.. ફરી દરવાજાની કડી ખખડી.
તેણે ઊભા થઇને દરવાજો ખોલ્યો ત્યારે ગેસ્ટ હાઉસનો માણસ ચા લઇને ઊભો હતો. લોકેશે ચા લઇને ઝટપટ પી લીધી અને લાઇબ્રેરી પર જવા તૈયાર થઇ ગયો.
લોકેશ પહોંચ્યો ત્યારે લાઇબ્રેરી ખૂલી ગઇ હતી. લોકેશને થયું કે ધક્કો સફળ થશે. તે લાઇબ્રેરીયનને મળ્યો અને જૂના અખબાર જોવાની વાત કરી. તેણે એ વાતની ખાતરી કરવી હતી કે લસિકા ખરેખર મરી ગઇ છે કે નહીં? જો તેના મરણની સાચી તારીખ મળી જાય તો તેનો મરણનો દાખલો મેળવીને ચોક્કસ કહી શકાય એમ હતું. લોકેશની વર્ષો જૂના અખબારની માગણીથી લાઇબ્રેરિયનને નવાઇ લાગી. તેણે સ્પષ્ટ કહી દીધું કે છ માસથી વધારે જૂના અખબારો તેમની પાસે નથી. દર છ માસે અખબારો પસ્તીમાં વેચી દેવામાં આવે છે. લોકેશ નિરાશ થઇ ગયો. તે લસિકા વિશે જાણ્યા વગર પાછો જવા માગતો ન હતો. તેણે લાઇબ્રેરીમાં આમતેમ નજર દોડાવી. અચાનક તેની નજર એક કોમ્પ્યુટર પર મારેલા બોર્ડ પર પડી. તેમાં લખ્યું હતું કે 'ઇ લાઇબ્રેરી ઉપલબ્ધ છે'
લોકેશ તરત એ કોમ્પ્યુટર પર પહોંચી ગયો અને તેના ઉપયોગ માટે મંજૂરી લઇ લીધી. લોકેશ 'ઇ લાઇબ્રેરી'માં અખબારો અને મેગેઝીનોના જૂના અંકની ફાઇલો જોવા લાગ્યો. તેણે જોયું કે લસિકાના મૃત્યુની સંભવિત તારીખની આસપાસના સમયગાળાના અખબારોની ડિજિટલ આવૃત્તિનો એમાં સંગ્રહ કરવામાં આવ્યો હતો. તેણે એક પછી એક અખબારો જોવાનું શરૂ કર્યું. તે સમયના અખબારોના જિલ્લાના સમાચારો પર ધારદાર નજર નાખતો રહ્યો. અચાનક એક સમાચારના મથાળા પર નજર સ્થિર થઇ ગઇ.
"નદીમાંથી મળી આવેલી યુવતીની લાશથી શહેરમાં ચકચાર" ના મથાળા હેઠળની એ સ્ટોરીને લોકેશ ધ્યાનથી વાંચવા લાગ્યો. એમાં જે વિગતો હતી એ લસિકાને મળતી આવતી હતી. તેની ઓળખ થઇ શકી ન હોવાનું લખ્યું હતું. લોકેશને થયું કે લાશનું પોસ્ટમોર્ટમ થનાર હોવાનું લખ્યું હોવાથી જો કોઇ વિશેષ વાત હશે અને પત્રકાર હોંશિયાર હશે તો આ કેસમાં આગળ કોઇ સમાચાર આવ્યા હશે. લોકેશે એ પછીના પંદર દિવસના અખબારો જોયા અને એક સમાચાર પર આંખ ફાટી ગઇ. "યુવતીની લાશના પોસ્ટમોર્ટમ બાદ મા બનવાની હોવાનું બહાર આવ્યું" મથાળા સાથેના એ સમાચારમાં એવી શક્યતા વ્યક્ત થઇ હતી કે કોઇ યુવાને તેને પ્રેમજાળમાં ફસાવીને ગર્ભવતી બનાવી છોડી દીધી હોવાથી આત્મહત્યા કરી લીધી હશે....
અહેવાલ વાંચીને લોકેશને આંચકો લાગ્યો. એ સમાચારનો મોબાઇલમાં ફોટો લઇ લાઇબ્રેરીયનનો આભાર માની તે ગેસ્ટ હાઉસ પર આવી ગયો.
લોકેશને થયું કે કાવેરીના સપનામાં આવી તેની મા બનવાની ઇચ્છા પૂરી કરવાના આશીર્વાદ આપવા પાછળ લસિકાનો શો ઇરાદો હશે? તે મા બની શકી ન હતી અને કાવેરી મા બની શકે એમ નથી. શું તે કોઇ બદલો લેવા મારી પાછળ પડી છે? એ મરી ગઇ અને હું જીવતો રહી ગયો છું. તેને એમ લાગતું હશે કે મેં વિશ્વાસઘાત કર્યો છે. પણ હું તો તેની સાથે જ પાણીમાં પડવા જતો હતો. લસિકાની સાથે મરવાની વાતનો મેં વિરોધ કર્યો ન હતો. મારી જીવનરેખા લાંબી હતી અને હું બચી ગયો... લોકેશને રેખા યાદ આવી ગઇ. કદાચ રેખાને પાછળથી કોઇ વાતની ખબર પડી હોય તો... લોકેશનો રેખા સાથે એ પછી કોઇ સંપર્ક થયો ન હતો. તેના ફોનનો નંબર પણ હવે ન હતો. લોકેશ તૈયાર થઇને રેખાને શોધવા નીકળી પડયો. રેખાને શોધવાનું મુશ્કેલ ન હતું. તેના ગામ પાસે જઇને બે-ત્રણ જણને પૂછ્યું કે તરત જ તેના ઘરનું સરનામું મળી ગયું.
લોકેશ રેખાના ઘર પાસે જઇને ઊભો રહ્યો. દરવાજો ઉઘાડો હતો. તેણે બારણું ખખડાવ્યું. રેખા જ બહાર આવી. લોકેશને તે ઓળખી ગઇ. અને બોલી:"આવ...આવ..."
"હં...જરા મળવું હતું..." લોકેશ સંકોચ સાથે બોલ્યો.
"અંદર આવ! કોઇ નથી!" રેખા પાણીનો ગ્લાસ ભરતાં બોલી.
લોકેશ ડરતો હોય એમ અંદર પ્રવેશ કરી પ્લાસ્ટિકની એક ખુરશી પર બેઠો.
પાણીનો આખો ગ્લાસ લોકેશ પી ગયો. લસિકાની વાત કેવી રીતે કરવી એ સમજાતું ન હતું. આમતેમ એક-બે વાત કરીને લોકેશે આખરે લસિકા વિશે પૂછ્યું:'...પછી લસિકાનું શું થયું હતું?"
"તારે લસિકાને મળવું છે? ગયા અઠવાડિયે જ મને મળી હતી...." કહી રેખા તેની સામે ધારીને જોવા લાગી.
લોકેશ તો તેની વાત સાંભળીને મનોમન ગભરાયો. તેના દિલની ધડકન વધી ગઇ.
*વધુ હવે પછીના પ્રકરણમાં*
મિત્રો, પાંચ લાખથી પણ વધુ જેમની બુક્સ ડાઉનલોડ થઇ ચૂકી છે એ રાકેશ ઠક્કરની માતૃભારતી આયોજિત 'લોંગ સ્ટોરી કોમ્પીટીશન-૨૦૨૦' માં વિજેતા નીવડેલી હોરર નવલકથા 'આત્માનો પુનર્જન્મ' પણ વાંચવાનું ચૂકશો નહીં.