Aatmani antim ichchha - 9 books and stories free download online pdf in Gujarati

આત્માની અંતિમ ઇચ્છા - ૯

આત્માની અંતિમ ઇચ્છા

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૯

લસિકાએ પોતાને ઓળખતી ન હોવાની વાત કરી એ સાંભળી લોકેશ તો આભો જ બની ગયો. પોતે કોઇ અજાણી છોકરીની છેડતી કરી હોય એ રીતે લસિકા ગુસ્સે થઇ રહી હતી. આ એ જ લસિકા છે જેને જીવ જોખમમાં મૂકીને તળાવમાં ડૂબતાં પોતે બચાવી હતી? એ દિવસે પોતાની સાથે પ્રેમની વાતો કરનારી આ એ જ લસિકા છે કે બીજી કોઇ? જેના નામના જાપ જપતાં મારું દિલ ધડકી રહ્યું છે એ લસિકા મને આજે હડધૂત કેમ કરી રહી છે? જેની સાથે સાત જનમનો સંબંધ બાંધવાનું વિચારતો રહ્યો એ લસિકા સાથે આજે ઓળખાણ પણ રહી નથી? લોકેશના મનમાં અનેક વિચાર ઘૂમરાવા લાગ્યા. ત્યાં લસિકાનો અવાજ આવ્યો અને એ જાતને સંભાળતા સાંભળવા લાગ્યો.

લસિકા રોડ તરફ હાથ ચીંધીને બોલી રહી હતી:"....ઓ મિસ્ટર, આમ રોડ પર ધ્યાનમાં ઊભા રહ્યા છો કે શું? મેં તમને કહ્યું ને કે ભાગો અહીંથી.... અને હા, સાંભળો, તમે જે જગ્યાનું પૂછો છો એ.... સામે જાય છે તે રોડ પૂરો થાય ત્યાં મોટું બહુમાળી બિલ્ડિંગ છે. એ બિલ્ડિંગના ટેરેસ પર તમને એ મળી જશે. બસ અડધો કલાક લાગશે..."

"ઓહ! ઓહ! સોરી...થેન્ક યુ..." કહી વાત સમજી ગયેલો લોકેશ થોડે દૂર રસ્તાની બાજુમાં પાર્ક કરેલી મિત્રની બાઇક સુધી પહોંચી ગયો. અને પાછળ ફરીને જોયું જ નહીં. તે બાઇક પર બેઠો અને પછી આડી નજરે જોયું ત્યારે લસિકા ત્યાં ન હતી. આટલીવારમાં તે ગાયબ કેવી રીતે થઇ ગઇ? તે ખરેખર લસિકા જ હતી ને? લોકેશ વિચારવા લાગ્યો. હા, એ લસિકા જ હતી. નક્કી કોઇ તેની ચોકીદારી કરતું હશે. હું કોઇ ભટકેલો મુસાફર હોઉં એમ મને રસ્તો બતાવવાનો અભિનય કર્યો અને મળવા માટેનો સંકેત પણ આપી દીધો છે. શરૂઆતમાં તેણે ગુસ્સો કરી ઓળખવાનો ઇન્કાર કર્યો અને ભાગી જવા કહ્યું. પછી તેને મળવાની ઇચ્છા હશે એટલે નાટક કરીને રસ્તો બતાવ્યો.

લોકેશે બાઇકને કીક મારી અને લસિકાએ બતાવેલા રસ્તા પર ચલાવવા લાગ્યો. ધીમી ગતિએ તે આગળ વધતો હતો. વીસ મિનિટ પછી તેને એક બહુમાળી બિલ્ડિંગ દેખાઇ. તેને થયું કે લસિકાને આજે એકલા જરૂર મળી શકાશે. બહુ સાવધાની રાખવી પડશે. તેણે બાઇકને બિલ્ડિંગથી પહેલાં એક શોપિંગ સેન્ટરની દુકાન પાસે પાર્ક કરી. તે ચાલતો એ બિલ્ડિંગ સુધી પહોંચ્યો. લિફ્ટમાં ગયો અને જોયું તો એકવીસ માળ સુધી જવાય એમ હતું. તેણે પંદરમો માળ પસંદ કર્યો. તે પંદરમા માળ પર ઉતરી ગયો. એ જ રીતે સોળમા અને અઢારમા માળ પર ઉતરીને છેલ્લે એકવીસમા માળ ઉપર પહોંચી ગયો. જેથી કોઇ પીછો કરતું હોય તો ગૂંચવાઇ જાય. લોકેશની જેમ જ લસિકા પણ વારંવાર માળ બદલતી વીસમા માળ પર પહોંચી અને નજર રાખતી દાદરા ચઢીને ટેરેસ ફ્લોર પર પહોંચી ગઇ. જ્યાં લોકેશ તેની જન્મોજનમથી રાહ જોતો હોય એમ આતુરતાથી ઊભો હતો. લસિકાને જોઇ તેને ભેટવા દોડ્યો. લસિકાએ તેને હાથના ઇશારાથી નજીક આવતાં રોક્યો. દૂરથી જ બોલી:"ત્યાં જ ઊભો રહે. બિલ્ડિંગના સીસીટીવી કેમેરા ચાલતા હશે તો આપણા બંને પર જોખમ ઊભું થશે. જો, મારી પાસે બે મિનિટ છે. મારા પપ્પાનો માણસ મારા પર નજર રાખે છે. હું તારા વગર જીવી શકું એમ નથી. મને અહીંથી લઇ જા...."

લસિકાની આંખો સાથે સ્વર ભીનો થઇ ગયો. લોકેશ પણ ભાવુક થઇ ગયો:"લસિકા, હું પણ તારા વગર જીવી શકું એમ નથી. તારા પિતાની કેદમાંથી તને કેવી રીતે છોડાવું?"

"કામ મુશ્કેલ છે પણ અસંભવ નથી. પ્રેમ કરનારા કોઇનાથી ડરતા નથી. જો, દરરોજ હું આ બિલ્ડિંગમાં જીમમાં આવું છું. અત્યારે હું જીમમાંથી બહાનું બનાવીને અહીં આવી છું. તું કાલે આ જ સમય પર મુસ્લિમ મહિલાના કપડાં લઇને આવજે. હું કપડાં બદલી રેલ્વે સ્ટેશન પર આવી જઇશ. ત્યાંથી આપણે ગમે ત્યાં ભાગી જઇશું..." બોલીને લસિકા એક ક્ષણના વિલંબ વગર દાદર ઉતરીને જાણે લિફટમાં અદ્રશ્ય થઇ ગઇ. લોકેશે લિફ્ટમાં નીચે જવાને બદલે દાદર ઉતરવાનું મુનાસિબ માન્યું.

તેણે ચાલતાં-ચાલતાં પોતાની બાઇક પાસે જતાં સુધીમાં બધું વિચારી લીધું. તેણે કંપનીમાં વાત કરી બીજી જે કોઇ શાખામાં જગ્યા હોય ત્યાં બદલી કરાવવાનું નક્કી કરી લીધું. લોકેશે સમય બગાડ્યા વગર કંપનીના મેનેજરને ફોન કર્યો અને પોતાને સામાજિક કારણથી શહેર બદલવાની જરૂર હોવાથી શાખા બદલી આપવા આજીજી કરી. મેનેજર સારો હતો. તેણે બીજી શાખાઓમાં તપાસ કરી જેસવાડા શહેરમાં તેને બદલી કરી આપવાની સંમતિ આપી દીધી.

બીજા દિવસે લસિકા સાથે નક્કી થયા મુજબ તે પહોંચી ગયો. ટેરેસ પર લસિકા આવી ગઇ અને તેણે પોતાના પેન્ટ અને ટીશર્ટ પર જ બુરખા સાથેનો ડ્રેસ પહેરી લીધો. બંને થોડા સમયના અંતરે બિલ્ડિંગની બહાર નીકળી રેલ્વે સ્ટેશન પર પહોંચી ગયા. ટ્રેન ઉપડવાની તૈયારી હતી. બંને અલગ કોચમાં બેઠા. ત્રણ સ્ટેશન પછી ઉતરીને બીજી ટ્રેન બદલવાનું નક્કી કર્યું હતું. એ પ્રમાણે બંને ત્રીજા સ્ટેશને ઉતરી ગયા. ત્યાંથી ટ્રેનમાં જેસવાડા જવા સાથે બેઠા ત્યારે બંનેના દિલમાં રાહત થઇ.

કલાકોથી ચૂપ રહેલા બંને દિલ ખોલીને વાત કરવા લાગ્યા. લસિકાની વાત સાંભળવા લોકેશ આતુર હતો. લસિકાએ વાત માંડતા કહ્યું કે જે દિવસે લોકેશે તેનો જીવ બચાવ્યો એની વાત મમ્મી-પપ્પાને કરી ત્યારે તેઓ ખુશ થઇ ગયા. પણ લોકેશ સાથે પ્રેમ હોવાની અને એને જીવન બચાવનાર આ યુવાનને જીવનસાથી બનાવવા માગે છે એવી વાત કરી ત્યારે પપ્પાનો ગુસ્સો ફાટી નીકળ્યો. કેમકે મારા બાળપણમાં લગ્ન નક્કી થઇ ગયા હતા. આ જમાનામાં હવે સમાજના એ નિયમોને આમ તો કોઇ માનતું નથી. જો બંને પક્ષને અનુકૂળ હોય તો જ લગ્નની વાત આગળ વધે છે. અને એ પણ અમુક જ્ઞાતિમાં જ આ નિયમો રહી ગયા છે. પપ્પા આ બાબતે જિદ્દી છે. તેમને ખબર પડી કે હું તને છોડીશ નહીં એટલે તેમણે રાતોરાત ધંધો સમેટીને ભાવનગર વતન તરફ શીફ્ટ થઇ જવાનું નક્કી કર્યું. મેં થોડો વિરોધ કર્યો પણ મારું કંઇ ચાલ્યું નહીં. સારું થયું કે તું મને શોધતો આવી ગયો. આપણે થોડા સમય માટે છુપાયેલા રહીશું. પછી આગળ જોયું જશે.

લોકેશે જેસવાડામાં નોકરી શરૂ કરી દીધી. અને લસિકા સાથે રહેવા લાગ્યો. લસિકા લોકેશને પ્રેમ કરતી હતી પણ તેણે નક્કી કર્યું હતું કે લગ્ન પછી જ પતિ-પત્ની તરીકે જીવશે. અત્યારે બંને મિત્ર તરીકે જ રહેશે. એકબીજાને સમજવા થોડો સમય આપવો જરૂરી છે. અલબત્ત સંબંધ બાંધ્યા વગર રોમાન્સ કરવાની છૂટ હતી. લોકેશને કોઇ વાંધો ન હતો. પણ એક રાત્રે બંને ભાન ભૂલી ગયા હતા. એકબીજા વચ્ચે અંતર જાળવતાં ક્યારે એકબીજામાં ઓતપ્રોત થઇ ગયા અને લોથપોથ થઇ સૂઇ ગયા તેનું ધ્યાન જ ના રહ્યું. બંને એ રાતને પછી ભૂલી જ ગયા. ભૂલ બંનેની હતી એટલે તેને યાદ કરતા ન હતા. લોકેશ સમય વીતવાની રાહ જોતો હતો. લસિકા કહે ત્યારે કોર્ટમાં જઇ લગ્ન કરવાના હતા.

એક દિવસ લસિકાએ તેની બહેનપણી રેખાને મળવા સગવારા ગામ જવાની ઇચ્છા વ્યક્ત કરી. લોકેશને ત્યાં જવામાં જોખમ લાગ્યું. તેણે નજીકના કોઠારિયા ગામમાં જઇ ત્યાં તેને બોલાવવાની વાત કરી. લસિકા સંમત થઇ ગઇ. બંને કોઠારિયા ગામ આવી પહોંચ્યા. લોકેશે ત્યાંથી રેખાને બોલાવવા ફોન કર્યો. લોકેશ અને લસિકાએ કોઠારિયા ગામ પાસેની એક નદી પર રેખાને મળવા બોલાવી. આ નદી પર ટ્રેનનો પુલ હતો. નદી નાની જ હતી. પુલ નજીકના એક ખુલ્લા ભાગ પાસે બંને ઊભા રહીને રેખાની રાહ જોતા હતા. ત્યાં દૂર એક કાર આવી. એમાંથી બે પહેલવાન જેવા માણસ નીકળ્યા. ડ્રાઇવરે બહાર નીકળીને દૂરથી મોટા સ્વરે કહ્યું:"જુઓ, આ એજ છે બંને..."

લોકેશ અને લસિકાને ડ્રાઇવરનો અવાજ સંભળાયો અને બંને ચોંકી ગયા. તેમને સમજતા વાર ના લાગી કે આ હિમ્મતસિંહના જ માણસો છે અને તેમને પકડવા આવ્યા છે. તેમના ગામ નજીક વોચ ગોઠવીને દિવસોથી બેઠા હશે. લોકેશે તરત જ લસિકાનો હાથ થામી લીધો. લસિકા બોલી:"લોકેશ, આ લોકો આપણાને પકડીને મને તારાથી અલગ કરી દેશે. ભલે આપણે સાથે જીવી શકવાના નથી તો સાથે મરી તો શકીએ ને? ચાલ, પુલ પરથી આ નદીમાં ઝંપલાવીએ..."

લોકેશ તો લસિકાની વાત સાંભળી નવાઇ પામી ગયો. તેની પાસે વાત કરવાનો કે વિચારવાનો સમય ન હતો. લસિકાએ તેનો હાથ પકડી રેલ્વે ટ્રેક પર દોડ લગાવી. લોકેશ પાછળ ખેંચાયો. પેલા ત્રણ જણને ખ્યાલ આવી ગયો કે બંને ભાગી રહ્યા છે એટલે તેમણે દોડવાનું શરૂ કર્યું. લસિકાએ રેલ્વે પુલ પર વચ્ચે આવતા એક લોખંડના એંગલના સ્ટેન્ડ પર ઊભા રહી લોકેશનો જમણો હાથ પોતાના ડાબા હાથમાં મજબૂતીથી પકડી લીધો. લસિકાએ પોતાનો જમણો અને લોકેશે પોતાનો ડાબો હાથ પુલના તોતિંગ લોખંડ સાથે પકડી નીચે કૂદવાની તૈયારી કરી. લસિકા એક ક્ષણ માટે અટકી અને પોતાનો જમણો હાથ પેટ પર ફેરવતા બોલી:"લોકેશ, મારા બાળકને જન્મ આપવાની ઇચ્છા હતી એ અધુરી રહી જશે. હું તને આજે જ કહેવાની હતી કે મારા પેટમાં કંઇક ફરકે છે. આપણું બાળક આવવાનું છે. પણ કુદરતને બીજું જ મંજુર છે. ચાલ એક-બે-ત્રણ કરી આ ચાર દિવસની જિંદગીને અહીં જ પૂરી કરી દઇએ. આપણે નદીમાં તરવાનું નથી. ડૂબી જવાનું છે. અને જીવનના પેલે પાર મળવાનું છે. હવે પછીના જન્મમાં પાછા સાથે જરૂર મળીશું અને હું મારી ઇચ્છા પૂરી કરીશ...." કહી જમણા હાથથી ફરી એંગલ પકડી અને લોકેશને બોલવાની તક આપ્યા વગર નજીક આવતા ત્રણ જણ આંબી જાય એ પહેલાં "એક....બે...અને ત્રણ..." બોલી એણે નદીમાં ઝંપલાવ્યું. લોકેશને સમજાતું ન હતું કે આટલું ઝડપથી શું થઇ રહ્યું છે. તેને વધારે કંઇ વિચારવાનો સમય જ ના મળ્યો. તેણે લસિકા સાથે નદીમાં ઝંપલાવ્યું. લસિકાએ જમણો હાથ છોડીને ઝંપલાવ્યું તેની સાથે લોકેશનું શરીર ખેંચાયું. વિચાર કરવા રોકાયેલા લોકેશનો ડાબો હાથ લોખંડના એંગલ પરથી જલદી છૂટ્યો નહીં. અને એંગલ પર હાથ પકડીને તે ઢસડાયો. જમણા હાથમાં લસિકાનું શરીર હતું અને ડાબો હાથ છૂટ્યો નહીં. એંગલમાં નીચે ઘસડાયા પછી બીજી આડી એંગલમાં હાથ ફસાઇ ગયો. કારમાં આવેલા ત્રણમાંથી બે જાડા માણસો થોડે દૂર હતા પણ ડ્રાઇવર તેમની નજીક આવી ગયો હતો...

*વધુ હવે પછીના પ્રકરણમાં*

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED