Aatmani antim ichchha - 11 books and stories free download online pdf in Gujarati

આત્માની અંતિમ ઇચ્છા - ૧૧

આત્માની અંતિમ ઇચ્છા

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૧

રેખાને ગયા અઠવાડિયે લસિકા મળી હતી? કેવી રીતે? તેના મોતને તો વર્ષો વીતી ગયા છે? તો પછી શું લસિકા ખરેખર જીવે છે? રેખાની વાત સાંભળીને લોકેશના હોશકોશ ઊડી ગયા હોય એવી સ્થિતિ હતી. તેના કપાળ પર પ્રસ્વેદ બિંદુઓ ફૂટી નીકળ્યા હતા. તેના દિલમાં ગભરાટ છે એનો અણસાર ચહેરો કહી રહ્યો હતો. રેખા લોકેશની આ સ્થિતિને સ્થિતપ્રજ્ઞની જેમ જોઇ રહી હતી. તે લોકેશના જવાબની રાહ જોઇ રહી હતી. લોકેશને થયું કે લસિકાના મૃત્યુની નોંધ થઇ છે કે નહીં તેની શોધ કરી રહ્યો છે એ વાતની રેખાને ખબર પડવી જોઇએ નહીં. તેણે કપાળ પરનો પરસેવો લૂછતા સ્વસ્થ હોવાનો ડોળ કરી પૂછ્યું:"અચ્છા, ગયા અઠવાડિયે મળી હતી? અત્યાર સુધી ક્યાં હતી?"

લોકેશના સવાલનો જવાબ આપતાં રેખા બોલી:"હં...એ મને ગયા અઠવાડિયે મળી હતી. પણ... એ હકીકત હતી કે સપનું એ હજુ હું નક્કી કરી શકી નથી..."

"મને સમજ ના પડી. તું વિગતવાર વાત કર તો ખબર પડે. તને તો ખબર છે કે અમે નદીમાં સાથે ઝંપલાવ્યું હતું અને એ પડી ગઇ હતી. તેં જ તો મને બચાવવામાં મદદ કરી હતી. એ પછી લસિકાના મને કોઇ સમાચાર નથી. તારી સાથે પણ એ વખતે એક-બે વાર વાત થઇ હતી એ જ. તારી સાથેનો સંપર્ક તૂટી ગયા પછી લસિકા વિશે મેં કોઇ સાથે વાત જ કરી નથી. આ તરફ આવ્યો હતો એટલે થયું કે તને મળતો જાઉં. અને લસિકા વિશેની એ પછીની કોઇ માહિતી હોય તો જાણતો જાઉં." લોકેશે પોતાના આગમનનો હેતુ સ્પષ્ટ કરી દીધો.

"એ પછી તો લસિકા વિશે કોઇ માહિતી જ મળી નથી. અખબારોમાં કંઇક આવ્યું હતું કે કોઇ યુવતીની લાશ મળી છે. એ લસિકાની જ છે એવી કોઇ જાણકારી નથી. પોલીસે એ લાશ વિશે કેટલી તપાસ કરી એ બાબતે જાણવા મળ્યું નથી. એક અઠવાડિયા પહેલાં લસિકા સાથે મારી જે રીતે વાત થઇ એ પરથી મને લાગે છે કે એ જીવતી હોય શકે?!" રેખા કોઇ વિચારમાં હોય એમ બોલી.

"શું વાત કરે છે? તને એ ક્યાં મળી હતી?" લોકેશનું કૂતુહલ ઉછાળા મારી રહ્યું હતું.

"લસિકાને તો હું ઘણી વખત યાદ કરતી રહી છું. મારી ખાસ બહેનપણી હતી. મને તો એમ લાગે છે કે એણે નદીમાં ઝંપલાવવાની ભૂલ કરી હતી. હું ત્યાં વહેલી આવી પહોંચી હોત તો આમ બન્યું ના હોત. મેં એને રોકી લીધી હોત. તારી પરિસ્થિતિ હું સમજી શકું છું. અને એનો સ્વભાવ જાણું છું. એ જિદ્દી છે. પોતાના મનનું ધાર્યું કરે છે. હં...તો એ દિવસે હું ઘરમાં કોઇ કામ કરતી હતી. ત્યાં દરવાજો ખખડ્યો. મને એમ કે અડોશ પડોશમાંથી કોઇ હશે. મેં દરવાજો ખોલ્યો તો લસિકા હતી. મને નવાઇ લાગી. મેં એને આવકાર આપ્યો. અને પહેલું જ પૂછી લીધું:"લસિકા, તું આટલા સમયથી ક્યાં હતી? તું કેવી રીતે બચી ગઇ?"

એ થોડીવાર સુધી મારી સામે અપલક જોઇ રહી પછી બોલી:"શું કહું બહેન? નદીના વહેણમાં હું બહુ આગળ વહી ગઇ હતી. એક જંગલ જેવા વિસ્તારમાં બેભાન થઇને પડી હતી. ત્યાંના સ્થાનિક માછીમારો મને દવાખાને લઇ ગયા. મારા શરીરમાંથી પાણી કાઢીને સારવાર આપી. હું સાજી થઇ ગઇ. મને ખબર પડી કે હું કોઇ બીજા રાજ્યની આદિવાસી વસ્તીમાં આવી ગઇ છું. ત્યાંથી બહાર નીકળીને અહીં સુધી આવવામાં ન જાણે કેટલા મહિનાઓ નીકળી ગયા. એ લોકોએ મારી સારી સંભાળ લીધી ના હોત તો હું બચી શકી ન હોત. તું કહે કેવી છે? અને લોકેશ તો મારી સાથે પાણીમાં પડ્યા પછી ક્યાં ગયો એની ખબર જ ના પડી. અમે નક્કી કર્યું હતું એટલે એ બિચારો તો તરવાનો ન હતો. અમારું વચન પૂરું કરવાનું છે. લોકેશ મરી ગયા પછી દેખાતો નથી. તેને કેવી રીતે શોધું?"

"લસિકા, એ તો બચી ગયો હતો..."

"શું? ખરેખર? તો પછી મને શોધી કેમ નહીં? અત્યારે ક્યાં છે?"

"અમે માન્યું કે તું નદીમાં પડીને મરી ગઇ છે. કોઇ યુવતીની લાશ મળી હોવાના સમાચાર આવ્યા હતા. અને લોકેશ કૂદી પડતી વખતે લોખંડના એંગલમાં હાથ ફસાવાથી અટકી ગયો હતો. મેં એને બહાર કાઢ્યો. એ તારા પિતાના ડરથી નીકળી ગયો. પછી મને મળ્યો જ નથી...."

મારી વાત સાંભળી લસિકા કંઇક વિચારવા લાગી. અને બોલી:"અમે સાથે મરવાની કસમ ખાધી હતી. તેણે મને દગો આપ્યો છે. તે કેમ કૂદી પડ્યો નહીં? એનો પ્રેમ સાચો નહીં હોય? તે મારા પ્રેમને વફાદાર ના રહ્યો. કેમ તેણે મારે સાથે ના ઝંપલાવ્યું? હાથ ફસાયાની વાત તો બહાનું હશે. હાથ નીકળી ગયા પછી તે નદીમાં કૂદી શક્યો હોત ને? ભલે એ મરવા માગતો ન હતો પણ પાણીમાં પડીને મારો જીવ બચાવી શક્યો હોત. તેને જીવન વહાલું છે. તે મારી સાથેના મોતથી જ નહીં મારા પિતાના ડરથી પણ ભાગી ગયો. એણે પાણીમાં પડીને મને બચાવી હોત તો મારી ઇચ્છા પૂરી થઇ શકી હોત...હવે હું જ એને શોધીને ન્યાય કરીશ..."

તે અચાનક ઊભી થઇ અને કંઇક યાદ આવ્યું હોય એમ "હું આવું છું" કહી બહાર નીકળી ગઇ. આ મુલાકાત સાચી હતી કે સપનું એનો ખ્યાલ જ આવતો નથી. એ ગયા પછી હું ઘરમાં કંઇક કામ કરતી બેઠી હતી. મેં બેઠાં બેઠાં આ સપનું જોયું હતું કે તે ખરેખર આવી હતી એ હું હજુ નક્કી કરી શકતી નથી....હું તો એ વાતને સપનું માનીને ભૂલી રહી હતી ત્યાં તું આવી ગયો. એનું કારણ શું હોય શકે? તું આવ્યો ના હોત તો આ વાત તને કરી શકી ન હોત..."

રેખાની વાત સાંભળી લોકેશની ચિંતા વધી ગઇ. લસિકા જીવે છે કે નહીં એ વાત સાથે તે પોતાને માફ કરી શકી નથી એવું લાગે છે. તે ગુંચવાયો. લસિકા જીવે છે કે નહીં એ વાત પર પડદો પડી ગયો છે. જે રહસ્ય શોધવા એ ભટકી રહ્યો છે એ જાણવા મળી રહ્યું નથી.

"લોકેશ, તું મને ફરી મળવા આવજે. અને આ મારો નંબર રાખ. જો લસિકા મને ખરેખર પાછી મળશે તો હું તારો સંપર્ક કરીશ. એ કહે કે તું અત્યારે ક્યાં છે? તારું જીવન કેવું ચાલે છે?" રેખાએ તેની આંખોમાં આંખો નાખી સહ્રદયતાથી પૂછ્યું.

લોકેશે પોતાના કાવેરી સાથેના લગ્ન અને અત્યાર સુધીના સરળ જીવન વિશે ટૂંકમાં કહ્યું.

રેખાએ તેને ફરીથી સંપર્ક કરવાની ખાતરી આપી. લોકેશ રેખાના ઘરેથી નીકળ્યો અને થોડે દૂર જઇ ગામના બીજા કેટલાક યુવાનો સાથે વાત કરી. ગામમાં કોઇ પ્રગતિ ન હતી. બધું પહેલાં જેવું જ હતું. તેમને લસિકા વિશે કોઇ માહિતી ન હતી. લસિકા તેના પરિવાર સાથે ઘર છોડી ગઇ એ પછી એમને તેના વિશે કંઇ જાણવા મળ્યું ન હતું. એમને એમાં કોઇ રસ પણ ન હતો.

લોકેશને લસિકાના વિચાર જ આવતા હતા. રેખાએ જે વાત કહી એ સપનું હોય તો પણ લસિકા તેનાથી નારાજ છે. મારા પહોંચવા અગાઉ રેખાને મળવા પહોંચી એનું કારણ શું? તેની એ વાત સાચી છે કે હું તરતા જાણતો હતો એટલે મારે એને પાણીમાં પડીને બચાવવી જોઇતી હતી. એ સમય પર મને કેમ એવો કોઇ ખ્યાલ ના આવ્યો? તેના પિતાના માણસોથી હું ડરી ગયો હતો? કે મને મારા જીવની ચિંતા હતી? લસિકા આ વાતનો બદલો લેશે? લોકેશ ચિંતામાં મગ્ન હતો ત્યારે કાવેરીનો ફોન આવ્યો. એ અહીં આવ્યો ત્યારથી તે લસિકાના વિચારમાં જ વધારે ખોવાયેલો રહેતો હતો. લસિકાના નામનું ભૂત તેના મગજ પર સવાર થયું હોય એમ એના વિશે માહિતી મેળવી રહ્યો હતો. કાવેરીને જાણે ભૂલી જ ગયો હતો. અત્યારે તે કાવેરી સાથે લાંબી વાત કરવા માગતો ન હતો. તેણે કાવેરીને એમ કહેવા માટે મોં ખોલ્યું ત્યાં તો કાવેરી જ એટલી બધી વાત કરવા લાગી કે લોકેશને બોલવાની તક જ ના મળી. અને ફોન મૂક્યો ત્યારે તેના વિચારોથી મન વધારે ચિંતાગ્રસ્ત બન્યું. કાવેરીએ જે સમાચાર આપ્યા એ માની શકાય એમ ન હતા. કાવેરીએ કહ્યું એ કેવી રીતે શક્ય બને? એ જાણવા મન અધીરું બનવા લાગ્યું. હવે લસિકાને બદલે કાવેરીની વાત તેના મન પર કબ્જો લઇ રહી હતી.

*વધુ હવે પછીના પ્રકરણમાં*

મિત્રો, પાંચ લાખથી વધુ જેમની ઇ બુક્સ ડાઉનલોડ થઇ ચૂકી છે એ રાકેશ ઠક્કરની 'માતૃભારતી' આયોજિત 'લોંગ સ્ટોરી કોમ્પીટીશન-૨૦૨૦' માં વિજેતા નીવડેલી હોરર નવલકથા 'આત્માનો પુનર્જન્મ' પણ વાંચવાનું ચૂકશો નહીં. અને સૌથી વધુ વંચાયેલી સુપરહિટ નવલકથા 'રેડલાઇટ બંગલો' જો હજુ સુધી વાંચી ના હોય તો જરૂર વાંચી લેશો. આજ સુધી આ વિષય પર આવી નવલકથા તમે વાંચી નહીં હોય. ૪૮ મા પ્રકરણમાં જે રહસ્ય ખૂલે છે અને જે વિચાર વ્યકત થયો છે એ જાણવા જેવો છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED