ગામડાની પ્રેમકહાની
મનન અને સુમન વચ્ચે સાપુતારાની વાદીઓમા પ્રેમનો એકરાર થઈ ગયો હતો. પણ અહીં સુશિલાબેન અને મનિષાબેન વચ્ચે કોઈ યુદ્ધ થવાના અણસાર દેખાતા હતાં.
ભાગ-૧૩
સુશિલાબેન સીડી ઉતરીને સીધા મનિષાબેન પાસે આવ્યાં. મનિષાબેન જમવાના બાઉલ ટેબલ પર ગોઠવી રહ્યાં હતાં. એવામાં સુશિલાબેન તેમનો હાથ પકડી એમને બહાર ગાર્ડનમાં ઢસડી ગયાં.
"આ શું કર્યું તે?? તમને આ ઘરમાં લાવી છું. એનો મતલબ એ બિલકુલ નથી, કે તમે આ ઘરને તમારી રીતે ચલાવશો. એક દિવસ જમવાનું બનાવવા શું આપ્યું. તમે તો આખાં ઘર પર કબ્જો કરવાં સજ્જ થઈ ગયાં." સુશિલાબેન રાડો પાડીને બોલવાં લાગ્યાં.
ધનજીભાઈ અને દેવરાજભાઈ સુશિલાબેન સામે આંખો ફાડીને જોતાં હતાં. મનિષાબેન પણ થોડાં ચિંતિત હતાં, કે સુશિલાબેન આવું શાં માટે બોલતાં હતાં!?
"તમે આ બધું શું કહો છો?? મેં એવું તો શું કર્યું છે, કે તમે મને આટલી બધી ઈજ્જત આપો છો!?" મનિષાબેન એકદમ શાંત પણ ગમગીન સ્વરે બોલ્યાં.
"આ કર્યું છે તે!! મને પૂછ્યાં વગર મારાં બગીચામાં નવાં ફુલ છોડ લગાવ્યાં છે. મને પૂછ્યાં વગર મને ગમતો પીળા ગુલાબનો છોડ ઉખાડીને ફેંકી દીધો છે. આટલું શું ઓછું છે!? મને હેરાન કરવા માટે!!" સુશિલાબેન એમ બોલી રહ્યાં હતાં. જાણે મનિષાબેને તેમનાં ઘરનો મોટો ખજાનો બહાર ફેંકી દીધો હોય, ને કોઈ હલ્કી વસ્તુઓ લાવી ઘરમાં સજાવી દીધી હોય.
સુશિલાબેનની વાત સાંભળ્યાં પછી પણ મનિષાબેન કાંઈ નાં બોલ્યાં. બોલવાથી વાત વણસે એમ હતી. એ વાત બધાં જાણતાં હતાં. જેનાં લીધે બધાં મૌન બનીને ઉભાં હતાં.
"એમને નવાં ફુલ છોડ લગાવવાનું અને પીળા ગુલાબનો છોડ કાઢી નાંખવાનું મેં જ કહ્યું હતું. આ બંને વાતનું કારણ તું પણ સારી રીતે જાણે છે. એ ગુલાબનો છોડ સુકાઈ ગયો હતો. એટલે એને ફેંકવો પડ્યો. આમ પણ આપણાં ઘરનો નિયમ છે. એક છોડ નીકળે. તો સામે બીજાં બે છોડ લગાવવાના!! શું એ નિયમ તું ભૂલી ગઈ છે??" ધનજીભાઈ સુશિલાબેનને બધી વાત અને નિયમથી વાકેફ કરાવી રહ્યાં હતાં. મનિષાબેન ને નીચાં દેખાડવા સુશિલાબેને પોતાનાં જ ઘરનાં નિયમ નેવે મૂકી દીધાં હતાં. બધી વાતની ખબર હોવાં છતાં તેમણે બધો તમાશો કર્યો હતો.
ધનજીભાઈ એ જે કાંઈ કહ્યું. એ બધું સાચું હતું. જેનાં લીધે સુશિલાબેન કાંઈ પણ બોલ્યાં વગર જતાં રહ્યાં. તેમની બાજી તેમનાં પર જ ઉંધી પડી હતી. ક્યારેક એક વ્યક્તિ બીજાં વ્યક્તિ ને પોતાનાથી હરાવવા માટે કે નીચું જોવડાવવા માટે, એવાં એવાં નાટકો કરે છે, કે જેનું પરિણામ તેમને જ નીચું જોવડાવી દે છે. આજ સુશિલાબેને પણ એવાં જ નાટક કર્યા હતાં.
સુશિલાબેન મૂંગા મોંઢે પોતાનાં રૂમમાં જતાં રહ્યાં. બધાં જમવા બેસી ગયાં. કોઈએ તેમને જમવાનું સુધ્ધાં નાં પૂછ્યું. ઉપર ઉભાં ઉભાં તે બધાંને એકસાથે જમતાં જોતાં હતાં. એમની આંખમાંથી એક આંસુનું ટીપું સરકી પડ્યું. જે લૂછીને પોતે પોતાનાં રૂમમાં જતાં રહ્યાં. જમી પરવારી દેવરાજભાઈ પણ પોતામાં રૂમમાં જતાં રહ્યાં. મનિષાબેન બધું કામ પતાવી રૂમમાં આવ્યાં.
"મેં તમને અહીં આવવાની નાં પાડી હતી. છતાંય તમે જીદ્દ કરીને આવ્યાં. જેનું પરિણામ તમારી સામે છે. નાની-નાની વાતમાં એ તમને હેરાન કરવાનું નથી છોડતી. પછી પોતે પણ દુઃખી થાય છે. પણ કોઈને કહી નથી શકતી." દેવરાજભાઈ એકસાથે બધું બોલી ગયાં. બોલતાં બોલતાં એમને શ્વાસ ચડી ગયો. તે ફટાક દઈને બેડ પર બેસી ગયાં.
"બસ સુમનના લગ્ન સુધીની વાત છે. એ થઈ જાય. પછી આપણે ક્યાં અહીં રહેવું છે. એક ખરાબ માણસ પાછળ બીજાંને તો હેરાન નાં જ કરી શકાય ને!?" મનિષાબેન દેવરાજભાઈ ની પાસે બેસીને બોલ્યાં. સુમન નામ સાંભળતા જ તેમનાં ચહેરા પર હળવી મુસ્કાન છવાઈ ગઈ. જે તેમણે હાલ પૂરતી મનિષાબેન થી છુપાવી લીધી.
"હાં, સાચી વાત કહી. પણ હવે સુશિલાના કામ આડે પગ નાખવાનું રેવા દેજો. જેટલો સમય અહીં છીએ. એટલો સમય શાંતિથી રહો." દેવરાજભાઈ એટલું કહીને બેડ પર આડાં પડ્યાં.
સુશિલાબેન પોતાનાં રૂમમાં બેડ પર ઓશિકાં આડું મોઢું છુપાવીને રડતાં હતાં. જેનો અણસાર ધનજીભાઈને બિલકુલ નાં આવ્યો. તે આવીને સીધાં સૂઈ ગયાં.
નિશાંત અડધી રાતે રાણપુર નાં પુલ ઉપર બેઠો બેઠો મલકાતો હતો. તેનાં હાથમાં એક ફોટો હતો. એ ફોટો જ તેની ખુશીનું કારણ હતું.
"તને ખબર છે!? હું કેટલાં સમયથી આ દિવસની રાહ જોતો હતો. આખરે આજ આ દિવસ આવી જ ગયો. હવે મારે તને જે કહેવું છે, એ હું તને કહીને જ રહીશ." નિશાંત હાથમાં રહેલાં ફોટો પર હાથ ફેરવતો ફેરવતો બોલતો હતો.
પુલ નીચે વહેતું પાણી, આકાશનો ચંદ્ર અને ટમટમતાં તારાં તેની દરેક વાતોમાં હાજરી પુરાવતા હતાં. રાત્રિના અંધકારમાં તારાની ટીકી વાળી ચુંદડી ઓઢેલું આકાશ ખૂબ જ સોહામણું લાગતું હતું. એક પડછાયો આ અંધકાર ને ચીરતો નિશાંત ની પાસે આવીને બેઠો.
"શું દોસ્ત, બધું આ ફોટાને જ કહેવાનો ઈરાદો છે, કે પછી કોઈ વાત આ ફોટોમાં જે છે, એને પણ કહીશ??"
"અરે વિકાસ, કેટલાં વર્ષ થી કહેવા માટે હિંમત એકઠી કરું છું. પણ હવે બહું થયું. હવે મને સમજાય ગયું છે, કે માત્ર હિંમત એકઠી કરવાથી કાંઈ નહીં થાય. હવે તો મારે કહેવું જ પડશે." નિશાંત પુલ પરથી ઉભો થઈને બોલ્યો.
વિકાસ પણ નિશાંત ની સાથે ઉભો થઈ ગયો. વિકાસ નિશાંત નો બાળપણ નો મિત્ર હતો. નિશાંત વિકાસથી ક્યારેય કોઈ વાત નાં છુપાવતો. શાળા થી લઈને કોલેજ સુધીની સફર બંનેએ સાથે મળીને જ પાર કરી હતી. આજે વિકાસ નિશાંત નાં મનમાં રહેલી દુવિધા દૂર કરવાં જ અહીં આવ્યો હતો.
"હવે કહેવાનું વિચારી જ લીધું છે. તો કહી જ દેજે." વિકાસે નિશાંત નાં ખંભા પર હાથ મૂકીને કહ્યું.
"પણ, મને ડર લાગે છે. એ નાં પાડશે, તો હું શું કરીશ??" થોડીવાર પહેલાં મન મક્કમ કરીને બેઠેલાં નિશાંત નું મન ફરી કહેવું કે નહીં એ વાતને લઈને હિલોળા ખાવાં લાગ્યું.
"તું બસ કહી દે. હાં કે નાં ની ચિંતા નાં કર." વિકાસે નિશાંત ને હિંમત અપાવતાં કહ્યું.
નિશાંત વિકાસની વાત સાંભળી તેને ભેટી પડ્યો. બંને એકબીજાનાં જીગરજાન મિત્રો હતાં. ખુશી વખતે સેલિબ્રેશન અને દુઃખ વખતે આંસુ પણ બંને સાથે મળીને જ સારતા. કોલેજનું બંક હોય કે અમદાવાદની ગલીઓમાં રખડપટ્ટી કરવાની હોય. બંને એક બાઈક પર સવાર થઈને જ બધું કરતાં. બંને મૂળ અમદાવાદના જ હતાં. રાણપુર પણ બંને સાથે જ આવ્યાં હતાં. વિકાસ બહેન વિહોણો હોવાથી નિશાંત નાં મામાની છોકરીને પોતે બહેન માની હતી. જેથી પોતે પણ નિશાંત નાં મામા નાં છોકરાં જીગ્નેશ નાં લગ્ન માટે નિશાંત સાથે રાણપુર આવ્યો હતો.
બંને ફરી પુલ પર બેસીને બાળપણની ખાટી મીઠી વાતો યાદ કરવાં લાગ્યાં. રાતની ચાંદનીમાં ઠંડક પ્રસરતાં બંને પુલની પાસે રહેલાં ચાની લારી વાળા ભાઈ પાસે ગયાં.
"ભાઈ, એક કટિંગ ચા આપજો." વિકાસે કહ્યું.
બંને ને પોતાનો બિઝનેસ હતો. છતાંય બંને પહેલેથી જ ચાની લારી પર કટિંગ ચા જ પીતાં. અમદાવાદમાં જ્યાં છોકરાઓ પોતાની ગર્લફ્રેન્ડ સાથે ચા શેયર કરીને પીતાં. ત્યાં આ બંને ભાઈસાબ એકબીજાની સાથે ચા શેયર કરતાં. હજું સુધી બંને સિંગલ જ હતાં. તો દોસ્તીની ભરપૂર મજા માણતાં હતાં.
એક અડધી ચા ના પણ બે ભાગ કરી અડધી અડધી શેયર કરવાની મજા પણ કંઈક અલગ હોય છે હોં!! નિશાંત અને વિકાસ પણ કંઈક આવું જ કરતાં.
ચા નો કપ હાથમાં આવતાં બંને અડધી અડધી ચા અલગ અલગ કપમાં લઈને, ચાની ચુસ્કીઓ લેવાં લાગ્યાં.
(ક્રમશઃ)