Gamdani Prem Kahaani - 10 books and stories free download online pdf in Gujarati

ગામડાની પ્રેમ કહાની - ૧૦

ગામડાની પ્રેમકહાની



સુશિલાબેને પોતાની વાત મનાવી આરવને રોકી જ લીધો. પણ આગળ શું થાશે, એ જાણવાં બધાં આતુર હતાં.



ભાગ-૧૦




દેવરાજભાઈ અને મનિષાબેનની એક રાત સુશિલાબેનના ઘરમાં જેમતેમ કરીને વીતી ગઈ. સવાર પડતાં જ મનિષાબેનને પોતાનું મંદિર યાદ આવ્યું. અમદાવાદમાં તો એ રોજ પોતાનાં ઘરનાં મંદિરમાં લાડુ ગોપાલ ની પૂજા આરતી કરતાં. પણ અહીં એ શક્ય નહોતું. મોબાઈલમાં પાડેલો લાડુ ગોપાલ નો ફોટો જોઈ, તેનાં દર્શન કરી, મનિષાબેને પોતાનાં દિવસની શુભ શરૂઆત કરી. હવે આ શુભ શરૂઆત ક્યાં સુધી શુભ રહેશે, એ તો સુશિલાબેનના હાથમાં હતું.

"નાસ્તો બની ગયો??" ધનજીભાઈએ રસોડામાં આવીને સુશિલાબેનને પૂછ્યું. સુશિલાબેન તરફથી કોઈ જવાબ નાં મળતાં, ધનજીભાઈ જાતે જ ઢાંકેલા વાસણ ખોલીને જોવાં લાગ્યાં.

એક બાઉલ ખોલતાં જ ધનજીભાઈ ને ઝટકો લાગ્યો. એ બાઉલમાં ઢોકળા હતાં. જે મનિષાબેનને પસંદ નહોતાં, પણ દેવરાજભાઈના મનપસંદ હતાં. આ બધી વાતો ધનજીભાઈને આરવ પાસેથી જાણવાં મળી હતી. આ બધું જોતાં જ ધનજીભાઈને કંઈક વધારે પડતું જ અજીબ લાગ્યું.

ધનજીભાઈ સુશિલાબેનને કાંઈ કહે, એ પહેલાં જ દેવરાજભાઈ અને મનિષાબેન આવી ગયાં. તેમનાં આવતાં જ સુશિલાબેન ઢોકળા નું બાઉલ લઈને દેવરાજભાઈ પાસે પહોંચી ગયાં. મનિષાબેન નાસ્તો કરવા બેસતાં હતાં, પણ ઢોકળા જોઈને એ રોકાઇ ગયાં.

"આ લ્યો, તમારાં મનપસંદ ઢોકળા!!"

ઢોકળાનુ બાઉલ જોઈને દેવરાજભાઈએ એક નજર મનિષાબેન તરફ કરી. મનિષાબેન કોઈ પ્રકારનાં હાવભાવ વગર ઉભાં હતાં.

"મેં વર્ષો પહેલાં ઢોકળા ખાવાનું મૂકી દીધું છે." દેવરાજભાઈ મનિષાબેન તરફ જોઈને બોલ્યાં. મનિષાબેનની પાચનશક્તિ કમજોર હતી. તેમને ભારે ખોરાક ખાવાની મનાઈ હતી. સુશિલાબેન આ વાતથી અજાણ હતાં. છતાંય અજાણતામાં જ તેમણે પોતાની આદત મુજબ મનિષાબેન ને હેરાન કરવાની શરૂઆત કરી દીધી હતી.

દેવરાજભાઈએ ઢોકળા ખાવાની નાં પાડી દીધી. એ વાતથી સુશિલાબેનનુ મોઢું પડી ગયું. મનિષાબેન તરફ એક ગુસ્સાભરી નજર કરી તે તરત જ રસોડામાં ચાલ્યાં ગયાં. મનિષાબેનને થોડી તકલીફ થઈ. પણ તે કાંઈ બોલી નાં શક્યાં.

"આ ઘરને તમારું જ સમજો. તમે ખુદ જ જઈને તમને ભાવતો નાસ્તો બનાવી લો." ધનજીભાઈ ખૂબ જ વિનમ્રતા થી બોલ્યાં.

સુશિલાબેન પણ રસોડામાં હતાં. એ કારણથી મનિષાબેનનો રસોડામાં જવાં પગ નાં ઉપડ્યો. દેવરાજભાઈએ મનિષાબેન નાં હાથ પર હાથ મૂકીને તેમને જવાની પરવાનગી આપી. દેવરાજભાઈ ની પરવાનગી મળતાં જ મનિષાબેન રસોડાં તરફ ગયાં. તેમને આવતાં જોઈને સુશિલાબેન તરત જ બહાર નીકળી ગયાં.

મનિષાબેન ને એ રીતે સુશિલાબેનની મરજી વગર નાસ્તો બનાવવો થોડી શરમજનક વાત લાગી. છતાંય તેમણે ફટાફટ ઉપમા બનાવી લીધાં.

આજ રવિવાર હોવાથી સુમન સાપુતારા જવાની તૈયારી કરી રહી હતી. બધી જરૂરી વસ્તુઓ બેગમાં પેક કરીને સુમન આરવના રૂમ તરફ ગઈ. રૂમ વ્યવસ્થિત ગોઠવેલો હતો. બેડ પરની ચાદર પણ વ્યવસ્થિત હતી. પણ આરવ ક્યાંય દેખાતો નહોતો. સુમને આખાં રૂમમાં એક નજર કરી. પણ આરવ ક્યાંય નાં મળ્યો.

"કોને શોધે છે?? આરવને!!" સુમનને આરવના રૂમમાં જોઈને દેવરાજભાઈએ પૂછ્યું.

"હાં, અંકલ."

"એ સવારે જ ગાડીની ચાવી તને આપવાનું કહીને તેનાં મિત્રને મળવા જતો રહ્યો."

દેવરાજભાઈ ની વાત સાંભળી સુમનને અજીબ લાગ્યું. આરવે જ સાપુતારા જવાનો પ્લાન બનાવ્યો હતો, ને આરવ જ જતો રહ્યો. એ વાત થોડી અજૂગતું લાગે એવી હતી.

સુમન કાંઈ બોલી નહીં, એટલે દેવરાજભાઈ એ ગાડીની ચાવી સુમનના હાથમાં આપી દીધી. સુમન થોડીવાર ચાવી અને સાપુતારા જવા તૈયાર કરેલ બેગ તરફ જોવાં લાગી.

"તું ક્યાંય જાય છે??"

"હાં,અંકલ. આરવે સાપુતારા જવાનો પ્લાન બનાવ્યો હતો. સાથે મનન પણ આવવાનો હતો. પણ આરવ-"

"આરવ નથી તો શું થયું!! મનન તો છે ને!! તું અને મનન બંને જાવ." સુમન આરવના લીધે જવાં નહોતી માંગતી. એ વાત દેવરાજભાઈ સમજી ગયાં, ને સુમનને મનન સાથે જવાની ભલામણ કરી.

"હાં, બેટા. તું જઈ આવ. આમ પણ તને હોસ્પિટલ ના કામમાંથી ક્યારેય નવરાશ જ નથી મળતી. તો હવે પ્લાન બની જ ગયો છે, તો ફરી આવ." ધનજીભાઈએ પણ સુમનને જવાનો આગ્રહ કર્યો. સુમન હસતાં મુખે બેગ ખંભે નાંખીને, ગાડી લઈને મનનના ઘરે ગઈ.

"આરવ નથી આવ્યો??" ગાડીનો દરવાજો ખુલતાં જ મનન આરવ વિશે પૂછવા લાગ્યો.

"નાં, તે તેનાં મિત્રને મળવા જતો રહ્યો. તે એ રીતે અચાનક જ ગયો. તો મારું આવવાનું મન નહોતું. પણ પછી અંકલે અને પપ્પાએ કહ્યું, તો આવી ગઈ."

સુમનની વાત સાંભળી મનન હળવું સ્મિત કરીને ગાડીમાં બેસી ગયો. મનનના બેસતાં જ બંનેની સાપુતારા જવાની સફર ચાલું થઈ ગઈ. બંને સારાં મિત્રો હતાં. પણ ક્યારેય એટલી વાતો કરવાનો મોકો જ મળ્યો નહોતો, કે એકબીજા વિશે કાંઈ જાણી શકે. આજ મૌકા ભી થા, ઔર દસ્તૂર ભી...પણ તોય બંને વચ્ચે ગંભીર મૌન છવાયેલું હતું.

સુમનને આવી રીતે ગાડી ચલાવવામાં મજા નાં આવતાં તેણે ગાડીમાં ગીતો વગાડવાનું ચાલું કર્યું.

પ્યાર હુઆ એકરાર હુઆ
પ્યાર સે ફિર ક્યો ડરતાં હૈ દિલ....

કહેતાં હૈ દિલ રસ્તા મુશ્કિલ
માલૂમ નહીં હૈ કહાં મંઝિલ...

પ્યાર હુઆ....

૧૯૫૫ માં શ્રી ૪૨૦ નામની ફિલ્મમાં લતા મંગેશકર અને મન્નાડે નાં અવાજમાં ગવાયેલું આ ગીત અત્યારનાં રોક એન્ડ રેપ સોંગ સામે થોડું સ્લો હતું. પણ એ ગીતનાં એક એક શબ્દ જાણે સીધાં દિલમાં ઉતરતાં હોય, એવું લાગે. એમાંય અત્યારે તો આ ગીત સુમન અને મનનના દિલની વ્યથા જણાવી રહ્યું હતું. પ્રેમ બંનને હતો, નજર નજરમાં એકરાર પણ થઈ ગયો હતો. છતાંય બંનેને એક ડર સતાવી રહ્યો હતો. રસ્તો પણ મુશ્કેલ હતો, ને મંઝિલની પણ ખબર નહોતી. છતાંય બસ બંને એકબીજા સાથે રહેવા માંગતા હતા.

ધનજીભાઈ, દેવરાજભાઈ અને આરવ ત્રણેય ધનજીભાઈની વાડીએ બેઠાં હતાં. ધનજીભાઈ ખૂબ ખૂશ દેખાતાં હતાં. આરવની પણ થોડી એવી તકલીફ હળવી બની હોય, એમ તે પણ ખુશ હતો‌.

"આરવ કહે છે, એ વાત સાચી હશે, તો તું શું કરીશ??"

"આરવની વાત સાચી હશે, તો એનાંથી મોટી ખુશીની વાત મારાં માટે એક પણ નહીં હોય."

"તો તને એ વાતથી કોઈ તકલીફ નહીં થાય એમ?!"

"હાં, એમાં તકલીફ ની વાત જ નથી. એ તો‌ ખુશીની વાત છે."

"પણ,સુશિલા!?"

સુશિલાબેનનુ નામ આવતાં જ ધનજીભાઈ ની બધી ખુશી ગાયબ થઈ ગઈ. પણ આ વખતે લડ્યાં સિવાય કોઈ રસ્તો નહોતો.

"આ વાતમાં હું તેની કોઈ વાત નહીં માનું. આ બાબતે ફેંસલો લેવાનો જેટલો અધિકાર તેનો છે, એટલો જ અધિકાર મારો પણ‌ છે." ધનજીભાઈ સ્વસ્થ થઈને બોલ્યાં.

"જો તું સુશિલાની વિરુદ્ધ જવાં તૈયાર હોય, તો અમે બધાં તારો સાથ આપીશું." દેવરાજભાઈએ ધનજીભાઈ નો સાથ આપવાનું ફરમાન જાહેર કરી દીધું. બધાંનો સાથ મળતાં ધનજીભાઈ વધારે ખુશ થયાં.

એક પછી એક ગામ પાછળ છૂટતાં જતાં હતાં, ને નવ કલાકનાં રસ્તામાં પાંચ કલાક તો ક્યારે પસાર થઈ ગઈ. એ વાતનો સુમન કે મનનને ખ્યાલ પણ નાં રહ્યો.

"તને અમદાવાદમાં કોઈ છોકરી પસંદ આવી કે નહીં??" સુમને અચાનક જ સવાલનું તીર છોડ્યું. એ પણ એવો, કે મનને ક્યારેય કલ્પના પણ નાં કરી હોય.

"નાં, નહીં." મનને એકાક્ષરી જવાબ આપીને વાતને ત્યાં જ પૂર્ણવિરામ આપી દીધું, ને ફરી બંને વચ્ચે મૌન છવાઈ ગયું. સુમનને થોડીવાર તો પોતાનાં જ સવાલ પર વિચાર આવી ગયો.

"હાં, તું દેખાવે તો હેન્ડસમ છે. પણ મને લાગે છોકરીઓ પર તારું નોલેજ થોડું કમજોર છે." એક બે મિનિટની ચુપ્પી પછી સુમને ફરી એ જ વાતને આગળ ધપાવી.

"એમાં નોલેજની શું જરૂર!! મારે થોડી એમનાં પર પી.એચ.ડી કરવી છે."

"અરે, છોકરીને પ્રપોઝ કરવા તેની પસંદ નાપસંદ, તેનાં શોખ, તેની ઈચ્છાઓ, એવું ઘણું બધું જાણવું પડે. ત્યારે છોકરી તમારી તરફ ઢળે, ને તમારી સાથે વાતો કરે. આવી બધી વસ્તુઓ માટે નોલેજ જોઈએ. છોકરીઓને જાણવી બધાં છોકરાંઓ માટે એટલું સરળ નથી હોતું."

"એવું બધું કરવાની શું જરૂર!! આપણને કોઈ પસંદ આવે, કે આપણને કોઈ પસંદ કરે, તો આપણે તેનાં વિશે બધી ખબર આપમેળે જ રાખવાં લાગીએ. એમાં નોલેજનુ કાંઈ નાં હોય."

"એનો મતલબ તો એવો થયો, કે તને કોઈ પસંદ છે. તે તેનાં વિશે જાણવાની શરૂઆત પણ કરી દીધી છે, ને મને તો લાગે છે, કે થોડું ઘણું જાણી પણ લીધું છે." સુમનની વાત સાંભળી મનન ફરી ચૂપ થઈ ગયો. જે વાત મનન કેટલાં સમયથી પોતાનાં દિલમાં જ છુપાવીને બેઠો હતો. એ વાત હવે બહાર આવી રહી હતી.

"બોલ...બોલ... સાચું કહું છું ને હું!!" મનન તરફથી જવાબ નાં મળતાં સુમને ફરી પૂછ્યું. હવે તો સુમન જીદ્દ પર ઉતરી આવી હોય, એવું લાગી રહ્યું હતું.

ઘરેથી હોસ્પિટલે ને હોસ્પિટલે થી ઘર સુધી જ સંબંધ રાખવાવાળા સુમન અને મનન વચ્ચે હવે ધીમે-ધીમે વાતોનો દોર શરૂ થઈ રહ્યો હતો. એકબીજાને હેરાન કરવા, નાની-નાની વાતમાં જીદ્દ કરવી જેવી બાબતો બંને વચ્ચે બની રહી હતી. બંનેની પ્રેમ કહાની હવે આગળ વધવાની પૂરી તૈયારી દર્શાવી રહી હતી.




(ક્રમશઃ)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED