ગામડાની પ્રેમકહાની
આરવે રવિવારે સાપુતારા જવાનો પ્લાન બનાવ્યો. આરવના જતાં સુમન પોતાનાં કામમાં વ્યસ્ત થઈ ગઈ. મનન આજે પણ તેને પોતાનાં દિલની વાત નાં કહી શક્યો.
ભાગ-૯
સાંજે આરવ ઘરે આવ્યો, ત્યારે તેણે જે જોયું, એ આશ્ચર્યજનક હતું. દેવરાજભાઈ અને મનિષાબેન સોફા પર બેઠાં બેઠાં ધનજીભાઈ સાથે વાતો કરી રહ્યાં હતાં.
"અરે આરવ, આવી ગયો તું!!"
"હાં, પણ તમે લોકો અહીં ક્યારે આવ્યાં??"
"બસ આવી ગયાં. કેમ તને નાં ગમ્યું??"
"ગમ્યું, પણ.." સુશિલાબેનને જોઈને આરવના શબ્દો અટકી ગયાં. ભૂતકાળનો પ્રેમ, પોતાનો દિકરો ને સાથે મનિષાબેન, જે હાલ દેવરાજભાઈની પત્ની હતાં, ને આરવની મમ્મી!! આ બધું સુશિલાબેન કેવી રીતે સહન કરી શકશે, એ વાતથી આરવ અને બીજાં બધાં પણ પરેશાન હતાં.
"સુશિલા, આરવે કોઈને કાંઈ પરેશાન તો નથી કર્યાં ને??" મનિષાબેન પોતાની આદત અનુસાર એકદમ શાંતિથી અને પ્રેમભાવથી સુશિલાબેન સાથે વાતો કરવા લાગ્યાં. તેમનું આવું વર્તન જોઈને સુશિલાબેનને થોડી ઈર્ષા થઈ. સ્ત્રી સહજ ઈર્ષા!! કારણ કે, સુશિલાબેનને કોઈ સારું ગણતુ નહીં, એ વાતથી તે સારી રીતે પરિચિત હતાં. એવાં સમયે મનિષાબેન આટલો પ્રેમ બતાવે તો આરવની નજરમાં તેમની સારી છાપ પડી જાય, તો આરવ સુશિલાબેન સાથે ઓછો રહે. જે સુશિલાબેનને બિલકુલ મંજૂર નહોતું.
સુશિલાબેન મનિષાબેનની વાતનો જવાબ આપ્યા વગર છણકો કરીને જતાં રહ્યાં. આરવ, દેવરાજભાઈ અને ધનજીભાઈને જે વાતનો ડર હતો. એ ડર હકીકતનું રૂપ ધારણ કરવાં લાગ્યો હતો.
"મમ્મી, એમને થોડો સમય આપો. બધું ઠીક થઈ જશે." આરવ મનિષાબેન પાસે જઈને કહેવા લાગ્યો.
"હાં, ત્યાં સુધી તમે મારાં ગેસ્ટ હાઉસ પર રહેજો." ધનજીભાઈ ગેસ્ટ હાઉસની ચાવી દેવરાજભાઈ નાં હાથમાં આપીને સસ્મિત ચહેરે બોલ્યાં.
સુશિલાબેન આ વાત સાંભળીને ખુશ થયાં. દેવરાજભાઈ અને મનિષાબેન પોતાનાં બેગ્સ લઈને ગેસ્ટ હાઉસ તરફ જવા લાગ્યાં. તેમનાં બહાર જતાંની સાથે જ સુશિલાબેન આરવ પાસે જવા રસોડામાંથી બહાર આવ્યાં. ત્યારે જ આરવ પણ પોતાનું બેગ લઈને બહાર જતો હતો. પણ સુશિલાબેનની કાંઈ પૂછવાની હિંમત નાં થઈ.
"બેટા, તું ક્યાં જાય છે??" ધનજીભાઈએ આરવનો હાથ પકડીને પૂછ્યું.
"હું મમ્મી-પપ્પા સાથે જ ગેસ્ટ હાઉસ પર રહીશ. એ લોકો મારાં માટે જ અહીં આવ્યાં છે, એ હું જાણું છું. તો હું તેમની સાથે જ રહીશ."
ધનજીભાઈ પણ આરવે કહ્યું, એ વાતથી સહમત હતાં. તેમને આરવને દેવરાજભાઈ અને મનિષાબેનથી અલગ રાખવાનો કોઈ હક નહોતો. આરવની વાત સાંભળી ધનજીભાઈ ચૂપ જ રહ્યાં. તેમની પાસે આરવને રોકવા માટે કોઈ કારણ જ નહોતું. આરવ તેમનાં કહેવાથી કોઈ સવાલ કર્યાં વગર જ રાણપુર આવ્યો હતો. તો હવે તેને આ ઘરમાં જ રોકી રાખવો, એ યોગ્ય નહોતું.
સુશિલાબેનનો દાવ અવળો પડી રહ્યો હતો. શું કરવું, શું કહેવું, આરવને કેવી રીતે રોકવો, કાંઈ સમજ નાં પડતાં, સુશિલાબેન આરવની પહેલાં ગેસ્ટ હાઉસ પર પહોંચી ગયાં.
"અહીં મારી એક સહેલી રહેવા આવવાની છે. તેને રાણપુરમાં નવી નોકરી મળી છે. ગામ નાનું છે, તો ગામમાં કોઈ હોટેલ નાં હોવાથી, મેં તેને આ ઘર રહેવા આપ્યું છે. તો તમે અમારી ઘરે જ રહો. તેને બે નાનાં નાનાં છોકરાં છે, તમને પરેશાન કરશે. તો તમને એમની જોડે રહેવું નહીં ફાવે." સુશિલાબેન એકી શ્વાસે બધું બોલી ગયાં.
આરવ દરવાજે બેગ લઈને ઉભો હતો. આરવને ત્યાં આવેલો જોઈ, સુશિલાબેન હળાહળ ખોટું બોલી રહ્યાં છે. એ વાત દેવરાજભાઈ જાણી ચૂક્યાં હતાં. માત્ર આરવને પોતાની પાસે રોકવા આ બધો ખેલ રચાઈ રહ્યો હતો.
"ઘર બહું મોટું છે. અમે આરામથી રહી લેશું. તમારી સહેલી નોકરી પર જાશે. ત્યારે અમે બાળકોનું ધ્યાન પણ રાખીશું." દેવરાજભાઈએ વાતને અલગ જ દિશા આપી દીધી.
"બાળકો તો અમારી ઘરે પણ આવી શકે. એનાં માટે તમારે અહીં રહેવું જરૂરી નથી. એમની સવારની સ્કુલ છે, ને રત્નાને નોકરી પણ સવારની છે, તો બાળકો એકલાં નહીં હોય. એ સ્કુલેથી આવશે, ત્યાં રત્ના પણ આવી ગઈ હશે." આસાનીથી હાર માની લે, એ સુશિલાબેન નહીં!! બધો પ્લાન ઘડીને જ આવ્યાં હતાં.
"તો પછી કોઈ સવાલ જ નથી. અડધો દિવસ તો ગમે એમ કરીને મેનેજ કરી લેશું. તમે ચિંતા નાં કરો."
"રત્નાને એકલાં રહેવું જ પસંદ છે. તેમને એની સાથે નહીં ફાવે. ખોટું તમારે એનું કાંઈ સાંભળવું પડે. એ કરતાં તમે અમારી સાથે રહો. પછી હું તેનો કે તમારો કોઈનો પક્ષ નહીં લઈ શકું."
"પણ-"
"અમે તમારી સાથે જ રહીશું. ચાલો આરવ, આપણે સુશિલા સાથે જ તેની ઘરે જઈએ." દેવરાજભાઈ વધું કાંઈ બોલે, ને પરિસ્થિતિ વણસી જાય, એ પહેલાં જ મનિષાબેને ધનજીભાઈની ઘરે રહેવાની હાં પાડી દીધી. એક પછી એક પાસાં ફેંકાઈ રહ્યાં હતાં. એમાં આખરે સુશિલાબેનની જ જીત થઈ. સુશિલાબેને જાણી જોઈને એવું બહાનું બનાવ્યું હતું. તેઓ જાણતાં હતાં, કે દેવરાજભાઈ નહીં માને, ને જીદ્દ કરશે. પણ મનિષાબેન જરૂર માની જાશે. આખરે થયું પણ એવું જ!!
"જીદ્દ કરવામાં આજે પણ તું એવી જ પાક્કી છે, સુશિલા!!" દેવરાજભાઈ મનમાં જ બોલ્યાં, ને મનિષાબેન ને આરવ સાથે ફરી ધનજીભાઈની ઘરે ગયાં.
સુશિલાબેન દેવરાજભાઈ અને મનિષાબેનને આરવની બાજુનાં રૂમ સુધી મૂકી આવ્યાં. હવે સુશિલાબેન નિશ્ચિત થઈ ગયાં હતાં. તે મલકાતાં મલકાતાં પોતાનાં રૂમમાં ગયાં.
"અહીં આવવાની શું જરૂર હતી!! આપણને એ ઘરમાં જે મુસિબતો આવત, એ આપણે સહન કરી લેત. પણ અહીં સુશિલા તને ચેનથી જીવવા નહી દે. આજ જે થયું એ કાંઈ તેની આપણાં પ્રત્યેની ચિંતા નહોતી. એ તેમની આરવ સાથે રહેવાની જીદ્દ બોલતી હતી." દેવરાજભાઈ ગુસ્સાથી લાલચોળ થઈને બોલ્યાં. તેમનો સ્વભાવ એકદમ શાંત હતો. પણ જ્યાં કાંઈ ખોટું થતું હોય, કે સવાલ મનિષાબેનનો હોય, ત્યાં તેમનાં ગુસ્સાનો પારો બધી હદ વટાવી દેતો.
"આરવ સુશિલાનો છોકરો પણ છે. તમે માનો કે નાં માનો, એનો પણ આરવ પર પૂરો અધિકાર છે. જો એ આરવ સાથે રહેવા માંગે છે, તો આરવને એમનાથી દૂર કરીને આપણે તેનાં દુશ્મન શાં માટે બનવું જોઈએ!!"
"આરવને તેની નજીક લાવવાનાં ચક્કરમાં ક્યાંક એ તને જ આરવથી દૂર કરી દે, એવું નાં બને તેનું ધ્યાન રાખજે." દેવરાજભાઈ ગુસ્સામાં હતાં. છતાંય બહું ગંભીર હકીકત કહી ગયાં. બંને પતિ-પત્ની વચ્ચે મૌન છવાઈ ગયું. જ્યાં વાત સાચી હોય, ત્યાં દલીલ કરવાની આવે જ નહીં.
દરવાજા પાસે ઉભેલો આરવ બધી વાતો સાંભળી ગયો. આ વાત ક્યાંક ને ક્યાંક તેને પણ ડંખે એવી હતી. હવે આરવ પાસે બે મિશન હતાં. સુમન સાથે કાંઈ ખોટું નાં થાય, એનું પણ નિરાકરણ લાવવાનું હતું. ને સાથે-સાથે સુશિલાબેનના સ્વભાવને સુધારી, બે પરિવારને ભેગાં કરવાનાં હતાં. બંને કામ અઘરાં હતાં. પણ જો સુશિલાબેન આરવ તરફ વધું ઝૂકે, તો આરવ તેમની પાસે બધી વાતો મનાવી શકે.
વર્ષોથી એક દિકરા માટે તડપતા સુશિલાબેનને પીગાળવામા ખાસ મહેનત લાગે એમ નહોતી. પણ એ મનિષાબેન અને દેવરાજભાઈ ની સાથે આરવનો પ્રેમ વહેંચવા તૈયાર થાય. એ વાત વરસાદ આવે, ને કપડાં કોરાં રહે, પણ શરીર ભીંજાય જાય. એનાં જેવી વાત હતી. સુશિલાબેન કદાચ આરવની વાતો માને, પણ મનિષાબેન સાથે સારાં બનીને રહે, એ શક્ય નહોતું.
ધનજીભાઈ માટે પણ હવે આ બધું મોટી ચિંતાનો વિષય બની ગયું હતું. સુશિલાબેન દેવરાજભાઈ અને મનિષાબેન ને ઘરે લાવવામાં તો સફળ રહ્યાં હતાં. પણ હવે આગળનાં ખેલ જોવાનાં બાકી હતાં.
સુશિલાબેનના મગજમાં ખબર નહીં કેવાં વિચારો ચાલી રહ્યાં હતાં. તેમને તો ખેલ કરવા પસંદ હતાં. પણ એમનાં ખેલના મોહરા બનવું કોઈને પસંદ નહોતું. એ વાતથી તે પરિચિત હતાં. છતાંય તેમને એવું બધું કરવું પસંદ હતું, કે એ તેમની આદત બની ગઈ હતી, ને તેઓ તેને છોડી નહોતાં શકતાં. એ વાત જ બધાંની સમજની બહાર હતી.
આજની રાત બધાં માટે ગંભીર જવાની હતી. બધાં અનેક વિચારો વચ્ચે ઘેરાયેલા હતાં. પણ કોઈ પાસે આગળ શું બનશે, એ જાણી શકવાનો કોઈ ઉપાય નહોતો.
(ક્રમશઃ)