ગામડાની પ્રેમ કહાની - ૧૪ Sujal B. Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગામડાની પ્રેમ કહાની - ૧૪

ગામડાની પ્રેમકહાની


નિશાંત અને વિકાસ રાણપુરનાં પુલ પાસે આવેલ ચાની લારીવાળા પાસેથી કટિંગ ચા લઈને પીતાં હતાં.


ભાગ-૧૪


નિશાંત જીગ્નેશના લગ્નની કંકોત્રી લઈને ધનજીભાઈના ઘરે જવા નીકળી ગયો. મનમાં હરખ અને દિલમાં જાગેલી એક આશા, તેનાં ચહેરાનાં હાવભાવ પરથી જાણી શકાતી હતી.


નિશાંત ચાલતાં ચાલતાં ધનજીભાઈની ઘરે પહોંચી ગયો. ગઈ રાતે વિકાસે કહેલાં શબ્દો યાદ આવતાં, નિશાંત મનમાં જ બોલ્યો, "આજે કહી જ દેવાનું છે."


ધનજીભાઈ સામેથી સીડી ઉતરતાં નીચે આવ્યાં. આરવ હોલમાં જ બેઠો હતો. મનિષાબેન અને સુશિલાબેન રસોડામાં નાસ્તો બનાવતાં હતાં.


"આવ નિશાંત!! બસ તારી જ રાહ જોતો હતો." આરવે સોફા પરથી ઉભાં થઈને કહ્યું.


નિશાંત આરવની સાથે સોફા પર બેઠો. બરાબર એ સમયે જ સુમન સાપુતારાથી આવી. નિશાંત સુમનને જ તાકી રહ્યો. સુશિલાબેન નિશાંતની આ હરકત જોઈ ગયાં.


"બેગ મૂકીને નીચે આવ. નાસ્તો તૈયાર જ છે." સુશિલાબેને સુમનને કહ્યું. સુમન ઉપર પોતાનાં રૂમમાં બેગ મૂકવાં જતી રહી. સુશિલાબેન ટેબલ પર નાસ્તાના બાઉલ ગોઠવવાં લાગ્યાં.


"નિશાંત, તું પણ અમારી સાથે નાસ્તો કરી લે." સુશિલાબેને નિશાંતની સામે જોઈને કહ્યું.


"અરે, ના આન્ટી. હું તો માત્ર લગ્નની કંકોત્રી આપવા જ આવ્યો હતો. ઘરે ઘણાં કામ છે. હું જાવ છું." નિશાંત સોફા પરથી ઉભો થઈને બોલ્યો.


"કામ તો થયાં કરશે. આજ આવ્યો છે, તો નાસ્તો કરીને જ જજે." આરવે નિશાંતને ડાઇનિંગ ટેબલ તરફ લઈ જતાં કહ્યું.


નિશાંત બધાંની સાથે નાસ્તો કરવા બેઠો. સુમન પણ ફ્રેશ થઈને નાસ્તો કરવા બેઠી. સુમન આજે ચૂપચાપ નાસ્તો કરી રહી હતી. પણ તેનાં ચહેરા પરની ખુશી ઘણું બધું કહી જતી હતી. આરવ, ધનજીભાઈ અને દેવરાજભાઈ ત્રણેય સુમનને ખુશ જોઈને ખુશ હતાં. નાસ્તો કરીને સુમનની નજર આરવ પર પડી. તેને સાપુતારા જતી વખતનો દિવસ યાદ આવી ગયો. આરવ સુમનને જાણ કર્યા વગર જ જતો રહ્યો, ને સાપુતારા પણ સાથે નાં ગયો. એ વાતનો સુમનને ભરપૂર ગુસ્સો હતો.


"પપ્પા, આજકાલ ભલાઈનો તો જમાનો જ નથી રહ્યો. પહેલાં આવીને આપણને ફરવા લઈ જવાનાં પ્લાન બનાવવામાં આવે. પછી આપણે હાં પાડીએ, એટલે ખર્ચમાંથી બચવા માટે પ્લાન બનાવવાવાળા જ છટકી જાય." સુમન તેનાં પપ્પા સાથે વાત કરીને આરવને સંભળાવતી હતી.


"અરે, તમે લોકો મને તમારી લડાઈ વચ્ચે નાં લો. તમારી લડાઈ તમે જ લડો." ધનજીભાઈ સુમનને કહીને જતાં રહ્યાં.


"તને મનન સાથે મજા આવી ને!? તો હવે મારી સાથે લડવાની કોઈ જરૂર નથી. તું હવે હોસ્પિટલે જા." આરવ સુમનના ગાલ ખેંચી, હસીને બોલ્યો.


સુમન હોસ્પિટલે જવાં નીકળી ગઈ. નિશાંત પણ પોતાની ઘરે જવા નીકળ્યો. નિશાંત થોડો ઉદાસ જણાતો હતો. તેનું ઘરે આવીને કામમાં પણ મન નાં લાગ્યું. બધાં પોતાનાં કામમાં વ્યસ્ત હતાં. કાલથી લગ્નની રસમો શરું થવાની હતી. બધાં લગ્નને લઈને ખુશ હતાં.


નિશાંત જીગ્નેશ માટે લગ્નની શેરવાની અને બીજી રસમોમાં પહેરવાનાં કપડાં તૈયાર કરતો હતો. ત્યારે વિકાસ નિશાંત પાસે આવ્યો. જીગ્નેશ નિશાંત પાસેથી શેરવાની લઈને પહેરવાં માટે બાથરૂમમાં ગયો. ત્યાં વિકાસ નિશાંતને લઈને બહાર બગીચામાં આવ્યો.


"તે વાત કરી દીધી??" વિકાસે નિશાંતને પૂછ્યું.


"નહીં, શું ઉતાવળ છે!? હું મોકો જોઈને વાત કરી લઈશ." નિશાંતે અણગમા સાથે કહ્યું.


વિકાસ નિશાંતનુ એવું વર્તન સમજી નાં શક્યો. નિશાંત માત્ર એટલું કહીને ફરી કામમાં વળગી ગયો. વિકાસ પાસે કરવાં માટે કે પૂછવા માટે કાંઈ વધ્યું નહોતું. જેનાં લીધે એ પણ નિશાંત સાથે કામમાં તેની મદદ કરવાં લાગ્યો.


મનન પોતાની ઘરે કાનજીભાઈ પાસે બેઠો હતો. ત્યારે ધનજીભાઈ ત્યાં આવ્યાં. ધનજીભાઈને અત્યારે પોતાની ઘરે જોઈને મનન અને કાનજીભાઈ બંનેને નવાઈ લાગી.


"આવો...આવો... ઘણાં દિવસે અમારી ઘરે તમારું આગમન થયું." કોકિલાબેન ઘરમાંથી બહાર આવીને બોલ્યાં.


ધનજીભાઈ કાનજીભાઈ પાસે ખાટલે બેઠાં. તેમને વાતની શરૂઆત ક્યાંથી કરવી, એ સમજમાં નહોતું આવતું. તેમણે એક નજર મનન અને કાનજીભાઈ ઉપર કરી. એટલામાં આરવ ત્યાં આવી પહોંચ્યો.


"કાકા, વાતની શરૂઆત તો તમારે જ કરવાની છે. તો રાહ જોયાં વગર બોલી જ નાંખો." આરવે હસતાં હસતાં ધનજીભાઈને કહ્યું.


"શું વાત છે?? બધું બરાબર તો છે ને??" કાનજીભાઈ થોડાં ચિંતિત સ્વરે બોલ્યાં.


"હાં, ચિંતાની કોઈ વાત નથી. વાત તો ખુશીની છે. હું મારી દીકરીનો હાથ તારાં દિકરા મનનના હાથમાં સોંપવા માગું છું. બોલ, તને મારી વાત મંજૂર છે??" ધનજીભાઈએ કાનજીભાઈ આગળ પોતાનાં મનની વાત મૂકી દીધી.


ધનજીભાઈની વાત સાંભળી મનન સહિત કાનજીભાઈ અને કોકિલાબેન પણ વિચારોમાં પડી ગયાં. ધનજીભાઈ જેવાં મોટાં વ્યક્તિ તેમની લાડલી દીકરીનો હાથ મનનના હાથમાં આપવા માંગતા હતાં. એ વાત ખુશીની સાથે આશ્ચર્ય પમાડે એવી પણ હતી. સુશિલાબેનના પરાક્રમથી કાનજીભાઈ અને કોકિલાબેન પણ જાણકાર હતાં. એવામાં એમની રજા વગર આ સંબંધ થાય, તો મોટું યુદ્ધ થવાનાં અણસાર કોકિલાબેનને અત્યારથી જ દેખાતાં હતાં.


"સુશિલાબેન આ સંબંધ સ્વીકારશે??" કોકિલાબેને પોતાનાં મનની વાત કરી જ દીધી. તેમની રજા વગર કાંઈ પણ કહેવું કે કરવું યોગ્ય નહોતું. એ વાત બધાં જાણતાં હતાં.


"તમે બધાં એકવાર હાં કહો, તો સુશિલાને હું મનાવી લઈશ." ધનજીભાઈએ આત્મવિશ્વાસ સાથે કહ્યું.


"જો સુશિલાબેન હાં પાડતાં હોય, તો અમને કોઈ તકલીફ નથી." કાનજીભાઈએ એક નજર મનન પર કરીને કહ્યું.


મનન સુમન સાથે લગ્ન કરવાં તો ઈચ્છતો હતો. પણ, કોઈને દુઃખી કરીને લગ્ન કરવાં. એવો તેનો ઈરાદો બિલકુલ નહોતો. એમાંય વાત સુમનના મમ્મીની હતી. તો એમની રજા વગર લગ્ન તો શું લગ્નની વાત કરવી પણ અઘરી હતી.


ધનજીભાઈ કાનજીભાઈનો જવાબ લઈને નીકળી ગયાં. કોકિલાબેને તો હરખભેર શીરો પણ બનાવી લીધો. પણ મનનના મનમાં વિચારોનું ઘમસાણ યુદ્ધ જામ્યું હતું.


"આરવ, બે મિનિટ મારી સાથે આવ. મારે તારી સાથે વાત કરવી છે." મનને આરવને રોકીને કહ્યું.


આરવ મનનના મનની મૂંઝવણ સમજી ગયો હતો. તે કાંઈ પણ કહ્યાં વગર ચૂપચાપ મનનની સાથે તેની વાડીએ આવી ગયો. મનનને શું બોલવું એની ભાન સુધ્ધાં નહોતી રહી. બધું એટલી જલ્દી બનતું હતું, કે કેવી રીતે વર્તવું એ પણ મનનને નહોતું સમજાતું.


"જે વાત હોય, એ વિના સંકોચે કહી દે." આરવે પ્રેમથી મનનના ખંભે હાથ મૂકીને કહ્યું.


"તું મારી અને સુમન વિશે જાણી ગયો હતો. એ વાતની મને પહેલેથી ખબર હતી. અમને એકલાં સાપુતારા મોકલવા માટે તું જાણી જોઈને સવારમાં બહાર જતો રહ્યો. એ વાતની પણ મને ખબર હતી.


તને પહેલી વખત મળ્યો. ત્યારે મેં તારાં વિશે ઘણું ખોટું વિચારી લીધું હતું. પણ, પછી મને બધી હકીકત ખબર પડી ગઈ હતી. હું સુમનને પ્રેમ કરું છું.‌ એ વાત સાચી છે. પણ લગ્ન માટે બહું ઉતાવળ થતી હોય. એવું મને લાગે છે." મનને પહેલેથી છેલ્લે સુધીની બધી વાત આરવને કહી દીધી.


"આમાં ઉતાવળ બિલકુલ નથી થતી. જે થાય છે, એ બધું બરાબર જ થાય છે. તું સુમનના મમ્મીનાં સ્વભાવથી ડરે છે. એ વાત મને ખબર છે. પણ, એમની રજા વગર કાંઈ નહીં થાય. એ હું તને ખાતરીપૂર્વક કહું છું." આરવે મનનને સમજાવતાં કહ્યું.


"આપણે એકવાર સુમન સાથે આ બાબતે વાત કરી લેવી જોઈએ." મનને થોડું વિચારીને કહ્યું.


"સુમન સાથે વાત કરીશું. પણ, પહેલાં તેમનાં મમ્મી માની જાય. પછી આપણે બધું વિચારીશું. તું તારાં વિચાર પર અટલ રહીશ. તો સુમનના મમ્મીને મનાવવા કંઈ અઘરી વાત નથી. પણ, જો તે નમતું જોખી લીધું. તો સુમનના લગ્ન હું તો શું કોઈ તારી સાથે નહીં કરાવી શકે.


સુમનના મમ્મીનાં સ્વભાવથી તું વાકેફ જ છે. મારે તને એ બાબતે કાંઈ સમજાવવાની જરૂર નથી. તો તું બસ હું કહું એટલું કરજે." આરવે બધી વાતની ચોખવટ કરી દીધી.


મનન સામે થોડાં દિવસો પહેલાંના દ્રશ્યો તરવરવા લાગ્યાં. જેમાં તનિષ સુમનને જોવાં આવ્યો હતો. મનન સુમનને કોઈ કાળે ગુમાવવા નહોતો માંગતો. આરવની વાત સાંભળી મનને મનોમન સુશિલાબેનને ખુશ કરવાનાં વિચારો શરૂ કરી દીધાં.


(ક્રમશઃ)