Gamdani Prem Kahaani - 6 books and stories free download online pdf in Gujarati

ગામડાની પ્રેમ કહાની - 6

ગામડાની પ્રેમકહાની


ધનજીભાઈએ આરવને રાણપુર બોલાવ્યો હતો. પણ ધનજીભાઈએ કારણ‌ જણાવ્યું નહોતું. એ વાતથી આરવના પપ્પા પરેશાન હતાં.ભાગ-૬

ધનજીભાઈ વહેલાં ઉઠીને ઘરની બહાર લટાર મારતાં હતાં. તેમની નજર રસ્તા પર આરવની કારને જ શોધતી હતી. સવારનાં છ વાગતાં જ ધનજીભાઈને આરવની કાર દેખાઈ. જાણે ધનજીભાઈને અંધારી ઓરડીમાં એક પ્રકાશપુંજ દેખાયું હોય, એમ એ ચમકી ગયાં.

"અરે, અંકલ તમે અત્યારે બહાર કેમ ઉભાં છો??" આરવે આવીને ધનજીભાઈના ચરણ સ્પર્શ કર્યા.

"તારી જ રાહ જોતો હતો." ધનજીભાઈ આરવને આશીર્વાદ આપીને હસવા લાગ્યાં.

આરવ કારમાંથી પોતાનો સામાન કાઢીને ધનજીભાઈ સાથે ઘરમાં પ્રવેશ્યો. સુશિલાબેન ઉઠીને નીચે આવવાં માટે સીડીઓ ઉતરતા હતાં. ત્યાં જ તેમની નજર આરવ પર પડી. આરવને જોઇને સુશિલાબેનને એક ઝટકો લાગ્યો. જાણે તેમનો કાળો‌ ભૂતકાળ આજે તેમની નજર સમક્ષ આવી ગયો હોય, એમ તેઓ સીડી પર જ ફસડાઈ પડ્યા.

"અરે, શું વાત કરે છે તું?? આ તો કેટલી મોટી ખુશીની વાત છે."

"તારાં માટે ખુશીની વાત હશે, મારાં માટે એ દુઃખની વાત છે. મારે અત્યારે લગ્ન કે બાળકો કોઈની જરૂર નથી."

"આ બાળક તો મારે જોતું જ છે. તારે જરૂર નાં હોય, તો હું તેને એકલાં હાથે સાચવી લઈશ."

"નહીં, આ મારી કુખે જન્મ નહીં લે. હું જન્મ પહેલાં જ-"

સુશિલાબેન આગળ કાંઈ બોલે એ પહેલાં જ દેવરાજભાઈએ તેમનાં ગાલે એક તસતસતો તમાચો ચોડી દીધો. સુશિલાબેન કાંઈ બોલી નાં શક્યાં. દેવરાજભાઈની જીદ્દ આગળ સુશિલાબેનને એ બાળકને જન્મ આપવો જ પડ્યો. નવ મહિના પછી સુશિલાબેને આરવને અમદાવાદની સીટી હોસ્પિટલમાં જન્મ આપ્યો. જન્મ આપ્યાના એક જ અઠવાડિયામાં સુશિલાબેન આરવને દેવરાજભાઈના હાથમાં સોંપીને પોતાને ગામ સરસઈ આવતાં રહ્યાં.

"આરવ, ચાલ આપણે પહેલાં નાસ્તો કરી લઈએ. હું સુશિલાને બોલાવી લાવું."

ધનજીભાઈના મોંઢે પોતાનું નામ સાંભળી સુશિલાબેન સફાળા બેઠાં થઈ ગયાં. વર્ષો જૂનો ભૂતકાળ આજે તેમની નજર સમક્ષ ઉભો હતો. જે દિકરાને દેવરાજભાઈ પાસે સોંપીને આવ્યાં હતાં. એવાં જ એક દિકરા માટે સુશિલાબેન આજે તરસી રહ્યાં હતાં. કદાચ આરવને પોતાનાથી દૂર કર્યાની સજા ભગવાને એમને આપી હતી. એટલે જ આરવ પછી તેમની કુખે ફરી ક્યારેય દીકરો નાં જન્મ્યો.

"સુશિલા, આરવ આવ્યો છે. તેનાં માટે નાસ્તો તૈયાર કર."

ધનજીભાઈનો હુકમ મળતાં જ સુશિલાબેન રસોડામાં જતાં રહ્યાં. ધનજીભાઈ આરવ સાથે ડાઇનિંગ ટેબલ પર ગોઠવાઈ ગયાં. આરવ સુશિલાબેન શું કહેશે?? તેની રાહ જોઈ રહ્યો હતો. પણ સુશિલાબેન કાંઈ બોલ્યાં જ નહીં.

ધનજીભાઈ નાસ્તો કરીને, આરવને ઉપર એક ખાલી રૂમ સોંપીને જતાં રહ્યાં. આરવ પોતાનો બધો સામાન એ રૂમમાં ગોઠવવાં લાગ્યો.

દેવરાજભાઈને આખી રાત ઉંઘ નાં આવી. મનિષાબેન તો વહેલાં ઉઠીને પોતાનું કામ કરવાં લાગ્યાં હતાં. નાસ્તાનો સમય થતાં જ દેવરાજભાઈ નીચે આવ્યાં.

"આવી ગયાં તમે?? હવે તમારી ચિંતા દૂર થઈ કે નહીં??"

"એ તો આરવ સાથે વાત કર્યા પછી જ દૂર થાશે."

"તમે ખોટી ચિંતા શાં માટે કરો છો?? આરવ સુશિલાનો પણ દિકરો છે. એ કાંઈ તેને ત્યાં રહેવાની નાં નહીં પાડે."

"હાં, એ તેનો દિકરો છે. પણ એ સુશિલા જ વર્ષો પહેલાં એ દિકરાને મારાં હાથમાં સોંપીને જતી રહી હતી. કેમ કે, ત્યારે મારી પાસે રૂપિયા નહોતાં. મેં નવો બિઝનેસ ચાલું જ કર્યો હતો. ને પહેલી જ બિઝનેસ ડીલમા મને નુકશાન થયું હતું. ત્યારે જ તેને ધનજીનુ માગું આવ્યું, ને‌ તેણે તેની સાથે લગ્ન કરવાની હાં પાડી દીધી. એ તો મેં મહાપરાણે તેને આરવને જન્મ આપવા મજબૂર કરી. બાકી આજે આરવ આ દુનિયામાં જ નાં હોત."

"હવે વર્ષો જૂની વાત જવાં દો ને!! એક જ વાત ક્યાં સુધી વાગોળ્યા કરશો??"

દેવરાજભાઈ કાંઈ બોલે એ પહેલાં જ તેમનાં મોબાઈલની રીંગ વાગી. સ્ક્રીન પર આરવનુ નામ જોતાં જ દેવરાજભાઈએ તરત જ કોલ રિસીવ કર્યો.

"હાં, બોલ બેટા!! સરખી રીતે પહોંચી ગયો ને?? કોઈ પરેશાની તો નથી ને?? આ રીતે અચાનક ધનજીભાઈએ તને શાં માટે બોલાવ્યો??"

"પપ્પા... પપ્પા....એક સાથે આટલાં બધાં સવાલોનાં જવાબ કેવી રીતે આપું?? તમે તો હું સાવ નાનું બાળક હોય, એમ ટ્રીટ કરો છો મને!!"

"એ જે હોય તે, તું જે જગ્યાએ ગયો‌ છે, એ જગ્યાએ તને જવાં દીધો, એ જ ઘણું છે. બાકી મારી મરજી ચાલે તો હું તને ત્યાં જવા જ નાં દવ!!"

"અરે પપ્પા, અહીં બધું ઠીક છે. કોઈએ મને કાંઈ કહ્યું નથી. તમે ચિંતા નાં કરો. હું ધનજીકાકા સાથે વાત કરવા જ જાઉં છું. તેમણે મને વાત કરવા તેમની વાડીએ બોલાવ્યો છે. તો એમની સાથે વાત કર્યા પછી હું તમને બધું જણાવીશ."

"ઠીક છે, તારું ધ્યાન રાખજે. રાધે ક્રિષ્ન!!"

"હાં પપ્પા, રાધે ક્રિષ્ન!!"

આરવ સાથે વાત કર્યા પછી દેવરાજભાઈની થોડી એવી ચિંતા દૂર થઈ. પણ હજું આરવનુ ત્યાં જવા પાછળનું કારણ તો એમ જ અકબંધ હતું. એ જાણ્યાં વગર દેવરાજભાઈ પૂર્ણપણે નિશ્ચિત થઈ શકે એમ પણ નહોતાં.

ધનજીભાઈ પોતાની વાડીએ લીમડાનાં ઝાડ નીચે ખાટલો ઢાળીને, એનાં પર ઓશિકાના ટેકે બેસીને આરવની રાહ જોઈ રહ્યાં હતાં. રોડનાં કાંઠે સો વિઘા પાણીવાળી જમીન, લીમડો, આંબો, રાવણો, ચીકુડી, લીંબુડી અને નારિયેળી જેવાં કેટલાંય વૃક્ષો, ને એમાં સફેદ કપડાં, મોટાં ગોળ ચહેરા પર શોભે એવી મૂંછો, છ ફૂટની ઉંચાઈ ને ઘઉંવર્ણો રંગ ધરાવતાં ધનજીભાઈ ખાટલે એવી અદાથી બેઠાં હતાં, કે કોઈ તેમને જોતાં જ ઓળખી જાય, કે આ બધી સંપત્તિનાં પોતે જ માલિક છે.

ધનજીભાઈનો રૂઆબ આખાં રાણપુરમા હતો. બસ એક સુશિલાબેન આગળ જ તેમને નમતું જોખવું પડતું. સુશિલાબેનના લીધે ધનજીભાઈ માટે એક કહેવત તો સિદ્ધ થઈ ગઈ હતી, કે "બહાર મોટો ને ઘરમાં ખોટો" સુશિલાબેન સામે ધનજીભાઈની કંઈક આવી જ હાલત હતી.

"હાં કાકા, કહો હવે!! શું વાત કરવાની હતી??"

આરવના અવાજથી ધનજીભાઈ ઉભાં થઈને ખાટલા પરથી પગ‌ નીચે રાખીને આરવને બેસવા માટે ઈશારો કર્યો.

"સુશિલા સુમનના લગ્ન કરાવવા માંગે છે. પણ મારી દિકરી લગ્ન માટે તૈયાર નથી. એ વાત હું જાણું છું. આજ સુધી તે‌‌ સુશિલાને રોકવા માટે જે પ્લાન કહ્યાં છે, એ બધાં પ્લાન તેનાં પર ૧૧૦% અસર કરી ગયાં છે. પણ હવે હું તેનાંથી સાવ કંટાળી ગયો છું. તો હવે સુમનના લગ્ન તે નાં કહે ત્યાં સુધી નાં થાય. એ જવાબદારી હું તને સોંપું છું."

"અરે કાકા, બસ આટલી જ વાત!! તમારું કામ થઈ ગયું સમજો!!"

"જો આ કામ થઈ ગયું, તો હું તારો આભારી રહીશ."

આરવે સુમનના લગ્ન તેની મરજી વિરુદ્ધ નહીં થાય. એ જવાબદારી પોતાની માથે લેતાં જ ધનજીભાઈ જાણે સંસારથી નિવૃત્ત થઈ ગયાં હોય, એવું મહેસૂસ કરવા લાગ્યાં.

"કાકા, તમને પેલો‌ ગાયવાળો કિસ્સો તો યાદ જ હશે ને!!"

આરવના મોઢે ગાય નામ સાંભળતાં જ ધનજીભાઈ મંદ મંદ હસી પડ્યા. આરવ પણ એમને જોઈ હસવા લાગ્યો.

"આ ગાય મારે એકની લાખેય નાં જોઈ. તમારે જે કરવું હોય, એ કરો. પણ કાલ સવારે આ ગાય અહીં હશે. તો હું અહીં નહીં રહું."

"પણ તને વાંધો શું છે?? આ ગાય દૂધ પણ સારું આપે છે, ને વળી કોઈને મારતી પણ નથી."

"હાં, જોયું!! કેટલી ડાહી ડમરી છે એ‌ તો!! એક તો રૂપાળી મારાં કરતાંય વધારે!! એમાં તમારે એ‌ને રોજ નવડાવીને ચોખ્ખી કરવી. એની પાછળ કેટલું પાણી બગાડો!! ને‌ તોય વળી એનાં દૂધનાં ભેંસના દૂધ કરતાં પાંચ રૂપિયા ઓછાં આવે."

"તને ભાન તો છે ને!! તું તારાં અને એનાં રૂપની સરખામણી કરી રહી છે. એ ગાય ને તું માણસ!! એટલો‌ તો વિચાર કર, ને એનાં દૂધનાં પાંચ રૂપિયા ઓછાં છે, તો એનું દૂધ ને ઘી લેવાવાળા પણ ભેંસનું દૂધ લેવાવાળા કરતાં ડબલ છે."

"તો પણ મારે આ ગાય નથી જ જોતી."

"અરે સાંભળ, પેલાં આપણાં ગામનાં ભૂદેવ એમ કેતા'તા, કે આ ગાય તો ભગવાનનું વરદાન બનીને આપણે આંગણ આવી છે. તું જ જોઈ લે ને, એનાં આવ્યાં પછી આપણાં ખેતરની ઉપજ પણ ડબલ થઈ ગઈ, ને તે આવી એ દિવસે જ તું અગાસીએથી પડતાં પડતાં બચી. આ ગાયે તો તને નવું જીવનદાન દીધું છે."

"હેં, સાચે જ ભૂદેવ આવું કેતા'તા??"

"હાસ્તો વળી, તું જ જોઈ લેને!! આ ગાયને જોતાં જ લાગે, કે એ સાક્ષાત કૃષ્ણ ભગવાનની ગાય છે. બસ ખાલી ગળે ઘંટડી બાંધવાની વાર છે. પછી તો‌ એય ને ગાય ચાલે ને ઘંટડીનો રૂમઝૂમ અવાજ સાંભળી બધાં તેને ભગવાનનો અવતાર કહેશે, ને તારે દૂધનાં લગવા (દૂધ લેવાવાળા) વધી જાશે."

"તો જાવ ને, ઘંટડી લઈ આવો. ને હાં, પેલી મોટી આવે એ ઘંટડી લેજો. તેનો અવાજ વધું આવશે, તો આજુબાજુના ગામવાળા પણ દૂધ લેવાં આવશે. હવે તો આ ગાયની હું રોજ પૂજા કરીશ."

"કેમ કાકા!! સોલિડ પ્લાન હતો ને મારો?? હાં, કાકીને મનાવવા થોડી અંધશ્રદ્ધા તેમનાં મગજમાં રોપવી પડી. પણ એ ગાય બચી ગઈ. નહીંતર કાકી તો તેને છોડી મૂકેત, તો બિચારી હેરાન થઈ પડેત."

આરવની વાત સાંભળી ધનજીભાઈ ફરી વર્તમાનમાં આવી પહોંચ્યા. જૂની વાત યાદ કરીને તેઓ પેટ પકડીને હસી રહ્યાં હતાં. પણ એ ગાય અને આ સુમનવાળી વાત તદ્દન અલગ હતી. એ વાત આરવ અને ધનજીભાઈ બંને સમજતાં હતાં. તો પણ ધનજીભાઈને આરવ ઉપર વિશ્વાસ હતો, કે એ જરૂર કોઈ ને કોઈ રસ્તો કાઢી જ લેશે.

"તારાં પ્લાન તો જોરદાર હોય છે. પણ આ વખતે મામલો થાળે પાડવો એટલો સરળ નથી."

"બધું થઈ જાશે કાકા!! બસ મને વિચારવા માટે એક રાતનો સમય આપો."

"ઠીક છે, બેટા."

આરવને મૂળ વાત સમજાઈ ગઈ હતી. હવે સુમન સુરક્ષિત હતી. એ વાતનો ધનજીભાઈને સંતોષ હતો. વાતો વાતોમાં બપોરનો સમય થઈ ગયો હતો. ધનજીભાઈ અને આરવ ઘર તરફ જતાં રસ્તે ચાલવા લાગ્યાં.

ધનજીભાઈએ કહ્યું, એ એકદમ સાચું હતું. પહેલાંના કિસ્સા ને સુમનનો કિસ્સો બંને અલગ હતાં. પણ ધનજીભાઈએ વિશ્વાસ સાથે આરવને અહીં બોલાવ્યો હતો. તો આરવે એ કાર્ય કરવું જરૂરી હતું. જેનાં લીધે આરવે સમય બરબાદ કર્યા વિના અત્યારથી જ વિચારવાનું ચાલું કરી દીધું.(ક્રમશઃ)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED