Gamdani Prem Kahaani - 12 books and stories free download online pdf in Gujarati

ગામડાની પ્રેમ કહાની - ૧૨

ગામડાની પ્રેમકહાની


મનન અને સુમન વચ્ચે ધીમે-ધીમે સંવાદની રીત બદલાઈ રહી હતી. બંને એકબીજા ની નજીક આવી રહ્યાં હતાં.



ભાગ-૧૨

મનન જે બોલી ગયો‌‌ તેનું તેને ખુદને ભાન નહોતું. સુમન તેની સામે જોવાં લાગી. તો મનન નીચે જોઈ ગયો. સુમન ઉભી થઈને તેની પાસે ગઈ.

"હવે બોલી જ દીધું છે, તો મારી સામે જોઈને પણ કહી દે." સુમન મનન ની એકદમ નજીક જઈને બોલી.

"હાં, મેં કહ્યું એ સાચું જ છે. હું તને નાનપણથી જ પસંદ કરું છું. પણ ક્યારેય કહેવાની હિંમત જ નાં થઈ. જેની પાછળ ઘણાં કારણો પણ છે. એમાંના અમુક તું પણ જાણે છે." મનન એકી શ્વાસે બધું બોલી ગયો.

સુમન તેની સામે જ જોઈ રહી. પછી અચાનક જ સુમન મનન ને વળગી પડી. હવે મનન ની ધીરજ નો બંધ પણ તૂટી ગયો હતો. મનને પણ સુમન ને કસીને પોતાની બાહોમાં ભરી લીધી. કુદરતનો સુરજ તો ડૂબી ગયો હતો. પણ કુદરતે બનાવેલાં બે હ્દય આજે મળી ગયાં. તેમનાં જીવનમાં એક નવો સુરજ ઊગ્યો હતો.

"મારાં માટે જ્યારે તનિષ નું માગું આવ્યું. ત્યારે તું મારી ઘરે મારાં રૂમમાં આવ્યો. ત્યારે મને થયું, કે તું તે દિવસે તારાં મનની વાત કહી જ દઈશ. પણ તે એવું નાં કર્યું. તું મનન નો મનન જ રહ્યો. બધું મનમાં જ રાખવું એ તો‌ જાણે તારી જન્મજાત ટેવ પડી ગઈ છે. ભગવાને પણ કદાચ મને તારી સાથે મળાવાનો પ્લાન અગાઉ જ ઘડી રાખ્યો હતો. એટલે જ કદાચ તે દિવસે તનિષ સાથે મારું નક્કી નાં થયું." સુમન એકીસાથે બધું જ બોલવાં લાગી. મનન માત્ર સાંભળતો જ હતો.

"હવે જરા જંપ લઈશ?? અંધારું થવા લાગ્યું છે, તો પહેલાં કોઈ હોટેલ પર જઈએ??" મનન સુમનને પોતાનાં થી અળગી કરીને બોલ્યો.

સુમન હસવા લાગી. પછી મનન નો હાથ પકડી કાર તરફ ચાલવા લાગી. બંને વચ્ચે જે ડોર બંધાઈ હતી. એ આજ વધું મજબૂત બની ગઈ હતી. ક્યારેક અમુક વાતો નાં કરીને પણ ઘણું જાણી શકાય છે.પણ ક્યારેક એ જ વાતો કરવાથી એનાંથી વધું ફાયદો થાય છે. બસ આવો જ ફાયદો આજે મનન નાં સુમન ને કરેલાં પ્રેમનાં એકરાર થી એ બંનેનાં સંબંધ‌ ને થયો હતો.

સુમને કારને ટેબલ લેન્ડ રોડ તરફ હંકારી. બંનેનાં ચહેરા ખુશ જણાતાં હતાં. થોડી વાર થતાં જ સુમને તોરન હીલ રીસોર્ટ ની સામે કાર ઉભી રાખી. બંને દરવાજો ખોલી અંદર ગયાં.

તોરન હીલ રીસોર્ટનુ પોતાનું જ એક આગવું અસ્તિત્વ હતું. માણસમાં નામ એવાં ગુણ ને આ રિસોર્ટ ને નામ એવો નજારો એમ કહી શકાય. કુદરતી સૌંદર્ય નો અદ્ભૂત નજારો એટલે તોરન હીલ રીસોર્ટ!! અહીં આવેલાં પર્યટકો ને સાપુતારા ફર્યા પછી આ રિસોર્ટ માં રહેવાની મજા આવે. અહીં નું એવું સરસ વાતાવરણ છે.

સુમન અને મનન રિસોર્ટ ની અંદર પ્રવેશ્યાં. રિસોર્ટ ની અંદરની ગોઠવણી પણ બહું સુંદર હતી. બંનેએ પોતાનાં રૂમની ચાવી લઈને પોતાનાં રૂમ તરફ ડગ માંડ્યા.

કુદરત પ્રેમી દરેક વ્યક્તિ ને સાપુતારા નું વાતાવરણ અને આબોહવા પસંદ નાં આવે. એવું ક્યારેય બને જ નહીં. અહીં આવ્યાં પછી બધાંનો કુદરત સાથે એક અલગ સંબંધ બંધાય જતો. વ્યક્તિનો મગજ તેનાં વિચારો બધું જ એકદમ શાંત બની જતું. અહીંના ઢળતાં સૂર્ય માં પણ એક અલગ ઉર્જા હોય છે.

આજનો દિવસ સુમન અને મનન માટે બધાં કામોથી આરામ અને ખુશી થી ભરેલો રહ્યો હતો. સુમન રિસોર્ટ નાં રૂમનાં બેડ પર બેસીને એકલી એકલી જ બ્લશ કરી રહી હતી. તેનાં માટે મનને કરેલૈ પ્રેમનો એકરાર દુનિયા ની સૌથી મોટી ખુશી હતી.

આરવ રાણપુર પોતાનાં એક ફ્રેન્ડ ની ઘરે બેઠો હતો. તેનાં ચહેરા ઉપર પણ એક અલગ જ ખુશી દેખાતી હતી. એક ગજબની શાંતિનો અહેસાસ થયો હોય, એમ આરવ નિરાંતે બેઠો હતો.

"અરે ભાઈ, આજ આટલો‌ ખુશ કેમ છે??" આરવના મિત્ર એ તેને પૂછ્યું.

"નિશાંત, કહાની બહું લાંબી છે. ટૂંકમાં સમજાવીશ, તો તું સમજીશ નહીં." આરવે તેનાં મિત્ર નિશાંત ને કહ્યું.

નિશાંતે આગળ પૂછવાનું ટાળ્યું. નિશાંત પણ અમદાવાદ જ રહેતો. જેનાં લીધે આરવ તેને ઘણી વખત અમદાવાદમાં જ મળ્યો હતો. પણ રાણપુર આવ્યાં પછી આરવને ખબર પડી, કે નિશાંત નાં મામા રાણપુર નાં છે. તો નિશાંત તેનાં મામાના દીકરા નાં લગ્ન માટે રાણપુર આવ્યો છે. અહીં આવ્યાં પછી નિશાંત નો‌ કોલ આવતાં જ આરવ તેને મળવાં પહોંચી ગયો.

લગ્નના દિવસો નજીક હોવાથી બધાં શોપિંગ માટે ગયાં હતાં. જેનાં લીધે બંને મિત્રોને વાતો કરવાનો સારો‌ મોકો મળી ગયો. નિશાંત ઘરનો‌ બનાવેલો નાસ્તો અને ચા લઈને આવી ગયો.

"ભાઈ, તું અહીં કોનાં ઘરે રોકાયો છે??" નિશાંતે અમદાવાદમાં બિઝનેસ શરૂ કર્યો. ત્યારે આરવે તેની બહું મદદ કરી હતી. બસ ત્યારથી જ નિશાંત આરવને ભાઈ કહીને સંબોધતો.

"હું ધનજીકાકા ની ઘરે રોકાયો છું." આરવે ચા નો કપ હાથમાં લઈને કહ્યું.

"અરે, ધનજીકાકા ને તો મારાં મામા બહું સારી રીતે ઓળખે છે. હું તો એમની ઘરે પણ‌ ઘણી વખત જઈ આવ્યો છું." નિશાંત ધનજીકાકા નું નામ સાંભળીને થોડો ઉત્સાહિત થઈને બોલ્યો.

"હવે તો‌ હું પણ અહીં છું. તો કાલ તું ત્યાં આવજે." આરવે નિશાંત ને ધનજીભાઈ ની ઘરે આવવાનું આમંત્રણ આપ્યું.

"હાં ચોક્કસ, આમ પણ‌ કાલે બધાંની ઘરે લગ્ન નું આમંત્રણ આપવા નીકળવાનું છે." નિશાંતે ખુશ થતાં કહ્યું.

"તો હવે હું નીકળું, તું કાલ આવજે." આરવે સોફા પરથી ઉભાં થઈને કહ્યું.

નિશાંત આરવને ગળે મળ્યો. પછી આરવે ઘર તરફ પ્રયાણ કર્યું. નિશાંત નું ઘર બહું દૂર નહોતું. તો આરવ પગપાળા જ આવ્યો હતો, ને પગપાળા જ ઘરે પણ પહોંચી ગયો. ઘરે પહોંચીને આરવ ઘરની અંદર ગયો. ઘરનું વાતાવરણ એકદમ શાંત હતું. આરવની દેવકી અને યશોદા એમ બંને માતાઓ એક જ ઘરની અંદર હોવાં છતાં વાતાવરણ આટલું શાંત હોઈ શકે. એવી તો આરવે કલ્પના પણ નહોતી કરી.

દેવરાજભાઈ હોલમાં સોફા પર બેઠાં હતાં. આરવ તેમની પાસે જઈને બેસી ગયો. આરવને જોઈ દેવરાજભાઈ તેની સામે હસ્યાં.

"પપ્પા, આજે ઘરમાં આટલી શાંતિ કેમ છે??" આરવે દેવરાજભાઈ સામે હસીને પૂછ્યું.

"બેટા, આ તુફાન પહેલાં ની શાંતિ છે." દેવરાજભાઈ એ પોતાનાં હાથમાં રહેલ ન્યૂઝ પેપર કાચનાં ટેબલ પર મૂકીને કહ્યું.

દેવરાજભાઈ ની સવારને બદલે સાંજે ન્યૂઝ પેપર વાંચવાની આદત હતી. તેમનાં મત મુજબ ન્યૂઝ પેપર સવારે વાંચી તેમાં રહેલી ખબરો વિશે આંખો દિવસ વિચાર કરવો, એનાં કરતાં સાંજે ન્યૂઝ પેપર વાંચી રાત્રે નિરાંતે સૂઈ જવું સારું!! એ વાત તેમને યોગ્ય લાગતી.

આરવને દેવરાજભાઈ ની વાત પર હસવું આવી ગયું. સુશિલાબેન હોય, ત્યાં તુફાન ને આમંત્રણ નાં આપવું પડે. એ તો વગર આમંત્રણે જ આવી જાય.

"હમણાં થોડીવાર પહેલાં જ સુશિલા તારી મમ્મી સામે મોઢું બગાડીને ઉપર પોતાનાં રૂમમાં ગઈ છે. હવે નીચે આવે ત્યારે કંઈક નવું થાશે." દેવરાજભાઈ ની વાત સાંભળીને પણ આરવે કાંઈ પૂછ્યું નહીં, એટલે દેવરાજભાઈ એ સામેથી જ કહ્યું.

"મમ્મી ક્યાં છે??" કંઈક નવું થાશે, એ વાત સાંભળી આરવને મનિષાબેન ની ચિંતા થઈ, કે તરત જ આરવે મનિષાબેન વિશે પૂછ્યું.

"એ રસોડામાં રસોઈ બનાવે છે." દેવરાજભાઈ એ રસોડાં તરફ ઈશારો કરીને કહ્યું.

આરવ ઉભો થઈને રસોડામાં જવાં લાગ્યો. ત્યારે જ ધનજીભાઈ આવ્યાં. આરવ ડાઇનિંગ ટેબલ પાસે જ ઉભો રહી ગયો. ધનજીભાઈ સીધાં આરવની પાસે આવ્યાં. ત્યારે જ મનિષાબેન રસોડામાંથી અને સુશિલાબેન ઉપર પોતાનાં રૂમમાં થી આવતાં દેખાયાં. સુશિલાબેન નો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો હતો.

"હવે નક્કી કંઈક થાશે." દેવરાજભાઈ ધીમેથી કોઈને નાં સંભળાય એમ બોલ્યાં.

યુદ્ધ શરૂ થતાં પહેલાં સૈનિકો સજ્જ થાય, એમ દેવરાજભાઈ, ધનજીભાઈ અને આરવ સજ્જ થઈ ગયાં. કોઈ પણ સમયે સુશિલાબેન પોતાનો ગુસ્સો બહાર કાઢવા તૈયાર હતાં.

દેવરાજભાઈ અને ધનજીભાઈ સુશિલાબેનની સામે જ ઘુરી ઘુરીને જોતાં હતાં. તેમનાં જોવાથી સુશિલાબેનના ચહેરાનો રંગ બદલી રહ્યો હતો. બધાં તેમનાં ગુસ્સાનો સામનો કરવા તૈયાર હતાં. પણ મનિષાબેન તો પોતાનાં કામમાં વ્યસ્ત હતાં. તેમને આ બાબતે કશું જ ખબર નહોતી.



(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED