“ફરી મોહબ્બત”
ભાગ : ૧૬
"હું જેણે ચાહતો હતો એ તું છે જ નહીં..!! તું મારી ઈવા હોઈ જ ન શકે...!!" વિલાપ કરતાં ઉદ્દગાર અનયના મુખેથી નીકળી આવ્યા.
અનયને એવી ઈવા ક્યાં જોઈતી હતી...!! એ તો મેરેજ પહેલાની ઈવાને ચાહતો હતો..!! મેરેજ બાદ આવી રીતે બદલાઈ ગયેલી ઈવા જેણે સતત તન મનથી ચાહતો રહેતો એ એનો નવો જ રૂપ દેખાડશે એની કલ્પના સુદ્ધા પણ કરી ન હતી. અનય ગુસ્સામાં જ ડ્રોઈંગરૂમમાં જઈને સૂઈ ગયો. ઈવાએ તે સાથે જ બેડરૂમનો દરવાજો બંધ કરીને મોબાઈલમાં પડી રહી.
***
"શું થયું?? મેં રોજ જ નોટિસ કરું છું. પણ આજે કહેવાનો મોકો મળ્યો." સાગરે ઓફિસનાં બ્રેક ટાઈમે આખરે અનયને વારંવાર પોતાના મનમાં ખૂટતો પ્રશ્ન પૂછી જ પાડ્યો. " મેરેજ કરીને ખૂશ ન હોય એવું મને સતત ફીલ થયા કરે છે. જો હું ખોટો ન હોય તો...!!"
અનયે મૌન સેવ્યું.
"બોલી દેને ભાઈ હવે...!!" સાગરે ભાર આપતાં કહ્યું.
"અરે ભાઈ કશું નહીં. ઈવાને શું થઈ ગયું છે કશું જ ખબર નથી પડતું...!! ઈવા ફિઝીકલ રિલેશનશિપથી દૂર જ ભાગી રહી છે. ક્યારેક તો મને જ એમ લાગે છે કે મારામાં જ કશો પ્રોબ્લેમ હશે..!!" અનયનું ગળું ભરાઈ આવ્યું. " શું વિચારેલું.. અને શું થઈ ગયું..!!"
"ઓહ બસ એટલું જ..!!" સાગરે ધીરજ આપતાં કહ્યું. " સ્ત્રીઓને સમજવી અઘરી છે યાર. મૂડ જ ક્યારે બદલાય જાય એ જ ના સમજાય..!! ઉપરથી વધારે પ્યાર આપે તો પણ સાલા આપણે જ શકના ઘેરાવમાં આવી જાય કે આટલો પ્રેમ આજે કેમ દેખાડી રહ્યો છે..!! ને જો થોડો સમય પણ ન આપ્યો તો પણ ક્યાં હતાં ના જાતેજાતના સવાલો ઊભા હોય. અને જો સવાલોના જવાબ આપી દીધા તો પણ એમની દલીલ કમી થાય જ ના..!!" સાગરે હસતાં જવાબ આપ્યો. અનયને હસાવાનો પ્રયત્ન કર્યો.
અનયનું મૂડ થોડું બદલાયું. એના ચહેરા પર સ્મિત આવી ગયું.
"ઈવા મેડમને હજુ વધુમાં વધુ મોહબ્બત જોઈતી હશે તારી પાસેથી..!! એને ગિફ્ટ આપ. એને ફરવા માટેની સરપ્રાઈઝ આપ. હનીમૂન મનાવા માટે નીકળી પડો. એને જે ગમતું છે એ કરવા દે." સાગરે કહ્યું.
" અરે સાગર એટલો તો હું સમજદાર છું. એને ખૂશ કરવા માટે શું ન કર્યું ?? સિમલા માટેનું સરપ્રાઈઝ પ્લાન પણ છેલ્લી ઘડીએ ચોપટ કરાવી દીધું હતું. ગમવાની ચીજ જો હોય તો એ ફક્ત પબ..!! પબના માટે પણ મેં કદી એને ના નહીં પાડી. મેરેજ બાદ મને એક લિપ કિસ પણ આપી નથી. મેરેજના પાંચ મહિના થઈ ગયા. હું ક્યાં સુધી રહું?? કાલે રાત્રે હું પોતે પતિપણું દેખાડવા ગયો પણ હું એક સેંકેન્ડ માટે પણ એના દેહમાં સમાઈ ના શક્યો...!!" અનય એકધારું બોલ્યો.
સાગરે બધી જ વાત ધ્યાનથી સાંભળી.
"તો પછી એક લાસ્ટ આઈડિયા કામ આવશે કે નહીં એ સ્યોર તો કહી ના જ શકું બટ આ ટ્રાઈ કરી જો." સાગરે કહ્યું.
"કઈ આઈડિયા ?" અનયે એવી રીતે આતુરતાપૂર્વક પૂછયું જાણે ઈવાને પોતાની કરવા માટે કોઈ દવા મળી હોય..!!
"બસ હવે તું એને ઇગ્નોર કરતો જા. એને જલાવાની કોશિષ કર. એ સામેથી આવશે એની ધીરજ રાખીને રાહ જો." સાગરે આઈબ્રો ઊંચો કરીને કહ્યું.
"હં... એવું જ કરી જોઈશ..!!" અનયે કહ્યું.
***
સાગરના કહ્યાં પ્રમાણે અનય આજે ઓફિસેથી જાણીજોઈને લેટ ગયો.
એ ઘરમાં પ્રવેશ્યો. એના મુખ પર સોંગ રમતું હતું. એ બેડરૂમમાં ગયો. રોજ ઈવાની ખબર કાઢનારો અનય આજે ઈવા તરફ એક નજર સુદ્ધા નાખી નહીં. એ ફ્રેશ થઈને બાથરૂમમાંથી આવ્યો ત્યાં સુધી સોન્ગ ગણગણતો રહ્યો.
ઈવાનું ધ્યાન તો બેડ પર પડીને મોબાઈલમાં જ હતું પણ અનય એને ક્યારે કશું પૂછે એ ઈંતેઝારમાં હતી. પણ અનય કશું જ બોલ્યો નહીં. એ સૂવા માટે ધીમા સ્વરમાં સોન્ગ ગાતો ડ્રોઈંગરૂમમાં જતો રહ્યો. અનયે આટલો નાટક જેમતેમ ભજવ્યો. પરંતુ એનું દિલોદિમાગ કહી રહ્યું હતું કે ઈવાને એકવાર તો પૂછી લે કે એ જમી કે નહીં??
ઈવા પણ આજે ખુશનુમા દેખાતો અનયને જોઈને ચોંકી ખરી. પણ હવે એને ગુસ્સો ચડ્યો હતો. એ બેડરૂમનો દરવાજો બંધ કરવા આવી પણ ત્યાં જ સામેથી એ જોઈ શકતી હતી કે અનય આંટાફેરા કરતો મોબાઈલ કાન પર ધરી હસી હસીને કોઈકની સાથે વાત કરતો ફરતો હતો.
"અત્યારે જ તો આવ્યો. રાત્રે એક વાગ્યે અનય કોની સાથે વાતે વળગ્યો હશે." વિચારીને ઈવાને ફાળ પડી. પરંતુ બીજે જ પળે એને વિચારને ખંખેરી જોરથી દરવાજો ગુસ્સામાં બંધ કર્યો.
"આ હહ..તીર નિશાના પર છે." જોરથી દરવાજો બંધ થવાનો અવાજ સાંભળતા જ અનય મનમાં જ બબડયો.
બીજા દિવસે સવારે અનયે એ જ નાટકને ચાલુ રાખ્યો. ઈવાને સતત ઇગ્નોર કરવાનો નાટક...!! રાત્રે લેટ આવતો. ઈવાને ઈર્ષા થઈ આવે એમ હવે એની સામે જ ફોન પર વાત કરતો એ ડ્રોઈંગરૂમમાં સૂવા આવી જતો. એમ સતત એક અઠવાડિયું જેવું નાટક અનયે કર્યું. એનું રિઝલ્ટ પણ સારું આવ્યું.
સતત અનય દ્વારા ઉપેક્ષા સેવતી ઈવા આજે અનયના ઓફિસ જવાના સમયે બરાડી, " તું ..તું..રોજ શેની જોડે વાત કરતો છે?? હું જોઈ રહી છું તારું ધ્યાન મારા પર બિલકુલ પણ નથી."
" ઈવા મને લેટ થાય છે. આ ચર્ચા આપણે પછી ક્યારેક કરીશું." અનય એટલું કહીને ઝડપથી નીકળી ગયો.
"અનય.." અનયને ઈવાની ચીખ સંભળાઈ પણ મનમાં જ હસતો એ નીકળી ગયો.
અઠવાડિયાનું નાટકનો સાર અનયે સાગરને સંભળાવ્યો.
"આગે આગે દેખો હોતા હૈ ક્યાં!!" સાગરે અનયને આંખ મારતા કહ્યું.
" પણ સાગર મને ડર લાગે છે યાર.. !! મારા નજદીક આવવાના બદલે એ દૂર ના જતી રહે." અનયે ચિંતીત સ્વરે કહ્યું.
" એવું કશું ના થાય. એ સામેથી આવશે." સાગરે કહ્યું ત્યાં જ અનયનાં મોબાઈલનો રિંગટોન વાગી ઉઠ્યો.
"ઈવાનો છે." કહીને અનય ઝડપથી ઉઠાવા જતો જ હતો ત્યાં જ સાગરે એને રોક્યો, " ભાભીને ત્રણ ચાર વાર ફોન કરવા દે. પછી જ ફોન ઉપાડજે." સાગરે અનયને રોકતાં કહ્યું. પરંતુ અનય તલપાપડ થઈ રહ્યો હતો ફોન ઉઠાવા માટે. ચાર જેટલા ઈવાના મિસ્ડકોલ બાદ અનયે સામેથી ફોન સ્પીકર પર મૂકી કોલ કર્યો, " બોલ શું છે?" રૂક્ષતા દાખવતા અનયે પૂછ્યું. સાગરે અનયને અંગૂઠો દેખાડ્યો. બરાબર કહી રહ્યો છે એમ ઈશારાથી કહ્યું.
" સાંજે છ વાગ્યાંની ટિકીટ બૂક કરી છે. મૂવી જોવા સાથે જઈશું." ઈવાએ કહ્યું.
" ઓકે હું તને પછી ફોન કરીને કહું." અનયે ઈવાનું સાંભળવા વગર જ ફોન કટ કરી દીધો.
"હા હા..!!" સાગર હસ્યો. " અનય....એ દિવસ દૂર નથી જ્યારે હનીમૂનની ટિકીટ પણ જાતે જ બૂક કરીને તને સરપ્રાઈઝ આપશે ઈવાભાભી...!!"
"એવું થશે??" અનય હનીમૂનનાં સપનામાં રાચતો હોય તેમ પૂછવા લાગ્યો.
" થશે એવું જ થશે." સાગર પણ જાણે અનય સાથે સપના જોતો હોય તેમ કહેવા લાગ્યો. પરંતુ બેખબર અનયને ક્યાં ખબર હતી કે ઈવા એને કેવા ઝાટકા આપવાની હતી..!!
સાંજે સાડા પાંચ વાગ્યે જ અનય સિનેમા થેઈટર પહોંચ્યો. એને બાઇક પાર્ક કર્યું. પરંતુ ત્યાં જ અનયની નજર ઈવા પર પડી. ઈવા એક હેન્ડસમ છોકરાના પાછળ લગોલગ બેસીને બાઈક પર આવી રહી હતી.
(ક્રમશ)