pustakprem books and stories free download online pdf in Gujarati

પુસ્તકપ્રેમ

પુસ્તકપ્રેમ

લગ્ન પછીની દોડધામ બાદ સાસરીએ આવેલી નવોઢા માટે એક ઉન્માદ ભરેલું કાર્ય હતું, દરેક વસ્તુ નવી અને દરેક વસ્તુ અજાણ હતી અહીં માહેશ્વરી. સાસુ રમાબેન એ કહ્યા મુજબ આજે એન થોડી ઝાપટઝૂપટ કરી રહી હતી, નકશીકામ અને કોતરણી કરેલી દરેક અટારીઓ સાવરણીથી ઝાપટી નાખી, ફૂલદાનીના ફૂલોને આઘાપાછા કરીને લૂછી કાઢ્યા, હવે આવ્યો વારો સામેના કબાટનો!

આજે ઘરની સાફ સફાઈના કામમાં પોતાની જાતને પહેલી વાર જોતરી હતી એને, જયપાલના નામની મહેંદીનો રંગ હજી થોડો રાતો હતો પરંતુ એકલા એકલા કંટાળો આવતો હતો તો રમાબેનને કામમાં હાથ વટાવવા એ આગળ વધી હતી. આમ તો આખી જિંદગી એને આ બધું સાંભળવાનું જ હતું પરંતુ પહેલી વાર એ કાર્યની મુકાલાત એ પણ નવા સરનામે એટલે ઉત્સુકતા વધારે હતી.

એને જરા સાડીનો છેડો ઉંચો ખોસી લીધો, પાલવને કમરેથી બાંધી દીધો, ઘરે કોઈ વડીલ હતા નહિ એટલે લાજ ઢાંકવાની ફિકર પણ જાણે એને કામ કરાવવા માથેથી સરકી ગઈ હતી. રમાબેનને ક્યાંક સામાજિક કામ હોઈ એ પણ વહુને કામ ચીંધી ઘરની બહાર ગયા હતા, એ સાંજે વળવાના હતાં, બીજા બધાં ખેતરે જોતરાઈ ગયા હતા, જેઠાણીબા ભાથું લઈને હમણાં જ ગયા હતા, એથી એ પણ આવ ત્યાં તો બધું કામ નિપટાવી નાખશે એમ ધાર્યું હતું, આ ઘર બહોળી ખેતી વાળું હોઈ રચના પણ એ રીતની જ હતી, છતાંય એમાં એમની પ્રતિષ્ઠા ઝલકતી હતી, એ વખતે ઝાઝી ખેતી હોવી એ સમૃદ્ધિ સમ હતું.

આજે તો બધું ચોખ્ખું ચક્ચાણાટ કરી નાખવાની મ્હેછાં હતી, પહેલી વાર કઈ લીધેલા કાજને એનાં લક્ષણોની આભા છતી કરવાનો મોકો હતો, બધાના દિલ જીતી લેવાનો અવસર હતો, એને તો મન લગાવીને બધું સરખું કરવું માંડ્યું, અસ્તવ્યસ્ત પડેલા કપડાંઓને એક ઢગ કરીને ધોવા મૂક્યાં, આજુબાજુથી એકત્રિત કરેલા વાસણોને નામ જોઈને જુદાં કરી નાખ્યા, લગ્નવાળા ઘરની હાલત જરાં હવે સામાન્ય થઇ, હવે માત્ર એ કબાટને સંકેલવાનો બાકી રાખ્યો હતો.

એ કબાટની ચાવી રસોડાનાં તુવેરદાળનાં ડબ્બામાં મૂકી છે એમ કહીને ગયા હતા રમાબેન, એ ઝટ જઈને લઇ આવી, કબાટમાં શુંય હશે એની કલ્પના કરતી એ ખોલવાનો પ્રયત્ન કરતી હતી, ખાસા વખતથી કોઈ એ ઉઘાડ્યો ના હોય એમ જાણતો હતો. આથી એના મનમાં ઉત્સુકતા વધી, એના પિયરમાં કોઈ દિવસ આવા કબાટ ખોલવાનો વારો આવતો નહોતો, એની બા જ કરી દેતી હતી એટલે!

ચાવીને જરા જોર આપીને એને ધક્કો માર્યો, જાણે સંઘરેલો ખજાનો ખુલ્યો હોય એમ એ અડીખમ કબાટ ખુલ્યો. એમાં પડેલી અસ્તવ્યસ્ત વસ્તુઓ અને ચોપડાઓ જોઈને લાગી રહ્યું હતું કે એ સાચે જ કોઈ ખજાનો છે, અને કોઈએ એને વર્ષોથી ઉઘાડ્યો નથી, એમાં રહેલી ચોપડીઓ અને સાહિત્યો આજે એકલા ભાસી રહ્યા હતા, એને વાંચનાર એમને એકલા મૂકીને અહીંથી પલાયન થઇ ગયેલ હોય એમ મૂક હતા. આવા માત્ર ખેતીપ્રાધાન્ય ઘરમાં એની આ હાલત ની જ ઉમ્મીદ હોય ને! ખેતીના કામોમાંથી ફુરસદ મળ્યા બાદ આરામ કરે કે પછી સાહિત્ય સાચવે એ પણ એક વિચારવાની બાબત હતી, તો પછી આટલાં બધા પુસ્તકો શાને આ ઘરમાં?

માહેશ્વારી વિચારમાં પડી ગઈ, એને પુસ્તકો પ્રત્યે લગાવ વધારે હતો, ખાસ ભણેલી નહોતી છતાંય વાંચવાનું એને મન ભાવતું હતું, એ પિયરમાંય ક્યાંક નવરી પડે કે પુસ્તકોની માળા સાથે ગોઠવાઈ ગયેલી જણાય. એના માઁ એને ટોણા દેતી જ કે સાસરે વાંચજે કામ કરતા કરતા. એ દુઃખીય થતી ઘણી વાર કે સાસરે જઈને એને પુસ્તકો ભૂલી જવા પડશે અને સાહિત્યનો લગાવ ઘરના કામમાં ભેળવી દેવો પડશે.

અત્યારે એ આ બધા પુસ્તકો જોઈને ખુશ જણાઈ રહી હતી, ભલે એ વાંચી શકશે કે નહીં પણ એની દેખરેખ રાખીને પણ એની પૂર્તિ શકશે. એના આ નવા મકાનમાં ઘર બનવાની શક્તિ સમાયેલી છે, હજીય આ ઘરમાં સાહિત્યને સચવાયેલા જોઈને એનું મન શાંત થયું, ભવિષ્યમાં એના ટેકાથી એ એની પેઢીને તારી શકશે ! આવા બધા વિચારો એના મનમાં સમતા નહોતા ત્યાં ઘરમાં કોઈ આવવાની દસ્તક સંભળાઈ, એ સફાળી ઉભી થઇ ગઈ, પુસ્તકોના કરેલા ખડકલા આઘાપાછા કરીને સાડીનો છેડો સરખો કરીને માથે ઓઢી લીધું.

સામેથી જયપાલ ને આવતા જોઈને જરા હળવી થઇ.એ જરા શરમાતી હોય એમ રસોડા ભણી ગઈ, ગ્લાસમાં પાણી લઈને બહાર આવી, કશું બોલ્યા વગર સ્મિત સાથે પાણીનો ગ્લાસ જયપાલ સામે ધર્યો, બન્ને વચ્ચે કશી વાતચીત નાતી થતી વધારે એ વખતે, છતાંય જયપાલ કળી ગયો હોય એમ જણાતું હતું, એને સામે પડેલા પુસ્તકોને જોઈને ઈશારો કર્યો ને કેમ કાઢ્યા છે એમ પૂછ્યું.

એકદમ નાના સ્વરે ગાબરાતા માહેશ્વરી," એ તો બા એ સાફ કરવા કહ્યું એટલે..."

"ભલે, કરો...."

જયપાલ એમ કહીને સામે પડેલી પાટમાં જઈને બેઠો, જોડે બે ચાર પુસ્તકો પણ લઇ ગયો. એ ધ્યાનથી જોવા મંડ્યો, જાણે એ એના પોતાના જ ના હોય, એને એટલા ધ્યાનથી વાંચતા જોઈને માહેશ્વરીથી રહેવાયું નહિ, એને શરમ તોડી ને પૂછ્યું, "સાંભળો છો? આ તમારા પુસ્તકો છે?"

"હા કેમ? પણ હમણાં વર્ષથી જોયા જ નથી."

"સારું." બન્ને વચ્ચે વાત કરવાનો સેતુ અમથો બંધાયો હોય એમ લાગી રહ્યું હતું.

"તને વાંચતા આવડે ખરું?" જયપાલએ પૂછ્યું.

"હા."

"કેટલું ભણી છો?"

"છ ચોપડી."

"તો આગળ નતું ભણવું?"

"ભણવું તો હતું, પણ ખેતીનું અને ઘરનું કામ પછી કોણ કરે?"

"ગમતું હતું ભણવાનું?"

"હા બહુ જ."

"વાંચવાનો શોખ છે?"

"હા...ત્યાં તો બહુ વંચાતી નવરાશમાં...પણ હવે....."

"અહીં પણ વાંચી શકે છે."

"પણ ઘરમાં બધાને ગમશે?"

"એ ખબર નહિ પણ મને ગમશે!" માહેશ્વરીના ગાલ પર લાલાશ આવી ગઈ શરમથી અને ખુશી પણ. એને એનું ગમતું કરવા માટે પ્રોત્સાહન આપવાવાળું કોઈ મળી ગયું, એનામાં હરખનો પાર ના રહ્યો.

"સાચે? તમે મને વાંચવા દેશો?"

"હા, પણ ઘરના કામમાં ખોટના આવવી જોઈએ, ઘરનાં બધાંને અનુરૂપ થઈને જેટલું વાંચવું હોય એટલું વાંચજે, આ પુસ્તકો ઓછા પડશે તો બીજા પણ લઇ આપીશ."

"હા ભલે, તમે નહિ વાંચો?"

"વાંચીશને...."

"જોડે વાંચીશું?"

"હા ભલે, એક કામ કરજો, સારા લાગે એ બધા પુસ્તકો અલગ કરીને મૂકી દેજો, રાતે વાંચીશું પરવારીને"

માહેશ્વરીએ કહ્યા મુજબ ઘણા બધા સાહિત્યો કાઢીને એમના કબાટમાં મૂકી દીધા. જયપાલ રાતે કમાડ વાસીને ઓરડામાં પ્રવેશયો, આજે એમના જીવનનો નવો અધ્યાય શરુ થયો, સાથે વાંચવાનો, એક એ શોખનો જેના સહભાગી એ જન્મોજન્મ હતા.જોડે એમના અજાણ પ્રેમનો પણ સુરજ ઉગ્યો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED