ફરી મોહબ્બત - 12 Pravina Mahyavanshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફરી મોહબ્બત - 12

“ફરી મોહબ્બત”

ભાગ : ૧૨

"તો કરી લે ને મેરેજ." અનયે હળવી મજાક કરી. ઈવાએ ગુસ્સાથી અનયનાં ચહેરા તરફ જોયું.

" એનો ફોન નંબર આપ. હું વાત કરું. એના ઘરનું એડ્રેસ પણ આપી દે." ગંભીર થતાં અનયે કહ્યું.

" એડ્રેસ શું? એ અમિતકુમારની બિલ્ડીંગમાં જ રહે છે." ઈવાએ રડતાં જ જવાબ આપ્યો.

"હેં..એમ ?" ઝીણી આંખ કરીને અનયે પૂછ્યું.

"અમારી કોલેજનો જ છોકરો છે એ આદિલ..!"ઈવાએ થોડું રડવાનું બંધ કર્યું.

" પણ ઈવા મને તો એ જ સમજાતું નથી કે તારા જેવી છોકરી આના માટે રડે કેમ છે?? તું તો બ્રેવ ગર્લ છે. તું પોતે જ એને ઘણું ચોપડીને પ્રોબ્લેમ સોલ કરી દેત. ખૈર હવે તું રડ નહીં. તું આદિલ નામના છોકરાને ફોન કરીને અહીં બોલાવ." અનયે કહ્યું.

"પણ...!!" એટલું કહીને ઈવા અટકી.

"પણ બણ શું. એ આવશે જ." અનયે કહ્યું.

ઈવાએ કોલ કરીને આદિલને બીચ પર બોલાવ્યો.

"એ આવતો જ છે ને? કન્ફમ??" અનયે પૂછ્યું.

" હા..તો કીધું છે...!!" ઈવાએ કહ્યું.

આ સાંભળીને અનયે પોતાનાં મોબાઈલથી ફોન કર્યો, " અમિત કુમાર..!! અત્યારે ફ્રી છો?"

" હા કેમ ભાઈ શું થયું?" અમિતે પૂછ્યું.

" જીજા ઈવા સાથે છું બીચ પર. તમે આવો એટલે કહું છું." અનયે ગંભીર થઈને કહ્યું.

"ઓકે..!!" અમિતકુમાર જાણે સમજી ગયા હોય તેમ ઓકે કહીને વાત પતાવી.

અડધો કલાકમાં આદિલ ઈવાને જોઈને મલકાતો આવી પહોંચ્યો. ઈવા સાથે આદિલ ઉભો રહેતા જ થોડે દૂર ઉભેલો અનય આવી પહોંચ્યો.

" હેલો..!! હું અનય. કેમ ભાઈ આદિલ શું થયું?" અનય ઈવાની બાજુમાં આવીને ઊભો થઈ ગયો. ઘણી નરમાશથી અનયે પૂછ્યું.

આદિલ અનયને જોઈને હકોબકો થઈ ગયો.

"હું તને બોલવાનો મોકો આપીશ. પણ પહેલા મારું સાંભળી લે. ઈવા અને મારી સગાઈ થઈ ચૂકી છે. જલ્દી જ મેરેજ પણ કરવાના છે. હવે તારે શું કરવું છે એ મને કહી દે." અનયે પોતાના ગુસ્સા પર કાબૂ રાખતાં કહ્યું. એટલામાં જ અમિત પણ આવી પહોંચ્યો. અમિતનાં આવતા જ અનયે બધું સમજાવ્યું. પોતાની બિલ્ડીંગમાં રહેતો હોવાથી અમિતે પ્રોબ્લેમ હેન્ડલ કરવાનો પ્રયત્ન કર્યો. અમિતે ઘણી પ્યારથી તેમ જ સખ્તાઈથી આદિલને સમજાવ્યો. આદિલ પણ સમજી ગયો હોય તેમ શાંતિથી ઈવાને સોરી કહીને જતો રહ્યો.

" મેરેજ કરી લો તમે બંન્ને જલ્દી." અમિતકુમારે હળવી મજાક કરીને ત્યાંથી નીકળી ગયો.

પ્રોબ્લેમ સોલ થતાં જ ઈવાનાં આંસુ ખૂશીમાં ફેરવાઈ ગયા. બંને રાત સુધી ફર્યા. અનય જેટલો વધારે સમય ઈવા સાથે ગાળતો એટલો જ વધુ એના પ્રેમમાં આસક્ત થતો જતો. ઈવા અનયની હવે કમજોરી બનતી જતી હતી.

કેટલાક દિવસો પ્યારભરી વાતો કરવામાં જતાં તો કેટલાક લડવા ઝગડવામાં જતાં. એક દિવસ એટલો મોટો ઝગડો થયો કે અનયે કહી જ દીધું ફોન પર ઈવાને, " ઈવા, જો હું તને પસંદ ન હોય તો અત્યારે જ કહી દે. લડવા ઝઘડવા કરતાં તો આપણે અળગા થઈ જઈએ. લગ્ન કરવા પહેલા બોલી દે તને શું કરવું છે એ?? હજુ પણ સમય છે." કહીને અનયે ફોન મૂકી દીધો. પરંતુ હકીકતમાં તો અનય ઈવા પરાસ્ત થઈ ગયો હતો. ઈવા એના રગે રગમાં ફરી રહી હતી. એ ઈવા વગર રહી જ શકતો ન હતો.

અનયનાં ગુસ્સાથી અચાનક ઈવાના સ્વભાવમાં ચેન્જ આવ્યો હોય તેમ હવે ઈવા ઝગડા કરવાના બદલે પ્રેમથી વર્તતી થઈ ગઈ.

લડતાં ઝગડતા મનાવતા હસી મજાક કરતાં દિવસો ઝડપતી વહેતાં જતા હતાં. આખરે અનય ઈવાના લગ્નની ડેટ પણ ફિક્સ થઈ ગઈ.

મેરેજ ડેટ ફિક્સ થતા જ ઓફિસમાં અનયને સાગર હવે હળવી મજાક કરીને પજવતો, " શું અનય..!! હનીમૂન માટે ક્યાં?"

"ઈવાએ કશું કહ્યું નથી. એનું ગમતું સ્થળ જ બૂક કરવા પડશે ને..!" અનયે કહ્યું.

" એના પછી..!!" " હા હા..!!" સાગર પોતે જ કહેતો અને હસતો.

અનય ઈવા સાથે હનીમૂન માટેનાં સપના જોવા લાગ્યો. ઈવા સાથે ફર્સ્ટ નાઈટ..!! એટલું વિચારીને જ એનાં હાથ પર રૂંવાટી બાઝી જતી. એ ઈવામાં લસ્ત હતો. હજુ સુધી ઈવા સાથેની એની મીઠી રાત્રીનાં અનેકો સપના એને ખુલતી થતાં બંધ આંખે જોઈ લીધા હતા.

"ફર્સ્ટ નાઈટનો અનુભવ કેવો રહેતો હશે?" અનય સપનામાં જ પૂછતો હોય તેમ જ્યારે સાગર એની સાથે હનીમૂનનાં નામે મજાક કરતો ત્યારે અનાયસે જ અનય પ્રશ્ન પૂછી લેતો.

" એનો જવાબ હું કેવી રીતે આપી શકું. તું અનુભવ લઈશ ત્યારે જ ખબર પડશે ને..!" સાગર આંખ મારીને જવાબ આપતો પછી ટહાકા મારીને હસી પડતો.

***

અનય એક્સાઈટેડ થઈને ઈવા સાથે મેરેજ માટેની શોપિંગ કરવાં જતો. એ આખરે લગ્ન કરી રહ્યો છે ઈવા સાથે એની અનેરી ખૂશીથી એ ફૂલો સમાતો ન હતો.

***

ધામધૂમથી અનય ઈવાના લગ્ન લેવાયા. લગ્નનાં સમયે ઈવાની બ્યુટી જોઈને અનય દંગ થઈ ગયો હતો. અનય પોતે તો દેખાવે હેન્ડસમ હતો જ. પરંતુ ઈવા એને અપ્સરાથી કમી લાગતી ન હતી. એને પોતાના પર જ બિલીવ થતું ન હતું કે એ આખરે ઈવા જેવી બ્યુટીફૂલ કવીન સાથે પરણી ગયો હતો.

દુલહન ઈવાનું રીતિરિવાજ સાથે અનયનાં ઘરમાં સ્વાગત થયું. અનયનું સમગ્ર ધ્યાન ફક્ત અને ફક્ત ઈવામાં જ હતું. પરંતુ લગ્નનાં ધામધૂમથી બંને થાક્યા હતાં. ઈવા ફ્રેશ થઈને બેડરૂમમાં આવી. અનય ફ્રેશ થવા માટે જતો જ હતો ત્યાં જ ઈવાએ કહ્યું, " અનય મને બીયર પીવી છે."

"ઓહહ યસ હું કેમ ભૂલી શકું એ..એક મિનીટ!!" કહીને અનયે સાગરને ફોન કર્યો. ઈવાએ પહેલા જ કહી રાખ્યું હતું પોતાની ઈચ્છા વિશે કે એ પોતાના મેરેજનું સેલિબ્રેટ બીયર પી ને કરશે.

"હું ફ્રેશ થઈને આવું. સાગર આવશે તો બેસાડજે." અનય ફ્રેશ થવા માટે બાથરૂમમાં જતો રહ્યો.

વીસેક મિનીટમાં સાગર આવી પહોંચ્યો. ત્યાં સુધી અનય ફ્રેશ થઈને સાગરની રાહ જોતો હતો. અનયના ઘરમાં દારૂશારુ તો અલાઉ હતું જ નહીં. અનય પોતે પણ ડ્રિંક્સ કરતો ન હતો. એ ફક્ત ઈવાની ઈચ્છાને પૂરી જ નહીં બલ્કે ઈવાની આદતને જ એક્સેપ્ટ કરી લીધી હતી કેમ કે એ ઈવાને દિલોજાનથી ચાહતો હતો.

સાગર બેડરૂમમાં પ્રવેશ્યો, " અરે અનય તારું મેરેજ ગિફ્ટ આપવાનું તો ભૂલી જ ગયો...સોરી યાર તને ડિસ્ટર્બ કરું છું." ઘરના મહેમાનો થતા અનયની મોમને અજુગતું ન લાગે એટલે મોટે ઘાટેથી સાગર કહેતો આવ્યો.

સાગર બેડરૂમમાં આવ્યો એની દસ મિનીટ બાદ અનયે દરવાજો થોડો બંધ કરીને અટકાવ્યો.

"લે..." સાગરે કહ્યું.

"અરે ધીરે બોલ. અને આ શું બે બોટલ?? હું ક્યાં પીતો છું?" અનયે સાગર પર ધીમેથી ગુસ્સે થઈને કહ્યું.

"અનય તું નહીં પીતો હશે. સાગર તો ડ્રિંક કરતો જ હશે ને..!!" ઈવાએ સપાટ સ્વરે કહ્યું.

" હા. ભાભી હા. બેશક...!!" સાગર એટલું કહીને હસ્યો.

" શાણો.. એક ના બદલે બે બોટલ લાવ્યો." અનય મનમાં જ બબડયો. પછી સાગરને જોઈને હસી પડ્યો.

સાગરે અને અનયની પ્યારી ધર્મપત્નીએ બીયરની બંને બોટલો પૂરી કરી. અનય એ બંનેને પીતા જોઈ રહ્યો. અનય તો એ જ વિચારે ચડ્યો હતો કે આ સાગરનો બચ્ચો અહીંથી રવાના ક્યારે થાય અને એ ઈવા સાથે એકાંત પળ ક્યારે માણે..!! એ વિચારોમાં જ ડૂબેલો હતો ત્યાં તો દરવાજા પર ટકોરા સાથે અવાજ સંભળાયો, " અનય...!!"

(ક્રમશ.)