Pratiksha - 47 books and stories free download online pdf in Gujarati

પ્રતિક્ષા - ૪૭

દુર ક્ષિતિજથી રાતનો છેલ્લો પ્રહર ખતમ થતો તે ચોખ્ખો નિહાળી રહી હતી. આકાશમાં સાવ ધીમે ધીમે ઉજાસ આવી રહ્યો હતો. લાલ રંગ રેલાઈ રહ્યો હતો.
“મીણબતીની જેમ પીગળી રહ્યું છે ને આ આકાશ!!” ઉર્વાની બાજુમાં આવી રચિત બોલ્યો.
“હા, એમ જ જેમ અહીં મારું અસ્તિત્વ પીગળી રહ્યું છે!!” ઉર્વાની આંખોમાં ભીનાશ હતી. ઘણા વર્ષે તે આંખો હતાશ હતી.
“ઉર્વા, તું દોસ્ત છે મારી. તને પોતાને સળગાવતા, આમ પોતાના જ અસ્તિત્વને ઓગાળતા કઈ રીતે જોઈ શકું હું? કોશિશ કરવી મારી ફરજ હતી. એ કોશિશનો એ મતલબ હોય જ ના શકે કે હું તારી સાથે નથી! આપણે સાથે શરુ કર્યું છે આ બધું! ઉર્વિલના ઘરે તે એન્વલપ પહોંચાડવું એ મારું કામ હતું! હું તને મજધારે કઈ રીતે છોડું! એકવાર તો વિચાર!” રચિત તેના હાથ પર હાથ રાખી કહી રહ્યો હતો.
“તો આ બધું શું છે? હજુ તો મેં શરૂઆત કરી ને તે હથિયાર અંદર મુકવાની, નવી ઝીંદગી જીવવાની સલાહ આપવાની શરુ કરી દીધી!! કેમ?” ઉર્વાની આંખમાં અવિશ્વાસના ભાવ હતા.
“કારણકે બદલાથી ઉપર ય એક ઝીંદગી છે અને હું તને એ ઝીંદગીમાં કહાન સાથે ખુશ જોવા માંગું છું. પણ તું આ જ ઈચ્છતી હોય તો હું આમાં પણ તારી સાથે જ છું. ઓલ્વેઝ. યુ કેન ટ્રસ્ટ મી.” રચિત સમજાવી રહ્યો.
“આઈ ટ્રસ્ટ યુ...” ઉર્વા હકારમાં માથું હલાવી રહી ને રચિતે હાથ લંબાવી તેને પોતાના આશ્લેષમાં લઇ લીધી.

***

દેવ ફોન કાપી ચુક્યો હતો પણ ઉર્વિલ દેવના શબ્દોના ઝટકાથી હજુ સુધી બહાર આવ્યો નહોતો. તેના મનમાં શબ્દો ધુમરાયે જ રાખતા હતા.
તેણે ફરીથી દેવને ફોન કરવાની કોશિશ કરી પણ દેવ તેનો ફોન ઉપાડી રહ્યો નહોતો. તેનો જીવ ફરી મુંઝાવા લાગ્યો હતો. તેને પણ મસ્તિષ્કમાં એક પછી એક ચેહરાઓ દેખાઈ રહ્યા હતા. રેવા, કહાન, ઉર્વા, દેવ, સ્વાતિ... તે નહોતો સમજી શકતો કે શું થયું સ્વાતિ સાથે અને શું કામ! તે સોફા પર આડો જ પડી રહ્યો હતો કે તેને મનસ્વીના પગરવનો અવાજ આવ્યો.
“ઉર્વિલ તમે અહિયાં??! હું તમને રૂમમાં શોધી રહી હતી. ઠીક છો ને તમે?” મનસ્વી ચિંતિત થતા બોલી.
“હવે રૂમની બહાર નીકળતા પહેલા ય મારે તને પૂછવાનું?” ઉર્વિલ તોછડાઈથી કહી રહ્યો.
“ના , મારો કહેવાનો મતલબ એમ નહોતો. તમને કંઈ થયું નથી ને! હું તો બસ ચિંતા...” મનસ્વીને ઉર્વિલના શબ્દો ખૂંચી ગયા.
“આ તારી ચિંતા એ જ આ દિવસ લાવીને રાખ્યો છે મારી ઝીંદગીમાં. મનસ્વી મહેરબાની કરીને મારી સામેથી ચાલી જા...” ઉર્વીલે તેની સામે જોઈ હાથ જોડતા કહ્યું.
“ઉર્વિલ!!!” મનસ્વી ડઘાઈને તેની સામે જોઈ રહી. તેને વિશ્વાસ જ નહોતો આવી રહ્યો કે આ એ જ ઉર્વિલ છે જે થોડી કલાકો પહેલા જ તેને બાહુપાશમાં જકડીને તેને પ્રેમ કરી રહ્યો હતો. તેની આંખોથી અનાયાસ જ આંસુ નીકળી ગયા.
“હવે આમાં રોવા શું બેઠી છે!! જા અહિયાં થી...” ઉર્વિલ બરાડી રહ્યો. મનસ્વી તરત જ પગથિયાં ચડી પોતાના રૂમમાં ચાલી ગઈ.

ઉર્વિલ ફોન લઇ બગીચામાં જઈ દેવને ફોન કરવાની ઉપરાઉપર કોશિશ કરી રહ્યો ને આખરે ચાર આખી રીંગ પૂરી થયા પછી પાંચમી રીંગ પર દેવે ફોન ઉપાડ્યો.
“શું છે?” કંટાળેલા અવાજે દેવે પૂછ્યું.
“દેવ પ્લીઝ પ્લીઝ મને સમજવાનો અને સમજાવવાનો એક મોકો આપો. પ્લીઝ મને કહો કે શું થયું છે પ્લીઝ દેવ... પ્લીઝ...” ઉર્વિલ ઉતાવળે બોલી રહ્યો.
“શું સમજવું છે તારે!” દેવ હજુ પણ વાત કરવાના મૂડમાં નહોતો.
“શું ચાલી રહ્યું છે આ બધું!! એકઝેટલી શું થઇ રહ્યું છે! હું બધા કિસ્સાઓનો ભાગ થઈને પણ નથી. પ્લીઝ મને કહો. હું તમારા હાથ જોડું છું દેવ. મારા તે દિવસે ગયા પછી એવું શું થયું છે જે આ રીતે આટલા વરસે મારી સાથે આ બધું થઇ રહ્યું છે!”
“તારી સાથે? શું થયું ઉર્વિલ તારી સાથે! કંઈજ નથી થયું તારી સાથે પણ હા, તારે લીધે હસતા રમતા બે પરિવાર બરબાદ થઇ ગયા. ડાયરીઓ વાંચી નથી તે હજુ રેવાની? એમાં લખ્યું નથી બધું!!” દેવના અવાજમાં અકળામણ અને ગુસ્સો બન્ને હતા.
“જોઈ ડાયરી, વાંચી પણ છે એની તકલીફો મેં... પણ એમાં રઘુ વિષે કે સ્વાતિ વિષે બહુ કંઈ જાણકારી નથી. ઘણા કાગળ ગાયબ છે. લેપટોપમાં પણ અમુક કટકા એડિટ કરેલા છે. કહાન પણ આજે બપોરે અહિયાં આવ્યો તો ને હવે કેમ ઇન્ડિયા છોડી ચાલ્યો ગયો મને કંઈજ ખબર નથી!! દેવ પ્લીઝ મને કહો.” ઉર્વિલ રીતસરનો કરગરી રહ્યો હતો.
“તું તો ચાલ્યો ગયો રેવાને પ્રેગનેન્ટ કરીને અને ફરીને પાછો ક્યારેય ના આવ્યો પણ તારા લખ્ખણો રેવાના ઘર સુધી રઘુને લઇ આવ્યા.” દેવને હવે વધુ ગુંચવાળો ઉભો કરવો યોગ્ય ના લાગ્યો એટલે દેવે સાવ શાંતિથી વાત શરુ કરી.
“હમ્મ્મ...” ઉર્વિલ ધ્યાનથી સાંભળી રહ્યો હતો.
“સ્વાતિ જર્નલીસ્ટ હતી. રઘુ રેવાથી નજીક રહી શકે એટલે કોઈને કોઈ બહાને સ્વાતિને મળતો રહેતો હતો. અમારો ત્યારે ઝઘડો ચાલી રહ્યો હતો એટલે સ્વાતિ રેવાના ઘરે જ રહેતી હતી. રઘુને પ્રેમ થઇ ગયો તો રેવાથી અને એ જ પ્રેમ એને એના ધંધાથી દુર કરી રહ્યો હતો. આ વાતથી રઘુના નજીકના લોકોને તકલીફ થવા લાગી. રેવાને ધમકીઓ આવવી શરુ થઇ. રઘુએ પોતાના પ્રેમનો એકરાર કર્યો ત્યારે પણ રેવા તને ભૂલવા તૈયાર નહોતી. ટૂંકમાં કહું તો છેલ્લે તને મારવાનો પ્લાન બનાવી રહ્યા હતા એ લોકો અને આ વાત સ્વાતિને ખબર પડી ગઈ. જે ટીમ તને મારવા આવવાની હતી એ ટીમ સ્વાતિએ પોલીસને પકડાવી દીધી અને જવાબમાં રઘુએ સ્વાતિનું એકસીડન્ટ કરાવી નાંખ્યું. એ દિવસે ઉર્વાનો ચોથો બર્થડે હતો... અને અમને સ્વાતિની લાશ મળી હતી. આ બધુય તારે લીધે થયું ઉર્વિલ... તું તારી પત્નીના બાહુપાશમાં આરામથી સુતો હતો અને અહિયાં આટલી ઝીંદગીઓ બરબાદ થઇ ગઈ. મારો દીકરો માં વગરનો થઇ ગયો. તારા ગયા પછી આમેય રેવામાં ક્યા જીવ બાકી જ હતો! સ્વાતિના ગયા પછી એ સાવ ખોવાઈ જ ગઈ. ઉર્વા અને કહાનને મેં એકલા હાથે મોટા કર્યા છે. અને આજે એ બન્ને પણ પણ દુર થઇ ગયા. કેટલા જીવ લઈશ ઉર્વિલ? હજુ કેટલા?” દેવ આખી વાત પૂરી કરી રહ્યો.
ઉર્વિલની હાલત કાપો તો લોહી ના નીકળે એવી થઇ ગઈ.
“દેવ... હું ભૂતકાળ નથી બદલી શકું એમ... પણ વર્તમાન અને ભવિષ્ય સુધારવાની હું પૂરી કોશિશ કરીશ. કહાનને પાછો હું લાવીશ. ઉર્વાના બાપ હોવાનું ફરજ પૂરી ઈમાનદારીથી નિભાવીશ. હું ૨૦ વરસ પાછા નથી લાવી શકતો પણ આ આગળના વર્ષો જે પણ આવશે એને સરખા કરવા માંગું છું. મને એક મોકો આપો પ્લીઝ...” ઉર્વિલ સ્વસ્થ થઇ બોલ્યો.
“હવે બહુ મોડું થઇ ગયું છે ઉર્વિલ. હવે તો જે કરશે એ ઉર્વા કરશે ને રઘુ કરશે...” દેવે આટલું કહી ફોન કાપી નાંખ્યો
ઉર્વિલ ત્યાંજ જમીન પર બેસી પડ્યો

***

ફ્લેટનો દરવાજો ખોલીને અંદર જતા જ ઉર્વાને એક અજબ સંતોષની અનુભૂતિ થઇ. ઘરે પાછા આવ્યાની લાગણી થઇ. તેનો મુંબઈનો ફ્લેટ અને આ ફ્લેટ મોટાભાગે એક સરખા જ દેખાતાં હતા. ફ્લેટનું ફર્નીચર તો જાણીજોઇને રેવાએ બન્ને ફ્લેટનું સરખું જ રાખ્યું હતું.
“આ ફ્લેટ...”
“બિલકુલ મુંબઈના ફ્લેટ જેવો છે ને!” રચિત બોલે તે પહેલા જ ઉર્વાએ વાક્ય પૂરું કરી નાંખ્યું.

“સો, હવે શું કરવાનું છે યાદ છે ને!” સોફા પર લાંબી થતા ઉર્વાએ પૂછ્યું. પોતાના ઘરે હોય એમ છૂટથી વર્તી રહેલી ઉર્વાને જોઈ રચિતને પણ શાંતિ થઇ.
“સાંભળને! અહિયાં જ રોકાઈ જા ને! ત્યાં આટલી અનકમ્ફર્ટેબલ રહેવા કરતા...!” રચિતથી કહેવાઈ ગયું.
“રચિત ફરીથી એ જ...!” ઉર્વા બેઠી થતા તેના પર ખીજાઈ રહી.
“ઓકે માતાજી સોરી... રીયલી...” રચિત વાત ફેરવતા બોલ્યો અને પછી ઉમેર્યું, “ચાલ કહે મને શું અને કઈ રીતે કરીશું?!”
“ફર્સ્ટ અહિયાં બધી ડાયરીઓ પડી છે એ વાંચ, લેપટોપમાં પણ ઘણા બધા વિડીયો પડ્યા છે એ બધા લખાણને અને ડાયરીઓના જે પાનાંઓના ફોટોઝ તારી પાસે છે એ બધા પાનાંઓને મેચ કર, સ્ટડી કર અને પછી બને એટલું જલ્દી દેવ અંકલ સાથે કન્ફર્મ કર. એક વખત પૂરો ડેટા આપણી પાસે આવી જાય પછી આપણે રઘુભાઈ પાસે જઈ શકીએ. મીનવાઇલ હું એ તપાસ કરું છું કે રઘુભાઈ ક્યા છે અને શું કરવાની ફિરાકમાં છે!” ઉર્વા પૂરું પ્લાનિંગ સમજાવી રહી.
“ઓકે હું થોડું રેસ્ટ લઇ લઉં, પછી સ્ટાર્ટ કરું...” રચિત પોતાની બંધ થઇ રહેલી આંખોને પરાણે ખુલ્લી રાખતા બોલ્યો.
“અને રચિત મોસ્ટ ઈમ્પોર્ટન્ટ વાત, કોઇપણ બાયસ રાખ્યા વિના તું બધું જ રીસર્ચ કરજે. આપણને અત્યાર સુધી એટલી જ ખબર છે જે રેવાની આંખોએ જોયું છે. સત્ય એનાથી તદ્દન વિપરીત પણ હોઈ શકે છે. બધી જ ઘટનાઓ ભલે સાફ કહેતી હોય કે આ બધું રઘુભાઈએ જ કર્યું છે. રઘુભાઈ પોતે પણ કબુલે છે કે આ બધું એમણે કર્યું છે. પણ ખબર નહિ કેમ હું એ વસ્તુ માની નથી શકતી. હવે બધું જ તારી રીસર્ચ પર નિર્ભર કરે છે! ઓકે?” ઉર્વા ગંભીર થતા કહી રહી.
“ઓકે. ચાલ હવે તું જા... સવાર ક્યારની થઇ ગઈ છે!” રચિત પણ બીનબેગ પર આડો પડતા કહી રહ્યો.
“સારું ચાલ તું સુઈ જા.” ઉર્વા ઉભી થઇને બોલી. રચિત આંખોમીંચી સુવાની કોશિશ કરી રહ્યો.

ઉર્વા ફ્લેટની બહાર નીકળવા જ જતી હતી કે તેની નજર કિચનમાં દુર ખૂણામાં પડેલી દારુની બોટલ પર પડી. એક ક્ષણ પુરતો જ તેના મગજ પર ક્રોધ અસર કરી રહ્યો અને વળતી જ પળે પોતાના મગજને કાબુમાં લેતા તે ઘરની બહાર નીકળી ગઈ.

***

આંખ ખુલતાની સાથે જ રઘુએ ફરી દર્શનને પાસે પડેલા સ્ટુલ પર બેઠેલો જોયો. આખી રાતના ઉજાગરા છતાં તેના ચેહરાની રોનક પર જરાપણ અસર નહોતી આવી. મોબાઈલમાં જોઈ તે હસીને કંઇક કરી રહ્યો હતો.
રઘુ જેવો જાતે બેઠો થઇ પાણીની બોટલ પર હાથ લંબાવવા ગયો કે દર્શનનું ધ્યાન ત્યાં ગયું,
“અરે, અહિયાં કયો ને પાણી જોઈએ છે! તમે ઉભા ના થાવ. હું અહિયાં જ છું.” દર્શન પાણીની બોટલ આપતા બોલ્યો.
“અરે દર્શનભાઈ હું બિલકુલ ઠીક છું હવે. તમે પણ આરામ કરો હવે...!” રઘુ દર્શનને વધુ તકલીફ નહોતો આપવા માંગતો.
“અરે તમારા ઘરના એકવાર આવી જાય પછી મારે આરામ જ છે ને! પણ, ત્યાં સુધી તો તમે મારી જ જવાબદારી કહેવાઓ” દર્શન બોલ્યો ને રઘુ ફક્ત મલકાઈ રહ્યો. આટલી નિસ્વાર્થ લાગણીનો કેમ પ્રત્યુત્તર વાળવો તે તેને જ ના સમજાયું.
“એ હા... ભાઈ કહેવાનું જ રહી ગયું જોવો... ભાભીનો ફોન આવ્યો તો. એ નીકળી ગયા છે હો!” કંઇક યાદ આવતા દર્શન બોલ્યો.
“ભાભી!!” રઘુ માટે બંદિશ માટે થયેલું ભાભી શબ્દ પ્રયોજન તદ્દન નવું હતું.
“બંદીસ ભાભી... તમે કાલે ફોન કર્યો તો ને.” દર્શન ભોળાભાવે બોલી રહ્યો.
“અચ્છા બંદિશ!! હા, તો બપોર પહેલા તો આવી જશે” રઘુ હસીને બોલ્યો ને પછી ભાર આપી ઉમેર્યું, “તમારા ભાભી...”

દર્શન પણ રઘુના ચેહરાનું સ્મિત જોઈ હસી પડ્યો.
રઘુના મનમાં એક જ વિચાર આવીને રહી ગયો, બને તેટલી જલ્દી આ બધા પ્રકરણો ખતમ કરી બંદિશ સાથે સાચી રીતે નવી ઝીંદગી શરુ કરવાનો વિચાર...

***

કાર પાર્ક કરી ઉર્વા ઉર્વિલના ઘરના ગેટ પર આવી તો દરવાજો બંધ હતો. આટલી વહેલી સવારે ડોરબેલ વગાડતા તેનું મન કચવાતું હતું. કદાચ બગીચા તરફનો રસ્તો ખુલ્લો હોય તેમ વિચારી તે બગીચામાં ગઈ તો ઉર્વિલ અસ્તવ્યસ્ત હાલતમાં ત્યાં ઘાસ પર સૂતેલો હતો.
તેની સુજી ગયેલી આંખો, ચેહરા પરની હતાશા અને ઝીંદગી હારી ગયાની ચાડી ખાતું નંખાયેલું શરીર જોઈ એક જ ક્ષણ પુરતી અનુકંપાની લાગણી ઉર્વાના મસ્તિષ્કમાં ઉઠી અને તરત જ શમી ગઈ.

“હાઈ ઉર્વિલ...!” બગીચાનો દરવાજો ખોલી અંદર આવતા ઉર્વા લહેકાથી બોલી રહી.
“હાઈ!” પોતાની જાતને મહામહેનતે સંભાળતા ઉર્વિલથી આ એક શબ્દ બોલાયો.
“તમે બગીચામાં સુવો છો!” ઉર્વા હસીને પૂછી રહી.
“ના એ જરા... તારે બહુ લેટ થઇ ગયું આવવામાં!” ઉર્વિલને જવાબ શું આપવો એ સમજાતો નહોતો એટલે ઉર્વાને જ પ્રશ્ન કરી રહ્યો.
“બાપ છો એનો મતલબ એ નથી કે બાપ તરીકે પ્રશ્ન કરવાનો પણ હક મળી જાય છે તમને!” ઉર્વા સીધું રોકડું પરખાવતા બોલી.
“સોરી!” પોતાની ભૂલનો અહેસાસ થતા જ ઉર્વીલે માફી માંગી લીધી.
“એની વે... મોર્નિંગ વોક પર આવશો સાથે!!” ઉર્વા મજા લેતા બોલી.
“શ્યોર, હું જસ્ટ મનસ્વીને ઇન્ફોર્મ કરીને આવું...!” ઉર્વિલને નવાઈ તો લાગી પણ ઉર્વા સાથે સમય વિતાવવાની તક તે જતી નહોતી કરવા માંગતો.
“ઓહ...! મને નહોતી ખબર તમે બધું જ તમારી વાઈફને કહીને કરો છો!” ઉર્વા ધારદાર નજરે ઉર્વિલ સામે જોતા બોલી ને પછી ઉમેર્યું, “તો તો મારી મધર વિષે, રેવા વિષે પણ ઇન્ફોર્મ કર્યું જ હશે ને બધું...!”
“ચાલો વોક પર જઈએ...” આગળ કંઈજ દલીલ કર્યા વિના ઉર્વિલ ઉભો થઇ દરવાજા તરફ ચાલવા લાગ્યો ને ઉર્વા પણ વિજેતાની મુસ્કાન સાથે દરવાજાની બહાર નીકળી ગઈ.

***

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED