Pratiksha - 46 books and stories free download online pdf in Gujarati

પ્રતિક્ષા - ૪૬

“એ રિસ્ક બહુ મોટું થઇ જાય ત્યારે?? ઉર્વા દરેક વખતે ઝેરના પારખા ના હોય...” પતી ગયેલી સિગરેટને પગ નીચે દબાવતા રચિતે કહ્યું
“એટલે?” ઉર્વા તેની સામે જોઈ રહી.
“ઉર્વા... મને ખોટો નહિ સમજ પણ મને સાચે તારી બહુ જ ચિંતા થાય છે.” બીજી સિગરેટ સળગાવી ઉર્વાની લગોલગ જઈ રચિતે કહ્યું.
“શું કામ?” ઉર્વા જાણતી હતી કે રચિતના કહેવાનો અર્થ શું છે છતાં તેણે અજાણ્યા થઇ પૂછ્યું.
“ઉર્વા જે રસ્તે ચાલી રહી છે એ તને ખબર પણ છે કે ક્યાં જઈ રહ્યો છે? કોઈપણ પ્લાન છે તારી પાસે? કોઈ પ્રેક્ટીકલ થોટ પ્રોસેસ છે? શું કરી રહી છે? અને શાના જોખમે કરી રહી છે??”રચિતે ઉર્વાના ચેહરાની લગોલગ જઈ પૂછ્યું.
“રચિત... એવો કયો પ્લાન હોય જે ક્યારેય ફેઈલ ના થાય?” રચિતના હાથમાંથી સિગરેટ લઇ કશ ભરતા ઉર્વાએ પૂછ્યું.
“શું બોલે છે? એવો શું કામ કોઈ ફૂલપ્રૂફ પ્લાન હોય?” રચિતને સમજાયું નહિ.
“નો પ્લાન... તમે જયારે કોઈ પ્લાન જ નથી કરતા તો ફેઈલ થવાના ચાન્સીસ જ નથી હોતા...” ઉર્વા ફિક્કા સ્મિતથી ફરી સિગરેટનો લાંબો કશ ખેંચતા બોલી. રચિતે તરત જ તેના હાથમાંથી સિગરેટ લઇ લીધી.
“ઓછી પી એય... અને નો પ્લાન એટલે? આર યુ નટ્સ? નોનસેન્સ જેવી વાતો કરી રહી છે તું... થોડું પ્રેક્ટીકલ થા ને આંખ ખોલીને જો. તને થોડોક ય અંદાજો છે તું જે સ્ટુપીડીટી કરી રહી છે એમાં કેટલા લોકો હર્ટ થશે... ઓહ આઈ એમ સોરી હર્ટ તો હજુ બહુ નાનો શબ્દ છે ઉર્વા... કેટલા બરબાદ થશે...” સામાન્ય રીતે શાંત જ રહેતો રચિત ગુસ્સે થઇ રહ્યો હતો.
“તો શું ઈચ્છે છે તું? મૂકી દઉં હું આ બધુંય? રેવાને મેં જે આટલા વરસ મીનીટે મિનીટમાં ઉર્વીલ માટે મરતાં જોઈ એનો કોઈ જ હું હિસાબ બરાબર ના કરું? તારી મનસ્વી આંટી સાથે એને હેપીલી એવર આફ્ટર જોવા દઉં હું?? યુ વોન્ટ ટુ સે ધેટ?” ઉર્વા આમ પણ ગુસ્સે જલ્દી થઇ જતી અત્યારે પણ તેનો ગુસ્સો વધી રહ્યો હતો.
“કુદરત એનો હિસાબ કરશે યાર. એને હેરાન કરવામાં તું પોતાનું શું કરી રહી છે એ તો જો... તું ઓલરેડી કહાનને ખોઈ ચુકી છે. રેવા હવે દુનિયામાં નથી. દેવ અંકલનો સીન શું છે એ તો ખબર જ નથી આપણને... શાના માટે કરે છે તું આ બધું? મનસ્વી મરી જશે વગર વાંકે ઉર્વા... અને હું... હું પણ... તને આમ રોજ સળગતા જોઇને મરી જઈશ. આટલા બધાના ભોગે શું હાસિલ કરવા માંગે છે? કુદરતને એનું કામ કરવા દે ને...!” રચિત ચેહરો ફેરવી બોલી રહ્યો.
“કુદરત!! હિસાબ!! જો કુદરત હિસાબ ચૂકતે કરતી હોત તો મારી રેવા સાથે થયું એ ક્યારેય ના થાત. શું ગુનો હતો કે આજીવન એકલતાની સજા મળી એને? અને ઉર્વીલનો હિસાબ તો હું જ કરીશ. મારીશ નહિ હું એને પણ જીવવા ય નહિ જ દઉં. રહી વાત મનસ્વીની તો હું કોશિશ કરીશ એને આમાંથી બહાર રાખવાની. અને તું... તને પહેલા દિવસથી ખબર હતી કે હું આગમાં કુદવા જઈ રહી છું. લીવ વિથ ધીઝ ફેક્ટ.” ઉર્વા તેનો ચેહરો ફેરવી તેની સામે જોઈ બોલી રહી.
“ઉર્વા પાગલપન છે આ... દોસ્ત છે તું મારી. ખેર! તને સમજાવવાનો કોઈ જ મતલબ નથી. ચાલ આપણે રેવાના ઘરે જઈએ...!” ઉર્વાની આંખમાં દેખાતાં જુનુન સામે રચિતને કંઈજ બોલવું યોગ્ય ના લાગ્યું. એણે પોતાના મગજ કાબુ મેળવતા કહ્યું ને કાર તરફ ચાલવા લાગ્યો.
“નો...” ઉર્વા ત્યાજ ઉભી ઉભી ધારદાર અવાજે બોલી.
“નો એટલે?” રચિતના પગ પણ ત્યાંજ અટકી ગયા.
“નો એટલે નો... મેં તને નહોતું કહ્યું કે આ બધામાં મારી સાથે રહે. તું સામેથી આવ્યો તો મારી લડાઈનો ભાગ બનવા રેવાની ડેથ પછી... તું હજુ પણ બેકઓફ કરી શકે છે. મેં ક્યારેય તને ફોર્સ નથી કર્યો. અત્યારે પણ નથી કરતી. જસ્ટ લીવ એવરીથીંગ...” ઉર્વાના અવાજમાં મક્કમતા ભળી.
“ઉર્વા હું હંમેશા તારી સાથે જ છું. યુ નો ધેટ...” ઉર્વાના લહેકાને ફરતો જોઈ રચિત પણ નરમ પડી રહ્યો હતો.
“નો આઈ ડોન્ટ નો ધેટ. અને આઈ થીંક હવે હાઈ ટાઈમ છે ચૂઝ કરવાનો તારા માટે. તારે રહેવું છે કે જવું છે... તું આવનારી નેક્સ્ટ મોમેન્ટે એમ કહી દઈશ કે મારે જવું છે તો પણ હું તને કંઈજ નહિ કહું. આપણી આ દોસ્તી આમજ રહેશે પણ... પણ જો તું અત્યારે રોકાવાનું નક્કી કરીશ તો તારે છેક સુધી રહેવું પડશે... આ બધુંજ જે હું કરવા જઈ રહી છું એનો ભાગ બનવું પડશે. શક્ય છે કે આમાં ઘણાં હર્ટ થાય. તારી રીતે કહું તો બરબાદ પણ થાય. તારે એ દરેક વસ્તુ જોવી પડશે. એમાં સાથ આપવો પડશે. મારી પાસે અત્યારે કોઈ જ પ્લાન નથી એટલે ગમે તે થઇ શકે છે...” ઉર્વા આટલું કહી અટકી અને પછી ઉમેર્યું, “હું નહોતી ઈચ્છતી કે કહાન આનો ભાગ બને ક્યારેય એટલે જ એ અહીં નથી. તું ડીસાઈડ કરી લે...”
“ઉર્વા કોઈ બીજો રસ્તો નથી આનો? તું કહાન સાથે હેપીલી રહી શકે છે... આ બધું ભૂલી જા. લેટ્સ બીલ્ડ અ ન્યુ લાઈફ...” રચિત મરણીયા પ્રયાસ કરી રહ્યો હતો.
“ધીઝ ઈઝ માય લાઈફ. રોકાઈશ તો છેક સુધી રહેવું પડશે. નિર્ણય તારે લેવાનો છે...!” ઉર્વા આટલું કહી રીવરફ્રન્ટ ની પાળી પાસે ચાલી ગઈ ત્યાં એમજ ઉભી ઉભી અંધકારને નિહાળી રહી. રચિત ત્યાંજ કારના બોનેટ પર માથું પકડીને બેસી ગયો

દુર ક્ષિતિજથી રાતનો છેલ્લો પ્રહર ખતમ થતો તે ચોખ્ખો નિહાળી રહી હતી. આકાશમાં સાવ ધીમે ધીમે ઉજાસ આવી રહ્યો હતો. લાલ રંગ રેલાઈ રહ્યો હતો.
“મીણબતીની જેમ પીગળી રહ્યું છે ને આ આકાશ!!” ઉર્વાની બાજુમાં આવી રચિત બોલ્યો.

***

સવારના ૫ વાગી રહ્યા હતા ને કુમુદ પોતાની પૂજાની તૈયારીઓમાં લાગી હતી. આમ તો તેનું મકાન માહિમના સૌથી જુના મકાનોમાંથી એક હતું . બહારથી જુનું અને ખંડેર જેવું દેખાતું પણ અંદરથી ચીવટથી સજાવેલું હતું. જૂની ઢબના ઘર પ્રમાણે બહાર ફળિયાથી થઈને મકાનના મુખ્ય પ્રાંગણમાં અવાતું. અને આ જ પ્રાંગણમાં પુરા મુંબઈનો સૌથી મોટો ગોળીઓનો કારોબાર ધમધોખાર ચાલતો. અત્યારે હજુ દિવસની શરૂઆત હોવાને લીધે સન્નાટો હતો પણ ૧૨ વાગ્યા પછી નકરો શોરબકોર જ ચાલતો. કુમુદના દિવસની શરૂઆત જ ગણપતિની પૂજા કરી, બાલગોપાલના મંગળા કરી અને શિવલીંગના અભિષેકથી થતી. પાપની બજારમાં બોણી કરતા પહેલા ભગવાનની આરાધના કરી આખા દિવસમાં થવા જઈ રહેલા તમામ ગુનાઓની માફી માંગી લેવાની તેની વર્ષોથી આદત હતી. આજે પણ તે રોજની જેમ જ આજના ગુનાઓની માફી માટેની જ તૈયારીઓ ચાલતી હતી ત્યાંજ બંદિશ દોડતી દોડતી પૂજાઘરમાં આવી પહોંચી.
“હં... હં... અંદર પગ નહિ.” બંદિશ અંદર પગ મુકે તે પહેલા જ કુમુદે તેને ર્રોકી દીધી.
“કુમુદ રઘુ... રઘુ...” બંદિશનો અવાજ તરડાઇ ગયો હતો. રઘુનું નામ સાંભળી બંદિશ પોતાના હાથમાં રહેલી થાળી ત્યાં જ બાજઠ પર મુકીને સીધી બહાર આવી.
“શું થયું રઘલાને?” કુમુદ પણ બંદિશના અવાજ પરથી કંઇક થયું છે એવું પારખી ગઈ.
“રઘુ હોસ્પિટલમાં છે!” બંદિશને તકલીફ થઇ રહી હતી આટલું બોલતા પણ... રઘુ તેની એકમાત્ર કમજોરી હતો તેની સાબિતી તેનું અંગે અંગ આપી રહ્યું હતું.
“બંદિશ... આમ જો... મારી સામે જો...” કુમુદે બંદિશને ત્યાં જ ઓટલે બેસાડી દીધી. જો તે બેકાબુ થઇ જાત તો અત્યારે પરીસ્થિતિ કપરી થઇ જાત એટલે કુમુદે પહેલા જ બંદિશને શાંત કરવી શરુ કરી દીધી.
“આમ જો બંદિશ... રઘુને શું થયું કહે મને...!” કુમુદ નાના છોકરાની જેમ બંદિશને સમજાવીને પૂછી રહી હતી.
“રઘુ હોસ્પિટલમાં છે! તાત્કાલિક બોલાવી છે મને! એણે પોતે જ ફોન કર્યો હતો! એ ઠીક તો છે પણ એને કંઈ...!” બંદિશ તૂટક તૂટક અવાજે આટલું બોલી.
“સારું તું જલ્દી ઉપર જઈ કપડાં ભર. હું ગાડી બોલાવું છું. જા જા જલ્દી તૈયારી કર!” કુમુદે જરાપણ ધૈર્ય ગુમાવ્યા વગર કહ્યું ને કુમુદને ઉપર મોકલી દીધી.

“એ મારા વ્હાલા! મારા રઘલાને સાજો નરવો રાખજે! તું કહીશ તો દિવસમાં ત્રણ વાર પૂજા કરીશ તારી પણ એને કંઈ ના થવા દેજે!!” બાળગોપાલના પારણાં સામે જોઈ કુમુદ કહી રહી ને પછી વળતી જ પળે ગાડીની વ્યવસ્થા કરવા ચાલી ગઈ.

***

હિંડોળે બેસીને પોતાની ફેવરીટ ગઝલો સાંભળવી પણ અત્યારે તો દેવને ઝેર લાગી રહી હતી. કહાનને મુકીને ઘરે પાછા આવીને આ ઘરની લાઈટો શરુ કરી તો દેવને પહેલી વખત એહસાસ થયો કે પોતે હવે ખરેખર સાવ એકલો છે. તેની આંખો સામેથી કેસેટ ચાલવા લાગી. એક પછી એક ચેહરાઓ આવીને જવા લાગ્યા. તેને ક્યારેક સ્વાતીનો ચેહરો દેખાતો તો ક્યારેક રેવાનો અવાજ સંભળાતો. કિચન પર કહાન બેઠેલો દેખાતો તો દરવાજેથી ઉર્વા આવતી દેખાઈ રહી હતી. તેણે જોરથી કાન પર બન્ને હાથ રાખી આંખો મીંચી દીધી. તેના મનની અંદરના અવાજો તેના પર હાવી થવા લાગ્યા. તે જેમ જેમ તે અવાજોને ઇગ્નોર કરતો હતો તેમ તેમ તે અવાજો વધી રહ્યા હતા. તેણે એક જ જટકા સાથે આંખો ખોલી. એક ભેંકાર સન્નાટો તેની આજુબાજુ વ્યાપી ગયો. તેણે હિંડોળેથી ઉભા થઇ ટેબલ પર પડેલો ફોન ઉપાડી સીધો જ ફોન લગાડ્યો.
“હેલ્લો...” લાંબી રીંગ વાગ્યા પછી સામે છેડેથી ઊંઘેરાટી ભર્યો અવાજ આવ્યો.
“ગજબ માણસ છે તું! આટલી ઝીંદગીઓ બરબાદ કરીને તને ઊંઘ કઈ રીતે આવે છે?” સામાન્ય રીતે ખુશમિજાજ અને હસતા હસાવતા રહેતા દેવના અવાજમાં આજે ભારોભાર નફરત હતી.
“શું? કોણ? એક એક મિનીટ હું જરા બહાર નીકળું...” સામેથી એકદમ ધીમો અવાજ આવ્યો.
“બૈરીની બાજુમાં હતો!! આટલા લોકો મરી ગયા તારા વાંકે! લુંટાઈ ગયા ને તકલીફમાં મુકાઇ ગયા!! ને તું... તું શાંતિથી સુતો પડ્યો છે! તું કઈ રીતે આંખો મેળવી શકે છે તારા પ્રતિબિંબથી ઉર્વિલ??” દેવના એક એક શબ્દમાં નફરતની સાથે વેદના ઘૂંટાઈ રહી હતી.
“કોણ? કોણ બોલે છે?” ઉર્વિલ હવે થોડું જોરથી બોલ્યો
“દેવ બોલું છું ઉર્વિલ!!” દેવે એક એક અક્ષર પર ભાર મુક્યો.
“દેવ હું બિલકુલ સમજી શકું છું તમને અત્યારે કેવું લાગી રહ્યું હશે!! પણ સાચે મેં કંઈજ જાણીજોઈને....” ઉર્વિલ પોતાની ભૂલ સમજી રહ્યો હતો પણ અત્યારે તેની સફાઈ કઈ રીતે આપવી તે તે જાણતો નહોતો.
“જાણીજોઇને?? ઉર્વિલ તારી ભૂલોની સજા હું શું કામ ભોગવી રહ્યો છું?? આ ઘર મને ખાવા દોડે છે અત્યારે. મેં જે કંઈપણ તારે લીધે ખોઈ દીધું એ બધાના અવાજના મને ભણકારા થાય છે!! શું કામ? મેં મારી દોસ્ત ખોઈ, મારી ફૂલ જેવી ઉર્વા ખોઈ. મારો દીકરો મને મુકીને, ઇન્ડિયા મુકીને ચાલ્યો ગયો ને મારી સ્વાતી...” દેવ એકસામટું બોલી રહ્યો હતો.
“એક મિનીટ એક મિનીટ... તમે કહાનને ખોયો... કહાન તો અહિયાં આજે...” ઉર્વિલ બપોરે કહાનનું આવવું યાદ કરી રહ્યો.
“હા આવ્યો તો ને! ઉર્વાને પ્રપોઝ કરવા!! એને પાછી અહીં લઇ આવવા... પણ ઉર્વિલ તારા વાંકે ખાલી તારા વાંકે મારો છોકરો ચાલ્યો ગયો અહિયાથી... મારી સ્વાતિ તો ચાલી જ ગઈ તારા લીધે... મારો કહાન પણ... ” દેવનો ગુસ્સો હજુ શમ્યો નહોતો.
“સ્વાતિ? તમારી વાઈફ? હું કઈરીતે ઇન્વોલ્વ છું એમાં?” ઉર્વિલને કંઈજ સમજાઈ રહ્યું હતું.
“સ્વાતિની કારનું એકસીડન્ટ તારી ભૂલની સજા હતું. જે કિંમત તારે ચુકવવાની હતી એ એણે ચૂકવી છે... આઈ વિલ રુઇન યુ ઉર્વિલ વોરા. આઈ વિલ ડીસ્ટ્રોય યુ.”

***

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED