Sapna advitanra - 66 books and stories free download online pdf in Gujarati

સપના અળવીતરાં - ૬૬

"રાગિણી... "

ફરી એજ અવાજ, કાનમાં ગણગણતો... આંખ સામે કાળો અંધકાર છવાયેલો હતો, એમાં જાણે પ્રકાશનું એક ટપકું ઉપરથી નીચે ઉતરતું બરાબર મધ્યમાં સ્થિર થઇ ગયું. ધીરે ધીરે એ ટપકું વિસ્તરતું ગયું અને એક ચહેરો ઉપસ્યો... કેયૂરનો ચહેરો! એ ચહેરો નજીક આવ્યો, એકદમ નજીક... રાગિણી પોતાના કપાળ સાથે એનું કપાળ અડતાં અનુભવી શકી. એની આંખમાંથી સરકેલી બે બુંદની ભીનાશ રાગિણીએ પોતાના ગાલ પર અનુભવી. તે કંઇક બોલવા ગઇ, પણ ગળામાંથી અવાજ જ ન નીકળ્યો. તે બસ નિહાળી રહી, અનિમેષ... અપલક...

કેયૂર સ્હેજ દૂર થયો અને બબુના ઘોડિયા પાસે જઈને હેતથી બબુને જોઈ રહ્યો. પછી રાગિણી સામે જોઈ કહ્યું,

"થેંક્યુ રાગિણી.. "

રાગિણીએ ફરી પોતાના ગાલ પર ભીનાશ અનુભવી. અંધારૂં હવે અજવાળામાં પરિવર્તિત થઇ ગયું હતું. કેયૂર પણ જાણે એ પ્રકાશમાં ઓગળતો જતો હતો. ઘણી મહેનતને અંતે રાગિણી માત્ર એક ઉંહકારો કરી શકી અને કેયૂર ફરી સ્થિર થઇ ગયો.

"બસ, હવે મને જવા દે... આ મોહ મૂકી દે.. "

રાગિણીએ જોરથી નકારમાં માથું ધુણાવ્યું. તેણે હાથ લાંબો કર્યો પણ કેયૂર જાણે હવા થઈ ગયો હતો, તેનો હાથ આરપાર થઇ ગયો! એક ટીસ ઉઠી મનમાં અને આંખ ખૂલી ગઈ... પોતાની જાતને હોસ્પિટલનાં બેડ પર જોઇ તેણે બાવરી આંખે આજુબાજુ જોયું. કેયૂર ક્યા? ત્યાં ફરી એ અવાજ કાનમાં ગણગણ્યો,

"અત્યારે મને જવા દે. હું પાછો આવીશ. તારી પાસે જરૂર પાછો ફરીશ. "

રાગિણીની નજર બહાવરી બનીને કેયૂરને શોધતી રહી, પણ સિઝરવાળા શરીરે સાથ ન આપ્યો. તેણે ઉભા થવાની કોશિશ કરી, પણ હજી એનેસ્થેસિયાની અસર સંપૂર્ણપણે ઉતરી નહોતી. હજુ તો તેનું અંતર કેયૂરના નામનો આર્તનાદ કરતું હતું ત્યાં ઉંવા ઉંવા નો અવાજ રૂમમાં છવાઇ ગયો. એ અવાજ સાથે જ રાગિણીએ એક અનોખો અનુભવ કર્યો. બબુના રડતાની સાથેજ તેની છાતીમાં સળવળાટ થયો અને તે પોતાના બબુ માટે અધીરી બની ગઇ. બબુનો અવાજ સાંભળીને નર્સ પણ રૂમમાં દોડી આવી, અને હળવેકથી બબુને રાગિણી પાસે સુવડાવ્યું. એ સાથે જ બબુ પણ તૃપ્તીનો અનુભવ કરતું અમૃતપાન કરવા માંડ્યું. એ બંનેને બરાબર જોઇ નર્સ ફરી બહાર ગઇ અને એક નંબર પર કોલ કર્યો.

"હા, એમને હોંશ આવી ગયો છે. "

***

"પણ મા, એવું કેવી રીતે બને? મારો કેયૂર કાયમી વિદાય લેતો હોય ને હું... હું એને... છેલ્લી વાર... "

રાગિણી ફરી ડુસકે ચડી. રાગિણી હોંશમાં આવી ગઇ છે એવા સમાચાર મળતાંજ કોકિલાબેન દોડાદોડ રાગિણી પાસે પહોંચી ગયા. રાગિણી હજુ ઓપરેશન થિયેટરમાં જ હતી, અને બબુ કોકિલાબેનના હાથમાં સૂઈ ગયું હતુ, ત્યારે જ સમાચાર આવ્યા કે કેયૂર...

કોકિલાબેન હાંફળાફાંફળા થઇ ગયા. રાગિણીને આ હાલતમાં એકલી છોડતા જીવ નહોતો ચાલતો, તો સામે કેયૂરની વિદાય હ્રદયને ચીરી ગઇ હતી. આંખમાં આંસુ સાથે સુનમુન થઇ ગયેલા કોકિલાબેનના હાથમાંથી બબુને લેતા નર્સે હૈયાધારણા આપી,

"હું સાચવી લઇશ. તમે અહીંની ચિંતા ન કરો. "

અને કોકિલાબેન કેકે સાથે કેયૂરની હોસ્પટલે જવા રવાના થઈ ગયા. કેયૂરનો મૃતદેહ જોઈ હતપ્રભ બની ગયેલા કોકિલાબેનને કશું સમજાતું નહોતું. આજે, કેટલા લાંબા સમય પછી કેયૂરનું શરીર મુક્ત હતુ... કોઈ પાટાપીંડી નહી, કોઈ મશીનના સેન્સર નહી, કોઈ વેઈનફ્લો નહી... મુક્ત... સંપૂર્ણ મુક્ત... પીડામુક્ત... લાગણીમુક્ત... આતમમુક્ત... એક આહ! નીકળી ગઇ, પણ આંસુ જાણે સુકાઈ ગયા હતા. એમની પીડા, એમની લાગણી, એમના આંસુ... બધુંજ જાણે ગંઠાઇ ગયું હતુ. કોકિલાબેને સ્નેહનીતરતી નજરે કેયૂર સામે જોયું અને હળવેથી તેના મુક્ત શરીરના મસ્તક પર હાથ ફેરવ્યો. છાતીમાં કંઈક ખુંચ્યું અને એક ડુસકું નીકળી ગયું. પછી તરતજ પોતાની જાતને સંભાળી લીધી. એ ઢીલા પડશે, તો રાગિણીને કોણ સાચવશે?

બસ, ફટાફટ બધી વિધિ આટોપી લીધી અને કેયૂરના અગ્નિસંસ્કાર થઇ ગયા. કોકિલાબેન ફરી કોરી આંખો સાથે રાગિણી પાસે પહોંચી ગયા. રાગિણી માટે આ પરિસ્થિતિ અત્યંત કપરી હતી. એકબાજુ કેયૂરની કાયમી વિદાય, તો બીજી બાજુ તેના અને કેયૂરના પ્રેમનાં અંશનું અવતરણ! તેના આંસુ ખૂટતાં નહોતા. કોકિલાબેને તેને માંડ માંડ સમજાવી... રડવાની આડઅસરો... તેના કારણે બબુને થતી તકલીફો... છતાં કેયૂરને અંતિમ વાર જોઇ ન શકવાનો અફસોસ રાગિણીના અંતઃપટલમાં છવાઇ ગયો.

***

કહે છે કે ગમે તેવા જખમનો અકસીર ઈલાજ એટલે સમય. જેમ સમય વહેતો જાય છે એમ પાછલા દુઃખો પર ધૂળ ચડતી જાય છે. જિંદગી પોતાને નવા કલેવરમાં ઢાળતી જાય છે. હા, ક્યારેક જખમના નિશાન રહી જાય છે!

રાગિણીની જિંદગીની ગાડી પણ હવે નવા ટ્રેક પર ચડી ગઇ છે. કેતુલની જવાબદારીએ તેને જીવવાનું નવું બળ પૂરું પાડ્યું છે. તેણે ફરી ડ્રીમ્સ અનલીમીટેડની બાગડોર સંભાળી લીધી છે. કોકિલાબેન, કેદારભાઈ અને કેકે તરફથી પણ રાગિણીને પૂરો સપોર્ટ મળી રહ્યો છે. બસ, દિવસ દરમિયાન હસતા રહેતા ચહેરા પર રાત પડ્યે ગમગીની છવાઇ જાય છે. કેયૂર તેના મનોમસ્તિષ્ક પર કબજો જમાવી દે છે અને એક આંસુ ફરી ગાલ પર સરી પડે છે. બસ, આ જ નિત્યક્રમ બની ગયો છે.

સવારથી કે કે મેન્શનમાં ધમાલ હતી. આજે કેતુલનો ફર્સ્ટ બર્થડે હતો. અને ખુશીનું બીજું કારણ પણ હતું. કેકેના કેન્સરે કાયમી અલવિદા કહી દીધું હતું. ડો. ભટ્ટના શબ્દો હજુ પણ કાનમાં ગુંજતા હતા...

"હવે તમે ભૂલી જાવ કે તમને કેન્સર થયું હતું. યુ આર પરફેક્ટલી ઓલરાઇટ. બસ, હેલ્ધી ડાયેટ એન્ડ સમ એક્સર્સાઇઝ... મેક શ્યોર કે શરીર નબળું ન પડે. નહીંતર કદાચ ફરી ઉથલો મારે. સો, જસ્ટ ફોર પ્રીકોશન, વરસે એકવાર બધા રીપોર્ટ કરાવી લેવાના. બાકી, નથીંગ ટુ વરી અબાઉટ એટ ઓલ. "

જાણે ફરી સોનાનો સુરજ ઉગ્યો. બધાના ચહેરા પર આનંદ સમાતો નહોતો. હા, હૈયાના એક ખૂણામાં કેયૂરના નામનો દીવો હજુય પોતાની હાજરી પુરાવતો ટમટમી રહ્યો હતો.

વિચારોમાં ખોવાયેલી રાગિણી કેતુલના અવાજથી ઝબકી. પછી અરિસામાં રહેલા પોતાનાજ પ્રતિબિંબને ફરી તાકી રહી. લગ્નના દિવસે પહેરી હતી એ સાડી, હળવો મેકઅપ, સફેદ મોતીની ડબલ સેરની માળા અને એવાજ મોતીની બંગડી, અને કપાળમાં એક નાનકડો ચાંદલો... ઘરમાં બધા તેનું કેટલું ધ્યાન રાખે છે, તેનો પડ્યો બોલ ઝીલે છે.. કદાચ બધાની કોશિશ એવી છે કે તેને કેયૂરની ખોટ ન સાલે પણ... એક નાનકડું આંસુ પાંપણની ધારે આવીને લટકાયું ત્યાં ફરી કેતુલનો અવાજ આવ્યો. એક ખોંખારો ખાઇ તેણે ગળું ચોખ્ખું કર્યું અને આંસુ એ રીતે રૂમાલમાં સમાવી લીધું જાણે એ ક્યારેય અસ્તિત્વમાં જ નહોતું! પોતાની જાતને જ એક હળવું સ્મિત આપી તે કેતુલ પાસે ગઇ.

"ઓ માલો દીકુ, રમકડું પડી ગયું? આ લે.. ચલ, રડે નહીં મારૂં બચ્ચુ... બચ્ચાને ડાઈપી પેલવાનું છે? મસ્ત મસ્ત નવું વાવા પેલીને તૈયાર થઇ જા "

અને કેતુલ પણ ડાઇપર જોઇને જાણે સમજી ગયો કે હવે ટાટુ જવા મળશે. એ પણ રાજી થઇ તૈયાર થવા ગોઠવાઇ ગયો. કાલીઘેલી ભાષામાં વાત કરતાં કરતાં રાગિણીએ કેતુલને તૈયાર કર્યો અને એને લઇને ડ્રોઇંગ રૂમમાં આવી. જોયું તો બધા તેનીજ રાહ જોતા હતા. આજે એક નાનકડી પાર્ટીનું આયોજન કર્યું હતું. રાગિણી અને કેતુલ આવ્યા એટલે બધા ગાડીમાં ગોઠવાઈ ગયા અને નટુકાકાએ પાર્ટી હોલ તરફ ગાડી મારી મૂકી.

આમ તો આ પાર્ટી કેતુલના બર્થડે સેલિબ્રેશન માટે રાખી હતી, પણ રાગિણીએ અનુભવ્યું જાણે એ પાર્ટી તેની માટે હતી... તેને ચીયર કરવા... ડ્રીમ્સ અનલીમીટેડનો આખો સ્ટાફ, ડોક્ટર બાટલીવાલા અને રોશન આંટી, ગોવાની પેલી સ્કુલનાં પ્રિન્સિપાલ, ઈન્સ્પેક્ટર શિંદે અને... સમીરા.. હા, બધાજ ત્યાં હાજર હતા. રાગિણી માટે આ ખરેખર એક બહુ મોટી સરપ્રાઇઝ હતી. તેણે અહોભાવથી કેદારભાઈ અને કોકિલાબેન સામે જોયું. કોકિલાબેને સ્નેહભર્યો હાથ તેના માથે ફેરવ્યો અને તે ગદ્ ગદ્ થઈ કોકિલાબેનને ભેટી પડી. બરાબર એ જ સમયે ઉપરથી વ્હાઇટ ટ્યુલિપની પાંખડીઓનો વરસાદ થયો... ફરી કેયૂરની યાદોએ સપાટી ઉપર આવવા જોર અજમાવ્યું, પણ રાગિણીએ સિફતથી આનંદનાં આંસુ સાથે એ દુઃખનું આંસુ ભેળવી દીધું.

ધમાલ મસ્તી સાથે પાર્ટી પૂરી થઇ અને બધા ઘરે પરત ફર્યા. સમીરા પણ તેમની સાથેજ કે કે મેન્શન આવી. કેતુલને રૂમમાં સુવડાવી રાગિણી ફરી ડ્રોઇંગરૂમમાં આવી અને ફરી એક વાર કોકિલાબેનને ભેટી પડી.

"થેંક્યુ મમ્મા.. આજનો દિવસ ખરેખર મારી માટે બહુ સ્પેશિયલ બની રહ્યો. "

કોકિલાબેને રાગિણીને સ્નેહથી ભીંસી દીધી અને પછી અળગી કરી. રાગિણીને કોકિલાબેનનું વર્તન સમજાતું નહોતું. એમની આંખોમાં ભીનાશ તરી આવી હતી. એમણે ફરી રાગિણીના ચહેરાને હથેળીમાં લઇ સ્નેહ નીતરતી નજરે રાગિણી સામે જોયું, અને પછી એક નજર કેદારભાઈ સામે નાંખી. કેદારભાઈએ આંખોથીજ આગળ વધવા ઈશારો કર્યો. રાગિણીએ આ બધું જોયું. તેને કંઈ જ સમજાતું નહોતું.

"કંઈ કહેવું છે, મમ્મા? "

કોકિલાબેને હકારમાં માથું હલાવ્યું,એટલે એક ઊંડો શ્વાસ લઈ રાગિણી બોલી,

"તો બોલો ને, મમ્મા. એમાં આટલું બધું શું વિચારો છો? "

બસ, પછી કોકિલાબેને જે ઇશારા કર્યા, એ સમજાતાં રાગિણી સડક્ થઈ ગઈ... અને કેકે અવાક્...


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED