Pratibimb - 31 books and stories free download online pdf in Gujarati

પ્રતિબિંબ - 31

પ્રતિબિંબ

પ્રકરણ - ૩૧

હિયાને એકવાર આંખો ચોળીને બરાબર ખાત્રી કરતાં જોયું કે સામે આટલું રડતી હતી એ બીજું કોઈ નહીં પણ અક્ષી જ છે. એને કોઈ સાથે થોડી આડકતરી વાત સંભળાઈ પણ શા માટે રડી રહી છે એવું બહુ સ્પષ્ટ ન થયું.

હિયાન : " અક્ષી તું કેમ રડી રહી છે ?? "

અક્ષી રડતાં રડતાં કંઈ પણ બોલે એ પહેલાં એને સામેથી કોઈ છોકરાનો અવાજ સંભળાયો, " તું સ્માર્ટ બનવાની જરાં પણ કોશિષ ના કરીશ.ખબર છે ને નહીં તો એ વિડીયો મારી પાસે જ છે... હું તો આ ઈન્ટરનેટની દુનિયાનો એક માસ્ટર છું...ખબર છે ને તને ?? "

અક્ષીનાં હાથમાંથી હિયાને ફોન લઈ લીધો... કંઈ પણ બોલ્યાં વિના બધું સાંભળી રહ્યો...પછી ખબર નહીં શું વાત કરી એ અક્ષીને પણ ન સંભળાઈ. ને હિયાન એટલું જ બોલ્યો, " આજ પછી અક્ષીને ફોન કરવાનો પ્રયત્ન પણ ન કરતો નહીં તો સારું નહીં થાય..."

અક્ષી ગભરાઈને બોલી, " હિયાન તે આ શું કર્યું ?? એ મારો વિડીયો વાઈરલ કરશે તો ?? ખબર નહીં મારું શું થશે" કહીને એ ફરી રડવા લાગી.

હિયાન : " હું તને પૂછી શકું કે એ કોણ છે ?? તું મને હકીકત કહે તો હું તને કંઈ મદદ કરી શકું..."

અક્ષી અચકાતાં બોલી, " એ મારો બોયફ્રેન્ડ છે...નિર્મિત !! "

" તો પછી એ કેમ આવું કરી રહ્યો છે ?? "

અક્ષી : " મારે તને કેવી રીતે શું કહેવું કંઈ જ સમજાતું નથી...બસ છેલ્લાં એક અઠવાડિયાથી એનું વર્તન બદલાઈ ગયું છે... નહીં તો ક્યારેય તે આવું નહોતો કરતો..."

હિયાન : " પણ કંઈ કારણ ?? "

અક્ષી : " એ કમ્પ્યુટરની દુનિયામાં કહું તો એક્કો છે કોઈ પણ વસ્તુ એ ચુટકીમાં ઉકેલી દે...એ મારો સિનિયર છે કદાચ એ જ એની આવડત અને દેખાવથી હું આકર્ષાઈ હતી. હું એને બે વર્ષથી ઓળખું છું. એ મારી સાથે બહું જ સારી રીતે વર્તન કરતો હતો એક અઠવાડિયા પહેલાં જ એક દિવસ અમે બહાર ફરવા ગયાં હતાં પિકનિક પર એણે ત્યાં એકાંત શોધીને મારી સાથે ફીઝીક્લ રિલેશન માટે કહ્યું. મેં પહેલાં તો ના કહી પણ પછી એને વધારે દબાણ કરતાં હું પણ એની વાતમાં એ વિચારીને આવી ગઈ કે અમે તો મેરેજ કરશું જ ને ?? એકવારમાં શું થવાનું ?? આવું એક અઠવાડિયા પહેલાં થયું હતું. એ પછી હવે તે મારી સાથે ફરીથી રિલેશન માટે દબાણ કરવાં લાગ્યો છે.

મેં એને ચોખ્ખી ના કહી તો એણે કહ્યું કે એણે એ દિવસનો અમારો વિડીયો ઉતારેલો છે જો હું ના પાડીશ તો એ એને કોલેજમાં અને સોશિયલ મિડીયા પર વાયરલ કરી દેશે‌.‌.‌.હવે હું શું કરું મને કંઈ જ સમજાતું નથી...એને કદાચ મારી સાથે તો ટાઇમપાસ જ કરવો છે પણ એ પપ્પાની મિલકત પર એની નજર હોય એવું મને હવે એની વાત પરથી લાગી રહ્યું છે."

અક્ષી ફરી રડવા લાગી ને બોલી, "હિયાન આ વાત પ્લીઝ તું કોઈને કરીશ નહીં. નહીં તો હું કોઈને મોઢું બતાવવા લાયક નહીં રહું "

હિયાન : "તું જરાં પણ ચિંતા નહીં કર. એ જેવો એક્કો છે એનાંથી પણ એક્કો છે મારો ફ્રેન્ડ જે યુ ટ્યુબમાં એક સિક્રેટ એજન્સીમાં કામ કરે છે. હું એની પાસે સલાહ લઈને કંઈ કરૂં છું તું જરાં પણ ગભરાઈશ નહીં. હું વાત કોઈને પણ નહીં કરું. કહીને એણે પોતાનાં ખિસ્સામાંથી રૂમાલ કાઢીને અક્ષીનાં આંસુ લુછતા કહ્યું, " ચાલ હવે રિલેક્સ થઈ જા...ફ્રેશ થઈને બહાર આવી જા... હું બને એટલું જલ્દીથી પ્રયત્ન કરું છું આ મેટર સોલ્વ કરવાનો."

અક્ષી : " હિયાન , થેન્ક્યુ સો મચ..." કહીને ત્યાંથી બહાર આવી ગઈ.

ફરીથી મહેફિલ શરું થઈ...અક્ષી હજું આ વાતને મગજમાંથી નીકાળી શકતી નથી. એનો ચહેરો પહેલાં ખુશ હતો એ ઉદાસ થઈ ગયો.

આરવે આ વસ્તુ નોંધી. એણે સમય મળતાં જ પહેલાં અક્ષી સાથે એકલામાં વાત કરવાનું વિચાર્યું.

અક્ષીની સ્થિતિ હિયાને ધાર્યાં કરતાં વધારે ગંભીર લાગી. એણે વધારે મોડું કરવાં કરતાં અત્યારે જ બને એટલું ઝડપી એનાં ફ્રેન્ડ સાથે વાત કરવાનું વિચાર્યું. એણે કહ્યું, " મને બહું ઉંઘ આવે છે હું સુવા જાઉં છું, ગુડનાઈટ..." કહીને કોઈ રોકાવાનો ફોર્સ કરે એ પહેલાં જ હિયાન ત્યાંથી જતો રહ્યો.

અર્ણવ બહારથી આવતાં બોલ્યો, " કદાચ આવતી કાલે આપણે બધાં અમદાવાદ રિટર્ન થઈએ છીએ..."

બધાંને સાથે મજા આવી રહી છે એમાં પણ પહેલો નિસાસો ઈતિ અને આરવને પડ્યો‌. હજું તો સરખું મળાયું પણ નહીં ને પાછું જુદાં થવાનું. હજું સુધી ઈતિને પરિવાર તરફથી કોઈએ ડાયરેક્ટલી આરવ સાથે સંબંધ માટે મંજૂરીની મહોર મારી નહોતી...

પછી બધાં એક પછી એક સુવા જવાની તૈયારી કરવાં લાગ્યાં. છેલ્લે અર્ણવ ઈતિ અને આરવને કહીને ગયો, "દી હું પણ જાઉં છું...તમે થોડીવારમાં આવી જજો..."

ઈતિ સમજી ગઈ કે અર્ણવે એ બંનેને પ્રાઈવસી આપવાં માટે આ વાત કરી છે. બંને જણાં એકાંતમાં એ મુગ્ધ પ્રેમનાં સપનાં જોતાં રહ્યાં. બંને જાણે એકબીજામાં ઓતપ્રોત થઈ ગયાં...જાણે હૈયું હંમેશાં માટે હવે એકબીજાંનાં થઈ જવાં ઝંખી રહ્યું છે... ત્યાં ઇતિએ આરવને મીઠી ટપલી મારતાં કહ્યું, " આરૂ, આ હવેલીએ હજું આપણને પૂર્ણ રીતે એકમેક થવાની સહમતિ નથી આપી... એનાં માટે હજું રાહ જોવી પડશે થોડી...ચાલ ઘરમાં બધાં છે...ગુડ નાઈટ...લવ યુ..." કહીને આરવને એક પ્રેમભરી હગ કરીને એનાં બે રૂક્ષ હોઠો પર પોતાનાં કોમળ હોઠોને ચાંપી દીધાં..મિનિટો સુધી બંને એકબીજાનાં સાનિધ્યને માણતાં રહ્યાં ને પછી આરવને પ્રેમથી દૂર કરીને ઈતિ ઝડપથી રૂમમાંથી સરકી ગઈ.

આરવ ઈતિનાં ગયાં બાદ પણ ક્યાંય સુધી એ રૂમમાં બેસી રહ્યો... એમનાં પ્રેમની મધુરયાદોને વાગોળતો રહ્યો... એમાં જ એને દીવાલને ટેકે બેસીને એક ઝોકું આવી ગયું એને ખબર જ ના પડી.

*****

હિયાને હેયાનાં મોબાઈલને કામનાં બહાને લઈને એમાંથી અક્ષીનો નંબર લીધો કારણ એને ખબર પડી ગઈ હતી સવારથી બંને સાથે છે અને બંનેને સાથે સારું ફાવી ગયું છે એટલે એકબીજા પાસે નંબર તો હશે જ...

હિયાને એનાં ફ્રેન્ડ સાથે થોડી ફોન પર વાત કરીને પછી મેસેજમાં અક્ષીનાં નામ વિના બધી વાત કરી. હિયાને તેને ખબર હતી એટલી માહિતી આપી. બાકીની માહિતી અને એનો ફોટો અક્ષી પાસેથી લઈને એને એનાં ફ્રેન્ડને આપ્યો...એણે કાલ સુધીમાં બધું જે પણ હશે એ કહેશે...હિયાને એને ખાસ રિક્વેસ્ટ કરીને કહ્યું કે બને એટલું જલ્દીથી પતાવે. પછી હિયાન સૂઈ ગયો‌....!!

રાત બરાબર જામી છે. બે દિવસનો થાક ત્રણને ઉજાગરા હોવાથી સૌ પડતાંવેંત સૂઈ ગયાં. સંવેગને સામાન્ય થયેલો જોઇને બધાં નિશ્ચિત બની સૂઈ ગયાં છે‌.

એકાએક ઇતિની ઉંઘ ઉડી ગઈ. એને તરસ લાગી‌. એણે બોટલમાં જોયું તો એ ખાલી હોય છે. એને થયું કે રૂમમાં એની સાથે સૂતાં અક્ષી કે હેયાને જગાડે પણ એમને એક ગાઢ નિદ્રામાં સૂતા જોઈને ઈતિ એકલી જ પાણી લેવા નીકળી....ઈતિ પાણી લઈને સાથે બોટલ પણ ભરી જેથી કોઈને પીવું હોય તો જવું ન પડે.

ઈતિ રસ્તામાં આવી રહી છે ત્યાં જ એને કોઈ પડછાયા જેવું દેખાયું. એણે પહેલાં સહજતાથી શું છે એ જોવાં લાગી એ સાથે જ એનાં આંખમાં કંઈ પ્રકાશ જેવું લાગ્યું...એણે એ તરફ એકવાર નજર કરી એ સાથે પ્રકાશ એનાં શરીરમાં અને આંખમાં આરપાર વીંધી એ જાણે શરીરમાંથી બહાર નીકળી ગયો...એ સાથે જ જાણે ઈતિ માં બદલાવ આવી ગયો...એ પડછાયાની પાછળ પાછળ ચાલવા લાગી. એને એ ક્યાં જઈ રહી છે એની કંઈ જ ખબર નથી..

આગળ જતાં જ એ પડછાયો એકરૂમમાં પ્રવેશ્યો એ સાથે જ એ રૂમમાં ઈતિ પણ પ્રેવેશી...એ રૂમમાં બીજું કોઈ નહીં પણ સંવેગ સૂઈ રહ્યો છે.

ઈતિને ખબર નહીં અત્યારે શું કરી રહ્યું છે એને સમજાતું નથી..એ ઝડપથી સંવેગની પાસે આવીને બેડ બેસી ગઈ... ધીમેધીમે સંવેગના શરીરને પસવારવા લાગી... એનાં હાથોને પોતાનાં હાથમાં લઈને પ્રેમભરી ચેષ્ટા કરવાં લાગી...!!

સામે ઉંઘમાંજ ઈતિનાં સપનાં જોતાં એણે સાચે જ ઇતિનાં નાજુક હાથને પકડીને લીધાં અને પ્રેમથી પોતાનાં હોઠો સુધી લઈ ગયો...એ સાથે જ ઈતિ સંવેગને પોતાની નજીક કરવાં માટે એની લગોલગ આવતી ગઈ...એણે પોતાની સાથે જ સંવેગને પણ ઉત્તેજિત કરવાની એકપણ ચેષ્ટા ન છોડી... ત્યાં જ સંવેગે ઇતિને પોતાની છાતી સરસી ચાંપી દીધી...બંને જાણે એકબીજાંનાં દેહની ક્ષુધાને છીપાવવા તત્પર બની ગયાં...!!

આ બાજું આરવની ઉંઘ એકાએક ઉડી તો એને યાદ આવ્યું કે એ તો એમ જ સૂઈ ગયો છે...આથી એણે રૂમમાં જઈને સૂઈ જવા ઉભો થયો...એ જેવો સંવેગની રૂમ નજીકથી પસાર થયો કે એ આડો કરેલો દરવાજો એકાએક ખૂલી ગયોને એનું ધ્યાન ગયું કે એ રૂમમાં ઈતિ અને સંવેગ એકબીજાંની લગોલગ પોતાનાં આવેગોને તૃપ્ત કરવા માટે તત્પર બન્યાં છે...આરવને તો ફાળ પડી એને કંઈ જ સમજાયું નહીં કે આ શું થઈ રહ્યું છે... એનાં પગ નીચેથી ધરતી ખસી ગઈ...એ પોતાની જાતને માંડમાંડ સંભાળતો સંભાળતો બાજુનાં રૂમ પાસે પહોંચ્યો કે એ સાથે જ જાણે છતમાંથી કોઈનાં એક જીત હાંસલ કરીને અટહાસ્ય કરવાનો અવાજ આવ્યો.

આરવનાં જતાંની સાથે જ અચાનક ઇતિને જાણે ભાન થયું હોય એમ ઝડપથી " સંવેગ તું છે?? આરવ નથી ?? " કહીને ઝડપથી એનાંથી દૂર થઈ ગઈ...અને સંવેગને પણ જાણે એક શરમિંદી અનુભવાઈ. ઈતિ રૂમમાંથી બહાર નીકળીને પોતાનાં રૂમમાં આવીને સૂઈ ગઈ.

આરવ રૂમમાં આવ્યો જ્યાં હિયાન અને અર્ણવ સૂતાં છે. એ બાજુની જગ્યા પર આવીને બેડ પર લાંબો થયો..એને તો ફરી ફરી આંખો સામે એ જ ઈતિ અને બંનેની નિકટતાનું દ્રશ્ય ચકરાવા લેવાં લાગ્યું.‌..એને વિશ્વાસ નથી આવી રહ્યો કે ઈતિ આવું કરી શકે...ઈતિ ક્યારેય એને છોડે નહીં...નથી કોઈ મતભેદ...ન કોઈ લડાઈ...ન જબરદસ્તી... ફક્ત ને ફક્ત એમની વચ્ચે આજસુધી પ્રેમ અને વિશ્વાસ રહ્યો છે તો આવું કેવી રીતે શક્ય છે ??

આખી રાત પડખાં ફેરવતો અને આંખોમાંથી આંસુ સારતો રહ્યો... પરોઢિયે આંખો ભારે થઈને સુજી ગઈને એને ક્યારે ઉંઘ આવી ગઈ ખબર જ ન પડી..!!

******

સવારનાં આઠ વાગી ગયાં છે. બધાં લગભગ ઉઠી ગયાં છે...ઈતિ તો એકદમ સામાન્ય રીતે બધાંની સામે આવી ગઈ. બંનેએ પણ બહાર આવ્યો..સંવેગની નજર પોતાનાંથી અજાણતાં થયેલા એ કૃત્ય માટે શરમિંદગી અનુભવતો એ ઈતિ સાથે આંખ ન મિલાવી શક્યો...પણ ઈતિ તો એકદમ સામાન્ય છે એનું કારણ કે કદાચ એને રાતની બનેલી કોઈ ઘટનાં યાદ જ નથી.

ઈતિએ કંઈ કહ્યું નહીં આથી સંવેગે ધીમેથી એની નજીક આવીને ફરી એકવાર " સોરી.." કહ્યું. પણ ઇતિને હજુંય એમ જ બોલી, કેમ શેનાં માટે સોરી..??"

ઈતિ વિચારવા લાગી પણ એને કંઈ ખબર જ પડી એટલે એણે પૂછ્યું, " શેનાં માટે સોરી સંવેગ ?? "

સંવેગ : " કાલે રાત્રે જે થયું એ માટે..."

ઇતિને કંઈ જ યાદ નથી આવી રહ્યું કે રાત્રે શું થયું હતું....એને ફકત એટલું જ યાદ છે કે એ પાણીનો જગ ભરવાં ગઈ હતી પછીનું એને કંઈ જ યાદ નથી.

એને થયું હશે કંઈક એમ વિચારીને વાતને જવાં દઈને એ બધાંની સાથે આરવને આવેલો ન જોતાં તે આરવને રૂમમાં ઉઠાડવા પહોંચી ગઈ !!

શું કરશે આરવ ?? આરવ ઈતિનો વિશ્વાસ કરશે કે પછી બંનેનો સંબંધ કાયમ માટે પૂર્ણ થઈ જશે ?? આત્માનો આ નવો પેંતરો બધાંને કઈ દિશા તરફ લઈ જઈ રહ્યો છે ?? જાણવા માટે વાંચતા રહો, પ્રતિબિંબ - ૩૨

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED