Pratibimb - 2 books and stories free download online pdf in Gujarati

પ્રતિબિંબ - 2

પ્રતિબિંબ

પ્રકરણ - ૨

આરવ ચોંકી ગયો. પાછળથી ધીમાં સ્વરે ઈતિ બોલી, " આરુ શું થયું ?? "

આરવે ઈશારાથી એને ચૂપ રહેવા કહ્યું ને ઇતિને એની પાસે બોલાવી...ને અંદરનું દ્રશ્ય બતાવ્યું. આરવે જે જોયું હતું માસ્ક કોલેજ કેમ્પસમાં એવું જ એક નહીં પણ રૂમમાં એક નહીં પણ અનેક માસ્ક લગાવેલાં છે વોલ પર...

ઈતિ ગભરાઈને બોલી ," આ બધું શું છે આરવ?? કોણે મારો રૂમ ખોલ્યો ?? અને આ બધાં માસ્ક ?? "

આરવ આટલાં વર્ષો અહીં યુ.એસ.એ. માં સ્ટડી માટે રહેવાનાં કારણે અહીંની બધી જ સિસ્ટમથી પરિચિત બની ગયો છે. એણે પહેલાં રૂમમાં અંદર જવાને બદલે ત્યાંનાં ઈમરજન્સી હેલ્પ નંબર પર કોલ કર્યો‌. ત્યાંની સિસ્ટમ મુજબ તમારે ફક્ત એ નંબર ડાયલ કરવાનો ત્યાં સામે લોકેશન આપોઆપ મળી જતાં એમની ટીમ શક્ય એટલાં ઓછાં સમયમાં તમને મદદ કરવાં આવી પહોંચે.આરવ અંદર જઈને કંઈ પણ કરવાને બદલે ઇતિનો હાથ પકડીને ત્યાં જ ઉભો રહ્યો.

થોડી જ વારમાં ટીમ આવી પહોંચી. આરવે તેને ટુંકમાં વાત જણાવી. ટીમ પોતાનાં શસ્ત્રો સાથે અંદર પહોંચી... થોડીવાર થઈ પણ એમણે ઈતિ અને આરવને બહાર જ રહેવા જણાવ્યું.

આંખો ઘર ને રૂમ ફંફોસી દીધું. આખાં ઘરમાં આ માસ્ક સિવાય કોઈ વ્યક્તિ કે શંકાસ્પદ વસ્તુ ન મળી. આખું ઘર એમ જ અકબંધ પહેલાંની જેમ છે‌. કોઈ જ ઉથલપાથલ થયેલી બાહ્ય નજરે દેખાઈ રહી નથી.

ટીમનો એક વ્યક્તિ બોલ્યો, " હેય..મિસ્ટર ધેર ઈઝ નથિગ ડેન્જરસ સીન ઈન્સાઈડ બટ ધીઝ માસ્ક આઈ હેવ ટુક અવે વિથ મી એન્ડ ડુ એનાલિસીસ ફોર ઈટ. "

આરવ : " બટ હાઉ કેન વી સેફ હીયર અ નાઈટ ??"

" ડોન્ટ વરી મિસ્ટર, થ્રી પર્સન ઓફ અવર ટીમ રિમેઈન્સ હીયર આઉટ સાઈડ ઓફ ધીસ હાઉસ. ઈફ ધેર ઈઝ એની પ્રોબ્લેમ ધેય હેલ્પ યુ ડેફિનેટલી. "

આરવ : " થેન્કયુ સો મચ..."

પેલાં ભાઈ ત્રણ માણસોને ત્યાં રાખીને એમની ટીમ સાથે રવાનાં થયાં. ઘર એ નીચે ભોંયતળિયે જ હોવાથી એની આજુબાજુ ત્રણેય જણાં ગોઠવાઈ ગયાં.

આરવ ઇતિને લઈને અંદર પ્રવેશ્યો‌. આજે બહું બહાદુર કહેવાતી ઈતિ બહું ગભરાયેલી દેખાઈ રહી છે. એકદમ ચૂપ થઈને આરવના કહેવા મુજબ તેને અનુસરી રહી છે.

આરવ : " ઈતિ , તું બરાબર છે ને ?? કેમ ચુપ થઈ ગઈ છે આમ ??"

ઈતિ : " કોણ હશે આ બધું કરનાર ?? તું મને મુકીને જતો રહ્યો હોત તો મારૂં શું થાત ?? પણ તને આવો શક કેવી રીતે થયો ?? તને કંઈ ખબર હતી ?? "

આરવ :" એ તો ખબર નથી. પણ એને તો હું પકડીને રહીશ. તને એકલી મુકીને તો હું ભગવાનનાં ઘરે પણ નહીં જાઉં સમજી કહીને એનાં ગાલ પર હળવી ટપલી મારી. "

ઈતિ :" પણ તે મને એ ના જણાવ્યું કે તને કેમ ખબર પડી ??"

" એ હું તને પછી બધું નિરાંતે જણાવીશ પણ અત્યારે ચાલો સુવાની તૈયારી કરીએ. "

આજે ઈતિના રૂમમાં બીજું કોઈ જ ન હોવાથી રૂમ ખાલી છે. ફક્ત ઈતિ અને આરવ બંને જ છે આખાં ઘરમાં. અને હવે હેલ્પ માટેની ટીમ પણ ત્યાં ઘરની આસપાસ હોવાથી બંને નિશ્ચિત બની ગયાં છે.

ઇતિએ અંદર રૂમમાં જઈને આરવને બેડ બતાવીને કહ્યું, " આરૂ તું અહીં સુઈ જજે. હું અહીં સાઈડમાં સોફા પર સુઈ જઈશ.તને ફાવશે ને ?? "

આરવ ( હસીને ) : "ચલાવી લઈશ પણ સોફા પર હું સુઈશ તું નહીં. બસ ફાઈનલ હવે..." એમ કહીને ઇતિને એનો હાથ પકડીને બેડ પર બેસાડી દીધી.

ઈતિ : "પણ મને કપડાં ચેન્જ કરવાં તો જવાં તો દે...ચક્રમ !! "

આરવ : "ચાલ હું પણ આવું ને ?? " કહીને આંખ મીચકારી.

ઈતિ : " ચાલ બેસ હવે. હું હમણાં જ આવી."

ઈતિ બાથરૂમમાં શાવર લઈને એક બ્લેક કલરની શોર્ટી અને પીન્ક કલરનું ટોપ પહેરીને બહાર આવી. એણે જોયું તો પાંચ જ મિનિટમાં તો આરવ ત્યાં બેઠો બેડ પર જ સુઈ ગયેલો દેખાયો.

ઈતિ એ મસ્ત સુતેલા હેન્ડસમ આરવને એકીટશે જોઈ રહી. એને થયું આ ચહેરો બસ આમ જ જોયાં કરે હંમેશાં માટે... તે આરવની પાસે પહોંચી ત્યાં જ તેનાં મોબાઈલમાં રીંગ વાગી. ઈતિએ આરવની ઉંધ ડિસ્ટર્બ ન થાય માટે ઝડપથી ફોન ઉપાડીને બહારનાં રૂમમાં જતી રહી.ને ફોન ઉપાડતાં જ બોલી, " શું થયું મમ્મા ?? "

સામેથી અવાજ આવ્યો, " ઈતિ હું પાપા બોલું. તું ક્યાં હતી દીકરા ?? તે ફોન ના ઉપાડ્યો તો તારી મમ્માએ આખું ઘર માથે લઈ લીધું. એ કહે કે એને ફોન નથી ઉપાડ્યો એ કંઈ પ્રોબ્લેમમાં નહીં હોય ને ?? મને બહુ ચિંતા થાય છે "

ઈતિ મનમાં વિચારવા લાગી, " ખરેખર મા ગ્રેટ હોય છે. એને કંઈ કહ્યા વિના પણ એનાં બાળક સાથે કંઈ તફલીક હોય એનાં દિલને જાણે અણસાર આવી જ જાય છે. મેં તો કોઈને કંઈ કહ્યું પણ નથી છતાં તેને ખબર પડી ગઈ."

" ઈતિ ક્યાં ખોવાઈ ગઈ ?? તું ઠીક તો છે ને ?? કેમ ચૂપ થઈ ગઈ આમ ?? "

ઈતિને હાલ કંઈ પણ ન જણાવવું બરાબર લાગ્યું કારણ એ લોકો ખોટી ચિંતા કરે. વળી એની સાથે આરવ છે એટલે એ નિશ્ચિત છે.

ઈતિ : "ના ડેડી. મમ્મા બહું ચિંતા કરે છે. હવે હું મોટી થઈ ગઈ છું. એ તો આજે ફેરવેલ પાર્ટી હતી તો ત્યાં રીંગ ન સંભળાઈ. હમણાં થોડીવાર પહેલાં જ ઘરે આવી. હું ફોન કરવાની જ હતી ત્યાં જ ફોન આવ્યો તમારો. "

" તું ગમે તેટલી મોટી થાય પણ મારાં માટે તો નાની જ રહીશ સમજી. આ તારાં ડેડીએ જ તને બહું માથે ચડાવી છે બરાબરને ??"

ઈતિ : " તો તે ભઈલુ ને નથી માથે ચડાવ્યો ?? "

" હા હવે મારી મા...હવે શાંતિથી સુઈ જા પછી ફ્રી થાય એટલે ફોન કરજે..." ત્યાં ફોન મુકતાં જ એક અવાજ સંભળાયો..." લીપી હવે તો કોફીને બ્રેકફાસ્ટ મળશે ને ?? ને ઇતિનાં ચહેરા પર એક ખુશી ફરી વળી...

ફોન મુકીને તે ફરી રૂમમાં આવી. આરવ હજું સુધી એમ જ અડધી બેઠેલી અવસ્થામાં સુતો છે.

ઈતિને થયું કે બસ આરવ હવે ક્યારેય તેનાંથી દૂર ન જાય. તે એની પાસે ગઈ. આરવને પોતાનાથી દૂર રહેવાનું કહેનાર ઈતિ આજે જાણે પોતાની જાતને રોકી શકવા અસમર્થ હોય એવું એને લાગવા લાગ્યું. એણે ધીમેથી આરવનાં કપાળ અને ગાલ પર એક હળવું ચુંબન કરી દીધું.

આજે જાણે ઇતિની ઉંધ જ ગાયબ થઈ ગઈ છે. એ પોતે સોફામાં સુવા જવાને બદલે આરવને બ્લેન્કેટ ઓઢાડીને એની પાસે જ બેસી ગઈ.

આરવનાં હાથમાં હાથ પરોવીને તે ભૂતકાળની ખાટીમીઠી યાદોમાં ખોવાઈ ગઈ.....

********

ચાર વર્ષ પહેલાં,

ફિલાડેલ્ફિયા એરપોર્ટ પર વહેલી સવારે એક પ્લેન લેન્ડ થયું. એમાંથી એક સુંદર, માસુમ, નમણાશનો ખજાનો એવી એક છોકરીએ એ ધરતી પર પગ મૂક્યો... વહેલી સવારે ચાર વાગ્યાના સુમારે...એ કોઈ નહીં પણ આ નાનકડી કહી શકાય એવી ઈતિ...

બારમું ધોરણ પાસ કરીને આવેલી છોકરી એકલી વિદેશની ધરતી પર એનાં માટે આ બહું મોટો પડકાર હતો. ત્યાં એની કોલેજમાંથી આ રીતે નવાં એડમિશન થયેલા સ્ટુડન્ટને લેવાં માટે કોઈ આવશે એવી વાત થઈ હતી.

ફોન પણ નહીં. એ તો આજુબાજુ જોવાં લાગી. કોઈ બહાર એને લેવાં આવ્યું જ નહીં. ઇતિને કંઈ જ સમજ ન પડી. એ તો ત્યાં ધીમે ધીમે ભારેખમ લગેજને કોઈની હેલ્પ લઈને બહાર આવી. પણ હવે ક્યાં જવું કંઈ એને સમજાયું નહીં. એને ઘરની પરિવારની યાદ આવવાં લાગી‌. થોડીવાર બેસી રહી પણ અમેરિકનો સાથે કદાચ કંઈ વાત કરીને પૂછપરછ કરવાની પણ હિંમત ન થઈ. એ રીતસરની રડવા લાગી એ વિચારીને કે હવે એ શું કરશે...આ કંઈ ઈન્ડિયા કે ગુજરાત તો નથી કે કોઈ બસ કે ન મળે તો વધારે પૈસામાં પણ સ્પેશિયલ રીક્ષા કરીને ઘરે પહોંચી જઈએ.

થોડીવારમાં જાણે ઘણાં લોકોની ચહલપહલ થવાં લાગી. ઇતિએ જોયું કે બીજાં ઘણાં લોકો ત્યાં આવી રહ્યાં છે બહારની બાજુએ.

ત્યાં જ ઈતિની નજર એક ગોરાચટ્ટા, લાંબા, છોકરાં પર ગઈ. એ ત્યાં લગેજ મુકીને ઉભો રહ્યો. આજુબાજુ જોયાં બાદ એ કંઈક બબડ્યો, " સાલું હવે ક્યાં જવાનું ?? ખબર પણ નથી પડતી..."

તે છોકરો ઇતિની બહું નજીક નહોતો પણ એને તાકીને જોઈ રહેલી ઇતિને એ કંઈ જાણીતી ભાષા બોલ્યો હોય એવું લાગ્યું.

ઈતિ મનમાં થોડી ખુશ થતી ફટાફટ ઉભી થઈ ને એ છોકરાંની પાસે ગઈ ને એકીશ્વાસે બોલી , " આર યુ ફ્રોમ ઈન્ડિયા ??"

છોકરો : " યસ... મી નોટ ઓન્લી ઈન્ડિયન...બટ પ્રાઉડ ટુ બી અ ગુજરાતી."

ઈતિ તો આ સાંભળીને એક નાનાં બાળકની જેમ બધું ભૂલીને કુદીને એ છોકરાંને હગ કરી દીધી...બે જ સેકન્ડમાં એ વર્તમાનમાં આવી ગઈને એનાંથી દૂર થતાં બોલી, "સોરી..સોરી પણ હું પણ ગુજરાતી છું. "

છોકરો : "પણ શું થયું તમે કેમ આટલાં ખુશ થઈને મને જણાવશો. હું તો તમને ઓળખતો પણ નથી કે કોઈ મોટો સ્ટાર પણ નથી."

ઇતિએ બધી વાત એને જણાવી. આ સાંભળીને છોકરાને થોડું હસવું આવી ગયું ને બોલ્યો, " આ બ્યુટીફુલ છોકરીઓ બુદ્ધુ પણ એટલી જ હોય નહીં ?? "

ઈતિને લાગ્યું કે કદાચ આ કોઈ વ્યવસ્થિત છોકરો નથી લાગતો‌. એટલે તે બોલી, " ઓકે કંઈ વાંધો નહીં..." કહીને ચાલવા લાગી.

એટલામાં જ એ છોકરો ઇતિની પાછળ આવ્યો ને બોલ્યો, " સોરી... સોરી..બાય ધ વે..આઈ એમ આરવ વીરાણી ફ્રોમ અમદાવાદ. પણ મારું આખું ફેમિલી અત્યારે બોમ્બેમાં સેટલ થયેલું છે. "

ઈતિ નાક ચઢાવતાં બોલી, " તો હું શું કરું??"

આરવ : " ઘેર જઈને અથાણું નાખો. "

ઇતિને આરવની વાત પર હસવું કે ગુસ્સો કરવો એ ન સમજાતાં એ ચૂપ રહી.

આરવ : " હા યાર ઘરે તો હવે જવાય નહીં ને અહીંનું તો ઘર ખબર નથી તો અથાણું નાખવું કેમ એમ વિચારે છે ને ?? "

ઇતિને હવે ખરેખર પોતાની પર ગુસ્સો આવ્યો કે આ કોની સાથે વાત કરી દીધી એણે...

આરવ ફરી હસવા લાગ્યો. ને ત્યાંથી જતાં એક કુલીને બોલાવીને આ બેગને બહાર લઈ જવાં હેલ્પ કરવાં કહ્યું અને તે પોતાનાં સામાન સાથે ઇતિનો સામાન લઈને એરપોર્ટની બહારનાં એરિયામાં જવાં લાગ્યો...ને બોલ્યો, "ચાલો મેડમ.."

ઈતિ પણ થોડો બચેલો લગેજ લઈને આરવની પાછળ પાછળ ચાલવા લાગી.....

આરવ ઇતિને ક્યાં લઈ જશે ?? એ એને વ્યવસ્થિત જગ્યાએ પહોંચાડશે ખરાં ?? આરવ અને ઈતિ વચ્ચે દોસ્તી થશે ખરી ?? કેવી રીતે ?? પ્રયાગ કેવી રીતે ઇતિના જીવનમાં આવશે ??

જાણવા માટે વાંચતા રહો, પ્રતિબિંબ - ૩

બહું જલ્દીથી મળીએ નવાં ભાગ સાથે

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED