પ્રતિબિંબ - 4 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રતિબિંબ - 4

પ્રતિબિંબ

પ્રકરણ - ૪

ઈતિ નિરાશ ચહેરે ક્યાંક ખોવાયેલી ચાલી રહી છે કે એને ખ્યાલ જ ન આવ્યો કે પાછળથી કોઈ તેને બોલાવી રહ્યું છે. ફરી એકવાર અવાજ આવ્યો ઈતિ..ઈતિ..‌પણ એ તો છેક પોતાની ગર્લ્સ હોસ્ટેલનાં ગેટ પાસે પહોંચી ગઈ. ત્યાં જ આરવ આવીને બોલ્યો, " હેય ઈતિ !! તું તો યાર બહું બીઝી ?? મને તો એમ કે મને તું બોલાવીશ કોલેજમાં..પણ તું તો બોલી પણ નહીં.."

ઈતિ : " અરે આરવ હું ક્યારની તારી સાથે વાત કરવા લેક્ચર પતવાની રાહ જોઈ રહી હતી અને તું નીકળી ગયો. "

આરવ : "પણ તું તો બીઝી હતી ને કોઈ સાથે વાત કરવામાં..."

ઈતિ : " યાર.. હું સમજી પણ કોઈ વાત કરે તો ઉભું તો રહેવું પડે ને..."

આરવ : " હમમ.. પ્રયાગ ગુડનેમ.."

ઈતિ :" એ બધું છોડ. પણ મને યાર અહીંનું સીમકાર્ડ જોઈએ છે... બધાંની બહું યાદ આવે છે. અહીં મને સાવ એકલું લાગે છે. "

ઇતિની આંખો જાણે હમણાં જ ભીંજાઈ જશે એવું થાય એવું લાગી રહ્યું છે ત્યાં જ આરવ બોલ્યો, " લે આમાંથી ઘરે ફોન કરીને પહેલાં વાત કરી લે. જેટલી વાત કરવી હોય એ કરી લે બસ.."

ઈતિ તો આરવની સામે જોઈ જ રહી કે કોઈ મારાં માટે આટલું કરી શકે. જાણે આરવને જોઈને એને એકદમ એક શુકૂન મળી રહ્યું છે કે હવે એને કંઈ જ નહીં થાય. જેવી એને એનાં પરિવાર સાથે લાગણી થતી હતી. ઈતિ વિચારવા લાગી કે ફોન કરું કે નહીં...

આરવ : " વાત કરી દે બકા..તને સારૂં લાગશે..આ તારો જ ફોન સમજીને વાત કર.."

ઇતિએ અચકાતાં મને ફોન લગાડ્યો. ને ઘરે ફોન કર્યો. થોડીવાર શાંતિથી વાત કરી..એને સારૂં લાગ્યું. આરવે જ તેને ઈશારામાં કહ્યું કે આ નંબર પર કહે કે કોઈ કામ હોય તો ફોન કરે. ઇતિએ ઘરે કંઈ કામ હોય તો આ નંબર પર ફોન કરવાં કહ્યું.

ફોન મુકતાં જ આરવ બોલ્યો, "તારો ફોન ક્યાં છે હું તારાં ફોનમાં બધું સેટિંગ કરાવી દઉં. તારાં ફોન માટે અરેન્જ કરી દઉં છું."

ઈતિ : " આ લે બેગમાં જ લઈ આવી છું. અને કદાચ જોઈએ તો ડોક્યુમેન્ટ.."

આરવ : "હા..એ હું અત્યારે કરાવી દઉં છું મારી રીતે એની જરૂર નથી. પણ અહીં કોઈને આવી રીતે કોઈ જ ડોક્યુમેન્ટ આપીશ નહીં. કોઈ ખબર નહીં એનો કેવો યુઝ કરે. "

ઈતિ : " પણ એ તો તને આપવાનું હતું એટલે.‌.."

" હા તું તો મને વર્ષોથી ઓળખતી હોય એમ કહે છે. તને ખબર છે કે હું કોણ છું એ પણ ?? "

ઈતિ : " એક પાકો ગુજરાતી.."

આરવ : "અને તું ??"

ઈતિ : "દાળભાત ખાનાર પાપડતોડ પહેલવાન.." બંને જણાં એકબીજાની સામું જોઈને હસી પડ્યાં...

આરવ : "સારૂં. હું કાલ સુધીમાં તારાં ફોનનું બધું રેડી કરી દઉં છું આજે. ત્યાં સુધી મારો ફોન રાખ..."

ઈતિ : "પણ...મારે તારો ફોન..."

આરવ : " કામ હોય તો એમાં અમન નામે સેવ કરેલા નંબર પર કોલ કરજે..." કહીને આરવ કંઈ સાંભળ્યા વિના પોતાની હોસ્ટેલમાં જતો રહ્યો...ઈતિ એ અદાથી ચાલીને જઈ રહેલાં આરવને જોઈને મરક મરક હસતી રહી.

*******

બીજાં દિવસે કોલેજ જવાનો સમય થયો. ઇતિને થોડું કામ હોવાથી તે બહાર હોવાથી તે ક્લાસમાં થોડાં વહેલાં પહોંચી ગઈ. કોઈ હતું નહીં એ અમસ્તાં જ બહારનાં ભાગમાં નાનું ગાર્ડન છે ત્યાં આંટા મારી રહી છે. આરવ જલ્દી આવે તો સારૂં...એ વિચારતી હોય છે ત્યાં જ પાછળથી કોઈ આવીને એનાં ખભા પર હાથ મૂકે છે‌.

ઈતિ જે 'હૈયે હોય એ હોઠે આવે' એમ અમસ્તાં જ "આરવ મસ્તી નાં કર. ફોન લાવ્યો કે નહીં ??" કહીને પાછળ ફરી..બીજી જ ઘડીએ તેનું સ્મિત વિલાઈ ગયું. પાછળ આરવ નહીં પણ પ્રયાગ છે.

પ્રયાગ : "હેય..ક્યુટી તને ફોન જોઈએ છે એનાં માટે એ આરવની પાછળ ફરી રહી છે‌. મેં તને જોઈ હતી આરવ સાથે વાત કરતાં. લે હું તને બધું સેટ કરી દઉં.."

ઈતિ : " થેન્કસ, બટ આરવ લઈને જ આવતો હશે.."

પ્રયાગ : " એકવાત કહું આ આરવ કંઈ સારો છોકરો નથી એ તો તને ઈમ્પ્રેસ કરવાં આ બધું કરી રહ્યો છે. એ તને એનો ફોન એટલે આપી ગયો કે તું એને ફોન કરે. જો જે ને એ આજે તારો ફોન નહીં લાવે એટલે તું એની પાછળ ફર્યા કરે..."

ઈતિ : " એવું કંઈ નથી. એ હમણાં લઈ આવશે. "

પ્રયાગ : " હું ખોટું કહેતો હોય તો જોઈ લેજે. પછી તો મારાં પર વિશ્વાસ આવશે ને.."

ઈતિ કંઈ બોલ્યાં વિના ચૂપ ઉભી રહી... અને પ્રયાગ ત્યાંથી નીકળી ગયો. થોડીવારમાં જ આરવ આવીને બોલ્યો, " ઈતિ સોરી યાર, ફોનનું આજે કંઈ પ્રોબ્લેમનાં લીધે નથી થયું. કાલે પાક્કું. "

એટલામાં જ કોઈ નંબર પરથી આરવનો ફોન જે ઈતિ પાસે હતો એનાં પર કોલ આવ્યો...

ઇતિએ ઉપાડ્યો તો કોઈ છોકરી બોલવાં લાગી જાણે આરવની ગર્લફ્રેન્ડ હોય એમ..." હેય..આરવ આપણાં સંબંધો કેટલાં આગળ વધી ગયાં છે ને હવે તું મને છોડી રહ્યો છું..." આમ તેમ કેટલું બોલવાં લાગી.

આરવ : " શું થયું ઈતિ ?? કેમ આમ ઉદાસ થઈ ગઈ. કોણ છે ?? "

ઈતિ : " તારી ગર્લફ્રેન્ડ ?? "

આરવ : " શું મજાક કરે છે ?? હા મારે ફ્રેન્ડસ તો ઢગલો છે. પણ ગર્લ ફ્રેન્ડ ?? એ ક્યાંથી આવી ?? તું પણ કેવી મજાક કરે છે ?? "

ઈતિ : "કંઈ નહીં.." કહીને આરવને ફોન આપીને ત્યાંથી જતી રહી.આરવ ઈતિ...ઈતિ...બૂમો પાડતો રહ્યો....

******

આરવને કંઈ સમજાયું નહીં કે આ શું થયું અચાનક ઇતિને..થોડી જ વારમાં લેક્ચર સ્ટાર્ટ થઈ ગયાં. ઈતિ તો જોણે ખોવાયેલા ચહેરે બેસી રહી. પણ એનું મન તો જાણે ક્યારે અહીંથી જતી રહે એવું ઈચ્છી રહ્યું છે. આરવ થોડી થોડી વારે બસ ઈતિ સામે જોતો કે એકવાર ઈતિ એની સાથે વાત કરે...

આખરે બધાં લેક્ચર પૂરાં થયાં. આરવનાં ફોનમાં ફરી કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો...આરવ બહાર વાત કરવા જતો રહ્યો.

આ બાજું પ્રયાગ ફટાફટ ઇતિની નજીક આવ્યોને ક્લાસનાં બીજાં ગેટ પાસે કંઈ કામ છે એવું કહીને લઈ ગયો.

ઈતિ બહું ઉદાસ છે. એને આરવ સાથે નથી પ્રેમ કે ન દોસ્તી છતાં એ આરવ સાથે એક કુણી સંવેદના બંધાઈ છે કે એને મનોમન વેદનાં થઈ રહી છે...આજ સમયે બળતામાં ઘી હોમાઈ એમ પ્રયાગ બોલ્યો, " ઈતિ મેં તને કહ્યું હતું ને કે આરવ ખોટું બોલી રહ્યો છે...એ ફોન ના લાવ્યો ને.. હજું ખબર નહીં કેટલું જુઠું બોલતો હશે.."

આરવથી દુઃખી થયેલી ઇતિએ કંઈ વિચાર્યું જ નહીં અને એ પાછળનાં રસ્તે રૂમ પર જતી રહી. આરવ વાત કરીને ફરી ઈતિ સાથે વાત કરવા આવ્યો તો ક્લાસમાં કોઈ હતું જ નહીં.

આંખો દિવસ ઈતિ મૂંઝાયેલી રહી. તેને નક્કી કર્યું કે તે આરવ સાથે હવે કોઈ વાતચીત કરીને સંબંધ આગળ નહીં ધપાવે‌...

આમ એકલતા અનુભવતી ઇતિ સાથે પ્રયાગ વધારે સાથે રહેવાનો પ્રયત્ન કરવાં લાગ્યો. આરવે એની એક ફ્રેન્ડ દ્વારા ઇતિનો ફોન મોકલાવી દીધો. પણ ઇતિએ એની સાથે વાત ન કરી...આમ ધીમેધીમે પ્રયાગે ઇતિને પોતાની દોસ્ત બનાવી લીધી. હજુંયે ઇતિના મનમાં આરવ માટે લાગણી એમ અકબંધ છે પણ પ્રયાગનાં જાળમાં ફસાયેલી ઇતિએ આરવની લાગણી કે એની વાત પણ એકવાર સાંભળવાનો પ્રયત્ન ન કર્યો.

પ્રયાગનો એક ફ્રેન્ડ ડેનિશ અને ઈતિ એ ત્રણનું ગૃપ બની ગયું. આ બાજું આરવ પણ ઇતિની અવગણનાથી થાકીને એનું પણ જોન, વિશ્વા એમ ત્રણનું ગૃપ બની ગયું...ને દિવસો જતાં ગયાં...

ઈતિ તો પ્રયાગને પોતાનો એક સારો દોસ્ત જ માને છે. પણ પ્રયાગ ઇતિને પોતાનાં કરવાનાં પ્રયત્નો કરી રહ્યો છે...એક દિવસ કોલેજમાં ડેનિશ નહોતો આવ્યો‌. એ વાતનો ફાયદો ઉઠાવીને પ્રયાગ એને એક કાફેમાં લઈ ગયો.

પ્રયાગ પર આંધળો વિશ્વાસ રાખતી ઈતિને એ એવી કાફેમાં લઈ ગયો જ્યાં બહાર કાફે ઈન્સાઈડ યંગસ્ટરને પ્રાઈવસી માટે સ્પેશિયલ બનાવેલાં કોર્નર...

ઈતિ પ્રયાગ સાથે અંદર ગઈ. થોડીવાર બહાર બેઠાં પછી પ્રયાગે કહ્યું અહીં બહું ભીડ છે આપણે શાંતિથી અંદર બેસીને કોફી એન્જોય કરીએ..

ઈતિ થોડાં અચકાટ સાથે અંદર ગઈ... આજુબાજુ જોવાં લાગી. તેનાં મનમાં કંઈક મુંઝવણ અનુભવવા લાગી.

ઈતિ : " પ્રયાગ ચાલ આપણે બહાર જ બેસીએ. મને બરાબર નથી લાગતું.."

છતાં પ્રયાગે આમતેમ કરીને એને મનાવી લીધી..બંને જણાં અંદર જઈને બેઠાં... ત્યાં જ એને વેઈટર કંઈ કામ માટે બહાર બોલાવવા આવ્યો‌..ઇતિએ જોયું કે પ્રયાગ ફોન અહીં ભૂલી ગયો છે...એણે અમસ્તાં જ ફોન હાથમાં લીધો. વોલપેપર ઉપર જ બીકીનીવાળી મોડેલનો ફોટો...એ પણ વિચિત્ર પોઝમાં. આજ સુધી એણે ક્યારેય એનો ફોન નહોતો ખોલ્યો. એને થોડું ઠીક ન લાગતાં એણે અંદર ખોલ્યું..‌.પછી એણે ગેલેરી ખોલતાં જ જોયું તો એમાં એક નહીં પણ અનેક મોડેલોનાં અરે કોલેજની કેટલીય છોકરીઓનાં પણ ફોટોગ્રાફ્સ એ પણ અશ્લીલ હરકતો કરતાં...એને યાદ આવ્યું કે આરવનો ફોનમાં એક પણ લોક ન હોવાં છતાં કેટલાં વ્યવસ્થિત બધું હતું.

એની નજર વોટ્સએપ પર ગઈ. એપ પર નંબર લોક છે. એણે બે ત્રણ વાર અંદાજા મુજબ નંબર કર્યા ને ત્રીજો નંબર સાચો પડી ગયો‌‌...

ઇતિએ એક પછી એક મેસેજ જોવા લાગ્યાં. એમાં એક અનનોન નંબર કરીને સેવ કરેલા નંબર પર કરેલાં મેસેજ પર નજર પડી‌‌..." જે હજુ અનસીન બતાવી રહ્યો છે...એ વાક્ય જોતાં જ ઇતિને આંખોમાં અંધારાં આવી ગયાં...આ શું થઈ રહ્યું છે એ વિચારે એ પોતે એ સોફા જેવી જગ્યા પર પછડાઈ પડી....

શું થયું હશે ઇતિને ?? એવું એણે શું વાંચ્યું હશે પ્રયાગનાં ફોનમાં ?? આરવ અને ઈતિ ફરી મળશે ?? મળશે તો કંઈ રીતે ?? આરવ અને ઈતિ આખરે એકબીજા સાથે કોઈ સંબંધ ધરાવે છે કે શું? જાણવા માટે વાંચતા રહો, પ્રતિબિંબ – ૫

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે