પ્રતિબિંબ - 30 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

પ્રતિબિંબ - 30

પ્રતિબિંબ

પ્રતિબિંબ - ૩૦

બધાંની સાથે સંવેગ પણ તૈયાર થઈને નીકળી ગયો... અત્યારે સંવેગને જોઈને એવું લાગી રહ્યું છે કે સંવેગને હવે જાણે કંઈ જ નથી થયું.

બધાં સાથે જવાં નીકળ્યાં અને હવેલીની એ નિતનવેલી સુંદર કોતરીણીને બધાં જોવાં લાગ્યાં.

આરવ અને અક્ષીએ તો જોયેલું હોવાથી એ એક એક વસ્તુઓ અને એની પાછળનું રહસ્ય પણ ખબર છે એ બધાંને કહી રહ્યાં છે. આગળ બધી બચ્ચા પાર્ટી ચાલી રહી છે.

આરવ અને ઈતિ સાથે જ ચાલી રહ્યાં છે. ઈતિ બધાંની હાજરીમાં આરવથી થોડું અંતર જાળવી રહી છે. જ્યારે આરવ તો કદાચ આ પ્રેમનો જંગ જીતવા માટે શું કરીશ શું નહીં કરવાનું ના કેટલાય વિચારો મગજમાં સાથે આઈડિયા વિચારીને આવ્યો હતો... અહીં આવી રીતે સરપ્રાઈઝ રીતે ઈતિ તો ઠીક પણ આખો પરિવાર મળી એકસાથે મળી જશે આવી રીતે એની તો કલ્પના પણ નહોતી અને આજે વણમાગી ખુશી મળી ગઈ.

આરવે એ થોડાં ઓછાં ઉજાશનો ભાગ આવ્યો ત્યાં જ ધીમેથી ઇતિનો હાથ પકડી લીધો.

ઈતિ : " આરવ આ શું કરે છે ?? કોઈ જોઈ જશે તો ?? " ભલે કદાચ ઈતિ પણ આ પકડેલા હાથને કદી છોડવા નથી ઈચ્છતી.

આરવ : " મેં તો તારો હાથ પકડ્યો છે અંધારામાં અને તું તો બધાંની વચ્ચે અજવાળામાં મને હગ કરી હતી એનું શું ?? બધાંને ખબર તો પડી ગઈને ?? તારાં પપ્પા મને રિમાન્ડ પર લેશે તો ?? "

ઈતિ : " મારાં પપ્પા એવાં નથી કંઈ. એ મારા માટે કંઈ પણ કરી શકે...બસ એમને મારાં માટેનું પાત્ર યોગ્ય લાગવું જોઈએ.."

હેયા : " તમે લોકો અહીં ગુસપુસ કરવાં આવ્યાં છો ?? જે જોવાં આવ્યાં છો જોવો ને " કહીને એ અને અક્ષી બે ય હસવા લાગ્યાં. "

અર્ણવ બહું સમજું અને સાથે જ અર્ણવની જેમ થોડો ગંભીર પણ છે. એણે હેયાને કહ્યું, "તને શું થાય છે બંનેને જે કરવું હોય કરવાં દે ને !! પછી તારો વારો પણ આવશે જ હો..."

ઈતિને હંમેશાં નાનપણથી જ અર્ણવ દરેક વસ્તુમાં સાથ આપતો આવ્યો છે...એ જ રીતે આજે પણ આપતાં જોઈને ઈતિ બોલી, " કંઈ નહીં ભાઈ એમને મજા આવે છે તો લેવા દે !! "

આ બધું જ સંવેગ પણ એમની સાથે જ જોઈ રહ્યો છે.. એનાં ચહેરાં અને મન પરની વેદનાને હિયાન સાથે વાતો કરીને ખુશ રહેવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યો છે.

ઈતિનો સંવેગ બાળપણનો એક સારો મિત્ર છે...એને એનાં પ્રત્યે લાગણી પણ છે. એને સંવેગને આમ દુઃખી જોઈને મનમાં થોડું ખરાબ પણ લાગી રહ્યું છે...પણ કોણ જાણે એ આરવ જેવો લગાવ અને હેત કોઈની પર વરસાવી શકતી નથી..અને પોતાની જાતને મહેસુસ પણ અનુભવી શકતી નથી...!!

સંવેગ આજે જાણી જોઈને ઈતિથી વધારે ને વધારે દૂર રહેવા પ્રયત્ન કરી રહ્યો છે જેથી એને વધારે તફલીક ન પડે અને ઇતિની લાગણીઓને પણ ઠેસ ન પહોંચે. એને તો હજું ખબર જ નથી કે ઇતિને પણ સંવેગનાં એનાં તરફનાં પ્રેમની ખબર પડી ગઈ છે.

આખું હવેલીને થોડું આજુબાજુ બધું જ ફરી લીધું. રાજા કૌશલનું રાજ્ય જોવાં જવાનો વિચાર આ ઘટનાં પછી બધાંએ સમજી વિચારીને જ માંડી વાળ્યો.

બધાં હવેલી પર ફરીને પાછાં આવી ગયાં. સંવેગ હજુ પણ એકદમ સામાન્ય છે. કોઈ જ એવી ઘટનાં પણ બની નથી. રાત્રે બધાં ફરી ભેગાં મળીને બેઠાં. અન્વયે ઈતિ અને આરવની હાલ કોઈ જ વાત ન કરવાનું વિચાર્યું કારણ એ કોઈ પણ રીતે અત્યારે સંવેગનાં દિલને ઠેસ નથી પહોંચાડવા માગતો.

જુવાનિયાઓ બધાં અંદર એક મોટાં રૂમમાં ગેમ્સ રમવા માટે પહોંચી ગયાં છે.

લીપી : " ખરેખર આત્મા જતી રહી હોય એવું નથી લાગી રહ્યું ?? સંવેગ એ ઘટનાં પછી એકદમ સામાન્ય છે અને બધાં સાથે હળીમળીને રહી રહ્યો છે પહેલાંની જેમ જ..."

આરાધ્યા : " હા મને પણ એવું જ લાગે છે...પણ એવું કેવી રીતે નક્કી કરી શકીએ કે એનામાં હવે કોઈ આત્માનો વાસ નથી ?? "

અન્વય : " મને થાય છે કે એવું કરી શકાય કે ઈતિ અને આરવને સાથે રહે એવું કરી શકાય... કદાચ એનાંથી આત્મા જો હોય તો કદાચ કોપાયમાન થઈને ફરી એનું સ્વરૂપ દેખાડે. હું ફક્ત મારો વિચાર કહું છું કારણ કે એને કહ્યાં મુજબ પ્રયાગને ઈતિ પસંદ હોવાથી જો ઈતિ બીજાં કોઈની નજીક જવાનો પ્રયત્ન કરશે તો વિશાલની આત્મા ચોક્કસ સક્રિય બનશે..."

આરાધ્યા : " પણ ભાઈ સંવેગ પણ..."

અપૂર્વ : " હા ભાઈની વાત સાચી છે..." કહીને આરાધ્યા મારે તારું થોડું કામ છે કહીને એ અંદર રૂમમાં લઈ ગયો.

આરાધ્યા : " શું થયું તું કેમ મને અહીં લઈ આવ્યો ?? "

અપૂર્વ : " તું એવું કહેવા જતી હતી ને ઇતિની સાથે સંવેગને રાખીએ તો ?? તું બધું જ સત્ય દેખાઈ રહ્યું છે છતાં આંખ આડાં કાન કેમ કરી રહી છે ?? "

આરાધ્યા : " પણ ઈતિ અને સંવેગ પણ એકબીજાને સમજે છે સારાં ફ્રેન્ડ છે..."

અપૂર્વ : " આરાધ્યા, સમજણ, મિત્રતા અને પ્રેમ બધું જ અલગ છે. હવે બધાંની સામે જ સ્પષ્ટ દેખાય છે કે ઈતિ અને આરવ પહેલેથી એકબીજાંને દિલથી ચાહે છે...તો પછી એમની વચ્ચે સંવેગ ?? કેવી રીતે શક્ય છે ?? "

આરાધ્યા : " પણ સંવેગની લાગણીઓનું શું ?? "

અપૂર્વ : " પ્રેમ બંને તરફથી હોવો જોઈએ. આપણે પણ પ્રેમ કર્યો હતો ને એનાં માટેની આપણી જંગ થોડી ઓછી હતી તે કેમ તારાં પપ્પાની ઈચ્છા મુજબનાં છોકરાં સાથે લગ્ન નહોતાં કર્યાં ?? તે આપણાં પ્રેમ ખાતર મારા ફોટા સાથે લગ્ન કર્યાં હતાં...તો પછી આજે તું કેમ આમ કરી રહી છે ?? મને પણ સંવેગ માટે દુઃખ છે..પણ એકતરફી પ્રેમનો મતલબ શું ?? બંનેમાંથી કોઈ ખુશ ન રહે તો શું કરવાનું ?? એકવાર આપણાં ભૂતકાળને યાદ કરી જો...પછી જે હશે તારો નિર્ણય મને મંજૂર હશે..." કહીને અપૂર્વ રૂમમાંથી બહાર નીકળી ગયો...!!

******

નિયતિ : " અન્વય બેટા તારી વાત મને સાચી લાગે છે આવું જ કંઈક કરવું પડે.."

અન્વય : " જો બધું સામાન્ય હોય તો અમે બધાં પણ કાલે અમદાવાદ જવાં નીકળીએ. "

નિમેષભાઈ : " હા સાચી વાત છે... ચાલું દિવસો પણ છે કામનાં અને સંવેગને પણ કામ છે એને એકલાં એવી રીતે મોકલવો બરાબર ન કહેવાય.."

નિયતિ થોડી દુઃખી થતાં બોલી, " એટલે બે દિવસ હર્યુંભર્યું ઘર કરીને બધાં જતાં રહેશો એમ ને ?? હજું તો જાણે પૂરી વાતચીત કરી નથી શકાઈ... મારાં નસીબમાં કદાચ એકલતા જ લખાઈ છે..."

દીપાબેન નિયતિની નજીક આવીને બોલ્યાં, " આવું ન બોલો...અમે તમારી સાથે જ છીએ... કદાચ હવે તો એક નવાં સંબંધે ફરી ફરી મળવા આવવું જ પડશે..."

લીપી : " આન્ટી, અમે તો દીકરી પાછી આવી એની ખુશી સાથે આવ્યાં હતાં પણ આ તો હવે મળતાં સાથે એ પરાઈ થઈ છે એ સાંભળીને અમને વધારે દુઃખ થઈ રહ્યું છે...અમારે તો કાળજાના ટુકડાને કોઈને સોંપવાનો સમય થઈ ગયો છે એવું વિચારતાં પણ કાળજું કંપી જાય છે..."

અન્વય તો જાણે કંઈ બોલી જ ન શક્યો અને સીધો ઉભો થઈને ત્યાંથી બહાર જતો રહ્યો.

ત્યાં જ આરાધ્યા વાતમાં સામેલ થઈને એક નવાં ઉત્સાહ સાથે આવીને બોલી, " ભાભી, આમ ઢીલાં પડશું તો કેમ ચાલશે ?? આપણે પણ એક દિવસ આવ્યાં હતાં ને આ જ રીતે...આ તો દુનિયાની રીત છે‌‌...અને ખાસ ખુશીની વાત તો એ છે કે ઈતિ પોતાનાં મનપસંદ વ્યક્તિ સાથે પોતાની ખુશાલ જિંદગી પસાર કરશે એનાંથી વધારે સારું શું હોય !! "

અપૂર્વ આરાધ્યાની વાત સાંભળીને ખુશ થઈ ગયો કે સ્વાર્થમાં વિચારી રહેલી આરાધ્યા ખરેખર ફરી પહેલાં જેવી બની ગઈ. કારણ કે ઇતિની એ આન્ટી કરતાં એની એક સારી દોસ્ત પહેલાં છે‌. બંને એકબીજા સાથે બધી જ વાત વહેંચી લે છે... કદાચ સંવેગને કારણે થોડાં સમય માટે બંને વચ્ચે એક અભેદ રેખા આવી ગઈ હતી.

અર્ણવને અન્વયે બહાર બોલાવીને ધીમેથી થોડું સમજાવી દીધું. પછી એ મુજબ બધાંએ અંદર આવીને અર્ણવ બોલ્યો, "ચાલો હવે આજે કંઈ નવાં ટાસ્કવાળી ગેમ રમીને...હવે તો આપણે બધાં મોટાં થઈ ગયાં છીએ.."

બધાં ફટાફટ તૈયાર થઈ ગયાં. બધાંની છુપી વાતો એકબીજાંની સામે લાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે... બધાં પોતપોતાનો ટાસ્ક પૂરો કરી રહ્યાં છે ત્યાં જ એક ચીઠ્ઠી ફરી ઉપાડવામાં આવી એ મુજબ ઈતિ બધાંની સામે આરવને કિસ કરવાની છે.

ઇતિને પોતાનો કોલેજનો દિવસ યાદ આવી ગયો એ વખતે તો એણે બેજીજક આ ટાસ્ક પૂરો કર્યો હતો પણ આજે એના પોતાના ભાઈ બહેન સામે થોડું અજુગતું લાગ્યું.

હિયાન : " ચાલો બધાં આંખો બંધ કરી દઈએ...પણ કરવું તો પડશે જ..."

બધાં એમની સામે નાટક કરતાં આંખો બંધ કરીને અધખુલ્લી આંખે જોઈ રહ્યાં છે.

ઈતિ : " ઓ નોટંકીઓ...મને ખબર જ છે તમે બધાં આંખો બંધ કરીને જોઈ રહ્યાં છો... એવું નાટક કરવાની કોઈ જરૂર નથી.." કહીને એણે બાજુમાં બેસેલા આરવને પ્રેમથી ગાલ પર કિસ કરી દીધી. "

સંવેગ જાણે પરિસ્થિતિને સ્વીકારી લીધી હોય એમ એ પણ બધાંની જેમ એમને હેરાન કરવામાં લાગી ગયો. અર્ણવને પ્રયોગ સફળ થયો હોય એવું લાગ્યું. કોઈ અજીબ ઘટનાં ન બની...અર્ણવ ધીમેથી સરકીને બહાર જઈ આવ્યો.

મહેફિલમાં રંગ બરાબર જામ્યો છે ત્યાં જ આરવે નોંધ્યું કે અક્ષીનાં મોબાઈલમાં વારંવાર કોઈનાં મેસેજીસ અને મિસકોલ આવી રહ્યાં છે. અક્ષી વાત પણ નથી કરતી સામે કે કદાચ બધાંની હાજરીમાં મેસેજનો જવાબ નથી આપતી. લગભગ સાડા દસ વાગી ગયાં છે રાતનાં. આરવ બધાંની સામે અક્ષીને કંઈ પૂછવા નથી ઈચ્છતો આથી એણે કહ્યું, " ચાલો થોડો બ્રેક લઈને પછી બધાં ફરી શરું કરીએ..."

બધાંએ હા પાડતાં જ અક્ષી જાણે ઉભાં થવાની રાહ જોઈ રહી હોય એમ ફટાફટ ફોન લઈને બહાર નીકળી... બાકીનાં પણ બધાં રિલેક્સ થવાં રૂમમાંથી બહાર ગયાં. આ બાજું રૂમમાં ફક્ત આરવ અને ઈતિ બંને બેઠાં છે. એ રૂમનો દરવાજો થોડોક સાઈડમાં હોવાથી કોઈને સીધાં કંઈ દેખાય નહીં.

આરવે ધીમેથી ઇતિનો હાથ પકડીને ઇતિને ચહેરાને પોતાની લગોલગ લાવી દીધો. ઈતિ પણ જાણે આરવને પોતાનાથી જરાં પણ દૂર નથી કરવાં ઈચ્છતી એમ જ બંને જણાં પોતાનાં અધરોને લગોલગ અડાડીને આજે ઘણાં દિવસો પછી જાણે અધુરી તરસને પૂર્ણ કરવાં બંને એકબીજામાં ખોવાઈ ગયાં !!

થોડી જ મિનિટોમાં અચાનક અર્ણવનો અવાજ અંદર રૂમમાં આવવાનો આવ્યો કંઈક એ સાથે બંને જણાં સજાગ થઈને મોબાઈલ લઈને વાતો કરતાં બેસી ગયાં.

*****

હિયાને પાણી પીને અંદર આવી રહ્યો છે ત્યાં જ એને એક ખૂણામાં કોઈનાં રડવાનો અવાજ સંભળાયો. ડુસકા રીતસરનાં સંભળાતાં જોઈને હિયાન એ તરફ ગયો...તો અંધારામાં એક ખૂણામાં ઉભેલી એક સ્ત્રીની આકૃતિ હોય એવું લાગ્યું પણ એ કંઈ પણ બોલ્યાં વિના ફક્ત કંઈ સાંભળી રહી હોય એવું એને લાગ્યું. એ ઝડપથી ત્યાં પહોંચી ગયો અને ધીમેથી એને પોતાની તરફ કરી તો એ નવાઈથી એને એકીટશે જોઈ જ રહ્યો !!

ખરેખર વિશાલની આત્માને મુક્તિ મળી ગઈ હશે ?? હિયાને ફરી કોઈ આત્માને જોઈ હશે કે કોણ હશે ?? ઈતિ અને આરવ પોતાની જિંદગી આટલી સરળતાથી ખુશીઓ મેળવી શકશે ખરાં ??

જાણવા માટે વાંચતા રહો, પ્રતિબિંબ - ૩૧

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે...