પ્રતિબિંબ
પ્રકરણ - ૮
આરવ ઇતિને કહીને પાછો હોસ્ટેલમાં ગયો. ઈતિ તો રેડી થઈને જ આવી છે અને આમ પણ થોડી વારમાં લેક્ચર શરૂ થશે. ઈતિને સમજાયું નહી કે આજે એણે કેટલી સરળતાથી આરવને પોતાનાં મનની વાત કહી દીધી...પણ આરવે કેમ વિચારવા માટે સમય માગ્યો હશે ?? એને બીજું કોઈ પસંદ હશે ?? મનમાં એક ખુશી અને શરમનાં શેરડા પાડતી ગુલાબી ચહેરે ઈતિ ક્લાસરૂમમાં પહોંચી.
લેક્ચરનો સમય થતાં બધાં ક્લાસમાં આવવાં લાગ્યાં. આજે એવો દિવસ છે ઈતિ પ્રયાગની જગ્યાએ આરવની રાહ જોઈ રહી છે. એ સાથે જ પ્રયાગ ક્લાસમાં એન્ટર થયો. એને જોતાં જ ઈતિનાં હાવભાવ બદલાઈ ગયાં. એ જાણે જોયું જ ન હોય એમ પોતાનું લેપટોપ લઈને કામ કરવાં લાગી.
ક્લાસમાં ઘણાં લોકોનું ધ્યાન ગયું કે રોજ ઇતિની બાજુમાં આવીને એની લગોલગ બેસનાર પ્રયાગ આજે કંઈ પણ બોલ્યાં વિના સાઈડમાં જઈને બેસી ગયો.
ઇતિની બેન્ચ પર જગ્યા ખાલી રહી છે ત્યાં જ બાજુની બેન્ચમાંથી એરા બોલી, " હેય ઈતિ, હેવ યુ ફાઇટ વિથ પ્રયાગ ?? " કહીને હસવા લાગી.
ઇતિને એનાં પર ગુસ્સો આવ્યો પણ એ કંઈ કહે એ પહેલાં જ આરવ ત્યાં આવીને બાજુની એક બેન્ચમાં બેસી ગયો. ઈતિને ગુસ્સો આવી રહ્યો છે આરવ એની પાસે આવીને કેમ ન બેઠો...થોડી જ વારમાં લેક્ચર શરું થયાં. ક્લાસમાં પૂરા થતાં કેટલાક છોકરાઓ આરવને જોઈને "ઈતિ.. ઈતિ..આઈ લવ યુ "એવું મજાકમાં બોલવાં લાગ્યાં.
પ્રયાગને આ સાંભળીને ગુસ્સો આવી રહ્યો છે પણ એને મનમાં એમ હતું કે આ વાતની જાણ કોઈ કરશે એટલે ઇતિને હર્ટ થશે એટલે એ ફરી આરવ સાથે બોલવાનું બંધ કરી દેશે. ડેનિશે તો બધાંની વચ્ચે કોમેન્ટ પણ પાસ કરી દીધી.
પ્રયાગની નજર ઈતિ પર જ છે કે એ આ સાંભળીને શું કરશે...પણ એનાં આશ્ચર્ય વચ્ચે ઇતિએ કોઈ જ રિએક્શન ન આપ્યું. અને થોડી વારમાં જ જાણે એને કંઈ લાગતું વળગતું ન હોય એમ કામ પતાવીને બધું લેપટોપ બંધ કરીને બેગ લઈને ક્લાસમાંથી નીકળી ગઈ.
આરવ મનમાં ખુશ થઈ રહ્યો છે. એ પણ ક્લાસમાંથી બહાર નીકળ્યો ને પ્રયાગને ફક્ત એટલું કહેવા લાગ્યો, " તારી રાતની મહેનત પર પાણી ફરી ગયું પ્રયાગ ?? "
પ્રયાગ : " આજે તારો દિવસ છે....પણ હું આ ક્યારેય નહીં ભૂલું...પ્રયાગને હારવાની આદત નથી પોતાની જીદ ક્યારેય એ અધૂરી મુકતો નથી...."
આ વાક્ય બોલીને પ્રયાગ પણ બહાર નીકળી ગયો. આરવ પણ હોસ્ટેલમાં આવી ગયો....
*****
રૂમની એક બારી પાસે આરવ ઉભો ઉભો વિચારી રહ્યો છે કે હવે મારે આગળ શું કરવું ?? આરવ ઝેરીલા સાપ જેવો છે એ મરી જાય ત્યાં સુધી પણ ડંખ મારવાનું નહીં છોડે.
આખરે બે દિવસ એમ જ નીકળી ગયાં. પણ આરવે ઇતિને કંઈ જવાબ ન આપ્યો. ઈતિ મનમાં થોડી દુઃખી થઈ. એને મનમાં થયું કે જો આરવને એ પસંદ ન હોય તો જ હજું સુધી જવાબ નહીં આપ્યો હોય ને. પણ એ મારી કેટલી કેર કરે છે એનું મારે શું સમજવું કે પછી એ બધાંને આટલું સારી રીતે રાખતો હશે કે મને એક સારી ફ્રેન્ડ જ માનતો હોય કે પછી એ પણ ગુજરાતી છે એટલે ?? ઘણાં સવાલોને મનમાં લાવીને નિરુતર બનીને એ નિરાશ થઈને પોતાની સામાન્ય જિંદગીમાં આવવાં પ્રયત્ન કરવાં લાગી.
બે દિવસ બાદ આરવના મનમાં ઘણા વિચારો આવવાં લાગ્યાં. તેણે આખરે બહું વિચાર્યા બાદ એક નિર્ણય કર્યો ને તરત જ ઈતિને ફોન કર્યો...!!
*****
એક રેસ્ટોરન્ટમાં આરવ અને ઈતિ પહોંચ્યાં. સાંજનો સમય અને આજે સેટરડે છે.
ઈતિ : " આજે શું છે આરવ ?? તે તો મારી વાત એક્સેપ્ટ કરી નહીં. હવે શું ?? પણ મને એ તો કહે કે તને કોણ ગમે છે ??"
આરવ: " છે એક છોકરી. પણ એ હું તને સમય આવ્યે કહીશ. પણ તું મારી ફ્રેન્ડ તો રહીશ ને ??"
ઇતિને હવે પાકું થઈ ગયું કે આરવ એને પ્રેમ કરતો નથી એને બીજું કોઈ ગમે છે. એ થોડી નિરાશ થઈ ગઈ.
આરવ : " શું થયું ઈતિ ?? તારે બહું રાહ નહીં જોવી પડે. આજે હું તને જે મારી લાઈફ છે એની સાથે મળાવા લાવ્યો છું...તને એ જરૂર ગમશે સાથે મારી પસંદ પણ..અને એને મળીને તું ખુશ થઈશ એ મારી ગેરંટી..."
" જે હોય તે" એમ ઈતિ ઉત્સાહ વિના બોલી. આરવ બોલ્યો, " પણ ચાલ તો ખરી." કહીને ઇતિનો હાથ પકડીને એને અંદર લઇ ગયો...
*******
રેસ્ટોરન્ટમાં એક અલગ સુંદર વ્યવસ્થા છે ત્યાં પહોંચતાં જ આરવ એને ગેટ પાસે પહોંચતાં જ તેની આંખો બંધ કરી દીધી. ને ધીમેથી ઇતિને પકડીને અંદર લઈ ગયો ને ઇતિની આંખો ખોલી. ઈતિ તો આમ જોઈ જ રહી આખો ડેકોરેટેડ રૂમ ને જ્યાં જુઓ ત્યાં એક જ ચહેરો..અરે એક જ એટલે એનો પોતાનો... જ્યાં જુઓ ત્યાં ઈતિ..જ ઈતિ..!!
ઈતિ : " આ શું છે આરવ ?? તું મને કોને મળાવવા લઈ આવ્યો છે ?? અહીં તો કોઈ નથી "
આરવ :" આ અહીં આટલી બધી આયનામાં દેખાય તો છે... એટલાં મોટાં તો એક નહીં પણ દરેક જગ્યાએ એ દેખાય એવી સ્પેશિયલ જગ્યાએ લઈ આવ્યો છું...કેવી લાગી આ જગ્યા એ તો કહે ?? આખાં હોલમાં પ્રતિબિંબ જ પ્રતિબિંબ..."
ઈતિ : " યાર આવું પ્લેસ અહીં હશે વિચારી પણ ન શકાય.. અરીસામાં તો તારાં ને મારાં સિવાય કોઈ દેખાતું નથી તો હવે બોલને હવે આ શું છે મને કંઈ નથી સમજાતું.."
આરવ : " તું ખરેખર બુદ્ધુ છે..." કહીને આરવ ઇતિનો હાથ પકડીને ઘૂંટણિયે બેસી ગયો ને બોલ્યો, " આઈ લવ યુ ટુ ઈતિ મોર ધેન મી...લવ યુ ટીલ માય લાસ્ટ બ્રિથ..." કહીને એક રેડ રોઝ ઈતિનાં હાથમાં આપ્યું. ને બોલ્યો, " કેવી લાગી મારી પસંદ તને ગમી ને ?? ના ગમી હોય તો બદલી દઈશ.."
ઈતિ તો આમ નવાઈથી જોતી જ રહી. પછી બોલી, " તો બે દિવસ સુધી શું કામ કંઈ જવાબ ન આપ્યો ?? "
આરવ : " બસ એવાં વ્યકિતને કારણે કે મને બીક હતી કે આપણો સંબંધ જોઈને એ તને ફરી હેરાન કરવા કંઈ ગતકડું ન કરે..."
ઈતિ : " હું સમજી પ્રયાગને ?? "
આરવ : " હા પછી મેં વિચાર્યું હું શું કામ અમારાં સંબંધને નામ આપતાં અચકાઉં છું...ગમે તે હશે એ તો સુધરવાનો નથી."
ઈતિ : " ના આટલું વિચારતાં બે દિવસ ?? "
આરવ : " નહીં એ તો એ જ દિવસે રાત્રે મેં નક્કી કરી દીધું હતું પણ મારે તને સરપ્રાઈઝ આપવી હતી... અને યાદ છે આજે આપણે ફર્સ્ટ ડે એરપોર્ટ પર મળ્યાં હતા એને એક વર્ષ થયું એટલે મેં આજનો દિવસ પસંદ કર્યો...સોરી બે દિવસ તને રાહ જોવડાવ્યા માટે..."
ઈતિએ હસીને, " હમમમ.." કહીને પ્રેમથી આરવનો કાન મરડ્યો. એ સાથે જ આરવે ઈતિનાં ગુલાબી ખંજન પડતાં એ ગાલ પર એક ચુંબન કરી દીધું...બે જણાં આજે પહેલીવાર એકબીજાંને ભેટીને મિનીટો સુધી એકબીજાનાં આલિંગનમાં વીંટળાઈને એક ગજબનો સંતોષ પામી રહ્યાં છે !!
******
એકાએક કંઈ પડવાનો અવાજ આવ્યો કે બેડ પર સુતેલી ઇતિની આંખ ખુલી ગઈ. ઇતિએ જોયું તો આરવ તેની બાજુમાં જ બેઠેલો છે પણ એ કંઈ વિચારોમાં મગ્ન છે એનાં ચહેરાં પર એક મરકાટ છે કંઈ જાણે ઢગલાબંધ આશાઓ વર્તાઈ રહી છે.
ઈતિ : " આરૂ... શું થયું ?? કેમ આટલો મલકાઈ રહ્યો છે ?? "
આરવે તો કંઈ સાંભળ્યું જ નહીં. ઈતિએ બે ત્રણ વાર બોલાવ્યો પણ આરવે કંઈ જવાબ ન આપ્યો...આખરે ઇતિએ ઉઠીને આરવને બે હાથથી પકડીને ઢંઢોળી નાખ્યો...
આરવ : " શું થયું ઈતિ ?? કેમ આમ કરે છે ??"
ઈતિ : " અરે હું તને ક્યારની બોલાવું છું ક્યાં ખોવાયો છે ?? "
" એક મજાની સાંજને મારી ઈતિ સાથે એ પહેલાં પ્યારનો એકરારનો અહેસાસ... કેવું સરસ હું એ પળોને યાદ કરીને એને ફરીથી માણી રહ્યો હતો. ને તું છે ને મને એમાંથી એક ધક્કો મારીને બહાર લાવી દીધો...મારે તો હજું એ યાદ કરીને આજનાં દિવસ સુધી પહોંચવું હતું...પણ તું યાર...!!"
ઈતિ : " સોરી યાર !! મને શું ખબર ?? એને હવે આપણે બંને સાથે મળીને આગળ વધારીશું પણ પહેલાં એ અવાજ શેનો આવ્યો હતો એ તો જોઈએ..."
આરવ સફાળો ઉભો થયોને બધે જોવાં લાગ્યો. બહાર રહેલાં એ કુંડામાં ફરી એ જ બે માસ્ક રાખેલાં છે જે આરવે કોલેજ કેમ્પસમાં અને ઈતિનાં ઘરમાં જોયાં હતાં. આરવે એને હાથમાં લીધું ને જોયું તો બંને એક સરખાં જ છે. આરવે એ ચહેરાને ધ્યાનથી જોવાનો પ્રયાસ કર્યો. ત્યાં જ એણે માસ્કની પાછળ લગાવેલી એક ચીટ જોઈ...
એણે આજુબાજુ નજર કરી કંઈ દેખાયું નહીં. એ ફટાફટ અંદર આવી ગયો. ને એ ચીટ વાંચવા લાગ્યો..." ડૉન્ટ ફરગેટ...આઈ એમ હીઅર...અરાઉન્ડ યુ..."
ઈતિ ત્યાં આવીને બોલી, " આરવ આ તો પેલું માસ્ક તને ક્યાંથી મળ્યું ?? "
આરવે જવાબ આપ્યો પણ એ ચીટને છુપાવી દીધી એ વિશે કંઈ કહ્યું નહીં...
ઈતિ : " હવે અહીં પણ ?? કોણ કરી રહ્યું છે આ બધું ?? મને બહું ડર લાગે છે. આપણે ચાલને ઈન્ડિયા જતાં રહીએ..."
આરવે ઇતિને હગ કરીને કહ્યું, " હજું હું છું ને તારી સાથે !! તને કંઈ નહીં થાય...આપણે એક્ઝામ પતાવીને જ જઈશું...એક મહિનામાં...જે પણ હોય હું શોધીને જ રહીશ.."
ઈતિ : " આપણાં ગુજરાતમાં આપણે આવું બધું સાંભળ્યું છે પણ અહીં પણ આવું બધું કોણ કરી શકે ?? અહીં તો કોઈને કોઈને પડી પણ નથી હોતી. બાજુમાં કોણ રહે છે એ પણ ખબર નથી હોતી...તો કોણ હશે જે આપણી જિંદગીમાં પ્રોબ્લેમ લાવવાં મથી રહ્યું છે ?? "
" હોય અમુક લોકો જે રાજ્ય બદલે, દેશ બદલે, કે દુનિયા બદલે પણ એમનો સ્વભાવ ન બદલાય..."
ઈતિ : "એક કામ કરીએ આપણે સ્ટડી માટે બેસી જઈએ એટલે માઈન્ડ પણ બીજે જશે ને એક્ઝામની તૈયારી પણ થશે...આમ જ રહેશે તો આટલાં ત્રણ વર્ષનાં સારા ગ્રેડિગ છેલ્લે આપણને કંઈ હેલ્પ નહીં કરી શકે..."
આરવ મનમાં ચાલી રહેલા એ વિચારોને હાલ વિરામ આપીને સ્ટડી કરવાનો ઇતિનો વિચાર એને યોગ્ય લાગતાં એણે માસ્કને એક કપબોર્ડમાં મુકીને લેપટોપ લઈને ઇતિની સાથે બેડ પર ગોઠવાઈ ગયો...
કોણ હશે આ માસ્કવાળી વ્યક્તિ ?? એ કોઈ વ્યક્તિ જ હશે કે અસાધારણ શક્તિ ?? ફિલાડેલ્ફિયા છોડતાં એમની મુશ્કેલીઓ દૂર થઈ જશે ?? આરવ અને ઇતિનાં પરિવારજનો કોણ હશે ?? અવનવાં રોમાંચ, રોમાન્સ, ને રહસ્યોને જાણવાં માટે વાંચતા રહો, પ્રતિબિંબ – ૯
બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે