પ્રતિબિંબ
પ્રકરણ - ૨૪
મંદિરે પહોંચતાં જોયું તો શિયાળાનાં કારણે બહું અંધકાર છે.કોઈ બહાર દેખાતું નથી. ઈતિ અને આરવ બંને મનોમન એકબીજાંની નજીક આવવાં ઈચ્છી રહ્યાં છે. પણ આટલાં બધાંની વચ્ચે એકબીજા સાથે વાત કરવી પણ શક્ય નથી. અરે ! એકબીજા સામે જોવું પણ અઘરૂં છે.
અન્વયે જોયું મંદિર તો અત્યારે બંધ છે. સામેની સાઈડમાં એક નાનકડું મકાન છે ત્યાં નાનકડી લાઈટ ચાલું દેખાય છે. આ બધાંને જોતાં જ એક છોકરો ઝડપથી એમની તરફ દોડીને આવ્યો.
નજીક આવતાં ખબર પડી કે આ તો છોટુ જ છે જે કાલે એમનો બધું બતાવવા લઈ ગયો હતો એ મહારાજનો દીકરો.
છોટુ : " અંકલજી ચાલો.બાબજી ત્યાં છે. ધ્યાનમાં બેઠેલા છે. પણ બે વ્યક્તિ બેઠેલા છે એ જાય એટલે તમને બોલાવું. ત્યાં સુધી અહીં ઓટલે બેસો. "
અર્ણવ : " છોટુ આટલાં વહેલાં ઉઠી જાય છે ?? "
" ના આમ તો પાંચ વાગે ઉઠું પણ ચાચીએ કહ્યું હતું એટલે તમને બોલાવવા વહેલો ઉઠી ગયો થોડો."
અન્વય : " સારું અમે બધાં અહીં બેસીએ છીએ. "
ઇતિને આરવ પોતાની નજીક આવી ગયો હોવાથી એક અજબ શાંતિ અનુભવાઈ રહી છે. આરવનાં મનમાં હજું પણ ઘણાં સવાલો ગુમરાઈ રહ્યાં છે. બસ એક મોકો મળી જાય એની રાહ જોઈ રહ્યાં છે.
થોડીવાર બેઠાં પછી જોયું કે બે વ્યક્તિઓ એ ઘરની બહાર નીકળી. બંનેએ પેન્ટ શર્ટ પહેરેલાં છે. પણ ચહેરો ઢાંકેલો છે મોંઢા પર માસ્ક પહેરેલાં છે...
એમની ચાલ પરથી એક સ્ત્રી અને એક પુરુષ હોય એવું દેખાઈ રહ્યું છે. પણ એ લોકો જાણે કોઈથી નજર ન મિલાવવા ઈચ્છતાં હોય એમ ઝડપથી આજુબાજુ જોયાં વિના ફટાફટ બહારની તરફ ગયાં અને એક કારમાં બેસીને રવાનાં થયાં.
અપૂર્વ : " આ કારનો નંબર કદાચ મને ખ્યાલ છે ૪૫૬૭ હતો..."
આરાધ્યા : " હા, તો શું ?? "
" આ કાર હોટેલ આલિશાનમાંથી આપણે નીકળ્યાં ત્યારે હું કાર પાર્કિંગમાંથી નીકળતો હતો ત્યારે વચ્ચે મુકેલી હતી...આથી મને એ નંબર યાદ રહી ગયો..."
અપૂર્વ : " પણ એ કોણ હશે ?? મને જાણે એ લોકો કોઈ વિચિત્ર કેમ લાગી રહ્યાં છે...!! "
અન્વય : " હશે આપણે શું ?? કોઈ આપણાં જેવાં પણ હોય ને...તફલીકવાળા..."
એટલામાં જ છોટુ એમને બોલાવવા આવ્યો. છોટુએ બધાંને ત્યાં જવાં કહ્યું પણ બધાંને અંદર જવાં નહીં મળે.
કોણ જશે એની બધાં અંદરોઅંદર ચર્ચા કરવા લાગ્યાં.
છોટુ : " કોણ અંદર જશે એ નક્કી તમારે નથી કરવાનું બાબા કરશે...એ ચહેરા જોઈને જેટલાને કહેશે એને જ અંદર બેસવા મળશે બાકી બધાંએ બહાર રહેવું પડશે."
"ચહેરા પરથી કેમ ખબર પડે ??" અર્ણવ બોલ્યો.
છોટુ : " ચાલો તમે જરાં પણ ચિંતા કર્યાં વિના..."
બધાં અંદર પહોંચ્યાં. આખું કાલીમાતાનું સ્થાનક સાથે જ હનુમાનજીની મૂર્તિ...અડધો રૂમ બધી જાતભાતની વસ્તુઓથી ભરેલો છે. ચુંદડીઓ, હાથનાં કડા, માળાઓ, અરે લટકતી ખોપરીઓ પણ છે. મહારાજની આંખો બંધ છે. જેવાં બધાં અંદર પ્રવેશી ને ઉભાં રહ્યાં કે તરત જ મહારાજ બોલ્યાં, આમાંની એક સૌથી મોટી વ્યક્તિ, જેનાં જમણાં ગાલ પર તલ હોય એ વ્યક્તિ, જેની જમણી સાથળ પર એક લાખુ છે એ, જેની ડાબી આંખ પર તલ છે એ , અને જેને જમણાં પગમાં પાંચ આંગળી છે એ, જેનાં બ્લુ કલરનાં વસ્ત્રો છે એ...આટલી વ્યક્તિઓ અહીં આ બિરાજો.
સૌથી મોટી વ્યક્તિ તરીકે અન્વય, જમણાં ગાલ પર અપૂર્વને તલ છે, જમણી સાથળ પર લાખુ આરવને, ડાબી આંખ પર તલ ઇતિને, જમણાં પગમાં પાંચ આંગળીઓ અર્ણવને અને બ્લુ કલરનાં ટોપમાં આરાધ્યા છે. છ જણાં સાઈડમાં આવી ગયાં. બાકીનાં બધાં બહાર આવી ગયાં.
હિયાન : " આરવ તો આપણાં પરિવારનો સભ્ય નથી એને શું કામ બેસવાનું કહ્યું હશે સમજાયું નહીં..."
હેયા : " હશે ભાઈ...જેણે આંખો બંધ કરીને આટલું બધું કહ્યું એ કંઈક તો જાણકાર હશે ને !! એને એમનેમ તો કંઈ નહીં કહ્યું હોય ને ?? "
લીપી : " હા ચાલો...આપણે બહાર બેસીએ..."
બધાં અંદર બેસીએ ગયાં. અમસ્તા જ ઈતિ અને આરવ બંને એકબીજાની પાસે આવી ગયાં.
મહારાજે કંઈ પણ પૂછ્યાં વિના કહ્યું, " સૌથી વધારે ભયજનક સ્થિતિમાં આ દીકરી છે જેની ડાબી આંખ પર તલ છે. બધાંને ખબર પડી કે એ તો ઇતિની વાત કરી રહ્યાં છે."
અન્વય : " આપ આપનાં જ્ઞાન પરથી જણાવી શકશો કે બધું સત્ય શું છે જેને અમે પ્રત્યક્ષ અનુભવી રહ્યાં છીએ. અમને હજું સુધી કોઈ ચોક્કસ કડી મળતી નથી. અમારું એક કરેલું આયોજન જાણે અમે પોતે નહીં પણ હવે કોઈ અમને અહીં સુધી દોરી લાવ્યું છે એવું લાગી રહ્યું છે હવે...આપ કંઈ ઉપાય બતાવો."
મહારાજ : " હું આપને સવિસ્તાર વાત કરું છું.... કદાચ બધાંને બધી જ વસ્તુઓ ખબર નહીં હોય પણ જેમ આગળ વાત કરીશ એમ કડીઓ મળતી જશે... હું જે વાત કરીશ એને તમે બધાં જ પ્રત્યક્ષ અનુભવ કરી શકશો. તમને એવું જ લાગશે કે જાણે આ અત્યારે વર્તમાનમાં તમારી આસપાસ જ બની રહ્યું છે. તમે પણ એમાંનો એક ભાગ છો."
ઈતિ તો રીતસરની ગભરાવા લાગી છે...એ તો હમણાં રડી જ પડશે એમ એની આંખો ભરાઈ આવી છે એ પોતાનાં આંસુને જાણે પરાણે રોકવા મથી રહી છે.
મહારાજ : " ચાલો બધાં જ હવે તૈયાર થઈ જાવ અને આંખો બંધ કરી દો...તમને ઘણાં સવાલો હશે કે કેમ મેં આટલાં વ્યક્તિઓને જ અહીં રહેવા કહ્યું એનાં પણ સવાલો ધીમેધીમે તમને આપોઆપ મળી જશે..." એમ કહીને એમણે છોટુને બૂમ પાડુને કહ્યું , "બાકીનાં લોકો ઈચ્છે તો અહીં બેસી પણ શકે છે મંદિરે અને ઈચ્છે તો પોતાનાં સ્થાનકે નિશ્ચિત બનીને પરત ફરી શકે છે...."
બધાં આંખો બંધ કરીને બેસી ગયાં...આરવે ઈતિનો એક હાથ પકડીને એનામાં બધું જ સાંભળવાની હિંમત આપી.
મહારાજે પોતાની વાત બંધ આંખોએ જ શરૂં કરી....!!
*******
એક અમાસ્યાનો દિવસ જ્યારે તમારો પરિવાર આજથી બાવીસ વર્ષ પહેલાં એ દીદાર હવેલી જેનાં પાછળના ભાગમાં એક રાશિ નામની દીકરીની આત્માને મુક્તિ અપાવી હતી...સાથે એ પરિવાર સાથે જોડાયેલા બધાં જ સભ્યોની આત્મામુક્તિ પામી હતી. આથી એ પછી બધાંએ ખુશ થઈને એક નિરાંતનો શ્વાસ લીધો હતો. અને એણે લ નામથી શરૂ થતી વ્યક્તિનો દેહ કાયમ માટે છોડી દીધો.
જે ડૉ.નયનનું એક નાટ્યાત્મક રીતે લોકો દ્વારા મૃત્યુ બતાવવામાં આવ્યું હતું પણ એવી ખતરનાક વ્યક્તિ હતી જે પોતે પોતાને થયેલા એ એઈડ્સ નામનાં જીવલેણ રોગને પણ માત આપીને સદીઓ સુધી પોતાનું નામ જીવંત રાખવા મથી રહ્યો હતો. એ પોતે એક સક્ષમ કુશળ ડૉક્ટર હતો પણ બસ હવસ એ એનાં લોહીમાં રગેરગે વહી રહી છે.
એને જ્યારે ખબર પડી હતી કે હવે તેની બિમારી એવાં સ્ટેજે પહોંચી ચૂકી છે કે હવે કદાચ એનું બચવું અશક્ય જ છે આ રોગ સાથે લોકો વર્ષો સુધી જીવતાં જ હોય છે પણબસ એની હવસ કે જેને એ પોતે કાબુમાં નહોતો રાખી શકતો. રોગની જાણ થયાં બાદ પણ એ કેટલાંય લોકો સાથે નાજાયજ સંબંધો રાખતો ને કેટલાંય લોકોને તેનો ફેલાવો કરતો..અંતે જ્યારે એને થવાં લાગ્યું કે એ હવે બહું ઓછાં સમયનો મહેમાન છે ત્યારે એ એક યોજના બનાવી સત્વરે અમેરિકા પહોંચ્યો.
ત્યાં એણે આધુનિક મેડિકલ અને ટેક્નોલોજીનો અને વળી પોતાની ડીગ્રીનો સદુપયોગની જગ્યાએ દૂરપયોગ કર્યો. એણે પોતાનાં જનીનિક દ્રવ્યો કે રંગસૂત્રોનો ખાસ રીતે સમન્વય કરીને એને એક આધુનિક પદ્ધતિથી તૈયાર કરવામાં આવ્યો. એમાં એ પોતે બે વાર પ્રાયોગિક ધોરણે સફળ થતાં એ અમુક ઈન્જેક્શને બધું સચોટ પદ્ધતિની મદદથી એ ફરી એકવાર ભારત આવ્યો.
બાહ્ય રીતે બધાંને એવું જ હતું કે એની પત્ની પણ રાજીખુશીથી નયન સાથે લગ્નગ્રંથિથી જોડાઈ છે પણ હકીકતમાં એ સુંદર, ભણેલી, દેખાવડી છોકરીનું નામ પાયલ હતું. એ નાનપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી ચૂકી હતી. પરંતુ એની માતાએ એકલે હાથે એને ઉછેરીને ભણાવી ગણાવીને મોટી કરી હતી. એક દિવસ એની માતાને એક્સિડન્ટ થતાં એ પોતે એને હોસ્પિટલમાં લઈને આવી. એક્સિડન્ટ બહું ગંભીર હતો ડૉક્ટરોની ટીમે મહેનત તો બહું કરી એમને બચાવી ન શક્યા.એણે પાયલ પાસેથી એક પણ રૂપિયો ન લીધો એની માતાની સારવાર માટે. આ રીતે એને એક રીતે પોતાની જીવનભરની રૂણી બનાવી દીધી. પણ આ દરમિયાન નયને એની આદત મુજબ પાયલ સાથે નિકટતા કેળવી દીધી.
પાયલની મમ્મીએ પણ આડકતરી રીતે પોતે એકલાં છે અને પાયલનુ આ દુનિયામાં એમના સિવાય કોઈ નથી. પહેલાં તો એમની મમ્મીએ કહેલાં છેલ્લાં શબ્દોમાં પાયલની દેખરેખ રાખવાનું કહ્યું હતું પણ એ તો એને મંજૂર નહોતું પણ પાયલ એકલી થતાં જ એણે પાયલનાં ઘરે જવાનું ને બસ પોતાની શારીરિક ઈચ્છાઓ પૂર્ણ કરવાનું શરૂ કરી દીધું.
આ કારણે પાયલને પોતાનાં મામાનાં ઘરે જવામાં પણ ધમકાવીને ના પાડવા મજબૂર કરી દીધી... કંટાળીને પાયલે કહ્યું કે એ પોતાની સાથે લગ્ન કરે પણ એ આવાં કોઈ બંધનમાં બંધાઈને પોતાની જાતને કોઈ પીંજરામાં સીમિત નહોતો કરવાં ઈચ્છતો..પણ આખરે એક દિવસ એને ખબર પડી કે એને એઈડ્સ નામનો જાતીય રોગ થયો છે...
એણે એક દિવસ આવીને પાયલને પ્રેમપૂર્વક કહ્યું, " પાયલ મને મારી ભુલ સમજાઈ છે.. હું તારી સાથે લગ્ન કરવા ઈચ્છું છું. "
એકલતામાં અટવાતી પાયલે નયનનો બદઈરાદો ન પારખી શકી અને એણે હા પાડી દીધી. બીજાં જ દિવસે નયન અને પાયલે સાદાઈથી લગ્ન કરી દીધાં..એ જ્યારે ઈચ્છે ત્યારે પાયલનાં સુંદર દેહ સાથે મજા કરી લેતો એમાં પાયલની મરજી હોય કે ન હોય !!
બસ થોડાં જ દિવસોમાં એણે એક બાળક માટેની ઈચ્છા વ્યક્ત કરી..એને નયન પર વિશ્વાસ આવી ગયો કે એ હવે આવું કંઈ નહીં કરતો હોય એટલે પાયલે હા પાડી દીધી.
નયને પાયલની અમૂક તપાસ અને રીપોર્ટ કરાવીને કહ્યું કે એને થોડી તફલીક છે એને માતા બનવામાં તફલીક પડશે..આથી ચોક્કસ થોડાં ઇન્જેક્શનો અને પ્રોસિજર કરવાથી એ માતા બની શકશે.
દરેક સ્ત્રીનું માતા બનવાનું એક સપનું હોય એમ એ તૈયાર થઈ ગઈ. એ મુજબ નયને પોતાનો વંશવેલો પોતાની જેમ જ એની હવસને આગળ વધારે એ માટેનું કામ કરી દીધું.
પાયલને ખબર પડી કે એ પોતે હવે માતા બનવાની છે એ ખુશી એણે વહેંચવા નયનને ફોન કર્યા. પણ બે દિવસ સુધી કોઈ ફોન કે સંપર્ક નહીં...આખરે બે ત્રણ દિવસ પછી ન્યુઝપેપરમાં છપાયેલા ફોટો સાથે એને નયનનાં અપમૃત્યુની જાણ થઈ. પણ એને હજું સુધી એ ખબર નહોતી કે નયનને એઈડ્સ છે...એ પોતે પણ કહીએ તો નયન દ્વારા એક બળાત્કારનો ભોગ બની હતી પણ લગ્ન બાદ પણ એ સુધર્યો નહીં અને પોતાનાં એ કુકર્મો શરું રાખતાં એ નામોશી ભર્યા મોતને ભેટ્યો...આ બધું જોઈને એણે મનોમન એક નિર્ણય કર્યો....!!
શું હશે પાયલનો નિર્ણય ?? અંદર બેઠેલા લોકોનો એ ભુતકાળ સાથે શું સંબંધ હશે ?? સંવેગ એ આત્માની જાળમાંથી મુક્ત બની શકશે ખરાં ?? જાણવા માટે વાંચતા રહો, પ્રતિબિંબ - ૨૫
બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે....