Pratiksha - 43 books and stories free download online pdf in Gujarati

પ્રતિક્ષા - ૪૩

ઉર્વાને આ જ કાર લઈને ડ્રાઈવ પર જવું હતું એટલે આ કાર અંદર પાર્ક ના કરતા તેને બહાર જ રાખી મૂકી તે ઘરના દરવાજા તરફ દોડી ગઈ. તે ડોરબેલ વગાડવા જતી જ હતી કે ઉર્વિલનું મનસ્વીને પોતાની તરફ ખેંચતું દ્રશ્ય જોઈ તે ત્યાં જ ઉભી રહી ગઈ. રેવાની પ્રતિક્ષાના દિવસોની આખી ફિલ્મ તેની આંખોની સામેથી એક જ ક્ષણમાં પસાર થઇ રહી.

તે ઉભી રહી એક ક્ષણ એ વિચારવા માટે કે અત્યારે અંદર જવું કે નહિ અને વળતી જ ક્ષણે તે હળવેથી દરવાજાને ધક્કો મારી રહી. દરવાજો ખુલ્લો જ હતો ને ઉર્વા રીતસર તેના પગરવનો અવાજ સંભળાઈ તે રીતે હોલમાં એન્ટર થઇ. મનસ્વીનું તરત જ ધ્યાન ગયું ઉર્વા પર ને તે શરમાઈને ઉર્વિલથી દુર ખસી ગઈ. ઉર્વાને જોતા જ ઉર્વિલના ચેહરાનો રંગ ઉડી ગયો. મનસ્વી માટે આવેલો ઉન્માદ પણ ત્યાંજ સમાપ્ત થઇ ગયો. તેની આંખોમાં રહેલો નશો ધીમે ધીમે ગ્લાનીમાં ફરતા ઉર્વા જોઈ રહી હતી ને પછી તે મનસ્વી સામે જોઈ રહી.
“હું આવું હમણાં...” મનસ્વી તરત જ શરમાઈને દાદરા ચડતી પોતાના રૂમમાં જતી રહી.
“મનસ્વીને શું થયું?” ઉર્વા ઉર્વિલની સામે જોઈ પૂછી રહી. જાણીજોઈને તે ઉર્વિલની ગ્લાનીઓ વધારી રહી હતી.
“ઉર્વા... તું વિચારે છે એવું... નથી...” ઉર્વિલને શબ્દો નહોતા જડતા.
“વોટ! આટલા ઓકવર્ડ કેમ ફિલ કરો છો ઉર્વિલ!! શી ઈઝ યોર વાઈફ. ઇઝન્ટ શી? તમારી વચ્ચે જો નિકટતા ના હોય તો તકલીફ છે! જે કંઈ મેં જોયું એ તો બહુ નોર્મલ જ કહેવાય...” ઉર્વાના અવાજમાં કડવાશ ઘૂંટાઈ રહી હતી.
“આજે એનો બર્થડે... આ સાહિલ...” ઉર્વિલને નહોતું સમજાઈ રહ્યું કે તે શું સમજાવે અને કઈ રીતે સમજાવે!!
“ઉર્વિલ, જસ્ટ રીલેક્સ. મારી હાજરીમાં તમે એવો દેખાડો કરવાની કોઈ જ જરૂર નથી કે તમારા ને મનસ્વી વચ્ચે સબંધો ખરાબ છે! મેં મેસેજીઝ જોયા તમારા...” ઉર્વા ઉર્વિલની નજીક આવી બોલી ને પછી તેની આંખમાં જોઈ ઉમેર્યું, “બહુ પરફેક્ટ પાર્ટનર મળી છે ને તમને!! એટલે જ રેવા યાદ નથી આવીને તમને? તમારે જોઈતું હતું તે તો બધું જ મળી ગયું તું ને તમને!”
ઉર્વિલ નજર ફેરવી ગયો. ઉર્વિલને છેલ્લા કેટલાક દિવસોમાં પોતાના મોકલેલા બધાજ મેસેજ યાદ આવી ગયા. કેટલી મોટી ગેરસમજણ ઉભી થઇ ગઈ હતી તે તે સમજી ચુક્યો હતો પણ તે બોલવાનો કોઈ જ અર્થ રહેતો નહોતો. તેને મનોમન પોતાના અને સાહિલ બન્ને પર ગુસ્સો પણ આવ્યો કે આવા જ સમયે રોમાન્ટિક થવાનું સુજ્યું તું... ઉર્વાને કહેવું હતું હજુ ઘણું પણ તે સંયમ રાખી ગઈ ને ત્યાંજ દરવાજેથી રચિત દાખલ થયો.
“હેય જવું નથી?” અંદર આવતા વેંત ઉર્વિલ ઉર્વાને સાથે જોઈ થોડાક અસમંજસમાં રચિત બોલ્યો.
“હા જઈએ. બટ આઈ એમ થીંકીંગ આપણે ચારેય સાથે જઈએ ને!!” ઉર્વા ઉર્વિલને સંભળાવતી હોય તેમ બોલી
“શું?” રચિતનું મગજ બહેર મારી ગયું. ઉર્વા શું કહી રહી છે! ચારેય સાથે જઈએ એટલે?? ઉર્વિલ, મનસ્વીને લઈને ડ્રાઈવ પર? શું કામ!! પણ અત્યારે ઉર્વાને કંઇજ પૂછવું કે કહેવું યોગ્ય નહોતું લાગતું.
“હા! મનસ્વીનો બર્થડે છે ને આજે. તો આપણે એટલીસ્ટ આઈસ્ક્રીમ પાર્ટી તો કરીએ... આવશો ને ઉર્વિલ?” ઉર્વાની આંખોમાં નવું તોફાન રમતું હતું.
“હા જઈએ...” ઉર્વિલે કંઇજ વધુ વિચાર્યા વિના સીધી હા કહી દીધી.
“ગ્રેટ હું મનસ્વીને બોલાવી આવું.” કહેતી ઉર્વા સીધી મનસ્વીના રૂમમાં ચાલી ગઈ.

***

“અંદર આવું?” પરાણે મનસ્વીને છેડતી હોય તેવા અવાજમાં ઉર્વાએ દરવાજો ખોલી પૂછ્યું.
“હા આવી જા ને...!” મનસ્વીનો ચેહરો હજુ સુધી લાલ જ હતો.
“ઓહો! ચાંદ પર ડાઘ હોય એ તો ખબર છે, ચાંદ પર ગુલાલ પણ હોય એ આજે ખબર પડી!!” ઉર્વા અંદર આવીને મનસ્વી સામે જોતા બોલી.
“ઉર્વા...!” મનસ્વી હજુ સંકોચાતી હતી.
“મેડમ, બર્થડે પાર્ટી તો આપો...” ઉર્વા કહી રહી.
“અરે ચોક્કસ બોલને! ક્યાં જવું છે પાર્ટીમાં? કાલે જ લઇ જાઉં...” મનસ્વીને પણ હવે યાદ આવ્યું કે તેનો બર્થડે હતો.
“કાલે વાલે નહિ હા. આજે ને અત્યારે જ...” ઉર્વા મસ્તીથી બોલી. મનસ્વીને પણ ઉર્વાનું આવી રીતે હક જતાવીને મસ્તી કરવું ખુબ જ ગમી રહ્યું હતું.
“અત્યારે ક્યાં જઈશું બોલ?” મનસ્વી પણ વ્હાલથી બોલી.
“આઈસ્ક્રીમ ખાવા... ચાલો તમે ફટાફટ તૈયાર થઇ જાઓ હું નીચે રાહ જોઉં છું.” ઉર્વા ફટાફટ બોલી ગઈ.
“અરે પણ ઉર્વિલ...?” મનસ્વીને ધ્યાન ગયું કે ઉર્વિલને તો પૂછ્યું નથી.
“એ પણ આવે છે સાથે. વાત થઇ ગઈ. તમે, હું, રચિત ને એ... ચાલો હવે જલ્દી આવો.” ઉર્વા આંખ મીચકારી બોલી અને મનસ્વીને તૈયાર થવા દેવા માટે રૂમની બહાર નીકળી ગઈ.

તે નીચે આવી તો તેણે જોયું કે ઉર્વિલ કંઇક વાંચવાનો ડોળ કરી રહ્યા હતા અને રચિત મોબાઈલમાં કંઇક કરી રહ્યો હતો. આ ઓકવર્ડનેસ જોઈ ઉર્વા મનમાં જ હસી પડી.
“રચિત, મનસ્વી હમણાં આવે જ છે. તું તારી કાર અંદર રાખી દે અને બીજી કાર સ્ટાર્ટ કર ત્યાં હું આવી.” ઉર્વા કહી રહી. રચિત ફક્ત ગરદન હલાવી બહાર જતો રહ્યો.
“તમારે તૈયાર નથી થવું?” બહુ સહજ ભાવે ઉર્વાએ પૂછ્યું ને ઉર્વિલ છોભીલો પડી ગયો.
“શું?”
“એટલીસ્ટ ચેન્જ ટીશર્ટ... તમારી જ વાઈફનો બર્થડે સેલીબ્રેટ કરવા જઈએ છીએ.” ઉર્વાની વાતમાં સહજતા પણ આંખોમાં તોફાન હતું.
“હા, હું જસ્ટ ચેન્જ કરી લઉં છું હમણાં.” પોતાના ડલ થયેલા ટીશર્ટ સામે જોઈ ઉર્વિલે કહ્યું ને પછી તરત જ થોડીવાર પહેલાની વાત યાદ આવતા ઉમેર્યું, “ઉર્વા મને એક્સ્પ્લેઇન તો કરવા દે...”
“તમને એવું કેમ લાગે છે કે તમારે મને કોઈ જ એક્સ્પ્લાનેશન આપવું જોઈએ?” ઉર્વા ઉર્વિલની નજીક આવી બોલી.
“હું નથી ઈચ્છતો કે તું મને નફરત કરે ઉર્વા. ખાલી સાંભળી તો લે...” ઉર્વિલ વિનવણી કરી રહ્યો.
“શું? નફરત!! કોણ છો ઉર્વિલ તમે?? પોતાની જાતને એટલી ઈમ્પોર્ટન્સ આપવાની જરૂર તમને લાગે છે? ઉર્વિલ નફરત કરવા માટે પણ કોઈ સંબંધ બંધાવો જોઈએ ને! હું કોઈ રેન્ડમ વ્યક્તિ પાછળ નફરત કરવા પાછળ એટલો સમય આપું એવું તમને લાગે છે?” ઉર્વા બિલકુલ શાંત અવાજે ઉર્વિલની લાગણીઓના ફુરચા બોલાવી રહી હતી.
“બેટા...!” ઉર્વિલ તૂટી રહ્યો હતો.
“આઈ એમ સોરી ડીયર પણ તમે તો મારા ધિક્કારને લાયક પણ નથી...” ઉર્વા કહી રહી. ઉર્વિલથી આગળ એકપણ શબ્દ સાંભળવાની તૈયારી નહોતી. તે ચુપચાપ દાદરા ચડી પોતાના રૂમમાં કપડાં બદલવા જતો રહ્યો.

***

રઘુને મુંબઈ જતું રહેવું હતું ફરીથી પણ કોઈરીતે તે મુંબઈ જવા પોતાને તૈયાર કરી જ નહોતો શકતો. તેની સાથે આવેલા માણસોને તેણે પરત જવાના રવાના કરી દીધા હતા પણ પોતે શાની રાહ જોઈ રહ્યો હતો તે કદાચ તે પોતે પણ નહોતો જાણતો. બપોરે ઉઠી અમદાવાદના રસ્તાઓ પર તે સાંજ પડવા સુધી રખડ્યા કરતો હતો. કંઇક શોધતો હતો કદાચ એ. પણ શું? તેને પણ નહોતી ખબર.

પોતાનું બધું જ કામ મુંબઈમાં પોતાના વિશ્વાસુ માણસોને આપી પોતાને ડીસ્ટર્બ ના કરવાનો હુકમ તે આપી ચુક્યો હતો. તેને ઈચ્છા થતી હતી બંદિશને ફોન કરવાની પણ ફોન ઉપાડીને વાત શું કરવી તે તેને ખબર નહોતી પડતી. તે પોતાની ટફ ઈમેજ બંદિશ સામે પણ બનાવેલી જ રાખવા માંગતો હતો. તે સાથે તેને બીક પણ હતી કે જો બંદિશ સાથે વાત થઇ ગઈ તો તેના મનની ગડમથલ તે તરત જ સમજી જશે. અત્યારે પણ તે હોટલના રૂમમાં બેસી ટીવી જોઈ રહ્યો હતો. ત્યાંજ તેનો ફોન રણક્યો. અજાણ્યો નંબર જોઈ તેના હોઠો પર સ્મિત રમી ગયું. એક ક્ષણ તેણે વિચાર્યું કે ફોન કાપી નાંખે પણ તે તરસી પણ તો રહ્યો હતો બંદિશના નશામાં ડૂબવા માટે!!
“હેલ્લો...” હળવાશથી રઘુ બોલ્યો.
“ક્યાં જઈને હવે સજદા કરવા પડશે અમારે કે તમને અમારાથી વાત કરવાની ખ્વાહીશ થાય?” બંદિશનો એજ રૂપાની ઘંટડી જેવો અવાજ માદકતાના નશા સાથે સંભળાયો.
“અરે બંદિશ! કામમાં હતો.” રઘુએ જે પહેલું વાક્ય મનમાં આવ્યું તે કહી દીધું.
“કયું કામ? અહીંનું બધું જ કામ અશ્વિન સંભાળે છે. ત્યાં તમારી પાસે છોકરાઓ છે નહિ. તમે હજુ મુંબઈ આવ્યા નથી. અમદાવાદનું એકપણ કામ તમે હજુ સુધી લીધું નથી. તો ક્યાં કામમાં આટલા વ્યસ્ત હતા?” બંદિશના અવાજમાં ભારોભાર મસ્તી હતી.
“અરે થોડો પોતાનો ટાઈમ જોઈતો તો....” રઘુ ભોંઠપ અનુભવતા બોલ્યો.
“પોતાનો ટાઈમ અચ્છા? પેલું બધી મોટી મોટી ચોપડીઓમાં બતાવે એવું? સેલ્ફ લવ, મી ટાઈમ... એવું જ કહેવાય ને એને?” બંદિશ રીતસરની મજા લઇ રહી હતી
“શું તું ય તે?? બોલ કેમ ફોન કર્યો છે!” રઘુ વાત ટાળવા માંગતો હતો અને પોતાના મનોભાવ પણ છુપાવવા માંગતો હતો.
“જેના હોવાથી અમારી ઝીંદગીના અસ્ત થયેલા સુરજ જેવી જવાની પણ પરોઢિયું થઇ જતી હોય, એમને ફોન કરવા માટે પણ હવે બહાના જોઇશે??” બંદિશ હજુ પણ રઘુના મજા જ લઇ રહી હતી. તેના શબ્દે શબ્દમાં તેનું દબાયેલું હાસ્ય વર્તાતું હતું.
“બંદિશ બસ ને યાર!” રઘુ હવે ચિડાઈ રહ્યો હતો.
“સારું ચાલો છોડી દીધું બસ... ઉર્વાને મળવા જવાના હતા તમે? ગયા હતા? કંઈ વાત થઇ?” બંદિશે પણ વાત ફેરવી નાંખી.
રઘુ એક ક્ષણ વિચારી રહ્યો કે બંદિશને બધું કહેવું કે નહી...
“હા, એટલે એણે જ ઉર્વિલનો જીવ બચાવ્યો હતો. અને તે નથી ઈચ્છતી કે હું હમણાં ઉર્વિલને કંઇજ કરું...” રઘુને આથી વધુ કંઈ કહેવું યોગ્ય ના લાગ્યું.
“તો તમે શું વિચાર્યું છે?” બંદિશનો અવાજ ફર્યો.
“ઉર્વિલ અત્યાર સુધી આ દુનિયામાં હતો ત્યારે પણ મને ફરક નહોતો પડતો. થોડાક દિવસ વધારે જીવી લેશે તો ય વાંધો નથી મને...”
“ફરક નથી પડતો?? કઈ રીતે ફરક નથી પડતો? એ નફરત તારા લોહીમાં ઘોળાયેલી છે. તારા સ્પર્શમાં, તારા વર્તનમાં બધે જ ઉર્વિલની હયાતી અસર કરતી રહી છે. હવે આખરે જયારે તું ઉર્વિલને મારી શકે છે ત્યારે શું કામ પીછે હઠ કરે છે? મારી નાંખ એને. ખતમ કરી નાખ આખો કિસ્સો જ એના નામનો...” બંદિશ બેકાબુ થઇ રહી હતી.
“ઉર્વાનું બોલેલું પાળવું મારી ફરજમાં આવે છે. હું નથી ઈચ્છતો કે એને કોઈજ તકલીફ પડે...!” રઘુ મક્કમ અવાજે બોલ્યો.
“કોલાટેરલ ડેમેજથી તું ક્યારથી ડરવા લાગ્યો રઘુ? કંઇક પામવા માટે થોડી ઘણી નુકસાની થાય તો તને ક્યારથી તકલીફ થવા લાગી...? આટલો બધો ક્યારે બદલી ગયો તું? તારી માન્યતાઓ સમુળગી બદલી નાંખી તે તો...”બંદિશનો આક્રોશ શબ્દ પ્રતિ શબ્દ વધી રહ્યો હતો.
“બંદિશ આ એ વ્યક્તિ નથી જેને કંઇક જીતવા માટે હું હેરાન થવા દઈ શકું. આ ઉર્વા છે...! રેવાનો અંશ છે.” રઘુથી બોલાઈ ગયું અને તેની સાથે જ તેનું મસ્તિષ્ક બે દાયકા પાછળ ચાલ્યું ગયું. તેને પોતાના જ અવાજના ભણકારા થઇ રહ્યા.
“હું જીતવા માટે કોઇપણ હદ સુધી જઈ શકું છું... જેને દાવ લગાવવા પડે લગાવી શકું છું. કુમુદને પણ...”
રઘુને પોતાનો જ અવાજ ડરાવી ગયો. તેને ત્યાં એ.સી રૂમમાં પણ ઘુટન અનુભવાઈ. તેનું માથું સખત પકડાઈ ગયું.
“રઘુ... કેટલી હદે રંગ બદલતા આવડે છે તને...” બંદિશ હજુ ખીજમાં જ હતી. તેને રઘુની સમેછેડે થયેલી હાલતનો અણસાર નહોતો.
“બંદિશ હું ૨ મીનીટમાં ફોન કરું.” રઘુ પોતાને સંભાળવાની હાલતમાં નહોતો. તેને પેનિક અટેક આવી રહ્યો હતો એટલે તેણે તરત જ ફોન કાપી નાંખ્યો.

***

કારમાં ઉર્વા ડ્રાઈવ કરી રહી હતી, મનસ્વી તેની પડખે બેઠી હતી અને ઉર્વિલ રચિતની સાથે પાછળની સીટમાં બેઠો હતો. ઉર્વાને થોડીવાર પહેલા સુધી ગુસ્સો હતો પણ કારનું સ્ટેરીંગ વ્હીલ હાથમાં આવતા તે પણ મોજમાં આવી ગઈ હતી.
“આપણે આઈસ્ક્રીમ ખાવા ક્યાં જઈ રહ્યા છીએ?” કારમાં વાગતું મ્યુઝીક ધીમું કરતા મનસ્વીએ પૂછ્યું.
“જુઓ અમદાવાદના રસ્તાઓ તો મને ખબર નથી બહુ. આપણે જસ્ટ જઈએ આ રસ્તે. આઈસ્ક્રીમ દેખાશે ત્યાં ઉભી રાખી દઈશું ગાડી...” ઉર્વા નીષ્ફીકરાઈથી બોલી. ઉર્વિલને તરત જ રેવા નજર સામે તરવરી રહી.
“આ રસ્તે લઇ લે. ત્યાં આઈસ્ક્રીમ મળી જશે. રીવરફ્રન્ટ છે...” રચિત ડાબા હાથ તરફ આવતો વળાંક બતાવતા બોલી રહ્યો.
ઉર્વાએ તરત જ તે બાજુ કાર વાળી ને થોડે આગળ જતા જ આઈસ્ક્રીમની લારી પાસે કાર રોકી.

“વાઉ ધેટ્સ સમ પ્લેસ...” રાતની ચાંદનીમાં અદભુત દેખાતા રીવરફ્રન્ટને જોઈ ઉર્વા બોલી રહી.
“હા, અમદાવાદની વિખ્યાત જગ્યાઓમાંથી એક છે. સાબરમતી નદી છે આ...” ઉર્વિલને પણ લાગ્યું કે તેને કંઇક બોલવું જોઈએ એટલે તે બોલ્યો.
“હા સાબરમતી નદી છે પણ પાણી નર્મદા કેનાલમાંથી આવે છે.” મનસ્વીએ વાત આગળ ચલાવી.
“નર્મદા?? એટલે રેવા...?” ઉર્વાએ ઉર્વિલ સામે અછ્ળતી નજર નાખી મનસ્વીને પૂછ્યું.
“હા, નર્મદાનું બીજું નામ રેવા જ છે ને!! રેવા નદીના જ પાણી ભર્યા છે અહિયાં...” મનસ્વીને જે ખબર હતી તે તેણે કહી દીધું.
“રેવાને જ હંમેશા આવવું પડે છે કોઈક સુધી પહોંચવા... કે કોઈકના અધૂરા પાણી પુરા કરવા...” ઉર્વા કહી રહી. ઉર્વિલ આડું જોઈ ગયો
“આપણે આઈસ્ક્રીમ ખાવા આવ્યા છીએ એ તો ખાઈએ...” રચિત વાત વધે નહિ એટલે વચ્ચે જ બોલી પડ્યો.
“હા તો મારા માટે બોમ્બર...” ઉર્વા પણ તરત જ પોતાનો સુર ફેરવી કહી રહી.
“મારા માટે રાજભોગ કેન્ડી.” મનસ્વી પણ કહી રહી.
“હા તો ચાલો હું ઓર્ડર આપી આવું.” રચિત બોલ્યો.
“અરે ઉર્વિલ અંકલને પણ સાથે લેતો જા...” ઉર્વા અંકલ પર ભાર આપતા બોલી. રચિતે તેને આંખથી જ પૂછ્યું કે શું કામ? પણ ઉર્વાએ કોઈ જવાબ ના આપ્યો. રચિતને ત્યાં જ યાદ આવ્યું કે રેવાની ડાયરી વિષે તે તેને અત્યારે પૂછી શકે છે. અને આનાથી બેટર ચાન્સ પણ નહિ મળે.
“હા ચાલો ને ઉર્વિલ.” રચિતે ઉર્વિલને કહ્યું ને બન્ને ત્યાંથી થોડે દુર લારી વાળા પાસે ચાલી ગયા.

“અચ્છા મેં તમને કોઈ બર્થડે ગીફ્ટ તો આપ્યું નહિ...” રચિત ઉર્વિલના જતા જ ઉર્વા બોલી
“એવું કંઈ હોતા હશે?” મનસ્વી લાડમાં બોલી.
“આને બર્થડે ગીફ્ટ કહી શકાય કે નહિ એ તો ખબર નહિ પણ કંઇક નક્કી કર્યું છે... એટલે તમે કંઇક પૂછવાનું છે... એટલે કંઇક કહેવાનું છે...” ઉર્વા સાવ ધીમે ધીમે પોતાની વાત કહી રહી.
“અરે આટલું શું અચકાય છે? બોલને શું વાત છે?” મનસ્વી તેની સામે જોઈ પૂછી રહી.
“હું પી.જી તરીકે ઓર તમારી ફેમીલીના નાનકડા હિસ્સા તરીકે તમારી સાથે રહી શકું?”

***

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED