પ્રતિક્ષા - ૪૪ Darshita Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રતિક્ષા - ૪૪

“અચ્છા મેં તમને કોઈ બર્થડે ગીફ્ટ તો આપ્યું નહિ...” રચિત ઉર્વિલના જતા જ ઉર્વા બોલી
“એવું કંઈ હોતા હશે?” મનસ્વી લાડમાં બોલી.
“આને બર્થડે ગીફ્ટ કહી શકાય કે નહિ એ તો ખબર નહિ પણ કંઇક નક્કી કર્યું છે... એટલે તમે કંઇક પૂછવાનું છે... એટલે કંઇક કહેવાનું છે...” ઉર્વા સાવ ધીમે ધીમે પોતાની વાત કહી રહી.
“અરે આટલું શું અચકાય છે? બોલને શું વાત છે?” મનસ્વી તેની સામે જોઈ પૂછી રહી.
“હું પી.જી તરીકે ઓર તમારી ફેમીલીના નાનકડા હિસ્સા તરીકે તમારી સાથે રહી શકું?” ઉર્વા આટલું જ બોલી ને મનસ્વી હરખાઈ રહી.
તે આટલું જ તો ઈચ્છતી હતી કે તેના સુનકાર ભરેલા ખાલી ઘરમાં કોઈક કલરવ બનીને આવે.
“આનાથી સારી કોઈ જ બર્થડે પ્રેઝન્ટ ના હોય ઉર્વા...!” મનસ્વી તેના બન્ને ગાલ પર હાથ રાખી રહી.

“ઉર્વિલ એક કામ હતું...” આઈસ્ક્રીમ વાળાને ઓર્ડર આપીને તરત જ રચિતે વાત ઉપાડી.
“હા બોલો ને.” ઉર્વિલને મનમાં તો થયું કે આ હવે કયો નવો બોમ્બ ફોડશે.
“મારે રેવાની બધી ડાયરીઓ અને લેપટોપનું એક્સેસ જોઈએ છે.” રચિત બોલ્યો. ઉર્વિલને મનમાં પાક્કું થઇ ગયું કે આ કોઈક નવું સળગતું પ્રકરણ શરુ થશે હવે. તે પળવાર પોતાની જ ઝીંદગીની ડાર્ક કોમેડી પર હસી રહ્યો ત્યાં જ આઈસ્ક્રીમ વાળાના અવાજથી તેનું ધ્યાન તે તરફ ગયું.
“હા એ તો એના ફલેટે પડ્યા છે. બોલને શું કામ હતું?” રચિતના હાથમાંથી બે આઈસ્ક્રીમ કેન્ડી લેતા ઉર્વિલે પૂછ્યું
“થોડાક સવાલના જવાબ છે જે ખાલી એ પાનાંઓમાં જ કેદ છે.” રચિતે કહ્યું ને પછી ઉર્વિલ તરફ ઉભા રહી ઉમેર્યું, “ઉર્વા સાથે વાત થઇ ગઈ છે. તેણે જ કીધું હતું તમને પૂછવાનું...”
“હા તો ઘરે પડી છે ચાવી. ત્યાં જઈને આપી દઉં.” ઉર્વિલે કહ્યું. ઉર્વા જો પોતે સહમત હોય રચિતને ડાયરી અને લેપટોપ આપવામાં ઉર્વિલને પણ શું વાંધો હોય. તેને મન થયું રચિતને આ વિષે આગળ પૂછવાનું પણ વળતી જ પળે તેને વિચાર આવ્યો કે જાણીને પણ શું કરી લેશે આ બધું. વિધાતા પણ ગજબની કોમેડી લખી રહ્યા હતા તેની લાઈફમાં અને તે સાક્ષી બનીને જોવા સિવાય કંઇજ કરી શકે તેમ નહોતો અત્યારે.
તે પોતાના જ વિચારોમાં ગુંચવાયેલો હતો જયારે તેણે મનસ્વીને ઉર્વાના ગાલ પર હાથ રાખતા જોઈ.
“ભગવાન પણ આ ખબર નહી કઈ જાતની મજાક કરે છે!! આ જ માંગ્યું હતું મેં આખી ઝીંદગી... મળી પણ ગયું બધું જ પણ આ રીતે...!” ઉર્વિલ ધીમેથી પોતાની જાતને જ કહી રહ્યો અને મનસ્વી ને ઉર્વા ઉભા હતા ત્યાં પહોંચી ગયો.

”શું વાત છે! બન્ને બહુ જ ખુશ દેખાઈ રહ્યા છો!!” ઉર્વીલથી પૂછ્યા વિના ના રહેવાયું.
“ઉર્વા મને કેવું સરસ ગીફ્ટ આપ્યું આજે...!” મનસ્વી ખુશીથી કહી રહી.
“અચ્છા શું?” રચિત પણ આવતાવેંત પૂછી રહ્યો.
“મેં તેને પૂછ્યું હતું કે તેને ફરી મુંબઈ પાછુ ના જવું હોય તો આ ઘરે એને રહેવું ગમશે કે નહિ. અને તેણે ફાઈનલી આજે હા પાડી...” મનસ્વી કારણ જણાવી રહી.
“વાઉ ધેટ્સ... ગ્રેટ...” રચિત થોડો સંકોચાઈને બોલ્યો.
“ચાલો મનસ્વીને પણ સારી એવી કંપની રહેશે હવે ઘરમાં...” ઉર્વિલને તો ઘણું બધું કહેવું હતું પણ તે આટલા જ શબ્દો વિચારી શક્યો.તે મનોમન પરિસ્થિતિઓનો આભારી થઇ રહ્યો કે આવી રીતે તો આવી રીતે પણ તેની દીકરી એટલીસ્ટ તેની સાથે તો રહેશે. રેવાના ગયા પછી ફાઈનલી બાપની ફરજ નિભાવી તો શકશે.

***

રઘુનો ફોન કપાતાં જ બંદિશ થોડીવાર સુધી ફોનની બંધ થતી સ્ક્રીન જોઈ રહી. તે બરાબરની ધૂંધવાઈ હતી. તેને ઈચ્છા થતી હતી ફરીથી બધું જ ઘા કરવાની પણ કુમુદની સ્ટ્રીક્ટ સૂચનાઓ હતી કે કોઇપણ સંજોગોમાં આવી રીતે મગજ ગુમાવવાનો નથી. બંદિશ પોતાની જાત પર માંડ કાબુ રાખતા બુમ પાડી રહી.
“કુમુદ.... કુમુદ અહિયાં આવ.”
“હમણાં આવી.” બહારના દુરથી જ કુમુદનો અવાજ આવી રહ્યો ને બંદિશ શાંતિથી પોતાના પલંગ પર પગ ચડાવીને બેસી ગઈ
એક મિનીટ પણ નહિ વીતી હોય ને કુમુદ હાજર થઇ ગઈ રૂમમાં.
“બોલ શું હતું?” પલંગના કિનારે બેઠક લેતા કુમુદે પૂછ્યું.
“રઘુ... રઘુ...” બંદિશના અવાજમાં ધ્રુજારી હતી. તે સાફ રીતે પોતાની નહોતી કહી શકી રહી.
“રઘુ નું શું?” કુમુદ પણ જાણવા માંગતી હતી.
“પેલી રાં... ની દીકરીને મળવા ગયો હતો.” બંદિશનો ધ્રુજતો અવાજ ગુસ્સામાં ઘૂંટાતો હતો.
“બંદિશ... કેટલી વાર કહેવાનું કે પોતાની જાત પર કંટ્રોલ રાખતા શીખ...? ૩ વર્ષ લાગ્યા છે તને રઘુની ઝિંદગીમાં આટલે સુધી પહોંચતા... તું ભૂલી જાય છે કે જો તું રેવાને સંપૂર્ણપણે સ્વીકારતી ના હોત તો તું એની ઝીંદગીમાં હોત જ નહિ...” કુમુદ ટેકો લઈને બેઠક લેતા બોલી.
“તો હું શું કરું? જોયે રાખું આ બધું જ? પેલા માં ને હવે દીકરી...? રઘુ શું બોલ્યો ખબર પણ છે તને?” બંદિશ લગભગ રડવા જેવી થઇ ગઈ હતી.
“કહે જોઈ શું કીધું એણે?” કુમુદનો અવાજ બિલકુલ શાંત હતો
“કહે છે ઉર્વાનું બોલેલું પાળવું એની ફરજમાં આવે છે. ઉર્વાને તકલીફ થાય એવું એ કંઇજ ના કરી શકે... ઓળખતો પણ નથી એ પેલી છોકરી ને... છતાં ય એના માટે એ બધું જ કરી શકે છે...!” બંદિશની આંખો ગુસ્સામાં લાલ થઇ રહી હતી. તેના ભીનાશ ભળી રહી હતી.

કુમુદ જવાબમાં ફક્ત ફિક્કું હસી રહી. તેની આવી પ્રતિક્રિયા જોઈ બંદિશનો ગુસ્સો સતત વધી રહ્યો હતો.
“શું હસે છે તું? તને કંઇજ અસર નથી રહી આ બધું જોઇને કે સાંભળીને?? કુમુદ એ તારો ભાઈ હતો. તારો ભાઈ એક છોકરી માટે... નહિ નહિ કાલની આવેલી છોકરી માટે... જેને એ ૧૬ વર્ષથી નથી મળ્યો એવી છોકરી માટે જવાબદાર ફિલ કરે છે... પણ તારા માટે નહોતો કરતો!! તું ભૂલી ગઈ ૧૬ વર્ષ પહેલા શું થયું તું એ? કઈ જાતની માણસ છે તું??” બંદિશ ઉકળી રહી હતી.
“તું મને કહે છે બંદિશ?? એ મારો ભાઈ છે... ૨૦ વર્ષની હતી હું જયારે મીરાંરોડના મારા પાંજરામાં આગ લાગી ત્યારે એને લઈને ભાગી હતી. હજુ પણ અડધી રાતે જાગી જાઉં છું હું જયારે પણ એ ઘટનાઓ યાદ આવે છે મને. ૮ જ વર્ષનો હતો રઘલો...” કુમુદનો અવાજ ઊંડાણમાંથી આવવા લાગ્યો. તેની આંખો સામે ફરીથી એ જ મીરાંરોડનું પાંજરું આવી ગયું હોય તેવું લાગતું હતું.
“તને ખબર છે? ત્યારે એક પાંજરામાં ચાર છોકરીઓ રાખવામાં આવતી. માંડ ૪૦ રૂપિયા ભાવ આવતો તો ત્યારે મારો અને ઘરવાળીને ૧૫ રૂપિયા ભાડું આપવાનું રહેતું. મારા બાજુના જ પલંગ પર માલાદીદી રહેતા હતા. એ પાંજરામાં આવી ને ત્યારથી જ મને તો તેની માયા લાગી ગઈ હતી. સવાર હોય કે સાંજ મારા મોઢે દીદીનું જ રટણ રહેતું... આ રઘલો દીદીનો જ દીકરો હતો. ૧૪ વર્ષની હતી હું... આવડોક એવડો હતો મારો રઘલો. ત્યારથી ભાઈ માન્યો તો... તને શું લાગે છે એ કાલની આવેલી છોકરી માટે એની બહેનને ભૂલી જાય એ મારાથી સહન થાય? મને તકલીફ ના થાય? હું એટલે જ તો જંપીને બેસવા ના દઈ શકું ને એને... ના માફ કરી શકું ને એને... એ મારો રઘલો છે. એના પર પહેલો હક મારો છે...” કુમુદ ભૂતકાળની શેરીઓમાં ભટકી રહી હતી.

***

ઘરે પહોંચીને ઉર્વા કારમાંથી ઉતારવા જ જતી હતી કે રચિતે હાથ પકડી તેને રોકી લીધી. મનસ્વીએ ત્રાંસી નજરે તે જોઈ લીધું.
“મારે ફ્રેન્ડના ઘરે જવાનું છે. ઇફ યુ ડોન્ટ માઈન્ડ ડ્રોપ કરવા આવી શકીશ?” ઉર્વાના રોકાતા જ તે પૂછી રહ્યો. મનસ્વીને કહેવું હતું કે ત્યાંજ રોકાઈ જાય પણ તે રચિતના હાથ પકડવાના અંદાજથી સમજી ચુકી હતી કે રચિત ને ઉર્વાંનો પર્સનલ સમય જોઈતો હતો એટલે તે કંઇજ બોલ્યા વિના કારથી ઉતરી ગઈ.
“મનસ્વી હું મૂકી આવું રચિતને?” ઉર્વા ભોળાભાવે પૂછી રહી.
“અરે એમાં પૂછવાનું હોય કંઈ? મૂકી આવ તું તારે...” મનસ્વી પણ સહજ ભાવે કહી રહી.
“પણ આપણા ઘરે ઓલરેડી એક્સ્ટ્રા રૂમ છે. રચિત તને ઠીક લાગે તો...” ઉર્વીલ તેને કહેવા ગયો પણ મનસ્વીએ તેને વચ્ચેથી જ અટકાવી દીધો ને પોતે કારની નીચે ઉતરી ગઈ.
“હું રેવાના ઘરે જઈશ ઉર્વિલ હવે...” મનસ્વીના ઉતરતા જ રચિત સાવ ધીમેથી બોલી રહ્યો જેથી મનસ્વી સાંભળી ના જાય.
“ઓહ!” ઉર્વિલને સમજાયું નહિ અહીં શું રીએક્ટ કરવું એ...
“તો ચાવી?” રચિતે પૂછ્યું.
“હા... ઘરમાં પડી છે હું જરા લઈ આવું...” ઉર્વિલ કારમાંથી નીકળવા ગયો.
“સાંભળો, મનસ્વીને ખબર ના પડે એમ લઇ આવજો ને કંઇક બહાનું વિચારી રાખજો.” રચિત આછું હસીને બોલ્યો ને ઉર્વિલ કારની બહાર નીકળી ગયો.
“અચ્છા તમે કઈ બાજુ જાઓ છો?” ઉર્વિલ ખોટું ખોટું કંઇક ચાવી લેવા જવાનું બહાનું કરવા માટે પૂછી રહ્યો.
“પ્રહલાદ નગર બાજુ...” રચિત જવાબ આપી રહ્યો.
“હા તો હજુ તો અઢી જ વાગ્યા છે. હું એક ચાવી આપું એ મારા ફ્રેન્ડને પહોંચાડી દેજો ને...” ઉર્વિલને અત્યારે એ જ યાદ આવ્યું ને તેણે કહી નાંખ્યું.
“ચાવી? અત્યારે? અઢી વાગ્યા છે...” મનસ્વીએ કહ્યું.
“હા તો સાહિલ જાગતો જ હશે. એ બાજુ જ જાઓ છો તો આપતા આવો ને. હું નંબર વોટ્સેપ કરું.” ઉર્વિલ ખોટેખોટું ચલાવી રહ્યો હતો.
“હા!” રચિતને ગુસ્સો પણ આવતો હતો ને હસવું પણ આવતું હતું. ઉર્વિલ એક બહાનું પણ સરખું ના શોધી શક્યો. એક નાનું અમથું જુઠાણું પણ ના બોલી શક્યો.
રચિતના હા કહેતા જ ઉર્વિલ તરત અંદર ચાલ્યો ગયો.
“હું અડધી પોણી કલાકમાં આવી જઈશ.” સહેજ ખચકાટ સાથે ઉર્વાએ કહ્યું. આમ આટલી રાતે બહાર રહેવું મનસ્વીને કેવું લાગી રહ્યું હશે તે તેનો તાગ નહોતી મેળવી શકતી.
“અરે, તારો ટાઈમ લે આરામથી. શાંતિથી મૂકી આવ રચિતને. કોઈ જ ઉતાવળ નથી.” આટલું કહી તેણે હસીને ઉમેર્યું, “આમ પણ ગુજરાત બહુ જ સેફ રાજ્ય છે.”
ઉર્વા પણ જવાબમાં હસી પડી ને ત્યાંજ ઉર્વિલ ચાવી લઈને આવી ગયો.
“આ ચાવી!!” ઉર્વિલ રચિતના હાથમાં ચાવી આપતા બોલ્યો ને તરત જ રચિત ઉર્વા બન્નેને બાય કહી નીકળી પડ્યા.

***

કારના ત્યાંથી પસાર થતા જ મનસ્વી દરવાજા તરફ જવા ચાલી ગઈ. ઉર્વિલ એક ક્ષણ ત્યાં જ ઉભો રહ્યો. પોતાના મનમાં ચાલતી દુવિધાને એક નજર નીરખી રહ્યો ને પછી તરત જ મનસ્વીની નજીક જઈ તેનો હાથ પકડી તેને રોકી તેને પોતાની નજીક ખેંચી રહ્યો.
“શું કરો છો ઉર્વિલ?” આમ પાર્કિંગ પાસે ઉર્વિલનું આમ નજીક ખેંચવું મનસ્વીને હેબતાવી રહ્યું.
“કંઇક બાકી રહી ગયું હતું. એ જ પૂરું કરું છું...” ઉર્વિલની આંખોમાં શરારત ઉતરી આવી. પણ ઉર્વિલ પોતે જ જાણતો હતો કે આ શરારત પણ તેને કઈ હદે ગીલ્ટ આપી રહી હતી.
“ઉર્વિલ થોડીક તો શરમ તો કરો...” મનસ્વી તેનાથી છૂટવાનો પ્રયાસ કરતા બોલી.
“મારા જ ઘરમાં તને અડવામાં શાની શરમ?” ઉર્વિલે પોતાની પકડ વધુ મજબુત કરી.
“ઉર્વિલ રાતના અઢી વાગ્યા છે... કોઈ જોઈ જશે તો? છોડો મને...” મનસ્વી મીઠી મૂંઝવણ અનુભવી રહી હતી.
“રાતના અઢી વાગ્યા છે. અત્યારે તારા ક્યાં કાકા જાગતા હશે આપણને જોવા માટે. અને... જોતા પણ હોય તો શું થઇ ગયું??” ઉર્વિલ મનસ્વીને કમરથી ખેંચી વધુ નજીક લઇ આવ્યો. મનસ્વી ફરી તેના ગાલ પર ઉર્વિલના શ્વાસ અનુભવતી બેહાલ થતી રહી.
“ઉર્વિલ... અંદર ચાલો.” મનસ્વી ફરી પોતાને છોડાવાનો પ્રયાસ કરતા બોલી.
“હા ચાલ અંદર જઈએ.” ઉર્વિલ એક જ જાટકે તેને દુર કરતા બોલ્યો. મનસ્વીને આ વર્તન સમજાયું નહિ. તે બસ પ્રશ્ન ભરી આંખે તેની સામે જોઈ રહી. ઉર્વિલના ચેહરા પર કાતિલ સ્મિત રમી ગયું. વળતી જ પળે તેણે ફરી મનસ્વીની કમરમાં હાથ નાંખી તેને બન્ને હાથમાં ઉંચકી લીધી.
“ઉર્વિલ શું કરો છો આ?” મનસ્વીનો અવાજ અનાયસ જ ઊંચકાઈ ગયો.
“પડોશીઓ આવીને જવાબ આપશે આમાં તો હું શું કરું છું એનો...” ઉર્વિલ હસતા હસતા બોલ્યો.
“ઉર્વિલ...” મનસ્વી શરમાતા શરમાતા બોલી. ને ઉર્વિલ તેને તેમજ ઉચકીને ઘરની અંદર લઇ ગયો.

***

(ક્રમશઃ)