Pratiksha 42 books and stories free download online pdf in Gujarati

પ્રતિક્ષા - ૪૨

“ચાલો મારે નીકળવું છે.” ઉર્વિલને સંભળાવતા હોય તેમ મયુરીબેન બોલ્યા પણ ઉર્વિલે કંઈ પ્રતિક્રિયા આપી નહિ.
“ઉર્વિલ...” મયુરીબેન ફરી જોરથી બોલ્યા.
“વાંધો ના હોય તો હું મૂકી જાઉં તમને??” ઉર્વા સિફતથી પૂછી રહી.
“ના ના, તારે આવવાની કોઈ જ જરૂર નથી. ઉર્વિલ આવશે મુકવા.” મયુરીબેન સહેજ મોઢું બગાડીને બોલી રહ્યા.
“હું ક્યાંય નથી આવવાનો. જેને જવું હોય જાતે જઈ શકે છે...” ઉર્વિલે મયુરીબેન સામે નજર સુદ્ધા કર્યા વિના પોતાનો અંતિમ નિર્ણય કહી દીધો. મનસ્વીને લાગ્યું કે વાત વણસી જશે પણ અત્યારે વચ્ચે બોલવું એ બળતામાં ઘી હોમવા જેવું હતું.
“સારું હું રીક્ષામાં ચાલી જઈશ.” મયુરીબેનને બહુ જ ખરાબ લાગી રહ્યું હતું.
“પણ હું મૂકી જાઉં છું ને... આઈ રીયલી ઇન્સીસ્ટ પ્લીઝ.” ઉર્વા ફરીથી પૂછી રહી.
“હા મમ્મી, રીક્ષામાં જવા કરતા ઉર્વા તમને મૂકી આવે તો સારું ને... તમને આમ પણ કમરમાં તકલીફ રહે છે.” મનસ્વી કહી રહી.
મયુરીબેનને ઉર્વા સાથે જવાની જરાપણ ઈચ્છા નહોતી પણ છતાંય તેમને લાગ્યું કે ઉર્વા સાથે જવાથી તેને થોડીક ખરી ખોટી સંભળાવવાની તક મળી જશે. ઉર્વિલને પોતાનાથી દુર કર્યાનો આક્ષેપ તે તેના પર એકલામાં મૂકી શકશે એટલે તે તૈયાર થઇ ગયા.
“સારું છોકરી, ચલ મૂકી જા મને.” મયુરીબેનની તોછડાઈ હજુ યથાવત જ હતી.
“ઉર્વા નામ છે મારું.” ધીમા પણ મક્કમ અવાજે ઉર્વાએ સીધું કહી દીધું. મયુરીબેન તો સમસમી રહ્યા પણ ઉર્વિલના હોઠ પર નાનકડું સ્મિત રમી ગયું.

***

“મનની વાત મનમાં રાખવાથી અકળામણ વધતી જાય... દાદી” મેઈનરોડ પર કાર આવતા જ ઉર્વાએ વાતનો દોર પકડ્યો ને દાદી શબ્દ પર ખાસ ભાર મુક્યો.
“એટલે?” મયુરીબેન હજુ શબ્દો ગોઠવી રહ્યા હતા તેને સંભળાવવા માટે.
“કંઈ નહિ દાદી. મને ખબર છે કે તમને બધી જ ખબર છે. તો ઢોંગ છોડો ને...” ઉર્વા હસીને મયુરીબેન સામે જોઈ રહી.
“હું કંઈ તારી દાદી નથી. ને તારા લીધે અને તારી માં ને લીધે મારો દીકરો મારાથી દુર થઇ ગયો... મને ખબર છે તારે મીઠી મીઠી વાતો કરીને મારા દીકરાના ઘરમાં ઘૂસવું છે. મને મુકવા ય એટલે જ આવી છે ને તું? પણ યાદ રાખજે ખોટો કોઈ સંબંધ મારી સાથે નહિ બાંધી શકે તું...” મયુરીબેન જે મનમાં આવ્યું તે બોલી ગયા.
“મારે કોઈ સંબંધ બાંધવો પણ નથી તમારી સાથે... અને તમારા આ ઘર કરતા મારા મુંબઈના બન્ને ફ્લેટ ક્યાંય મોટા છે... ખોટા ભ્રમમાં જીવવાનું બંધ કરવાની જરૂર છે તમારે...” ઉર્વા ધારદાર નજરે મયુરીબેન સામે જોતા હસીને બોલી.
“તું મને અહિયાં તારી માં પાસે કેટલા પૈસા છે એ સંભળાવવા લઇ આવી છે?” મયુરીબેનનો અવાજ ઊંચકાયો.
“નહિ નહિ. એ તો મારે જરૂર જ નથી.” ઉર્વા હસી ને પછી ઉમેર્યું, “મારે તો એક સવાલ પૂછવો તો ખાલી...”
“કેવો સવાલ?”
“રેવાને મળ્યા વિના, ઓળખ્યા વિના, સમજ્યા વિના અરે ઇવન તેને જોયા વિના તમે કઈ રીતે નક્કી કર્યું કે એ તમારા ઘરને લાયક નથી?” ઉર્વા કાર સાઇડમાં પાર્ક કરી એકધારું મયુરીબેન સામે જોઈ રહી.
“એ તો... એ તો... હા... મનસ્વીમાં એક પણ કમી છે? કેટલી ડાહી ને સમજુ છે! એટલે અમે તો મનસ્વી...” મયુરીબેન થોથવાતા થોથવાતા બોલ્યા. તેમને પણ જવાબ નહોતો મળી રહ્યો કે તેમણે રેવાને મળ્યા વિના જ ફરમાન શા માટે જાહેર કર્યું હતું.
“મારો પ્રશ્ન એ છે જ નહિ. એવા ક્યાં પરિબળના આધારે કે માપદંડના આધારે તમે નક્કી કર્યું કે રેવા તમારા ફેમીલીને લાયક નથી? શું વિચાર્યું તું તમે??” ઉર્વાની આંખોમાં ને શબ્દોમાં ગુસ્સો ભળી રહ્યો.
“આ... આ... જે તું ચપળ ચપળ જીભ ચલાવીને સામે બોલે એ ને... એ જ બતાવે છે કે મારો નિર્ણય બરાબર હતો. મોટા સાથે વાત કરવાની રીતભાત જ નથી આવડતી તને...” મયુરીબેન પોતાનો બચાવ કરવા દોષારોપણ કરવા લાગ્યા.
“અચ્છા તમે તો બહુ સારા સંસ્કાર આપ્યા હશે ને ઉર્વિલને... રેવા કહેતી હતી કે ઉર્વિલ નાના હતા ત્યારે તે રમકડાં તોડી નાંખતા પોતાના? સાચું છે?” ઉર્વા પૂછી રહી.
“હા, તોડી નાખતો.” મયુરીબેન સહજતાથી બોલી ગયા
“નાનપણમાં રમકડાં તોડતા હતા જેથી એના નાના ભાઈ બહેન ના રમી શકે. મોટા થઈને મારી રેવાનું દિલ તોડી નાંખ્યું જેથી એ ફરીથી ક્યારેય પ્રેમ ના કરી શકે... એને જીવતે જીવતી મારી નાંખી તમારા દીકરા એ... આ જ તમારા સંસ્કાર છે...” ઉર્વા હજી પણ એકધારું તતેમની સામે જ જોઈ રહી હતી. મયુરીબેનથી તેની આંખો સહન ના થતા તેમણે મોઢું ફેરવી લીધું.
“તોછડી તો તું છે જ. માથાફરેલી પણ છે... અને નફફટ પણ છે” મયુરીબેન કોઈપણ રીતે જીતવા માંગતા હતા આ વાતચીતમાં. ઉર્વા એમની વાત સાંભળી હસી પડી ને ગાડી ચાલુ કરી ધીમેથી બોલી
“હું એના કરતા ઘણું વધારે છું. હું ઉર્વા રેવા દીક્ષિત છું...”

***

રચિત મોબાઈલમાં આવેલ દરેક વોટ્સએપ ઈમેજની પ્રિન્ટ કઢાવી તે એકેએક પ્રિન્ટ ફરી ફરીને વાંચી રહ્યો હતો અને તેમાંથી યાદી બનાવવા જેટલી વિગતો અલગ કાગળમાં ટપકાવી રહ્યો હતો. તે જેમ જેમ આ પાના વાંચતો હતો તેમ તેમ તેનું મગજ વધુ ને વધુ ચકરાવે ચડતું જતું હતું. તેની સામે એક એવી વાર્તા રચાઈ રહી હતી જેનો આરંભ તેને ખબર નહોતી અને અંત તેને શોધવાનો હતો.

અત્યાર સુધી તે જે કંઈપણ ઉપરછલ્લું સમજ્યો તેનું સાદી ભાષામાં તારણ એવું નીકળતું હતું કે ઉર્વાના જન્મ પછી રેવાનું સમગ્ર ધ્યાન ઉર્વાની દેખરેખમાં જ કેન્દ્રિત થઇ ગયું હતું. રઘુભાઈની પણ ઉર્વાના આવ્યા પછી અવર જવર વધી રહી હતી. રેવાને સિઝેરિયન ડીલીવરી આવી હોવાથી હોસ્પિટલથી ડીસ્ચાર્જ થયા પછી પણ તેને સતત દેખરેખની જરૂર પડતી હતી જે જવાબદારી સ્વાતીએ વણકહ્યે પોતાના માથે લઇ લીધી હતી. ઉર્વિલે જે કંઈપણ રેવાને ફોન પર શબ્દો કહ્યા હતા તેની ધારે રેવાના દિલ અને દિમાગ પર જ નહિ તેના સમગ્ર અસ્તિત્વ પર અસર કરી હતી. તેની ડાયરીઓના શબ્દે શબ્દમાં તેની વેદનાઓ વણાઈ ચુકી હતી. તે શ્વાસ તો લઇ રહી હતી પણ તેની અંદરથી પ્રાણ જાણે જઈ ચુક્યો હતો. રઘુભાઈ અવારનવાર રેવાના ઘરે કોઈને કોઈ કારણોસર ચડી આવતા હતા. રેવા ભાગ્યે જ તેમની સાથે કોઈ વાત કરતી એટલે રઘુ માટે વારંવાર રેવાના ઘરે આવવું અઘરું પડી રહ્યું હતું. ઉર્વાને રમાડવાના બહાના પણ કામ નહોતા કરી રહ્યા. રઘુને રેવાના ઘરે આવવાનું કોઈ મજબુત કારણ જોઈતું હતું. અને એ કારણ માટે જ રઘુ અને સ્વાતીની મિત્રતા થઇ. સ્વાતી જર્નલીસ્ટ હતી. મહત્વકાંક્ષી હતી. રઘુ સાથેની મૈત્રી તેને સારી સારી ન્યુઝના કવરેજ કરાવી આપતી હતી.
બસ આટલી જ વસ્તુઓ લીનીયર ફલોમાં મળી રહી હતી. બાકી તૂટક તૂટક મતલબ એવો નીકળી રહ્યો હતો કે રઘુએ કોઈક ખોટ ખાધી. કુમુદ રેવાને મળી, સ્વાતિના મૃત્યુ માટે રેવા પોતાને જવાબદાર માની રહી હતી. કુમુદને જ સ્વાતીના મૃત્યુ પાછળનો હાથ માની રહી હતી અને રઘુ રેવાને ક્યારેય નહિ મળે એવું વચન રેવાએ લીધું હતું.

આ એકપણ ઘટના શું કામ થઇ, કઈ રીતે થઇ તેનો કોઈજ ફલો રચિતને સમજાઈ નહોતો રહ્યો. તેણે કાગળ પર રેવાથી જોડાયેલ દરેક વ્યક્તિના નામ લખી એક ફલો ચાર્ટ રેડી કર્યો અને પછી તરત જ ઉર્વાને ફોન કર્યો.
“ક્યાં છે?” ફોન ઉપાડીને હાઈ હેલોની કોઈજ ફોર્માલીટી વિના રચિત બોલવા લાગ્યો.
“બસ મારા દાદીમાંને મુકવા ગઈ તી. રીટર્ન થાઉં છું.” ઉર્વાના અવાજમાં ગજબ આનંદ અને સંતોષ હતો.
“શું બોલે છે!!!” રચિતનું પૂરું મગજ અત્યારે સ્વાતીમય હતું એટલે તેને આ મજાક ખટકી ગઈ.
“બોલને શું હતું?” ઉર્વા પણ તેનો ટોન પારખી મૂળવાત પર આવી ગઈ.
“અડધા ઉપર ઇન્ફર્મેશન મિસિંગ છે આમાં. આઈ નીડ યોર હેલ્પ. મળ મને તું...” રચિત કહી રહ્યો.
“ક્યાં છે?”
“આઈ આઈ એમ પાસે.” રચિત દરવાજાની બહાર જોતો જ બોલી પડ્યો.
“ત્યાં આજુબાજુ કોઈ કેફે શોધી મને લોકેશન મોકલ... હું આવું છું.” ઉર્વાએ આટલું કહી ફોન મૂકી દીધો.

***

મયુરીબેનના ગયા પછી એક વજનદાર સન્નાટો ઉર્વિલના ઘરમાં વ્યાપી ગયો હતો.તે સોફા પર બેઠા બેઠા મેગેઝીનના પાનાંઓ તો ફેરવી રહ્યો હતો પણ તેનું ધ્યાન એકપણ શબ્દમાં સ્થિર નહોતું થઇ રહ્યું. મયુરીબેન બસમાં બેસી ગયા છે તેનો ફોન મનસ્વીને આવ્યે પણ દોઢ કલાક ઉપર વીતી ચુક્યું હતું. ઉર્વા રચિત અને કહાન સાથે હશે એવું વિચારી મનસ્વી કે ઉર્વિલે ઉર્વા હજુ કેમ નથી આવી એ પ્રશ્ન પર બહુ વિચારણા ના કરી. ઉર્વિલે મનસ્વી સામે જોયું તો મનસ્વી પણ ટીવી સામે બેસીને ધીમા અવાજે સીરીયલ જોઈ રહી હતી પણ તેનું ધ્યાન ય તે સીરીયલમાં નહોતું. ઉર્વિલના મગજમાં અત્યાર સુધીની બધી જ ઘટનાઓ રીપીટ થઇ રહી અને હળવા સ્મિત સાથે કંઇક વિચારી તે બોલ્યો
“બોલ શું કહેવું છે?” મેગેઝીનને વાળીને સાઈડમાં મુકતા તે સોફાને ટેકો લઇ બેઠો.
“ઉર્વિલ આ બધું કરવું જરૂરી હતું?” મનસ્વી પણ ટીવીને મ્યુટ કરતા બોલી.
“મેં શું કર્યું મેડમ?” ઉર્વિલે રમતિયાળ સ્મિત કરતા કહ્યું.
“ઉર્વિલ તમને મજાક લાગે છે આ બધું?” મનસ્વીને ઉર્વિલના ચેહરા પર આવેલા સ્મિતથી નવાઈ લાગી. મયુરીબેનનું આમ આવવું, ચાલ્યું જવું, બધું બહુ જ ફટાફટ બન્યું હતું અને ઉર્વિલ પર તેની કોઈ જ અસર નહોતી તે વાત મનસ્વીને બહુ જ ખટકી રહી હતી.
“યાર મજાકની વાત નથી બટ તું શું કામ આટલો લોડ લે છે?” ઉર્વિલ હજુ પણ હસી જ રહ્યો હતો. તે ત્યાંથી ઉભો થઇ બિલકુલ મનસ્વીની લગોલગ આવી તેના ગાલ પર હાથ મૂકી રહ્યો ને મનસ્વી તરત જ સંકોચાઈ ગઈ.
“ઉર્વિલ...” મનસ્વી ઉર્વિલને આટલો નજીક જોઈ થડકારો ચુકી ગઈ. ખબર નહિ કેટલા વર્ષો પછી ઉર્વિલ આટલું વ્હાલથી તેને અડક્યો હશે... તે પળભર તે જ ક્ષણમાં લીન થઇ રહી.
“શું? શું કર્યું મેં બોલને...” ઉર્વિલ મનસ્વીની આંખોમાં જોઇને બોલ્યો. તે મનસ્વીની વધતી જતી ધડકનોની રીતસરની મજા લી રહ્યો હતો.
“ઉર્વિલ... મમ્મી... આ બધું... તમારે મમ્મી સાથે આમ વાત નહોતી કરવાની જરૂર...” મનસ્વી જેમતેમ પોતાની જાતને કાબુ કરી રહી હતી. ઉર્વિલ બહુ જ રમતિયાળ પ્રકૃતિનો હતો તે મનસ્વી જાણતી હતી પણ તે બહુ ભાગ્યે જ તેની સાથે આવું વર્તન કરતો. આજે ઉર્વિલના આવા વર્તનથી તે પાણી પાણી થઇ રહી હતી.
“મેં શું કર્યું મમ્મી સાથે? મેં તો કંઈ કર્યું જ નથી....” ઉર્વિલના ચેહરા પર સ્મિત હજુ અકબંધ જ હતું. તેની બદામી આંખોમાં આજે એક અલગ જ તોફાન ઉમટી રહ્યું હતું. તેણે બીજા હાથથી ખભેથી જ મનસ્વીને પકડી અને મનસ્વીના શરીરમાંથી એક લખલખું પસાર થઇ ગયું. તે સ્પર્શમાં મનસ્વીને પોતાની વર્ષોની પ્રતિક્ષાનો અંત દેખાઈ રહ્યો હતો..
“ઉર્વિલ શું કરો છો? સહેજ તો આઘા બેસો. કોઈ આવી જશે...” મનસ્વી પોતાની જાતને સંભાળતા શરમાઈને બોલી. તેણે જોયું તો બહારનો દરવાજો ખુલ્લો હતો ફક્ત જાળી બંધ કરેલી હતી અને ઉર્વિલ લીવીંગ રૂમમાં તેની આટલી નજીક બેઠો હતો. મનસ્વી ઉર્વિલથી દુર હટીને ઉભી થવા ગઈ પણ ઉર્વિલે તરત જ બાવડેથી રોકી તેને પોતાની તરફ એકદમ ખેંચી લીધી.
“મારી વાઈફ ભેગો મારા જ ઘરમાં બેઠો છું... હવે એમાય મારે શરમાવાનું??” ઉર્વિલ મનસ્વીના બિલકુલ કાનમાં કહી રહ્યો.
મનસ્વીના ગાલને રમાડી રહેલા ઉર્વિલના ગરમ શ્વાસ તેના રૂવાંડા ઉભા કરી રહ્યા હતા. તે પોતે પણ સમજી નહોતી રહી કે આ બધું અચાનક કેમ અને કઈ રીતે થઇ રહ્યું છે. તે બસ મનોમન પ્રાર્થના કરી રહી ભગવાનને આ સમય શક્ય હોય તો અહિયાં જ આ ક્ષણે રોકાઈ જાય.

***

રચિતે મોકલેલા લોકેશન પર પહોંચીને તરત જ ઉર્વાએ બે કપ કોફીનો ઓર્ડર કર્યો. તેના ચેહરા પર કંઇક હાસિલ કર્યાની રોનક સાફ દેખાતી હતી. તેની પૂરી બોડી લેન્ગવેજ ચેન્જ થઇ ચુકી હતી. પગ પર પગ ચડાવીને ચેર પર તે મસ્ત થઈને હોટ કોફીની લિજ્જત લઇ રહી હતી. રચિત આ ડ્રાસ્ટીક ચેન્જનો અર્થ તો ના સમજ્યો પણ તેને ગમ્યું ખરા! તે અત્યારે તેને એ વિષે કંઇજ પૂછીને પોતાનું મન ભટકાવવા નહોતો માંગતો એટલે તેણે સીધો જ પોઈન્ટ ઉપાડ્યો,
“મને બાકીની ઇન્ફર્મેશન ક્યાં મળશે? મારે બધી જ ડાયરીઓ જોઈએ છે. ઇફ ધેટ્સ પોસીબલ.”
“બધી જ ડાયરીઓ અને લેપટોપ ઓલરેડી ઉર્વિલને અપાઈ ચુક્યા છે. એ તને આપી શકે.” ઉર્વાનું ધ્યાન વાત કરતા વધારે કોફીમાં જ હતું.
“ડુ યુ થીંક સો ઉર્વિલ મને ડાયરીઓનું એક્સેસ આપે?” રચિત થોડું ગંભીર થતા પૂછી રહ્યો.
“પૂછી શકાય એને. કદાચ આપી પણ દે.” ઉર્વાએ ફરી બેફીકરાઇથી જ જવાબ આપ્યો. આ વખતે રચિતને તેનો ઉડાઉ જવાબ બિલકુલ ના ગમ્યો.
“ઉર્વા આઈ એમ ડેમ સીરીયસ...” રચિત ચિડાયો.
“હા તો??” ઉર્વાએ કોફીનો લાસ્ટ સીપ લીધો.
“ઉર્વા...!!!” રચિત બિલકુલ સમજી નહોતો શકતો કે આ છોકરી શું કરી રહી છે. પોતે ને પોતે કામ આપે છે અને પછી પોતે જ આટલી આડોળાઈ કરે છે!!
“ડ્રાઈવ પર આવીશ?” ઉર્વાએ ટેબલ પરથી ઉભા થતા પૂછ્યું.
“વોટ?” રચિત બિલકુલ કંઇજ ના સમજ્યો. ઉર્વા ફક્ત તેની સામે જોઈ રહી એટલે એક ક્ષણ મગજને પોઝ કરી ફરી તેની વાત મગજમાં રીપીટ કરી બિલકુલ ઠંડા અવાજે તેણે ઉમેર્યું, “આપણા બન્ને પાસે કાર છે. એક કાર ઘરે મુકવી પડશે. પહેલા એ મૂકી દઈએ.” રચિત ઉર્વાના મૂડ સ્વીન્ગ્સને ધીમે ધીમે સમજી રહ્યો હતો. અકળાતી, ધૂંધવાતી, રડતી કે પરેશાન ઉર્વા સાચવવી હજુ સરળ હતી પણ એકદમ મસ્ત ખુશ મિજાજ રહેલી, ઓન ધ ટોપ રહેલી ઉર્વા સાચવવી બહુ જ અઘરી હતી. તેના શબ્દોમાં નર્યું તોફાન જ મળે. અને એટલે જ રચિત અત્યારે બિલકુલ શાંત થઇ ગયો.
“ઓકે...” ઉર્વા બસ એટલું કહી ચાવી ફેરવતી કેફેની બહાર નીકળી ગઈ. રચિત પણ બીલ ચૂકવી તેની પાછળ જ કેફેની બહાર નીકળી ગયો.

***

ઉર્વાને આ જ કાર લઈને ડ્રાઈવ પર જવું હતું એટલે આ કાર અંદર પાર્ક ના કરતા તેને બહાર જ રાખી મૂકી તે ઘરના દરવાજા તરફ દોડી ગઈ. તે ડોરબેલ વગાડવા જતી જ હતી કે ઉર્વિલનું મનસ્વીને પોતાની તરફ ખેંચતું દ્રશ્ય જોઈ તે ત્યાં જ ઉભી રહી ગઈ. રેવાની પ્રતિક્ષાના દિવસોની આખી ફિલ્મ તેની આંખોની સામેથી એક જ ક્ષણમાં પસાર થઇ રહી.

***

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED