પ્રતિબિંબ - 17 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

પ્રતિબિંબ - 17

પ્રતિબિંબ

પ્રકરણ - ૧૭

એક રૂમમાંથી અન્વય અને લીપી બહાર નીકળ્યાં ત્યાં જ સામેથી અપૂર્વ અને આરાધ્યા. બહાર નીકળતાં જ એમણે એક વ્યક્તિને બહાર કુલર પાસે પાણી ભરવા આવેલો જોયો. બધાં થોડી વાર એને જોઈ જ રહ્યાં કે આ તો ચહેરો બહું નજીકથી જોયેલો છે.‌‌..એ લોકોને જાણે યાદ હોવા છતાં સમજાઈ નથી રહ્યું.

એ લોકો એની નજીક પહોંચ્યાં કે તરત જ એ અર્ણવ લોકોની બાજુની રૂમમાં બોટલ લઈને હસતો હસતો જતો રહ્યો. બધાં એકબીજાંની સામે જોઈ રહ્યાં. હોટેલમાં તો રૂમમાં મોટાં જગમાં પાણી ગ્લાસ બધું જ છે છતાંય એ વ્યક્તિ કેમ પાણી ભરવા અહીં આવ્યો હશે ??

લીપી : " પણ એ ચહેરો તો..." ત્યાં જ વાક્ય પૂરું થાય એ પહેલાં ફરી એકવાર ' ધબાક..' અવાજ આવ્યો. બધાંનાં કાન અત્યારે સરવા હોવાથી ચારેય જણાં કંઈ પણ વિચાર્યા વિના અવાજની દિશામાં અર્ણવની રૂમ તરફ ભાગ્યાં ને દરવાજો ખટખટાવ્યો.

ઘણીવાર દરવાજો ખખડાવ્યો પણ કોઈએ દરવાજો ખોલ્યો નહીં. પછી બે-ત્રણ વાર સળંગ ફોનમાં રીંગ મારી.. છેલ્લે અન્વયે વિચાર્યું કે બહાર જઈને આગળ રિશેપ્શન પર વાત કરે કે બીજી કોઈ ચાવી હોય રૂમની તો બહારથી ડોર ખોલે. અપૂર્વએ ફટાફટ જઈને એક માણસને બોલાવીને રૂમ ખોલવા કહ્યું ‌.

એ માણસ એક્સ્ટ્રા ચાવી લઇને આવ્યો તો ખરો પણ એણે રૂમ ખોલવાની ના પાડી.

લીપી : " પણ રૂમ બહારથી ખોલવામાં તમને શું વાંધો છે ?? "

" કોઈ પણ વ્યક્તિની પ્રાઈવસીનો અમે ભંગ ન કરી શકીએ. જો આવું એક વાર કરીએ તો અહીં રહેલાં બીજાં લોકો અમારાં પર વિશ્વાસ ન કરે‌. "

આરાધ્યા : " જ્યારે કોઈ કપલ હોય ત્યારે બરાબર છે અને એ પણ અનિવાર્ય સંજોગોમાં ખોલવું પડે તો એમાં કોઈને કોઈ તફલીક નાં હોય. અને અહીં તો રૂમમાં ફક્ત ત્રણ છોકરાઓ છે અને એ પણ અમે એમનાં માતા પિતા છીએ તો પછી શું વાંધો છે ?? "

અપૂર્વ : " હા અને ધારો કે કોઈને કંઈ અચાનક એવો પ્રોબ્લેમ થાય તો તમે શું કરો ?? "

આખરે અન્વયે એને બહું શાંતિથી સમજાવ્યો. આખરે એણે દરવાજો ખોલી આપ્યો. જોયું તો ત્રણ બેડ છે એમાંથી બે બેડ પર બે જણાં સુતેલા છે પણ બંને બ્લેન્કેટ ઓઢીને સૂતેલાં છે.

આરાધ્યા : " અરે આ તો બે બેડ પર બે જણાં જ સૂતા છે ?? પણ કોણ નથી આમાં ચાલો ઝડપથી જોઈએ."

બધાં ફટાફટ અંદર પ્રવેશીને એમણે બ્લેન્કેટ ખોલ્યાં તો એક બેડ પર અર્ણવ અને બીજાં પર હિયાન ઘસઘસાટ સૂઈ રહ્યાં છે. હજું પણ બંનેમાંથી કોઈ જાગ્યું નહીં.

" સંવેગ ક્યાં ?? એ આ બંને સાથે જ આવ્યો હતો ને ?? " અપૂર્વ ચિંતિત સ્વરે બોલ્યો.

લીપી : " પહેલાં રૂમમાં ચેક કરી લઈએ ક્યાંક વોશરૂમમાં ન ગયો હોય..‌"

આંખો રૂમ ફેંદી દીધો. ન સંવેગ અને કોઈ માહિતી કે એ ક્યાં છે.

અન્વય : " અર્ણવ તો સહેજ અવાજ થાય તો પણ જાગી જાય છે તો પછી આજે કેમ હજું સુધી સૂઈ રહ્યો છે ?? "

લીપી : " હા સાચી વાત છે " કહીને બધાંએ સાથે મળીને અર્ણવ અને હિયાન બંન્નેને જગાડ્યા. બંનેને કંઈ જ ખબર નથી.

અર્ણવ : " પપ્પા અમે તો બધાં જ આવીને કપડાં ચેન્જ કરીને ત્રણેય એક એક બેડ પર સૂઈ જ ગયાં છીએ. અલબત્ત, સંવેગ અને હિયાન તો પહેલાં જ સૂઈ ગયાં હતાં મારાં પહેલા. પણ ખબર નહીં મારી આંખો કેમ આટલી ભારે લાગે છે જાણે ઉંઘની દવા લીધી હોય એવું લાગી રહ્યું છે. "

હિયાન : " હા મને પણ..."

આરાધ્યા : " પણ સંવેગ ક્યાં હશે ?? મને તો ચિંતા થાય છે. એનો ફોન પણ અહીં બેડ પર છે‌. "

ત્યાં સ્ટાફનો માણસ બોલ્યો, "અહીં તો હોટેલમાં એક જ ગેટ છે અને હું તો જાગું જ છું કોઈને મેં બહાર જતાં પણ જોયું નથી."

અન્વયને એને જે અવાજ સંભળાયો હતો એની વાત કરી. એ ભાઈએ કહ્યું મને તો આવું કંઈ સંભળાયું નથી.

સ્ટાફનો માણસ બોલ્યો, " હું અત્યારે બાકી બધે જ આખી હોટેલમાં તપાસ કરાવી લઉં છું પણ રાતનો સમય હોવાથી કોઈનાં રૂમમાં પર્સનલી તો ચેક નહીં જ કરી શકું.. સોરી.." કહીને એ ચાલવા લાગ્યો.

અન્વય : " સારું એ તો અમને મદદ કરો. " કહીને બધાં અલગ અલગ જગ્યાએ જોવાં અને તપાસ કરવા જવાનું નક્કી કરે છે‌. એટલામાં જ લીપીનું ધ્યાન ગયું કે રૂમમાં જે એક વિન્ડો છે એ થોડી અધખુલ્લી છે...

લીપી : " ભાઈ અહીં પાછળ શું છે ?? "

સ્ટાફ : " મેમ પાછળ થોડો જંગલ જેવો વિસ્તાર છે. "

લીપી : " અહીં તો સ્લાઇડર વાળી બારી છે. એ આખી તો નહીં ખૂલતી હોય ને ?? "

સ્ટાફ : " મેમ એમાં ટ્રેઈન જેવી સિસ્ટમ છે. "

આરાધ્યા : " મતલબ ?? સમજાયું નહીં.."

એ ભાઈ ત્યાં પહોંચ્યો તો બારી અધખુલ્લી છે પણ એમાં એક એવી સિસ્ટમ કે ઈમરજન્સીમાં આખી જાળી ખુલી ગઈ. પાછળ આખો જંગલનો ભાગ દેખાવા લાગ્યો. ઉંચું એવું ઘાસ પણ દેખાય છે.

અપૂર્વ : " આ જાળીને તમે લોકો ખુલ્લી જ રાખો છો ?? "

સ્ટાફ : " ના સાહેબ એની ચાવી રૂમમાં હોય છે ઈમરજન્સીમાં જ ખોલવાની હોય. "

અન્વય : " તો આજે ખુલ્લી હોવાનું કોઈ કારણ ?? "

સ્ટાફ : " મને નથી ખબર સાહેબ. મેં જ્યારે તમારાં આવ્યાં પહેલાં રાત્રે જ્યારે રૂમ ચેક કર્યો હતો ત્યારે લોક હતું પછી મને કંઈ ખબર નથી. "

આરાધ્યા ત્યાં પહોંચી. બારીમાંથી બહાર એકદમ સીધું દેખાય એવું નથી. અપૂર્વ રૂમમાંથી એક ચેર લઈ આવીને એનાં પર ચઢ્યો. મોબાઈલની ટોર્ચ ચાલુ કરીને જોયું.

અપૂર્વ : " અહીં કોઈ બ્લુ કલરનાં કપડાં જેવું દેખાય છે. કદાચ કોઈ શર્ટ કે ટી-શર્ટ..."

અર્ણવ : " સંવેગે સુતી વખતે બ્લુ ટી-શર્ટ પહેરીને સૂતો હતો. કદાચ...સંવેગ..પણ ત્યાં કેવી રીતે ?? "

અન્વય : " ભાઈ ત્યાં પહોંચવાનો કોઈ સીધો રસ્તો બતાવો ઝડપથી. "

ફટાફટ એ ભાઈ એમને પાછળ લઈ ગયો. એકલી ઝાડી ઝાંખરાવાળી જગ્યા. જતાં પણ બીક લાગે. લગભગ ચાર વાગી ગયાં છે પરોઢિયાનો સમય થવાં આવ્યો છે છતાં શિયાળાની સવાર હોવાથી હજું અંધકાર અકબંધ રીતે પથરાયેલું છે.

ઝાડીઓ વચ્ચે જગ્યા કરીને પહોંચ્યાં તો ત્યાં સંવેગ બેભાન થઈને પડેલો છે. આરાધ્યા ઝડપથી પહોંચી ને એનું માથું પોતાનાં ખોળામાં લીધું.

આરાધ્યા : " સંવેગના ચહેરા પર કોઈએ એને મારેલાં હોય એવાં નખનાં નિશાન છે. એમાંથી થોડું લોહી નીકળી રહ્યું છે."

બધાં ગભરાઈ ગયાં. પછી બધાં ઊંચકીને એને ઝડપથી હોટેલમાં લઈ આવ્યાં. ફર્સ્ટ એઈડ કીટથી એનાં ચહેરાં પર ડ્રેસિંગ કર્યું. સંવેગને હજું કળ નથી વળી રહી.

નિમેષભાઈ : " અહીં કોઈ નજીકમાં હોસ્પિટલ છે ભાઈ ?? "

સ્ટાફનાં બીજાં માણસો પણ હાજર થઈ ગયાં. એમણે કહ્યું, "હા અહીં થોડે દૂર મોટી હોસ્પિટલ છે પણ નજીકમાં એક નાનું દવાખાનું છે ત્યાં અત્યારે એમને લઈ જઈને પ્રાથમિક સારવાર કરાવીએ એકવાર એ ભાનમાં આવે તો કંઈ ખબર પડે. આવું પહેલીવાર બન્યું છે અહીં."

ફટાફટ સંવેગને લઈને હોસ્પિટલ પહોંચ્યાં. થોડી દવાને ઇન્જેક્શન બાદ સંવેગ ભાનમાં આવ્યો. ડોક્ટરે કહ્યું, " કોઈ ચિંતાનું કારણ નથી લાગતું. આ દવાને આપજો‌." અને ચહેરા પર લગાડવા એક બે ટ્યુબ આપી. પછી બધાં હોટેલ આવી ગયાં. હવે લગભગ અજવાળું થઈ ગયું છે‌... બધાં ઉઠી ગયાં. એક રૂમમાં સંવેગને સુવાડેલો છે આજુબાજુ બધાં જ પરિવારજનો વીંટળાઈને ઉભેલાં છે.

અન્વય અને અપૂર્વ એક સાઈડમાં ઉભાં રહીને કંઈક ચર્ચા કરી રહ્યાં છે.

અપૂર્વ : " આ ઘટનાં તમને કંઈ અસામાન્ય હોય એવું નથી લાગતું ભાઈ ?? "

અન્વય : " હું પણ એજ વિચારી રહ્યો છું. આ હોટેલનાં માલિક સાથે વાત કરવી જોઈએ. આ કોઈ એક એક્સિડન્ટ નથી પણ કોઈની જિંદગીનો સવાલ છે. "

" હા પણ એકવાર સંવેગને પુછ્યાં પછી જ કંઈ પણ કરવું જોઈએ. "

એટલામાં જ સંવેગને થોડું સારું લાગતાં આરાધ્યા બોલી, " બેટા કેવું છે હવે તને ?? "

સંવેગ : " માસી સારૂં છે..."

આરાધ્યા : " સંવેગ તને કંઈ યાદ છે કે રાત્રે શું થયું હતું ?? તું જે હોય એ સાચું કહેજે કંઈ પણ છુપાવ્યા વિના. અમે બધાં તારી સાથે છીએ.."

સંવેગ : " રાત્રે અમે આવીને રૂમમાં સૂઈ ગયાં. પછી મને ખબર નહીં ઉંઘમાં કોઈ ધસડી જતું હોય એવું લાગ્યું. હું કદાચ બહું વિરોધ કરતો હતો પણ એની સામે મારી તાકાત ન ચાલી એણે મને એક હાથે ઊંચક્યો ને મને કોઈક ઉંચી જગ્યાએથી ફેંક્યો ને " ધબાક..ધબાક.." અવાજ સાથે હું પછડાયો. પછી મને કંઈ ખબર નથી. પણ મારું આખું શરીર દુઃખી રહ્યું છે. એણે મને કંઈ કહ્યું હતું પણ મને યાદ નથી ફક્ત છેલ્લો શબ્દ યાદ છે , " ....કોઈ નહીં બચે.."

સંવેગની વાત સાંભળી બધાં ચોંકી ગયાં. ઈતિ અને હેયા તો ગભરાઈ ગયાં કે આ બધું શું છે‌. આવું કેવી રીતે શક્ય છે ??

અન્વય : " અપૂર્વ મારી સાથે ચાલ. આપણે થોડી તપાસ કરીએ. પછી શક્ય તેટલું જલ્દી અહીંથી નીકળી જઈએ. "

બંને બહાર આવીને રિશેપ્શન પાસે આવ્યાં. ત્યાં બેઠેલા એક ભાઈને પૂછ્યું, " ભાઈ આ હોસ્પિટલનાં ઓનર કોણ છે ?? એ ક્યાં રહે છે અમને જણાવી શકશો ?? "

ભાઈ : " એ તો અહીં નથી. પણ એમનો દીકરો અહીં જ છે. આ હોટેલમાં. "

અન્વય : " આ હોટેલ શરું થયે લગભગ કેટલો સમય થયો ?? "

" જગ્યા તો બહું મોટી કિંમતે ત્રેવીસેક વર્ષ પહેલાં ખરીદવામાં આવી હતી. પણ લીધાં બાદ થોડાં જ સમયમાં એ માલિકનું મૃત્યુ થયું ને પછી ઘણાં વર્ષો સુધી બધું એમ જ પડી રહ્યું. લગભગ સાતેક વર્ષ પહેલાં એમનાં પરિવારજનોએ આ હોટલ બંધાવી... કદાચ એ માલિકની ઈચ્છા તો અહીં કોઈ મોટું શોપિંગ સેન્ટર બનાવવાની હતી..."

અન્વય : " સારુ ,એમનું નામ જણાવી શકશો ?? "

સ્ટાફ : " સોરી મને બહું ખબર નથી. પણ એમનો દીકરો અહીં છે એનું નામ છે વિશાલ આહૂજા. "

અપૂર્વ : " એમને અમે મલી શકીએ ?? "

ત્યાં જ સામે‌‌ આવેલાં કોઈ વ્યક્તિને જોઈને એ ફટાફટ "હું આવું સાહેબ" કહીને ઝડપથી ત્યાંથી સરકી ગયો.

અન્વયે એ તરફ જોયું આ એ જ વ્યક્તિ છે જે રાત્રે બહાર કુલરમાંથી પાણી ભરવા આવ્યો હતો...એની સહેજ માંજરી આંખો, ઉંચું કદ, કંઈ અલગ પડતી પર્સનાલિટી. કંઈ પોતાની જ ધૂનમાં ચાલી રહેલો એ નજીક આવી રહ્યો છે...

અપૂર્વ : "આ ચહેરો કેમ આટલો જોયેલો લાગે છે ભાઈ ?? આને જોઈને એ ભાઈ કેમ ભાગી ગયો ?? "

અન્વયે થોડું કંઈ મગજમાં વિચાર્યું પછી બોલ્યો..."અન્વય કદાચ હું ભૂલતો ન હોઉં તો આ કદાચ જ...." અધુરાં રહેલાં વાક્ય સાથે એ વ્યક્તિ અન્વયને અથડાઈને આગળ જતો રહ્યો.

કોણ હશે એ વ્યક્તિ ?? કોણ હશે એ વિશાલ બંસલ ?? સંવેગને આખરે શું થયું હશે ?? કોણ હશે આ ઘટના પાછળ ?? આ હોટેલનું કંઈ રહસ્ય હશે ?? આવી ઘટના કેમ સંવેગ સાથે બની હશે ?? જાણવા માટે વાંચતા રહો, પ્રતિબિંબ - ૧૮

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે