ખેલ : પ્રકરણ 30 Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખેલ : પ્રકરણ 30

પૃથ્વીએ રાજીવ દીક્ષિત અને એના માણસોને એક લાઈનમાં બાંધ્યા. એક નફરતભરી નજર એ બધા ઉપર કરી અને ટોમને કહ્યું, “આ લોકો ઉપર નજર રાખજે.”

"કેમ તમે ક્યાં જાઓ છો?"

"સિગારેટ સળગાવવી છે, મચીસ લેતો આવું." તેણે સિગારેટ મોઢામાં મૂકી અને રુમ બહાર નીકળ્યો.

એ સીધો જ રસોઈ ઘરમાં માચીસ હશે એ અંદાજે ત્યાં ગયો. પણ કિચનના ડોર પાસે પહોંચતા જ એક બીજું દ્રશ્ય જોઈ પૃથ્વીના હોઠ વચ્ચે મુકેલી સિગારેટ પડતી પડતી રહી ગઈ. સામે એક માણસ બાંધેલો પડ્યો હતો. એના મોઢા ઉપર ટેપ લગાવેલી હતી. પૃથ્વીને જોતા જ એ બોલવાની કોશિશ કરવા લાગ્યો પણ ટેપ લગાવેલી હતી એટલે અવાજ નીકળ્યો નહિ.

"વોટ ધ હેલ...." પૃથ્વીએ તરત એની નજીક જઇ ટેપ ઉખાડી લીધી.

"બચાવો મને..... બચાવો..... રાજીવ મને મારી નાખશે.... મારી નાખીશે....." ટેપ ખોલતા જ પેલો માણસ આમ તેમ જોતો બોલવા લાગ્યો.

પૃથ્વી સમજી ગયો કે આ માણસ પણ અર્જુનની જેમ અહીં રાખેલો છે અને મને પહેલીવાર અહીં જોયો છે એટલે એ જરૂર સમજી ગયો હશે કે હું રાજીવ દીક્ષિતનો માણસ નથી.

"હા પણ તું છે કોણ?"

"રજની.... રજની દેસાઈ....."

"અચ્છા રજની છે, તો અમારો અંદાજ સાચો હતો, તને પણ રાજીવે જ ઉઠાવ્યો હતો."

"તું મને ઓળખે છે? તું રાજીવને ઓળખે છે? શાનો અંદાજ?" બેબાકળો થઈને રજની બોલ્યો.

"હું ઇન્સ્પેકટર પૃથ્વી દેસાઈ છું." પૃથ્વીએ પોતાનો પરિચય આપ્યો, "રાજીવ દીક્ષિત અમારા કબજામાં છે અને હવે તને કોઈ નહિ મારે, આરામથી ઊંડા શ્વાસ લે અને શાંત થઈ જા."

"ઇન્સ્પેકટર... મતલબ... એટલે હું બચી ગયો??? હા હું બચી ગયો...." રજની દેસાઈ ગાંડાની જેમ બે ત્રણ વાર એ શબ્દો દોહરાવ્યે ગયો અને હસવા લાવ્યો.

પૃથ્વી સમજતો હતો કે અર્જુનની જે હાલત થઈ હતી જો શ્રી મળી જાઓત તો રજનીની પણ એ જ હાલત થવાની હતી. અને પછી ત્રણેયને રાજીવ દીક્ષિત ક્રૂર રીતે મારી નાખોત. બધા મોત નજીક જઈને બચ્યા હતા.

"હા હવે બધું ઠીક છે ડોન્ટ વરી, અહીં પોલીસ છે. તું ઠીક છે? કે ડોક્ટરની કોઈ જરૂર છે તારે?"

"હ.... ના ના ઇન્સ્પેકટર હું ઠીક છું બસ મને અહીં બાંધીને જ રાખ્યો છે, હું ઠીક છું."

"આર યુ સ્યોર? પાક્કું જરૂર નથીને કોઈ ડોક્ટરની? તને કોઈએ ટોર્ચર નથી કર્યો ને?"

રજની જવાબ આપે એ પહેલા ટોમ અંદર દાખલ થયો. રજની એને જોઇને ફરી ગભરાયો.

"ઓહ તો એક અહીં પણ છે એમને?" એણે કહ્યું અને રજનીના તેને જોઇને બદલાયેલા હાવભાવ જોઇ તેની સામે સ્મિત વેર્યું.

"હા ટોમ, આ રજની છે રજની દેસાઈ." પૃથ્વીએ ગરદન ઘુમાવીને ટોમ સામે જોયું અને ફરી તેણે સિગારેટ મોઢામાં મૂકી.

"મને ખોલો પ્લીઝ મારા હાથ ખોલો મારે જવું છે." રજની આજીજી કરવા લાગ્યો.

"રજની તું અહીં સલામત છે બહાર જઈશ તો તને બલભદ્ર જ મારી નાખશે ઓકે. આરામથી અહીં જ રહે, શાંત થઈ જા."

"બલભદ્ર...." એકાએક આઝાદ થયાની ખુશી રજનીના મનમાંથી ઓસરી ગઈ. બલભદ્રનું નામ સાંભળતા જ એને યાદ આવ્યું કે બલભદ્ર એને શોધતો હશે.

રજનીના ઉતરેલા ચહેરા તરફ જોઈ પૃથ્વીએ કહ્યું, "બલભદ્ર થોડા જ સમયમાં જેલમાં હશે, ત્યાં સુધી તું અહીં સલામત છે."

"હું કોઈ ગુનો નહિ કરું સાહેબ, હું ગામ જતો રહીશ, હું આ મોટા શહેરોના સપના નહિ દેખું... બસ મને રાજીવ અને બલભદ્રથી બચાવો...."

"શાંત એકદમ શાંત ઊંડા શ્વાસ લઈને આરામથી બોલ, પોલીસ છે અહીં અને આ ટોમ છે સી.બી.આઈ. એજન્ટ મી. ટોમ એટલે તારે હવે ડરવાની જરૂર નથી અંડરસ્ટેન્ડ?."

રજની ટોમ અને પૃથ્વીના ચહેરા વારા ફરતી જોવા લાગ્યો. તેના ચહેરા ઉપર તેની જે વલે થઇ હતી તેનો વિષાદ દેખાતો હતો.

"મી. પૃથ્વી મને નથી લાગતું રાજીવ દીક્ષિતે આને કઈ ખાવાનું આપ્યું હોય." ટોમે રજનીની આંખો નીચે પડેલી કાળી કરચલી જોઈને અંદાજ લગાવ્યો, "ભૂખ લાગી છે?"

રજનીએ હોઠ ફફડાવ્યા અને શબ્દો બોલ્યા વગર જ હકારમાં માથું હલાવ્યું. ટોમેં રસોઈ ઘરના ડ્રોઅર ખોલ્યા પણ કઈ હાથ લાગ્યું નહિ. પછી ફ્રીજ ખોલી જોઈ એમાં ફળ હતા. ફળ લઈને તેની આગળ મુક્યા. પૃથ્વીએ તેના હાથ ખોલ્યા.

રજનીએ સફરજન ઉઠાવી મોઢામાં મૂક્યું અને વર્ષોથી ભૂખ્યો હોય એમ ખાવા લાગ્યો.

"એક મિનિટ, કેટલા દિવસથી ભૂખ્યો છે?" ટોમે પૂછ્યું.

રજનીને જાણે કઈ સૂઝ બુઝ ન હોય એમ ઊંચું જોઈ વિચારવા લાગ્યો.

"જ્યારથી કિડનેપ થયો ત્યારથી?" ટોમે જ પૂછ્યું.

"હા... હા ત્યારથી..."

"ઠીક છે તો એક સાથે વધારે ન ખવાય બોડી રીએક્ટ કરવા લાગશે..... એકાદ કલાક પછી ફરી ખાઈ લેજે..." ટોમે બાકીના ફળ એની આગળથી લઈ લીધા. એને ફ્રીજમાંથી પાણી આપ્યું. રજની અર્ધી બોટલ પાણી પી ગયો એ પરથી બંનેને ખ્યાલ આવ્યો કે રજનીને પણ અહી ભૂખ્યો તરસ્યો રાખ્યો છે. રાજીવ દિક્ષિતની ક્રુરતા ધીમે ધીમે બંનેને સમજાતી હતી.

"અત્યારે તારે અહીં જ રહેવાનું છે આ જ હાલતમાં ઓકે." કહી ફરી પૃથ્વીએ રજનીના હાથ બાંધી લીધા. મચીસ શોધી લઈ પૃથ્વીએ સિગારેટ સળગાવી.

“હવે બોલ તું કઈ રીતે આ લોકોના હાથમાં આવ્યો?” પૃથ્વીએ પૂછ્યું.

રજની તેની સામે જોઈ રહ્યો શું બોલવું તે તેને સમજાયું નહિ.

“અરે હું બધું જાણું છું, શ્રીને તું ગાળો બોલીને તેના ઘરથી નીકળ્યો ત્યારે બલભદ્રનો તારા ઉપર ફોન આવ્યો એ પછી શું થયું તે અમારે જાણવું છે.”

રજની માટે એક આ બીજી નવાઈ હતી. એ બધી ઘટનાઓ આ પોલીસવાળો ક્યાંથી જાણતો હશે? પણ તેનો બોલ્યા વગર છૂટકો ન હતો. ઘડીભર તે આંખો ફાડીને બંને સામે તાકતો રહ્યો પછી બોલ્યો.

“હું ત્યાંથી નાયકના બંગલા ઉપર જતો હતો. ત્યાંથી હું ગળીઓ બહાર નીકળ્યો ત્યારે એક ગાડી મારી પાસે આવીને ઉભી રહી અને સીધી જ ગન બતાવી મને ગાડીમાં બેસવા કહ્યું. ગાડીમાં મારા હાથ પગ બાંધી લીધા અને ગન લઇ લીધી એ પછી મને અહી લાવ્યા અને બાંધીને રાખ્યો છે.”

“ઓકે હવે ગભરાતો નહિ તને કોઈ કાઈ નહી કરે.” તેની વાત સાંભળી પૃથ્વીએ ટોમને ઈશારો કર્યો અને બંને બહાર નીકળ્યા.

"એને બલભદ્ર વિશે કઈક પૂછીએ તો ખરા...." બહાર નીકળી ટોમે કહ્યું.

"અત્યારે એ કઈ કહેવાની હાલતમાં નથી." પૃથ્વીએ રસોઈઘરનો દરવાજો બંધ કરી દીધો. આદિત્યને ફોન લગાવ્યો અને રજની વિશે બધું કહ્યું.

ફોન રાખીને ફરી ટોમ અને પૃથ્વી રાજીવ દીક્ષિતને બાંધ્યો હતો એ રૂમ આગળ આવ્યા અને દરવાજો બંધ કરી લીધો. પછી બંને બહાર જઈ પેલા ટેબલ ઉપર જ્યાં પત્તા પડ્યા હતા ત્યાં જઈને ગોઠવાઈ ગયા.

પત્તા જોઈ ટોમે કહ્યું, "થઈ જાય એક ખેલ?"

"કેમ નહિ?" પૃથ્વીએ પત્તા ઉઠાવી અને ચિપ લગાવી. બંને સમય વિતાવવા રમત રમવા લાગ્યા...

*

રાત્રે મોડા સુધી અદિત્યનો કોઈ ફોન આવ્યો નહિ. શ્રી બેબાકળી બની ગઈ હતી. ટ્રીસ એને સાંત્વના આપવાની ઘણી કોશિશ કરતી હતી. શ્રી એની વાત સાંભળી થોડીવાર શાંત થતી હતી પણ ફરી અર્જુન સાથે શુ થયું હશે એ ચિંતા એના મનમાં ફરી વળતી હતી. નદી કિનારે અર્જુન ન મળ્યો, પેલા અજાણ્યા માણસનું ખૂન કર્યું, જેલમાં ગઈ ત્યાં સુધી અર્જુન માટે એક મિનિટ પણ કોઈ ફિકર નહોતી કરી એ શ્રી હવે ઊંચી નીચી થઈ ગઈ હતી. માણસનું ગજબનું છે ખરેખર! એ કોઈ પણ વ્યક્તિને ગુનેગાર પણ તરત સમજી લે છે, એકવાર માણસને ગુનેગાર સમજી લે પછી એના વિશે કોઈ ચિંતા ફિકર થતી નથી પણ જો ખબર પડે કે પોતે ખોટું અનુમાન બાંધી લીધું હતું તો એકાએક એ જ વ્યક્તિ માટે લાગણીઓ ઉભરાઈ આવે છે, થડકાર થઈ આવે છે!

માનવ મન કેટલું ચંચળ છે એ સમજવું મુશ્કેલ છે એ શ્રીને પહેલીવાર જ સમજાયું હતું. એટલા દિવસથી ભુલાઈ ગયેલો પ્રેમ એકાએક ભારે વરસાદ પડતાં સૂકી નદી ખળખળ વહેવા લાગે એમ ઉભરાવા લાગ્યો.

ટ્રીસ શ્રી માટે કોફી બનાવી લાવી પણ કપ હોઠ સુધી લઈ જતા શ્રીના હાથ ધ્રુજી ઉઠ્યા.

"ટ્રીસ મને અર્જુન પાસે લઈ જા, પ્લીઝ મી. આદિત્યને એકવાર ફોન કરીને પુછીલે, ક્યાં છે? શું થયું છે?"

"શ્રી શાંત થઈ જા, બધું ઠીક થઈ જશે, ટ્રસ્ટ મી." અનુભવી ટ્રીસ શ્રીની હાલત બરાબર સમજતી હતી. એને પણ મી. આદિત્યને ફોન કરી લેવો યોગ્ય લાગ્યો.

ટ્રીસે ફોન લગાવ્યો અને મી. આદિત્યની વાત સાંભળી. ઘડીભર ક્યારનોય કટ થયેલો ફોન કાને લગાવી ફ્લેટની વિન્ડોમાંથી દેખાતી ઊંચી બિલ્ડીંગો તરફ મીટ માંડી એણે કઈક વિચાર્યું.

"શુ કહ્યું ટ્રીસ?" શ્રીએ પાછળથી આવી એને પૂછ્યું.

કઈ કહેવા જેવું સુજ્યું નહિ. કેમ કરી કહેવું? એ સવાલ મનમાં ફરવા લાગ્યો પણ વાત બનાવી લેતા ટ્રીસને વધારે સમય લાગ્યો નહિ. ટ્રીસ અનુભવી અને અલ્લડ હતી.

"એ બધા હોસ્પિટલમાં છે."

"શુ? હોસ્પિટલ? શુ થયું છે અર્જુનને?" શ્રીના મનમાં શંકા કુશંકા થવા લાગી. હોસ્પિટલનું નામ સાંભળતા જ કોઈ પણ માણસના હૃદયના ધબકારા વધવા લાગે છે. ફિલ્મોમાં કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર દોડતા વેવ નજરે ચડવા લાગે છે. એમાં પણ જ્યારે કોઈ વ્યક્તિને કિડનેપ કર્યો હોય અને એને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હોય ત્યારે ડોકટરના બસ એજ શબ્દો સંભળાય છે, "સોરી હી ઇઝ નો મોર....."

શ્રીને પણ મનમાં એ જ સવાલો થયા અને મગજ ચકરી લેવા લાગ્યું. ટ્રીસને થયું શ્રી કઈક વધારે જ અનુમાન લગાવી રહી છે, એટલે તરત કહ્યું, "અર્જુન ઠીક છે અને આપણે ત્યાં જવાનું છે હાલ જ."

ટ્રીસની વાત અને તેના ભાવ મેળ ખાતા હોય તેવું તેને લાગ્યું નહિ. તેમ છતાં અર્જુનને જોવા જે પણ હાલતમાં હોય તે હાલતમાં જોવા તે ઝડપથી તૈયાર થઇ ગઈ. બંને લીફ્ટની રાહ જોયા વગર જ સીડીઓ ઉતરી ગઈ.

શ્રીના મનને થોડી રાહત થઇ ખરા પણ છેક હોસ્પિટલ સુધી ગાડી પહોંચી નહિ ત્યાં સુધી તે વિચારતી રહી. આ ટ્રીસ ખોટું તો નથી બોલતીને? હોસ્પિટલ જઈને મને સાચું કહેશે જેથી ત્યાં બધા હોય મને બધા સંભાળી લે... છેક હોસ્પિટલના રુમ સુધી જતા શ્રીના હૃદયના ધબકારા વધતા જતા હતા એક દહેશત એના મનમાં ઘર કરી ગઈ હતી.

હોસ્પિટલ પહોંચી બંનેએ પૂછપરછ કરી અર્જુનનો રૂમ નંબર મેળવ્યો. ઝડપથી બીજા માળે પહોંચી ગયા. રૂમનો દરવાજો ખોલી બંને અંદર દાખલ થયા ત્યારે બેડ ઉપર સુતા અર્જુનને જોઈ શ્રી લગભગ ચીસ પાડી ઉઠી. કોઈ માણસના ચહેરા ઉપર પટ્ટીઓ લગાવી હોય એનો અર્થ શું હોઈ શકે એ તો દરેકને અંદાજ હોય જ. અર્જુન સાથે વિતાવેલ એક એક પળ નજર સામે ફ્લેશબેક થવા લાગી.

ઉતાવળા પગલે તે અર્જુનના બેડ પાસે પહોંચી. ભાંગેલા હાથ ઉપરનું પ્લાસ્ટર, પગના પંજા અને ચહેરા ઉપરના પાટા પટ્ટીઓ જોઈ તેની આંખ ભીની થઇ આવી.

"હી ઇઝ આઉટ ઓફ ડેન્જર...." ઇન્જેક્શન લગાવવા આવેલી નર્સે તેને રડતી જોઇને કહ્યું. રૂમમાં એક જ મહિલા તરીકે શ્રીને જોઈને નર્સ સ્વભાવિક રીતે જ તેમના સબંધ સમજી ગઈ હતી.

રુદ્રસિંહ અને આદિત્યએ તેમજ ટ્રીસે એ પછી શ્રીને ઘણી સાંત્વના આપી, સવાર સુધી એ હોશમાં આવી જશે એની ખાતરી આપી. વારાફરતી ઘણું સમજાવ્યા પછી શ્રી આઘાતમાંથી બહાર આવી ખરા પણ છતાંય વહેલી સવાર સુધી એ અર્જુનના ચહેરા તરફ જોઈ ઉદાસ બેસી રહી.

*

સવાર પડી. સફેદ દીવાલોવાળી હોસ્પિટલમાં બધે જ સૂરજના કિરણો છવાયા. બધા ડોક્ટર્સ, નર્સ અને પેશન્ટસના સગાઓમા ચહલપહલ થઇ. છેક સવારે ચાર પાંચ વાગ્યે અર્જુનના બેડ સામેની ભીતે ટેકો લઇ સુઈ ગયેલી શ્રીના ચહેરા ઉપર બારીમાંથી કિરણો પડ્યા. તે જાગી. જાગીને તરત જ અર્જુન પાસે ગઈ. પણ અર્જુને હજુ સુધી આંખ ખોલી ન હતી. શ્રીની આંખો રાત્રે રડીને અને જાગીને સુજાઈ ગઈ હતી. તે મીનીટો સુધી અર્જુનનો પાટા પટ્ટીવાળો ચહેરો સૂજેલી બંધ આંખો લમણા ઉપરના લાલ અને લોહી જામીને અમુક કાળા પડી ગયેલા ઘા જોઈ રહી. હળવેથી તેણીએ તેના ચહેરા ઉપર આંગળીઓ ફેરવી. અને જાણે તે સ્પર્શથી તેની પીડા તે અનુભવી શક્તિ હોય તેમ એની આંખોમાંથી પાણી ધસી આવ્યું.

અદિત્યએ કાઈ પણ બોલ્યા વગર એ બધું જોયું. પછી બહાર જઈને ડોક્ટરને બોલાવી લાવ્યા.

ડોકટરે આંખો તપાસી જોઈ, હાર્ટ બીટ તપાસી જોઈ અને રુદ્રસિંહને બાજુ પર લઈ જઈ કહ્યું, "મી. રુદ્રસિંહ દેખો અત્યાર સુધી અર્જુનને હોશ આવવો જોઈએ એવું મેં કહ્યું હતું તેમ છતાં આવ્યો નથી પણ વધુમાં વધુ સાંજ સુધી એ આંખો ખોલશે તમે નિશ્ચિંત રહો."

"ડો. પણ એ કોમાંમાં...."

"નો સર, કોમાં પોસીબલ નથી, બસ એને થર્ડ ડિગ્રી ટોર્ચર કરવામાં આવ્યો છે ઉપરાંત ભૂખ્યો અને તરસ્યો રાખ્યો છે એટલે શક્તિ નથી એના શરીરમાં ધેટ્સ ઇટ, ચિંતાનો કોઈ વિષય નથી."

"આર યુ સ્યોર ડો." ધરપત ન થઈ હોય એમ રુદ્રસિંહે ફરી એકવાર ખાતરી કરવા પૂછી લીધું.

"ઓફકોર્સ સ્યોર છું, આવા કેસ મેં જોયા છે. નો ડાઉટ એને સંપૂર્ણ ઠીક થતા સમય લાગશે, પગની બધી આંગળીઓમાં મીની ફ્રેક્ચર છે, એક હાથ ભાગેલો છે, ચહેરા ઉપર બ્લેડ મારવામાં આવી છે...." ચહેરા ઉપર બ્લેડ મારી છે એ વાત કહેતા તો ખુદ ડોકટર જેનું વાઢ કાપનું કામ જ હોય એના શરીરમાંથી પણ એક ધ્રુજારી ઉઠી. સ્વસ્થ થઈ ડોક્ટરે ફરી વાત આગળ વધારી, "ચહેરાના નિશાન સમય જતાં ભરાઈ જશે, હાથ પણ સાજો થઈ જશે અને મીની ફ્રેક્ચરમાં કોઈ ઓપરેશનની જરૂર નથી. એ નેચરલી સંધાઈ જશે."

"થેંક્યું ડોકટર."

"અને હા એ ભૂલમાં પણ ચાલવો ન જોઈએ નહિતર પગની આંગળીઓ સાજી નહિ થાય." છેલ્લી ટકોર કરી ડોક્ટરે વિદાય લીધી.

દરવાજે ઉભા રુદ્રસિંહ જાણતા હતા કે એમની પીઠને શ્રીની નજર જોઈ રહી છે. પાછળ ફરતા વેળાએ થોડો ડોળ કરવો પડશે નહિતર શ્રી ગભરાઈ ઉઠશે. રુદ્રસિંહે ચહેરા ઉપર સ્મિત લાવી શ્રીને પોતાની નજીક બોલાવી.

"શુ કહ્યું ડોક્ટરે?" પ્રશ્નાર્થ આંખો રુદ્રસિંહના ચહેરા સામે માંડી કોઈ સારો જવાબ મેળવવાની આશાએ તે ઉભી રહી.

"ડોક્ટરે કહ્યું છે વધુમાં વધુ આજે રાત સુધી અર્જુનને હોશ આવી જશે બસ એને થોડી અશક્તિ છે એટલે આંખો નથી ખોલતો, દવા ચાલુ છે, ઇન્જેક્શન પણ ચાલુ રહેશે એટલે સાંજ સુધી એ બોલશે.."

"સાચે ને? ડોકટરે એવું જ કહ્યું છે કે તમે કઈક અલગ કહો છો?"

એ પ્રશ્ન સ્ત્રીસહજ હતો. દીકરી સમાન શ્રી આગળ ખોટું બોલવું ગમ્યું તો નહીં પણ એટલા દિવસોથી મોત જેની સાથે ખેલ ખેલતી હોય અને અંતે અર્જુન મળ્યો હોય એ શ્રીને કેમ કરી કહેવું કે અર્જુનને ઠીક થતા મહિનાઓ લાગી જશે. એના હાથમાં રોડ નાખ્યો છે, પગની એક એક આંગળીમાં ફ્રેક્ચર છે?!!! આમ તો પોલીસને કાળજું ન હોય પણ અહીં વાત અલગ જ હતી.

"હા બેટા, બધું ઠીક થઈ જશે." શ્રીના ગાલ ઉપર વહાલથી હાથ ફેરવી રુદ્રસિંહ કહ્યું અને ચહેરાનો ભાવ ચાડી ખાઈ ન જાય તે માટે તરત જ આદિત્ય જોડે ગયા. ઇશારાથી આદિત્યને બહાર આવવા કહ્યું.

"શ્રી, ટ્રીસ તમે અહીં ધ્યાન રાખજો અમે જરા ચા પાણી કરી આવીએ." કહી આદિત્ય રુદ્રસિંહ પાછળ બહાર નીકળ્યા.

હોસ્પિટલ બહાર નીકળી રુદ્રસિંહે ડોક્ટરે કહેલી વાત આદિત્યને કહી.

"તો અર્જુન બોલે એની રાહ જોવાનો સમય નથી આપણી પાસે."

"હા આદિ આપણે એની પહેલા જ કઈક કરવું પડશે. મનુએ આજ રાતનો સોદો ગોઠવ્યો છે."

"ઠીક છે હવે એક છેલ્લો ખેલ આપણે કરીએ."મૂછો ઉપર હાથ ફેરવી અદિત્યએ કહ્યું, "મનું નીકળ્યો કે નહીં?"

"હા એ તો અર્ધી રાત્રે નીકળ્યો હવે તો આવી પહોંચવો જોઈએ..."

"ઠીક છે ત્યારે વેઇટ એન્ડ વોચ....." કહી સ્ટોલ ઉપરના છોકરાને બુમ લગાવી અદિત્યએ ચા મંગાવી અને બાંકડા ઉપર ગોઠવાઈ વિચારવા લાગ્યા.

*

રાત્રે બાઈક રસ્તા પર મુકીને જ ટોમ આહી આવ્યો હતો એટલે સવારે જ બાઈક ભાડે આપતી કંપનીને કોલ કરી બાઈક લઇ જવા એડ્રેસ આપ્યું. કંપનીવાળે ફોનમાં થોડીક ગાળો બોલી તે તેને સાંભળી લેવી પડી. ગાળો ખાઈને તે તૈયાર થયો. ફરી તે પોતાના ઓરીજીનલ લુકમાં આવી ગયો. જીન્સ ટી શર્ટ સ્પોર્ટ્સ સુજ અને એ જ તેની ફ્રી સ્ટાઈલમાં હોળાવ્યા વગરના વાળ.

સવારના નવેક વાગ્યે તૈયાર થઈને ટોમે ફ્રીઝમાંથી થોડાક ફળ લાવી નાસ્તો કર્યો. અંદર પૃથ્વી પણ તૈયાર થઇ ગયો હતો. તેને પણ ટોમે એક ડીશમાં ફળ આપ્યા અને બહાર આવ્યો. એકાએક તેની નજર ગેટ તરફ ગઈ ત્યાં એક સફેદ સ્કોર્પિયો નજરે ચડી. ધીમી સ્પીડે આવતી સ્કોર્પિયો ગેટ આગળ ઉભી રહી કે સફાળા ગન ખેંચી અને પૃથ્વીને અવાજ લગાવી.

“મી. પૃથ્વી..... અરે પૃથ્વી.....” તે ક્યારેક પૃથ્વીને માન આપતો ક્યારેક ન આપતો.

“શું થયું?” અંદરથી પૃથ્વી પણ તરત બહાર દોડી આવ્યો.

“લુક ધેર....” ટોમે દરવાજે ઉભી સ્કોર્પિયો ગાડી તરફ ઈશારો કર્યો.

“ઓહ તેરી...” પૃથ્વી સ્વગત જ બબડ્યો અને બંનેએ સેફ જગ્યાએ પોઝીશન લઈ નજર ગેટ તરફ માંડી. પૃથ્વીએ ગન કાઢી.

“આ ગાડી તો આપણા કોઈની નથી..” પૃથ્વીએ કહ્યું.

“એટલે જ મેં બુમ મારીને તમને બોલાવ્યા ને...” ટોમે કહ્યું તે સાથે જ તેનો ફોન રણક્યો. હળવેથી સ્ક્રીન ઉપર આંગળી ફેરવી ટોમે ફોન લીધો.

"ટોમ એજન્ટ એમ. આવી ગયો છે. મેં નિશાન સાથે ફાર્મ હાઉસનું સરનામું આપ્યું હતું છતાં એકવાર કનફર્મ કરી લેવા એ બહાર ઉભો છે." સામે છેડેથી અદિત્યએ કહ્યું.

"વ્હાઇટ સ્કોર્પિયો તો નથી ને?"

"હા એ જ છે..."

ટોમે પૃથ્વીને બધું ઠીક છે નો ઈશારો કર્યો. "ઓકે એજન્ટ એમ. પહોચી ગયા છે કનફર્મડ...." કહી ટોમે ફોન રાખ્યો.

“તે ઇન્સ્પેકટર મનુ છે.” ટોમે કહ્યું, “હું ત્યાં જાઉં છું.”

“ઓકે, પણ આ મનુ આમ રોજ નવી નવી ગાડીઓ ક્યાંથી લાવે છે.” પૃથ્વીએ ગન કમરમાં ખોસી અને ફરી ખુરશીમાં ગોઠવાયો.

ટોમ ગેટ તરફ ગયો. ફાર્મ હાઉસનો દરવાજો ખોલ્યો અને ગાડી અંદર લેવરાવી. દરવાજો બંધ કરી તેણે ગાડીને મકાનની પાછળના ભાગે પાર્ક કરાવી જેથી રોડ પરથી ગાડી કોઈને દેખાય નહિ.

ત્રણેય ફરી ખુરશીમાં ગોઠવાયા. પૃથ્વીએ તેને પાણી આપ્યું. મનુને અહીંની બધી પરિસ્થિતિ કહી સંભળાવી. મનુએ બંનેને વડોદરાની બધી કહાની સંભળાવી. એ સિવાય કઈક ચર્ચાઓ કઈક આયોજન થયા એ પછી ફરી દરવાજે એક ગાડી આવી. રુદ્રસિહ નીચે ઉતર્યા, ગેટ ખોલ્યો અને ગાડી અંદર આવી. ગેટ બંધ કરી રુદ્રસિહ વે ઉપર ગાડી પાછળ ચાલવા લાગ્યા.

***

ક્રમશ:

વિકી ત્રિવેદીની ટૂંકી વાર્તાઓ અને લેખ વાંચવા માટે અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky