ખેલ : પ્રકરણ 25 Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખેલ : પ્રકરણ 25

રુદ્રસિહેના દિલો દિમાગ ઉપર આદિત્યને જીવિત જોઇને ગહેરી, વિચિત્ર પણ ગમે તેવી, દિલ નાચી ઉઠે તેવી અસર થઇ હતી. કદાચ શ્રી કૃષ્ણ અને સુદામો મળ્યા ત્યારે તેવું જ કઈક સંવેદન થયું હશે તેની કલ્પના કરવી આ અજોડ મિત્રોની દોસ્તી પરથી શક્ય બને! ઘણા દિવસો પછી રુદ્રસિહ ઉત્સાહમાં ધરાઈને જમ્યા. પણ શ્રી માત્ર એમના માનમાં જ થોડું ખાઈ શકી. જેલમાં બેફામ મનુને જવાબ આપનારી શ્રી એક જ પળમાં પલટાઈ ગઈ હતી. તેના મનમાંથી અર્જુન ખસતો ન હતો. આદિત્યની વાત સાંભળ્યા પછી તેના મનમાં પેલા કિડનેપરના શબ્દો ભમતા હતા. એ માણસે ફોન ઉપર કોઈને કહ્યું હતું, “જી બોસ, બીજું મહોરું પણ મળી ગયું છે."

તેના મનમાં અત્યાર સુધી માત્ર અર્જુન માટે નફરત હતી એટલે તે કાઈ વિચારી નહોતી શકી. પણ હવે તેને એ શબ્દો સમજાતા હતા. બીજું મહોરું હું હોવ તો પહેલું મોહરું કોણ? એ પહેલું મોહરું અર્જુન જ હોય ને? એનો અર્થ અર્જુન એ માણસના કબજામાં હોવો જોઈએ જેણે એ કિડનેપર સાથે ફોન ઉપર વાત કરી હતી. તે અકળાઈ ગઈ. આ વાત આદિત્યને કહેવી તેને જરૂરી લાગી.

જમ્યા પછી ફરી ચારેય એક રૂમમાં ભેગા થયા. તે રૂમ ડીજીટલ રૂમ હતો. શ્રી અને રુદ્રસિહ બેઠા. પછી આદિત્ય કોમ્પ્યુટર લેબમાંથી કઈક રોજિંદુ કામ અને સૂચનાઓ એજન્ટ્સને આપીને આવ્યા. એ પછી પૃથ્વી હાથમાં સિગારેટ લઈને અંદર દાખલ થયો. તે આવીને બેઠો એટલે તરત મનમાં ક્યારનોય ઘોળીને રાખેલો સવાલ શ્રીએ કર્યો.

“મને એક વાત હવે યાદ આવી.”

“શું?”

“જયારે મને કિડનેપ કરવા એ માણસ આવ્યો ત્યારે તેણે ફોન પર કોઈ જોડે વાત કરી હતી. એણે કોઈને કહ્યું હતું કે બીજું મહોરું પણ મળી ગયું છે.”

“એટલે પહેલું મહોરું અર્જુન જ હોય.” આદિત્યએ કહ્યું.

“એટલે આ બંનેનો કોઈએ મહોરા તરીકે ઉપયોગ કર્યો છે.” પૃથ્વી વિચારમગ્ન અવસ્થામાં ધીમેથી બબડ્યો.

"ઓફિસમાંથી કોણ હોઈ શકે?" શ્રીએ પૂછ્યું. હજુ ય તેને નવાઈ થતી હતી. ઓફિસમાં એક પણ એવો માણસ ન હતો જે આવું કામ કરી શકે. શ્રી એ માનવા તૈયાર ન હતી પણ જમતી વેળાએ તેણીએ પૃથકરણ કર્યું હતું. જીવનમાં મળેલા ઘણા માણસો ચહેરા પરથી ઓળખાતા નથી તો પછી ઓફિસમાં ભોળા દેખાતા આશિષ કે વિક્રમ એ કામ ન કરી શકે તેની શી ખાતરી?

"કોઈ પણ હોઈ શકે વિક્રમ, પૂજા, કાવ્યા, આશિષ, નીલ.. કોઈ પણ હોઈ શકે." આદિત્ય ઉભા થઇ ગયા.

"કે પછી કદાચ બોસ? કદાચ રાજીવ દીક્ષિત ખુદ હોય?" પૃથ્વીએ પણ એક સંભાવના દર્શાવી.

"માની લઈએ કે એ બધામાંથી કોઈ એક છે પણ હવે એની ખાતરી કઈ રીતે કરવી?" રુદ્રસિંહે કહ્યું.

"એ જ તો સમસ્યા છે." શ્રીએ પણ ટાપશી પુરી.

"એ બધું હવે મારે જોવાનું છે. એ મારો વિષય છે." આદિત્ય શ્રી અને રુદ્રસિહ તરફ એક નજર કરીને પૃથ્વી તરફ ફર્યા, "તું મારી સાથે ચાલ."

"ઓકે સર." તે ઉભો થયો અને આદિત્ય સાથે બંને બહાર નીકળી ગયા.

*

"સર ઓફિસના એટલા માણસોનો પતો કઈ રીતે લગાવીશું?" બહાર નીકળતા તરત પૃથ્વીએ સવાલ કર્યો.

"પૃથ્વી એની વ્યવસ્થા છે...” પૃથ્વીના ખભે હાથ મૂકી ચાલતા એજન્ટે કહ્યું, “એક દાયકાથી મેં મારા અને મનું જેવા ઘણા અનાથ બાળકોને અહીં લાવ્યા છે. આપણી પાસે હવે એક ટિમ છે."

"ટિમ? મતલબ પેલો ડ્રાઇવર જે કહેતો હતો કે અહીં બધાને કેસ શીખવવામાં આવે છે એક સ્કૂલ જેવું છે એ વાત સાચી છે?"

"હા પૃથ્વી, મારી ઉંમર એક દિવસ પુરી થઈ જશે એટલે હું મારા જેવા હજારો સિક્રેટ એજન્ટ છોડીને જવા માંગતો હતો, મેં અહીં લગભગ પચીસેક માણસોની ટીમ તૈયાર કરી છે, એમાં કોઈ હેકર છે, કોઈ નિશાન બાજ છે, કોઈ માઈન્ડ પ્લેયર છે તો કોઈ ફેસ રીડર, કોઈ એકટર છે તો કોઈ ચોર છે."

"વોવ અમેજીંગ મજા આવશે...." પૃથ્વી ઉત્સાહમાં બોલ્યો. એજન્ટે તેની તરફ સ્મિત વેર્યું અને કોમ્પ્યુટર લેબ આવી ગઈ એટલે અટક્યા. દરવાજો ખોલી અંદર પ્રવેશ્યા. પૃથ્વી એમની પાછળ અંદર દાખલ થયો. લેબમાં પાંચેક માણસો કોમ્પ્યુટર ઉપર કામ કરતા હતા. અદિત્યએ એમાંથી એક તરફ ઈશારો કરી એને બહાર બોલાવ્યો.

"સર..." ખાસ્સો ઉંચો અને પાતળો પેલો આદમી આવીને અદબથી ઉભો રહ્યો. પૃથ્વી તેને જોઈ રહ્યો. તેની આંખો ભૂરી હતી. વાળ થોડા ભૂખરા અને ગમેતેમ વિખેરાયેલા. જીન્સ અને રેડ ટી-શર્ટમાં તે હતો તેના કરતા વધારે ગોરો લાગતો હતો.

"એજન્ટ ટોમ મુબઈમાં એક ઓપરેશન છે, જેમાં તારે એકાઉન્ટન્ટ બની મુંબઈ જવાનું છે, ત્યાં રાજીવ દીક્ષિત નામના વકીલની ઓફિસમાં કામ કરવાનું છે તારે."

"ઓકે સર." ટોમે હકારમાં માથું હલાવ્યું અને પૃથ્વી સામે જોઈ સ્મિત વેર્યું, પૃથ્વીએ હસીને આંખો નમાવી. તેનું નામ ટોમ છે એ જાણ્યા પછી જ પૃથ્વીને થયું કદાચ તે આટલો ગોરો છે અને નામ ટોમ છે એટલે અંગ્રેજ હશે.

"આગળ શું કરવાનું છે એ બધું તું જાણે જ છે, એની કવેશચન?"

"હું મારું કામ જાણું છું, નો સર નો કવેશચન, મને લાયક સમજવા માટે આભાર."

"ગુડ આજે જ નીકળવાનું છે તારે, તારો સામાન, ક્રેડિટ કાર્ડ બધું કલેક્ટ કરીને રવાના થા, એડ્રેસ તને એસ.એમ.એસ.માં મળી જશે પહોંચતા સુધી."

આદિત્યએ ટોમને એક કાગળ આપ્યું જેમાં શ્રી એ આપેલી ઓફિસની એક એક વિગત હતી અને કહ્યું, “તને કંપની માટે કોઈ મળશે.”

"ઓકે સર." કહી ટોમ લેબ બહાર નીકળી ગયો.

"પૃથ્વી, એક જ દિવસમાં બધી માહિતી આ ટોમ લાવી દેશે." ટોમ ગયો એટલે આદિત્યએ પૃથ્વીને કહ્યું. બાકીના ચાર લોકો પોતાનું કામ કરતા રહ્યા. અહી બધાને પોતાનું કામ કરવાની એક રીત હતી.

"પણ સર એણે જે રીતે થેંક્યું કહ્યું એના પરથી લાગે છે ટોમ પહેલીવાર કોઈ કામને અંજામ આપવા જાય છે. આર યુ સ્યોર એ કરી શકશે?"

"પૃથ્વી તે પણ પહેલીવાર જ કર્યું હતું ને બધું? એક મામુલી ડ્રાઇવર હતો તું યાદ છે ને?"

"હા યાદ છે."

"અને અહીં જે પણ માણસો છે એ બધા મેં પસંદ કરેલા છે. ટોમ ઉપર ન હોય તો કઈ નહિ પણ મારા ઉપર તો વિશ્વાસ હશે જ ને?"

"જી બિલકુલ સર."

આદિત્ય અને પૃથ્વી વાતો વાતોમાં બિલ્ડીંગ બહાર નીકળ્યા ત્યાં સુધી ટોમ એનો સામાન લઈ આવી પહોંચ્યો હતો. બિલ્ડીંગની બહાર જમણી તરફ પાર્કિંગ હતું. ડાબી તરફ અલગ અલગ છોડ અને વ્રુક્ષો હતા. સુવાળા ઘાસ ઉપર તડકો પડતા ચમકતું હતું. પૃથ્વીએ એક નજર એ તરફ કરી.

આદિત્ય ટોમ પાસે ગયા. ટોમને છેલ્લી સૂચના આપી, "ટોમ, તારો બાયો ડેટા બરાબર બનાવ્યો છે કે? ડિગ્રી અને સર્ટિફિકેટમાં કોઈ કચાસ તો નથી ને? રાજીવ દીક્ષિત જેવા તેવા માણસોને નથી રાખતો."

"સર બાયો ડેટા, સાથે બધા સર્ટિફિકેટ્સ તૈયાર છે, લેવા લાયક સામાન લઈ લીધો છે ડોન્ટ વરી..."

“ઓકે બેસ્ટ ઓફ લક. વિજયી ભવ...” તેની પીઠ ઉપર હળવો ધબ્બો મારી આદિત્યએ કહ્યું.

ટોમે માથું જુકાવી વિવેક કર્યો અને પોતાની ગાડીમાં સામાન ગોઠવી ડ્રાઈવર સીટમાં બેઠો. ટોમની ઈ.ઓ.એન. ડ્રાઈવ-વે પાર કરી મુખ્ય હાઇવે પર પહોંચી ત્યાં સુધી પૃથ્વી એ જોતો રહ્યો.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky