ખેલ : પ્રકરણ-23 Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખેલ : પ્રકરણ-23

આગળની રાત્રે મોડા સુધી મનુ વિચારોમાં હતો. પૃથ્વી અને રુદ્રસીહ બંને શ્રીને લઈને એજન્ટ પાસે ગયા હતા. કેટલે પહોંચ્યા વચ્ચે કોઈ આફત આવી હશે કે કેમ એ પણ જાણી શકાય એમ નહોતું કારણ કે એ લોકો પાસે કોઈ ફોન હતો નહિ.

બીજા દિવસે સવારનું એલાર્મ વાગતું હતું. સ્ટેશન ઉપર સૂર્યના કિરણો ફરી વળ્યાં હતા. ઠંડીનો ચમકારો હજુ હતો. સ્ટેશનમાં ઇન્સ્પેકટર રૂમમાં સોફા ઉપર મનું ઊંઘયો હતો. મોબાઈલમાં મૂકેલું એલાર્મ એના કાનમાં ગુંજી ઉઠ્યું ત્યારે સફાળો એ જાગ્યો. આળસ મરડી ઉભો થઈ ગયો. કોન્સ્ટેબલને ચા લેવા મોકલી ઝડપથી તૈયાર થઈ ગયો.

કોન્સ્ટેબલ થોડીવારમાં ચા લઈ આવ્યો. મનુએ પૃથ્વી અને રુદ્રસિહ પહોંચ્યા કે નહિ એની ખાતરી કરવા મોબાઈલ હાથમાં લીધો ત્યાં જ બહારથી બીજો કોન્સ્ટેબલ આવ્યો.

"સર મુંબઈથી...."

"મુંબઈથી ડી.એસ.પી. ભાગવત આવ્યા છે ને?" કોન્સ્ટેબલને વચ્ચે અટકાવી મનુએ જ કહ્યું.

"જી સર...." કોઈ ભવિષ્યવાણી કરી હોય તેમ કોન્સ્ટેબલ ડઘાઈને ઉભો રહ્યો.

"મુકો અંદર....." મનુએ કપ ઉઠાવી સ્મિત વેર્યું.

"જી સર." યંત્રવત કોન્સ્ટેબલ ફરી બોલ્યો અને બહાર ચાલ્યો ગયો.

કોન્સ્ટેબલ બહાર ગયો અને ત્યાં ડી.એસ.પી. ભાગવત અંદર દાખલ થયો. મનું ટેબલ ઉપર મૂકેલું છાપું વાંચવા લાગ્યો, જાણે ડી.એસ.પી. અંદર આવ્યો એની એને જાણ જ ન હોય એમ વર્તવા લાગ્યો. ભાગવત સીધો જ મનુના ટેબલ નજીક આવી ચેર ખેંચી બેસી ગયો.

"બોલો મી....." ભાગવત યુનિફોર્મમાં હોવા છતાં મનું જાણે આવનાર વ્યક્તિને જાણતો જ ન હોય એમ પૂછ્યું.

"હું ડી.એસ.પી. ભાગવત." ડી.એસ.પી.એ પણ ફોર્મલિટી કરી પોતાનો પરિચય આપ્યો. મનુએ તે બેસે તે પહેલા જ પગથી માથા સુધી જોઈ લીધો હતો. કોઈ વાણીયા વેપારી જેવો દેખાવ દાઢી મુછ વગરનો ચહેરો, ઉમરના સોઝા ગરદન અને ગાલ ઉપર દેખાતા હતા. આંખો થોડીક ફિક્કી થઇ ગઈ હતી. બહાર આવેલા પેટમાં યુનિફોર્મ કઈક વિચિત્ર લાગતો હતો. મનુને આ રીતે કોઈ પણ વ્યક્તિને પગથી માથા સુધી જોઈ લેવાની વાંચી લેવાની ટેવ હતી.

"વેલ હું ઇન્સ્પેકટર મનું." કહી મનુએ હેન્ડશેક કર્યા.

"શુ સેવા કરી શકું તમારી?"

"મી. મનું સેવામાં મેં ફોન ઉપર જે જણાવ્યું હતું એ જ વાત કરવા આવ્યો છું."

"અને મારો જવાબ પણ એ જ છે સાહેબ છોકરીને કોઈ ઉઠાવી ગયું છે." મનુએ હસીને કહ્યું. તે દાઢમાં હસ્યો હતો એ ભાગવતે નોધી લીધું.

"ઉઠાવી ગયું છે કે નીકાળી દીધી છે મી મનું? કહીને ભાગવત અટક્યો અને મનુના રીએક્શન જોવા લાગ્યો પણ મનુના ચહેરા ઉપર તેવું જ સ્મીત જોઈ આગળ કહેવું પડ્યું, “મારો કહેવાનો મતલબ કદાચ કોઈ આ પોલીસ સ્ટેશનમાંથી જ એવું હોય જે શ્રીને ભગાડવામાં મદદ કરતું હોય.”

ભાગવતે આડકતરી રીતે મનુને ચેતવણી આપી કે હું જાણું છું છોકરીને તે જ ભગાડી છે. પણ ભાગવત સ્પષ્ટ કહી શક્યો નહિ. તેમ છતાં મનુને તે ખ્યાલ પહેલેથી જ હતો કે ભાગવત સીધે સીધું મારા ઉપર કોઈ દબાણ લાવી શકવાનો નથી. કારણ કે મનુએ આબાદ પ્લાન ઘડ્યો હતો.

"મી. ભાગવત તમને એવું કેમ લાગ્યું?" મનુએ ભાગવતની વાત જાણે સમજાઈ જ ન હોય એમ પૂછ્યું.

"કેમ કે હુમલો થયો ત્યારે સ્ટેશનમાં કોઈ હતું નહીં તમારા સિવાય એનો અર્થ એ જ છે કે હુમલો કરનારને કોઈએ પહેલેથી જ માહિતી આપી હશે કે અહી કોઈ હાજર નથી."

"એક મિનિટ મી. ભાગવત હું આપના માટે ચા મંગાવી લઉં.” હસીને મનુ ઉભો થયો અને બહાર જઇને એક કોન્સ્ટેબલને ચા લેવા મુક્યો. ખરેખર તો તે આ રીતે ભાગવતને હેરાન કરવા માંગતો હતો.

એ પાછો ફર્યો, ફરી ભાગવત સામે ખંધુ હસીને ખુરશીમાં બેઠો.

“વેલ તમારી વાતનો જવાબ આપું. સ્ટેશનમાં ત્રણ ઓફિસર હતા એક રુદ્રસિંહ બીજા પૃથ્વી દેસાઈ અને ત્રીજો હું અને હુમલામાં શુ થયું છે એની કદાચ તમને પૂરી માહિતી નથી." મનું ફરી ઉભો થયો. પાછળના કબાટ ઉપર મુકેલા ન્યુઝ પેપરમાંથી તારીખ જોઈને એક ન્યુઝ પેપર લઈ આવ્યો.

"મી. ભાગવત હુમલામાં એ છોકરીને ઉઠાવી જતા માણસોને અમે રોકવા માટે પૂરો પ્રયત્ન કર્યો પણ સ્ટેશન ઉપર હુમલો થાય એવી કોઈને કલ્પના જ નહોતી, અમે કોઈ તૈયાર નહોતા. છતાં શ્રીનો બચાવ કરવા માટે મેં ત્રણ માણસોને શૂટ કર્યા પણ હુમલાખોરની સંખ્યા વધારે હતી એમાં પૃથ્વી અને રુદ્રસિંહની ગોળીઓ પુરી થઈ ગઈ એટલે એ બંનેને પકડી બંદૂકની નોક ઉપર શ્રીને ઉઠાવી ગયા." મનુએ છાપું ટેબલ ઉપર મૂકી કહ્યું, "આ પહેલા પેજ ઉપર સમાચાર છે મી. ભાગવત જોઈ લો તમે. ગુજરાતી વાંચતા તો આવડતું જ હશે ને?"

“હમમ...”

ભાગવતે હેડ લાઇન ઉપર નજર કરી : પોલીસ સ્ટેશન ઉપર હુમલો થયો જેમાં એક કેદી અને બે પોલીસ અફસરને ઉઠાવી જવામાં આવ્યા. ભાગવત મનોમન ધુવા પુવા થઈ ગયો, "એવું કંઈ રીતે શક્ય છે મી. મનું? એ લોકો છોકરીને લઈ ગયા સાથે પોલીસના બે અફસરને પણ લઈ ગયા?"

"કેમ શક્ય નથી? ક્યાંક એવુ તો નથી કે હુમલાખોર કોને લઈ ગયા છે એની માહિતી તમને પહેલેથી જ છે? આવો મારી સાથે...." મનુ શ્રી જ્યાં કેદ હતી એ તરફ ડી.એસ.પી.ને લઇ ગયો.

"મી. મનું મારા કહેવાનો અર્થ...."

"તમારા કહેવાનો અર્થ હું સમજુ છું મી. ભાગવત. તમારા કહેવા મુજબ બે પોલીસને લઈ ગયા હુમલાખોર તો મને અહીં કેમ છોડ્યો? એનો અર્થ એ કે હું એ હુમલો કરનાર ગેંગ સાથે જ હતો." એટલું કહી મનું અટક્યો ભાગવત સામે જોઇને ફરી બોલ્યો, "તમે મારા ઉપર શક કરો છો મી. ભાગવત? તો એવો જ એક શક મારા મનમાં પણ છે કે તમે એવું ખાતરીપૂર્વક કઈ રીતે કહી શકો કે હુમલો કરનાર માણસો પોલીસ અફસરને ન લઈ જાય? ક્યાંક તમે સાથે તો નથી ને મી. ભાગવત?"

"ઇન્સ્પેકટર....." ભાગવત ઉકળી ઉઠ્યો. મનું ધાર્યા કરતાં વધારે જ ચાલક નીકળ્યો હતો, પોતે છોકરી ક્યાં છે એ પૂછવા દબાણ આપવા આવ્યો હતો પણ અહીં મનુએ બે પોલીસ અફસરને ગાયબ કરી દીધા હતા, પોતાની જ ચાલમાં એ ફસાઈ ગયો હતો. મનુ કોઈ એલફેલ પોલીસવાળો ન હતો તેની ખબર હવે ભાગવતને થવા લાગી. તેની બોલવાની છટા અને એકએક પોઈન્ટમાં તે સામેવાળાને ફસાવી શકે તેવો કાબિલ છે.

"મી. ભાગવત જો તમે કહી શકો કે શ્રીએ શું ગુનો કર્યો છે? કોણ એને પકડવા માંગે છે તો કદાચ હું તમારી મદદ કરી શકું." મનુએ હવે મીઠું નાખવાનું જ બાકી હતું. "જો તમે મને નહિ કહો તો શ્રી ક્યારેય તમને નહિ મળે ભલે મુંબઈની બધી પોલીસ એની પાછળ લગાવી લેશો તો પણ નહીં મળે."

મનુના એ વાક્યની ચેતવણી ભાગવત બરાબર સમજી ગયો. મનુએ ઇશારામાં કહ્યું હતું કે શ્રી ક્યારેય મળવાની નથી અને મુંબઈ પોલીસની મદદ તમે લઈ શકો એમ નથી કેમ કે તમારું કામ ઇલીગલ છે.

"મી. ભાગવત મારો કહેવાનો મતલબ કે જે લોકોએ હુમલો કર્યો એની પહોંચ ખૂબ ઉપર સુધી છે." કહી તે અટક્યો. શ્રી જ્યાં હતી ત્યાં ઈશારો કરતા ઉમેર્યું, “દેખો સાહેબ આ તૂટેલું લોક હજુ અહી જ છે....”

ડી.એસ.પી.એ તૂટેલું લોક જોયું. ગોળીથી લોક તોડીને શ્રીને બહાર નીકાળી છે એ સ્પસ્ટ દેખાતું હતું. પણ આ મનુ એટલો ચાલાક કઈ રીતે હોઈ શકે, હુમલો થયાના તરત પછી જ એણે શ્રીને અહીંથી નીકાળી હશે તો એટલા સમયમાં આ લોક ગોળીથી તોડવું જેથી લાગે કે આ લોક હુમલો કરનાર માણસોએ તોડ્યું છે એવું પ્લાનિંગ એણે પહેલેથી જ કઈ રીતે કર્યું? શું એ જાણતો હશે કે કોઈ અહી આવીને સબુત માંગશે? આ બધું થશે એવી એને પહેલેથી જ ખબર હશે? ડી.એસ.પી. ભાગવત વિચારે ચડી ગયો. તે મનુનું પ્લાનિંગ જોઇને બરાબર ગીન્નાયો હતો.

"વેલ મી. મનું, થેંક્યું ફોર કો ઓપરેશન. સી યુ અગેઇન." કહી ડી.એસ.પી. દાંત ભીંસતો બહાર નીકળી ગયો. મનુ તેની પાછળ બહાર આવ્યો.

“મી. ભાગવત, સર ચા આવી ગઈ છે કોન્સ્ટેબલ ટેબલ ઉપર મૂકી ગયો છે. પ્લીઝ હેવ એ ટી.”

ભાગવત ધુવાપુવા થઇ ગયો પણ તે કાઈ બોલી શકે તેમ ન હતો. તે ટેબલ પાસે ગયો. બેસ્યા વગર જ કપ ઉઠાવ્યો અને પી ગયો. પછી મનુને કહ્યું, “દીકરા તારા જેવા કેટલાય પી.આઈ. અને પી.એસ.આઈ. મેં બનાવ્યા છે અને ઉતાર્યા છે.”

“તેની હું ક્યાં ના કહું છું સર, આઈ મીન તમારો ચહેરો જોતા જ એ ખ્યાલ મને આવ્યો....” તેના મનમાં શબ્દો આવ્યા તમે કેટલા હરામી છો અને નીચ હશો પણ ફેરવીને કહ્યું, “કે તમે બહુ અનુભવી હશો.”

“સી યુ અગેઇન ઇન્સ્પેકટર.” એ બહાર નીકળી ગયો. મનુ એની પીઠ પાછળ મલક્યો. ભાગવત તું હિન્દી બોલનારો માણસ છે પણ હું કીસમ કીસમની ભાષા બોલનારો એજન્ટ એમ છું.

*

ડી.એસ.પી. ગયા પછી મનું પણ બહાર નીકળ્યો. સ્ટેશનથી થોડેક દૂર એક એસ.ટી.ડી. બુથમાં જઇ નંબર ડાયલ કર્યો.

"હેલો એજન્ટ એમ. હિયર...."

"હમમ..." સામેથી ધાર્યા મુજબનો જાણીતો અવાજ આવતા જ મનુનો ચહેરો ખીલી ઉઠ્યો.

"સર, શ્રી પહોંચી ગઈ?"

"હા, પહોંચી ગયા છે એ લોકો ડોન્ટ વરી."

"સોરી એજન્ટ એ. પણ અંકલને હવે કહેવું જ પડશે કે તમે શહીદ નથી થયા. હું વર્ષોથી આ વાત મારા અંદર રાખીને બેઠો છું પણ દિવસ રાત ચાચું તમારા વિશે વિચારે છે, પોતાની જાતને દોષિત સમજે છે તમારા નકલી મોત માટે... મરાથી હવે આ બધું દેખાય એમ નથી. એટલે મેં એમને સાથે મોકલ્યા છે કેમ કે એનાથી સારો મોકો શુ હોઈ શકે એમને હકીકત કહેવા માટે?"

"ફિકર ન કર બેટા હું એને સમજાવી દઈશ કે તે આ વાત એટલા વર્ષ કેમ છુપાવી રાખી. અને એમ પણ મારે મારા મિત્રને મળવું હતું તે યોગ્ય ફેંસલો કર્યો છે, મને કાલે પણ તારા ઉપર ગર્વ હતો અને આજે પણ છે."

"અહીં હાલત ખરાબ છે, ઊંચા લોકો રસ લે છે, મામલો સમજાતો નથી...." મનુએ જરા ચિંતિત અવાજે કહ્યું.

"ડર માણસને કમજોર બનાવે છે બેટા, આપણું કામ જ એવું છે જ્યારે હાલત ખરાબ હોય ત્યારે જ તો આપણી જરૂર પડે છે ને!" સામેથી આવતા અવાજમાં અનુભવની છાંટ મનુને સ્પસ્ટ વર્તાઈ.

"ઓકે કદાચ હું તમને જોઈન કરીશ મને થોડા સમય માટે સસ્પેન્ડ કરશે."

"ઓકે, અને હા એસ.ટી.ડી.માંથી કોલ કરવાની જરૂર નથી તારો મોબાઈલ કોઈ ટ્રેક કરી શકશે નહીં અહીં બધું તૈયાર છે."

"ઓકે, ઓવર...." રીસીવર મૂકીને મનું ફરી સ્ટેશન તરફ રવાના થઈ ગયો.... એના મનનું એક મોટું બોજ હવે ખાલી થઇ ગયું હતું. વર્ષોથી પિતા સમાન રુદ્રસિહને મી. આદિત્યની મોત માટે અફસોસ કરતા જોયા હતા છતાં પોતે કહી શકતો નહોતો કે હકીકત શું છે. એ વર્ષો જુનો બોજ આજે ઉતરી જવાનો હતો. શ્રી હવે સેફ જગ્યાએ પહોંચી ગઈ હતી, ત્યાં એને કોઈ ખતરો નથી એની મનુને ખાતરી હતી. હવે બસ આ ખેલ શું છે એ સમજી લેતા પોતાને અને એજન્ટને વધારે સમય નહિ લાગે એ મનુ જાણતો હતો. બસ અર્જુનનો કોઈ પતો મેળવી લેવા એજન્ટ શું કરશે એ વિચાર મનુના મનમાં ફરવા લાગ્યો.

એટલા વિચારો અને ઈમોશનમાં પણ તેના ધ્યાન બહાર એક બાબત ગઈ નહોતી કે બે માણસો તેની પાછળ છે. સ્ટેશન આગળ તે થોડોક અટક્યો. મોબાઈલ નીકાળી કોઈને ફોન કરતો હોય તેમ અભિનય કર્યો. મોબાઈલ કાને ધરીને ડાબી તરફ દૂરની એક રેસ્ટોરાં આગળ તેણે નજર કરી એક રેડ કલરની ગાડી પડી હતી. એ હસ્યો અને સ્ટેશનના પગથીયા ચડી ગયો.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky