ખેલ : પ્રકરણ-20 Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખેલ : પ્રકરણ-20

મોડી રાત્રે રુદ્રસિંહના દરવાજે ટકોરા પડ્યા. રુદ્રસિંહ હજુ પુસ્તક વાંચતા હતા. લક્ષ્મી અને સિદ્ધાર્થ ઉપર જઇ સુઈ ગયા હતા. રુદ્રસિંહને વર્ષોથી એક જ આદત હતી જ્યાં સુધી મનું ઘરે ન આવે ત્યાં સુધી એ ઊંઘતા નહિ. જીવનમાં એકવાર કરેલી ભૂલ માટે રુદ્રસિહને એક પ્રકારનો ફોબિયા થઇ ગયો હતો. આદિત્યએ રુદ્રસિહને સ્નાઇપર સોપીને પોતે બેકઅપ કિલરનું કામ કર્યું એમાં એક ધડાકામાં આદિત્ય મૃત્યુ પામ્યા, એ દ્રશ્ય ફરી ફરીને આંખો સામે આવી જતું. પોતાના મિત્રની મોત માટે રુદ્રસિહ હમેશા પોતાની જાતને જવાબદાર માનતા.

જો હું એની સાથે હોત તો આદિ આજે મારી સાથે હોત.... પણ હવે મનુ સાથે હું ક્યારેય એવું નહિ થવા દઉં એ ગણતરીએ રુદ્રસિહ બને એટલો સમય મનુ સાથે વિતાવતા. કોઈ વાર મનુ કામના લીધે મોડો પડે તો રુદ્રસિહ પુસ્તક વાંચવા બેસી જતા પણ મનુને જોયા પહેલા સુવાનું નહિ. આદિત્યના વારસદાર તરીકે કોઈ હોય તો એ મનુ હતો એટલે રુદ્રસિહ એને જીવ જેમ સાચવતા. તેમાં પણ આજે મનુ સાથે આદિત્ય વિષે વાત થઇ હતી એટલે એમનું મન અસ્વસ્થ હતું.

મોડી રાત્રે ટકોરા પડતા રુદ્રસિંહ સફાળા ઉભા થઇ ગયા. આજે તો મનુને કડક શબ્દોમાં સંભળાવી દેવું છે. મનમાં વાક્ય વિચારતા એ દરવાજા તરફ ગયા ત્યાં એકાએક યાદ આવ્યું મનુ આ રીતે નોક નથી કરતો. પહેલા ત્રણ ટકોરા પછી બે ફરી ત્રણ ટકોરા અને છેલ્લે પગથી દરવાજાને હળવી લાત ફટકારવાની મનુની પેટર્ન હતી જયારે આજના ટકોરાની કોઈ પેટર્ન હતી જ નહિ. હું પણ દિવસે દિવસે બધું ભૂલતો જાઉં છું. પોતાની જાત ઉપર ખીજાતા રુદ્રસિહ પાછા ફર્યા. તકિયા નીચે મુકેલી ગન ઉઠાવી સાબદી કરી લીધી. છ હશે ત્યાં સુધી વાંધો નથી. સફેદ મૂછોમાં હાથ ફેરવતા રુદ્રસિંહે છાતી ભરીને શ્વાસ લીધો. ઉંમર વધી હતી પણ જુસ્સો અને નિશાન બાજી હજુ અકબંધ હતા.

ટેબલ જોડે જઇ લેપટોપની સ્ક્રીન ઓન કરી જોયું તો દરવાજે પૃથ્વી ઉભો હતો. એની સાથે એક લેડીઝ કોન્સ્ટેબલ પણ હતી. જોકે એ લેડીઝ કોન્સ્ટેબલને ઓળખી લેતા રુદ્રસિંહને વધારે સમય ન લાગ્યો. અકસ્માત થયેલી ગાડી નજીક હતી એ જ છોકરી લેડીઝ કોન્સ્ટેબલનો ડ્રેસ પહેરી પૃથ્વી સાથે આવી હતી. આ છોકરી અહી કેમ? પૃથ્વી એને સ્ટેશનથી અહી કેમ લઇ આવ્યો હશે? શું નામ હતું એ છોકરીનું?

એ છોકરીનું નામ મનમાં યાદ કરતા રુદ્રસિંહે દરવાજો ખોલ્યો અને એ સાથે જ પૃથ્વી શ્રીને લઈ અંદર ધસી આવ્યો અને તરત દરવાજો બંધ કરી દીધો.

"આ બધું શુ છે પૃથ્વી?"

"ચાચું, કહાની લાંબી છે, ટૂંકમાં કહું તો સ્ટેશન ઉપર હુમલો થયો હતો."

હુમલો શબ્દ સાંભળતા જ રુદ્રસિહના ચહેરા ઉપર ભય વ્યાપી ગયો. "મનું ક્યાં છે?" રુદ્રસિંહ અકળાઈ ઉઠ્યા. એવા જ એક હુમલામાં પોતાનો મિત્ર શહીદ થયો હતો એ દ્રશ્ય ફરી યાદ આવી ગયું.

"મનું ક્યાં છે?" પૃથ્વીને કોલરથી પકડી હચમચાવી મુકતા રુદ્રસિંહ બોલ્યા. નદી જોડે જે રુદ્રસિંહને શ્રીએ જોયા હતા એ રુદ્રસિંહનું આ બીજું રૂપ સાવ અલગ અને ભયાનક હતું. સફેદ લેઘા અને જભ્ભામાં રુદ્રસિહ શાંત લાગતા પણ હુમલો શબ્દ સાંભળીને તેમની આંખોમાં ચહેરા ઉપર અલગ ભાવ તરી આવ્યા.

"મનું સ્ટેશને છે."

પૃથ્વીના એ વાક્યથી શાંતિ થઇ ખરા કે મનુ સલામત છે પણ છતાં ભય હજુ ગયો નહી. "તું એને એકલો મૂકીને અહીં આવ્યો?" હજુ શાંતિ ન થઈ હોય એમ રુદ્રસિંહ બરાડયા.

"સ્ટેશન ઉપર પોલીસ છે, ખૂણે ખૂણે કોન્સ્ટેબલ લગાવેલા છે, અને મનું કોઈ નાનું બચ્ચું નથી તમે શાંત થશો ખરા?" પૃથ્વીએ આખરે ઊંચા અવાજે બોલવું પડ્યું.

રુદ્રસિંહ પોતાની ભૂલ ઉપર કઈ બોલી શક્યા નહી ચૂપચાપ સોફામાં બેસી ગયા. પૃથ્વી એમની નજીક ગયો ખભા ઉપર હાથ મૂકયો, "મનુંને કઈ થવાનું નથી. દરેક વખતે કઈક અશુભ થાય એ જરૂરી નથી. તમે એ ભૂતકાળ ભૂલી કેમ નથી જતા?"

"હુમલો કેમ થયો?" રુદ્રસિંહે શ્રી તરફ નજર માંડી. તે હજુ તેમ જ ઉભી હતી.

"અમારો અંદાજ છે શ્રીને કિડનેપ કરવા માટે થયો હશે, એટલે મનુએ એને અહીં સિફટ કરવાનો ઓર્ડર આપ્યો છે, પણ આ છોકરી કઈ બોલવા તૈયાર નથી."

"મનુએ એને જેલમાંથી અહીં મોકલી છે તો કઈક ગંભીર વાત હશે પૃથ્વી."

"ગંભીર? અરે હુમલામાં ત્રણ જણને અમે શૂટ કર્યા છે અને એ સિવાય એક ગાડી બહાર હતી એમાં કેટલા માણસો હશે અને કોણ હશે એ પણ ખબર નથી, છતાં આ છોકરી કઈ બોલવા તૈયાર નથી." દાંત ભીંસી પૃથ્વીએ શ્રી તરફ જોયું, "તારે જીવવું છે કે નહીં છોકરી? જો જીવવું હોય તો બોલ કે આ બધું શું છે?"

"પૃથ્વી, એ નથી બોલતી એટલે જરૂર કઈક આઘાત લાગ્યો હશે. એને આરામ કરવા દે કાલે સવારે હું એને પૂછીશ." રુદ્રસિંહ ઉભા થઇ શ્રીને એક રૂમમાં લઈ ગયા.

"ગુડ નાઈટ, અહીં કોઈથી ડરવાની જરૂર નથી દીકરા." હસીને રુદ્રસિંહે દરવાજો આડો કરી દીધો.

"પૃથ્વી તું અહીં ધ્યાન રાખજે." બહાર આવી તરત રુદ્રસિહે કહ્યું.

"અને તમે?"

"હું સ્ટેશન જાઉં છું મનું જોડે."

"તમે રહેવાદો હું જાઉં છું." રુદ્રસિંહે ઉઠાવેલી ચાવી હાથમાંથી લઈ લેતા પૃથ્વીએ કહ્યું, "ઉંમર તો દેખો કાકા તમારી કઈ બને એમ નથી છતાં ઉપડી પડો છો ગમે ત્યાં...."

"એ તારી ભૂલ છે પૃથ્વી. હજુ મારા નિશાન ઉપર મને વિશ્વાસ છે, નિશાન બાજીમાં મને આદિએ ખિતાબ આપ્યો હતો. ભલે કેસ સોલ્વ કરવામાં હું સફળ નહોતો રહ્યો પણ આજ સુધી મારુ નિશાન ખાલી નથી ગયું."

"હા સર, ખબર છે આઈ એમ પ્રાઉડ ઓફ યુ..." રુદ્રસિંહની મૂછો સરખી કરી પૃથ્વી બહાર નીકળી ગયો.

*

બીજા દિવસે સવારે પૃથ્વી ખુરશીમાં બેઠો બેઠો જોકા લેતો હતો. મનુંની આંખમાં પણ ઉંઘનો થોડો અણસાર દેખાતો હતો.

શ્રી કોણ હશે? એની પાછળ આ બધા માણસો કોણ હશે? કેમ? ખેલ કઈ સમજાતો નથી. ઘણું વિચારી લીધા પછી કઈ મળ્યું નહિ એટલે મનું ઉભો થઇ ગયો. બહાર ઉભા એક કોન્સ્ટેબલને ચા લઈ આવવા કહ્યું. ઠંડા પાણીની આખી બોટલ ચહેરા ઉપર ઠાલવી નાખી. રૂમાલથી મો લૂછી પોતાના સ્પાઈસી વાળ સરખા કરવા લાગ્યો ત્યાં ટેબલ ઉપર પડ્યો ફોન રણકી ઉઠ્યો.

"હેલો, ઇન્સ્પેકટર મનું હીંયર.."

"સાહેબ અહીં એક લાશ મળી છે." સામેથી એક ઠંડો અવાજ સંભળાયો.

"લાશ? ક્યાં? ક્યારે?"

"કિનારા ઉપરથી મળી છે પાણીમાં તરતી હતી. એક અકસ્માત થયેલી ગાડી પણ એનાથી થોડેક દૂર પડી છે."

"ઓકે, કમિંગ..." કહી મનુએ રીસીવર મૂકી દીધું. અકસ્માત થયેલી ગાડી નજીક જ લાશ મળી છે એટલે એડ્રેસ પૂછવાની જરૂર ન હતી. એ એડ્રેસ પૃથ્વીએ તેને કહ્યું હતું.

લાશ પાણીમાં? ગાડી થોડેક દૂર? શુ એક્સીડેન્ટ થયા પછી લાશ જઈને પાણીમાં પડે? પોતાના જ મનમાં એક બેહૂદો સવાલ થયો. જે થયું હશે તે ત્યાં જઈને જ ખબર પડશે. ટેબલ ઉપરથી ચાવી ઉઠાવી પૃથ્વીને તૈયાર થવા કહેવા જતો હતો ત્યાં એણે જોયું પૃથ્વી સુઈ ગયો હતો. હું જાતે જ ચલાવી લઈશ લેટ હિમ સ્લીપ.

ચાવી લઈ પૃથ્વીને ત્યાં જ મૂકી મનું જીપ લઈ નીકળી પડ્યો..

*

સરનામે પહોંચતા વધુ સમય ન લાગ્યો. અકસ્માત થયેલી ગાડી દેખાઈ ત્યાં જીપ રોકી મનું નીચે ઉતર્યો. ગાડી જોડે જઇને જોયું. રોડ ઉપર કોઈ કાચ તૂટેલા નથી પડ્યા, એક્સીડેન્ટનો કોઈ કેસ નથી આવ્યો, ગાડીમાં કોઈ ઘાયલ નથી તો આ ગાડી ક્યાંથી આવી? નંબર પ્લેટ જોઈ લઈ આમ તેમ નજર કરી. થોડેક દૂર લોકોનું ટોળું હતું.

મનુ એ ટોળા નજીક ગયો ત્યાં ટોળામાંથી એકે અવાજ લગાવી, "સાહેબ, મેં ફોન કર્યો હતો આપને."

મનુંને જોઈ અમુક લોકો રસ્તે પડ્યા. અમુક લાશથી થોડે દુર હટી ગયા. મનું ડેડબોડી જોડે જઇ ઉભો રહ્યો. બારીકાઈથી જોયું. એક ભાગમાં ભીની માટી ચોંટી હતી. લોકોએ લાશને ઘસડીને બહાર લાવી એ સમયે એ માટી ચોંટી હોવી જોઈએ.

એની ગરદનમાં એક ઊંડો ઘા હતો, છતીમાં એક ઘા હતો. કોઈએ ખૂન કર્યું હોવું જોઈએ એ તો બોડી દેખતા જ ખ્યાલ આવી જાય તેમ હતું. તેણે ફોન નીકાળી ડોકટરને બોલાવી લીધા. ડોકટર આવે ત્યાં સુધી ટોળામાં લોકોને પૂછપરછ કરી પણ કોઈ વિગત જાણવા મળી નહિ. આખરે ડેડબોડીનો એક ફોટો પાડી લીધો.

થોડીવારે એમ્બ્યુલન્સ આવી. ડોક્ટરે તપાસ હાથ ધરી.

"ડોકટર શુ લાગે છે?"

"એ જ રોજની જેમ." કરચલીવાળા ચહેરા ઉપર સ્મિત રેલાવતા ડોક્ટરે કહ્યું.

મનુને ઘડીભર થઈ આવ્યું લાશ જોતા કોઈ માણસ કઈ રીતે હસી શકે? પણ એ સવાલ એક ડોક્ટરને કરવાનો કોઈ અર્થ ન હતો.

"મતલબ?"

"લોહી ઠંડુ પડી ગયું છે, પાણીમાં હોવા છતાં બોડીમાં આટલો ફેરફાર થયો છે મતલબ બેથી ત્રણ દિવસ ગણી શકાય. બાકી ચોક્કસ ખબર તો લેબમાં જ પડશે."

"થેંક્યું ડોકટર..."

મનુએ બોડી એમ્બ્યુલન્સમાં મોકલાવી પી.એમ. માટે લઈ જવા કહ્યું. પોલીસની એક ટિમને આસ પાસનો એરિયો તપાસવા માટે ફોન કરી દીધા અને પછી પોતાની જીપ તરફ ચાલવા લાગ્યો.

એકાએક એને કઈક યાદ આવ્યું. પ્રકૃતિ પ્રેમી શબ્દ વારંવાર પૃથ્વી શ્રી માટે વાપરતો હતો. એણે કઈક કડી જોડી અને ફોન નીકાળી પૃથ્વીને લગાવ્યો.

"મનું સવાર સવારથી તું ક્યાં ચાલ્યો ગયો? એ પણ ચા મંગાવીને?" ફોન ઉપાડતા જ પૃથ્વીએ કેસેટ ચાલુ કરી.

"એ બધું છોડ પૃથ્વી મને એક વાત કહે તમે પેલી શ્રીને પ્રકૃતિ પ્રેમી કેમ કહો છો?"

"અરે એ અમને નદી કિનારે મળી હતી એકવાર, પૂછતાછ કરતા માલુમ પડ્યું કે મેડમને નદી બીચ એવું બધું ગમે છે."

"મતલબ હોટેલ પહેલા પણ તમારી મુલાકાત થયેલી હતી?"

"અરે હા નદી કિનારે એક એક્સીડેન્ટ થયેલી ગાડી જોડે શ્રી મળી હતી અમને, પણ આ બધું શુ કામ પૂછે છે?"

"એ બધું પછી સમજાવીશ... એક્સીડેન્ટવાળી ગાડી ક્યારે જોઈ? અને ત્યાં શ્રી સિવાય બીજું કોણ હતું?"

"જે દિવસે હોટલમાંથી પેલી છોકરીઓ અને શ્રીને એરેસ્ટ કરી એ દિવસે સાંજે અમને એ ગાડી મળી હતી પણ કોઈ કેસ નોંધાયો નથી એટલે અમે ત્યાંથી નીકળી ગયા. શ્રી ત્યાં જ અમને મળી હતી."

"ઓકે, હું મળું છું થોડીવારમાં..." કહી મનુએ ફોન મૂકી દીધો.

તે જીપમાં ગોઠવાયો. તો આ બધું કઈક આ મુજબ હતું. મનુને ઘણી બધી કડી મળી ગઈ. પેલી ડેડ બોડીનો ફોટો મનુએ એક પ્રાઇવેટ નંબર ઉપર સેન્ડ કર્યો સાથે લખ્યું : આ માણસની ડિટેઇલ તરત જોઈએ, ઇમરજન્સી.... અને વળતો જવાબ આવે એની રાહ જોતો જીપમાં બેસી રહ્યો.

પૃથ્વીની મજાક કરવાની આદત એટલી કામ આવી શકશે એનો મનુને અંદાજ જ નહોતો. પૃથ્વીએ શ્રીને મજાક મજાકમાં ઘણીવાર પ્રકૃતિ પ્રેમી કહ્યું એ શબ્દ આજે મનુને આ બધી ઘટનાઓની કડીઓ મેળવી દેશે એવી કલ્પના પણ નહોતી.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky