ચંદુના ફોનની રીંગ વાગી એ સાથે જ તે બેડ પરથી ઉભો થઇ ગયો. ઝડપથી ટેબલ પાસે જઈને ફોન લીધો.
“જી સર...”
“બીજું મહોરું છટકી ગયું છે...” સામેના અવાજમાં ગુસ્સો અને લાચારી હતી.
“એટલે?”
“એટલે એ વડોદરા તરફ ભાગી છે. હવે એ મુબઈમાંથી ગાયબ થશે તો પેલા લોકોને વહેમ પક્કો થઇ જશે. તારા ભાઈને કહે એને વડોદરા જઈને જેર કરે.”
“ભાઈ આજે જ છૂટ્યા છે તમે ફિકર ન કરો હું હમણાં જ વ્યવસ્થા કરું છું.” ચંદુએ ફોન મુક્યો અને મકાન બહાર ભાગ્યો.
*
લગભગ ચારેક કલાક ટેક્સી અથાક દોડી હશે ત્યાં એક નાનકડી માર્કેટ જેવું દેખાયું. કાકાએ ચશ્માંના કાચ આરપાર નજર કરી જોયું પછી ટેક્સી ધીમી કરી ફરી ગ્લાસમાં નજર કરી શ્રીને પૂછ્યું, "બિટીયા ચાય વગેરા કુછ હો જાયે? કેબ કો ભી આરામ મિલ જાયેગા ઓર ઇસ બુઢે ચાચા કો ભી."
શ્રી આમ તો અર્જુનને મળવા ઉત્સુક હતી પણ કાકાની ઉંમર જોતા એને થયું થોડોક આરામ કરી લેવો જોઈએ.
"જી અંકલજી બિલકુલ, મુજે વેસેભી ચાય કી આદત હે."
તેના એ વાક્યથી કાકા ખુશ થઈ ગયા. એક નાનકડી કેન્ટીન આગળ ટેક્સી ઉભી કરી દીધી. બંને ઉતરી કેન્ટીનના બાંકડા ઉપર બેઠા એટલે તરત મેલા ઘેલા કપડાંવાળો એક છોકરો આવીને આગળ ઉભો રહ્યો.
"ચાય..." કાકા આગળ બોલે એ પહેલાં જ પેલો છોકરો સમજી ગયો હોય એમ કીટલી અને કાચના બે કપ લઈ આવ્યો. બંનેને એક એક કપ ચા આપી એ ફરી પોતાના કામે લાગી ગયો.
શ્રી એ એ છોકરાને બરાબર જોયો. કેવી હાલત હોય છે ગરીબની? તેનું હૃદય દ્રવી ઉઠ્યું. સામે નજર કરી એક ખાટલા ઉપર કોઈ સંત જેવા માણસ બેઠા હતા એની આજુ બાજુ દસેક જેટલા બીજા માણસો એની સેવામાં લાગેલા હતા. બાજુમાં મોંઘી ડાટ ગાડી ઉભી હતી.
આ સંત બધા કોઈ કામ કર્યા વગર જ કેટલા રૂપિયા બનાવી લે છે? ગાડીઓ પૈસા કોઈ ચીજની કમી જ નથી હોતી. લોકો પણ કેવા વિચિત્ર હોય છે? આ ગરીબ છોકરો મેલા ઘેલા કપડાં પહેરી આખો દિવસ હાથ પગ ચલાવે છે એને કોઈ કઈ આપતું નથી.
શ્રી એ સંત જેવા દેખાતા માણસ તરફ જોઈ રહી હતી તો ઘડીક પેલા છોકરા તરફ જોઈ રહી. એ જોઈને કાકા સમજી ગયા હતા કે એના મનમાં શુ ચાલતું હશે.
"યે તો સંસાર કા નિયમ હે બેટા, ઇસમે હમ કુછ નહિ કર શકતે, ચૂપ રહેના બેહતર હે, અગર કુછ બોલા તો યે જો દસ સેવક ખડે હે ના ઇનકી ધાર્મિક ભાવનાકો દુઃખ પહોંચેગા." કાકા કટાક્ષભર્યું વાક્ય બોલી અને એવું જ કટાક્ષ ભર્યું હસ્યા. એમના ચહેરાની કરચલીઓમાં દુનિયાદારીનો દુઃખદ અનુભવ સ્પસ્ટ દેખાતો હતો.
શ્રી કઈ બોલી નહિ. માત્ર કાકા સામે જોઇને કડવું હસી. કાકાએ ઉભા થઇ ખિસ્સામાં હાથ નાખ્યો.
"અંકલજી મેં દેતી હું." કહી શ્રીએ પર્સમાંથી સોની નોટ નીકાળી પેલા છોકરા પાસે જઈ એને આપી.
"કિતની ચાય થી?" છોકરે પૂછ્યું.
"વો સબ છોડો યે રખ લો બાલ કટવા લેના..." કહી શ્રી ટેક્સી તરફ જવા લાગી. પેલો છોકરો એના લાંબા વાળમાં હાથ ફેરવતો એને થોડીવાર જોઈ રહ્યો, બીજી જ પળે માલીકનો અવાજ સાંભળી એ ફરી પોતાના કામે લાગી ગયો.
ફરી એકવાર ટેક્સી ઉપડી. બપોરના એક વાગ્યાનો સમય થઈ ગયો હતો હવે વડોદરા ખાસ દૂર નહોતું. કાકા પણ જાણે ચા પીવાથી શક્તિનો સંચાર થયો હોય એમ થોડી વધારે ઝડપે હંકારવા લાગ્યા.
શ્રીના મનમાં પેલો છોકરો હજુ ફરતો હતો. અર્જુને જે કર્યું એ ઠીક જ કર્યું છે. અર્જુન પણ ક્યારેક આવી જિંદગી જીવતો હતો, એના પોતાના પણ એના નથી થયા દુનિયા ખરાબ છે ગંદી અને વાહિયાત. અહીં જીવવા માટે પૈસા જોઈએ અહિંસાના પૂજારી ગાંધીજીના ફોટાવાળા કાગળ હોય તો જ આ વાહિયાત દુનિયામાં શાંતિથી જીવી શકાય.
ટેક્સી રોડ ઉપર સરતી રહી. મુંબઈ વધુને વધુ પાછળ જતું હતું, અર્જુન અને વડોદરા વધુને વધુ નજીક આવતા હતા. શ્રીના મનમાં અલગ અલગ વિચારો ઉઠતા હતા અને સમી જતા હતા.
આજે મારી બધી મનોકામના પુરી થવાની છે! આખી જિંદગી જે ગરીબી ભોગવી છે, જે શોષણ ભોગવ્યું છે, એટલા સુધી કે લોકો મારા રૂપનો ખોટો ફાયદો પણ ઉઠાવવા માંગતા હતા! એ બધું વેઠી લીધા પછી આજે મારા સુખના દિવસનો સૂરજ ઉગવાનો છે! કેટલો મોહક છે એ સૂરજ!
જયશ્રી એના મનમાં ભૂતકાળના દુઃખોને ભૂલીને આવનાર સુખોને ભેટી પડવા જઇ રહી હતી. અર્જુન..... અર્જુન એના જીવનમાં આવ્યો ત્યારથી જ એ ખુશ હતી. જીવન એટલે શું ? સુખ કોને ખેવવાય ? પ્રેમ એટલે શું ? કોઈ પોતાનું હોય જે પોતાની પસંદ નાપસંદ જાણતું હોય ત્યારે કેવો આનંદ મળે એ માત્ર એક અર્જુન જ એને સમજાવી શક્યો હતો ! એ અર્જુનને ભેટી લેવા જઈ રહી હતી !
શુ શુ કરવું પડ્યું હતું એને આ મુકામ સુધી પહોંચવા માટે ? અરે ખુદ માલીક જેવા, પિતા તુલ્ય એડવોકેટને પણ તકલીફ આપવી પડી હતી ! પણ હું શું કરું ? ક્યાં સુધી હું એ બોઝલ જિંદગી જીવું? મને ઘર પરિવાર ક્યાં કઈ મળ્યું હતું ? હું અનાથ હતી....! મારી પાસે બીજા રસ્તા પણ ક્યાં હતા ?
અર્જુને મારા માટે કેટલું રિસ્ક લીધું ? કરોડો રૂપિયા મારા માટે એણે ઉઠાવ્યા હતા ! કેટલો ભોળો છે એ ?
ફરી એકવાર એના હોઠ મલકી ઉઠ્યા. અર્જુનના કારણે જ ! અર્જુન હતો જ એવો જ્યારથી એ જયશ્રીને મળ્યો હતો ત્યારનો એ એને એક એક નાની નાની વાતે ખુશ કરવા મથતો હતો ! અર્જુનને પણ બીજું કોણ હતું ? એય એકલો શ્રી જેમ જ.
ટેક્સી વડોદરા તરફ જઈ રહી હતી. સાથે હતો આનંદ, અપાર ખુશી, અર્જુન સાથે જીવવાનો આનંદ, બસ પોતે અને અર્જુન જ હોય એવી જિંદગી હવે જીવવાની છે એ સપના જોઈ રહી હતી. આ તુચ્છ દુનિયા અને બિહામણા માણસોથી દૂર પોતે અર્જુન અને એ બંનેની દુનિયા. પ્રેમની દુનિયા, વિશ્વાસની દુનિયા, હજારો સપનાઓની દુનિયા !
બસ બસ બસ આ ગાડી હવે વધારે ઝડપી ચાલે તો સારું મારો અર્જુન મારી રાહ જોતો હશે, મને જોઈને જ એ ઝૂમી ઉઠશે ! નીકળી પડીશું ક્યાંક દૂર, બંધનમાં તો અમે ક્યારનાય બંધાઈ જ ગયા છીએ બસ હવે સાત ફેરા લેવાના બાકી છે, ને પછી શ્રી અર્જુનનો સંસાર, કરોડો રૂપિયા અને સુખી જીવન, પ્રેમ અર્જુનનો પ્રેમ, એની લાગણીઓ, અમારા સપના, અમે જ અમે..... ન કોઈ અમને સતાવશે ન કોઈ રંજાડશે!
જેમ જેમ વડોદરા નજીક આવતું હતું તેમ તેમ શ્રીની ઉત્સુકતા વધતી હતી. માણસને એવું જ હોય છે મંજીલની નજીક પહોંચ્યા પછી જ અધીરાઈ વધી જાય છે.
મનમાં થયું આ ટેક્સી ડ્રાઇવરને કહું "ભાડું બમણું લઈ લેજો પણ આ ટેક્સી ઉતાવળે હંકારો...."
બીજી જ પળે એ પ્રસ્તાવ બેહૂદો લાગ્યો. આમ અજાણ્યા માણસને કહેવું જોઈએ નહીં. કાકાને થશે કે આ છોકરી ક્યાંક ભાગી જવાની ઉતાવળમાં છે. શ્રી એ વિચારને મનમાં જ ઓગાળી દેવો પડ્યો.
*
આખરે આતુરતાનો અંત આવ્યો. ટેક્સીના વીલ વડોદરાના રોડને સ્પર્શ્યા અને એક ચિચિયારી સાથે ટેક્સી ઉભી રહી ગઈ.
શ્રી નીચે ઉતરી જેકેટના ખિસ્સામાંથી પૈસા નીકાળી કાકાને મીટર મુજબ પૈસા ચૂકવી દીધા. કાકા સાથે સફરમાં થોડી આત્મીયતા બંધાઈ હતી એટલે વિદાયના થોડાક શબ્દો કહી સાંભળી લેવા રોકાઈ પછી એ નીકળી પડી.
બે ચાર સ્થાનિક માણસોને પૂછ ગાછ કરી એડ્રેસ મેળવી લીધું. ફરી એક ટેક્સી કરી નદી કિનારે લેવા કહ્યું.
સ્થાનિક ડ્રાઇવરને સરનામે પહોંચતા સમય ન લાગ્યો. ફરી ભાડું ચૂકવ્યું અને ટેક્સીવાળો આભાર કહી નીકળી ગયો. થોડાક કદમ ચાલી શ્રીએ આમ તેમ જોયું, નદી કિનારે ઉભી રહી ત્યારે શ્રીના જીવનમાં હળવા મોજા નહિ પણ સુનામી આવી ગઈ! પોતે જેને મળવા જેને મળીને અહીંથી દૂર ક્યાંક જીવન જીવવા જવાની હતી, જેના ઉપર વિશ્વાસ કર્યો હતો એ અર્જુન પોતાના જીવનનો એક માત્ર પુરુષ એક માત્ર મિત્ર, પોતાની ફિકર કરનાર એક માત્ર માણસ, પોતાને હસાવનાર એક માત્ર માણસ ત્યાં હતો જ નહી.
ત્યાં હતી એક અકસ્માત થયેલી ગાડી ! એક ભાડે લીધેલી ગાડી.... શ્રી નજીક ગઈ. ધ્રુજતા પગે નજીક ગઈ અને ચીસ પાડી ઉઠી કેમ કે ગાડીમાં કોઈ લાશ પણ નહોતી.
તો ક્યાં છે મારો અર્જુન ? તો ક્યાં છે એ પૈસા ? ક્યાં છે મારો વિશ્વાસુ અર્જુન ? મારો પ્રેમ ? તો શું એ અકસ્માતમાં.....???? ગળામાંથી એક ડૂસકું નીકળી ગયું. એની આંખો ભરાઈ આવી.... ધબકારા વધી ગયા..... અકસ્માતમાં તૂટેલી ગાડી અહીં ક્યાંથી આવી ? અહીં નદી કિનારે અકસ્માત થાય કઈ રીતે ? તો શું અર્જુને જ આ ગાડી અહીં મૂકી છે ? તો શું અર્જુને પૈસાની લાલચમાં મને છોડી દીધી ? કે પછી એ.... એ બધું ખાલી નાટક હતું ? મારો ઉપયોગ કરવા માટે પ્રેમનું નાટક હતું?
હવે.... હવે તો મને એ લોકો પણ નહીં છોડે..... હું ક્યાં જાઉં ? શુ કરું ? હું મુંબઈ ન જઈ શકું ત્યાં તો મને એ લોકો તડપાવી તડપાવીને મારે એના કરતાં હું જાતે જ મરી જાઉં. માસી પાસે તો ન જવાય. એ લોકો મને શોધે તો માસી પણ આફતમાં આવે.
વિચારોનો વંટોળ એને ઘેરી વળ્યો. શુ થયું હશે એની કલ્પના કરવાને બદલે મન શુભ અશુભ વિચાર કરવા લાગ્યું. માણસ જ્યારે કઈક અણધાર્યું દેખે છે ત્યારે એ કઈ સારું વિચારી શકતું નથી. શ્રીના મનમાં પણ એ ગાડી જોતા એક સામટા હજારો વિચાર આવ્યા.
થોડીવાર પછી એકાએક એને ફોન યાદ આવ્યો. ફોન નીકાળી અર્જુનનો નંબર ડાયલ કર્યો. અર્જુનનો નંબર પણ બંધ બોલતો હતો. શ્રી બેબાકળી થઈ ગઈ પોતાને સાવ ની:સહાય બનતી જોઈ રહી.
રસ્તા ઉપર ગાડીઓની અવર જવર થતી હતી એટલે શ્રી એ અકસ્માત થયેલી ગાડીથી થોડેક દૂર જઇ ઉભી રહી. અર્જુને મને અહી બોલાવી અને એ કેમ ન આવ્યો? શું આ ગાડી અર્જુનની હશે? શું એમાં અર્જુનનો અકસ્માત થયો હશે? કે પછી અર્જુને અ ગાડી આ હાલતમાં મૂકી મને એકલી મૂકી એકલો જ ક્યાંક ભાગી ગયો છે? હજુ એ કઈ ખાસ વિચારે, કોઈ એક વિચાર ઉપર અટકે એ પહેલાં જ સાયરન સંભળાઈ. જોતજોતામાં પોલીસની એક ગાડી બરાબર એની નજીક આવીને ઉભી રહી.
***
ક્રમશ:
લેખકને અહી ફોલો કરો
ફેસબુક : Vicky Trivedi
ઇન્સ્ટાગ્રામ : author_vicky