ખેલ : પ્રકરણ-12 Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખેલ : પ્રકરણ-12

એક દિવસ વધુ પસાર થઈ ગયો. સવારે શ્રી જાગી ત્યારે પગ પકડાયેલ હતો પણ હવે પહેલા કરતા રાહત હતી. બીજી એક રાહત અર્જુન પકડાયો નહિ એની હતી.

પગ ઉપર પ્લાસ્ટિક બેગ બાંધી શ્રીએ નહાવાનું કામ પૂરું કર્યું. હજુ પાણીનો સ્પર્શ યોગ્ય નહોતો એટલે પ્લાસ્ટિક બેગ બાંધી લેવી પડી. કપડાં પહેરી આયનામાં વાળ જોઈ લેવા ડોકિયું કર્યું ત્યાં થયું આ ચહેરો બદસુરત હોત તો શું આ રજની મને બોલાવત ખરા?

પ્રશ્નનો જવાબ એ જાણતી જ હતી. તરત નજર હટાવી વિચાર ખંખેરી દીધો. દરવાજો લોક કરી રોડ ઉપર પહોંચી. વહેલી સવાર હતી એટલે તરત જ ટેક્સી મળી ગઈ. ટેક્સી સીધી જ ગરાજ લેવા કહ્યું.

ટેક્સી ગરાજ આગળ ઉભી રહી ત્યારે પર્સમાંથી પહેલેથી જ કાઢી રાખેલ પચાસની નોટ ડ્રાઇવરની બાજુની સીટ ઉપર મૂકી એ ઉતરી ગઈ. આમ તો શ્રી ક્યારેય નાના માણસને એ રીતે પૈસા ન ચૂકવતી પણ રજનીનો એ ચહેરો એ રૂપ જોયું એ પછી શ્રીને પણ અર્જુનની જેમ લોકો પ્રત્યે ઘીન થઈ ગઈ હતી. પોતે ભલે દોષિત હતી પણ રજની ક્યાં જાણતો હતો એ બધું? એના મનમાં તો એ નિર્દોષ હતી છતાં એણે ગન બતાવી હતી.

આ ટેક્સીવાળા ગરીબ છે એટલે સર મેડમ કહે છે બાકી મૂળ તો બધા એક જ છે. જેની જોડે પૈસા પાવર નથી એ બધા સીધા અને છે એ બધા ખરાબ.

ઘડીભર તેને થયું એ ટેક્સીવાળાને નવાઈ લાગી હશે. પણ એ ખોટી હતી. આ રીતે પૈસા ચૂકવવાનું કામ પોતે પહેલીવાર કર્યું હતું પણ ટેક્સીવાળાને તો એ રોજનો અનુભવ હતો, એના માટે કઈ નવું નહોતું.

શ્રી દરેક બાબતે વધુ પડતું વિચારતી. ડ્રાઈવરના વિચાર છોડી તે ગરાજમાં જઇ પોતાની એક્ટિવના કાગળ આપી, એક્ટિવા ક્યાં પડ્યું છે એ જગ્યા જણાવી, થોડી એડવાન્સ આપી એ બહાર નીકળી ગઈ. મોટા સિટીમાં એ જ ફાયદો હોય છે વાહન બગડે તો ગરાજવાળા લઈ જાય.

ઓફિસનો સમય થઇ ગયો હતો એટલે શ્રી વધારે વાત કરવા રોકાઈ નહિ. ફરી ટેક્સી રોકી એ ઓફિસે પહોંચી ત્યારે દસ વાગી ગયા હતા. કોઈ જોડે વાત કર્યા વગર પોતાની જગ્યાએ પહોંચી એ કામ કરવા લાગી.

રોજની જેમ વિક્રમ ચા લઈને આવ્યો ત્યારે પોતે કોમ્પ્યુટરમાંથી નજર હટાવી.

"તો પછી શું થયું રજનીનું? પેલા પૈસાનું?" પોતાની બાજુમાં વિક્રમ બેઠો કે તરત તેને પૂછ્યું.

"નો આઈડિયા. એવા મોટા માણસોની વાતો આપણને ક્યાં જાણવા મળે છે!" નવાઈથી ખભા ઉછાળી વિક્રમ બોલ્યો.

શ્રી ચૂપ રહી એટલે ફરી વિક્રમે પૂછ્યું, "હવે મેરેજ ક્યારે કરવાના છે? હમણાંથી તો ક્યાંય મફતનું ખાવા નથી મળતું."

"નાઇસ જોક, દસેક વર્ષ પછી તને એ મોકો મળી જશે." શ્રીએ પણ મજાકનો જવાબ મજાકથી આપ્યો.

વિક્રમને જવાબ આપતા શ્રીની નજર એકાએક ચેમ્બરમાં ગઈ. રાજીવ દીક્ષિત ચેરમાં માથું ટેકવી ગંભીર બેઠા હતા. એકાએક પેલો પ્રશ્ન ફરી મનમાં ઉઠયો, આ કેસમાં કાલે રાજીવ દીક્ષિત કેમ ગાયબ હતા? અને આજે એ એટલા ગંભીર કેમ છે?

એ પ્રશ્ન વધારે મૂંઝવણ ઉભી કરે એ પહેલા જ બલભદ્ર નાયક બે ત્રણ બીજા માણસ સાથે ઓફિસમાં પ્રવેસ્યો. રોજ એકલો આવતો નાયક આજે એટલા માણસો સાથે કેમ આવ્યો એ પ્રશ્ન માત્ર શ્રીને જ નહી પણ બાકીના બધાને થયો હોય તો નવાઈ નથી કેમ કે નાયકના ચહેરા ઉપર ખૂંનસ દેખાતું હતું. એની સાથે આવનાર માણસોમાં એક રાજીવ દીક્ષિત જેમ સુટેડ બુટેડ હતો શરીરમાં પાતળો અને ઊંચો, બીજો એક ફોર્મલ કપડામાં હતો, ફાંદ વધેલી હતી અને સાવ ઢીંગણો હતો, ત્રીજો એક હટ્ટો કટ્ટો હતો, કદાચ એ બલભદ્રનો કોઈ માણસ હશે જે મારામારી કરતો હોય એવું એના દેખાવ ઉપરથી સ્પષ્ટ દેખાતું હતું.

નાયક ક્યાંક નજર કર્યા વગર સીધો જ રાજીવ દીક્ષિતની ચેમ્બરમાં ગયો, એની પાછળ પેલો સૂટવાળો અને ફાંદવાળો માણસ પણ અંદર ગયા, અંતે પેલો કદાવર ગુંડો પણ વિક્રમ અને શ્રી ઉપર એક નજર કરી અંદર ગયો. અંદર જતા જ એણે બારણું અટકાવી નાખ્યું.

પૂજા, કાવ્યા, આશિષ બધા ઊંચા થઈને જોવા લાગ્યા, કોઈને કાઈ સમજાયું નહીં. આ બધું શુ થતું હતું એ શ્રીને પણ સમજાતું નહોતું. બંધ દરવાજાને લીધે અવાજ સાંભળી શકાયા નહિ, પણ અંદરની હિલચાલ બધા જોઈ શકતા હતા.

*

રાજીવ દીક્ષિત સામે બેઠો બલભદ્ર નાયક આજે એના અસલી રુવાબમાં લાગ્યો. એની સાથે હતો એક પ્રાઇવેટ ડિટેકટિવ ધનંજય ત્રિપાઠી, બીજો હતો સડક છાપ મવાલી કોબ્રા અને ત્રીજો હતો બલભદ્રનો કદાવર માણસ જે રોડ ઉપર માર ધાડ કરવાનો માહિર હતો.

"વકીલ તારા સિવાય કોઈને શુ ખબર કે મારી પાસે એટલા રૂપિયા છે કેશમાં?" ખાસ્સી પળો સુધી રાજીવ દિક્ષિત સામે કઈક અલગ જ નજરે જોઇને બકભદ્રએ સવાલ કર્યો.

"નાયક સાહેબ તમારા વિશે કોઈને પણ અંદાજ આવી શકે, તમારું ઘર ગાડી રહેણી કરણી જોઈને બધાને સમજાય કે આ બધું બ્લેકમની જ હોઈ શકે." રાજીવ દીક્ષિતે ધારદાર દલીલ કરી.

"ઠીક છે વકીલ, પણ જોજે હજુ આ વોર્નિંગ આપવા આવ્યા છીએ, કઈ કહેવું હોય તો બોલીજા પછી મોકો નહિ મળે." પ્રાઇવેટ ડિટેકટિવ ધનંજયે ફરી ધમકી આપી વકીલને ડરાવવાનો પ્રયત્ન કર્યો.

"હા પછી મોકો નહિ મળે, જો અમને ખબર પડી કે એમાં તારો હાથ છે તો તને કોઈ બચાવી નહિ શકે, તને એ તો ખબર જ હશે ને આ સરકાર અમારી છે." ખંધુ હસીને કોબ્રા બોલ્યો. એના કાળા મોઢા ઉપર એ હાસ્ય શૈતાની લાવતું હતું.

રાજીવ દીક્ષિત જાણતા હતા કે આ કોબ્રા કે જે એક મામુલી ગુંડો હતો. જેનું મૂળ નામ કાદર હતું. પહેલું મર્ડર કર્યા પછી ત્રણ વર્ષની સજા ભોગવી એ આવ્યો ત્યારે નેતાનો હાથ એના ઉપર આવતા એ મોટો ડોન બન્યો હતો. નેતાઓ એ રીતે જ પોતાના માણસો પસંદ કરતા હોય છે. જે પણ ગરમ ખુનનો નવો યુવાન માર્કેટમાં આવે એને પોતાનો હાથો બનાવી ઉપયોગ કરે છે. શહેરમાં ચુંટણી સમયે દંગા કરવામાં આવા ગુંડાઓનો જ હાથ હોય છે અને પછી ભોળી પબ્લિક એનો ભોગ બને છે.

એવી જ રીતે કાદર ઉર્ફ કોબ્રા ઉપર પણ એમ.એલ.એ.નો હાથ હતો એટલે હજારો નાના મોટા ગુના અને કેટલાય ખૂન કરી ચુક્યો હતો છતાં નેતાનો હાથ હતો એટલે એ ક્યારેય અંદર ગયો નહોતો.

રાજીવ દીક્ષિત ચૂપ રહ્યા ડિટેકટિવ ધનંજયે રાજીવ દીક્ષિતના હાવભાવ જોયા પછી કહ્યું, "ચલો વકીલ સાહેબ, ફરી મળીશું ત્યારે." એકાએક ડિટેકટિવની ભાષા બદલાઈ ગઈ એ જોઈ રાજીવ દીક્ષિતને નવાઈ થઈ.

બધા ઉભા થયા એટલે ફરી ડિટેકટિવે કહ્યું, "અમારી પુછતાછની રીત જરાક જુદી છે વકીલ સાહેબ માફ કરજો."

“તમારા પૈસા કોઈએ તફડાવ્યા પછી તમે મને જયારે બોલાવ્યો હું ઓફીસ છોડીને ખડેપગે તમારી સાથે ઉભો રહ્યો છું અને આગળ પણ મારી જરૂર પડે ઉભો રહીશ.”

પરાણે રાજીવ દીક્ષિતે હસીને હાથ જોડ્યા. એ સાથે પેલા બધા બહાર નીકળી ગયા. કાદર ઉર્ફ કોબ્રા અને બલભદ્ર આગળ હતા ડિટેકટિવ અને પેલો કદાવર મવાલી યુશુફ ખાન એમની પાછળ હતો.

વિક્રમ અને શ્રી બંને એ લોકોને જોઈ રહ્યા. કોબ્રા અને યુશુફ પણ વિક્રમ અને શ્રી તરફ જોઈ રહ્યા હતા પણ ડિટેકટિવની નજર અર્જુનના ટેબલ ઉપર ગઈ.

"એક મિનિટ....." ડિટેકટિવે બધાને ઉભા રહેવા કહ્યું અને અર્જુનના ટેબલ પાસે જઈ ઉભો રહ્યો.

શ્રીના ધબકારા વધ્યા, આ ડિટેકટિવ અર્જુનના ટેબલ પાસે કેમ ગયો? શુ હશે?

"શુ થયું?" બલભદ્રએ પૂછ્યું.

"આ ટેબલ કેમ ખાલી છે?"

"અરે એ તો માણસ હાજર નથી, રજા ઉપર છે." વિક્રમે કહ્યું.

"કેટલા દિવસથી રજા ઉપર છે?" ધનંજયે પૂછ્યું ત્યાં સુધી બહારની વાતચીત સાંભળી રાજીવ દીક્ષિત બહાર દોડી આવ્યા. કપાળ ઉપરથી પરસેવો લૂછતાં એ બોલ્યા.

"ચાર છ દિવસથી રજા ઉપર છે અર્જુન."

શ્રી એ જોયું રાજીવ દીક્ષિતના ચહેરા ઉપર ભય હતો. એ ભય કદાચ આ લોકો અર્જુન ઉપર શક કરશે તો? જેમ રાજીવ દીક્ષિતને ટોર્ચર કર્યા એમ અર્જુનને ટોર્ચર કરશે તો? એવો ભય હતો. શ્રીએ તે જોયું. શ્રીને પણ એવો જ ભય થથરાવી ગયો. આ વિકરાળ ગુંડાઓ સામે એકલો અર્જુન?

"ઠીક છે, ઠીક છે." કહી ડિટેકટિવ બધાને હાથના ઈશારે બહાર લઈ ગયો. રાજીવ દીક્ષિત, વિક્રમ અને શ્રીને રાહત થઈ. પૂજા અને કાવ્યા તો નીચું જોઈને પોતાનું કામ કરવાનો ડોળ કરવા લાગ્યા, એ બધાના ભયાનક ચહેરા જોઈને જ બંને છોકરીઓ એટલી ગભરાઈ ગઈ હતી કે ક્યાંક એ લોકો પૂછપરછ કરી બેસે તો? એ ભયથી નીચું જોઈ કામ કરે ગયા.

શ્રીને રાજીવ દીક્ષિત માટે વધારે માન થઈ આવ્યું. એક એમણે જ અર્જુનની ચિંતા કરી હતી. વિક્રમ પણ મનોમન ઈશ્વરનો આભાર માની પોતાની બેઠકે ગયો.

*

બપોરની રિશેષ દરમિયાન શ્રી ઓફીસ બહાર નીકળી. અર્જુનની એને સખત ફિકર થતી હતી. રોડની બે તરફ જોયા વગર જ એ રોડ ક્રોસ કરવા લાગી. એનું ભાન એને ત્યારે જ થયું જ્યારે ઝડપથી આવતી એક કારની ચિચિયારી સંભળાઈ. શુ થયું એ કઈ પોતાને સમજાયું ન હોય એમ જોયું તો કારનો દરવાજો ખોલી કારનો માલીક કશુંક બોલતો સંભળાયો ત્યારે ઘટના સમજાઈ કે પોતે જોયા વગર જ રોડ ક્રોસ કરતી હતી. એ તો મોંઘી ગાડી હતી એટલે ઇન્સ્ટન્ટ બ્રેક લાગી નહિતર આ બધી માથાકૂટમાંથી છુટકારો મળી જાઓત.

"દીદી શુ થયું છે તમને આજે?" આ બધું જોઈ સામેથી દોડી આવેલો ગોવિંદ એનો હાથ પકડી ફૂટપાથ ઉપર ખેંચી ગયો.

"મને.... મને થોડા ચક્કર...." શ્રીને જવાબ મળ્યો નહિ એટલે ચક્કરનું નામ પાડી દીધું.

ગોવિંદ એને હાથ પકડી કેન્ટીનમાં લઈ ગયો, બેન્ચ ઉપર બેસાડી ગરમ ચા આપી. શ્રીએ કપ ઉઠાવતા પહેલા ફોન ઉઠાવ્યો. હવે આ બધું અર્જુનને કહેવું જોઈએ. મનોમન નક્કી કરી મેસેજ ટાઈપ કર્યો.

"તારા વિશે અહીં પૂછપરછ કરી હતી, ઓફિસમાં આજે કોબ્રા, યુશુફ, ડિટેકટિવ ધનંજય અને બલભદ્ર નાયક આવ્યા હતા. સરને ધમકાવી પછી તારી પૂછપરછ કરી હતી." ધ્રુજતા હાથે શ્રીએ મેસેજ ટાઈપ કરી અર્જુનને મોકલી દીધો.

મેસેજ મોકલી ચા પુરી કરી ત્યાં સુધી અર્જુનનો મેસેજ આવી ગયો.

"ક્યાં છે તું?"

અર્જુનનો મેસજ આવ્યો એટલે હજુ સુધી એ સેફ હતો એ ખાતરી થઈ. ફરી મેસેજ ટાઈપ કર્યો, "કેન્ટીનમાં..."

કદાચ અર્જુને એ મેસેજ કર્યો એનું કારણ એ ફોન ઉપર વાત કરવા માંગતો હશે એ હોઈ શકે, પણ શ્રીએ કેન્ટીનમાં છું એમ કહ્યું એટલે ફરી એનો મેસેજ આવ્યો.

"તું હવે ત્યાં નહિ રહેતી, પ્લાન બદલવો પડશે, ડિટેકટિવ આ કેસમાં છે તો જરૃર એ કાલે તારી પૂછપરછ પણ કરશે અને મને ખાતરી છે કે તારો ચહેરો એને બધું કહી દેશે. કાલે સવારે જ તું નીકળી જજે, હવે ત્યાં રહેવું તારા માટે જોખમી છે."

શ્રીને થયું ડિટેકટિવનું નામ લેતા જ અર્જુને પ્લાન કેમ બદલી નાખ્યો? શુ એ પહેલેથી જ એ ડિટેકટિવને જાણતો હશે? બકભદ્રને ક્યાં ઓળખાણ છે એ બધો અભ્યાસ અર્જુને કર્યો હશે? કદાચ રાજીવ દીક્ષિત પણ એટલે જ અર્જુન માટે એટલા ભયભીત થઈ ગયા હશે? શ્રી માટે હવે આ ખેલ વધારેને વધારે ગૂંચવણ ભર્યો બનતો હતો.

"મારે ક્યાં આવવાનું?" શ્રીએ મેસેજ ટાઈપ કરી મોકલ્યો અને જવાબ આવે એની રાહ જોયા વગર, ગોવિંદને પૈસા ચૂકવી બહાર નીકળી ગઈ.

ગોવિંદને પણ કઈ સમજાતું નહોતું કે અર્જુન અને શ્રી વચ્ચે શુ થયું હશે? લગભગ એકાદ મહિનાથી ક્યારેય બંને એકસાથે આવ્યા નહોતા. પહેલાની જેમ દરેક સાંજે બંને અહીં બેન્ચ ઉપર બેસતા અને મીઠી ચા સાથે વાતો કરતા એ નજારો જોયાને કેટલોય સમય વીતી ગયો હતો. પણ ગોવિંદને અત્યારે કોઈ સવાલ પૂછવો ઠીક ન લાગ્યો એ માત્ર ઝડપભેર જતી શ્રીને જોઈ રહ્યો.

તે ઓફિસે પહોંચી, પોતાની બેઠક લીધી. સામેની અર્જુનની ખાલી ચેર ઉપર નજર કરી, પોતે એને આખો દિવસ જોયા કરતી. પોતાના ધ્યાનમાં ડૂબેલા અર્જુનને જોવાની કેટલી મજા હતી? કોઈ અડચણ નહોતી, જ્યારે મન ચાહે એ અર્જુનને જોઈ શક્તી પણ આજે એની સાથે વાત કરવી પણ શક્ય નહોતી.

ટેબલ ઉપર મુકેલો મોબાઈલ વાઈબ્રેટ થયો એ સાથે શ્રીની નજર ખાલી ચેર પરથી હટી મોબાઈલ ઉપર સ્થિર થઈ ગઈ.

સ્ક્રીન ઓન કરીને જોયું, અર્જુનનો મેસેજ આવ્યો હતો, કુતૂહલથી મેસેજ ખોલ્યો. પોતે છેલ્લે પ્રશ્ન પૂછ્યો હતો, "મારે ક્યાં આવવાનું?" અને એનો જવાબ અર્જુને આપ્યો હશે, એ જવાબમાં શુ હશે એ જાણવાની તીવ્ર ઝંખના સાથે મેસેજ ખોલ્યો ત્યાં ચાર અંકડાનું એક નામ લખેલું હતું...... "વડોદરા......"

તો હવે મુંબઈથી વડોદરા જવાનો સમય હતો. ગુજરાતનું મોટું એક શહેર જે ક્રાઈમ માટે જાણીતું હતું તો બીજી તરફ વડોદરાની સક્રિય પોલીસના કિસ્સા પણ છાપામાં અવાર નવાર આવતા હતા. વડોદરામાં સીરીયલ કિલિંગ, કીડનેપીંગ અને ખૂનના ઘણા કિસ્સા છેક મુંબઈ સુધી જાણીતા હતા. એમાં એક કિસ્સો શ્રીએ પણ ઘણી વાર સાંભળ્યો હતો. આજથી વર્ષો પહેલા મુંબઈનો તડીપાર માફિયા અર્જુન રેડ્ડી વડોદરામાં જઇ વસ્યો હતો જે કીડનેપીંગ કેસમાં પોલીસ માટે નાસૂર બની ગયો હતો, યુવાન છોકરીઓને કિડનેપ કરી અરબ દેશમાં વેચવાનો એનો ધંધો હતો, પહેલા મહીને એકાદ કીડનેપીંગ થતું પછી તો એ બેફામ છોકરીઓને ઉઠાવતો, અર્જુન રેડ્ડી નામના એ માફિયાને ઇન્સ્પેકટર આદિત્ય નામના જાબાજ પોલીસ અફસરે એન્કાઉનટરમાં ઠાર કર્યો હતો અને એમાં એ જાબાજ ઓફિસર પણ શહીદ થઇ ગયો હતો એ સમાચાર મુંબઈના છાપાઓમાં પણ ફ્રન્ટ પેજ ઉપર છપાયા હતા. શ્રીએ પણ એ કિસ્સો ઘણીવાર સાંભળ્યો હતો.

વડોદરા નામ વાંચતા જ એના મનમાં અર્જુનનું નામ ચમક્યું પોતાના અર્જુનનું નામ પણ અર્જુન જ હતું ને? છતાં કેટલો ફેર હતો બંનેમાં? એક માંફીયો વર્ષો પહેલા છોકરીઓને વેચવાનું કામ કરતો હતો અને એક અર્જુન એક અનાથ જેવી છોકરીના જીવનને રંગીન બનાવવા માટે આવા ખૂંખાર માફિયાઓના પૈસા લઈને નાશી છૂટ્યો હતો. શ્રીને અર્જુન માટે વધુને વધુને પ્રેમ બેવડવા લાગ્યો.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky