'ગુલશન' હોટેલના સાઇનિંગ બોર્ડની લાઈટો હજુ ડીમ હતી. સાંજના સાત વાગ્યે હજુ સૂરજના કિરણો અંધારાને ધક્કો મારવા મથતા હતા. ઠંડીએ ધીમે ધીમે જોર પકડ્યું હતું. સાંજના સમયે હોટેલમાં આવનારા લોકોની સંખ્યામાં વધારો થયો હતો છતાં હજુ ઘણા ટેબલ ખાલી હતા કેમ કે ગુલશન કોઈ નાની હોટેલ નહોતી.
શ્રી હોટેલમાં દાખલ થઇ, ચારે તરફ એક નજર ફેરવી. બેઠેલા લોકોમાં મોટા ભાગના હાઈ પ્રોફાઈલ માણસો દેખાયા. કોઈ પરિચિત હોય એવું લાગ્યું નહિ, છતાં તેને ખૂણા તરફના ખાલી ટેબલ ગમ્યા. ધીમેથી એ ખુણામાંના ખાલી ટેબલ તરફ જઇ છેડા ઉપરના એક ટેબલ ઉપર ગોઠવાઈ.
તેણીએ કાંડા ઘડિયાળમાં નજર કરી જોયું તો હજુ સાત વાગ્યા હતા, રજની દેસાઈને આવવાને હજુ વાર હતી. તે પોતાની જાતને માનસિક રીતે તૈયાર કરવા માંડી. તેણીએ કોર્નરબાર પર ઉભેલ બારટીન્ડર તરફ એક નજર કરી અને વિચાયું કેટલો આત્મવિશ્વાસ છે એને પોતાની ફલર્ટીંગમાં માસ્ટરી મેળવ્યાનો? શું હું પણ આજે એ બારટીન્ડરની જેમ માસ્ટર હોઉં તે રીતે રજની દેસાઈ સાથે વાતચીત કરી શકીશ?
પ્રી-ડીનર રસ શરુ થઇ ચુકી હતી. કિચનમાંથી કેટલ અને ચાઈનાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. શ્રીએ પોતાની બાજુના ટેબલ ઉપર એક નજર કરી ત્યાં હમણાં જ આવીને ગોઠવાયેલ એક હેપ્પી કપલ જીવનનો આનંદ માણી રહ્યું હતું. તે મહિલા પોતાના જીવનસાથીના ગ્લાસમાં ક્લબ સોડા નર્સ કરી રહી હતી.
હું એની સાથે બરાબર આ નાટક ભજવી શકીશ કે નહી. શ્રીને સવાલ થવા લાગ્યો. તેણે અર્જુનના શબ્દો યાદ કર્યા, “શ્રી આ દુનિયામાં પુરુષ ફિલ્મોમાં ટૂંકા કપડામાં સ્ત્રીઓને જોવા અને પુસ્તકોમાં સ્ત્રી શરીરના વર્ણન વાંચવા માટે હજારો રૂપિયા ખર્ચી નાખે છે. તારા જેવી મોહક આકર્ષક છોકરી સામે બેઠી હોય ત્યારે રજની જેવા બદમાસની વિચાર શક્તિ કામ કરે તે વાતમાં માલ નથી.”
અર્જુનની વાતો યાદ કરી તેણીએ પોતાની જાતને હિમત આપી અને દરવાજા તરફ જોઈ રહી.
દસેક મિનીટ પછી રજની દેસાઈની ગાડી હોટેલ આગળ ઉભી રહી. અંદરથી મનમાં રાજી થતો રજની ઉતર્યો. દરવાજે પહોચી હોલમાં એક નજર કરી, એની નજરને શ્રીને શોધતા વાર ન થઈ. એ તરત શ્રી બેઠી હતી એ ટેબલ પાસે આવ્યો. ખુરશી કઈક અદાથી ખેંચી અને બેઠો. સ્મિત વેર્યું.
શ્રી એ પણ તેની સામે સ્મિત વેર્યું. તેના ચહેરા ઉપર એક ખુસી હતી. કદાચ શ્રી પોતાના કરતા પહેલા આવીને એની રાહ જોતી હતી એની જ એ ચમક હોવી જોઈએ તે સમજતા શ્રીને વાર ન થઇ.
“થેન્ક્સ.....” રજની દેસાઈ આમ તો ખાસ ભણેલો નહોતો પણ મોટા માણસો સાથેની ઉઠક-બેઠકને લીધે એને ખાસ્સા ચલણમાં હોય એવા અંગ્રેજી શબ્દો આવડી ગયા હતા.
ચારેક શબ્દો અંગ્રેજીમાં બોલીને પોતે મોટો જેન્ટલમેન બની ગયો હોય એમ એક મોટા માણસની અદાથી ગાડીની ચાવી અને મોબાઈલ ટેબલ ઉપર મુક્યા. મેનુ હાથમાં લઈ શ્રી તરફ ઘુમાવ્યું, શ્રીએ બે ત્રણ વસ્તુઓ ઓર્ડર કરી. પછી રજનીના મોબાઈલ ઉપર નજર પડતા હાથ લંબાવ્યો અને મોબાઈલ લીધો.
"તે મારો નંબર શુ લખીને સેવ કર્યો?"
રજનીને જરા નવાઈ થઈ, શ્રીએ એકાએક નાના બાળક જેવો સવાલ કર્યો હતો.
"મોબાઈલ તારા હાથમાં જ છે જોઈ લે!" રજનીએ પણ એવો જ જવાબ આપ્યો.
શ્રીએ મોબાઈલમાં જોયું, "શ્રી જ લખ્યું છે એમ ને, ગુડ. મને શ્રી જ ગમે છે."
વેઈટર આવી બધું મૂકી ગયો, રજનીને વાતો તો ઘણી કરવી હતી પણ કોઈ દિવસ છોકરી સાથે ડિનર કર્યું નહોતું એટલે એ ચૂપ રહ્યો.
જમતા જમતા વારેવારે એ શ્રી સામે જોઈ લેતો હતો, ચહેરા ઉપરથી સાવ ભોળી દેખાતી શ્રી એને વધુને વધુ ગમતી ગઈ. માનવ સ્વભાવ જ એવો હોય છે, ભોળું માણસ તરત કોઈને પણ ગમી જાય! ભલે માણસ ગમે તેવો હોય, ગમે તેવા કામ કરતો હોય, પણ એને માણસ તો સારા અને ભોળા જ ગમે છે! ગેસ્ટ હાઉસમાં અવળા ધંધા ચલાવતો ગેસ્ટ હાઉસનો માલીક પોતાની પત્નીને ફરવાની છૂટ આપી નથી દેતો, ગમે તેવો લફરાં બાજ પતિ હોય એ પોતાની પત્ની વિશે કઈ સાંભળે તો એ ઉશ્કેરાઈ જાય, આ માણસ સ્વભાવનું પ્રતિબિંબ છે. ગમે તેવું લખનારો લેખક હોય, ઘણા લેખકો લખે છે સ્ત્રીને આઝાદી આપવી જોઈએ પણ શું ખરેખર એ લેખક પોતાની પત્ની કે દીકરીને બધી છૂટ આપે ખરા?
બસ એવું જ હોય છે દરેક ગુંડા, માફિયાના જીવનમાં. રજની દેસાઈ પણ ચોવીસ કલાક બકભદ્ર નાયક સાથે રહેતો પણ એનેય એક ભોળી છોકરી ગમવા લાગી. માનવ સ્વભાવની ખાસિયત છે એક ગુંડો બીજા ગુંડા ઉપર ક્યારેય ભરોસો કરતો નથી. ટૂંકમાં દરેક ખરાબ માણસને સબંધ તો સારા માણસોથી જ રાખવા હોય છે.
ડીનર લેતા બંનેએ એકબીજાને ઘર, પરિવાર વિશેના પર્શ્નો પૂછ્યા. રજનીએ વાત કરવામાં કોઈ તકેદારી લેવાની નહોતી પણ શ્રીને દરેક જવાબ વિચારીને આપવો પડ્યો.
ડિનર પૂરું કરી બંને હોટેલ બહાર નીકળ્યા. બંને પોત પોતાના મનમાં કઈક વિચારતા હતા. પોતાની ગાડી હોય તેમ તેણે કહ્યું, “હું તને ઘરે છોડી દઉં છું.”
“થેંક યુ રજની..” તે ગાડીમાં ગોઠવાઈ.
રજનીએ ગાડી ચાલુ કરી. બરાબર અરધી મિનીટ પછી સામેના કેન્ટીનથી બહાર આવીને અર્જુને બબલુના બાઈકને કિક મારી. તે ધીરેથી રજનીની ગાડી પાછળ જવા લાગ્યો.
*
અર્જુન કેન્ટીન બહાર આવ્યો બરાબર એ જ સમયે તેની પાસેના પાર્લર ઉપર સિગારેટ ફૂંકતા બે માણસોએ એક બીજા તરફ ઈશારો કર્યો. તેમાંથી એક લંબ ગોળ ચહેરા ઉપર મૂછો વગરની દાઢીવાળો, પાતળો અને ઉંચો કાળા જભ્ભા લેઘામાં હતો તે શકીલ હતો. બીજો તેનાથી સહેજ નીચો, ગોળમટોળ ચહેરા વાળો જાડિયો પણ ચબરાક આંખો વાળો હાફ સ્લીવ કોલરવાળા ટીશર્ટ અને જાડા કાપડના જીન્સમાં હતો તે ચંદુ શેટ્ટી હતો.
“જલ્દી ચલ....” શકીલે કહ્યું એટલે બીજે ઝડપથી અરધી સિગારેટના બે દમ ઉપરા ઉપર ખેંચીને ઠુંઠું ફેક્યું અને બાઈક ચાલુ કર્યું. શકીલ તેની પાછળ બેઠો.
“યે ભાઈ કબ બહાર આયેંગે?” શકીલે પૂછ્યું.
“બસ થોડે દિનમેં હી ભાઈ બહાર આને વાલે હે....” ચંદુએ આગળ જતી અર્જુનની બાઈક ઉપર ચબરાક નજર રાખીને તેને જવાબ આપ્યો.
*
છેક શ્રીના ઘર સુધી બંને ચૂપ રહ્યા. તેને ડ્રોપ કરી ત્યારે શ્રીએ જ મુક વાતાવરણ તોડ્યું.
"રજની, મને એક સારો મિત્ર મળ્યો છે."
"થેંક્યું શ્રી." રજની એટલું જ બોલી શક્યો. એ ઇચ્છતો હતો કે શ્રી એને ઘરે બોલાવે પણ શ્રીએ એવું કંઈ કહ્યું નહિ.
“બાય...” કહી તે ઘર તરફ ચાલવા લાગી.
રજની પાગલની જેમ ક્યાય સુધી તેની કમરમાં પડતી લચક અને પાતળા પગને જોઈ રહ્યો. તેણે જીવનમાં ક્યારેય આવી રૂપાળી છોકરી જોઈ ન હતી તેવું ન હતું. મુબઈમાં એકથી એક ચડીયાતી છોકરીઓને તે દરેક મીનીટે જોતો પણ કોઈએ તેને દાણો નાખ્યો ન હતો. શ્રીએ સતત મહિના પછી એની સાથે દોસ્તી કરી તેથી તેને અંદર ગજબનો આનંદ થતો હતો.
આખરે તેણે ગાડી હંકારી અને દેવકીનગર તરફ રવાના થયો પણ તેના મનમાં આનંદ માતો ન હતો.
*
દરવાજે પહોંચીને શ્રીએ પાછળ નજર કરી રજની ચાલ્યો ગયો હતો. દરવાજો ખોલી તે અંદર ગઈ. અંદર જઈને પાણી પીધું અને ખુરશીમાં બેઠી. આખરે કામ પાર પાડ્યાનો હાશકારો તેને થયો. ઘડીભર બંને આંખો બંધ કરી તે બેસી રહી પછી પર્સમાંથી ફોન નીકાળી તરત અર્જુનને ફોન લગાવ્યો.
"અર્જુન ક્યાં છે તું?" સામેથી ફોન રીસીવ થતા જ એ બોલી ઉઠી.
"બસ તારા ઘર જોડે જ..... આવું છું."
શ્રીએ ફોન કાપી દીધો, બાથરૂમ જઈ હાથ મો ધોઇ આવી. ટુવાલથી મો લુછી ખુરશીમાં બેઠી, ચહેરા ઉપર ભય તરી આવ્યો. રજની સામે જરાય શંકા ન જાય એવું વર્તન કર્યું હતું, એક સામાન્ય છોકરીની જેમ શરમાતી હતી, પણ રજનીથી છુટા પડી ઘરે આવતા જ એક ભય એના મનમાં ફરવા લાગ્યો.
એ વિચારતી હતી ત્યાં થોડી જ વારમાં દરવાજો ખખડ્યો. એ ઉભી થઇ અને દરવાજો ખોલ્યો.
"અર્જુન....." એને આવેલ જોઈ તરત એ ગભરાયેલા અવાજે બોલી, "અર્જુન તું કેટલું જોખમ લઈશ?"
"તું ચિંતા ન કર શ્રી, મને કંઈ નહીં થાય, બસ થોડી ફિકર તારી છે."
"મને મારી કોઈ પરવા નથી, પણ....." પછી અટકી ગઈ, “તું અંદર આવ પહેલા...”
અર્જુન અંદર આવ્યો એટલે તેણીએ દરવાજો બંધ કરી દીધો અને અર્જુન પાસે ગઈ પણ તે કાઈ બોલે એ પહેલાં અર્જુને એના હોઠ ઉપર આંગળી દબાવી દીધી.
"હવે ધ્યાનથી સાંભળ શ્રી." એકદમ ગંભીર થઈ એણે કહ્યું. પછી એનો હાથ પકડી ખુરશી જોડે ખેંચી ગયો.
"તે તારું કામ કરી લીધું?"
"હા પણ...."
"પણ શું?" અર્જુનને એ “પણ” સાંભળી પ્લાન નિષ્ફળ ગયો હોય એવું લાગ્યું.
"પણ મને ડર લાગે છે અર્જુન ક્યાંક આ બધું આપણા માટે ભયાનક ન નીવડે, ક્યાંક આ નિર્દય ગુંડાઓ તને...."
"શ્રી, તું મને પાગલ સમજે છે? કઈ નથી થવાનું. તું આ બધી ચિંતા છોડ અને કામ થયું કે નહીં એ કહે મને."
અર્જુનનો આત્મવિશ્વાસ જોઈ શ્રીને ફરી થોડી હિંમત આવી, પણ રજનીની ગાડીમાં જોયેલી પિસ્તોલ એના મનમાં ભય પેદા કરતી હતી. પિસ્તોલની એક જ ગોળી અર્જુનના શ્વાસ બંધ કરવા પૂરતી હતી એ બધું શ્રી જાણતી હતી.
"ક્યાં ખોવાઈ ગઈ?" અર્જુને એનો હાથ પકડીને કહ્યું ત્યારે પેલી પિસ્તોલનું દ્રશ્ય એની આંખ સામેથી હટયું.
"હ... હા મેં નંબર લઈ લીધો છે બલભદ્ર નાયકનો."
"વેલ ડન પણ ધીમે બોલ...." કાનમાં ગણગણતો હોય એમ અર્જુને કહ્યું, "નામ નહિ બોલવાનું....."
અર્જુનની એ તાકીદ ફરી એના રોમ રોમમાં ભયની ધ્રુજારી પેદા કરવા લાગી.
"આ ચાવી લે." કહી અર્જુને શ્રીને એક્ટિવાની ચાવી આપી.
શ્રીએ ચાવી લઈ લીધી. એ એક્ટિવા પણ અર્જુનના પ્લાન મુજબ જરૂરી હતું. અર્જુનને લાગ્યું કે શ્રી વધારે પડતી જ ડરેલી છે એટલે એનો મોબાઈલ લઈ જાતે જ એણે અંદરથી નંબર લઈ લીધો. નંબર પોતાના મોબાઈલમાં એડ કરીને શ્રીના મોબાઇલમાંથી નંબર ડીલીટ કરી લીધો.
"જો શ્રી મેં આજે ઓફિસથી રજા લઈ લીધી છે, દસ દિવસની રજા. તારે ઓફિસે જવાનું છે પણ આવો ચહેરો લઈને નહિ, હસતા રોજની જેમ નોર્મલ આવા ચહેરા સાથે જઈશ તો તને જોતા જ કોઈ પણ સામાન્ય માણસને શંકા થશે."
પણ શ્રી ચૂપ રહી. એને બોલવું હતું, ઘણું બોલવું હતું પણ અર્જુનના જિદ્દી સ્વભાવને તે ઓળખતી હતી, એ જાણતી હતી કે આ બધું અર્જુન મારા માટે જ કરે છે, અને ધીમે ધીમે પોતે પણ સપના જોવા લાગતી હતી. શ્રી પણ ઇચ્છતી હતી કે અર્જૂન જે કરવા જઈ રહ્યો છે એમાં બંને સફળ થાય.
તેને ચૂપ દેખી અર્જુને એનો ચહેરો હાથમાં લઈ કહ્યું, "મારી ચિંતા નહિ કરતી તું, બસ તું ક્યાંક ભૂલ ન કરતી."
"નહિ થાય અર્જુન...." એ અર્જુનને ભેટી પડી.
જીવનમાં શ્રીને બે જ માણસ મળ્યા હતા જે પોતાના કહી શકાય. એક હતી વડોદરાની અંજુ માસી અને એક હતો અર્જુન. એના સિવાય પોતાનું કહી શકાય એવું કોઈ હતું નહીં. કોઈ પણ ભોગે એ અર્જુનને ખોવા માંગતી નહોતી. કાકા કાકીના ત્રાસથી એ વડોદરા છોડીને મુબઈ આવી એ પછી તેને અર્જુન જ મળ્યો હતો અને તે પણ હવે આ ભયાનક બદમાસો સાથે છેતરપીંડી કરવાનું આયોજન કરતો હતો તેથી શ્રીને પારાવર ભય લાગતો હતો.
“કાલે ઓફિસે જાય ત્યારે કઈ થયું જ નથી એમ તારે રહેવાનું છે. મનમાં કોઈ વિચાર નહી, હું સેફ જ છું.” અર્જુને એના માથા ઉપર ચુંબન કર્યું.
“પણ તું મને કહે તો ખરા કે હવે આગળ શું કરવાનું છે? પ્લીઝ અર્જુન મને બહુ ગભરામણ થાય છે.”
“એ બધું હું તને સમય આવશે ત્યારે કહીશ, અત્યારથી કહીશ તો તું એ મુજબ નહિ કરી શકે.”
શ્રી અર્જુનની આંખમાં જોઈ રહી, ઘણા સવાલો હતા તેની આંખમાં પણ એ કહી નહોતી શકતી.
“હવે મારે જવું પડશે શ્રી, તારો મોબાઈલ ઓન રાખજે....” કહી અર્જુન બહાર નીકળી ગયો. શ્રી તેની પાછળ દરવાજા સુધી ગઈ. અર્જુને એકવાર પાછળ ફરીને જોયું. હાથ હલાવીને તેણે સ્મિત વેર્યું અને ચાલવા લાગ્યો.
દરવાજે ઉભી શ્રી અર્જુનની પીઠ જોઈ રહી. આવતી કાલે શું થશે એના વિચારમાં ક્યાય સુધી એ ત્યાં દરવાજે જ ઉભી રહી.
*
તેણે બબલુનું બાઈક મહાવીર નગર પાસે જ મુક્યું હતું અને ત્યાં સવારે મુકેલી એકટીવા લઈને તે શ્રીના ઘરે ગયો હતો. એકટીવાની વાતની આછી રૂપરેખા શ્રીને સમજાવેલી હતી. તેને એકટીવા આપીને તે ચાલતો જ બાઈક સુધી આવ્યો. તેણે બાઈક સ્ટાર્ટ કર્યું અને મહાવીર નગરથી મેક્ષક્ષ સિનેમા તરફ ભગાવી.
પેલા બંને તેની પાછળ જ હતા. મહાવીર નગરના બીજે ખાંચેથી એ બંને તેની પાછળ હળવેથી ફોલો કરવા લાગ્યા કારણ તે સીધો જ રસ્તો હતો એટલે અર્જુનને શક પડી શકે. આમ પણ બંને જાણતા હતા કે હવે અર્જુન સીધો જ ઘરે જવાનો છે એટલે હાર્ડ એન્ડ ફાસ્ટ ફોલોઅપ કરવાની જરૂર નથી.
“અબ વો ઘરપે હી જાને વાલા હે ચંદુ....”
“ફિર ભી ફોલો કરના પડેગા સકીલ મિયા....”
“ઠીક હે વહાં સે સીધા પરિવારમેં લેના ભૂખ લગી હે...”
“ઠીક હે બાબા ઠીક હે....” હસીને ચંદુએ એક્સીલેટર ઉપર જોર આપ્યું, “સાલા.... મોટા મેં હું ઓર ભૂખ તુજે જ્યાદા લગતી હે...”
“તું... (ગાળ) ખાનેકી બાતપે મજાક મત કિયા કર...” શકીલ કંટાળ્યો હોય તેમ ગાળ બોલીને તેના બરડામાં ધબ્બો માર્યો.
“ઓકે બાબા ઓકે... મેરે શેર અભી ખાતે હે...”
એ લોકોની મસ્તી ચાલતી રહી. થોડીવારે અર્જુન તેના મકાન તરફ ગળીમાં વળ્યો એટલે ચંદુએ દુરથી જ યુટર્ન લીધો અને પરિવાર હોટેલ તરફ બાઈક ભગાવી.
***
ક્રમશ:
લેખકને અહી ફોલો કરો
ફેસબુક : Vicky Trivedi
ઇન્સ્ટાગ્રામ : author_vicky