Khoufnak Game - 6 - 1 books and stories free download online pdf in Gujarati

ખોફનાક ગેમ - 6 - 1

ખોફનાક ગેમ

વ્રજલાલ હિરજી જોષી

ખજાનાવાળો ટાપુ

ભાગ - 1

હિંદ મહાસાગરની અફાટ જળરાશિમાં એક મોટર બોટ ગતિ સાથે તેની દિશામાં દોડી રહી હતી. ચારે તરફ હિંદ મહાસાગરનાં પાણી વેગ સાથે ઊછળી રહ્યાં હતાં. મોટાં-મોટાં મોજાંઓ આકાશને ચૂમવા માટે ઉપર ઉછળતા અને પછી જોશ સાથે નીચે પછડાતા. સવારનો સમય હતો. ભગવાન સૂર્યનારાયણ મોટા ઋષિમુનિ જેમ ભગવાં કપડાં પહેરીને પૃથ્વીની પ્રદક્ષિણા પર નીકળ્યા હોય તેવા લાલ-કેસરી રંગના દેખાતા હતા. દરિયાની જળરાશિમાંથી સીધા જ સ્નાન કરી ધરતી પર આવી રહ્યા હોય તેમ સૂર્યનો મોટો લાલ ગોળો દરિયાના પાણીમાંથી બહાર આવી રહ્યો હતો. મંદ મંદ ઠંડો આહ્લાદક પવનનો વાયરો વાઇ રહ્યો હતો. ક્વિક ક્વિક કરતા દરિયાઇ પક્ષીઓ કિલ્લોલ કરતાં આમથી તેમ ઊડી રહ્યાં હતાં,

‘સોનપરી’ નામની તે મોટર બોટના ડેક પર પ્રલય, કદમ વિનય અને ડિનયલ બેઠા-બેઠા કોફી પી રહ્યા હતા. મોગલો મોટરબોટ હંકારી રહ્યો હતો.

વિનયના મિત્ર મેકે એક સરસ મોટી અને મજબૂત મોટર બોટ તેઓને આપી હતી. મોટર-બોટમાં બધી જ સગવડ હતી. નીચે આગળના ભાગમાં એન્જિન રૂમ હતો. તેની પાછળના બે માળ બનાવેલ હતા. નીચેના માળ પર રસોડું, લેબોરેટરી અને સ્ટોરરૂમ બનેલા હતા. ઉપરના રૂમમાં ત્રણ બેડરૂમ હતાં. બોટના પાછળના ભાગમાં એક નાનો ઓરડો બનેલો હતો. તેમાંથી નીચે ભંડારિયામાં જવા માટે પગથિયાં હતાં. બોટના ડેક પર બંને તરફ પ્લાસ્ટિકની સુંદર આરામદાયક ખુરશીઓ કઠોળાના અંદરના ભાગમાં સજાવટ સાથે ગોઠવેલી હતી. ડેકની આગળ અને પાછળ બંને તરફ એક-તોપ ગોઠવેલી હતી. બોટનો ભંડારિયો વિશાળ હતો. ભંડારિયામાં શસ્ત્ર, સામાન અને ચાર નાની રબરની બોટો મૂકેલી હતી. દેખાવમાં ખરેખર તે પરી જેવી જ રૂપકડી લાગતી હતી.

‘મિ.ડેનિયલ, આપણે પતંગિયાવાળા ટાપુ પર ક્યારે પહોંચશુ...?’ કોફીના ઘુંટડો ભરતાં પ્રલય બોલ્યો.

‘‘મિ.પ્રલય આપણને ગોલ્ડન બટર ફલાય ટાપુ સુધી પહોંચતાં લગભગ બે દિવસ લાગશે. જો આપણે સાચા રસ્તે પહોંચ્યા તો.’’

‘‘પણ...ડેનિયલ સાબ...તમે તો તે ટાપુ જોયો છે. ત્યાં જઇ પણ આવ્યા છો. ત્યાં પહોંચવા માટે તમારી પાસે નકશો પણ છે, છતાં...?’’

‘‘મિ.કદમ...આ આફ્રિકા ખંડ છે. જેને અંધારખંડ કહેવાય છે. આફ્રિકાખંડમાં અનેક ટાપુઓનાં ઝુંડો છે. મલબાર ટાપુઓ, ગ્રપ ઓફ અલડાબરા લગભગ સો જેટલા ટાપુઓનાં ઝુંડો છે. વળી આપણે જે ટાપુ પર પહોંચવાનું છે તે નિર્જન ટાપુ છે. એટલે ત્યાં કોઇ જ જતું નથી. હિંદ મહાસાગરની અફાટ જળરાશિમાં તેને શોધવાનું કામ થોડું મુશ્કેલ છે. છતાં મારી કોશિશ એ હશે કે પરફેક્ટ માર્ગ પર જ ચાલતા રહી ઝડપથી તે ટાપુ પર પહોંચવાનું...’’ કોફીનો છેલ્લો ઘૂંટ ભરી મગને ડેકની રેલિંગ પર મૂકતાં ડેનિયલ બોલ્યો.

સૂર્ય માથા પર આવી ગયો. સૌ સવારથી બપોર સુધી વાતો કરતા બેસી રહ્યા. કદમના મશ્કરા સ્વભાવથી ડેનિયલ આજ ખૂબ ખુશ થયો હતો. વિનય અત્યારે મોટરબોટનું સુકાન સાંભળી મોટરબોટને ચલાવી રહ્યો હતો. મોગલો સૌ માટે જમવાનું બનાવી રહ્યો હતો.

દૂર-દૂર સુધી અફાટ જળરાશિ સિવાય કાંઇ જ દેખાતું ન હતું. પક્ષીઓ પર ચાલ્યાં ગયાં હતાં. કોઇ કોઇ વખત એકાદ પક્ષી સઢ પર આવીને બેસતું પછી કિલકિલાટી કરતું ઊડી જતું.

બપોરના સૌએ સાથે બેસીને ભોજન કર્યું, પછી થોડો આરામ કરવાના આશ્રયથી સૌ ઉપર કેબિનમાં ચાલ્યા ગયા. અત્યારે કદમ મોટરબોટ હંકારી રહ્યો હતો.

સાંજ પડતાં સૌ આરામ કરી કેબિનમાંથી બહાર આવ્યા. મોગલોએ સૌ માટે કોફી બનાવી પછી મોટરબોટનું સુકાન સાંભળ્યું. કદમ ડેક પર આવ્યો. સૌ સાથે બેસી કોફી સાથે બિસ્કિટનો નાસ્તો કરવા લાગ્યા.

ડેનિયલ એક નકશો બહાર કાઢ્યો અને ટેબલ પર મૂકી ખોલ્યો.

‘‘જુઓ...આપણે નૈઋત્ય દિશા તરફ આગળ વધવાનું છે.’’ હોકાયંત્રમાં નિરીક્ષણ કરતાં તેણે કહ્યું. ‘‘આપણે કોઇ સંકટ ન આવ્યું અને આગળ મોટરબોટ આવી રીતે જ ચાલતી રહેશે તો લગભગ પરમ દિવસ સવારના ‘ગોલ્ડન બટર ફલાય’ વાળા ટાપુ પર પહોંચી જશું.’’ બિસ્કિટનો એક ટુકડો મોંમાં નાખતાં તે બોલ્યો.

‘‘મિ.ડેનિયલ...વાતાવરણ એકદમ સાફ લાગે છે. મને નથી લાગતું કે કોઇ સંકટ આવે...’’ કોફીનો ઘૂંટ ભરતાં પ્રલય બોલ્યો.

ત્યારબાદ સૌ તે નકશાનું અધ્યયન કરતા રહ્યા. ડેનિયલ એક સિગારેટ સળગાવી. કદમે ગોલ્ડ ફલેક સળગાવી.

ધીરે ધીરે સૂર્ય પશ્ચિમ દિશા તરફ ઢળતો જતો હતો. સૂર્યના લાલચોળ કિરણોને લીધે સમુદ્રના પાણી પણ લાલ રક્ત રંગનાં દેખાતાં હતાં. પક્ષીઓનો કલરવ સંભળાઇ રહ્યો હતો. ધીરે-ધીરે સૂર્ય નારાયણ આથમવા લાગ્યા. વાતાવરણમાં ગાઢ અંધકાર છવાતો જતો હતો. મોટરબોટના એન્જિનના ઘરઘરાટીનો અવાજ અને સમુદ્રના મોજાઓનો ઘુઘવાટ, શાંત અને અંધકાર ભર્યા વાતાવરણમાં ઓગળતું જતું હતુ. રાત પડી ચૂકી હતી. મોટરબોટ પર દીવડા જેવી લાઇટો બળતી હતી. આછા લાઇટના પ્રકાશમાં સમુદ્ર ભયાનક ભાસતો હતો. જાણે ધરતીના કોઇ અજ્ઞાત ખૂણાના અંધારપાટ પર તેઓને એકલા મૂકી દીધા હોય તેવુ લાગતું હતું.

ધીરે-ધીરે રાત્રીનો સમય આગળ વધવા લાગ્યો. આજ રાત્રીના વિનય મોટરબોટનું સુકાન સંભાળવાનો હતો અને તે સિવાય સૌ આરામ કરવાના હતા. સૌએ સાથે બેસીને ભોજન કર્યું. પછી મોડી રાત સુધી સૌ વાતો કરતા બેસી રહ્યા. મોડી રાત્રે સૌ ઉપર કેબિનમાં સૂવા માટે ચાલ્યા ગયા. વિનય મોબાઇલના ઇયર ફોન કાન પર લગાવીને જૂનાં ગીતો સાંભળી રહ્યો હતો અને ડેનિયલ બતાવેલા નકશા તથા કંપાસમાં દિશા જોઇ મોટરબોટને આગળ ધપાવી રહ્યો હતો.

મધ્યરાત્રીના સમયે ઓચિંતાની બેલ રણકી ઊઠી.

એન્જિન રૂમમાં લગાવેલી સ્વીચ દબાવતાં ઉપર મૂકેલી બેલ વાગતી જેથી કંઇ કામ હોય તો કેપ્ટન ઉપર ઊંઘતા સૌને જગાડી શકે.

ટ્રીમ...ટ્રીમ...ના ભયાનક શોરથી સૌ ઝબકીને જાગી ઊઠ્યા. થોડીવાર તો કોઇને સમજ ન પડી કે શું થઇ રહ્યું છે. સૌ ફટાફટ ઊભા થયા અને નીચે જવા માટે સીડી તરફ દોડ્યા.

અચાનક મોટર-બોટ એકદમ ધ્રુજવા લાગી. સામે દરિયામાં ચાલતી મોટરબોટમાં હળવા ઝૂલતા-ઝૂલતા જેવા આંચકો તો સતત આવતા રહે છે પણ આ તો આખી મોટર-બોટ એકદમ ધ્રુજી રહી હતી.

ફટાફટ સૌ માંડ-માંડ સીડી ઉતરીને નીચે આવ્યા.

‘‘શું થયું વિનય સાહેબ...’’ ચિલ્લાતા મોગલો એન્જિન રૂમ તરફ દોડ્યો. સૌના પર ફર્શ પર સ્થિર રહેતા ન હતા. બોટની દીવાલો પકડો સૌ ધીરે ધીરે એન્જિન રૂમ તરફ જવા લાગ્યા.

‘મોગલો...મોટરબોટ સ્થિર રહેતી નથી. બંને પડખે એકદમ આડી-અવળી થઇ રહી છે. સમજણ નથી પડતી શું થયું.’ ચિલ્લાતા અવાજે એન્જિનરૂમમાં આવેલા મોગલો તરફ જોઇને વિનય બોલ્યો.

‘‘પાણીમાં વમળ...’’ મિ.વિનય પાણીમાં નીચે વમળ છે. બોટને બચાવો, નહીંતર ધીરે ધીરે બોટ સાથે દરિયાના તળિયે ચાલ્યા જશુ.’’ ચિલ્લાતાં મોગલો બોલ્યો અને ઝડપથી વિનયને એન્જિન ચેર પરથી લગભગ ધક્કો મારીને હટાવ્યો અને એન્જિનનું સ્ટિયરિંગ સંભાળતા ચિલ્લાંતા બોલ્યો. ‘‘જલદી સૌ સઢને ઉતારી લ્યો, જલદી આપણી પાસે બે-ચાર મિનિટનો જ સમય છે.’’

એન્જિન રૂમમાં આવી પહોંચેલા પ્રલય, કદમ અને ડેનિયલ મોગલોની વાત સાંભળી હેબતાઇ ગયા અને તરત સઢને ઉતારવા એન્જિનરૂમની બહાર દોડ્યા.

દોડવાનો સવાલ પેદા નતો થતો, સૌ કોઇ ચાલી પણ માંડ માંડ શકતા હતા.

પાણીમાં વમળ...એક એવી આફત છે કે જેમાં દરિયાનું પાણી ઘૂમરી લેતું-લેતું ઉપરથી નીચે ઠેઠ દરિયાના તળિયા સુધી જાય છે. અમુક નિશ્ચિત જગ્યાઓમાં આવાં વમળ હંમેશા પેદા થતા હોયછે. મોટાં-મોટાં જહાજો પણ આ વમળમાં ફસાઇને તૂટી જઇ દરિયાના તળીયામાં બેસીને જતાં હોય છે.

‘‘ જલદી...જલદી કરો...’’ મોગલો ચિલ્લાઇ રહ્યો હતો.

સૌથી પહેલાં પ્રલય બોટના કૂવાથંભ પાસે પહોંચી ગયો અને કૂવાથંભને બાથ નાથી. શઢને ખોલવાની કોશિશ કરવા લાગ્યો. આખુ જહાજ ધરતીકંપમાં ધરતી ધ્રૂજે તેમ ધ્રૂજી રહ્યું હતું. સૌના ચહેરા પર પરસેવો નીતરી રહ્યો હતો. કાળી ડિબાંગ રાત હોવાથી કાંઇ જ દેખાતું ન હતું.

કદમ પ્રલયે પાસે પહોંચી ગયો. બંને ભેગા થઇ માંડ-માંડ શઢને ઉતાર્યા, બોટની સ્પીડ ધીમે ધીમે વઘતી જતી હતી. તે અવાર-નવાર એકદમ ત્રાંસું થઇ જતું હતું.

શઢ ખોલીને જમીન પર બેસી ચાલતાં-ચાલતાં પ્રલય અને કદમ એન્જિન રૂમ તરફ આગળ વધવા લાગ્યા.

‘અરે...મિ...ડેનિયલ તે રેલિંગ પાસે શું કરો છો...?’ રેલિંગ પકડીને ઊભેલા ડેનિયલને જોઇ કદમે ઊંચા અવાજે બૂમ પાડી.

‘મિ.કદમ...બચાવની કોશિશ કરું છું. બોટ પર આવતા ઝાટકાથી પછડાઇને હું રેલિંગ પાસે જઇ પડ્યો છું. પ્લીઝ...મદદ કરો...’ ડેનિયલ ચિલ્લાયો.

‘‘રેલિંગ પકડી રાખો, હું ત્યાં આવું છું...’’ પ્રલય ચિલ્લાયો પછી કદમ તરફ જોઇ ચિલ્લાતાં બોલ્યો, ‘‘કદમ તું એન્જિનરૂમ પર પહોંચવાની કોશિશ કર હું ડેનિયલ લઇ ત્યાં આવું છું.’’ કહી કદમ જવાબની વાટ જોયા વગર તે ડેનિયલ તરફ ફર્શ પર ચારે પગે (બે પગ, બે હાથ) ચાલતો જવા લાગ્યો. કદમ એન્જિન રૂમ તરફ આગળ વધ્યો.

‘શું થશે મોગલો...’ ચિંતિત સ્વરે હેન્ડલ પકડીને માંડ-માંડ ઊભા રહેતાં વિનય બોલ્યો.

‘ હું બોટને વમળની રેન્જમાંથી બહાર કાઢવાની કોશિશ કરું છું. હજી આપણે વમળની બોર્ડર લાઇન પર છીએ, એક વખત વમળના ચક્રાવાતમાં ઘૂસી ગયા તો પછી બચવાની આશા જ નથી...’ ચહેરા પરથી પરસેવો લૂછતાં મોગલોએ કહ્યું, પછી બોટને એકદમ ઝાટકો આપીને લીવર દબાવ્યું. એન્જિની ભયાનક ઘડઘડાટીના અવાજ સાથે જોરદાર છક્કા આવી અને અને બોટ થોડી ઊંચે ઊછળી પડી. ત્યારબાદ સીધી દિશામાં રિર્વોલ્વરમાંથી નીકળેલી ગોળીની ગતિએ ધસમસતી આગળ વધી ગઇ.

બોટના લાગેલા ઝાટકા સાથે રેલિંગ પકડીને ઊભેલ ડેનિયલ બહારની તરફ ઊછળી પડ્યો. એટલું સારું હતું કે બોટની રેલિંગ તેણે બંને હાથે મજબૂતાઇથી પકડી હતી. હવે તે બોટના બહારના ભાગના દરિયાના પાણી ઉપર અધ્ધર રેલિંગના સહારે લટકેલા હતો. તેના ગળામાંથી જોરથી એક ચીસ સરી પડી. તેનું પૂરું શરીર બીક અને દહેશતથી ધ્રુજી રહ્યું હતું. અને પરસેવાથી રેબઝેબ થઇ ગયું.

‘મિ. ડેનિયલ...’ ડેનિયલને ઊછળીને બહારની તરફ ફેંકાતો જોઇ પ્રલયે રાડ નાખી અને પછી કાંઇ પણ પરવાહ કર્યા વગર ઊભા થઇ રેલિંગ તરફ દોટ મૂકી.

‘‘મોગલો...શું થયું...? જલદી બોટને વમળની બહાર કાઢો. નહીંતર...’’ એન્જિન રૂમમાં પહોંચી આવેલ કદમ એન્જિનરૂમના દરવાજા સાથે જોરથી અથડાયો. તેણે મોગલો સામે જોઇ રાડ પાડી.

કેબિનની બહાર બળતા બલ્બના આછા પ્રકાશમાં પ્રલયને રેલિંગ પર જકડાયેલા ડેનિયલના હાથ દેખાયા. તરત તેણે જમ્પ મારી.

તે જ વખતે બોટને ફરીથી એક જોરદાર ઝાટકો લાગ્યો.

ડેનિયલનો એક હાથ રેલિંગ પરથી છૂટી ગયો.

‘‘ધમ્મ...’’ અવાજ સાથે પ્રલય જમ્પ મારી રેલિંગ પકડી લીધી.

એક હાથે રેલિંગ પકડી પ્રલયે સ્ફૂર્તિથી ડેનિયલના રેલિંગ પરથી છટકેલા હાથનું કાંડુ પકડી લીધો. તે જ સમયે ડેનિયલનો બીજા હાથ પણ રેલિંગ પરથી છૂટીગયો. ડેનિયલના છક્કા છુટી ગયા. મોત તેને પકડવા જડબું ફાડી આગળ વધી રહ્યું હતુ. તે પ્રલયના હાથ પર લટકી રહ્યોહતો.

પ્રલયે એક હાથને રેલિંગ પર મજબૂતાઇથી જમાવ્યો અને શરીરને રેલિંગ પર નમાવ્યું. પછી શરીરનું પૂરું બળ લગાવી ઝાટકો આપ્યો.

પ્રલયના હાથ પર લટકતા ડેનિયલનું શરીર અધ્ધર ઊંચકાયું અને પછી ‘‘ધડામ...’’ અવાજ સાથે ડેનિયલ અને પ્રલય રેલિંગની ફર્શ પર જોરથી પછડાયા.

‘‘હુરુરુરુ...યકાશ બોટ વમળની રેન્જમાંથી બહાર નીકળી ગઇ...’’ આનંદ સાથે ચિલ્લાંતા મોગલો બોલ્યો.

‘‘છાબ્બાસ મોગલો...’’ આનંદ સાથે કદમે તેની પીઠ પર ધબ્બો માર્યો.

વમળની રેન્જમાંથી બહાર આવતાં બોટ થોડી સ્થિર થઇ. તરત કદમ અને વિનય એન્જિન રૂમમાંથી બહાર દોડ્યા.

‘‘થેંક્યુ, મિ. પ્રલય...’’ ફર્શ પર બેઠા થતાં ડેનિયલ બોલ્યો, તેના હાથ પર એકદમ ધ્રુજી રહ્યા હતા.

‘‘પ્રલય...પ્રલય...’’ ચિલ્લાતો કદમ પ્રલય પાસે આવ્યો. તેની પાછળ વિનય પણ હતો. કદમે નીચે સૂઇને હાંફતા પ્રલયને બેઠો કર્યો.

‘‘વા, મોતના બાજીગર વા...’’ આનંદ સાથે પ્રલયને ભેટી પડતાં કદમ બોલ્યો પછી સૌ ધીરે ધીરે કેબિન તરફ આગળ વધ્યા.

ત્યાર પછી રાત્રીના સૌ જાગતા જ બેસી રહ્યા.

ડેનિયલે સિગારેટનો એક ઊંડો દમ લેતાં કહ્યું, ‘‘મિ. પ્રલય આ વમળને લીધે જ આ તરફ કોઇ જહાજ આવી શકતું નથી, અને એટલે જ આ પતંગિયાવાળો ટાપુ અને ખોપરીવાળા ટાપુ અજ્ઞાત ટાપુ તરીકે રહી શક્યા છે.’’

‘‘મિ.ડેનિયલ...તમારે અમને પહેલાંથી આ વમળ વિશે બતાવવું જોઇતું હતું, તો આ આફત ન આવત...’’ શાંત અવાજે કદમ બોલ્યો.

‘સોરી, મિ.કદમ...પણ આગળ વધતા માટે આપણી પાસે આ વમળ પાસેથી પસાર થયા સિવાય કોઇ જ રસ્તો ન હતો અને હું પહેલાથી તમને લોકોને ડરાવી દેવા માંગતો ન હતો. આમે મને તમારી શક્તિ પર પૂરો વિશ્વાસ હતો. એટલે જ મેં આ સફર કરવાનું નક્કી કર્યું હતું...’ ધ્રૂજતા હાથે સિગારેટ સળગાવતાં ડેનિયલ બોલ્યો.

બનેલી ઘટનાના બે દિવસ પછી તેઓ ‘ગોલ્ડન બટર ફલાય’ વાળા તે ટાપુ પાસે પહોંચ્યા.

બપોરના સમયે તેઓએ સૂર્યના પ્રકાશમાં દૂર દૂર તે ટાપુ નિહાળ્યો.

ડેનિયલ ડેક પર દૂરબીન લઇને ઊભો હતો. દૂર-દૂર તેમણે પહાડીઓથી ઘેરાયેલા તે ટાપુ જોયો. તે આનંદથી નાચી ઊઠ્યો.

‘‘મિ.પ્રલય...કદમ...જુઓ-જુઓ આપણે ‘‘ગોલ્ડન બટરફલાય’’ વાળા ટાપુ પાસે પહોંચી આવ્યા છીએ, જુઓ તે દેખાય...’’ પહાડીઓથી ઘેરાયેલો મારા સ્વપ્ન સમો તે ટાપુ...’’ પ્રલયના હાથમાં દૂરબીન આપી તે બોલ્યો. સૌએ દૂરબીન વડે તે ટાપુ નિહાળ્યો.

ટાપુ જેમ જેમ નજદીક આવતો ગયો, તેમ તેમ રળિયામણો દેખાતો હતો.

મોગલોએ બોટની ગતિ ઓછી કરી નાખી. મોટરબોટ ધીરે-ધીરે સરી રહી હતી. મોગલોએ ટાપુને ફરતા એક રાઉન્ડ લગાવ્યો, રાઉન્ડ લગાવવામાં જ લગભગ ત્રણ કલાક વીતી ગયા. ટાપુને ફરતે નારિયેળીનાં વૃક્ષો દેખાતા હતા. કિનારા પર ચારે તરફ દરિયાઇ ઘાસ ઊગેલું હતું. મોગલો મોટરબોટને કિનારે લઇ જઇ ઊભી રાખી શકાય તેવી જગ્યા શોધી રહ્યો હતો. એક જગ્યાએ અંદર જતી એક ખાડી દેખાઇ. આગળ જતાં તે કિનારા તરફ અખાતની જેમ ફેલાયેલી હતી. તેની બંને તરફ નારિયેળી ઊગેલી હતી.

‘‘મિ.પ્રલય...ખાડીમાં આગળ મોટરબોટ ઊભી રાખી શકાય તેવું ઊંડાણ છે કે નહીં તેની તપાસ કરવી પડશે. જેથી બોટ કીચડ કે રેતીમાં ફસાઇ ન જાય.’’

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED