Khoufnak Game - 5 - 4 books and stories free download online pdf in Gujarati

ખોફનાક ગેમ - 5 - 4

ખોફનાક ગેમ

વ્રજલાલ હિરજી જોષી

ડેનિયલ સાથે મુલાકાત

ભાગ - 4

ખુરશી પર બેઠેલો ટકલુ પહેલવાન ફર્શ પર પછડાયો તે જ સમયે પલંગ પર બેઠેલા બંને પહેલવાનો ઝડપથી ઊભા થયા. એક પહેલવાન જેના હાથમાં મોટર સાયકલની ચેન હતી, તે પ્રલય તરફ દોડ્યો.

નીચે પટકાયેલ ટકલુ પહેલવાનના પેટમાં કદમે ખૂબ જ જોરથી લાત લગાવી દીધી. તે પહેલવાન કદમની લાતના ભીષણ પ્રહારની બેવડો વળી ગયો.

સમ્મમમ...અવાજ કરતી મોટર સાયકલની ચેન કદમ તરફ પહેલવાને વીંઝી, ખૂબ જ સ્ફૂર્તિથી કદમ નીચે નમી ગયો, ચેનનો પ્રહાર ખાલી જતાં તે જ ક્ષણે કદમે હાથમાં ચેન લઇને વીંઝતા તે પહેલવાન પર જમ્પ લગાવી.

પ્રલયના લાતના પ્રહારથી દરવાજા પાસે ઊભેલા તે પહેલવાનના હાથમાં ઝણઝણાટી ફરી વળી. એક ક્ષણે તો તેના હાથમાં જાણે લકવા થઇ ગયો હોય તેવું લાગ્યું. ફર્શ પર પડેલી રિર્વોલ્વર પર નજર નાખી ઝડપથી તેણે પ્રલય તરફ નજર ફેરવી અને બીજા હાથને પ્રલયના ચહેરા પર ઝાપટ મારવા તેણે ફરાવ્યો તે જ ક્ષણે હાથમાં હોકી લઇ ધસી આવેલા પહેલવાને પ્રલયના માથા પર પ્રહાર કરવા હોકીને ફેરવી.

પ્રલયની આંખો રાની પશુની જેમ ચમકારા મારતી એક તરફથી બીજી દિશા તરફ ફરી. તેની આંખોમાં લાલ ટશર ફુટી. તે એકદમ સચેત હતો. બંને તરફથી હુમલો થઇ રહ્યો હતો. તેના બંને હાથ સ્ફૂર્તિથી ઊંચા થયા અને પછી તેના એક હાથના પંજામાં ઝડપથી હોકી પકડાઇ ગઇ અને બીજા હાથમાં પહેલવાનનો વીંઝેલો હાથ પકડાઇ ગયો.

બંને પહેલવાનની આંખો અચરજથી ફાટી ગઇ.

હાથમાં પકડાયેલી હોકીને પ્રલયે જોરથી ઝાટકો માર્યો. હોકી પહેલવાના હાથમાંથી છટકી પ્રલયના હાથમાં આવી ગઇ. ત્યારબાદ ઝડપથી પ્રલયે બીજા પકડેલા પહેલવાનના હાથમાં ખૂબ જ તાકાત સાથે હોકી ફટકારી.

કટ...અવાજ સાથે તે પહેલવાનના હાથનું હાડકું તૂટી ગયું.

કદમે જમ્પ લગાવી અને પહેલવાન પર કૂદ્યો. પહેલવાન સ્ફૂર્તિથી એક તરફ પાસું ફેરવી ગયો. કદમ સીધો પલંગ પર પછડાયો. કદમ બેઠો થાય તે પહેલાં તે પહેલવાન કદમ પર કૂદ્યો અને હાથમાં પકડેલી ચેન કદમના ગળામાં વીંટાળી અને તેની ઉપર ચડી બેઠો અને બંને હાથેથી ચેન ખેંચવા લાગ્યો. ફાંસીના ફંદાની જેમ કદમના ગળામાં વીંટળાયેલી ચેનથી કદમના ગળામાં ભીંસાવાં લાગી. તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો. કદમે પોતાના બંને હાથને આગળ લઇને હાથના પંજા ગળામાં વીંટળાયેલી સાંકળની અંદર ઘુસાડવાની કોશિશ કરવા લાગ્યો. પણ ચેનની નાગચુડ એટલી સખત હતી કે તેની આંગળીઓ અંદર ઘૂસતી ન હતી અને વધારામાં તેના પર ચડી બેઠેલ પહેલવાન ભીંસ વધારતો જતો હતો. કદમની આંખો ચકળ-વકળ થવા લાગી તેના ફેફસાં શ્વાસ લેવા માટે વલોવાતાં હતાં.

વિનયના હાથ રિર્વોલ્વર સુધી પહોંચે તે પહેલાં લાઇટની સ્વીચ પાસે ઊભેલ પહેલવાન તેના પર કૂદ્યો અને વિનયના શરીર પર પછડાયો. વિનયના બાલ પકડીને વિનયનું માથું ફર્શ સાથે અથડાવ્યું. વિનયને ધોળે દિવસે ચારે તરફ ઝગમગતા તારા દેખાવા લાગ્યા. વિનયે જડબાને ભીંસી, મનને મક્કમ કર્યું. તેના હાથમાં પંજા અને રિર્વોલ્વર વચ્ચે એક વેંતનુ જ અંતર હતું. ફર્શ સાથે તેનું નાક જોરથી અથડાતાં નાકમાંથી લોહીની ધાર થઇ.

પ્રલયના હાથમાં પકડેલી હોકીના પ્રહારથી તે પહેલવાનના હાથનું હાડકું તૂટી ગયું. તેના મોંમાંથી એક જોરદાર ચીસ નીકળી અને કમરામાં ફેલાઇ, પ્રલયે સ્ફૂર્તિથી તેની તરફ આગળ વધતા બીજા પહેલવાન તરફ હાથ ઘુમાવ્યો. સમમમ...કરતી પ્રલયના હાથમાં પકડેલી હોકી તે પહેલવાનને વધાવવા માટે તેના માથા તરફ ફરી. પણ તે પહેલવાન નીચો નમી ગયો. પ્રલયના હોકીનો પ્રહાર ફેલ ગયો.તે પહેલવાન ખૂબ જ સ્ફૂર્તિથી માથું નમાવી તે માતેલા ઢોરની જેમ પ્રલય તરફ ધસી ગયો અને ધડામ કરતું તેનું માથું પ્રલયના પેટ સાથે અથડાવ્યું. પ્રલય ઊથલી ગયો અને દીવાલ સાથે અથડાયો.

કદમનો શ્વાસ ઊકળવા લાગ્યો હતો. ચેનની ભીંસથી તેના ગળાની નસો ઊપસી આવી હતી. આંખો બહારની તરફ ધસી આવી હતી. બસ...વધુમાં વધુ બે મિનિટ...પછી શ્વાસ રૂંધાઇ જવાનો હતો, ફેફસાં ઓક્સિજન વગર તડફડતાં શાંત પડી જવાનાં હતાં.

કદમની આંખો સામે મેજર સોમદત્તોન ચહેરો તરવરી આવ્યો. મેજર સોમદત્તની યાદ આવતાં જ કદમના શરીરમાં એક નવી તાકાત પુરાઇ. પૂરા શરીરનું બળ એકઠું કરી કદમે શરીરને ઝાટકો આપ્યો અને તે પાસું ફરી ગયો. વળતી જ પળે તેણે તેના પર ચડી બેઠેલા પહેલવાનના માથાના બાલ પકડી લીધા અને એકદમ તાકાત કરીને જોરથી તે પહેલવાનનું માથું ખેંચી પોતાના માથા સાથે અથડાયું.

કદમ જુડો કરાટેનો ચેમ્પિયન રહી ચૂક્યો હતો. કેટલીય વાર માથાથી તેમણે ઇંટોને તોડી હતી.

તડાક...અવાજ સાથે જોરથી પહેલવાનનું માથું કદમના માથા સાથે અથડાતાં પહેલવાન ચિત્કાર કરી ઊઠ્યો અને તેના હાથની પકડ ચેન પર ઢીલી થઇ.

ચેન પરની તે પહેલવાનની પકડ ઢીલી થતા કદમે એક ઊંડો શ્વાસ લીધો, તેનાં ફેફસાંને નવો ઓક્સિજન મળ્યો અને પછી કદમે તે પહેલવાનના નાક અને હોઠ પર ત્રણ-ચાર મુક્કા લગાવી દીધા.

પહેલવાન વિનયનું માથું પકડી જોર-જોરથી ફર્શ સાથે અથડાવી રહ્યો હતો. વિનયને લાગતું હતું કે તેની ખોપરી હમણાં જ ફાટી જશે. વિનયે તે પહેલવાનનું ધ્યાનને હટાવવા માટે પોતાના પગને ઊંધો વાળ્યો અને તે પહેલવાનના પીઠ પર જોશથી વાર કર્યો. પહેલવાને પોતાની નજર પાછળની તરફ ફેરવી. બસ એ જ ક્ષણે વિનય શરીરનું બળ એકઠું કરીને થોડા આગળ સરક્યો, તેની આંગળીઓ રિર્વોલ્વરને અડી, તેના મનમાં આનંદ છવાયો.

પ્રલય દીવાલ સાથે અથડાયો કે તરત પહેલવાને પ્રલય પર છલાંગ લગાવી તે જ વખતે પ્રલય સ્ફૂર્તિથી ઊભો થયો. તેનો ચહેરો ક્રોધથી તપાવેલા ત્રાંબા જેવો થઇ ગયો. તેની આંખોમાંથી અંગારા નીકળતા હોય તેવી થઇ ગઇ.

‘હા...આ...આ...આ...’ ભયાનક ત્રાડ નાખતાં પ્રલયે તે પહેલવાનને બંને હાથેથી પકડીને ઊંચો કર્યો અને પછી શરીરની પૂરી તાકાત લગાવી જોરથી દીવાલ સાથે અથડાવ્યો.

પ્રલયની ત્રાજ કમરામાં ગુંજી ઊઠી. એક ક્ષણ તો સૌ હેબતાઇ ગયા. અત્યારે પ્રલયના શરીરમાં રાક્ષસી ઝનુન પેદા થયું હતું. તે એકદમ વિકરાળ લાગી રહ્યો હતો. તેના કસાયેલાં બાવડાં તેના તૂટેલા શર્ટમાંથી બહાર દેખાઇ રહ્યા હતા. ભયાનક છીંકોટા નાખતો પ્રલય તૂટેલા હાથવાળા પહેલવાન પાસે પહોંચ્યો. પહેલવાન નીચે પડેલી હોકી એક હાથમાં લઇને તેને મારવા આગળ વધી રહ્યો હતો. તેનો હાથ પ્રલયને હોકી મારવા અધ્ધર થયો. પ્રલયે હવામાં અધ્ધર થયેલી હોકીને ઝડપથી એક હાથે પકડી લીધી અને પગને ઊંચો કરી તે પહેલવાનના પેટમાં લાત ઝીંકી દીધી. પહેલવાન લાતના ભીષણ પ્રહારથી પાછળની તરફ ચીસ નાખતો ઊથલી પડ્યો. હાથમાં આવેલી હોકીને પ્રલયે બંને હાથથી પકડી પોતાના ઘૂંટણમાં જોશથી અથડાવી.કટ...અવાજ સાથે હોકીના ટુકડા થઇ ગયા. પાછળની તરફ ફરી પ્રલયે દીવાલ સાથે અથડાયેલા ઊભા થતા પહેલવાનને ઝડપથી પકડીને ઊંચો કર્યો અને પછી જોરથી ફર્શ પર ‘‘ઘા’’ કર્યો. તે જ વખતે ટકલુ પહેલવાને પ્રલયને પીઠમાં જોરથી લાત ઝીંકી. પ્રલયનું શરીર આગળની તરફ નીચે નમી ગયું. તેના મોંમાંથી આછી ઘુરઘુરાટી નીકળવા લાગી. પછી ઊભા થતાં-થતાં સ્ફૂતિર્થિ તેણે પોતાનું પૂરું શરીર એક પગ પર ગુમાવ્યું અને બીજા પગની ભીષણ લાત તે ટકલુ પહેલવાનના માથામાં લાગી દીધી. ટકલુ પહેલવાન ઊછળીને ઊંઘો ફેંકાયો.

પ્રલયના શરીરમાં રાક્ષસી તાકાત હતી. દરરોજ સવાર-સાંજ તે પાંચ લિટર દૂધ પીતો અને સવારના ચાર-પાંચ કિલોમીટર દોડવા જતો અને એક કલાક કસરત કરતો. તેના સર્કલ અને ખાતામાં તેની રાક્ષસી તાકાતની સૌને ખબર હતી. સૌ તેની તાકાત પર આફરીન થઇ જતી.

હાથમાં રિર્વોલ્વર આવી જતાં વિનયે હાથને ઊંધો ફેરવ્યો અને જોયા વગર જ રિર્વોલ્વરને ઊંચી કરી. ગોળો દબાવ્યો.ધડામ...અવાજનો શોર મચાવતી છૂટેલી ગોળી તેના પર ચડી બેઠેલા પહેલવાનના ગળામાં ઘૂસી ગઇ. તેનું ગળું છુંદાઇ ગયું તે વિનયના શરીર પરથી ઊથલી પડ્યો અને નીચે ફર્શ પર તરફડવા લાગ્યો.

કદમ અને તે પહેલવાન બરાબર એક બીજામાં ભીડાઇ ગયા હતા. એક-બીજા પર મુક્કા અને લાતોનો વરસાદ વરસાવતા પલંગ પર જ આમથી તેમ ઊછળી રહ્યા હતા.

હરામખોર...ગુસ્સે ભરાયેલા પ્રલયના ગળામાંથી એક જોરથી ત્રાડ નીકળી અને પછી તે નીચે પડેલી તૂટેલી અડધી હોકીને હાથમાં લઇને કદમ સાથે લડી રહેલા પહેલવાનના માથામાં જોરથી મારી.

સનનન...હવા કાપતી તૂટેલી હોકી જોશથી તે પહેલવાનના માથામાં લાગી. તડાક અવાજ સાથે તેનું માથું ફાટ્યું અને તેના ચહેરા પર લોહીની ધારા વહેવા લાગી. તે બંને હાથથી માથું હલાવવા લાગ્યો. તે જ સમયે કદમે જોરથી તેના માથા પરથી લાત ગાવી. તે પહેલવાન પલંગ પરથી નીચે પછડાયો.

છાબ્બાસ...ના અવાજ સાથે કમરામાં તાળીઓનો અવાજ ગુંજી ઊઠ્યો. સૌ એકદમ ચોંકી ઊઠ્યા અને અવાજની દિશા તરફ નજર ફેરવી.

સૌના આશ્ચર્ય વચ્ચે પલંગની પાછળના ભાગમાં પડેલી રિર્વોલ્વરિંગ ચેર પર કોઇ બેઠું હતું. ચેર ઊલટી દિશામાં હોવાથી તે વ્યક્તિ દેખાતી ન હતી. ફક્ત તાળીઓ પાડતા તેના હાથ અને માથા પર પહેરેલી રાઉન્ડ મોટી હેટ દેખાઇ રહી હતી.

ધીરે-ધીરે તેની ચેર ઘૂમી, ચેર ઘૂમતાં જ તે વ્યક્તિ સૌની સામે દેખાવા લાગી.

‘અરે...ડેનિયલ...તત તમે...?’ કદમ આશ્ચર્ય સાથે ઊભા થતા બોલ્યો.

મિ.ડેનિયલ...તમે અહીં શું કરી રહ્યા હતા.’ ચોંકી ઊઠતાં વિનય બોલ્યો.

‘ડેનિયલ...આ બધા તમારા જ માણસો છે, નહીં...?’ ગુસ્સાથી તમતમતા ચહેરે ડેનિયલ સામે જોતાં પ્રલય બોલ્યો.

‘હા...બધા મારા જ માણસો છે...’ એકદમ શાંત ચિત્તે ડેનિયલ બોલ્યો.

‘હરામખોર...આજ તારું મોત તને અહીં ખેંચી લાવ્યું છે...આજ તારા હાથ-પગ તોડીને ગીધોને ખવડાવી દઇશ...’ ગુસ્સાથી મુઠ્ઠીઓ વાળતાં પ્રલય તેના તરફ ધસી આવ્યો.

‘પ્રલય...પ્લીઝ...’ તેનો હાથ પકડતા કદમ બોલ્યો, પ્રલય તું મારો સિનિયર છે...મારો મોટા ભાઇ જેવો છે...તને મારા સોગંદ...પ્લીઝ...’

‘મિ.ડેનિયલ...આ...આ...આ મારા નાના ભાઇ કદમના સોગંદે મારા પગે રોકાઇ ગયા છે, નહિતર...નહિતર...ખેર તમે જલદી ચાલ્યા જાવ...નહિતર કદાચ મારો હાથ તમારા પર ઊઠી જશે...’ અંગાર ભરી આંખે ડેનિયલ તરફ જોતાં પ્રલય ક્રોધભર્યા સ્વરે બોલ્યો.

‘મિ.ડેનિયલ...તમે અમને મારી નાખવાની કોશિશ શા માટે કરી તેનો જવાબ આપશો...?’ વિનય બોલ્યો.

‘યસ...ગુડ ક્વેશ્ચન યંગમેન...મેં તમને મારી નાખવાની કોશિશ નથી કરી. પણ તમારી તાકાત માપવા હું ઇચ્છતો હતો.’

‘મિ.ડેનિયલ...તેનું કારણ જણાવશો અને હા...તમે તો તમારા પહેલાં અહીં યમદૂતો સાથે પહોંચી આવ્યા અને અમને ચકાસવાનો પ્લાન પણ બનાવી દીધો...?’ હસતાં હસતાં કદમ બોલ્યો.

‘મિ.કદમ...જ્યારે મોગલો મને તમારા વિશે વાત કરી ત્યારથી હું જ તમારી પાછળ લાગી ગયો છું. તમારી તાકાત માપવાનો મારો પ્રિ.પ્લાન હતો અને મિ. કદમ આપણે જે સફર તરફ જઇ રહ્યા છીએ ત્યાં ચારે તરફ મોત પોતાની જાળ બિછાવીને બેઠું છું. ત્યાં નાહિંમત કે નામર્દ માણસનું કામ નથી. તમે મારી કસોટીમાં ખરા ઊતર્યા છે.’

‘ઠીક છે, મિ.ડેનિયલ...હવે આપણો આગળનો પ્લાન શું છે. તે જણાવો...?’ પ્રલય રિલેક્સ થતાં બોલ્યો.

‘મિ.પ્રલય...પરમ દિવસે સવારના આપણે મોમ્બાસાથી ઊપડી જવાનું છે. તમારે તમારી તૈયારી કરવાની છે. હું મારી તૈયારી કરીશ, કાલ આપણે ફરીથી મળીશું અને ચેક કરશું કચાશ ન રહી જાય. તમારે એક મજબૂત મોટર-બોટની વ્યવસ્થા કરવી પડશે. તે પણ નાની નહીં પણ નાના જહાજ જેટલી વિશાળ હોવી જોઇએ.’

‘એ બધું થઇ જશે, પણ મિ.ડેનિયલ આ તમારા કુરકુરિયાઓનું શું કરવું છે. જેમાં એક તો ગુદાગંજ એક્સપ્રેસમાં ખુદાને મળવા રવાના પણ થઇ ગયો છે...’ કદમ બોલ્યો.

‘મિ. કદમ...આ સૌની વ્યવસ્થા થઇ જશે, તમે ચિંતા ન કરશો પણ તમારે અત્યારે જ આ હોટલ છોડી દેવાની છે અને બંદરગાહ પર ઊભેલી જહાજ મેલકમમાં ચાલ્યા જવાનું છે...’ ચેર પરથી ઊભા થતાં ડેનિયલ બોલ્યો.

***

બીજા રસપ્રદ વિકલ્પો