ખોફનાક ગેમ - 3 - 2 Vrajlal Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખોફનાક ગેમ - 3 - 2

ખોફનાક ગેમ

વ્રજલાલ હિરજી જોષી

રહસ્યમય હવેલી

ભાગ - 2

હજારો વર્ષ નીકળી ગયાં. એક વખત એક ગોવાળ ગાયોને ચરાવતાં તે જગ્યા પાસે આવ્યો ત્યારે ચમત્કાર થયો અને ગાયોના આંચળમાંથી દૂધની ધારાઓ વહેવા લાગી.

તે ચમત્કારોથી ગોવાળ આશ્ચર્ય પામ્યો અને ત્યાંના તે વખતના રાજા પાસે દોડી ગયો અને રાજાને વાત કરી. રાજા તરત તે જગ્યાએ દોડી આવ્યો. રાજા પણ તે ર્દશ્ય જોઇને આચરજ પામી ગયો અને પછી પોતાના સિપાઇઓને તે જગ્યા પર સંશોધન કરવાનું કહ્યું અને ત્યારે શોધ કરતાં તે શિવના બળદ સ્વરૂપનું કપાયેલું શિંગ મળી આવ્યું અને તે મળી આવેલ શિંગની સ્થાપના કરી. રાજાએ ભગવાન શિવના ભવ્ય મંદિરની સ્થાપના કરી, તે પશુપતિનાથનું મંદિર.

વાતાવરણમાં પવિત્રતા અને ભક્તિનો અલૌકિક આનંદ છવાયેલો હતો. પ્રલય તથા આદિત્યે ભગવાન શિવની પૂજા કરી ભાવથી દર્શન કર્યા...

દર્શન કરીને તેઓ બહાર આવ્યા. ત્યારે ઝરમર-ઝરમર વરસાદ પડી રહ્યો હતો. મંદરિના પ્રાંગણથી બહાર આવી તેઓએ ટેક્ષી કરી અને ઝડપથી હોટલ મહારાજા પહોંચ્યા. ભોજન લઇ તરત તેઓએ નાગરકોટ જવા રવાના થવાનું હાવાથી હોટલની ડાઇનંગ હોલમાં જ તેઓએ ભોજન પતાવ્યું. લગભગ ચાર વાગ્યાના સમયે તેઓ હોટલ મહારાજામાંથી વોક આઉટ કરી ગયા.

વાતાવરણ ખુશનુમા હતું. ઝરમર-ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. સર્પાકાર વળાંકો લેતી, પહાડોને ચીરતી સડક ગાઢ જંગલની વચ્ચેથી પસાર થતી હતી. લીલાંછમ વૃક્ષ ફૂલોથી ખીલી ઊઠ્યાં હતાં. ખૂબસૂરત પોલીસ રોડ પર ગાડી પૂરપાટ વેગે દોડી રહી હતી. શાંતિનગર થઇ કોટેશ્વર પસાર કરી ગાડી આગળ વધી. આગળનો રસ્તો પૂરો ઘાટ સેક્શન હોવાથી ગાડીની ગતિ થોડી ધીમી પડી. પહાડોની કોર કાપી રસ્તો બનાવેલો હતો. એક પહાડી વટાવી, બીજી પહાડી એમ ગોલાકાર ટર્ન પર ટર્ન લેતો રસ્તો ઉપરથી ઉપર જઇ રહ્યો હતો. વરસાદ શરૂ થઇ ચૂક્યો હતો અને સાંજનો સમય હોવાથી ટ્રાફિક નહીંવત હતો. ગોળાકાર ટર્ન કાપતી ગાડીને લગાવવામાં આવતી બ્રેકથી ટાયરની ચિચિયારીનો અવાજ ગુંજી ઊઠ્યો હતો. સલાધારી પહોંચ્યા ત્યારે સૂર્ય પશ્ચિમમાં ઢળી રહ્યો હતો. આથમતા સૂર્યની લાલિમાથી આકાશમાં સિંદુરિયો રંગ પુરાયો જાણે ધરતી પર ગુલાલ છાંટણા થઇ રહ્યાં હોય તેવું અદ્દભૂત ર્દશ્ય છવાઇ ગયું. વરસાદ લગભગ બંધ થઇ ચૂક્યો હતો. વાતાવરણમાં આહ્યાદક ઠંડક ફેલાયેલી હતી.

‘આહ...! શું સુંદર ર્દશ્ય સર્જાયું છે. આ બેનામ કુદરતે...જાણે ધરતીમાતાએ નવોઢા જેમ લાલ-ચૂંદડી ઓઢી હોય તેવું લાગે છે.’ આનંદમય ભાવ સાથે પ્રલય બોલ્યો.

‘ હા...પ્રલય, આ કેસરિયા રંગથી મઢેલી ધરતી, આ પહાડો અદ્દભૂત દેખાય છે. મને તો આપણે મંગળ ગ્રહની ધરતી પર ઊતરી આવ્યા હોઇએ તેવં લાગે છે.’ આદિત્ય બોલ્યો.

ટેક્ષી ગતિ સાથે આગળ વધી રહી હતી. આદિત્ય અને પ્રલય ટેક્ષીની વિન્ડોમાંથી કુદરતનો અદ્દભૂત નજારો નિહાળતા વાતો કરી રહ્યા હતા.

ભગવાન સૂર્ય નારાયણ ધીરે ધીરે ધરતીની ક્ષિતિજમાં ઊતરતા જતા હતા. સૂર્યના છેલ્લા કિરણે ધરતી પરથી વિદાય લીધી કે તુરંત ધરતીના પટ પર અંધકાર છવાઇ ગયો.

છવાયેલા અંધકારમાં પણ પહાડોની તળેટીઓમાં ફેલાયેલાં નાનાં નાનાં ગામોની ટમટમતી લાઇટોનો અદ્દભૂત નઝારો છવાઇ ગયો. રોડના વાંકા-ચૂકા ઉપર-નીચેના રસ્તા પર ગાડીઓની લાઇટો ટમટમતી હતી. જ્યારે તેઓ ભક્તપુર પહોંચ્યા ત્યારે ગાઢ અંધકાર છવાઇ ગયો હતો. ગામ નાનું હતું. આજુ-બાજુના પર્વતો પર છૂંટા-છવાયા મકાનો હતા. થોડાં તળેટીમાં મકાનો બનેલાં હતાં. રોડની બંને તરફ આઠ-દસ દુકાનો હતી. ચા-નાસ્તો, જમાવની હોટેલો બનેલી હતી. પ્રલયે ટેક્ષીને થોભાવી અને આદિત્ય તથા ટેક્ષી ડ્રાઇવર સાથે ચા પીવા નીચે ઊતર્યો.

વાતાવરણમાં એકદમ સ્તબ્ધતા છવાયેલી હતી. ચાની હાટડી પર બેસીને વાતો કરતા ચાર-પાંચ માણસોના અવાજ સિવાય તીવ્ર સન્નાટો ફેલાયેલો હતો.

થોડે દૂર વહેતી બાગમતી નદીનો ઘુઘવાટ આછો-આછો સંભળાઇ રહ્યો હતો. રોડની એક તરફ પર્વતો હતા. જ્યા ગામના લોકોનાં મકાનો હતાં. તે મકાનો પર લાગેલા ઇલેક્ટ્રિક બલ્બનો આછો પીળો નહીંવત પ્રકાશ રેલાતો હતો. રોડની બીજી તરફ ખીણના ભાગમાં દૂર દૂર સુધી આગિયાઓના ઝબૂક ઝબૂક થતા પ્રકાશ આકાશથી ધરતી સુધી ફેલાયેલા હતા. ધુમ્મસ ધીરે ધીરે વધી રહ્યું હતું.

પ્રલય, આદિત્ય અને ટેક્ષી ડ્રાઇવરે ચા પીધી. આદિત્યએ પૈસા ચૂકવ્યા, બાદ ફરીથી સૌ ટેક્ષીમાં બેઠા અને આગળ વધી ગયા.

ખરીપતિ થઇ તેઓ હોટલ સનરાઇઝ પહોંચ્યા ત્યારે રાત્રીના આઠ વાગ્યાનો સમય થયો હતો. હોટલના ગેટ પર લાગેલી નિયોન લાઇટના પ્રકાશમાં ધુમ્મસના ધોધ વહેતા દેખાઇ રહ્યા હતા. ટેક્ષી ઊભી રહેતાં હોટલના પોર્ચ પર બંને જણ ઊતર્યા. આદિત્યે ટેક્ષીની ડેકીમાંથી સામાન બહાર કાઢ્યો અને પ્રલયે ટેક્ષીવાળાને ભાડું ચૂકવ્યું.

‘ચાચા...અત્યારે તમે પાછા જશો...?’ જિજ્ઞાસાવશ પ્રલયે પૂછ્યું.

‘નહીં સાબ...અભી તો હમ નાગરકોટ હી રુક જાયેંગે. નાગરકોટ કે ધાબે મેં ખાના ખાયેંગે, બાદ મેં ટેક્ષી સ્ટેન્ડ પર ટેક્ષી રખકર સો જાયેંગે...ડ્રાઇવર બોલ્યો અને પછી સવામ કરી તેણે ટેક્ષી ચાલુ કરી એક ટર્ન લઇ નાગરકોટના રસ્તે વળી ગયો.

પ્રલય અને આદિત્ય સામાન લઇને હોટલ પર આવ્યા. હોટલની રિસેપ્શનિસ્ટે તરત તેઓને એક કમરો ખોલી આપ્યો. કમરો મોટો હતો. તેના બે પલંગ લાગેલા હતા. કમરાના પાછળના ભાગની દીવાલ પર એક મોટી કાચ જડેલ ફ્રેમ બનાવેલી હતી. જેમાંથી બહારનાં સુંદર ર્દશ્યો જોઇ શકાય. જોકે રાત્રીનો સમય હોવાથી બહાર અંધકાર છવાયેલો હોતાં કાંઇ જ દેખાતું ન હતું.

બંનેએ સ્નાન કરી ફટાફટ ભોજન કર્યું. પછી તરત પલંગ પર લંબાવી દીધું.

સવારના બંને જાગ્યા ત્યારે દીવાલ પર મઢેલા કાચમાંથી સૂર્યનો સોનેરી કડકો ગળાઇને તેઓ પર પડતો હતો. સવાર ખુસનુમા હતી. થોડીવાર બંને પાછળની બાલ્કનીમાં ઊભા રહી ઊગતા સૂર્ય અને પહાડી પર છવાયેલા બરફના નઝારાને નિહાળી રહ્યા.

લગભગ નવ વાગ્યાના સમયે તેઓ હોટલ પરથી ટેક્ષી કરી નાગરકોટ આવ્યા. હોટલ સનરાઇઝથી નાગરકોટનું અંતર ચાર કિલોમીટરનું હતું. નાગરકોટ પહોંચ્યા બાદ ટેક્ષીને વિદાય આપી. બંને પગપાળા જ ફરવા નીકળી પડ્યા.

દક્ષિણ તરફ ફરતા-ફરતા તેઓ વોટરફોલ પાસે આવ્યાં. સામેના ઊંચા પર્વતની ટોર્ચ પરથી પાણી ધોધ રૂપે નીચે આવી રહ્યું હતું. જ્યાં પાણીનો ધોધ નીચે પડતો હતો ત્યાં ગોળ હોજ જેવી રચના થયેલી હતી. જાણે સ્વિમિંગ હોજ બનાવેલો હોય તેવું, પછી ત્યાંથી પાણી ઝરણાના રૂપમાં આગળ વધતું હતું. તે ઝરણાના બંને કિનારે ઊંચા ઊંચા વૃક્ષો દૂર દૂર સુધી ફેલાયેલા હતાં. ઊંચાઇથી આવતું પાણી ફુવારાની જેમ આકાશમાં અધ્ધર ચારે તરફ ઊડતું હતું. વોટરફોલના પાણીનો ઘુઘવાટ વાતાવરણાં સંગીતના સૂર રેલાવતો હતો. કેટલાક સહેલાણીઓ ધોધની નીચે બનેલા હોજમાં સ્નાન કરી રહ્યા હતા અને તેઓની ધમાલ અને કિલ્લોલનો અવાજ ગુંજતો હતો. લગભગ બે કલાક સુધી પ્રલય અને આદિત્ય એક મોટા પથ્થર પર બેસીને કુદરતના આ નઝારાને નીરખી રહ્યા.

‘ચટપટી...ચટપટી લ્યો સાહેબ...’ વિચારમાં ખોવાયેલા પ્રલયે ચોંકીને જમણી તરફ ડોક ફેરવી. એક ચટપટીવાળો ચટપટી લેવા તેને આગ્રહ કરી રહ્યો હતો.

‘નહીં ચાહીએ ભાઇ આગે જાવ...’ તેની તરફ જોઇ પ્રલય બોલ્યો.

‘સાબ, અચ્છી મસાલેદાર બનાઇ હૈ લીંબુ નિચોડ કે દુંગા એક બાર ખાઓગે તો યાદ કરોગે...લેલો સાબ ચટપટી ચટપટી...

‘દે...દે...ભાઇ ચાલ તેરી ઇચ્છા ભી પૂરી હો...’ ખિસ્સામાંથી દસની નોટ કાઢી ચટપટીવાળાને આપતાં આદિત્ય બોલ્યો.

ચટપટીવાળો ચટપટી બનાવવા લાગ્યો. એક ડબલ કાગળના ટુકડા પર ચટપટી નાખી તેની પર કાંદા, મસાલા,લીંબુ છાંટીને આદિત્યના હાથમાં આપી. ‘લો સાબ...’ તે બોલ્યો.

‘લે બેટા ચટપટી ખાવ...’ હાથમાં રહેલી ચટપટી પ્રલય સામે કરતાં આદિત્ય બોલ્યો.

‘તુયે યાર હજી નાનો બાળક જેવો જ રહ્યો...’ હસતાં હસતાં હાથમાં ચટપટી લઇ ખાતાં પ્રલય બોલ્યો.

બંને વાતો કરતાં-કરતાં ચટપટી ખાવા લાગ્યા.

ચટપટીના છેલ્લા ચાર પાંચ પીસ હાથમાં લેતાં અચાનક આદિત્યની નજર ચટપટીવાળા તે કાગળ પર પડી. તે ચોંકી ઊઠ્યો ‘અરે...! આ...આ...શું...? જો તો પ્રલય...પ્રલય હાથમાં કાગળનો ટુકડો પતાં આશ્ચર્ય સાથે આદિત્ય બોલ્યો.

આદિત્યે આપેલા કાગળના ટુકડા પર નજર ફેરવતાં પ્રલય પણ ચોંક્યો. તેમાં લખેલું હતું. ફરતા-ફરતાં તમે ઉત્તર તરફની પહાડીઓ તરફ જાવ અને આગળ નીચે બતાવેલા રસ્તા પર થઇ વેરાન જંગલમાં આવેલી હવેલી ચેક કરો...સોમ’ આટલા લખાણની નીચે તે જંગલમાં આવેલી હવેલી તરફ જવાના રસ્તાનો નકશો દોરેલો હતો.

પ્રલયે તે ચિઠ્ઠિના નાના નાના પીસ કરી વહેતા પાણીમાં પધરાવી દીધા.

તેને સમજમાં આવતું ન હતું. આ ચિઠ્ઠી તેઓને ગાઇડેશન આપવા લકેલી હતી અને છેલ્લે સોમ એટલે કે ‘સોમદત્ત સર’ લખેલ હતું. તો શું સર ચમોલીથી તપાસ કરી નેપાળ આવી ગયા હશે...? અને નેપાળ આવ્યાબાદ પોતાને મળવાને બદલે અજ્ઞાતવાસમાં રહીને પોતે કેશને ટેક અપ કરી રહ્યા છે.’...ખબર નહીં સરના ભેજામાં શું પ્લાન ચાલતો હશે...? મગજને ખંખેરી તે બબડ્યો પછી પેલા ચટપટી વાળાને શોધવા આમ તેમ નજર ફેરવી પણ ચટપટીવાળો ક્યાંય દેખાયો નહી.

‘ચાલ ભાઇ...હવે આગળ ફરવા નીકળીએ...’કહેતાં પ્રલય ઊભો થયો અને આદિત્ય સાથે આગળ ચાલવા માંડ્યું.

થોડીવારમાં જ તેઓ ઉત્તર તરફની પહાડીઓ પાસે આવી પહોંચ્યા. ચારે તરફ નાની-મોટી સુંદર ટેકરીઓ છવાયેલી હતી. ખૂબસૂરત તે જગ્યા હતી. ટેકરીઓ પર લહેરાતું ઘાસ અને ટેકરીઓની આસપાસ ઊભેલાં તોતિંગ વૃક્ષો સાથે નીચે ઊતરી આવેલાં વાદળોનું ધુમ્મસ ખૂબ જ આહ્યાદક ઠંડુ વાતાવરણ હતું. અહીં પણ ચારે તરફ સહેલાણીઓ ઊમટી રહ્યા હતા. પ્રલય અને આદિત્ય પણ એક ટેકરી પર બેસીને પ્રકૃતિના નઝારાનો આનંદ ઉઠાવવા લાગ્યા. આજુ-બાજુ કોઇએ લાકડાં સળગાવી ધુમાડો કર્યો હોય તેમ ધુમ્મસ તેઓની આસપાસથી પસાર થતું હતું.

બે વાગ્યાના સમયે ત્યાં જ પાસે જ આવેલા હાટ પર બંનેએ ડિનર લીધું, પછી એક પછી એક ટેકરીઓ વટાવતા ફરતા ફરતા જંગલ તરફ આગળ વધ્યા. ધીરે ધીરે સહેલાણીઓ જ્યાં ફરતા હતા તે ટેકરીઓ દૂર થવા લાગી, અને કોલાહલનો અવાજ પણ દૂર થતો જતો હતો. આગળ જંગલ ગીચ બનતું જતું હતું. એકદમ નીરવ શાંતિ છવાયેલી હતી. બસ ફક્ત દૂર દૂર બાગમતી નદીના ખખડાટનો અવાજ સન્નાટામાં રેલાતો હતો.

‘પ્રલય...પ્રલય...જો, જો સામે ઝાડીમાં શું છે...?’ આંગળી ચીંધી, ખૂબ જ ધીમા અને ધ્રુજતા અવાજે આદિત્ય બોલ્યો અને પછી પ્રલયનો હાથ ખેંચીને નીચે એક પથ્થરની આડમાં બેસી ગયો.

પ્રલય ઝડપથી પથ્થરની આડમાં બેસી ગયો અને પછી ડોક લંબાવી અવાજ કર્યા વગર આદિત્યે બતાવેલી દિશામાં નજર કરી.

થોડે દૂર તોતિંગ વૃક્ષની પાસે એક ભયાનક જંગલી કોઇ યતિ કે પછી આદિમાનવ કે પછી કોઇ ચિમ્પાન્ઝી ઊભું હતું. અને બાજુમાં ઉગેલ આલુ બુખારના ઝાડ પરથી લાલ ચટાક પાકેલાં આવુ બુખારને તોડીને ખાઇ રહ્યું હતું.

ધક...ધક...ધક...બંનેના હ્રદયના ધબકારા બંને સાંભળી રહ્યા હતા. આજ પહેલાં ક્યારેય આવો માનવ તેઓએ જોયો ન હતો. તે ન માનવ હતો, ન પશુ હતો. આખા શરીર પર રીંછ જેવી રૂવાંટી હતી અને તેનો ચહેરો ચિમ્પાન્ઝી વાનરને મળતો આવતો હતો. વળી તે પાછળના બે પગે ઊભા રહી આગળના પગના પંજા જે માનવતા હાથને મળતા આવતા હતા તેનાથી આબુ-બુખાર તોડીને ખાઇ રહ્યું હતું.

‘‘તુંગ...તુંગ...તુંગ...’’ અચાનક કોઇ નગારાં પીટતું હોય તેવો જંગલના ઊંડાણમાંથી અવાજ સર્વત્ર ફેલાવા લાગ્યો.

આટલા ઠંડા વાતાવરણમાં પણ પથ્થરની આડમાં છુપાયેલા પ્રલય અને આદિત્યના કપાળ પર પરસેવાનાં બિંદુ ઊપસતાં હતાં.

આદિત્યે ખિસ્સામાં હાથ નાખી રિર્વોલ્વર બહાર કાઢી.

‘નહિ આદિત્ય, આપણે આને મારવાનો નથી. આપણે તો તેનો પીછો કરી તે ક્યાં જાય છે તે જોવાનું છે. ‘‘આદિત્યના રિર્વોલ્વરવાળા હાથને પકડતાં ખૂબ ધીમા અવાજે પ્રલય બોલ્યો.

આલુ બુખાર ખાતે તે ભયાનક પ્રાણીના હાથ નગારાનો અવાજ સાંભળીને અટકી ગયા. થોડીવાર તે એ જ રીતે અવાજ સાંભળવા લાગ્યો. પછી તેના ચહેરાના હાવભાવ બદલાયા અને ગુસ્સા સાથે હાથમાં પકડેલો આલુ બુખારનો ‘ઘા’ કરી તે અવાજની દિશા તરફ ક્રોધથી નસકોરાં બોલાવતો આગળ વધ્યો.

જેવો તે આગળ વધ્યો કે તરત પ્રલય અને આદિત્ય પણ પથ્થરની પાછળથી બહાર આવ્યા અને વૃક્ષોની આડમાં છુપાતા-છુપાતા તે દૈત્ય પ્રાણીનો પીછો કરવા લાગ્યા.

થોડા આગળ ચાલ્યા પછી બંને થોભી ગયા.

તેઓની સામે એક ખંડેર જેવી પુરાની હવેલી સમયની થપાટોનો માર ખાતી બિસ્માર હાલતમાં ઊભી હતી. તે દૈત્ય તે હવેલી પાસે આવી તેના દરવાજા પાસે ઊભો હતો. પછી દરવાજાની ફરતે બનેલી હવેલીની લગભગ બાર ફૂટની દીવાલ પર ચડી જઇને અંદર ઘૂસી ગયો.

દૈત્ય હવેલીની અંદર પ્રવેશી ગયો કે તરત જ તે નગારાનો વિચિત્ર અવાજ આવતો બંધ થઇ ગયો.

‘કાંઇ સમજણ પડી તને...?’ આદિત્ય સામે જોઇ ધીમા અવાજે પ્રલય બોલ્યો.

‘‘હા...પ્રલય નગારાનો અવાજ તે ગજબ પ્રાણીને બોલાવવાના સંકેત રૂપે વાગી રહ્યો હતો. જેવુ તે પ્રાણી હવેલીની અંદર ઘૂસી ગયું કે તરત અવાજ બંધ થઇ ગયો.’’

‘પરફેક્ટ...આદિત્ય અને આ હવેલી તે જ હવેલી છે. જેને આપણે ચેક કરવાની છે.’

‘પ્રલય...એક કામ કરીએ, તું હોટલ ‘સનરાઇઝ’ પાછો જા અને આજ હું હવેલીમાં ઘૂસી જઇ ચેક કરી આવું. જરૂર પડતાં તને મોબાઇલ કરીને બોલાવી લઇશ. આપણે બંને હવેલી ચેક કરવા જશું અને પકડાઇ ગયા તો પછી તકલીફ પડશે...’ આદિત્ય બોલ્યો ઠીક છે. આદિત્ય તારી વાત સાચી છે. તું આજ હવેલી ચેક કરી આપ પછી આગળ શું કરવું તે વિચારશું.

સાંજના છ વાગ્યાના સમયે આદિત્ય તે હવેલી તરફ જવા ઊપડ્યો. તેની સાથે થયેલી વાત પ્રમાણે પ્રલય હોટલ ‘સનરાઇઝ’ જવા પરત કર્યો હતો અને આદિત્ય તે ટેકરીઓ પાસે પરત ફરી અને અંધકાર થવાની વાટ જોતો બેઠો હતો.

પહાડી નિર્જન વિસ્તાર પર આવેલી તે પુરાણી હવેલી હતી. આજુ-બાજુમાં ક્યાંય કોઇ વસ્તી હોય તેવું લાગતું ન હતું. હતું તો બસ ચારે તરફ ફેલાયેલું ગાઢ જંગલ અને ધોર સન્નાટાભરી વેરાની.

આદિત્ય વૃક્ષોનાં ઝુંડો વચ્ચે લપાતો-છુપાતો તે હવેલી તરફ આગળ વધી રહ્યો હતો. સાંજનો સમય હતો. પણ આકાશ કાળાં ડિબાંગ વાદળોથી ધેરાયેલું હોતાં ચારે તરફ અંધકાર છવાયેલો હતો.

આદિત્ય હવેલીના દરવાજાની નજદીક આવી પહોંચ્યો અને સામે આવેલા એક મોટા વૃક્ષની ઉપર ચડી જઇ નિરીક્ષણ કરવા લાગ્યો.

હવેલી ખૂબ જ પુરાણી હોય તેવું લાગતું હતું. હવેલીની ચારે તરફ ફરતા ભુક્કરીયા પથ્થર અને ચૂનાથી ચણેલી જાડી દીવાલ હતી. લગભગ દસથી બાર ફૂટ ઊંચી દીવાલ જેવા તે કિલ્લાની વચ્ચે હવેલી આવેલી હતી. કિલ્લાના તે દરવાજાની વચ્ચે નાની ડેલી જેવો દરવાજો અવર-જવર કરવા માટે બનેલો હતો. હવેલીના દરવાજા ઉપર એક બલ્બ બળતો હતો અને તેનો આછો પીળો પ્રકાશ બહાર ફેલાયેલો હતો.

ચારે તરફ ગાઢ સન્નાટો પ્રસરેલો હતો. હવેલીમાં કોઇ જ માનવ રહેતું ન હોય તેવું ભેંકાર લાગતું હતું.

ધીરે ધીરે સરતો આદિત્ય તે હવેલીના દરવાજા પાસે આવ્યો અને હવેલીની અંદર ઘૂસવા માટે ઉપાય શોધવા લાગ્યો.

***