Khoufnak Game - 3 - 4 books and stories free download online pdf in Gujarati

ખોફનાક ગેમ - 3 - 4

ખોફનાક ગેમ

વ્રજલાલ હિરજી જોષી

રહસ્યમય હવેલી

ભાગ - 4

ધમ્મ...તેના કૂદી પડવાનો ધીમો અવાજ થયો. થયેલા અવાજની શું પ્રતિક્રિયા થાય છે, તે જાણવા માટે તે થોડી વાર સુધી ત્યાંજ કાન સરવા કરીને બેસી રહ્યો. પરંતુ ક્યાંય કોઇ હિલચાલ થઇ નહીં, એટલે તે ચાર પગે (બે હાથ, બે પગ) જાનવરની જેમ ચૂપચાપ ચાલતો-ચાલતો હવેલીના મકાન તરફ આગળ વધ્યો.

હવેલીનું પાછળનું પ્રાંગણ એકદમ વેરાન હતું. ચારે તરફ વૃક્ષોનાં સૂકાં પાંદડાઓના ઢગલા પડયા હતા અને ઘૂંટણ સુધી ઊંચાઇનું જંગલી ઘાસ ફૂટી નીકળ્યું હતું. ઘાસની વચ્ચે થઇને તે હવેલીના પાછળના એક કમરાની બારી પાસે આવ્યો. પછી તે ચૂપચાપ ઊભો થયો અને એમ ને એમ બે ચાર પળો ઊભો રહ્યો.

પછી તેણે હાથ વડે બારીને ધક્કો માર્યો. બારી અંદરની બંધ હતી.

તેણે ગજવામાંતી એક પેન બહાર કાઢી અને તેનું ઢાંકણું ખોલ્યું. તે પેન હિરાકણી હતી. હિરાકણીવાળી પેન પકડીને પ્રલયે દબાણથી બારીના કાચની ચારે તરફ ફેરવી. ત્યારબાદ તે પેનને ખિસ્સામાં મૂકી. પછી બારી વચ્ચોવચ્ચ મોં રાખીને પોતાના હોઠને બારીના કાચ પર કિશ કરતો હોય તેમ ચિપકાવ્યા. ત્યારબાદ એક ઊંડો શ્વાસ લઇ તેણે મોંમાં વેક્યુમ પેદા કર્યું. પછી ધીરે ધીરે મોંને પાછળની તરફ ખેંચવા લાગ્યો.

તેનો અખતરો સફળ થયો. હિરાકણીથી કપાયેલો કાચ તેના સ્થાનેથી ખસીને બહારની તરફ આવ્યો અને તરત પ્રલયે તેને બંને હાથેથી પકડી લીધો અને ધીમેથી નીચે જમીન પર મૂકી દીધો. ત્યારબાદ તેણે બારીની અંદર હાથ નાખી અંદરની સ્ટોપર ઉઘાડી નાખી પાછી બારીને ઉઘાડી તે ઉપર ચડીને બારીમાં પ્રવેશ્યો.

બારી એક કમરામાં ઊઘડતી હતી. તે જરાય અવાજ કર્યા વગર બારી વાટે કમરામાં ઊતરી ગયો.

કમરામાં એકદમ અંધકાર છવાયેલો હતો. પ્રલયે પેન્ટના ખિસ્સમાંથી મોબાઇલ બહાર કાઢ્યો અને મોબાઇલમાં રહેલી ટોર્ચ સળગાવી અને ટોર્ચના આછા પ્રકાશમાં કમરાનું નિરીક્ષણ કરવા લાગ્યો. કમરો એકદમ ખાલી હતો. કમરાનું ફર્નિચર એકદમ જૂનું દાદા આદમના વખતનું હતું. લાકડાનું કબાટ, લાકડાની ટેબલ, લાકડાની બે ખુરશીઓ ત્યાં પડ્યા હતા. કબાટની અંદર કેટલાંય પુસ્તકો પડેલાં તેની કાચની ફ્રેમમાંથી દેખાતાં હતા.

પ્રલયે તે કબાટ પાસે ગયો અને અંદર પડેલાં પુસ્તકોને હાથમાંથી લઇને મોબાઇલ ટોર્ચના પ્રકાશમાં ચેક કરવા લાગ્યો. ચાર-પાંચ પુસ્તકો તેણે ચેક કર્યાં. તે બધાં પુસ્તકો આફ્રિકાના જંગલ તથા ત્યાં વસતા જંગલીઓ અને જંગલી જાનવરો પર હતાં. તેમાંનુ એક પુસ્તક પરગ્રહવાસી એલિયન્સ તથા યુ.એફ.ઓ. પર હતું પુસ્તકોને પાછાં મૂકી ધીરેથી તેણે કબાટ બંધ કર્યું. પછી તે ટેબલ તરફ ફર્યો અને ટેબલના આગળ બનાવેલા બે ખાનામાંથી ઉપરનું ખાનું ધીરેથી ખોલ્યું. તે ખાનામાં (ર્ડોક્ટરના સર્જિકલ ઇન્સ્ટુમેન્ટ) ર્ડોક્ટરી કાપકૂપનાં થોડાં સાધનો પડ્યાં હતા. ત્યારબાદ તેણે નીચેનું ખાનું ખોલ્યું. નીચેના ખાનામાંથી એક ફાઇલ તેને મળી આવી. ફાઇલને ખાનામાંથી બહાર કાઢી ટેબલ પર મૂકી ત્યાં ઊભા ઊભા જ તે ચેક કરવા લાગ્યો. ઉપરના ત્રણ પાના પર ઇમ્પોર્ટ, એક્સપોર્ટના માલન કાગળો હતા. ફાઇલના ચોથા પાના પર આફ્રિકાના જંગલોની વિગત હતી. આસ્તેથી પ્રલયે ચોથું પાનું ફાઇલમાંથી ખેંચી લીધું. ત્યારબાદ તે ફાઇલનું પાંચમું પાનું ચેક કરવા લાગ્યો. ફાઇલના પાંચમા પાના પર એક નકશો ચીતરેલો હતો. નકશો કોઇ આફ્રિકાના અજ્ઞાત ટાપુ પરનો હતો. કેટલાક નાના-નાના ટાપુઓ વટાવીને તે ટાપુ પર પહોંચવાનો માર્ગ બતાવેલો હતો. તે અજ્ઞાત ટાપુની આજુબાજુ ફરતા ગોળ તરંગો દર્શાવેલા હતા. જાણે કોઇ કરંટ પેદા થતો હોય તેમસ, ને તે ટાપુ પર પૃથ્વીથી અલગ ગ્રહ હોય અને તેના પર પ્રયોગશાળા બનાવેલા હોય તેવું વિચિત્ર ચિત્ર બનાવેલી હતું. કોઇ શંકુ આકારના ગુંબજો તો કોઇ ગોળ આકારના ગુંબજો બનેલા હતા. વચ્ચે એક વિચિત્ર આકારના બે-ત્રણ એલિયન્સના ચિત્ર પણ ઊભેલાં બનાવવામાં આવ્યાં હતા. પ્રલયે પાંચમું પાનું પણ બહાર ખેંચી લીધું. પછી ચોથું અને પાંચમું પાનું તેણે ફોલ્ડવાળી તેના બૂટમાં તળિયાની એડી વચ્ચે બનાવેલા નાના ચોરખાનામાં છુપાવી દીધું. ત્યારબાદ ફાઇલને તે ટેબલના ખાનામાં મૂકી ખાનું બંધ કર્યું. પછી તે રૂમની સામે દેખાતી લોબી તરફ આગળ વધ્યો.

લોબી સૂમસામ હતી. જાણે કોઇ અવાવરુ તહેખાનામાં આવી ગયો હોય તેવું પ્રલયને લાગ્યું. લોબી પહોળી અને લાંબી હતી. લોબીના વચ્ચેના બાગમાં છત પર ક લગભગ ચાલીસ ર્વોલ્ટનો બલ્બ લટકતો હતો અને તેનો આછો પીલો મંદ પ્રકાશ લોબીમાં ફેલાયેલો હતો.

ઘોર સન્નાટો છવાયેલો હતો. જાણે વર્ષોથી તે હવેલીમાં કોઇ આવ્યુંજ ન હોય. જરાય અવાજ ન થાય. તેનો ખ્યાલ રાખતો પ્રલય ધીરે-ધીરે લોબીમાં આગળ વધ્યો. લોબી આગળ વધીને રાઇટ સાઇડમાં ટર્ન લેતી હોવાથી તેનો છેડો દેખાતો ન હતો.

તે દીવાલ સરસો ચીપકી ધીરે ધીરે આગળ વધતો રહ્યો. થોડા આગળ વધ્યા પછી લોબીમાં ડાબી સાઇડમાં એક કમરાનો દરવાજો દેખાયો. લાકડામાં તે દરવાજાની વચ્ચે બનેલી તિરાડમાંથી પ્રલયે અંદરની તરફ નજર ફેરવી, કમરો ખાલી લાગ્યો.

કમરો વટાવીને તે આગળ વધ્યો, હજી તો તે થોડો આગળ વધ્યો હશે ત્યાં જ ‘ધડામ’...અવાજ સાતે તે કમરાનો દરવાજો ખૂલ્યો.

પ્રલય ભડક્યો અને લોબીની દીવાલ સરસો ચીપકીને ઊભી રહી ગયો.

તે ખૂલેલાં કમરામાંથી એક મહાકાય દૈત્ય જેવો દેખાતો માનવી બહાર આવ્યો. પછી તેણે દરવાજા પાસે ઊભા રહીને લોબીના એક છેડાથી બીજા છેડા સુધી પોતાની નજર ફેરવી.

ધક...ધક...ધક...ઘોર સન્નાટામાં પ્રલયને પોતાના ધબકારા સંભળાઇ રહ્યા હતા.

અચાનક તે દૈત્ય માનવની નજર પ્રલય પર પડી.

તેના મોં પર આશ્ચર્યના હાવભાવ છવાઇ ગયા.

‘હેય...કોણ છો તું...?’ ઘોઘરા અવાજે દહાડતો તે પ્રલય તરફ આગળ વધ્યો. તેનો અવાજ પ્રલયને ઊંડી ગુફામાંથી આવતા કોઇ જાનવરની ઘુરઘુરાટી જેવો લાગ્યો. પ્રલય ચૂપચાપ ઊભો રહ્યો.

‘હરામખોર...સાંભળતો નથી...? કોણ છે...?’ તે ગુસ્સા સાથે પ્રલયને તાકતા બોલ્યો.

તે દૈત્ય રેમો હતો, જેની આગલા દિવસે આદિત્યે સાથે મુલાકાત થઇ હતી.

‘તારો બાપ...તારો બાપ છું અને આ હરામખોર શબ્દ મારા કરતાં તારા માટે વધુ યોગ્ય લાગેછે. માટે તને પાછો આપું છું...લઇ લેજે વળી પાછો, ના ન પાડતો...’ મજાકભર્યા અવાજે પ્રલય બોલ્યો.

થોડીવાર તો રેમો પ્રલયની સામે આશ્ચર્યથી તાકી રહ્યો. કાલે ભટકાયેલો યુવાન પણ આમ જ તેની ઠેકડી ઉડાડતો હતો.

‘શું જોઇ રહ્યો છો...? જંગલી ગધેડો...તેં ક્યારેય માણસ જોયો લાગતો નથી. આફ્રિકાના જંગલમાં ચાલ્યો જા સાલ્લા ત્યાં મચ્છર ઘણા હોય છે, ત્યાં લહેરથી મચ્છર માર્યા કરજે અને તારા બાપનું નામ રોશન કરજે.’

પ્રલયની વાત સાંભળી રેમો ગુસ્સેથી કાળઝાળ થઇ ગયો.

આના પેટમાં જોરથી માથું મારીને તેનું પેટ તોડી નાખું. તેવું અક્કલ વગરનું વિચારીને રેમોએ પ્રલય તરફ માથું નમાવીને દોટ મૂકી.

પ્રલય એકદમ સર્તક હતો.

‘એક વાર આના હાથમાં આવી જઇશ તો હાડકાં ખોખરાં થઇ જશે...’ પ્રલયે વિચાર્યું.

રેમો એકદમ વેગ સાથે પ્રલય તરફ દોડ્યો.

વેગથી દોડતા આવતા રેમોનું માથું તેના પેટમાં અથડાય તે ક્ષણ પહેલાં જ પ્રલય ઝડપથી નીચે બેસી ગયો.

‘ધડામ...’જોરદાર અવાજ સાથે રેમોનું માથું દીવાલમાં અથડાયું,જેવું રેમોનું માથું દીવાલ સાથે અથડાયું કે તરત નીચે બેઠેલો પ્રલય રેમોના બે પગ વચ્ચે ઝડપથી સરી જઇને તેની પાછળ પહોંચી ગયો અને રેમો પાછળની તરફ ફરે તે પહેલાં જ પ્રલયે દાંત કચકચાવીને ભયાનક જોશ સાથે રેમોની કમરમાં લાત ફટકારી દીધી. એક તો કાલ આદિત્યએ મારેલા પથ્થરથી મોં પર ઊઝા થઇ હતી અને દીવાલ સાથે અથડાતાં તેના ઘામાં વધુ ઇજા થઇ.

રેમોના ગળામાંથી એક ચીસ સરી પડી.

તે પલટ્યો અને પછી ગુસ્સાથી ગાંડોતુર થઇ ગયો, નાકમાંથી જંગલી ભેંસની જેમ છિંકોટા નાખતો તે પ્રલય તરફ દોડ્યો.

‘આવ બેટા આવ.’ આજ તો તારી સાથે રાસ રમવો છે. પેટ ભરીને યાર... ‘તારા વિના શ્યામ મને એકલડું લાગે, રાસ રમવાને વેલો આવજે...’ આમે તુરંતમાં નવરાત્રી આવવાની છે. તો તને પૂરા સ્ટેપ શીખવાડી દઉં...પછી નવરાત્રીના એ હાલો રમવા...કરતો રઘવાયા ઢોરની જેમ રખડજે...’ હાથ લંબાવી તાળી પાડતાં પ્રલયે ઠેકડી ઉડાડી.

‘આજ તું નહીં બચી શકે કમજાત...’ દોડતાં દોડતાં ગુસ્સાથી દાંત કચકચાવતો રેમો બોલ્યો.

‘જા...જા નાલાયક...તારાથી ભુકરીયો પાણો પણ ભાંગે તેમ નથી. ભલે તારું શરીર ગેંડા જેવું હોય પણ અક્કલ તો બળદિયા જેવી જ છે...મને એકવાર પકડી તો બતાવ, પૂરો સવા રૂપિયો રોકડો તને ભેટ આપીશ...ચચચ.ચાર આની તો યાર સરકારે બંધ કરી દીધી. ઠીક છે જા...પૂરો દોઢ રૂપિયો ભેટ આપીશ...બસ હવે તો ખુશને...’ છાતી ફુલાવતાં જાણે પોતાની પૂરી મિલકત રેમોને દાનમાં આપી દીધી હોય, તેમ રાજી થતાં પ્રલય બોલ્યો...અને પછી સામે ધસી આવતા રેમોથી બચવા તે લોબીમાં આગળ દોડ્યો.

ટપ...ટપ...ટપ અચાનક જ્યાં લોબી ટર્ન લઇને આગળ વધતી હતી તે તરફથી બૂટોનો અવાજ ગુંજી ઊઠ્યો.

પ્રલય ચમક્યો સામેથી કોઇ આવી રહ્યું હતું. અને પાછળ તે દૈત્ય તેને મારવા માટે ધસી રહ્યો હતો.

‘મારી નાખ્યો બાપલિયા...’

શું કરવું...? શું ન કરવું...? પ્રલય અવઢવમાં મુકાયો. તેની પાછળ જંગલી પાડા જેવો તે દૈત્ય દોડતો આવતો હતો. તેના હાથણાં એક વખત પકડાયા પછી તો માંથી બચવું મુશ્કેલ હતું અને સામે લોબીમાંથી પણ કોઇક આવી રહ્યું હતુ.

અચકાઇને પળભર પ્રલય ઊભો રહ્યો.

પણ તેટલીવારમાં તો તે દૈત્ય તેની એકદમ નજદીક ધસી આવ્યો. પાછળની તરફ ડોક ફેરવી પ્રલયે તે જોયું અને પછી તેણે આંધીની જેમ દોટ મૂકી.

જેવો તે લોબીના વળાંક પાસે પહોંચ્યો કે તરત તે હેબતાઇ ગયો.

તેની પાછળ આવતા તે દૈત્યના બાપ જેવો જાનવર, ન માણસ, ભયાનક ખૂંખાર રાક્ષસ, ચહેરો ભયાનક અને શૈતાની ભાસતો હતો. તેની આંખો ગોળ અને ચૂંચી હતી અને તેના રાક્ષસી દાંત મોંમાંથી બહાર દેખાતા હતા. તેનું નાક ચિબાઇ ગયું હોય તેવું લાગતું હતું. આખા શરીર પર એકદમ બરછટ જાનવર જેવી રૂવાંટી અને હાથના પંજા જાનવરના નહોરભર્યા પંજા જેવા લાગતા હતા. વિચિત્ર તો એ હતું કે તેણે કમરથી નીચે પોતિયું પહેર્યું હતું અને પગમાં રબ્બરના સોલવાળા બૂટ.

‘હાય રામ...સાચે જ રામાયણના રીંછ માનવ જેવો લાગે છે. જો રામાનંદ સાગરને રામાયણ બનાવતી વખતે આ ભૂંડ મળી ગયો હોત તો તેનો બેડો પાર થઇ જાત...સાલ્લા...અહીં જાનવરો જ ભેગાં થયાં છે...’ કટોકટી ભરી ક્ષણોમાં પણ પ્રલયને હસવું આવી ગયું.

આ જ રાક્ષસ જેવા માણસને પ્રલયે જંગલમાં આલુ-બુખાર તોડીને ખાતાં જોયો હતો. અને પછી નગારાના અવાજ સાંભળી હવેલી તરફ ભાગ્યો હતો અને ત્યારબાદ આદિત્યને પ્રલયે અહીં હવેલી ચેક કરવા માટે મોકલ્યો હતો.

પ્રલય પાછળ ફરીને જોયું. તે દૈત્ય માનવ સાવ નજદીક આવી ગયો હતો અને તેના હાથનો પંજો પ્રલયનું ગળું દબાવી દેવા માટે તેની ગરદન તરફ વધી રહ્યો હતો.

‘હેય...હેય...સ્ટોપ...સ્ટોપ...અચાનક તે જંગલી રાક્ષસ જેવા લાગતા તે માનવીની પાછળ અવાજ ગુંજી ઊઠ્યો.

અને પછી તે જંગલી રાક્ષસે પાછળ તરફ નજર ફેરવી અને પાછળ આવતા કોઇ માનવને જોઇને તે ભડક્યો અને પછી એકદમ આગળની તરફ દોટ મૂકીને ભાગવા લાગ્યો.

બંને દૈત્યો સામ-સામા દોડતા હતા. પ્રલય બંનેની વચ્ચેના ભાગમાં હતો. બંને દૈત્યો વચ્ચે પિસાઇ જાય તે પહેલાં જ એકાએક પ્રલયે પોતાના શરીરને એક તરફ નમાવ્યું અને આડા થઇ જમીન પર સૂઇ ગયો.

તે દૈત્યે પોતાનો વાર ખાલી જતાં ફરીથી લાત ઉગામી.

આગળ લોબીની દીવાલ આવી જતાં હવે પ્રલય પડખું ફેરવી શકે તેમ ન હતો.

‘તડાક...’ અવાજ સાથે તેની જોરદાર લાત પ્રલયની કમર પર પડી.

પ્રલય હમમચી ગયો.

‘ઓ મા...’ પ્રલયના ગળામાંથી એક કાળઝાળ ચીસ સરી પડી. તેનું પૂરું શરીર તમતમી ગયું. કમર પર કોઇએ ઘણનો જોરદાર ‘ઘા’ કર્યો હોય અને ભયાનક પીડા થાય, તેવી પીડા તેને કમર પર થઇ. જાણે કમરના મણકા તૂટી પડ્યા હોય તેવી કારમી પીડાથી પ્રલયનો ચહેરો તરડાઇ ગયો.

‘રેમો એને પકડી લે...’ પાછળ આવી પહોંચેલા તે માણસે અચાનક પ્રલયને જોયો, જે સમયે રેમોએ પ્રલયને લાત લગાવી હતી.

આજ્ઞાનું પાલન કરતાં રેમો આગળ વધ્યો અને નીચે પડેલા પ્રલયને ઉઠાવવા નીચો નમ્યો.

તે જ ક્ષણે ચત્તા થયેલા પ્રલયે એકદમ ગુસ્સા સાથે તેના નાક પર એક મુક્કો રસીદ કરી દીધો.

તે દૈત્યને કાલે જ આદિત્યએ મોં પર પથ્થર માર્યો હતો અને તેથી તેના નાક પર ઇજા પણ થઇ હતી. પ્રલયના રાઠોડી પંજાનો મુક્કો લાગતાં તેનું નાક તૂટી ગયું અને ફરીથી નાકમાંથી લોહીની ધાર થઇ તે સીધો થયો અને પાછળની તરફ થોડો ખસ્યો.

તકનો લાભ પ્રલયે ઉઠાવ્યો. તે જમ્પ મારીને ઊભા થયો અને પછી એકાએક જોરથી જમ્પ લગાવી અને તે દૈત્યના મોં પર પોતાનું માથું ઝીંકી દીધું.

ભયાનક ચિત્કાર સાથે તે દૈત્ય લડખડાયો અને પાછળની તરફ ઊથલી પડ્યો.

ત્યાં પહોંચીને ઊભેલો તે માણસ આશ્ચર્ય સાથે જોઇ જ રહ્યો. આજ સુધી રેમોને કોઇ પહોંચી શક્યું ન હતું. તે પછી તે માણસનો હાથ દીવાલ તરફ ફર્યો અને તેણે દીવાલ પરની એક સ્વીચને દબાવી.

ધુડડુડુડુ...ના અવાજ સાથે અચાનક પ્રલય ઊભો હતો ત્યાંની ફર્શ દીવાલ તરફ સરકવા લાગી.

પ્રલયે જમ્પ મારવાની કોશિશ કરી પણ તે થોડો મોડો પડ્યો.

ફર્શ ખસી જતાં પ્રલય લગભગ દસ ફૂટ નીચે બનેલા એક કમરામાં પટકાયો. તે જ ક્ષણે ફરીથી ફર્શ સરકતી પોતાના સ્થાને આવી ગઇ. પ્રલય તે કમરામાં કેદ થઇ ગયો હતો.

તે આદમીએ ગુસ્સાભરી એક નજર રેમો પર કરી પછી સામેના કમરા તરફ ચાલવા લાગ્યો.

નીચે પછડાયેલ પ્રલય હાથને કમર પર મૂકીને ફર્શ પર બેઠે થયો. તેને પીઠમાં દર્દ થતું હતું. પછડાટ વાગવાથી હાથ-પગ અને માથામાં પીડાના ચસાકા ઊપડતા હતા.

‘કાં...ભાઇ બાગા મઝા આવી...?’

‘કોણ...?’ અચાનક આવેલી અવાજથી પ્રલય ચોંકી ઊઠ્યો અને ઓરડામાં ફેલાયેલા અંધકારમાં આંખો તાકી-તાકીને જોવા લાગ્યો. થોડીવારમાં જ તેની આંખો અંધકારમાં જોવા માટે ટેવાઇ.

‘અરે...આદિમાનવ તું...?’

‘ બોલ...બોલ...ધરતીના પ્રલય આજ તો મુરઘી ડબ્બામાં પુરાઇ ગઇને...?’

‘ આદિ...તું કેવી રીતે ફસાઇ ગયો...?’

‘સાંભળ...હું હવેલીમાં તપાસ કરવા અંદર પ્રવેશ્યો અને કહીને આદિત્યે પોતાનું મહાભારત સંભળાવ્યું અને પછી પ્રલયે પોતાની રામકથા કહી.

‘હવે અહીંથી પલાયન થવું છે ને...’ આદિત્યે પૂછ્યું.

‘ના.આદિત્ય...આ માયાજાળ આપણે જોવી છે. અહીંથી નાસી છૂટવાથી પછી કાંઇ જ જાણવા નહીં મળે.’

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED