Khoufnak Game - 2 - 2 books and stories free download online pdf in Gujarati

ખોફનાક ગેમ - 2 - 2

ખોફનાક ગેમ

વ્રજલાલ હિરજી જોષી

“ભયાનક રાત”

ભાગ - 2

‘‘સર...ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ વ્રજલાલભાઇ એબોટીની વાત પરથી તે ખરેખર સાચી ઘટના બની હતી. તેઓએ તથા તેમના આસિસ્ટટં ફિઝિક્સ એનાલાયસિસ એક્સપર્ટ પટેલભાઇએ તે પગલાંનું બરાબર નિરક્ષણ કર્યું હતુ. તે પગલાની છાપ સાચી હતી, માનવ સર્જિત ન હતી પણ મારા મગજમાં તે વાત બેસતી નથી. કેમ કે ધરતીના આવરણ ઉપરથી કોઇ વસ્તુ નીચે આવે, તો તે એટલા પ્રેસરથી આવે છે કે ઘર્ષણની ક્રિયાને લીધે તે બળીને ખાખ થઇ જાય છે. નહીં તો સર...સૌર મંડળમાં એટલા બધા ઉલ્કાપાત થતા હોય છે. તે જો ધરતી પર ટકરાતા હોય તો ધરતીનો ક્યારેક વિનાશ થઇ ગયો હોત.

‘‘મેજર સોમદત્ત...’ તો પછી આ યુ.એફ.ઓ. અને એલિયન્સ શું બહારની દુનિયામાંથી ખરેખર આવતા હશે...કે પછી...? અને વળી અશ્વત્થામા જીવંત છે અને લોકોએ તેમને જોયા છે. તેનું શું...? ગૃહસચિવે પ્રશ્ન કર્યો.

‘‘હં...સર...અશ્વત્થામા, ભગવાન પરશુરામ, ભગવાન હનુમાનજી તથા ભરથરી અજર અમર છે તેવું માનવામાં આવે છે. મારું અનુમાન એવું છે કે માનવદેહ આટલા વર્ષો સુધી ટકી શકે તે લગભગ અશક્ય છે. પણ તેઓનાં સૂક્ષ્મ શરીર જીવંત છે...બાકી તો સર...કુદરતની લીલા અપરંપાર છે, તેને કોઇ જ જાણી શક્યું નથી. આ બ્રહ્માંડમાં અશક્ય જેવી વસ્તુ નથી અને સર...એલિયન્સની વાત કરું તો સર આ બ્રહ્માંડમાં કેટલાંક સૌર મંડળ હશે અને અબજો પ્રકાશવર્ષ તેઓ આપણાથી દૂર હશે. કેટલાક સૂર્ય હશે અને આપણી ધરતી જેવા વાતાવરણવાળા કેટલાય ગ્રહો પણ હશે. તે ગ્રહો પર જીવસૃષ્ટિ હોવાનું નકારી શકાય જ નહીં અને સર કોઇ ગ્રહો પર જીવસૃષ્ટિ હોય અને તેઓ વૈજ્ઞાનિકો ક્ષેત્રે આપણાથી ઘણા જ આગળ હોય તો તેઓ આપણી ધરતી પર આવી શકે તેવાં તેઓ પાસે વાહન હોય તેવું બની શકે...એટલે સર કાંઇ જ અશક્ય નથી.’’

‘ મેજર સોમદત્તજી...તમારી વાત સાચી છે. હવે આપણે આગળ ચર્ચા કરતાં પહેલાં એક એક કપ કોફી પી નાખીએ અને મેજર સાહેબ તમે જમીને તો આવ્યા છો ને...?

‘‘હા...હું અને કદમ હરિદ્વારથી જમીને જ નીકળ્યા છીએ.’’

મિત્રા સાહેબે બધા માટે કોફી મંગાવી થોડીવારમાં જ બે બી.એસ.એફ.ના યુવાનો આવ્યા અને બધાને કોફી સર્વ કરી ચાલ્યા ગયા.

‘‘મેજર સોમદત્ત...હવે આપણે નેપાળમાં બનેલા બનાવની વાત પર આવીએ. થોડા દિવસ પહેલાં જ નેપાળમાં વિચિત્ર પ્રાણીઓ જેવા મોં વાળા માનવો જોવા મળેલ છે. એક-બે નહીં પણ ઘણા જ બનાવો ત્યાં બનેલા છે અને નેપાળ સરકારે આપણી સરકાર પાસે તે માનવીઓની તપાસ માટે મદદ માંગી છે. નેપાળની સિક્રેટ એજન્સીઓએ એવું તારણ કાઢ્યું છે કે ધરતી બહારની દુનિયામાંથી નેપાળની ધરતી પર એલિયન્સ ઊતરી રહ્યા છે. અને નેપાળ પર બેઝ કેમ્પસ બનાવી નેપાળનો કબજો લેવા માટે ઘડી રહ્યો છે. કોફીનો એક લાંબો ઘૂંટ લઇને ગૃહસચિવ બોલ્યા.

‘માય ગોડ...! સર...આ તો ઘણી ખતરનાક વસ્તુ છે અને આની તો ખૂબ જ ઝડપથી તપાસ કરવી જોઇએ, નહિતર મોડું થઇ જશે...’ ખાલી કપને ટીપોટ પર મૂકતાં મેજર સોમદત્ત બોલ્યા.

‘‘મેજર સોમદત્ત...આ કેસ ભારત સરકારે તમને સોંપવાનું નક્કી કર્યું છે અને તે માટે જ આજ મીટિંગ પણ રાખવામાં આવી છે.’’

‘‘સોમદત્તજી મને તો ચીનનું ષડયંત્ર નજરે પડે છે. ચાઇનાવાળાઓ એ કદાચ માનવ આકારનો વિચિત્ર શેપવાળા કમ્પ્યૂટર રોબર્ટ બનાવીને નેપાળની ધરતી પર ઉતાર્યા હોય. ચીન ભારતનું સૌથી મોટું દુશ્મન છે. અને પાછું હમણાં જ તમને એની મોટી મહેચ્છા પર પાણી ફેરવી દીધું હતું. એટલે હવે આ કોઇ નવી ચાલ તે ચાલી રહ્યું હોય’’ હસતાં હસતાં મિત્રો બોલ્યા.

‘‘હા...મેજર સોમદત્ર...તે ચીનની બોર્ડરમાં ધુસી જઇને એક મોટા સરોવરને તોડી નાખી ચીનના સૈનિકોને ભારતની લદાક બોર્ડર વિસ્તારમાં ઘૂસતા અટકાવ્યા હતા. તમારું તે ખતરનાક મિશન હતું. (વાંચો-બર્ફિલું મોત) જો કે તે સિક્રેટ મિશન હતું જેની અમુક વ્યક્તિ સિવાય કોઇનેય ખબર ન હતી.’’ ગૃહ સચીવે કહ્યું.

‘સર...આ ભૂમિ મારી મા સમાન છે અને મારી મા ભોમને ખાતર ફના થવામાં મને આનંદ આવશે સર...મારે જીવવું છે તો મારા દેશ માટે અને મરીશ તો પણ મારા દેશ માટે...’’ સીનો ટટ્ટાર કરી મેજર સોમદત્ત બોલ્યા અને સૌએ તાળીઓના ગડગડાટથી મેજર સોમદત્તને વધાવી દીધા.

‘‘વાહ, મેજર સોમદત્ત...તમારી મર્દાનગી, તમારી દેશભક્તિ, હું તમને નમન કરું છું.’’ ઊભા થઇને મેજર સોમદત્તની પીઠ થાબડતાં ગૃહસચિવ બોલ્યા.

‘સર...હવે મારા માટે શું ઓર્ડર છે...?’

‘સોમદત્ત...તારે ‘ચમોલીનો એરિયા’ અને નેપાળ જઇ ત્યાં પૂરી તપાસ કરવાની છે. અને મને તેનો રિપોર્ટ આપવાનો છે.’

‘ભલે સર...હું કાલ સવારના જ ચમોલી જવા નીકળી જઇશ અને પ્રલય તથા આદિત્ય તથા તાનીયાને હું તરત નેપાળ પહોંચવાનો આદેશ આપું છું. સર...મને નેપાળમાં ક્યા એરિયામાં ઘટનાઓ બની છે તેની માહિતી આપી દો.’

‘ મેજર સોમદત્ત, આ ફાઇલમાં ચમોલી તથા નેપાળની ઘટનાની બધી વિગત છે. તે તું આને તારી પાસે રાખી લે અને તેનું અધ્યયન કરી લેજે...’’ હાથ લંબાવી ફાઇલ આપતાં ગૃહસચિવ બોલ્યા.

‘ઓ...કે...સર’ કહી મેજર સોમદત્તે ફાઇલ હાથમાં લીધી.

મીટિંગ પૂરી થતાં જ સૌ ઊભા થયા.

રાત્રીનો અંધકાર ચારે બાજુ છવાઇ ગયેલો હતો.

મેજર સોમદત્ત તથા કદમ ગાડીમાં હરિદ્વાર જવા પરત ફરી રહ્યા હતા. ગાડીના ઇંન્જિનના અવાજ સિવાય સન્નાટો છવાયેલો હતો. ગાડીની હેડ લાઇટ રસ્તા પર પ્રકાશનો ધોધ વેરતી હતી. તે સિવાય ધોર અંધકાર ફેલાઇ ગયો હતો.

‘સર...સવારના જ ચમોલી નીકળી જવું છે...?’ સ્ટિયરિંગ ઘુમાવી રસ્તાની ગોલાઇ કાપતાં કદમે પૂછ્યું.

‘‘હા...કદમ...આપમે સવારના લગભગ પાંચ વાગ્યાના સમયે ચમોલી જવા નીકળી જશુ. એટલે બપોર સુધી પહોંચી જઇએ. બાકી ત્યાં રહેવા માટે ‘રામેશ્વરનંદ સરસ્વતીચંદ બાપુ’ નો મેઠાણામાં આશ્રમ છે. ત્યાં આપણને સૌ ઓળખે છે. એટલે ચિંતા નથી. ગંગા નદીના કિનારે, પહાડો અને જંગલની ગોદમાં ખૂબ સુંદર ફૂલોથી સુશોભિત બગીચા અને વૃંદાવન જેવો તે આશ્રમ છે. ખાવા-પીવા, રહેવાની સારી સગવડ છે. ત્યાં રોકાવાની ખૂબ જ મઝા આવશે.’’

‘‘હા, સર કુદરતના ખોળે બનેલુ બાપુના આશ્રમમાં રહેવાની મઝા આવશે.’’

મેજર સોમદત્ત અને કદમ વાતો કરતા કરતા મોડી રાત્રીના હરિદ્વાર પહોંચ્યા. બીજી સવારના વહેલા ચમોલી જવાનું હોવાથી તેઓ તરત સૂઇ ગયા.

બીજા દિવસની સવારના તેઓ ચાર વાગ્યાના સમયે જાગી ગયા અને નાહી-ધોઇ તૈયાર થઇ ચમોલી જવા નીકળી ગયા. રસ્તો ઘાટ સેક્સન હતો. ઊંચી નીચી પહાડીઓ પર કોતરીને બનાવેલ રસ્તો સાપના લિસોટાની જેમ આડા-અવળા વળાંકો લેતો ઉપરની તરફ જઇ રહ્યો હતો.

તે ખુશનુમામાં સવાર હતી. ઠંડો મધુર પવન વાઇ રહ્યો હતો. ચારે તરફ ઊંચા-ઊંચા પહાડો પર બરફ છવાયેલો દેખાઇ રહ્યો હતો. રસ્તાની એક તરફ દેવદાર,નીલગીરો જેવાં ઊંચા-ઊંચા વૃક્ષોથી છવાયેલ જંગલ હતું અને બીજી તરફ નીચે ખીણો દેખાઇ રહી હતી. રસ્તાની તે તરફ ગંગા નદીનાં પાણી પૂરજોશથી વહેતા નીચેની તરફ ઊતરી રહ્યાં હતા. પક્ષીઓ કિલકિલાટી કરતાં આમથી તેમ ઊડી રહ્યાં હતાં. કદમ જિપ્સી કુશળતાપૂર્વક ચલાવી રહ્યો હતો. તેની બાજુની સીટ પર મેજર સોમદત્ત બેઠા હતા.

લગભગ દસ વાગ્યાના સમયે તેઓ શ્રીનગર પહોંચ્યા.

આ શ્રીનગર કશ્મીર પર આવેલા શ્રીનગર જેટલું સુંદર નથી પણ શહેર મોટું છે. ચાર ધામની યાત્રાએ જતા મુસાફરો માટે તે પહેલો હોલ્ટ છે. મેજર સોમદત્ત ગાડીને એક હોટલ પાસે ઊભી રખાવી. બંને નીચે ઊતર્યા અને હોટલમાં ચા-નાસ્તો કર્યો. પછી તેઓ ચમોલી તરફ આગળ વધ્યા.

લગભગ ત્રણ વાગ્યાના સમયે તેઓ મેઠાણા પહોંચ્યા.

ચમોલીથી પાંચ કિલોમિટર આગળ મેઠાણા આવે છે. ચમોલી જિલ્લો છે, મેઠાણા એક નાનું પણ કુદરતના ખોળે વસેલું અતિ સુંદર ગામ છે. ચારે તરફ બરફ છવાયેલા ઊંચા ઊંચા પહાડો, પહાડો પર દેવદાર અને નીલગીરી, તથા ચીલના વૃક્ષોથી છવાયેલા જંગલો, તળેટીમાં વહેતી ગંગા નદી ખૂબ જ સુંદર ગામ છે.

લગભગ પંદર-વીસ મિનિટમાં જ તેઓ બાપુના આશ્રમે પહોંચી ગયા. બાપુ તો કચ્છમાં આવેલ ‘દુધઇ ટેકરી’ આશ્રમ પર હતા. પરંતુ મેઠાણ આશ્રમનું સંચાલન કરતા બે ભાઇઓ જેઓ મેઠાણામાં જ સ્થાયી રહેવાસી છે. તેઓ મેજર સોમદત્તને આવેલ જોઇને ખૂબ જ ખુશ થયા. રાજેન્દ્ર અને શ્યામ બંને ભાઇઓએ મેજર સોમદત્ત અને કદમને પ્રણામ કર્યા અને ઝડપથી તેઓની જિપ્સીમાંથી બધો સામાન બહાર કાઢ્યો. મેજર સોમદત્ત જ્યારે મેઠાણાં આવતા ત્યારે હરિદ્વારથી ફળો, મીઠાઇ અને ભોજન બનાવવા માટેનું રેશનિંગ આશ્રમ માટે અચૂક લેતા આવતા. રાજેન્દ્ર બધો સામાન લઇ રસોડા તરફ ચા નાસ્તો બનાવવા માટે ગયો અને શ્યામ મેજર સોમદત્ત માટે કમરો તૈયાર કરવા ગયો.

કમરો તૈયાર થઇ જતાં મેજર સોમદત્ત કદમને લઇને આશ્રમમા તટ પર વહેતી ગંગા નદી પર નાહવા માટે ચાલ્યા. નાહી-ધોઇ તૈયાર થઇ તેઓ આશ્રમ પર આવ્યા. સૌ પ્રથમ ગુરુજી વાસુદેવનંદની સમાપિ પાસે તેઓ આવ્યા. બાપુના ગુરુજીની ગ્રે-નાઇટની બનેલી અતિસુંદર સમાધિ પાસે આવી. ઘૂંટણિયે બેસી મેજર સોમદત્ત અને કદમ સમાધિને પગે લાગ્યા, પછી સમાધિ પર ફૂલો ચડાવ્યાં. ત્યારબાદ ત્યાં આવેલ શિવમંદિરમાં દર્શન કર્યા, ત્યાં સુધીમાં ચા-નાસ્તો તૈયાર થઇ ગયો હતો અને રાજેન્દ્ર સાથે વાતો કરતાં કરતાં ચા નાસ્તો કર્યો. આશ્રમના તથા ગામના હાલ-હવાલ પૂછ્યા, ત્યારબાદ બંને ગામના લોકોને મળવા માટે ગામ તરફ ચાલ્યા.

તે ભયાનક રાત હતી. ધરતીમાતા અંધકારનો પછેડો ઓઢીને સૂઇ ગયાં હોય, એમ ચારે તરફ ગાઢ અંધકાર ફેલાયેલો હતો. દિમાગને કોરી ખાતો તીવ્ર સન્નાટો વાતાવરણમાં ખોફ પેદા કરતો હતો. આકાશ કાળાં ઘનઘોર વાદળોથી ધેરાયેલું હતું.

ડ્રાઉ...ડ્રાઉ… ટ્રે...ટ્રે...ટ્રે… દેડકાં અને તમરાંનો અવાજ વાતાવરણને ઔર ડરામણું બનાવતા હતા. ગંગા નદીનાં પાણી ભયાનક ઘુઘવાટ સાથે શોર મચાવતાં વહી રહ્યાં હતાં. ધુમ્મસ...પાણીનો ડરામણો શોરનો અવાજ વાતાવરણમાં ગુંજતો હતો.

તે ગંગા કિનારાના પહાડો અને વિકરાળ જંગલોથી ઘેરાયેલો એરિયા હતો. કિનારા પાસેથી શરૂ તથા પર્વતો અને વિકરાળ જંગલમાં રાત્રીના ગાઢ અંધકારમાં કાળા વેશધારી બે ઓળા માઇક્રો ટોર્ચના આછા પ્રકાશમાં મક્કમતાથી આગળ વધી રહ્યા હતા.

આંખો પર નાઇટ વિઝન ચશ્માં,માથા પર ગોળ કિનારીવાળી હેટ, ઘૂંટણ સુધી લંબાયેલ રેઇનકોટ, હાથમાં કાળા રેક્ઝીનના મોજા અને ઘૂંટણ સુધી આવતા રબ્બરના સોલવાળા બૂટ, તેઓએ પહેર્યા હતા.

એકના હાથમાં ટોર્ચ પકડેલી હતી, અને બીજાના હાથમાં 36 કિલીબરની રિર્વોલ્વર ચમકતી હતી. ભરાવદાર કસાયેલ બાંધો, પહોંળો સિનો અને લગભગ સાડા પાંચથી પોણા છ ફૂટની ઊંચાઇ ધરાવતા તે બંને શખ્સ રાત્રીના અંધકારને ચીરતા આગળ વધી રહ્યા હતા. તેઓના ચહેરા પર મક્કમતા છવાયેલી દેખાતી હતી.

આકાશમાં રહેલાં વાદળો નીચે ઊતરી આવેલાં હોવાથી ચારે તરફ ધુમ્મસ છવાતું જતું હતું. ધુમ્મસ અને અંધકારભર્યા વાતાવરણમાં થોડા-થોડાં સમયના અંતરે વીજળીના પ્રકાશનો ચમકારો થતો હતો.

‘‘સર...આવા ભયાનક ખોફભરી અડધી રાતના તમને વિકરાળ જંગલમાં રખડવાનું સૂઝે છે...? ભગવાને રાત્રી નીંદર માણવા માટે બનાવી છે અને તમે...’’

‘‘સસસસા...! ચૂપ...ધીમે બોલ અહીં આપણે ફરવા માટે નથી આવ્યા, પણ ખાસ મિશન માટે આવ્યા છીએ સમજ્યોને.

‘‘તમે તમારે મિશન પૂરું કરોને...મને શું કામ ભેગો ઘસીટો છો...?’’ મોં મચકોડતાં કદમ બોલ્યો.

‘‘તું તો મારો આસિસ્ટંટ છો...તારે તો હર પળ મારી સાથે જ મેથી છોલાવવાની હોય...’’

‘‘મને લાગે છે સર...તમારા જેમ મારી જિંદગી પણ આમ ને આમ ભટકવામાં પૂરી થઇ જશે...તમને ખબર છે, સર...! મારે તો હજી પ્રેમ કરવો છે...પછી મને પ્રેમ કરનારી સાથે લગ્ન ગ્રંથિથી જોડાવું છે...પછી મારાં બે છોકરાં થાય અને પછી તમારા બંને ખભા પર લટકતા લટકતા...દાદા-દાદા...રાડો નાખતો હોય, તમારા બંને હાથ પકડીને ફુદરડી ફરાવતા હોય...તમારા ઉપર ચડી ઘોડો-ઘોડો રમતા હોય અને તમે ચારે પગે (બે હાથે,બે પગે) ફર્શ પર ચાલતા હોવ...અહા...કેવી મઝા પડી જાય...’’ મોંમાં કોઇએ દેશી ઘીનો લાડવો નાખ્યો હોય તેમ ચટાકા બોલાવતાં કદમ બોલ્યો.

‘‘વિચાર તો તારો સારો છે...! પણ તારા જેવા બબૂચકને કોણ પ્રેમ કરવા નવરી બેઠી છે...? અને અચાનક હમણાં હમણાં તને કેમ પ્રેમ કરવાની ઇચ્છા થઇ રહી છે, બેટા...હું બધું સમજું છુ...’’ હોઠ મરડાવતાં સોમદત્ત બોલ્યા.

‘‘અરે...સર, દરરોજ છોકરીઓની લાઇનો લાગે છે. આ તો તમારા મિશન ઉપર મિશનમા સમય જ મળતો નથી...’’ મોં બગાડતા કદમ બોલ્યો.

અને મેજર સોમદત્ત હસી પડ્યા.

અડધી રાતના ગાઢ જંગલ અને વેરાન પહાડીઓમાં ભટકતા તે બે ઓળો મેજર સોમદત્ત અને કદમ હતા.

તેઓ જંગલમાં નદીના કિનારે-કિનારે એક ટેકરીથી બીજી ટેકરી પર થઇ આગળ વધી રહ્યા હતા. મેજર સોમદત્તનો મકસદ શું હતો તેની કદમને સમજણ પડતી ન હતી, તે મેજર સોમદત્ત પાછળ-પાછળ ઢસેડાતો જઇ રહ્યો હતો.

ધીરે ધીરે વરસાદ શરૂ થઇ રહ્યો હતો.

વૃક્ષોના પાંદડાં પર પડતાં પાણીનાં બુંદો વિચિત્ર અવાજ પેદા કરતી હતી. સાથે જંગલમાં નિશાચર પ્રાણીઓની ત્રાડોથી થોડી થોડી વારે જંગલ ખળભળી ઊઠતું હતું.

ઊંચા-ઊંચા પર્વતોની ટોચ પર છવાયેલા બરફને લીધે અને પડતા વરસાદને લીધે વાતાવરણ એકદમ ઠંડુગાર જેવું થઇ ગયું.

થોડી-થોડી વારે આકાશમાં વીજળીના ચમકારા થતા હતા. મેજર સોમદત્તે એક વખત નજર ઉઠાવીને આકાશ તરફ જોયું પછી આગળ વધ્યાં.

ત્રીજી ટેકરી વટાવી બંને એક પથ્થર પર થાક ખાવા બેઠા.

ભયાનક સન્નાટાભર્યા વાતાવરણમાં અચાનક સામેની ઝાડીઓમાં સરસરાટીનો અવાજ આવ્યો.

મેજર સોમદત્ત ચોંકી ઊઠ્યા.

તેમણે કદમને ઇશારો કરીને સામેની ઝાડીમાં કાંઇક છે તે સમજાવ્યું અને ચૂપ રહેવા જણાવ્યું.

સરસરાટીનો આવતો અવાજ એકાએક બંધ થઇ ગયો.

બંને ચૂપા-ચૂપ પથ્થર પર જરાય હલન-ચલન કર્યા વગર બેસી રહ્યા.

મેજર સોમદત્તે હાથમાં રહેલી માઇક્રોટોર્ચને બુઝાવી નાખી અને બીજા હાથમાં રહેલી રિર્વોલ્વરને મજબૂત રીતે પકડી. અચાનક ફરીથી ઝાડીમાં સરસરાટીનો અવાજ આવ્યો.

બંને એકદમ સતર્ક થઇ ગયા.

સામેની ઝાડીમાં કોઇ જાનવર કે પછી કાંઇપણ વસ્તુ સરી રહી હતી.

ત્યારબાદ ઘુર ઘુરરર...જાણે કોઇ જંગલી જાનવર ઘુરઘુરાટી કરતું હાંફતુ હોય તેવો વિચિત્ર અવાજ આવવા લાગ્યો.

સામેની ઝાડીમાં કાંઇક હતું.

શું હતુ...? તે તેઓને દેખાતું ન હતું.

કોઇ ભયાનક જાનવર હોય કે...?

ધીરે ધીરે જંગલમાં ધરતી પર પડેલાં પાંદડાઓના પર કોઇના ચાલવાનો ચર-ચરાટી ભર્યા અવાજે સાથે ઘૂરવાનો અવાજ નજદીક આવતો ગયો.

ભયાનક જંગલમાં ગાઢ અંધકાર વચ્ચે મેજર સોમદત્ત અને કદમના સામે લગભગ પાંચથી સાત ફૂટના અંતરે વૃક્ષોના ઝુંડમાં કોઇ વિચિત્ર વસ્તુ કે ભયાનક જંગલી પ્રાણી ઊભું ઊભું તેઓની સામે તાકી રહ્યું હતુ.

ત્યારબાદ બીજી જ ક્ષણે.

મેજર સોમદત્ત અને કદમની નજર તેના પર પડી અને બંનેના શરીરનાં રૂવાંટા ઊભા થઇ ગયા.

તેમનાથી થોડે જ દૂર સામેની ગીચ ઝાડીમાં તેઓએ લાલ અંગારા જેવી બે તગતગતી આંખો જોઇ.

બંને ફાટી આંખે તેને જોઇ રહ્યા.

તે આંખો માનવની આંખો કરતા થોડી મોટી અને ગોળ હતી અને રાની પશુની આંખોની જેમ અંધકારમાં ખૂબ તેજ ચમકી રહી હતી.

આંખોમાં ભયાનક ખુન્નસ ઊતરી આવ્યું હોય તેવી લાલચોળ લોહી નીતરતી તે આંખો મેજર સોમદત્ત અને કદમને લોહિયાળ નજરે તાકી રહી.

ધુડડડુડુડુ… ધડામ...ભયાનક ગર્જના સાથે વીજળીનો એક તેજ લિસોટો ધરતી પર લખલૂટ પ્રકાશ પુંજ વેરતો અલોપ થઇ ગયો.

ધડામ...ધડાકાના અવાજ સાથે વીજળી કોઇ પહાડ સાથે ટકરાઇ આખું જંગલ અને પહાડીઓ ધ્રુજી ઊઠ્યા.

મેજર સોમદત્ત તથા કદમે તે વીજળીના ક્ષણિક પ્રકાશનમાં સામેની ઝાડીઓ વચ્ચેનું ર્દશ્ય જોઇને હેબતાઇ ગયા.

શું હતું તે...?

માણસ હતો તે...? ના...ના...

કોઇ જંગલી જાનવર હતું...? ના...ના...

તો શું કોઇ પ્રેતાત્મા કે પછી...?

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED