Khoufnak Game - 5 - 3 books and stories free download online pdf in Gujarati

ખોફનાક ગેમ - 5 - 3

ખોફનાક ગેમ

વ્રજલાલ હિરજી જોષી

ડેનિયલ સાથે મુલાકાત

ભાગ - 3

‘‘તનો સંપર્ક...’ વિનય બોલતો હતો પણ પગ દબાવી ઇશારાથી તેને બોલતો અટકાવી ઝડપથી પ્રલય બોલ્યો. મિં. ડેનિયલ તેનો અમારી સાથે બે દિવસ પહેલાં સંપર્ક થયો હતો, ત્યારબાદ કદાચ તેના મોબાઇલની બેટરી ઊતરી ગઇ હશે અથવા નેટવર્ક ન મળવાથી સંપર્ક થતો નથી.’’

પ્રલયની વાત સાંભળી ડેનિયલના ચહેરા પર ક્રૂર હાસ્ય છવાઇ ગયું. પછી તે ઝડપથી એક સિગારેટ સળગાવી પીવા લાગ્યો.

‘‘ડેનિયલ સાહેબ...અમને લોકોને મદદ કરશો તેવી મોટી આશા સાથે અમે આવ્યા છીએ...’’ હાથ જોડતાં મોગલો બોલ્યો.

‘‘ઠીક છે...હું તમને મદદ કરવા તૈયાર છું. પણ તે પહેલાં તમારે મને મદદ કરવી પડશે...’ એક ઊંડો કશ લેતાં તે બોલ્યો.

‘‘કેવી મદદ...મિ.ડેનિયલ, આપ વિગત જણાવો. અમે આપને થશે તેવી બનતી મદદ કરીશું...’’ વિનય બોલ્યો.

‘‘મારે એક ટાપુ પર પહોંચવું છે. જેને મેં ગોલ્ડન ‘‘બટર ફ્લાય’’ નામ આપ્યું છે. તે ટાપુ પર ગોલ્ડન કલરના ગજબની ચમક વેરતાં પતંગિયાં છે. ખરેખર તો તે વખતે પણ હું તે ગોલ્ડન બટર ફલાયની શોધમાં જ ભટકતાં તે ભયાનક ટાપુ પર પહોંચી ગયો હતો...’’

‘‘પણ તમે તે ટાપુ શોધી લીધો છે કે પછી શોધવાનો છે. તમારી વાત પરથી તો તમે તે ટાપુ પર જઇ આવ્યા હોવ તેવું લાગે છે...’’ કદમે પૂછ્યું.

‘‘હા...તે ટાપુ તો મેં શોધી લીધો છે...’’

‘‘તો પછી આપને અમારી મદદની શી જરૂર છે. મિ. ડેનીયલ...?’ આશ્ચર્ય સાથે પ્રલય બોલ્યો.

‘‘એ ટાપુ પાસે દરિયામાં રહેલો ખજાનો શોધવાનો અને તેને શોધીને લઇ આવવાનો...’’ વેધક નજર સૌ સામે જોતાં શાંત અવાજે તે બોલ્યો.

‘‘શું ત્યાં ખજાનો છે...?’’ સૌ આશ્ચર્ય સાથે ઊછળી પડ્યા.

‘‘હા...ખજાનો છે અને તે ખજાનો મેળવવા માટે જ હું તમારી મદદ કરવા તૈયાર છું.

‘‘પણ...તે ખજાના વિશે આપને માહિતી કેવી રીતે મળી અને ત્યાં ખજાના કેવી રીતે પેદા થયો. મિ.ડેનિયલ...’’કદમે પૂછ્યું.

‘‘મિ. તમારે ખજાના સાથે કોઇ લેવા-દેવા નથી. તોય હું તમને થોડું જણાવીશ...’’ સૌ તરફ એક વખત નજર ફેરવતાં ડેનિયલ બોલ્યો.

‘‘યુ આર ઇનડિયન નો...?’’

‘‘યશ...અમે ઇન્ડિયન છીએ તમારી પરખવાની શકિત સારી છે. મિ.ડેનિયલ...’’ વિનય બોલ્યો.

‘‘પૂરા વર્લ્ડમાં ઇન્ડિયનો અલગ તરી આવે છે. મને પણ ઇન્ડિયન ગમે છે. કારણ કે તેઓ ગમે તેવા સંકટમાં પણ ઝઝૂમી શકે છે. તમે કહ્યું કે તમારો મિત્ર એકવાર મોતના મોંમાંથી પણ પાછો આવી જાય તેવો છે...નાઇસ...ખરેખર...ઇન્ડિયન હિંમતવાન હોય છે.’’

‘‘ઓ.કે...મિ. ડેનિયલ, તમે તે ખજાના વિશે કંઇક કહેતા હતા...’’ પ્રલય બોલ્યો.

‘‘યસ...આ ખજાનો બીજા વિશ્વયુદ્ધની યાદ અપાવે છે. સન 1945 બીજા વિશ્વયુદ્ધનો સમય હતો. જર્મન ભયાનક રીતે યુરોપિયન કન્ટ્રીને હંફાવી રહ્યું હતું. થોડા સમય માટે તો અમેરિકા, બ્રિટન, જર્મનના સર્વાધિપધિ હિટલરનથી ધ્રુજી ગયા હતા. વિશ્વયુદ્ધને લીધે બ્રિટન થોડું નબળું પડ્યું હતું. હિટલર શેતાન બનીને બ્રિટનને ધમરોળી રહ્યો હતો. ઇન્ડિયામાં અંગ્રેજ સરકારને તે સમયે રહેવું મોંઘું પડતું હતું અને અંગ્રેજો ઇન્ડિયાને લૂંટીને ઇન્ડિયા છોડી દેવાની વેતરણમાં હતા. હિટલરે ઇન્ડિયન આઝાદ હિન્દ ફોજના વડા સુભાષચંદ્ર બોઝને વચન આપ્યું હતું કે જો તે વિશ્વયુદ્ધ જીતી જશે તો ઇન્ડિયાને જરૂર આઝાદી અપાવશે...એ તો તમને ખ્યાલ જ હશે...?’’ બોલતાં અટકી પ્રશ્નાર્થ નજરે ડેનિયલે સૌ સામે જોયું.

‘‘યસ...મિ. ડેનિયલ, એ તો અમારો ઇન્ડિયાનો ઇતિહાસ છે અને અમને સુભાષચંદ્ર બોઝ તથા તેમની આઝાદી ‘‘હિંદ ફોજ’’ પર ગર્વ છે...’’ કદમે એક સિગારેટ સળગાવતાં કહ્યું.

‘‘ધેટ્સ ગ્રેટ...યસ...તે વખતે બ્રિટનનું એક જહાજ ઇન્ડિયાથી સોનું ભરીને કહો કે લૂંટીને હિન્દ મહાસાગરમાં જઇ રહ્યું હતું.’’

‘‘મદ્રાસથી માલદિવ થઇ તે જહાજ દક્ષિણ આફ્રિકા જઇને ઇંગલેન્ડ જવા નીકળ્યું હતું પણ આફ્રિકા પાસે તે જહાજ પહોંચ્યું, ત્યારે એક જર્મનના યુદ્ધ વાહક જહાજે તેને આંતરી લીધું. બ્રિટનનું તે જહાજ વેપારી જહાજ હોવાથી તેની એટલી તાકાત ન હતી કે જર્મનના તે યુદ્ધ વાહક જહાજ સાથે ટકરાઇ શકે, જર્હોર્જ વિલિયમ્સ નામના તે જહાજન કેપ્ટને તરત બ્રિટનનો સંપર્ક સાધ્યો. પમ તેને કહેવામાં આવ્યું કે આપનું યુદ્ધવાગક જહાજ તમારા જહાજથી ઘણા અંતરે દૂર છે. તમને તે મદદે પહોંચે ત્યાં સુધી તમે પીછેહઠ કરતા ભાગવાની કોશિશ કરો.’’

આટલું બોલીને ડેનિયલ ચૂપ થયો અને ખિસ્સામાંથી એક સિગારેટ કાઢી સળગાવી એક ઊંડો દમ માર્યો પછી આગળ બોલ્યો... ‘‘બ્રિટનનું તેજહાજ પીછેહઠ કરવા લાગ્યું અને જર્મનનું જહાજ તેની પાછળ પડ્યું અને પછી તેને આંતરી લીધું અને તે જહાજની તોપો બ્રિટનના જહાજ પર તકાઇ અને ગોલાબારી શરૂ થઇ છેવટે બ્રિટનના જહાજને મદદ મળે તે પહેલાં તો જર્મનોએ તેને તોડી પાડ્યું. ખજાનાથી ભરેલું તે ‘ગ્રેટ એલીજા’ જહાજ હિન્દ મહાસાગરમાં ગરકાવ થઇ ગયું. જહાજમાં રહેલ કેપ્ટન અને ખલાસો સૌ માર્યા ગયા.’’ એક સિગારેટનો ઊંડો દમ લઇને મૌન થયો અને શાંત ચિત્તે સૌની સામે નજર ફેરવી. ખુરશી પર રિલેક્સ થઇ પગ લાંબા કરી બેસી ગયો.

‘‘હં...તો મિ.ડેનિયલ, તે જ જહાજના ખજાનાને તમે મેળવવા માંગો છો, બરાબર...’’ મૌન તોડતાં પ્રલય બોલ્યો.

‘‘હા...અને તે ખજાનો પ્રાપ્ત કરવા માટે મારે તમારી મદદની જરૂર છે અને જો તે ખજાનો મળે તો જ તમને હું તે ખોપરીવાળા ટાપુ સુધી પહોંચાડીશ.’’

‘‘ઓ.કે...મિ. ડેનિયલ, પણ તમને તે ખજાના વિશે કેવી રીતે ખબર પડી...?’’ આશ્ચર્ય સાથે કદમે પૂછ્યું.

‘‘ગુડ ક્વેશ્ચન...મિસ્ટર તે જહાજનો એક ખલાસી જહાજના પાટિયાને પકડીને હિંદ મહાસાગરમાં તણાતો તે જહાજથી દૂર નીકળી ગયો. ઘુઘવાતા ભયાનક તુફાની દરિયામાં તે પાટિયા પર પાંચ દિવસ ભૂખ્યા અને તરસ્યા કાઢી તે મોતના મોંમાંથી પાછા ફર્યો. એક દિવસ પસાર થતા એક જહાજના ડેક પર દૂરબીન લઇને દરિયાનું નિરીક્ષણ કરતા તેના કેપ્ટનની નજર દરિયામાં દૂર દૂર લાકડાના પાટિયાને જળોની જેમ ચોંટીને દરિયામાં તણાતા એક માણસ પર પડી અને તેમણે તાત્કાલિક રેશ્ક્યુ ઓપરેશન કર્યું અને તે ખલાસીને બચાવી લીધો. તે ખજાનાવાળા જહાજનો એક માત્ર જીવિત ખલાસી હતો જે મારા દાદા હતા. હવે તો તમે સૌ સમજી ચૂક્યા હશો કે તે ખજાનાની મને કેમ ખબર પડી.’’

‘‘ઓ માય ગોડ...તમારી સ્ટોરી ‘‘એટલીસ્ટચેકલીન’’ના સનસનાટી ભર્યા કોઇ પુસ્તક જેવી છે. પણ...પણ મિ.ડેનિયલ તે ખજાનો તમારો નહીં પણ મારે દેશ ભારતનો હતો અને મારા દેશનો ખજાનો હું કોઇ પણ હિસાબે કોઇના હાથમાં જવા નહીં દઉં...’’ ટેબલ પર જોરથી મુઠ્ઠી પછાડતાં પ્રલય ગુસ્સા સાથે બોલ્યો. તેની આંખોમાં અંગારા વરસી રહ્યા હતા.

‘‘મિ. તો તમે તે ખજાનો અને સાથે સાથે તમારા સાથીદાર જે ખોપરીવાળા ટાપુર પર ફસાઇ ચૂક્યા છે તેને ભૂલી જાવ.’’ પ્રલયનો ગુસ્સો અને અંગારા વરસાવતી આંખો જોઇ એક વખત તો ડેનિયલ ધ્રુજી ઊઠ્યો પણ પછી સ્વસ્થ થતાં ગળામાં અટકેલું થૂંક ઊતરતાં તે બોલ્યો.

‘‘પ્રલય...પ્રલ...પ્લીઝ...તારું મગજ શાંત કર, મારા ભાઇ શાંત થા...’’ વાતને બગડતી જોઇ કદમ ઊભો થયો અને પ્રલય પાસે આવી તેના માથામાં હાથ ફેરવતાં-ફેરવતાં તે બોલ્યો.

‘‘ઓ.કે...તો હું જાઉં છું...’’ઊભા થતાં ડેનિયલ બોલ્યો.

‘‘મિ. ડેનિયલ...પ્લીઝ...તમે બેસો...અમને તમારા ખજાનામાં કોઇ જ રસ નથી. અમને તો માત્ર તે ખોપરીના ચિહ્નવાળા ટાપુ પર પહોંચવું છે.’’ રિકવેસ્ટ કરતાં કદમ બોલ્યો.

‘‘મિ. પણ તમારા આ મિત્રને તો ખજાનામાં ઇન્ટ્રેસ છે ને...? અને ખજાનો મળ્યા પછી તેની દાનત ફરી જાય તો...?’’

‘‘ડેનિયલ...હરામખોર...’’ ગુસ્સા સાથે ઊભો થતાં પ્રલયે ત્રાડ પાડી.

‘‘પ્રલય...શાંત થા આપણે આદિત્યને શોધવાનો છે. તું શાંતિથી બેસ...’’ કદમ હાથ પકડીને પ્રલયને બેસાડ્યા પછી તે ડેનિયલ તરફ ફરતાં બોલ્યો.

‘‘મિ. ડેનિયલ સોરી, તમને ખોટું લાગ્યું હશે, વેરી સોરી મિ. ડેનિયલ, હું વચન આપું છું કે તે ખજાનો અમે શોધીને તમને સોંપી દઇશું. અમને તમારા ખજાનાની એક પાઇ પણ નથી જોઇતી...’’

‘‘ગુડ...મિ...’’

‘‘મિ. ડેનિયલ મારું નામ કદમ છે. આ મારો સાથી પ્રલય છે અને આ છે મિ. વિનય જોષી...’’

‘‘ગુડ...ગુડ...તમારો મિત્ર ખરેખર પ્રલય જેવો જ છે. બાપ રે...’’ કહેતા ડેનિયલ ખડખડાટ હસી પડ્યો. પછી આગળ બોલ્યો, ‘‘ઓ.કે.મિ. કદમ આપણી ડીલ પાકી, હું બે દિવસ પછી તમને અહીં જ મળીશ...આપ બે દિવસમાં સફરની તૈયારીઓ કરી નાખજો...’’ કહી ડેનિયલ ઊભો થયો ત્યારબાદ સૌ સાથે હાથ મિલાવી ત્યાંથી ચાલી નીકળ્યો.

‘‘કદમ, તેં મને રોક્યો હોત તો સાલ્લા કોકડીને સરખો પાઠ ભણાવત...’’ ગુસ્સા સાથે બોલ્યો.

‘‘પ્રલય...એક વખત આપણને આદિત્ય મળી જાય અને આપણું મિશન પૂરું થઇ જાય, બસ...પછી તેને આપણે દુનિયાના કોઇપણ ખૂણામાંથી શોધી કાઢીશું, હમણાં ગુસ્સો કરવાથી બાજી બગડી જશે...’’ તેના હાથ પર હાથ રાખતાં કદમ બોલ્યો.

જ્યારે તેઓ હોટલે પહોંચ્યા ત્યારે રાત પડી ગઇ હતી. ચારે તરફ રોશની ઝળહળી રહી હતી. તેઓ મોગલોને બંદરગાહ પાસે આવેલી કોલોનીમાં છોડીને હોટલ તરફ રવાના થયા. વિનય પણ તેઓની સાથે હોટલ પર રહેવાનો હતો. આગળ જવા પ્રોગ્રામ બનાવવા માટે રાત્રીના જમીને તેઓ નિરાંતે બેસવાના હતા.

ચારે તરફ તીવ્ર સન્નાટો છવાયેલો હતો. ઉપરના માળ પર આવેલ તેઓના કમરાની આગળ લંબાયેલી લોબી પર તેઓના ચાલવાનો અવાજ સન્નાટામાં ગુંજી ઊઠ્યો. વાતો કરતાં ત્રણે કમરા પાસે પહોંચ્યા.

‘‘પ્રલય...ખબર નહીં કેમ મને આજ અહીંનુ વાતાવરણ વિચિત્ર લાગી રહ્યું છે...’’ કમરના દરવાજાનો લોક ખોલતાં-ખોલતાં કદમ બોલ્યો.

‘‘સાચી વાત છે. મને પણ થોડું વિચિત્ર વાતાવરણ લાગી રહ્યું છે. ખેર...આપણને તેનાથી શું ફરક પડે. કદાચ રાત ઘણી વીતી ગઇ હોવાથી તેવું લાગતું હશે...’’ પ્રલવ બોલ્યો.

દરવાજો ખોળી ત્રણે કમરામાં પ્રવેશ્યા.

તે જ ક્ષણે...

‘‘ધડામ...’’ અવાજે સાથે દરવાજો બંધ થઇ ગયો.

ત્રણે ચોંકી ઊઠ્યા. ત્રણે માથે ખતરો તોળાઇ રહ્યો હતો.

‘‘સ્ટીચ...’’ ના આછા અવાજ સાથે કમરો રોશનીથી ઝળહળી ઊઠ્યો.

કમરામાં પાંચ ભીમના ભાઇ જેવા નીગ્રો ઊભા હતા. એક દરવાજા પર પીઠ ફેરવીને ઊભો હતો. એક લાઇટની સ્વીચ પાસે ઊભો હતો. બે પલંગ પર બેઠા હતા, એક ખુરશી પર બેઠો હતો. એકના હાથમાં મોટરસાઇકલની ચેઇન હતી, એકના હાથમાં હોકી હતી. દરવાજા પાસે ઊભેલા નિગ્રોના હાથમાં રિર્વોલ્વર ચમકતી હતી. પાંચે પહેલવાન જેવા દેખાતા હતા. ચારના માથામાં વાંકડિયા વાળ હતા અને પાંચમો ટકલું હતું.

‘વેલકમ...વેલકમ...પધારો મોશાય...અમે સૌ આપની જ વાટ જોઇ રહ્યા હતા. ખુરશી પર બેઠેલો ટકલુ પહેલવાન તાળી પાડતાં બોલ્યો.

‘‘અરે વા...અતિ ઉત્તમ...દોસ્ત ટકલુ મને ક્યારનીય હેડકી આવી રહી હતી. કાલે જ મને સ્વપ્નમાં ભગવાન ક્રિશ્ન આવ્યા હતા. તેઓએ મને કહ્યું હતું કે ભાઇ કદમ, કાલ તને પાંચ લોકો મળવા આવશે, જે આગલા જન્મમાં તારા ભાઇઓ હતા. વા...વા...હું તો ખૂબ જ ખુશ થયો...ભાઇ ! મારા ભાઇઓ...કહેતાં બંને હાથ આગળ કરી કદમ એકદમ ટકલુ તરફ આગળ વધ્યો અને ઝડપથી તેની પાસે પહોંચી ‘‘ભાઇ પગે લાગુ આશિર્વાદ આપો.’’ કહી નીચે નમ્યો અને તે નિગ્રોના પગ બંને હાથેથી પકડી લીધા.

‘ચૂપ-ચાપ ઊભો થઇ અહીં લાઇનમાં ઊભો રહી જા, નહીંતર...’ દરવાજાના ટેકે રિર્વોલ્વર તાકી ઊભેલો નિગ્રો પહેલવાન રિર્વોલ્વર હલાવી જોરથી ચિલ્લાયો.

પણ તે જ ક્ષણે બે-ત્રણ બનાવ સાથે બની ગયા.

કદમે નીચા નમી પગે લાગવાના બહાને તે ટકલુ પહેલવાનના બંને પગ પકડીને ખૂબ જ જોરથી ખેંચ્યા.

તે પહેલવાન બેફિકર બની ખુરશી પર આરામથી બેઠો હતો. તેથી તે કાંઇ વિચારે તે પહેલાં જ તે ફર્શ પર પટકાયો.

અને તે જ ક્ષણે સચેત થઇ ઊભેલા પ્રલય ખૂબ જ સ્ફૂર્તિથી એક પગ પર અર્ધગોળ ફર્યો સાથે-સાથે તેનો બીજો પગ ઊંચો થયો અને પછી ‘ધમ્મ...’ કરતાં જોરથી દરવાજા પાસે રિર્વોલ્વર હલાવતા ત્રાડ નાખી કદમને ચેતવણી આપતાં તે પહેલવાનના હાથમાં જોરથી ટકરાયો.

‘ધડામ...’ અવાજ સાથે તે પહેલવાનનો હાથ જોરથી પ્રલયના બૂટ સાથે ટકરાઇને અર્ધ રાઉન્ડ ફરી ગયો અને તેના હાથમાં પકડાયેલી રિર્વોલ્વર સરરર...કરતી ફર્શ પર પડી અને લીસી ફર્શ પર સરકતી એક વિનયનું શરીર ફર્શ પર સરતું રિર્વોલ્વર તરફ ધકેલાયું તેના હાથ રિર્વોલ્વર પાસે પહોંચ્યા તે જ વખતે લાઇટની સ્વીચ પાસે ઊભેલા પહેલવાને વિનય પર છલાંગ લગાવી.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED