ખોફનાક ગેમ - 5 - 1 Vrajlal Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખોફનાક ગેમ - 5 - 1

ખોફનાક ગેમ

વ્રજલાલ હિરજી જોષી

ડેનિયલ સાથે મુલાકાત

ભાગ - 1

વાદળોના ધુમ્મસ વચ્ચેથી પસાર થતું પ્લેન પૃથ્વીના ગોળાને અર્ધગોળ રાઉન્ડ લગાવીને આફ્રિકાની ધરતી તરફ ઊડી રહ્યું હતું.

યાત્રીઓને સૂચના આપવામાં આવે છે...પ્લીઝ સીટોના બેલ્ટ બાંધી લ્યો...આપણું પ્લેન થોડીવારમાં જ આફ્રિકાના દારેસલામ શહેરના ‘જુલીયસ નાયરેરે ઇન્ટરનેશનલ એરપોર્ટ’ પર ઉતરાણ કરશે...પ્લીઝ.’

થોડી...થોડી વારે પ્લેનમાં એનાઉન્સ થવા લાગ્યું.

‘કદમ...એય ઉંઘણશી ઊઠ હવે...’દારેસલામ,’ આવી ગયું. કદમના માથા પર વ્હાલથી હાથ ફેરવતા પ્રલય બોલ્યો.

‘ઓહ...! આટલીવારમાં જ આપણે દારેસલામ પહોંચી આવ્યા. સાલ્લુ...હજી તો પૂરી નીંદર પણ નથી થઇ. હાથને ઉપર લઇ આળસ મરોડતાં ઘડિયાળમાં ટાઇમ જોઇ કદમ બોલ્યો.

‘અબે ઓ ઉલ્લુ, ભારત અને આફ્રિકા વચ્ચે છ કલાકનો સમયનો ડિફરન્સ છે. એટલે તને આવું લાગે છે. બાકી આપણે દુબઇથી રાત્રીના નીકળ્યા છીએ. ચાલ હવે ફટાફટ બેલ્ટ બાંધવા માંડ...’ પ્રલય બોલ્યો.

‘પ્રલય...પ્લીઝ એર હોસ્ટેસને બોલાવીને કહે કે મને બેલ્ટ બાંધી આપે યાર...’

‘હવે વાંદરાવેડા મૂક. આ આપણું ઇન્ડિયા નથી ચાલ જલદી કર...’

‘ઓ...કે...જેવી તારી મરજી...’ મોં બગાડી કદમ બેલ્ટ બાંધવા લાગ્યો.

ઇન્ડિયન એર લાઇન્સનું તે પ્લેન ધરતીની ઉપર ચાર-પાંચ ચક્કર લગાવ્યા બાદ જુલીયસ નાયરેરે ઇન્ટરનેશનલ એરપોર્ટના રન-વે પર એક ઝાટકા સાથે ઊતરી પડ્યું અને રન-વે પર દોડતું-દોડતું, ઊડીને ખૂબ થાકી ગયું હોય તેમ એરપોર્ટની ખૂબસૂરત બિલ્ડિંગ પાસે આવીને ઊભું રહ્યું.

આફ્રિકાના રાષ્ટ્રપતિ સર જુલીયસ નાયરેરેના નામ પરથી આ એરપોર્ટનું નામ પાડવામાં આવ્યું હતું.

દારેસલામનું તે એરપોર્ટ વિશાળ અને અદ્યતન સુવાધાથી ભરપૂર આફ્રિકાનું ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. ખૂબ જ સુંદર છે. એરપોર્ટના પૂરા દરવાજા મજબૂત કાચજડિત બનાવેલા છે. એરપોર્ટની બિલ્ડિંગ ત્રણ માળની બનેલી છે. બીજા માળ પર દુનિયાના અલગ-અલગ દેશોમાંથી આવતા મુસાફરોને રહેવા માટેની ખૂબ જ અદ્યતન અને સુંદર સુવિધા મૂકવામાં આવેલી છે. ત્રીજા માળ પર કસ્ટમ ઓફિસ અને એરપોર્ટની ઓફિસો બનેલી છે. ગ્રાઉન્ડ ફલોર પર એરપોર્ટથી રન-વે તરફ જવાનો સુંદર રસ્તો છે. તેની જમણી તરફ એક વિશાળ રિફ્રેશન હોલ યાત્રીઓને આરામ કરવા તથા ફ્રેશ થવા માટે બનાવેલો છે. તેની એક તરફ વિશાળ કેન્ટીન છે. જેના દુનિયાના કેટલાય દેશોની ડિશ તમને આરોગવા મળે. રસ્તાની ડાબી તરફ કાચની સુંદર કેબિનો બનેલી છે. જેમાં ટિકિટો મેળવવા માટેની ઓફિસો, ઇન્કવાયરી ઓફિસ આવેલી છે. તેના પાછળના ભાગમા કસ્ટમ વિભાગ છે અને તેની આગળ એરપોર્ટની બિલ્ડીંગથી રન-વે તરફ યાત્રીનો સામાન લઇ જવા માટે મોટો ફાઇબર જડિત બેલ્ટ બનેલો છે. તેની ઉપર સામાનને ચેક કરવા માટે રાઉન્ડ સેપમાં એક્સ-રે યુનિટ લાગેલું છે. યાત્રીઓના સામાનમાં જો કોઇપણ મેટલ જેવી સખ્ત વસ્તુ હોય તો તરત સામે લાગેલી સ્ક્રીનમાં દેખાઇ આવે છે.

પ્રલય અને કદમ દારેસલામથી મોમ્બાસા જવાનું હતું. કદમે ઇન્કવાયરી વિન્ડોમાં પૂછપરછ કરી. મોમ્બાસા જતું પ્લેન બાર વાગ્યાના સમયે ઊપડતું હોવાથી બંને ફ્રેશ થવા માટે રિફ્રેશન રૂમ તરફ જવા લાગ્યાં. તેમનો સામાન તો ચેક થઇને ડાયરેક્ટ તેના મોમ્બાસા જતા પ્લેનમાં એરપોર્ટ તરફથી મૂકી દેવામાં આવવાનો હતો, તેથી તેઓને સામાનની ચિંતા ન હતી.

નાહી ધોઇ ફ્રેશ થયા બાદ બંનેએ કેન્ટીનમાં જઇને હળવો નાસ્તો કર્યો. પછી આરામથી રિફ્રેશન રૂમમાં બેસી વાતો કરવા લાગ્યા.

દારેસલામથી તેઓ મોમ્બાસા પહોંચ્યા ત્યારે સૂર્યનો લાલ કેસરિયો ગોળો પશ્ચિમ તરફ ઢળતો જતો હતો.

ઘેરાયેલી સાંજના પડછાયમાં આફ્રિકાના મોમ્બાસા શહેરની સડકો રંગીન બની ગઇ હતી. મોમ્બાસા આફ્રિકાનું મોટું બંદર છે. એટલે શહેરમાં દરેક રૂપ-રંગના માનવીઓ જોવા મળે છે. એશિયા ખંડના ઘણા જ લોકો અહીં જોવા મળે છે તો યુરોપિયન દેશના ગોરા લોકોનું પ્રમાણ પણ પુષ્કળ છે. મૂળ આફ્રિકાના વતનીઓ થોડા જુદા તરી આવે છે. લગભગ ‘છ’ ફૂટની ઊંચાઇ, સશક્ત શરીર, કાળા અને વાંકડિયા વાળા, હોઠ જાડા અને મોટા, સ્વભાવે તેઓ ખૂબ ઝનૂની હોય છે. અહીં કામધંધા વગરના રખડતા આવારા નીગ્રો પણ ઘણા પ્રમાણમાં જોવા મળે છે. જો તમારી પાસે પૈસા કે સોનું છે તેવી ખબર પડે તો તમારી પાછળ પડી જાય અને તમારી પાસેથી લાંબી છૂરીની અણીના જોરે પડાવી લે પણ એટલેથી બસ નથી થતું. અહીં કાયદા-કાનૂન સખ્ત હોવાથી પકડાઇ ન જવાય, તમે ક્યારેય તેનું વર્ણન પોલીસને કહી ન શકો તે માટે તમને લૂંટીને ગળામાં છૂરી પહેરાવી દે છે. પૈસાની સાથે-સાથે પ્રાણ પણ ગુમાવવો પડે. પણ બધી જગ્યાએ તેવું નથી, મીતસાસી જેવા નાના શહેરમાં આવું ઘણું બને છે. બાકી મોટી સીટીઓમાં તો હવે ચારે તરફ રોડલાઇટના મોટા-મોટા પોલ પર કેમેરા ગોઠવેલ હોયછે અને તેનું કનેકશન નજીકના પોલીસ સ્ટેશનમાં હોય છે.

મોમ્બાસામાં ગુજરાતીઓ તમને ઘણા જોવા મળે. ગુજરાતના ઘણા લોકો વર્ષો પહેલા અહીં ધંધાર્થે આવીને વસ્યા હતા. અહીં કચ્છ સૌરાષ્ટ્રના લોકોનો વહાણવટનો ધંધો હતો. કેટલાય કચ્છીઓએ અહીં પોતાની પેઢીઓ સ્થાપી હતી. આફ્રિકાથી તેઓ ખજૂર, નાળિયેર, ખારેક અને તજ-લવિંગ વગેરે ગુજરાતમાં લઇ આવતો. ‘કચ્છના માવા’ તરીકે પ્રખ્યાત ખારેક પણ ત્યાંથી આવેલી હોવાનું અનુમાન મનાય છે. ઘણાં વર્ષો પહેલાં કચ્છ અને આફ્રિકા વચ્ચે કચ્છીઓનો સીધો વેપાર હતો.

કોઇપણ દેશના લોકો હોય પણ તેમની દિલચસ્પીની વસ્તુઓ, પ્રસાધનો લગભગ સરખાં જ હોય છે. તેથી મોમ્બાસામાં આધુનિક હોટલો, સિનેમાઘરો, કલબો અને મોટા-મોટા ઉદ્યાનોનો ખૂબ વિકાસ થયો છે. અહીંની હર એક સાંજ સૂર્યના આથમતાં જ ખૂબ રંગીન બની જાય છે. જેમ-જેમ રાત આગળ વધે છે તેમ-તેમ હોટલોમાં ભીડ જામે છે. જામ પર જામ છલકાય છે. કેબ્રેના ડાન્સ ફ્લોર પર લોકો ઊછળતાં-કૂદતાં પતંગિયાંઓની જેમ નાચે છે.

મોમ્બાસાના ખૂબસૂરત પોલીસ રોડની બંને બાજુ આધુનિક દુકાનો અને હોટલોના નિયોન લાઇટોનાં સાઇન બોર્ડ ઝળહળતાં હતાં. રોડની વચ્ચે ઊભા કરેલ મોટા-મોટા પીલરો પર મરક્યુરી લાઇટો સડકોને રોશનીથી નવડાવી રહી હતી. કાર લીસી-લીસી સડક પર જરાય અવાજ કર્યા વગર સરકી રહી હતી. શહેરના લોકો જાણે બગીચામાં ફરવા નીકળ્યા હોય તેમ રોડની બંને તરફ બનેલી ફૂલોથી સુશોભિત ફૂટપાથ પર ચાલી રહ્યા હતા. તીવ્ર ગતિથી કારો દોડી રહી હતી. પુષ્કળ ટ્રાફિકમાં ટેક્ષી ને વાહનોની વચ્ચે ઘુસાડતો, ટેક્ષીને આડી-અવળી ઘુમાવતો ડ્રાઇવર ખૂબ જ સિફતથી હંકારી રહ્યો હતો. પ્રલય અને કદમ કારની પાછળની સીટ પર બેઠા બેઠા ઝળહળતી રોશનીમાં ન્હાતા આ સુંદર શહેરનો નઝારો નિહાળી રહ્યા હતા.

મોમ્બાસાની ખૂબસૂરત હોટલ ‘સી-વ્યૂ’ ના મુખ્ય દ્વારની સામે આવીને ટેક્ષી ઊભી રહી. ટેક્ષીનું ભાડું ચુકાવી પોતાની બેગોને હોટલના માર્બલના ફ્લોર પર રડાવતા કદમ અને પ્રલય હોટલના ગેટની અંદર પ્રવેશ્યા.

હોટલની અંદર હોલમાં રાત્રી પૂરી મહકતાની સાથે ઝૂમી રહી હતી. ભીડ એટલી બધી હતી કે એક પણ ટેબલ ખાલી જણાતુ ન હતું.

કદમ અને પ્રલયને હોટલની રંગીન રાત્રીના નઝારામાં કાંઇ જ દિલચસ્પી ન હતી. બંને આગળ હોટલના રિસેપ્શન કાઉન્ટર તરફ આગળ વધ્યા.

‘વેલકમ...સર હોટલ ‘સી-વ્યૂ’ આપનું સ્વાગત કરે છે...! ફરમાવો હું આપની શું સેવા કરી શકું છું...સર...?’ અંગ્રેજીમાં મીઠા અવાજે હાસ્ય ફરકાવતાં રિસેપ્સનિસ્ટ બોલી.

‘અમારે એક કમરો જોઇએ છીએ, ‘કાઉન્ટર પાસે ઊભા રહેતાં પ્રલય બોલ્યો.

‘ઓ...કે...સર ધેટ યોર નેઇમ્સ એન્ડ કન્ટ્રી નેઇમ્સ એન્ડ ગીવ યોર પાસપોર્ટ સર...’ મીઠા અવાજે તે બોલી.

પ્રલયે તુરંત તેને પાસપોર્ટ આપ્યો.

‘આ, યુ આર ઇન્ડિયન...વેલકમ સર...ફોમ આફ્રિકા’ કહેતાં રિસેપ્સનિસ્ટ પાસપોર્ટમાંથી નામ જોઇ કોમ્પ્યુટરમાં એડ કર્યું. એડ્રેસ લખ્યું પછી તેણે બેરાને બોલાવી સામાન કમરામાં લઇ જવાનું કહ્યું.

કદમ અને પ્રલય મુસાફરીથી ખૂબ થાકી ગયા હતા. તેઓએ પોતાના રૂમમાં જ જમવાનું મંગાવી લીધું. ત્યારબાદ આરામ કરવા લાગ્યા. પ્રલય આફ્રિકાના જંગલોની જાણકારીનું એક પુસ્તક વાંચતો હતો અને કદમ સિગારેટ પીતાં-પીતાં ટી.વી. જોઇ રહ્યો હતો.

રાત્રીના મોડે સુધી જાગ્યા હોવાથી સવારે બંને મોડા ઊઠ્યા. લગભગ દસ વાગ્યાનો સમય થવા આવ્યો હતો. બંને ઝડપથી અડધા કલાકમાં ફ્રેશ થઇ નીચે આવ્યા. હોટલના ડાઇનિંગ હોલમાં નાસ્તો કરી બંને હોટલની બહાર નીકળી ગયા.

તે આખો દિવસ બંનેનો દોડા-દોડીમાં ગયો. પહેલાં તેઓ આફ્રિકા સ્થિત ઇન્ડિયાની એમ્બેસીમાં ગયા. ત્યાં મિ. વિનય જોષીને મળ્યા અને પોતાનો આફ્રિકા આવવાનો ઉદ્દેશ પણ કહ્યો, ત્યારબાદ તેઓ વિનય જોષી સાથે બંદરગાહ ગયા.

પોર્ટ પર ચારે તર ચહલ-પહલ હતી, મોટાં જહાજો પોર્ટના ડેક પર લાગેલાં હતાં. તેમાં સામાન ભરાઇ રહ્યો હતો.

‘મિ.વિનય, અમારે એવા માણસની જરૂર છે જેમને આફ્રિકાના નાના-નાના ટાપુઓની પૂરી જાણકારી હોય,’ પ્રલયે ચાલતાં-ચાલતાં કહ્યું.

‘મિ.પ્રલય...આપણે પોર્ટથી થોડા આગળ જઇએ. જ્યાં નાની-નાની બોટો લાંગરે છે જ્યાં મછુવાઓ પોતાની બોટોથી માલની હેરફેર અને માછીમારી કરતા હોય છે. આગળના ભાગમાં થોડી છીછરી ખાડી આવેલી છે. ત્યાં મોટી શિપો કિનારે આવી શકતી નથી. તેથી ત્યાં નાની બોટો જ હેરફેર માટે ઉપયોગમાં લેવાય છે.’ વિનય જોષી બોલ્યો.

‘મિ. વિનય...અમે આપને બધી વિગતથી વાકેફ કર્યા છે. અમારા સહયોગી આદિત્યને શોધવા અમારે અહીંના એક-એક ટાપુઓની વિગતો જાણવી છે, અને એક-એક ટાપુ પર છાનબીન કરવી પડે તો અમે તૈયાર છીએ,’ કદમ બોલ્યો.

‘મિ. કદમ...મને સોમદત્તજીનો આદેશ છે કે આપને સંપૂર્ણ સહયોગ આપવો. હું આપને બધી જ મદદ કરવા તૈયાર છું. મેં મારી ઓફિસમાંથી કાયદેસરની રજા લઇ લીધી છે. આપ ચિંતા ન કરો. આપણે મિ. આદિત્યને જરૂર શોધી કાઢીશું. પણ મિ. કદમ...આદિત્યને આટલા મોટા આફ્રિકાખંડમાં પૂરી બાતમી વગર શોધવો તે ઘાસના મેદાનમાં ખોવાયેલી સોયને શોધવા બરાબર છે.’

‘મિ. વિનય...આપણે એક એવા ટાપુની શોધ કરવાની છે. જ્યાં વિકસિત માનવ વસ્તી ન હોય, જ્યાં કોઇ માનવ ટાપુ સુધી પહોંચ્યો ન હોય, તેવા ગુમનામ ટાપુની શોધ કરવાની છે. જ્યાં માનવ ખોપરીઓનું કંઇક અનેરું મહત્તવ છે.’

‘ મિ. પ્રલય...આપણે લગભગ એક કિલોમીટરનું અંતર પગપાળા જ કાપવાનું છે. બપોરનો સમય થવા આવ્યો છે. પહેલા અહીં પોર્ટ પર ભોજન કરી લઇએ, પછી આગળ વધીએ.’ એક કેન્ટીન તરફ આગળ વધતાં વિનય જોષી બોલ્યો.

‘ઓ...કે...વિનય ચાલો પહેલાં ભોજન કરી લઇએ’ કેન્ટીન તરફ પગ ઉપાડતાં પ્રલય બોલ્યો.

પોર્ટ પર આવેલ કેન્ટીનમાં ભોજન કરીને તેઓ બહાર નીકળ્યા. ત્યારે લગભગ ત્રણ વાગ્યાનો સમય થયો હતો. વાતાવરણમાં એકદમ કળાટ થતો હતો. ત્રણે પગપળા સમુદ્રની તે ખાડી તરફ જવા લાગ્યા.

ખાડી પાસે પહોંચ્યા ત્યારે ત્રણે જણા પરસેવાથી રેબઝેબ થઇ ગયા હતા. વાતાવરણમાં ભેજનું પ્રમાણ પુષ્કળ હતું. આકાશમાં વાદલો ઘેરાઇ રહ્યાં હતાં.

તેઓની સામે અફાટ હિન્દ મહાસાગર ફેલાયેલો હતો. દરિયાના પાણીનો ભયાનક ઘુઘવાટનો અવાજ શોર મચાવી રહ્યો હતો. નાની બોટો ચારે તરફ દરિયાના પાણીમાં ઊછળતી હતી.

અહીં એક મારો મિત્ર મેક-જોહનની ઓફિસ છે. તેની પાસે લગભદ દસ જેટલી નાની મોટરબોટો છે. ટ્રાન્સપોર્ટનો તેનો ધંધો છે. આપણે તેની પાસે જઇએ, તેની પાસે આપણને જરૂરી માહિતી મળી રહેશે...’ સમુદ્રના કિનારે-કિનારે ચાલતા વિનય બોલ્યો.

થોડીવારમાં જ તેઓ મેકની ઓફિસે પહોંચ્યાં. મેક સારો માણસ હતો. વિનયને જોઇને તરત તે પોતાની ખુરશી પરથી ઊભો થઇ સામે ગયો અને વિનયને ભેટી પડ્યો.

‘મિ. વિનય...મારાં અહોભાગ્યા કે આજ તું મારી ઓફિસે આવ્યો...વેલકમ...ઇન...’ વિનયનો હાથ પકડી સૌને અંદર દોરતાં તે બોલ્યો.

‘મેક...આ મારા મિત્રો છે. તેઓ ઇન્ડિયાથી આવ્યા છે...’ ચેર પર બેસતાં વિનય બોલ્યો.

‘વેલકમ..મિત્રો આપને મળીને આનંદ થયો...’ પ્રલય, કદમ સાથે હાથ મિલાવતાં મેક બોલ્યો.

‘આપ...મોમ્બાસા ફરવા આવ્યા છો કે પછી બિઝનેસ માટે...’ પ્રલય અને કદમ તરફ નજર ફેરવતાં મેક બોલ્યો.

‘મેક...આ મારા મિત્રોની સાથે કામ કરતો તેનો સહભાગી મિ. આદિત્ય એકા-એક ગુમ થયેલ છે. અને તેમને શોધતા, આ મિ.પ્રલય અને કદમ અહીં આવ્યા છે. વેલ-મેક...અમને તારી મદદની જરૂર છે...’ મેકે મંગાવેલ કાવાનો ઘૂંટ ભરતા વિનય બોલ્યો.

‘વેલ...મિ.પ્રલય તમે મને પૂરી વિગત આપો અને મારી કઇ જાતની મદદ તમે ઇચ્છો છો તે કહો...’ હાથમાં રહેલા કપને ટેબલ પર મૂકતાં ઉત્સુકતા સાથે મેક બોલ્યો.

ત્યારબાદ વિનયે મેકને પૂરી વાત કરી. મેક વિનયનો અંગત મિત્ર હતો. અમુક વિગતો છુપાવીને વિનયે, મેકને વિગત જણાવી.

‘વેલ...મિ.વિનય આવા કોઇ ટાપુ વિશે હું જાણતો નથી. પણ અહીંના માછીમારોમાં મોટી ઉંમરના બુઝર્ગો જેઓ અહીંના એક-એક ટાપુથી જાણકાર છે. તેવા કોઇને પૂછીશું તો જરૂર માહિતી મળશે. મારી પાસે કામ કરતા તેવા ચાર-પાંચ મચ્છુઆરા છે. જેમના ફાધર, ગ્રાન્ડફાધર અહીંનો હિન્દ મહાસાગર ખૂદ્યો છે અને ટાપુ પરની વિગતો તેઓ જાણે છે. હું એક-બે દિવસમાં તપાસ કરી માહિતી એકઠી કરું છું. મને તમારું સરનામું અને મોબાઇલ નંબર આપતા જાવ...’ પ્રલય સામે જોઇ મેક બોલ્યો.

***