Khoufnak Game - 4 - 4 books and stories free download online pdf in Gujarati

ખોફનાક ગેમ - 4 - 4

ખોફનાક ગેમ

વ્રજલાલ હિરજી જોષી

મોતની ચેમ્બર્સ

ભાગ - 4

થોડીવાર પછી કિંગફિશરનું તે પ્લેન આકાશમાં ઊડતું ભારત તરફ જવા પ્રયાણ કર્યું. કિશન ઊડતા પ્લેનને જોઇ રહ્યો. પ્લેન ધીરે ધીરે આકાશમાં વાદળોની આગોશમાં અર્દશ્ય થઇ ગયું. કિશને રડતી આંખો બંધ કરી. તેની આંખોમાંથી બે બૂંદો ખરીને ધરતી પર પટકાયાં. આ તેના પ્રણયનો છેલ્લો ધબકારો હતો. માથાને બે-ત્રણ ઝાટકા આપી તેણે હેમાના વિચારોને ખંખેર્યા પછી એરપોર્ટના બહારની તરફ જવા લાગ્યો. ‘ચાલો ત્યારે...’ તે મનમાં બબડ્યો...’ અરે પણ કિશન...હવે ક્યાં જઇશ...? તારું તો બધું જ નષ્ટ થઇ ગયું છે. દિલના ખૂણામાંથી એક અવાજ ઊઠ્યો.

બીજા દિવસની તે દિલ્હીની સવાર ખુસનુમા હતી. વરસાદ પડી જતાં ચારે તરફ પ્રકૃતિ ખીલી ઊઠી હતી. મેજર સોમદત્ત પોતાની ઓફિસની મોટી કાચની બારીમાંથી બહાર ચાંદની ચોક તથા લાલ કિલ્લાનો નઝારો જોઇ રહ્યા હતા.

‘મેં આઇ કમ ઇન સર...’ અવાજ આવતાં મેજર સોમદત્ત પાછળ ફર્યા. અરે...આવ પ્રલય...હું તારી જ વાટ જોઇ રહ્યો હતો. બેસ હમણાં જ બે મિનિટમાં કદમ અને તાનીયા પણ આવી જશે. પછી આપણે ચર્ચા કરીશું.’ કહી મેજર સોમદત્ત પોતાની ચેર બર બેઠા અને બેલ વગાડી પટાવાળાને બોલાવી ચાર કપ કોફી લઇ આવવા કહ્યું.

સાચે જ બે મિનિટમાં જ કદમ અને તાનીયા પણ આવી પહોચ્યા.

‘હલ્લો પ્રલય, તાનીયા કેવી રહી તમારી નેપાળની ટૂર...?’ વાતની શરૂઆત કરતા મેજર સોમદત્ત બોલ્યા.

‘સર...આ તાનીયા જો બે મિનિટ મોડી પહોંચી હોત તો નેપાળમાં જ મારી કબર બની ગઇ હોત. સર મને અફસોસ છે કે આદિત્યને તે લોકો ઉઠાવી ગયા અને હું કાંઇ જ કરી ન શક્યો.’

‘પ્રલય...ક્યારેક-ક્યારેક એવું બનતું હોય છે કે આપણા હાથમાંથી બાજી સરકી જાય...એવું નથી કે હર વખતે જીત આપણી જ થાય. દુશ્મનો તાકાતવર હોય તો આવું બને, તું ચિંતા ન કર...’ મેજર સોમદત્ત બોલ્યા.

પટાવાળો કોફી લઇ આવ્યો એટલે થોડીવાર સૌ મૌન રહ્યા.

‘સર...તાનીયા કેવી રીતે નેપાળ પહોંચી ગઇ...’કદમ કોફીની ચુસકી લેતાં બોલ્યો.

‘કદમ...આપણે જ્યારે ચમોલી જવા રવાના થયા ત્યારે પહેલાં મેં તાનીયાને નેપાળ મોકલાવી દીધી હતી. તાનીયાને કિશન નામની વ્યકિત જે તે હવેલીનો માલિક હતો. તે કુદરતી રીતે નજરે ચડી ગયો. દૂર દૂર ગાઢ જંગલ વચ્ચે વેરાનીમાં આવેલી તેની હવેલી અને આજુબાજુ તપાસ કરતાં તાનીયાને થોડું વિચિત્ર લાગ્યું. એક વખત હવેલી તરફ તાનીયાએ એક વિચિત્ર પ્રાણીને પણ જોયું હતું. ત્યારબાદ તાનીયાએ કિશન સાથે દોસ્તી કરી અને હેમા બની તે હવેલી સુધી પહોંચી ગઇ અને મને તેણે રિપોર્ટ આપ્યા તેના પરથી મેં પ્રલય અને આદિત્યને નેપાળ મોકલાવી દીધા. તાનીયા નેપાળમાં છે તેની પણ તેઓને મેં જાણ કરી ન હતી...’ લાંબો શ્વાસ લઇ મેજર સોમદત્ત વાત પૂરી કરી પછી તેઓ કોફી પીવા લાગ્યા.

‘સર...મને તો આ લોકો જાનવરોના કોન્ટ્રાક્ટર લાગે છે...’ મોં મચકોડતાં કદમ બોલ્યો.

‘ઘણી સારી વાત છે. કદમ તું તેની પાસેથી બે-ચાર વાંદરાઓ મેળવી લેજે, અને મદારીનો ધંધો ચાલુ કરજે. આજ કાલ રોડ પર થતા સરકસનો ઘણો ક્રેઝ છે.’

‘સાચી વાત છે, સર...આ જાસૂસીના ધંધામાં દાટ્યું શું છે...! સાલ્લું...આના કરતાં મદારી બની ડુગ-ડુગી વગાડવી સારી...’મોંલ ફુલાવી કદમ બોલ્યો.

‘સાચી વાત...આમે તું મદારી જેવો જ લાગસ.’ તાનીયા હસતાં-હસતાં બોલી.

‘હા...પછી એક મદારણ પણ જોશેને તારે માટે, જગ્યા ખાલી રાખીશ જ તારો વિચાર હોય તો...’

‘તારી મદારણ બને મારો ખાસડો...પહેલાં દૂધથી મોં ધોઇ આવ...’

‘દૂધથી શું, તું કહેતી હોય તો પંચામૃતથી મોં ધોઇ આવીશ...’ કદમ બોલ્યો અને સૌના ચહેરા પર છવાયેલી ગમગીની દૂર થઇ અને હાસ્ય ફૂટી નીકળ્યું.

‘સર...મને તે હવેલીમાંથી આ નકશા અને ચિત્રો મળ્યાં છે પણ બધું વિચિત્ર લાગે છે. આફ્રિકાના કોઇ અજ્ઞાત ટાપુના નકશા ત્યાં ઊભી કરવામાં આવેલી લેબોરેટરી જેવાં ચિત્રો અને એલિયન્સ તથા માનવ ખોપરી જેવાં ચિત્રો કાંઇ વિચિત્ર લાગે છે...’ હાથ લંબાવી તે કાગળો સોમદત્તના હાથમાં આપતાં પ્રલય આગળ બોલ્યો. ‘સર ત્યાં કેટલાંય પુસ્તકો હતાં જેમાં આફ્રિકાના જંગલો વિષે જાણકારી હતી તો કેટલાંય પુસ્તકો યુ.એફ.ઓ. અને એલિયન્સ વિષે પણ હતાં.

થોડીવાર મેજર સોમદત્ત તે નકશા અને ચિત્રો જોતા રહ્યા. પછી ઊભા થતાં બોલ્યા, ‘પ્રલય આપણે સૌ કાલ સવારના ભેગા થશુ. મારે આ નકશાનું અધ્યયન કરવું છે.

સૌ ઊભા થયા. તાનીયાએ કદમ સામે જોઇને જીભડો કાઢ્યો. કદમે તેની સામે જોઇ મોં મચકોડ્યું. પછી સૌ ઓફિસમાંથી હસતાં હસતાં બહાર આવ્યાં.

તે દિવસ બપોરના ભોજન બાદ મેજર સોમદત્ત પોતાના બંગલાની લાયબ્રેરીમાં ઘૂસી ગયા અને તે નકશા અને ચિત્રોનું અધ્યયન કરતા રહ્યા અને પોતા પાસે રહેલાં કેટલાંય પુસ્તકો મોડી રાત્રી સુધી વાંચતા રહ્યા.

બીજા દિવસે સવારના સૌ ‘રે બેકન્સ ઓફ કેમિકલ્સ’ની ઓફિસમાં આવ્યા જે ‘રો’નું હેડ ક્વાર્ટર હતું.

રાત્રીના ઉજાગરા પછી પણ અત્યારે મેજર સોમદત્તના ચહેરા પર તાજગી છવાયેલી હતી.

‘પ્રલય તું અને કદમ કાલ સવારના આફ્રિકાની મુસાફરી માટે તૈયારી કરી ઊપડી જાવ...’ મેં તમારો પ્રોગ્રામ તૈયાર કરી નાખ્યો છે.

‘સર...આપે તે નકશાઓ અને બુકોનું અધ્યયન પૂરી રાત જાગીને કહ્યુ લાગે છે.’

‘હા...પ્રલય, આ કેસ કોઇ અલજ જ પ્રકારનો મને લાગે છે. આફ્રિકા એટલે અંધાર ટાપુઓનો ખંડ છે. જેથી તેને અંધારા યુગનો ખંડ કહેવાતો, જો કે હવે તો લગભગ ત્યાંના ટાપુઓ વિકાસ પામ્યા છે. છતાંય કેટલાય ટાપુઓ છે જે ટાપુઓ પર જંગલી માનવભક્ષી આદિવાસીઓ રહે છે અને ગીચ જંગલ છે. જ્યાં ભયાનક પશુઓ વસે છે. દિવસના પણ ત્યાં સૂર્યપ્રકાશ પહોંચી શકતો નથી. તેવા જ એક ટાપુ જ્યાં વિકસિત માનવનાં પગલાં પડ્યા નથી.’

‘મારી પાસે એક ખૂબ જ પુરાણું પુસ્તક છે અમેરિકન લેખક ‘મારી પાસે એક ખૂબ જ પુરાણું પુસ્તક છે અમેરિકન લેખક ‘જ્હોન કેવીલ્સ’નું તેનું નામ ‘ધ મેન ઇટ્સ બ્લેક બેટ ફ્રોમ આફ્રિકા’ એનો અર્થ ‘આફ્રિકાનો માનવભક્ષ અંધારિયા ટાપુ’ જેવો થાય છે. હવે પ્રલયને મળેલ નકશામાં માનવ ખોપરીના જે ચિહ્નોનો જર્હાન કેવીલ્સે પણ તે પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે. જર્હાન કેવીલ્સે આફ્રિકાના ‘હિંદ મહાસાગર’માં ખૂબ જ રખડપટ્ટી કરીને ઘણા ટાપુઓ શોધ્યા હતા અને તેનો ઉલ્લેખ તેના પુસ્તકમાં કરેલ છે. ખોપરીનાં ચિહ્નો બતાવેલ છે. તે ટાપુ પર તો તે પહોંચી શક્યો ન હતો, છતાં પણ તે ટાપુ પરની ઘણી માહિતી તેમણે એકઠી કરેલ છે. આ ટાપુના ફરતે પ્રવાહમાં કરંટ છે. જેના કારણે જો ભૂલેચૂકે કોઇ સ્ટીમર કે મોટરલોંચ તેના કરંટમાં દાયરામાં પહોંચી જાય તો એટલા વેગથી તે ટાપુ સાથે અથડાય કે તેના ભુક્કા બોલી જાય. વળી આ ટાપુ પર ભૂલેચૂકે જો કોઇ જીવતો પહોંચી જાય તો તે ટાપુ પર આવેલ વિકરાળ જંગલનાં ભયાનક વિકરાળ પ્રાણીઓ અને ત્યાં વસતા માનવભક્ષી જંગલીઓથી બચવું મુશ્કેલ છે. જો ખરેખર ખોપરીઓનાં નિશાનો પ્રમાણે અને આ નકશા પ્રમાણે આવતો ટાપુ પર લેખક જ્હોન કેવીલ્સના પુસ્તકમાં વર્ણવેલો ટાપુ એ જ હોય તો ત્યા પહોંચવું ખૂબ મુશ્કેલભર્યું છે.’

‘પણ સર...આપણે અવકાશ માર્ગે ત્યાં પહોંચી શકીએ છીએ ને...’ કદમ બોલ્યો.

‘કદમ...તે ટાપુ પર એટલું બધું ધુમ્મસ છવાયેલું છે કે અવકાશમાંથી તે ટાપુ દેખાતો જ નથી અને જો ક્યારેક દેખાય તો તે ગાઢ ધુમ્મસના આવરણને અંદર ધૂસવું અને હેલિકોપ્ટરના ગીજ જંગલમાં ઉતારવું મુશ્કેલ છે. બીજું ત્યાં મોટી મોટી પહાડીઓ પણ છે. તેની સાથે ટકરાઇ જવાની શક્યતા પણ નકારી ન શકાય.’ ઇઝી ચેર પર શરીરને પાછળની તરફ ઝુકાવી રિલેક્સ થતા સોમદત્ત બોલ્યા. તેમના ચહેરા બર ચિંતાને લીધે પડેલી કરચલીઓ સ્પષ્ટ દેખાતી હતી.

‘સર...એકવાર અમને આફ્રિકા પહોંચી જવા દ્યો, પછી બધું ફોડી લેશું...ગમે તે કરીને આપણે આદિત્યને તો શોધવો જ પડશેને...?કેમ, કદમ...?’ કદમ તરફ નજર ફેરવતા પ્રલય બોલ્યો.

‘હા...સર અમે આદિત્યને શોધવા પાતાળમાં પણ જવા તૈયાર છીએ.એક વખત આપ આજ્ઞા આપો એટલે હું અને પ્રલય આફ્રિકાના તે ગુમનામ ટાપુને શોધી લેશું અને આદિત્યને છોડાવી લાવશું અને સાથે-સાથે આ વિચિત્ર રાક્ષસી જેવા માનવોનું રહસ્ય પણ શોધી કાઢશું.’

‘સર...મહેસાણાની બનેલી ઘટના સાથે આ કેસને કોઇ સંબંધ હોય તેવું આપને લાગે છે.’ ટહુકા ભર્યા મીઠા અવાજે તાનીયા બોલી.

‘ખાંસ કાંઇ લાગતુ નથી. મહેસાણામાં ફક્ત પગલાની છાપની રેખા સિવાય આપણને કાંઇ જ મળ્યું નથી.કોઇ માનવને અવકાશમાંથી ઊતરી આવતાં બે-ત્રણ લોકોએ જોયા હતા, પણ તે એક રહસ્યમય ઘટના છે, અને ચમોલીમાં જોયેલ માનવો તથા નેપાળમાં જોયેલા તે માનવો પશુઓને મળતા આવતા માનવો હતાં. હવે આ બધું રહસ્ય તો તે આફ્રિકાના રહસ્યમય ટાપુ પર પહોંચ્યા પછી જ ખબર પડે. ખરેખર પરગ્રહવાસીઓએ ત્યાં પોતાના બેઝ કેમ્પ ઊભો કર્યો છે કે પછી આ બધું માનવ સર્જિત છે. આ બધું રહસ્ય સાથે-સાથે આદિત્યને પણ તમારે આફ્રિકાન દક્ષિણે આવેલા સો જેટલા ભયાનક,અજ્ઞાત અને અંધાર ટાપુ પર જઇને શોધવો પડશે અને આ ટાપુ શોધવા માટે તમારે હિંદ મહાસાગર ખુંદવો પડશે. આ નકશા પ્રમાણે ચાલશો તો જરૂર તે ટાપુ પર પહોંચી શકશો. આ ટાપુ પર કોઇ જંગલી માનવોની વસ્તી છે જે માનવ ખોપરીને પૂજે છે. તે માહિતી પણ તમને ઉપયોગી થશે.’

‘સર...મને રજા આપો તો હું પણ સાથે જાંઉ...’તાનીયા આજીજીભર્યા સ્વરે બોલી.

‘તાનીયા...તું બહાદુર છો, સાહસિક છો, પણ...આ મિશન પર ડગલે ને પગલે મોતની જાળ બિછાવેલી છે. પ્રલય અને કદમ પાછા આવી શકશે કે નહીં તે પણ હું નક્કી કહી શકતો નથી. બેટાં...તું હજી નાની છો મને એમ લાગશે કે તું બરાબર ટ્રેઇન થઇ ગઇ છો તે દિવસે તને આવા ભયાનક મિશનમાં જવા માટે નહીં રોંકુ...’ગળગળા સ્વરે મેજર સોમદત્ત બોલ્યા.

બે દિવસ પછી દિલ્હીના ઇન્દિરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇન્ડિયન એર લાઇન્સનું એક પ્લેન આફ્રિકાના મોમ્બાસા જવા માટે તૈયાર હતું. પ્રલય અને કદમ એરપોર્ટની બિલ્ડિંગમાં ઊભા હતા. એનાઉન્સમેન્ટ થતાં તેઓ રન-વે તરફ જવાના ગેટ તરફ આગળ વધ્યા.

‘બાય...તાનીયા’ પ્રલય અને કદમ એક સાથે બોલ્યા.

‘ભઇલા...ખ્યાલ રાખજો...આપણી જિંદગી ભલે ખતરાઓથી ભરેલી હોય છતાં આપણે ઇન્સાન છીએ...આપણી પણ લાગણી દિલમાં એક ખૂણામાં ભરાયેલી હોય છે અને કદમ...’ બોલતાં બોલતાં તાનીયાની આંખોમાં ઝળહળિયાં આવી ગયાં. તેણે આંખોને બંધ કરી અને તેની પ્રલય અને કદમ તરફની લાગણી અશ્રુબિંદુના રૂપમાં ગાલ પર રેલાઇ.

‘તાનીયા...અત્યાર સુધી મારું દિલ સાવ કોરું હતું. તારી લાગણી મને અને પ્રલયને મોતના મોંમાંથી પાછી ખેંચી આવશે...બાય તાનીયા...’ હાથ મિલાવતાં કદમ બોલ્યો.

અને ત્યારબાદ બંને ભારે પગલે રન-વે પર ઊભેલા પ્લેન તરફ જવા લાગ્યા.

તાનીયા ઊભી-ઊભી પાછળથી તેમને જોતી રહી.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED