ખોફનાક ગેમ - 5 - 2 Vrajlal Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખોફનાક ગેમ - 5 - 2

ખોફનાક ગેમ

વ્રજલાલ હિરજી જોષી

ડેનિયલ સાથે મુલાકાત

ભાગ - 2

‘મિ.મેક...અમારે મારા મિત્રને શોધવો છે. ખૂબ જ મહત્ત્વનું છે અને તેથી જ તે ગુમનામ ટાપુ પર કોઇપણ સંજોગમાં પહોંચવું પડે...અમને જેમ બને તેમ જલ્દી માહિતી મળે તે જરૂરી છે. મારા મિત્રની જિંદગી જોખમમાં છે.’ નિરાશ મને કદમ બોલ્યો.

‘મિ.કદમ...આપ ચિંતા મારા પર છોડી દ્યો, હુ ગમે તેમ કરીને આપને તે ગુમનામ ટાપુ વિશે માહિતી મેળવી આપીશ. આપનો મિત્ર તે મારો મિત્ર સમજો...’

‘ઓ...કે...આભાર મેક...હવે અમે જશું અને આ મારું કાર્ડ લે તેની પાછળ મેં મિ.પ્રલયના મોબાઇલ નંબર લખ્યા છે અને અમે કાલ સવારના અહીં આવી જશું, ઊભા થતાં વિનય બોલ્યો.

‘ઓ...કે...વિનય હું મારું બધું કામ પડતું મૂકી તારા કામમાં કાલથી જ લાગી જઇશ...ડોન્ટ વરી...’ હાથ મિલાવતાં મેક બોલ્યો.

ત્યારબાદ વિનય, પ્રલય અને કદમ મેકની ઓફિસમાંથી બહાર આવીને દરિયાના કિનારે-કિનારે આગળ ચાલ્યા.

દરિયાના ઊછળતા પાણીની વચ્ચે લાલચોળ સૂર્યનો ગોળો દરિયાના પાણીમાં ડૂબી રહ્યો હતો. ધીરે-ધીરે ચારે તરફ અંધકાર છવાતો જતો હતો. રાત્રિના સન્નાટાભર્યા વાતાવરણમાં સમુદ્રના પાણીનો ઘુઘવાટ ભયાનક શોર મચાવતો હતો. પ્રલય, કદમ અને વિનય વાતો કરતા-કરતા આગળ વધી રહ્યા હતા.

મિ.પ્રલય અને કદમ...તમે બંને મારા ક્વાર્ટરમાં ચાલો હું હાલમાં એકલો જ છું, આપણે સાથે ભોજન કરીશું...’ચાલતાં-ચાલતાં કદમ તરફ ચહેરો ફેરવી વિનય બોલ્યો.

‘મિ.વિનય..આપના મેરેજ નથી થયા...?’ કદમે પૂછ્યું.

‘મિ.કદમ...મારું મૂળ વતન પાલનપુર છે. ત્યાં મારાં માતા-પિતા રહે છે. મારી પત્ની મારાં માતા-પિતા સાથે પાલનપુરમાં જ રહે છે અને મારે એક નાની દિકરી છે. પ્રલય, હું ભારત સ્થાયી થવા માગું છું. મેં મારી ટ્રાન્સફર માટે એપ્લીકેશન પણ મૂકી દીધી છે.’

ત્રણે વાતો કરતા આગળ અંધકારભર્યા રસ્તે ચાલી રહ્યા હતા.સૌથી છેલ્લે ચાલતા પ્રલયને અચાનક પીઠમાં કાંઇક ખૂંચ્યુ હોય તેવુ લાગ્યું. અચાનક ચમકીને તેણે પાછળ નજર ફેરવી.

‘ચુપાચુપ જે હોય તે આપી દે નહીતર મર્યો સમજજે.’ પ્રલયની પાછળથી સુસવાટાભર્યો અવાજ આવ્યો.

‘કોણ છે તું...’ ચાલતાં-ચાલતાં અટકી જઇ ક્રોધભર્યા અવાજે પ્રલય બોલ્યો. તેના અવાજથી આગળ ચાલતા કદમ અને વિનય પણ ચમકી જઇ ઊભા રહી ગયા.

‘હુ જે છું તે પણ મારી આ છૂરી તારી સગી નથી જ ચાલ જલદી ચેન, ઘડિયાળ, ખિસ્સામાંથી પાકીટ નિકાલ અને તારી સાથે ચાલતા તારા આ બંને દોસ્તને પણ કહે કે થોડા ભાર ઓછો કરે...’ છૂરીની અણી થોડી વધુ પ્રલયની પીઠમાં દબાવતા તે બોલ્યો.

‘ઠીક છે...ઠીક છે...તારી છૂરી થોડી દૂર કર હું મારી ચેન, ઘડિયાળ અને પાકીટ તને આપું છું...’

‘કહેતાં, કહેતાં પ્રલય પોતાનું પાકીટ ખિસ્સામાંથી કાઢવા લાગ્યો, તેની પીઠ પર ભોંકાયેલ છૂરીનું દબાણ થોડું ઓછું થયું. અને પછી એકા-એક પ્રલયે જમ્પ લગાવી અને કૂદ્યો.

ધડામ...કરતુ તેણે પોતાનું માથું તે શખ્સની છાતીમાં અથડાવ્યું.

છાતીમાં પ્રલયના માથાનો જોરદાર ફટકો લાગતાં જ તે શખ્સ નીચે રેતીમાં પછડાયો. તેના હાથમાંથી છૂરી નીચે પડી ગઇ. તે જ વખતે કદમ જમ્પ મારી અને તે શખ્સ પર કૂદી પડ્યો.

રાત્રીના ભયાનક અંધકારમાં દરિયાની ભીની રેતીમાં કદમ અને તે શખ્સ એકબીજાને મહાત કરવા ભયાનક રીતે લડવા લાગ્યા. તે શખ્સે પોતાન પર પડેલા કદમને નીચે પછાડી તેના પર ચડી બેઠો, અને તેના રાઠોડી હાથના બે-ત્રણ ગુસ્તા કદમના જડબા પર રસીદ કરી દીધાં.

કદમનું જડબું પીડાથી હચમચી ઊઠ્યું. તે શખ્સનો હાથ કોઇ લોખંડનો હથોડો તેવો ભારે હતો. કદમના હોઠમાંથી લોહીની ટસર ફૂટી આવી. ગુસ્સાને કંટ્રોલ કરતાં કદમે પોતાના બંને પગને ઊંચા કરીને વાળ્યા અને પછી તે શખ્સના ગળામાં ભરાવી દીધા અને પછી પગથી જોરદાર ઝટકો લગાવી તે શખ્સને નીચે પછાડ્યો.

તે જ વખતે વિનયે કરેલ મોબાઇલ-ટોર્ચના આછા પ્રકાશમાં પ્રલય આગળ ધસી આવ્યો અને તે શખ્સના માથાના વાળને હાથના પંજાથી પકડીને જોરથી ખેંચ્યા, તે જ વખતે કદમે તે શખ્સના ગાલ પર બે-ત્રણ ઝાપટ રસીદ કરી દીધી.

‘ઓ...મરી ગયો...બચાવો...છોડી દ્યો...છોડી દ્યો...’ તે શખ્સ બંને હાથ જોડીને કરગરવા લાગ્યો.

પ્રલયે ટોર્ચના પ્રકાશ તેના મોં પર ફેંક્યો.

તે લગભગ 65 વર્ષનો ડોસો હતો. તેના વાળ એકદમ સફેદ હતા. તેના ચહેરા પર કરચલી વળેલી હતી. તેના ઉપરના દાંત થોડા બહાર નીકળેલા હતા.

‘કાકા...ઊભા થાવ...વગર મોતે મરી ગયા હોત, છરીની અણીના ટેકે લોકોને લૂંટવાની તમારી ઉંમર નથી...’

‘બેટા, બાવડામાં હજી ઘણી તાકાત છે, પણ તું બાજી જીતી ગયો...’ થાકેલ અવાજે તે બોલ્યો.

‘બોલો કાકા...શુ જોઇએ છે તમારે...?’ તેની નજદીકિ આવી કોમળ અવાજે કદમે પૂછ્યું.

‘નોકરી...’ પણ કોઇ આપે તેમ નથી...માફ કરજો, હું હરામનું લેતો નથી...’મહેનત કે પછી છીનવીને લેવું મારું કામ છે...’

‘કાકા...પહેલાં તમે શું કામ કરતા હતા...’ વિનયે પૂછ્યું.

‘વહાણવટો...બેટા...પણ આ ઉંમરે ઘોસ પર કોઇ જ લઇ જતું નથી, ઘરમાં બે દીકરી જુવાન છે. એક દસ વરસનો દીકરો છે. પત્ની ટીબીના રોગમાં સપડાઇને ગોડને પ્યારી થઇ ગઇ...’ દુ:ખી અવાજે તે બોલ્યો.

‘ઠીક છે કાકા...અમારી સાથે-સાથે અમને તમારા જેવા વયોવૃદ્ધની જરૂર છે. અમારા કામમા તમે ઉપયોગી થશો તો જરૂર તમને સાથે લઇ જશું...’ કાકાના ખંભા પર હાથ મૂકી પ્રલય બોલ્યો.

‘હા...હા...ચાલો મને તમે ઘોસ પર લઇ જવાના હોવ તો જરૂર તમને ઉપયોગી થઇશ...’ ઉત્સાહમાં આવી તે બોલ્યો. પછી કદમેં ગુમનામ ટાપુની વાત કરી અને તેની માહિતી મેળવવાની વાત કરી.

રાત્રિનો અંધકાર ગાઢ બની રહ્યો હતો. ઘૂઘવાતો હિન્દ મહાસાગર જોર-શોરથી ઊછળી રહ્યો હતો. તેના ઘુઘવાટ સાથે શોર મચાવતો પવન ફુંકાવાનું ચાલું થયું હતું. પશ્ચિમ દિશામાં દરિયામાં દૂર-દૂર વીજળીના ચમકારા થતા હતા.

‘‘ચાલો જલદી વરસાદ આવે તે પહેલાં પોર્ટ પર પહોંચી જઇએ, લાગે છે આજની રાત્રિના ભયાનક વરસાદ તૂટી પડશે...’ વિનય જોષી બોલ્યો.

વરસાદનાં ઝાપટાં શરૂ થયાં પણ પહેલાં તેઓ પોર્ટ પર પહોંચી ગયા હતા, વિનયની ગાડીમાં બેસીને તેઓ પોર્ટથી શહેર તરફ જતા નેશનલ હાઇ-વે તરફ ઝડપથી આગળ વધી રહ્યા હતા.

ત્રીજા દિવસની સવારના પ્રલય, કદમ અને વિનય મેકની ઓફિસમાં બેઠા હતા. ‘મિ. વિનય...એવો કોઇ ખલાસી હજુ સુધી મને મળ્યો નથી. જેને તે ખોપરીના ચિહ્નવાળા ટાપુનું જ્ઞાન હોય, મેં બે દિવસ સતત દોડધામ કરી પણ અફસોસ, આપને પહોંચવું છે તે ટાપુ વિશે કોઇ જ બાતમી મને મળી નથી...’ નિરાશ વદને મેક બોલ્યો.

‘વાંધો નહિ મિ.મેક...આપ તપાસ જારી રાખો. અમે આપને બે દિવસ પછી મળીશું ત્યાં સુધી જો તે ગુમનામ ટાપુ વિશે માહિતી નહીં મળે તો અમે ખુદ હિન્દ મહાસાગર ખૂંદવા નીકળી જઇશું...’ કદમ બોલ્યો.

‘ઠીક છે હું પ્રયત્ન કરું છું...’ મેક બોલ્યો.

ત્યારબાદ મેકની ઓફિસમાં કાવો અને નાસ્તો કરી સૌ બહાર નીકળ્યા.

‘પ્રલય...હવે આપણે તે ચોર કાકા મોગલોને મળી આવીએ જોઇએ તે શું ઉકાળી આવ્યો હશે...’ ચાલતાં-ચાલતાં કદમ બોલ્યો.

‘હા...હવે એક જ મોગલો પર આશા રહી છે. તે કાલ સવારના કોઇને મળવા માટે જાઉં છું. કહીને ગયો છે. હજુ પરત આવ્યો નથી...’ વિનયે કહ્યું.

‘આપણે બે દિવસ રાહ જોઇએ નહિતર મોગલોને લઇને આગળ સફર પર ઊપડી જઇએ, કેમ બરાબરને કદમ...’ કદમ સાથે પ્રલય બોલ્યો.

તે ખુશનુમા સવાર હતી. સૂર્યનો સોનેરી પ્રકાશ અલ્હાદક લાગી રહ્યો હતો. મંદ-મંદ ઠંડો પવન દરિયા પરથી ફૂંકાઇ રહ્યો હતો. તેઓ દરિયાના કિનારે રેતી પર ચાલતા આગળ વધી રહ્યા હતા.

‘સાહેબ...ઓ સાહેબ...’ પાછળથી બૂમો સંભળાતાં ત્રણે જણે ફરીને પાછળ નજર ફેરવી.

બૂમો પાડતાં મોગલો ઝડપથી તે લોકો તરફ આવી રહ્યો હતો.

‘અરે...અરે...કાકા જરા ધીમે...આટલા ઉતાવળા કેમ દોડતા આવો છો...’ કદમે આશ્ચર્ય સાથે કહ્યું.

‘સાહેબ-સાહેબ...મને એવો માણસ મળી ગયો છે જે ખોપરીવાળા ટાપુ વિશે જાણે છે.’ હાંફતા-હાંફતા તે બોલ્યો.

‘શું...? વાહ...કાકા, તમે તો મોટું કામ કરી નાખ્યું. આનંદ સાથે પ્રલય બોલ્યો. ત્રણે જણાના ચહેરા પર હર્ષના ભાવ છવાયા.

‘સાહેબ...આપણે તે માણસને મળવા બાર વાગ્યાના સમયે જવાનું છું

‘ઉત્તમ...મોગલો ચાલ અમને તેની પાસે લઇ ચાલ...’ કદમ બોલ્યો.

‘કદમ...આપણે પહેલા કોફી પી લઇએ અને કાકાને નાસ્તો કરાવી લઇએ. પછી તે માણસને મળવા જશું, હજું તો દસ વાગ્યાનો સમય થયો છે...’ ઘડિયાળ સામે જોતાં વિનય બોલ્યો.

‘હા...એ વાત બરાબર, સવારથી દોડા-દોડીમાં મેં કાંઇ જ ખાધું નથી અરે કાવો પણ નથી પીધો...ચાલો સામે થોડે દૂર એક હોટલ છે તેમાં જઇએ.’ મોગલો બોલ્યો.

ચારે જણ તે હોટલ તરફ ચાલવા લાગ્યા.

તે લાકડાની કાચી કેબિન જેવી હોટલ હતી. લાકડાની દીવાલો પર નારિયેળીનાં પાંદડા નાખી હોટલ બનાવેલી હતી. હોટલની બહાર બે-ચાર ટેબલ અને ખુરશીઓ પડ્યાં હતાં.

સૌ બહારના ભાગમાં બેઠા, વિનયે કોફી અને નાસ્તાનો ઓર્ડર આપ્યો.

‘‘હં...મિ. મોગલો, હવે વિગતવાર જણાવો કે તમે કોની વાત કરતા હતા.’’ આરામથી ખુરશી પર બેસી એક સિગારેટ સળગાવતાં કદમ બોલ્યો.

‘‘સાહેબ તેનું નામ ડેનિયલ છે...તે કોઇ યુરોપિયન કંટ્રીનો આદમી લાગે છે. તેના કહેવા મુજબ તે એક વખત હિન્દ મહાસાગર ફરતા-ફરતા તે ટાપુ પર પહોંચ્યો હતો. ત્યાં માનવભક્ષી જંગલીઓના વસવાટ છે. ત્યાં માનવ ખોપરીનું ઘણું મહત્તવ છે. તે લોકો ગાઢ જંગલના ઊંડાણમાં રહે છે...’’ બસ આટલી માહિતી તેણે મને આપી હતી.

‘‘મિ.મોગલો...તમને તે કેવો આદમી લાગ્યો...?’’ એની વાતમાં કેટલું સત્ય હતું...?’’ કોફીનો ઘૂંટ ભરતાં પ્રલય પૂછ્યું.

‘‘સાહેબ...તે ન સમજાય તેવો ઇન્સાન મને લાગ્યો, બાકી તો આપ તેને મળી લ્યો અને નક્કી કરજો...’ મોગલોએ કહ્યું.

‘ઠીક છે, ચાલો તેને મળશું તો જરૂર કોઇ કામની વાત જાણવા મળશે...’ સિગારેટનો આખરી કશ લઇ ઠૂંઠાને ‘‘ઘા’’ કરતાં કદમ બોલ્યો.

ત્યારબાદ નાસ્તો પતાવી સૌ ઊભા થયા. વિનય જોશીએ બિલ ચૂકવ્યું, પછી સૌ આગળ વધ્યા.

તે દરિયાકિનારાથી નજદીક એક ઝૂંપડપટ્ટી વિસ્તાર હતો. ચારે તરફ કાચાં મકાનો બનેલાં હતાં અને ટૂંકી ચડ્ડી પહેરેલાં નાનાં બાળકો દોડા-દોડી કરી રહ્યાં હતાં.

ગંદી અને સાંકડી ગલી પસાર કરી તેઓ એક કાચા ધાબા પાસે આવ્યા. તે ધાબો એક દારૂનો હટ હતો, પણ કબાડીખાના જેવો લાગતો હતો. ધાબાની બહાર લાકડાની વાળ બનાવેલા ચોગાનમાં પડેલ ટેબલ-ખુરશીઓ પર બેસી કેટલાય મજૂર, માછીમારો દારૂ પી રહ્યા હતા.

ધાબામાં પહોંચ્યા બાદ મોગલોએ તેના માલિકને ડેનિયલ વિશે પૂછતાછ કરી. હટના માલિકે એક ટેબલ તરફ આગંળી ચીંધી બતાવ્યું.

સૌ તે ટેબલ પાસે આવ્યા.

‘ડેનિયલ સાહેબ...તમને મળવા માટે આવ્યા છે.’ કદમ પ્રલય વિનય તરફ ઇશારો કરતાં મોગલો બોલ્યો

‘આવો...બેસો...’ ડેનિયલ બિલ્લી જેવી ભૂરી અને ચમકદાર આંખે સૌ તરફ જોતાં બોલ્યો.

પ્રલય, કદમ, વિનય અને મોગલો તેમની ટેબલની સામે પડેલી ખુરશીઓ પર બેઠો, તે સૌને તાકી રહ્યો.

તેનો ચહેરો લંબોતરો અને કોરી સ્લેટ જેવો હતો. તેની આંખો ઝીણી પણ ગજબની ચમકદાર હતી. તેનું શરીર એકદમ સૂકલકડી જેવું હતું.

તે શરીરે લાંબો હતો. તેના હાથના પંજા પણ માણસના પંજા કરતાં થોડા લાંબા હતા. આંકો નશાને લીધે લાલ થયેલી હતી. કદાચ તે ત્રણ-ચાર પેગ દારૂના પીને બેઠો હતો. અત્યારે પણ તેના એક હાથમાં દારૂનો ગ્લાસ હતો અને બીજા હાથમાં સિગારેટ સળગતી હતી.

‘‘બોલો...આપ માટે શું મંગાવું વાઇને કે પછી...?’ એકદમ શાંત અવાજે તે બોલ્યો.

‘‘નો...થેન્કસ, અમે સૌ હમણાં જ કોપી પીને આવ્યા છીએ...’’ ખિસ્સામાંથી સિગારેટ કાઢી સળગાવતાં કદમ બોલ્યો.

‘‘ઠીક છે...બોલો મને તમે શા માટે મળવા માંગતા હતા...?’’ મોગલોએ અમને જણાવ્યું કે તમે તે ખોપરીના ચિહ્નવાળા ટાપુ વિશે જાણો છો...બલ્કી ત્યાં એક વખત જઇ આવ્યા પણ છો. તેથી અમે તમને મળવા માટે આવ્યા છીએ...’’ સિગારેટનો એક ઊંડો કશ લેતાં કદમ બોલ્યો.

‘‘હા...એક વખત હિંદ મહાસાગરમાં ફરતાં-ફરતાં તે ટાપુ પર જઇ ચડ્યો હતો અને માંડ-માંડ જાન બચાવીને ભાગ્યો હતો. તે ચોક્કસ ક્યાં આવેલો છે તે હુ પણ નથી જાણતો પણ તે ટાપુ શોધી જરૂર શકું,’’ દારૂનો ઘૂંટ ભરતાં તે બોલ્યો.

‘‘મિ. ડેનિયલ...તમે અમને મદદ કરશો...? તમે કહેશો તે કિંમત આપવા અમે તૈયાર છીએ...’’ તેની સામે વેધક નજરે નિહાળતાં પ્રલય બોલ્યો.

‘‘તમને તે મોતના ટાપુ પર જવા માટે આટલો રસ શા માટે છે...?’’

‘‘મિ.ડેનિયલ, અમારો એક સાથી ત્યાં ફસાઇ ગયો છે અને તેને શોધતા અમે અહીં આવ્યા છીએ.’’ વિનય જોશી બોલ્યો.

‘‘તમારો સાથી ત્યાં ફસાઇ ગયો છે...? તેની આંખોમાં એક વિચિત્ર ચમક પેદા થઇ. તે એકાએક ચોંકી ઊઠ્યો પછી નોર્મલ થતાં તે આગળ બોલ્યો, જો તમારો સાથી ત્યાં ફસાઇ ગયો છે તો તેના જીવતા રહેવાની આશા તમે છોડી દ્યો. ત્યાં માનવભક્ષી જંગલીઓનું સામ્રાજય છે. અત્યાર સુધીમાં તમારો તે મિત્ર તેનું ભોજન બની ગયો હશે.’’

‘‘નહિ...અમારો મિત્ર હિંમતવાન છે. એક વખત મોતના મોંમાંથી પાછા ફરી આવે તેવો છે. અમને આશા છે કે જરૂર તે જીવતો હશે...’’ કદમ સિગારેટને મસળતાં બોલ્યો.

‘‘છેલ્લે તમારો સંપર્ક તમારી સાથે ક્યારે થયો...?’’

***