Khoufnak Game - 4 - 3 books and stories free download online pdf in Gujarati

ખોફનાક ગેમ - 4 - 3

ખોફનાક ગેમ

વ્રજલાલ હિરજી જોષી

મોતની ચેમ્બર્સ

ભાગ - 3

‘‘છોકરી...કોણ છે તું અને અહીં શું કરી રહી છો...? ચાલ તારી રિર્વોલ્વર મને આપી દે...’’ બેમાંથી એક શખ્સ હાથ લંબાવી આગળ આવતાં બોલ્યો.

‘‘ધાંય-ધાંય...હેમાની રિર્વોલ્વરે આગ ઓકી. આગના લિસોટા વચ્ચે પસાર થતી ગોળીઓ બંનેના એક-એક પગનું હાડકું તોડતી નીકળી ગઇ.

ચીસો પાડતાં બંને શખ્સ નીચે પગ પકડીને બેસી ગયા.

‘‘એય...તું ઊંચો-નીચો ન થા, નહિતર તારી છાતીમાં પણ બે-ચાર ગોળી ઘુસાડી દઇશ.’’ પગની નીચે દબાયેલો તે પહેલવાન ઊભા થવાની કોશિશ કરતો હતો. તેની સામે સળગતા અંગારા જેવી આંખોએ જોતા ગુસ્સાથી થરથરતી હેમા બોલી. પછી ગોળી ખાઇને નીચે બેઠેલા તે બે શખ્સ સામે રિર્વોલ્વર તાકી હેમાનો હાથ રિર્વોલ્વર ટ્રિગર પર ધીરે ધીરે દબાણ કરવા લાગ્યો.

‘‘નહીં...નહીં...અમને મારશો નહીં...’’ ગભરાયેલા તે બંને શખ્સો આજીજી કરતા હેમા સાથે જોઇને બોલ્યા.

‘તો જલદી બતાવો તમે પકડેલા બે કેદીઓમાંનો એક કેદીને પકડીને હેલિકોપ્ટરમાં બેસાડીને લઇ જવામાં આવ્યો. તે સાથેના બીજો કેદી ક્યાં છે. હું ફક્ત પાંચ જ બોલીશ પછી આ રિર્વોલ્વર બોલશે...તમારી મરજી તમારે જીવવું કે મરવું તે નક્કી કરવા માટે ચાલો...એક...બે...ત્રણ...’’

‘બતાવીએ છીએ...બતાવીએ છીએ...અમને મારશો નહીં...’ મોં ઉપર બાઝેલો પરસેવો લૂછતાં એક બોલ્યો.

‘તો બતાવો જલદી ચલો...ચાર...’

‘ એ કેદીને ગેસની ચેમ્બર્સના મરવા માટે પૂરી દેવામાં આવ્યો છે અને તે ચેમ્બર્સ હવેલીના પાછળના છેલ્લા કમરાની ડાબી તરફના બીજા કમરામાં છે...’ હેબતાયેલા શખ્સ પીડાભર્યા અવાજે ફટાફટ બોલી ગયો.

‘ઓ...કે...’ કહી હેમાએ નીચે પડેલા પહેલવાનની છાતીમાં એક ભીષણ લાત ફટકારી દીધી અને પછી તેણ હવેલીના પાછળના કમરા તરફ દોટ મૂકી.

પ્રલય મોત સામે ઝઝૂમી રહ્યો હતો. તે આખી ચેમ્બરમાં ગેસનો ધુમાડો ભરાઇ ગયો હતો. પ્રલયને લાગતું હતું કે ઓક્સિજનની ખામીને લીધે તેનાં ફેફસાં બે-ચાર ક્ષણો પછી ફાટી જશે. તેને છાતીમાં સખત દુ:ખાવો થતો હતો. તેનું પૂરું શરીર પરસેવાથી રેબઝેબ થઇ ગયું હતું. ‘‘બસ...બે-ચાર ક્ષણો પછી મોત ભરખી જશે...’’ વિચારતાં તેને જીવવા માટે તીવ્ર ઇચ્છા થવા લાગી. તેણે મનને ફરીથી એકદમ મક્કમ કર્યું અને હાથ-પગમાં જોર કરી મોતની છેલ્લી પળોમાં શેષ બનેલી જિંદગી માટે પૂરા શરીરની તાકાતથી જોર અજમાવ્યું.

‘‘કટ...’’ આછા અવાજે સાથે તેના હાથમાં બંધનની દોરી તૂટી ગઇ. પ્રલયના ચહેરા પર હર્ષનું એક સ્મિત રેલાયું જાણે તે મોતને કહેતો હોય કે તું મને પકડે તે પહેલાં હું બાજી જીતી બતાવીશ.

ઉધરસ ખાતો-ખાતો ઝડપથી તે બેઠો થયો અને બૂટની પેંડીમાં છુપાવેલી છૂરીની મદદથી ઝડપથી તેણે પગનાં બંધનો તોડી નાખ્યાં તેના જકડાયેલા હાથ-પગને હલાવતો છલાંગ મારી તે ઊભો થયો.

‘પ્રલય...પ્રલય...’’ ચીસો નાખતી હેમા તે રૂમમાં અંધાધૂંધ ઘૂસી ગઇ, દુશ્મનોનો સામનો કરવા મોત વરસાવતી તેની રિર્વોલ્વર તેના હાથમાં મજબૂતાઇથી પકડેલી હતી.

‘‘પ્રલય...પ્રલય...’’ વ્યાકુળ નજરે ચારે તરફ ફેરવતી તે જોરથી ચિલ્લાઇ અને અચાનક તેની નજર સામેની કાચની બનેલી દીવાલ તરફ ગઇ. કાચની કેબિનેટની અંદર આછા ધુમ્મસ ભર્યા વાતાવરણમાં પ્રલયની ધૂંધળી આકૃતિ દેખાઇ.

‘‘ પ્રલય...પ્રલય...’’ તેણે દોટ મૂકી અને તે કાચજડિત ચેમ્બર્સ પાસે પહોંચી ગઇ અને લોકરના લોખંડના દરવાજા જેવા તેના દરવાજાને ખોલવા માટે તે મથી પડી. તે કાચજડિત દીવાલની પાછળ ધુમ્મસભર્યા વાતાવરણમાં વચ્ચે તેણે પ્રલયને ઊભો થતાં અને દીવાલને ફંફોસતા તેણે જોયો.

હેન્ડલને હચમચાવ્યા પછી પણ તે લોક ખૂલે તેવું લાગતું ન હતું. તરત હેમાએ તે દરવાજાની ઉપર નજર ફેરવી. દરવાજાની ઉપરની તરફ એક લાલ ઇન્ડીકેટરની લાઇટ ઝબૂકી રહી હતી. તેની નીચે એક નાની સ્વીચ દેખાતાં તરત તેણે તે સ્વીચ દવાબી. સ્વીચ દબાતાં તરત ઇન્ડીકેટરની લાલ લાઇટ બંધ થઇ ગઇ. પછી તેણે તરત દરવાજાનું હેન્ડલ ફેરવ્યું.

દરવાજો તો ન ખૂલ્યો પણ અંદર રૂમમા આવતા નાઇટ્રિક ઓકસાઇડ ગેસનું કનેકશન બંધ થઇ જતા તે ગેસ ભરાતો બંધ થઇ ગયો.

વ્યાકુળ નજરે હેમાએ ચારે તરફ જોયું પણ હજી કોઇ સ્વીચ તેની નજરે ચડી નહીં, સમય તેના હાથમાંથી સરી જતો હતો. હેમાએ રિર્વોલ્વરને ઊંચી કરી અને પ્રલયના પડછાયા તરફ નજર ફેરવી. ગોળી પ્રલયને લાગે નહીં તેવી રીતે નિશાન લઇને તે કાચની દીવાલ પર ધડાધડ ગોળીબાર કર્યો.

‘ધાંય...ધાંય...ધાંય...’ ભીષણ અવાજે સાથે ગોળીઓ છૂટી અને પછી ‘‘ખનન...ધડામ...’’ અવાજ સાથે તે કાચની દીવાલ તૂટી પડી.

કાચની કેટલીય કરચ હેમાના તથા પ્રલયના શરીર પર ઊડી...કાચ નીચે ટુકડાના રૂપમાં વેરાઇ ગયા.

‘પ્રલય...ભઇલા પ્રલય...’ તે ચિલ્લાતી કાચની ઉપર દોડતી તે કેબિનમાં ઘૂસી ગઇ.

કાચની દિવાલ તૂટી પડતાં નાઇટ્રિક ઓક્સાઇડ ગેસ તે ચેમ્બર્સમાંથી બહાર નીકળવા લાગ્યો અને બહારનું ઓક્સિજન પ્રલયના ફેફસાં સુધી પહોંચ્યો. ઓક્સિજન વગર ફાટવાની તૈયારીમાં રહેલાં ફેફસાંને જીવતદાન મળ્યું. પ્રલય હજી ઊભો-ઊભો ખાંસતોહતો અને લાંબા શ્વાસ લઇ ફેફસાંમાં ઓક્સિજન ભરવા માટે પ્રયત્ન કરતો હતો.

‘ભઇલા...’ અંદર ઘૂસેલી હેમાએ પ્રલયને હાથ પકડીને ઝડપથી પ્રલયને તે ચેમ્બર્સમાંથી બહાર ખેંચી લીધો.

ફરીથી મોતને હાથતાળી આપીને પ્રલય છટકી ગયો હતો.

ધમણની જેમ ચાલતા શ્વાસને કાબૂમાં લેતાં પ્રલય આશ્ચર્યભરી નજરે હેમાને જોઇ રહ્યો.

‘‘ભઇલા...’’

‘‘અરે...તાનીયા તું અહીં ?’’

‘‘હા...ભઇલા તારી બેન જીવતી હોય ત્યાં સુધી કોઇની હિંમત છે કે મારા ભાઇને મારી શકે...?’’ ખિસ્સામાંથી રૂમાલ કાઢી પ્રલયનો ચહેરો લૂછતાં તાનીયા બોલી.

‘‘પણ તાનીયા હું અહીં કેદ છું. તેની તને ક્યાંથી ખબર પડી...?’’

‘‘ભઇલા...એ બધું પછી બતાવીશ. હવે ચાલ દોડવા માંડ હજી આપણે મોતના પંજામાંથી છટક્યા નથી. હવે ટાઇમ બોમ્બ ફૂટવાને લગભગ બે જ મિનિટની વાર છે. બે મિનિટ પછી આ હવેલીના ભૂક્કા બોલી જવાના છે. ચાલ જલ્દી.’’ ઘડિયાળ પર નજર નાખતાં તે બોલી,પછી પ્રલયનો હાથ પકડી ભાગવા લાગી.

‘‘ટપ...ટપ...ટપ...ટપ...’’ હવેલીની લોબીમાં તાનીયા પ્રલયનો હાથ પકડીને દોડી રહી હતી. તેના અને પ્રલયના ચહેરા પર કાચના નાના કણો ખૂંચી ગયા હતા અને તેમાંથી લોહી નીકળી રહ્યું હતું. બંનેના બાલ વિખરાયેલા હતા અને શરીર પૂરું પરસેવાથી નીતરતુ હતું. તાનીયાના બીજા હાથમાં રિર્વોલ્વર પકડેલી હતી. જે ગમે તે સમયે આગ ઓકવા તૈયાર હતી. લોબીમાં તે પહેલવાન અને બે શખ્સો જેને તાનીયાએ ગોળી મારી ઘાયલ કરેલ હતા, તે અર્દશ્ય થઇ ગયા હતા. જતાં-જતાં તેઓ હવેલી મુખ્ય દ્વાર બહારથી બંધ કરતાં ગયા હતાં. દ્વાર પાસે પહોંચેલી તાનીયા દરવાજાને પકડીને ખેંચલા લાગી. ‘દ્વાર બહારથી બંધ છે.’ વ્યાકુળ નજરે તેણે પ્રલય સામે જોયું.

પ્રલય દરવાજાથી લગભગ 25 ડગલાં પાછળ ખસી ગયો. અત્યારે તેની આંખો ગુસ્સાથી લાલચોળ દેખાતી હતી. તેનો ચહેરો ગુસ્સાથી વિકરાળ થયેલા જંગલના રાજા સિંહ જેવો લાગતો હતો.

પ્રલયે પોતાનું માથું આમતેમ ફેરવ્યું. તેના મોંમાંથી ઘુરઘુરાટીનો અવાજ આવ્યો. ત્યારબાદ તેણે દરવાજા તરફ જોરથી દોટ મૂકી, ‘‘હે એ એ એ...’’ ‘‘ધડામ...’’ ભયાનક વેગ સાથે ચીસ નાખતાં પ્રલયે શરીરની પૂરી તાકાત સાથે પોતાના ખભાથી પીઠવાળા ભાગને જોરથી દરવાજા સાથે અથડાવ્યો.

‘‘ધડામ...’’ કરતો દરવાજો ખૂલી પડ્યો અને પ્રલય વેગ સાથે બહારની તરફ પછડાયો. નીચે પડતાંની સાથે જ તે ઝડપથી ઊભો થયો, ‘ચાલ તાનીયા...’’ તાનીયાનો હાથ પકડીને પ્રલયે હવેલીના પાછળના ભાગ તરફ પૂરપાટ વેગે દોટ મૂકી.

‘‘ધાંપ...ધાંપ...’’ અચાનક ગોલીબારનો અવાજ શરૂ થયો. હવેલી તરફથી ગોળીબાર થતો હતો અને હવેલીના બહારથી તેના જવાબમાં ગોળીબાર થઇ રહ્યો હતો.

‘‘પ્રલય...પોલીસ આવી ચૂકી છે અને આપણે પોલીસની મગજ મારીમાં પડ્યા વગર અહીંથી રફુચક્કર થઇ જવાનું છે.’’

‘‘તાનીયા...આપણે આ દીવાલ ટપી જઇને ભાગી જઇએ, બહાર થોડે દૂર મારી મોટર સાયકલ પડી છે...’ હવેલીના પાછળના ભાગમાં ફરતા આવેલી દીવાલ પાસે પહોંચતાં પ્રલય બોલ્યો.

ત્યારબાદ પ્રલય એક વૃક્ષની મોટી ડાળને જમ્પ મારીને બંને હાથ પકડી લીધા અને શરીરને ઝાટકો મારી ઉપર ઉઠાવીને દીવાલ પર ચડી ગયો અને પછી એક હાથે વૃક્ષની ડાળ પકડીને દીવાલ પર બેઠાં-બેઠાં તે નીચે નમ્યો અને પછી તાનીયાના ઊંચા થયેલ હાથને પોતાના હાથમાં મજબૂતાઇથી પકડીને તાનીયાને દીવાલની ઉપર ખેંચી લીધીં.

બંને દીવાલ પર ઊભા થયા પછી એકબીજાના હાથને પકડી દીવાલ પરથી બહારની તરફ જમ્પ લગાવી કૂદી પડ્યા.

‘‘ધડુમ...’’ એક ભયાનક ધમાકો થયો. ધરતી ધ્રુજી ઊઠી. હવેલીના પાછળના ભાગનો કેટલોય ભાગ ઉપર ઊંચકાયો અને પછી મલબાના રૂપમાં ફેલાઇને ચારે તરફ વેરાઇ ગયો. સાથે સાથે આગની જવાળા પણ લબકારા લેવા લાગી. ત્યારબાદ શ્રેણી-બંધ ધડાકાઓ થવા લાગ્યા. હવેલી પૂરી આગની જવાળાઓમાં લપેટાઇ ગઇ.

પ્રલય અને તાનીયા પૂરપાટ વેગે દોડતાં હતા. રાત અંધારી હતી. પણ હવેલીમાં લાગેલી આગનો પીળો લાલ પ્રકાશ દૂર દૂર સુધી ફેલાતો હતો અને તેના પ્રકાશમાં પ્રલય અને તાનીયા હવેલીથી થોડે દૂર જંગલમાં આવેલી ટેકરીઓ તરફ દોડી રહ્યા હતાં.

‘હેમા...હેમા...’ અચાનક સામેથી ચિલ્લાતો દોડતો કિશન આવી રહ્યો હતો.

‘હેમા...તું ઠીક તો છે ને...?’ નજદીક આવતાં કિશન બોલ્યો.

‘હા...કિશન હુ બરાબર છું. ચાલ...’

‘પણ...પણ હેમા મારી હવેલી...? મારે જવું પડશે. મારી હવેલીમાંથી ધમાકાના અવાજો આવી રહ્યા છે. અને ભયાનક આગ પણ લાગી હોય તેવું લાગી રહ્યું છે. બસ તું સુરક્ષિત બહાર આવી જા તેની જ હું વાટ જોતો હતો. હેમા.’

‘નહીં કિશન, તારી હવેલી તે બદમાશોએ બોમ્બ વિસ્ફોટકથી ઉડાવી દીધી છે. હવે ત્યાં કાંઇ જ નથી બચ્યું, પ્લીઝ કિશન મનને મકક્મ કર’, હાથ છોડાવીને હવેલી તરફ ભાગવાની કોશિશ કરતા કિશનના બંને ખભા પકડી હચમચાવી નાખતા વેદનાભર્યા સ્વરે તાનીયા બોલી.

‘હેમા...મારા પૂર્વજોની તે હવેલી હતી...સૂવરોએ અમારી ખાનદાનની શાન જેવી તે હવેલી નષ્ટ કરી નાખી છે...હું...હું તેમને નહીં છોડું...હેમા નહીં છોડું...’ હાથની મુઠ્ઠીઓ હવામાં ઉછાળતા ક્રોધભર્યા સ્વરે કિશન બોલ્યો.

‘કિશન...પોલીસ તેની સામે સમજી લેશે અને આ સાજીસનો મુખ્યાધાર તો ક્યારનોય નેપાળની ધરતી પરથી ઊડી ગયા છે. દોસ્ત તને ઘણું નુકસાન થયું છે પણ ચિંતા ન કરીશ. હું પ્રયત્ન કરીશ કે નેપાળની ગવર્નમેન્ટ તને વળતર આપે...’ ખભા પર હાથ મૂકી આશ્વાસન આપતાં પ્રલય બોલ્યો.

‘અરે...! હેમા આ કોણ છે ?’ પહેલી જ વખત પ્રલય તરફ ધ્યાન ગયું હોય તેમ ચોંકતા કિશન બોલ્યો.

‘કિશન...આ મારા મોટા ભાઇ છે.’ તાનીયા પ્રેમભરી નજરે પ્રલય સામે જોતાં બોલી.

‘ચાલો હવે જલદી ભાગી છૂટવાનું છે. એવું ન થાય કે વાતોમાં આપણે દુશ્મનોના હાથમાં સપડાઇ જઇએ.’ કિશન બોલ્યો.

રાત્રીનો ભયાનક અંધકાર ફેલાયેલો હતો. ઊગેલાં ગીચ વૃક્ષોમાંથી પસાર થતો પવન સુઉઉઉ...નો ભય પેદા કરતો અવાજ ફેલાવી રહ્યો હતો. આકાશ ઘેરાયેલું હતું. કાળા વાદળોએ ચંદ્રને પોતાની આગોશમાં છુપાવી દીધો હતો. દૂર દૂર હવેલીમાંથી નીકળતા આગના લબકારાનો લાલ પ્રકાશ ચારે તરફ છવાયેલો હતો. ‘‘ધડામ...’’ કરતાં એક છેલ્લો ભયાનક વિસ્ફોટનો ધડાકો થયો અને હવેલી પૂરી મલબામાં તબદીલ થઇ ગઇ. ફાયરિંગનો અવાજ ધીરે ધીરે શાંત પડતો જતો હતો. કદાચ હવેલીમાં રહેલ દુશ્મનનો પોલીસના ગોળીબાર અને વિસ્ફોટમાં માર્યા ગયા હશે. ધીરે ધીરે બધું શાંત થતું જ હતું. પ્રલય રફતારથી મોટર સાયકલ દોડાવી રહ્યો હતો. તેની સાથે તાનીયા અને કિશન પણ મોટર સાયકલ દોડાવી રહ્યો હતો. તેની સાથે તાનીયા અને કિશન પણ મોટર સાયકલ પર બેઠાં હતાં.

પ્રલયના મનમાં વિચારોનું તુમુલ યુદ્ધ મચી ગયું હતું. તે પોતે તો મોતના મોંમાંથી પાછો ફર્યો હતો પણ આદિત્ય દુશ્મનોનાં પંજામાં સપડાઇ ગયો હતો. ઇશ્વર જાણે દુશ્મનો તેને ક્યાં લઇ ગયા હશે. ભારત પાછા ફરી તે સર સોમદત્તજીને શું જવાબ આપશે.

‘સૂવરની ઓલાદો...દુનિયાના કોઇપણ ખૂણામાં છુપાઇ જાવ હું તમને શોધી લઇશ અને આદિત્યને તમારા પંજામાંથી છોડાવી જઇશ...દાંત કચકચાવતાં પ્રલય ગુસ્સા સાથે મનમાં બબડ્યો. તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો.

ધીરે ધીરે વરસાદ શરૂ થયો. શરીર પર ઠંડા વરસાદના ફોરાં પડતાં પ્રલયનું ગુસ્સાથી સળગતું દિમાગ ધીરે ધીરે શાંત થવા લાગ્યું. અત્યારે ત્રણે જણ પલળતા-પલળતા હોટલ સનરાઇઝ તરફ જઇ રહ્યાં હતા. પહાડીઓ વચ્ચે મોટર સાયકલના એન્જિનનો અવાજ સન્નાટામાં ગુંજી રહ્યો હતો.ઊંચા-નીચા ગોળ વળાંકોવાળી સડક પર મોટર સાયકલ રફતાર સાથે ભાગી રહી હતી. ધીરે ધીરે વરસાદ જોર પકડતો જતો હતો.

બીજા દિવસની સવારે પ્રલય અને તાનીયાને વિદાય આપવા માટે કિશન ત્રિભુવન ‘ઇન્ટરનેશનલ એરપોર્ટ’ પર આવ્યો હતો. પોતાની પ્રિય હેમા તે ભારતની ‘જાસૂસી સંસ્થા રો’ની એજન્ટ છે. તેની ખબર પડતાં કિશનને ઘણું દુ:ખ થયું તાનીયાએ તેને માંડ માંડ સમજાવ્યો. ‘હેમા...હું ફરીથી એકલો પડી ગયો...’ કહેતાં તે ઉદાસ થઇ ગયો હતો.

પ્રલય પણ ઉદાસ હતો. ગઇકાલ રાત્રીની ધમાલ પછી હોટલ સનરાઇઝ પહોંચ્યા. ત્યારે રાત્રીના લગભગ બે વાગ્યાનો સમય થયો હતો. પોતાના કમરામાં પહોંચી તરત તેમણે ‘મેજર સોમદત્ત’ ને મોબાઇલ કર્યો હતો. સામેથી ઊંઘભર્યો મેજર સોમદત્તનો અવાજ આવ્યો અને પછી પ્રલયે પૂરી વાત વિગત તેઓને કહી સંભળાવી અને પોતે નેપાળથી જ આદિત્યને શોધવા આફ્રિકા તરફ જઇ રહ્યા છે તેમ કહ્યું પણ સોમદત્તે તેને કાલ સવારના દિલ્હી આવી જવા કહ્યું. ઉતાવળ ન કરીશ. પ્રલય આપણે ચોક્કસ આદિત્યને શોધી લઇશું પણ પહેલાં તું દિલ્હી આવી જા.

પ્લીઝ, યાત્રીઓ જરા ધ્યાને દે...કિંગફિશરનું પ્લેન 3816 ભારત તરફ જવા માટે તૈયાર છે.

‘પ્રલય...ચાલો આપણું પ્લેન તૈયાર છે...’ તાનીયાએ પ્રલયને કહ્યું અને પ્રલય વિચારોમાંથી બહાર આવ્યો. ‘હા, ચાલો...’ તે બોલ્યો.

‘કિશન...મેં તને દુ:ખ પહોંચાડ્યું છે. પ્લીઝ મને માફ કરી દેજે...આપણે મિત્ર બની રહીશું. તને મળવા હું ચોક્કસ નેપાળ આવીશ...’ ભીની આંખોએ તાનીયા બોલી.

‘તાનીયા...તારી સાથે વિતાવેલી હર એક ક્ષણને યાદ કરી હું મારા જીવનની ગાડીને દોડાવતો રહીશ...તું મારી મિત્ર છો, એટલું મારા માટે ઘણું છે...બાય તાનીયા...રડતી આંખે હસતાં-હસતાં હાથ હલાવી વિદાય આપતાં કિશન બોલ્યો અને પ્રલય તથા તાનીયા પ્લેન તરફ ચાલવા લાગ્યા.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED