Devil Return-1.0 - 17 books and stories free download online pdf in Gujarati

ડેવિલ રિટર્ન-1.0 - 17

ડેવિલ રિટર્ન-1.0

(17)

શેખ અર્જુનને રાધાનગરમાં થનારી હત્યાઓ પાછળ જવાબદાર રક્તપિશાચ લોકોનો યુવી કિરણો થકી નાશ થશે એમ જણાવે છે..શેખની જોડેથી મળેલી જાણકારી નો ઉપયોગ કરી અર્જુન રક્તપિશાચ લોકોને પકડવાની યોજના બનાવે છે..ટ્રીસા એકલી જ રાધાનગર આવી પહોંચે છે જ્યાં એનું અર્જુનની યોજના નાં સપડાઈને મૃત્યુ થાય છે..ટ્રીસા નાં મોટો ભાઈ ક્રિસ પોતાની બહેન ટ્રીસા અત્યારે ફોરેન્સિક લેબમાં હોવાનું જાણી લીધાં બાદ પોતાનાં બાકીનાં ભાઈ-બહેનો સાથે ત્યાં જવાં નું નક્કી કરે છે.

"ચલો બધાં મારી સાથે.."આટલું બોલી ક્રિસ હોલમાંથી નીકળી જહાજ નાં તુતક પર આવીને ઉભો રહ્યો..ક્રિસની પાછળ એનાં બાકીનાં ત્રણ ભાઈઓ બ્રાન્ડન, જ્હોન તથા ડેવિડ અને બે બહેનો ઈવ અને ડેઈઝી પણ તુતક પર આવીને ઉભી રહી.

"મારે કોઈપણ ભોગે સવાર પડ્યાં પહેલાં ટ્રીસા આ જહાજ ઉપર જોઈએ..એ માટે જે કંઈપણ કરવું પડે એ કરવાની છૂટ છે.."પોતાનાં ભાઈ-બહેનો ને ઉદ્દેશીને ક્રિસે કહ્યું અને પછી દરિયાનાં પાણી ઉપર કૂદકો લગાવી દીધો.

ક્રિસ ની પાછળ-પાછળ એનાં બાકીનાં ભાઈ બહેનો પણ દરિયામાં કૂદી પડ્યાં.. દરિયા નું પાણી કોઈ સપાટ જમીન હોય એમ આસાનીથી ચાલતાં-ચાલતાં એ લોકો દરિયાકિનારા તરફ ચાલી નીકળ્યાં.

"બધાં મારી જોડે આવશે..રસ્તામાં ગમે તેવો સરળ શિકાર નજરે ચડે તો પણ એની ઉપર જરા અમથું પણ ધ્યાન આપ્યાં વગર દરેક મને અનુસરશે..એમાં ડેવિડ તને ખાસ કહું છું.."દરિયાકિનારે પહોંચતાં જ ક્રિસ પહેલાં પોતાનાં બાકીનાં ભાઈ-બહેન અને છેલ્લે ડેવિડ તરફ જોઈને બોલ્યો.

વારંવાર નાક ને પોતાનાં ઉલ્ટા હાથનો સ્પર્શ કરાવતો ડેવિડ સંકી લાગતો હતો..આ સિવાય ડોકું આમ-તેમ હલાવવાની પણ એની આદત હતી..ક્રિસ ની વાત સાંભળી એને ફક્ત હકારમાં ગરદન ધુણાવી.

આ સાથે જ ક્રિસ ની પાછળ-પાછળ બધાં જ રક્તપિશાચ ભાઈ-બહેનનું ટોળું રાધાનગરની હદમાં પ્રવેશ્યું..ક્રિસ નું મગજ એને ટ્રીસા ક્યાં હતી એનાં સાંકેતિક સંદેશ આપી રહ્યું હતું..જેની મદદથી ક્રિસ ફોરેન્સિક લેબોરેટરી તરફ આગળ વધી રહ્યો હતો..એ લોકો ની આગળ વધવાની ગતિ ખૂબ જ વધુ હતી..ડેવિડ અને ડેઈઝી તો રસ્તામાં આવતાં વૃક્ષ અને મકાનોની સીધી દીવાલ પર કૂદતાં કૂદતાં આગળ વધી રહયાં હતાં.

રાત્રીનો ગાઢ અંધકાર અને તીવ્ર ઠંડકનાં લીધે સમગ્ર રાધાનગર જાણે શાંતિની ચાદર ઓઢીને સુતું મહેસુસ થઈ રહ્યું હતું..સરદાર પટેલ ગાર્ડન નજીકથી પસાર થતી વખતે દૂરથી ઈવ ની નજર ત્યાં સુતેલા સરતાજ પર પડી..એકવાર ઈવ ને ઈચ્છા તો થઈ કે એ જઈને સરતાજ રૂપી આસાન શિકારનું લોહી પીવે પણ ક્રિસની સાફ સલાહ હતી કે હાલપુરતું એ લોકોનું એક જ કામ હતું કે કોઈપણ ભોગે ટ્રીસા ને જહાજ પર લઈ જવી.

ટ્રીસા ને સવાર પડતાં પહેલાં જહાજ પર લઈ જવાનું ક્રિસે કેમ કહ્યું એ પાછળ નું એક કારણ હતું..આ લોહી પીનારાં ભાઈ-બહેનો જોડે અમુક એવી શક્તિઓ હતી જે સામાન્ય મનુષ્યની સમજ બહારની વાત હતી..જેમાં એક હતી પુનઃ સજીવન થવાની શક્તિ.. એ મુજબ જો કોઈ રક્ત પિશાચ ને મૃત્યુ પછી વિધિવત દફનાવવામાં ના આવે તો એનાં મુખમાં બાકીનાં જીવિત રક્તપિશાચ નાં લોહીની અમુક બુંદો નાંખતાં ની સાથે જ એ મૃત રક્તપિશાચ જીવિત થઈ શકે છે..પણ આ બધી વિધિ પોતાનાં જહાજ પર કરવી ક્રિસને યોગ્ય લાગી એટલે જ એને ટ્રીસાનો મૃતદેહ સત્વરે સવાર પડ્યાં પહેલાં જહાજ પર લઈ જવાનું કહ્યું હતું.

રાધાનગરમાં પ્રવેશ કર્યાની પંદરમી મિનિટે તો ક્રિસ પોતાની અલૌકિક શક્તિથી લેબ કઈ તરફ હતી એ જાણીને પોતાનાં બાકીનાં ભાઈ-બહેનો સાથે લેબ સુધી પહોંચ્યો ત્યારે સવા ચાર વાગી ચુક્યાં હોય છે..આમ તો રાધાનગરમાં જે વાતાવરણ થોડાં દિવસથી કાયમ હતું એ મુજબ તો છેક આઠ-સાડા આઠ વાગે જ સૂર્ય નો પ્રકાશ દ્રશ્યમાન થતો..પણ ક્રિસ માટે સાચેમાં સવાર તો સૂર્યની પહેલી કિરણ જે હકીકતમાં જમીન ને સ્પર્શે એ સાથે જ થઈ જતી..બાકી આ સૂરજનું નિયત સમય કરતાં મોડાં ઉદય થવું અને વહેલાં આથમી જવાનું કારણ ક્રિસ ને ખબર હતી.

"ભાઈ..ત્યાં અંદરથી પ્રકાશ આવે છે..મતલબ ત્યાં કોઈ હશે.."જ્હોને લેબની અંદરથી આવતાં પ્રકાશને જોતાં વેંત જ કહ્યું.

"ત્યાં દરવાજે પણ કોઈ ઉભું હોય એવું લાગે છે.."ડેઈઝી એ લેબની બહાર ડ્યુટી નિભાવતાં સિક્યુરિટી ગાર્ડને જોઈને કહ્યું.

"ડેવિડ..તું ત્યાં દરવાજે ઉભેલાં વ્યક્તિનું કામ નિપટાવ..અને ઈવ તું બહાર ઉભી રહી રસ્તા ઉપર નજર રાખ.. હું બ્રાન્ડન, ડેઈઝી અને જ્હોન સાથે અંદર જઈને ટ્રીસા ને અમારી સાથે લેતાં આવીએ.."આટલું બોલી ક્રિસ ઉતાવળાં પગલે લેબની તરફ આગળ વધ્યો.

"કોણ છે તું..અને કોને મળવા આવ્યો છે..? "લેબની તરફ આગળ વધતાં ક્રિસને જોઈ સિક્યુરિટી ગાર્ડે એને થોડે દૂરથી જ કડકાઈથી સવાલ કરતાં કહ્યું.

"હું કોણ છું એનો જવાબ તને તારી પાછળ ઉભેલો મારો ભાઈ ડેવિડ આપશે.."ચહેરા પર સપાટ ભાવ સાથે ક્રિસે એ સિક્યુરિટી ગાર્ડ ને જવાબ આપ્યો.

ક્રિસ ની વાત સાંભળી સિક્યુરિટી ગાર્ડે જેવી પોતાની ગરદન પાછળની તરફ ઘુમાવી એ સાથે જ ક્રૂર સ્મિત સાથે એની તરફ જોઈ રહેલાં ડેવિડ ને એને જોયો..એ સિક્યુરિટી ગાર્ડ કોઈ પ્રતિક્રિયા આપે એ પહેલાં તો ડેવિડે એની ગરદન પકડી અને ઊંચકીને એને લેબની પાછળની તરફ લઈ ગયો..જ્યાં એ સિક્યુરિટી ગાર્ડ નો અંજામ શું થવાનો હતો એ નક્કી હતું.

ડેવિડે પોતાનાં કામ ને અંજામ આપ્યાં બાદ ક્રિસે દૂર ઉભેલાં પોતાનાં બાકીનાં ભાઈ બહેનોને ત્યાં આવવાનો ઈશારો કર્યો..ઈવ ને ત્યાં ઉભું રહેવાનું કહી ક્રિસ પોતાની સાથે બ્રાન્ડન, જ્હોન અને ડેઈઝી ને લઈને લેબનાં મુખ્ય દરવાજા તરફ આગળ વધ્યો.

ક્રિસ બધું કામ શાંતિથી કરવાં માંગતો હતો એટલે એને ત્યાં પહોંચી લેબનો દરવાજો ધીરેથી ખખડાવ્યો..આમ થતાં જ લેબમાં મોજુદ દિપક અને ત્રણ લેબ આસિસ્ટન્ટ પૈકી સુભાષ નામનો એક લેબ આસિસ્ટન્ટ લેબનો દરવાજો ખોલવા આગળ વધ્યો..દરવાજો ખોલતાંની સાથે ક્રિસ અને બાકીનાં રક્તપિશાચ લોકોને ત્યાં જોતાં જ સુભાષ સમજી ગયો કે આ નક્કી એ જ લોકો હતાં જેમનાં લીધે શહેરમાં આ બધી ઘટનાઓ બની રહી હતી.

સુભાષ દરવાજો બંધ કરીને લેબમાં મોજુદ પોતાનાં સાથીદારોને ચેતવે એ પહેલાં તો ક્રિસે સુભાષ ની ગરદન પકડી એને હવામાં ઉછાળી લેબની મધ્યમાં પછાળ્યો..સુભાષ નાં લેબની ફર્શ ઉપર પછળાવવાનો અને કરાહવાનો અવાજ સાંભળી દિપક અને બાકીનાં લેબ આસિસ્ટન્ટ નું ધ્યાન એ તરફ ગયું..એમાંથી એક લેબ આસિસ્ટન્ટ દોડીને સુભાષની તરફ ગયો અને એને ઉભો કરવાની કોશિશ કરવાં લાગ્યો..એ સુભાષને ઉભો કરે ત્યાં સુધી તો ક્રિસ પોતાની ફૌજ લઈને લેબમાં પ્રવેશી ચુક્યો હતો.

"કોણ છો તમે...? ..હું કહું છું અહીંથી ચાલ્યાં જાઓ..સિક્યુરિટી.. સિક્યુરિટી.."દિપક જોરજોરથી સિક્યુરિટી ને અવાજ આપતાં બોલ્યો.

"કોઈ નહીં આવે તમારી મદદે..તમારો એસીપી અર્જુન પણ નહીં.."દિપક ની તરફ જોઈ ક્રિસ આટલું બોલી અટ્ટહાસ્ય કરવાં લાગ્યો.

ક્રિસ નું ભયંકર અટ્ટહાસ્ય જોઈ દિપક, સુભાષ અને બાકીનાં બંને લેબ આસિસ્ટન્ટ સમજી ચુક્યાં હતાં કે એમની સાથે નજીકમાં શું થનારું હતું..આ વિચાર આવતાં જ એમનાં શરીરમાં ભયનું લખલખું દોડી ગયું.

"જ્હોન..તું ટ્રીસા ને જો..હું, બ્રાન્ડન અને ડેઈઝી આ લોકોનું કામ તમામ કરીએ છીએ.."લેબની મધ્યમાં રાખેલી ટ્રીસા ની લાશ તરફ આંગળી કરી જ્હોન ને ઉદ્દેશીને ક્રિસ બોલ્યો અને પછી દિપક અને બાકીનાં લેબ આસિસ્ટન્ટ તરફ અગ્રેસર થયો.

****

સવા પાંચ વાગે તો ટ્રીસાનાં મૃતદેહને લઈને એ ક્રિસ અને બાકીનાં રક્તપિશાચ લોકો જહાજ પર આવી ચુક્યાં હતાં..હોલની મધ્યમાં ટેબલ પર રાખેલાં ટ્રીસાનાં સળગી ગયેલાં શરીર જોઈને જ્હોનની આંખોમાંથી સતત અશ્રુધારા વહી રહી હતી..લોહીની તરસ છુપાવવા માસુમ લોકોની હત્યા કરનારાં આ રક્તપિશાચો ને પોતાનું કોઈ અંગત ગુમાવવાનું દુઃખ આજે થોડું ઘણું સમજાઈ રહ્યું હતું.

"ટ્રીસા..મારી બેન..મને માફ કરી દે..આજ પછી હવે હું તને ક્યારેય નહીં ચીડવું.."ડેઈઝી ઈવ નાં ખભે માથું રાખીને બોલી.

"અરે તમે લોકો રડશો નહીં.. ટ્રીસા ને કંઈપણ નહીં થાય.."આટલું બોલી ક્રિસે એક પંચધાતુ નો બનેલો ગ્લાસ હાથમાં લીધો.

બાકીનાં બધાં ક્રિસની તરફ જોઈ રહ્યાં હતાં કે આખરે એ કરી શું રહ્યો હતો..ક્રિસ અમુક એવી બાબતો વિશે જાણતો જેની બાકીનાં ભાઈ-બહેનો ને ખબર નહોતી..આ પાછળ નું પણ એક રહસ્ય હતું..ક્રિસે છરી વડે પોતાનાં હાથ પર ચિરો કર્યો અને એમાંથી અમુક રક્ત એ પંચધાતુ નાં ગ્લાસમાં રેડયું.

"મેં કર્યું એવું તમે બધાં કરશો.."છરી ઈવ ની તરફ આગળ વધારતાં ક્રિસ બોલ્યો.

ક્રિસની વાત માની પહેલાં ઈવે..પછી ડેવિડ, ડેઈઝી, જ્હોન, બ્રાન્ડને પણ પોતપોતાનાં હાથમાં છરી વડે ઘા બનાવી એમાંથી રક્તની બુંદો એ પંચધાતુ નાં ગ્લાસમાં રેડી..આમ કરતાં એ ગ્લાસ રક્તથી ભરાઈ ગયો..એ ગ્લાસ લઈને ક્રિસ ટ્રીસા ની નજીક ગયો અને એ લોકોની કોઈ ખાસ ભાષામાં મંત્રોચ્ચાર કરી એ રક્ત ભરેલો ગ્લાસ ટ્રીસા નું મોં ખોલી એમાં રેડી દીધો.

ક્રિસે આવું કેમ કર્યું એની બાકીનાં ભાઈ-બહેનોને ત્યાં સુધી ખબર ના પડી જ્યાં સુધી ટ્રીસા નાં શરીરમાં અચાનક ફેરફાર થવાં લાગ્યો..એનું સળગેલું શરીર પુનઃ હતું એવું ને એવું થઈ ગયું..બીજી જ ક્ષણે જાણે ઉંઘમાંથી બેઠી થતી હોય એમ ટ્રીસા આળસ મરડીને ઉભી થઈ.

પોતે ત્યાં કઈ રીતે આવી એ વિશે પહેલાં તો ટ્રીસા ને ના સમજાયું પણ ક્રિસ તથા પોતાનાં બાકીનાં ભાઈ-બહેનો ને જોઈ એ એટલું તો સમજી ગઈ કે પોતે પુનઃ જીવિત થઈ એ પાછળનું કારણ એનાં ભાઈ-બહેન જ છે.

"ભાઈ..મને માફ કરી દો..હું ગુસ્સામાં તમને કોઈને કંઈપણ કહ્યાં વિના શિકાર પર ચાલી ગઈ હતી.."ટેબલ પરથી ઉતરી ક્રિસને ભેટીને ટ્રીસા રડતાં-રડતાં બોલી.

"હવે રડીશ નહીં.. પણ આગળથી ધ્યાન રાખજે.. આ વખત તો તું બચી ગઈ પણ હવે શાયદ હું કે બીજું કોઈ તને બચાવી ના પણ શકીએ.."ટ્રીસા નાં માથે વ્હાલથી હાથ ફેરવી ક્રિસ બોલ્યો.

"ટ્રીસા..મને માફ કરી દે..હવે હું તને ક્યારેય હેરાન નહીં કરું.."ડેઈઝી ટ્રીસા ની માફી માંગતા બોલી.

"પણ ટ્રીસા તારી આ હાલત કોને અને કઈ રીતે કરી..? જ્હોને સવાલ કર્યો.

"મારી આવી હાલત કરનાર વ્યક્તિ હતો અર્જુન..એને જ કોઈક ચમત્કારિક અને શક્તિશાળી રોશનીનો ઉપયોગ કરી મારી આ હાલત કરી.."આટલું કહી ટ્રીસા એ ત્યાં મસ્જિદ જોડે જે કંઈપણ બન્યું એ સવિસ્તર જણાવી દીધું.

"અર્જુન ને તો હું જોઈ લઈશ..મારી નાનકી ની આ હાલત કરનાર એ અર્જુનને હું એનાં કર્યા ની સજા ના આપું તો મારું નામ ઈવ નહીં.."ક્રોધાવેશ ઈવ બોલી..આ દરમિયાન ડેવિડ ચૂપચાપ બધું સાંભળી રહ્યો હતો..એનાં ચહેરા પરનાં ભાવ એવાં ને એવાં જ હતાં.

"ચલો.. ક્યાં સુધી આમ રોવાનું ચાલુ રહેશે..ટ્રીસા પાછી આવી ગઈ એની ખુશીમાં તો ડાન્સ કરવો જોઈએ..સંગીત વગાડવું જોઈએ.."વાતાવરણમાં આવેલી ગંભીરતા ને જોઈ બધાનો મૂડ સરખો કરવાનાં ઉદ્દેશથી જ્હોન આમ બોલી હોલમાં મૂકેલાં પિયાનો જોડે ખુરશીમાં બેસી ગયો અને પિયાનોમાંથી મધુર સુર રેલાવવા લાગ્યો..આ સાથે જ જહાજ પર મોજુદ એ રક્તપિશાચ લોકો બધી જ ઘટનાઓને ભૂલીને મસ્ત બની નૃત્ય કરવાં લાગ્યાં.

****

વડોદરાથી નીકળેલો શેખ સવારે સાડા પાંચ વાગે પોતાનાં ઘરે આવી ચુક્યો હતો..પોતાનાં પરિવારનાં સભ્યો ને ઘરે ઉતારી થોડો પણ સમય બગાડયાં વગર શેખે પોતાની કારને ફોરેન્સિક લેબ તરફ ભગાવી મુકી.લેબમાં કોણ-કોણ હાજર છે એ જાણવાં શેખે દિપક ને કોલ લગાવ્યો..કેમકે એ જ્યારે રસ્તામાં હતો ત્યારે દિપકનો એની ઉપર એ જણાવવા કોલ આવ્યો હતો કે કોઈ રક્તપિશાચ યુવતીનું શબ લઈને અબ્દુલ અને જાની લેબમાં આવે છે.

દિપક નાં ફોનની રિંગ તો વાગી પણ એને કોલ રિસીવ ના કરતાં શેખે પુનઃ એનો નંબર ડાયલ કર્યો..બીજી વાર પણ એવું જ બન્યું..દિપકનાં ફોનની રિંગ તો વાગે જતી હતી પણ એ કોલ નહોતો રિસીવ કરી રહ્યો..આ કારણોસર શેખ ને કંઈક બન્યાં નો અણસાર આવી ચુક્યાં અને શેખે બમણી ગતિમાં પોતાની કારને લેબની તરફ હંકારી મુકી..જ્યાં એક નવું રહસ્ય એની રાહ જોઈને ઉભું હતું..!!

★★★

વધુ આવતાં અંકમાં.

શેખ ને લેબમાં પહોંચી શું રહસ્ય નજરે ચડશે..? એ સાતેય રક્તપિશાચ ભાઈ-બહેનો નો ભૂતકાળ શું હતો..? અર્જુન શહેરનાં લોકોને આ રક્તપિશાચ લોકોથી કઈ રીતે બચાવશે..? અર્જુન કઈ રીતે આ બધી ઘટનાઓ પાછળનું કારણ શોધી શકશે..? રાધાનગરનાં બદલાયેલાં વાતાવરણનું કારણ શું હતું..? આવાં જ સવાલો નાં જવાબ માટે વાંચતાં રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલનો નવો ભાગ..આ નોવેલ મંગળવારે અને શુક્રવારે પ્રસારિત થાય છે એની નોંધ લેવી.

તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો..આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોત ની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

મર્ડર એટ રિવરફ્રન્ટ

The ring

~જતીન.આર.પટેલ (શિવાય)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED