ડેવિલ રિટર્ન-1.0 - 3 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડેવિલ રિટર્ન-1.0 - 3

ડેવિલ રિટર્ન-1.0

(3)

અર્જુન પોતાની પત્ની પીનલ અને દીકરા અભિમન્યુ સાથે ઉટી જવાની યોજના બનાવી ચુક્યો હોય છે..રાધાનગરનાં દરિયામાંથી કોઈ રહસ્યમય વ્યક્તિ શહેરમાં પ્રવેશ કરે છે..શહેરનાં ગાર્ડનમાંથી અમરત નામનાં સિક્યુરિટી ગાર્ડની વિકૃત હાલતમાં લાશ મળે છે..નાયક અને અન્ય પોલીસ અધિકારીઓ જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી લાશની ફોરેન્સિક તપાસ માટે લાશને ફોરેન્સિક ડિપાર્ટમેન્ટનાં હેડ યાસીર શેખ ને મોકલાવે છે..લાશનું એક્ઝેમાઈન કરતાં શેખ ચોંકી જાય છે.

"This is not possible.. આ શક્ય નથી.."અમરતની ગરદન પરથી મળેલાં ઘા ને સાફ કર્યાં બાદ એ ઘા પર મોજુદ લાળની અંદર રહેલાં સેલ(કોષ)નો માઇક્રોસ્કોપ વડે અભ્યાસ કરતાં શેખ બોલ્યો.

શેખનાં આમ બોલતાં જ લેબમાં મોજુદ દિપક અને વિશાલ પણ શેખે એવું તો શું જોયું જેનાં લીધે આવું બોલે છે એમ વિચારી આશ્ચર્ય સાથે એકબીજાનો ચહેરો તકવા લાગ્યાં.

"શું થયું સર..? કેમ એવું બોલ્યાં કે આ શક્ય નથી..? "શેખ ને ઉદ્દેશીને વિશાલે પૂછ્યું.

વિશાલનાં સવાલનો જવાબ આપવાનાં બદલે શેખે ઈશારાથી એ બંને ને પોતે માઇક્રોસ્કોપમાં જે જોયું એ જોવાં માટે જણાવ્યું..શેખનો ઈશારો સમજી દિપક અને વિશાલ માઇક્રોસ્કોપ મોજુદ હતું એ તરફ ગયાં અને ત્યાં પોતાનો ચહેરો લેન્સ ની નજીક લાવી વારાફરથી રુનાં પુમડાં પર મોજુદ સેલ ને બારીકાઈથી જોયાં..આમ કરતાં જ એ બંનેનાં ચહેરા પર પણ દુનિયાભરનું આશ્ચર્ય ઉભરી આવ્યું.એ બંનેનાં આમ બદલાયેલાં હાવ-ભાવ જોઈ શેખ બોલ્યો.

"શું થયું દોસ્તો.. લાગ્યો ને ઝાટકો..? "

"સર, આ સત્ય ના હોઈ શકે..? "દિપક શેખની તરફ જોઈને બોલ્યો.

"હું પણ એજ વિચારું છું કે આ કઈ રીતે શક્ય બને..અમરત નાં મૃતદેહનાં ગળાની ઉપર જે નિશાન છે એ શક્યવત બચકું ભરવાનું મતલબ કે દાંતનું છે.એ નિશાનને મેં રૂ વડે સાફ કરી માઇક્રોસ્કોપ નીચે રાખ્યું તો એ રૂ નાં પુમડાં પર મને તમે જોયાં એ સેલ દેખાયાં..અને આને ચમત્કાર કહીશું કે બીજું કંઈ કે એ સેલ હજુ પણ જીવિત છે..DNA પરથી એ વાત કન્ફર્મ છે કે એ અમરત નાં સેલ તો નથી જ."પોતે અને પોતાનાં લેબ આસિસ્ટન્ટ દિપક અને વિશાલે જે કંઈપણ માઇક્રોસ્કોપ થકી નિહાળ્યું હતું એ વિશે વિગતે વાત કરતાં યાસીર શેખ બોલ્યો.

"હા સર..વિકટીમ નું મૃત્યુ થયે લગભગ ચોવીસ કલાક આસપાસ નો સમય થઈ ગયો છે..અને આપણને જે સેલ વિકટીમ નાં ગરદન ની ઉપર મોજુદ ઘા ની ફરતેથી મળ્યાં એ સેલ લાળ અથવા થૂંકનાં હોવાં જોઈએ..જે વધારેમાં વધારે 3-4 કલાકથી વધુ જીવિત ના હોઈ શકે છતાં એ સેલ હજુ પણ જીવિત છે.."વિસ્મય સાથે દિપક બોલ્યો.

"તમે લોકોએ ખાલી એ જ જોયું કે એ સેલ જીવિત છે..પણ એ નથી જોયું કે એ સેલ મૃત્યુ પણ પામે છે..મતલબ કે વિઘટિત તો થાય છે પણ પુનઃ એનીમેળે જીવિત પણ થઈ જાય છે.."એક નવું રહસ્ય ઉજાગર કરતાં યાસીર શેખે કહ્યું.

શેખે જે કહ્યું એ તો પોતે ઉતાવળમાં જોયું જ નહોતું એ વિચારી દિપક અને વિશાલે ફરીથી માઇક્રોસ્કોપની મદદથી સેલનું ચીવટથી નિરીક્ષણ કર્યું..એમનાં ચહેરા દર્શાવી રહ્યાં હતાં કે એમને જે કંઈપણ જોયું હતું એ વૈજ્ઞાનિક રીતે શક્ય નહોતું.

"સર..આ તો સાચેમાં મોટો ચમત્કાર છે.."વિશાલ ઉત્સાહમાં આવી બોલ્યો.

"હા, દોસ્તો આ ચમત્કાર જ છે..અને આ ચમત્કાર કઈ રીતે થયો એ જાણી લેવામાં આવે તો હજારો જીંદગીઓ બચી જશે..કેન્સર અને એઈડ્સ જેવી જીવલેણ બીમારીઓથી સરળતાથી લડી શકાશે.."ચહેરા પર આનંદનાં ભાવ સાથે શેખ બોલ્યો.

શેખની વાત સાંભળી દિપક તો જાણે કોઈ ઊંડી કલ્પનાઓમાં સરી પડ્યો..આ વિષય પર થોડી-ઘણી ચર્ચા કર્યાં બાદ શેખે પુનઃ અમરત નાં મૃતદેહ ની જરૂરી તપાસ કરી અને એક ફોરેન્સિક રિપોર્ટ તૈયાર કરી એની ઉપર પોતાની સાઈન કરી એને એક કવરમાં મુકી વિશાલ ને ઉદ્દેશતાં કહ્યું..

"વિશાલ, આ કવર કાલે સવારે રાધાનગર પોલીસ સ્ટેશન પહોંચતુ કરજે..અને આ મૃતદેહ ને પણ અશોક જોડે ચર્ચા કર્યાં બાદ જ્યાં પહોંચાડવાનો હોય ત્યાં પહોંચાડી દેજો.."

"Ok.. એ થઈ જશે.."વિશાલ બોલ્યો.

"સારું તો હવે આપણે નીકળીએ..અઢી વાગી ગયાં છે..ઘરે પહોંચતાં પાછાં ત્રણ વાગી જશે.."દિપક અને વિશાલને ઉદ્દેશીને શેખે કહ્યું.

શેખની વાત સાંભળી દિપક અને વિશાલ લેબની લાઈટો અને બારીઓ બંધ કરવાનાં કામમાં જોતરાઈ ગયાં ત્યાં સુધી શેખે અમરત ની ગરદન પરથી મળેલાં સેલ ને એક એરપ્રુફ સેમ્પલ ટ્યુબમાં રાખી એને ફ્રિજમાં મુકી દીધાં..થોડીવારમાં શેખ, વિશાલ અને દિપક પોતપોતાનાં ઘર તરફ જવાં રવાના થઈ ગયાં.

આટલી મોડી રાત સુધી ઘણાં દિવસ પછી શેખને લેબમાં કામ કરતાં જોઈ એમનાં ત્યાંથી જતી વખતે છેલ્લાં ચાર વર્ષથી ડ્યુટી કરતો લેબનો ચોકીદાર દાસ મનોમન બોલ્યો.

"નક્કી જે લાશ મળી એની હત્યા કોઈ સામાન્ય હત્યા તો નથી જ.."

****

બીજાં દિવસનો સૂરજ ઉગતાં જ નાયક અને અન્ય પોલીસકર્મીઓ પોલીસસ્ટેશનમાં પહોંચ્યાં એટલે રાતે ડ્યુટી નિભાવતાં વાઘેલા અને અન્ય પોલીસ અધિકારીઓ પોતપોતાનાં ઘરે જવા રવાના થઈ ગયાં..સવારનાં નવ વાગી ગયાં હતાં એટલે અર્જુન પોતાનાં પરિવાર સાથે અમદાવાદ જવા રવાના થઈ ગયો હતો અને એનો કોઈ કોલ આવ્યો ન હોવાથી નાયકને અંદાજો આવી ગયો કે સરદાર પટેલ ગાર્ડનમાં જે લાશ મળી એની ખબર અર્જુનને નથી.

જાની અને અશોકને પોતાની જોડે અર્જુનની કેબિનમાં આવવાનું કહીને નાયક અર્જુનની કેબિનમાં પ્રવેશ્યો..અર્જુનની ગેરહાજરીમાં પોતાને બધો ચાર્જ સોંપાયો હોવાં છતાં નાયકે અર્જુનની ખુરશીમાં બેસવું ઉચિત ના સમજ્યું..કેમકે નાયકનાં મતે એ જગ્યાએ ફક્ત એક જ વ્યક્તિ બેસી શકે અને એ છે એસીપી અર્જુન.

"અશોક, શું ખબર છે..? "નાયકે અશોકની તરફ જોઈને પૂછ્યું.

"મારે હમણાં વિશાલ જોડે વાત થઈ..એ બસ પાંચેક મિનિટમાં આવતો જ હશે ફોરેન્સિક રિપોર્ટ લઈને.."અશોક નાયકની વાત નો જવાબ આપતાં બોલ્યો.

"સરસ..અને અમરત નાં ઘરેથી કોઈનો કોલ..? "નાયકે બીજો સવાલ કર્યો.

"અમરત નાં ભાઈ નારાયણ નો સવારે આઠેક વાગે મારી ઉપર ફોન આવ્યો હતો..એ અગિયાર વાગ્યાં સુધી અહીં આવી પહોંચશે પોતાનાં ભાઈનો મૃતદેહ લેવાં..એની ઈચ્છા છે કે અમરતનાં અંતિમ સંસ્કાર પોતાનાં માદરે વતનમાં થાય એટલે મેં આપણી સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ મારફતે અમરતનાં મૃતદેહ ને એમનાં ગામ મોકલવાની વ્યવસ્થા કરી આપી છે.."જાની એ કહ્યું.

"ઉત્તમ કામ કર્યું તમે.."જાનીનાં વખાણ કરતાં નાયક બોલ્યો..આ વાત પણ નાયક અર્જુન જોડેથી જ શીખ્યો હતો કે કોઈ નીચી પાયરી નો અધિકારી સારું કામ કરે તો એનાં જાહેરમાં વખાણ કરવાં.. જેથી એ પુનઃ વધુ સારું કામ કરવાં પ્રેરાય.

"સાહેબ, અંદર આવું..? "એટલામાં બહારથી અવાજ આવ્યો.

"અરે વિશાલ..આવ આવ.."વિશાલ ને કેબિનનાં દરવાજે ઉભેલો જોઈ નાયક બોલ્યો.

"કેમ છો બધાં.. મજામાં..? "અંદર પ્રવેશતાં જ વિશાલ ત્યાં બેસેલાં અશોક, નાયક અને જાનીની તરફ જોઈને બોલ્યો.

"બસ તમારી મહેરબાની.."નાયક વિશાલ સાથે હસ્તધુનન કરતાં બોલ્યો.

"એસીપી સાહેબ નથી દેખાતાં..? "અર્જુનની ગેરહાજરીની નોંધ લેતાં વિશાલે કહ્યું.

"એસીપી સાહેબ પોતાનાં પરિવાર સાથે ઉટી ગયાં છે..માટે અત્યારે મને ચાર્જ સોંપેલો છે.."નાયક વિશાલની વાતનો પ્રત્યુત્તર આપતાં બોલ્યો.

"લો આ કવર..આમાં કાલે મળેલી વિકટીમનાં મૃતદેહનો ફોરેન્સિક રિપોર્ટ છે..આમાં ઘણી એવી વસ્તુઓ છે જે તમને ચોંકાવી મુકશે.."વિશાલ કવર નાયક તરફ લંબાવતાં બોલ્યો.

"એવું તે શું છે જે અમને ચોંકાવી મુકશે..? "જાની એ વિશાલનાં હાથમાંથી કવર લેતાં એની તરફ જોઈ સવાલ કર્યો.

"એ તમે રિપોર્ટમાં વાંચી લેજો..હું હવે લેબ તરફ નીકળું..મારે એ મૃતદેહ ને તમારાં કહ્યાં પ્રમાણે હોસ્પિટલમાં પહોંચાડવાની વ્યવસ્થા પણ કરાવવાની છે.."વિશાલ ત્યાંથી જવાની અનુમતિ માંગતા બોલ્યો.

વિશાલ ની વાત સાંભળી યાદ આવી ગયું કે અમરતની લાશ ને હોસ્પિટલમાં પહોંચાડવાનો આદેશ પોતે જ વિશાલને આપ્યો હતો..એટલે જાની બોલ્યો.

"હા ભાઈ..તું નીકળ..અમરતનાં મોટાં ભાઈ દોઢેક કલાકમાં તો ત્યાં આવી પહોંચશે.."

"સારું તો હું નીકળું..જય હિંદ.."આટલું કહી વિશાલ કેબિનનો દરવાજો ખોલી લેબ તરફ જવાં નીકળી પડ્યો.

વિશાલનાં ત્યાંથી જતાં જ નાયકે વિશાલ દ્વારા આપવમાં આવેલું કવર ખોલ્યું અને એની અંદર રહેલો અમરતનો શેખ દ્વારા તૈયાર કરવામાં આવેલો રિપોર્ટ બહાર કાઢ્યો અને એ રિપોર્ટમાં શું લખેલું હતું એ વાંચવાનું શરૂ કર્યું.નાયકે રિપોર્ટમાં લખેલું લખાણ વાંચવાનું શરૂ કરતાં જ જાની અને અશોકે પોતાનાં કાન સરવા કર્યાં.

"વિકટીમ નું મૃત્યુ શરીરમાં લોહીની ઉણપથી થયું છે..આમ છતાં વિકટીમનાં શરીર પર એવાં કોઈ ધારદાર હથિયારનું નિશાન નથી જેનાં પરથી એવું લાગે કે એમાંથી આટલી બધી માત્રામાં લોહી નીકળી ગયું હશે."

"કોઈ વ્યક્તિનાં શરીરમાંથી બધું જ લોહી વહી જાય એની શકયતા નહીંવત હોય છે..ગમે તેવો અકસ્માત થાય કે બીજી કોઈ રીતે મૃત્યુ થાય છતાં શરીરમાં અમુક લોહી તો બચી જ જાય.."

"વિકટીમનાં હાથ અને પગ પર જે બચકાં ભરવાનાં નિશાન પરથી મળેલાં DNA પરથી એ નિશાન કુતરાઓ દ્વારા ભરવામાં આવેલાં બચકાંનું હોવાનું માલુમ પડ્યું છે..પણ વિકટીમ નું મૃત્યુ તો લોહીની ઉણપથી એ પહેલાં જ થઈ ગયું હતું."

"વિકટીમની ગરદન પર એક અન્ય દાંત નું નિશાન છે..જે કોઈ રાની પશુનાં દાંત નું હોવાનું લાગે છે..વિકટીમ દ્વારા પોતાની હત્યા કરનાર રાની પશુને રોકવાની કોશિશ થઈ હોય એવું કંઈપણ વિકટીમનાં શરીર પરથી મળ્યું નથી..આ ઉપરાંત અન્ય કોઈ જાતની ફિંગરપ્રિન્ટ પણ વિકટીમનાં મૃતદેહ પરથી મળી નથી."

આટલું વાંચી નાયકે ફોરેન્સિક રિપોર્ટને વ્યવસ્થિત વાળીને પાછો કવરમાં મૂકી દીધો અને પોતાનાં બંને સાથી ઓફિસર જાની અને અશોક ભણી જોતાં કહ્યું.

"મારાં મતે રાતે અમરત પર કોઈ રાની પશુએ હુમલો કરી એને મોત ને ઘાટ ઉતારી દીધો અને પછી એનાં હાથ અને પગ પર બચકાં ભરી એનું ભક્ષણ કરતું હશે ત્યાં કૂતરાઓનું ટોળું ત્યાં આવી ચડતાં એ રાની પશુ પલાયન થઈ ગયું..એનાં જતાં જ કુતરાઓએ મળીને અમરતનાં મૃતદેહ ને ઘસેડીને પીપળાનાં વૃક્ષ જોડે લઈ ગયાં..આ દરમિયાન અમરતનાં શરીરનું લોહી નીકળી ગયું હશે..તમને શું લાગે છે..?

નાયકની આ તર્કસંગત દલીલ સંપૂર્ણપણે સત્ય તો નહોતી..છતાં એક રીતે સત્યની નજીક હોય એવી તો હતી જ..નાયકની વાત સાંભળી જાની બોલ્યો.

"હોઈ શકે છે કે તું જેમ કહે છે એમ જ થયું હશે.."

"હા સાહેબ..આવું જ કંઈક હશે..અમુક વાર માણસનું લોહી વધુ પાતળું હોય ત્યારે ઝડપથી વહી જતું હોય છે..બાકી બીજું કોઈ કારણ તો દેખાતું જ નથી અમરતની મોત પાછળ.."અશોક પણ જાનીની હાં માં હાં પરોવતાં બોલ્યો.

"તો પછી અશોક તું એક કામ કર.."નાયક બોલ્યો.

"બોલોને..શું કરવાનું છે..? "નાયક ની વાત સાંભળી અશોક બોલ્યો.

"તું અહીંથી સીધો હોસ્પિટલ જા અને અમરતનાં મૃતદેહ ને એનાં પરિવારને સુપ્રત કરવાની કાર્યવાહી પૂર્ણ કર.."નાયક અશોકની તરફ જોઈ બોલ્યો.

"Ok..હું નીકળું તો પછી.."આટલું કહી અશોક પોતાની ખુરશીમાંથી ઉભો થયો અને અર્જુનની કેબિનમાંથી બહાર નીકળી ગયો..અશોકનાં જતાં જ જાની એ નાયક ને ઉદ્દેશીને કહ્યું.

"નાયક, તો હવે આ અમરત ની હત્યા ની ફાઈલ નું શું કરીશું..? "

"કરવાનું શું હોય..એક જંગલી પશુ દ્વારા થતાં હુમલામાં કોઈનું મૃત્યુ થાય તો જે કરીએ એ આમાં કરવાનું..અકસ્માત નો બનાવ નોંધી કેસ ક્લોઝ કરી દઈએ..હું ફોરેસ્ટ ઓફિસર ને આ વિશે જણાવું છું કે રાધાનગર શહેરની હદમાં કોઈ જંગલી જનાવર આવી ગયું છે..બાકીનું પછી જંગલખાતા વાળાં જોઈ લેશે.."નાયક બેફિકરાઈપૂર્વક બોલ્યો.

નાયક જે કહી રહ્યો હતો એ એકરીતે યથાયોગ્ય હતું એવું લાગતાં જાની એ નાયકની વાતનો કોઈ વિરોધ ના કર્યો અને એની વાતમાં હામી ધરી દીધી.

વિકટીમ અમરતનો મોટાભાઈ નારાયણ એનાં નાનાં ભાઈનાં મૃતદેહ ને લેવાં રાધાનગર સિવિલ હોસ્પિટલમાં આવ્યો એટલે અશોકે એને જરૂરી સાંત્વનાં આપી..જરૂરી લીગલી પ્રોસેસ પૂર્ણ કરી અમરતનાં મૃતદેહ ને એ લોકોનાં મૂળ વતન માં મોકલવાની સગવડ કરી આપી.

જાની એ પણ નાયકનાં કહ્યાં મુજબ અમરત નું મૃત્યુ કોઈ રાની પશુ દ્વારા થયેલાં હુમલામાં થયું છે એવું પોલીસનાં ચોપડે નોંધી અમરતની મોતનો કેસ ક્લોઝ કરી દીધો.

રાધાનગરમાં ધીરે-ધીરે એ વાત પ્રસરી ગઈ કે સરદાર પટેલ ગાર્ડનનાં સિક્યુરિટી ગાર્ડ અમરત નું કોઈ જંગલી પશુ નાં હુમલામાં મોત થયું છે..આ ખબર મળતાં જ શહેરીજનો ભયનાં માહોલ નીચે આવી ગયાં.. નાયકને ખબર હતી કે આવું કંઈક થવાનું છે એટલે એને ફોરેસ્ટ ટીમને રાધાનગર બોલાવી લીધી.

ફોરેસ્ટ ઓફિસરો દ્વારા શહેરનાં જંગલ તરફથી આવતાં બધાં પ્રવેશ દ્વાર પર માંસનાં ટુકડા રાખી લોખંડનાં મજબૂત પાંજરા ગોઠવી અમરત પર હુમલો કરી એની મોત માટે જવાબદાર જંગલી જનાવર ને પકડવાની પૂરતી તૈયારી કરી દેવામાં આવી હતી..ફોરેસ્ટ ઓફિસરો દ્વારા જે પ્રકારની ગોઠવણ કરાઈ હતી એ ઉપરથી નાયક આશ્વસ્થ હતો કે આજે જે પણ રાની પશુ હશે એ નક્કી શહેરમાં આવશે તો આ પાંજરાઓમાં કેદ થઈ જ જશે.

આજે રાતે અશોકને નાઈટ ડ્યુટી હોવાથી એ પોલીસ સ્ટેશનમાં રોકાઈ ગયો..નાયક ઘરે આવીને જમી પરવારીને ફ્રી પડી ટીવી જોતો હતો ત્યાં એનાં મોબાઈલની રિંગ વાગી..નાયકે ફોનની સ્ક્રીન તરફ જોયું તો ત્યાં "Acp saheb" લખેલું હતું..જે જોતાં જ આશ્ચર્ય સાથે નાયકનાં મોંઢામાંથી શબ્દો સરી પડ્યાં.

"અત્યારે એસીપી સાહેબનો કોલ..?

★★★

વધુ આવતાં અંકમાં.

અર્જુને કેમ નાયકને કોલ કર્યો હતો...? જંગલી જનાવર ફોરેસ્ટ અધિકારીઓની પકડમાં આવશે.? દરિયામાંથી આવેલી એ માનવાકૃતિ કોની હતી..? અર્જુન ને લાશ વિશે ન જણાવી એનાં સાથી અધિકારીએ સારું કર્યું હતું કે ખોટું..? આવાં જ સવાલો નાં જવાબ માટે વાંચતાં રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલનો નવો ભાગ..આ નોવેલ મંગળવારે અને શુક્રવારે પ્રસારિત થાય છે એની નોંધ લેવી.

તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો..આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોત ની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

મર્ડર એટ રિવરફ્રન્ટ

The ring

~જતીન.આર.પટેલ (શિવાય)