ડેવિલ રિટર્ન-1.0 - 7 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડેવિલ રિટર્ન-1.0 - 7

ડેવિલ રિટર્ન-1.0

(7)

અર્જુનની ગેરહાજરીમાં રાધાનગરમાં અમરત નામનાં વ્યક્તિની લાશ મળવાની અને એક વરુ નાં પકડવાની ઘટના બને છે..રાધાનગરનાં વાતાવરણમાં તીવ્ર પલટો આવે છે જેનાં લીધે ફાધર વિલિયમ ને કોઈ અજાણી ચિંતા સતાવી રહી હોય છે..રાધાનગર પોલીસસ્ટેશનમાં એક કોલ આવે છે જેનાં અનુસંધાનમાં તળાવ કિનારે પહોંચેલાં નાયક ને એક પછી એક નવાં ઝટકા લાગે એવી ઘટનાઓ બને છે..બગીચા જોડેથી મળેલી લાશ કોઈ રવિ નામનાં વ્યક્તિની હોય છે જેની ગરદન પર બનેલાં નિશાન જોઈ અશોક અંદર સુધી ફફડી જાય છે.

રમેશભાઈનાં કોલનાં આધારે નાયક, જાની સમેત રાધાનગર પોલીસનાં અન્ય પાંચ કોન્સ્ટેબલો તળાવ કિનારે પહોંચી ગયાં હતાં..નાયક માટે તો તળાવમાં ત્રણ લાશોને એકસાથે જોવી એજ મોટી ઘટના હતી ત્યાં તો એક કોન્સ્ટેબલ દ્વારા નાયકને ડાબી તરફ પાણીમાં તરતી એક વસ્તુ તરફ નજર ફેંકવા કહ્યું..એ પણ એક લાશ જ હતી..કુલ ચાર લાશોને એક જ જગ્યાએ જોવાંનું ભયંકર દ્રશ્ય નાનું હોય એમ જાની એ નાયકને સામેની તરફ જોવાં કહ્યું.

"બીજી ત્રણ લાશ..એની માં ને સાત-સાત લોકોનાં મૃતદેહો.."જાનીએ બતાવેલી જગ્યાએ પણ ત્રણ માનવ મૃતદેહો પાણી ની સપાટી પર તરતાં જોઈ નાયક હળબળાટમાં આવી બોલ્યો.

"આ તો શ્રીજી ફાર્મહાઉસ પર થયેલાં હત્યાકાંડ કરતાં પણ મોટી ઘટના છે.."ડોકટર આર્યા દ્વારા બનાવવામાં આવેલી આરઝૂ નામની મહિલા ની શૈતાની પ્રતિકૃતિ દ્વારા આજથી પાંચ વર્ષ પહેલાં શ્રીજી ફાર્મહાઉસ પર જે હત્યાકાંડ આચરવામાં આવ્યો હતો એની યાદ તાજી કરતાં જાની ફફડાટ સાથે બોલ્યો.

(જે વાંચક મિત્રો એ મારી સૌથી પહેલી હોરર સસ્પેન્સ ડેવિલ એક શૈતાન ના વાંચી હોય એમને હજુપણ અનુરોધ કે પહેલાં એ નોવેલ વાંચી લેવી..એ સિવાય હવસ:it cause death પણ વાંચવી..જેથી તમે આ નોવેલનાં પાત્રો સાથે આત્મીયતા કેળવી શકો અને નોવેલ વાંચવાની પુરી મજા ઉઠાવી શકો..)

નાયક અને અન્ય પોલીસકર્મીઓ તળાવની કિનારીએ ફરતાં ફરતાં બધી લાશોને શક્ય એટલી નજીકથી જોતાં આવ્યાં.આજુબાજુનાં વિસ્તારનું પણ બારીકાઈથી નિરીક્ષણ કરી નાયકે એ બાબત તો ચોક્કસ કરી કે ત્યાં કુલ સાત લોકોની જ લાશ છે..જેમાં કુલ ચાર પુરુષો અને ત્રણ મહિલાઓ હોવાનું નાયકે જોયું.

આ દરમિયાન ત્રણ તરવૈયાઓ ત્યાં આવી પહોંચ્યા..નાયક ત્યાં આવેલાં તરવૈયાઓ સાથે આ મૃતદેહો કેવી રીતે મળ્યાં એ વિશે ચર્ચા કરતો હતાં ત્યાં એક છોટા હાથી પ્રકારની ટ્રક ત્યાં આવીને ઉભી રહી..જેમાંથી એક મજબૂત બાંધાનો વ્યક્તિ હેઠે ઉતરી નાયક ની તરફ અગ્રેસર થયો.

"ભાઈ ગોવિંદ, સારું કર્યું તું આવી ગયો...અહીં સ્થિતિ એટલી ગંભીર હતી કે તાકીદે લાઈટની જરૂર હતી."એ વ્યક્તિ નું નામ ગોવિંદ હતું જેનો રાધાનગરમાં લાઈટ ડેકોરેશન અને મંડપ નો બિઝનેસ હતો..નાયકનાં કોલ પર ગોવિંદ તાત્કાલિક એક જનરેટર અને ચાર હેલોજન લઈને ત્યાં આવી પહોંચ્યો હતો.

"નાયક ભાઈ..કેમ આટલાં ચિંતામાં છો..? શું થયું છે એ જણાવવાની તકલીફ લેશો..? "ગોવિંદ બોલ્યો.

"ગોવિંદ..તળાવમાં એકવાર નજર કર..એટલે તને જાતે જ સમજાઈ જશે.."ગોવિંદનાં સવાલનાં પ્રત્યુત્તરમાં નાયક બોલ્યો.

નાયકની વાત સાંભળી જેવી ગોવિંદે તળાવની તરફ નજર કરી એ સાથે જ એનાં ચહેરા પર આટલી ઠંડીમાં પણ પ્રસ્વેદ બિંદુઓ ઉભરી આવ્યાં..ગોવિંદનું ગળું સુકાઈ ગયું અને તાબડતોડ એ પોતાની મીની ટ્રક તરફ દોડતો ગયો અને ફટાફટ જનરેટર ચાલુ કરી દીધું..ત્યાં હાજર પોલીસ કોન્સ્ટેબલો ની મદદથી ગોવિંદે પાંચ-સાત મિનિટમાં તો તળાવની ફરતે ચાર હેલોજન ગોઠવી એને ચાલુ પણ કરી દીધાં.

હેલોજન ચાલુ થતાં જ ત્યાં આસપાસ અંધકાર ગાયબ થઈ ગયો અને ઉજાસ પથરાઈ ગયો.નાયકનાં આદેશ પર એ ત્રણેય તરવૈયાઓ મળીને તળાવમાં તરતી સાતેય લાશોને બહાર કિનારા સુધી લાવ્યાં અને બધી લાશોને ક્રમબદ્ધ ગોઠવી દીધી..થોડીવારમાં ફોટોગ્રાફર અને ફોરેન્સિક ટીમ પણ આવી પહોંચી..આ વખતે તો યાસીર શેખ ખુદ ઘટનાસ્થળે આવ્યો હતો..શેખની જોડે દિપક પણ મોજુદ હતો..જ્યારે વિશાલ અશોક અને અબ્દુલની મદદ માટે ગાર્ડન જોડે જ ઉતરી ગયો હતો.

સવા છ વાગી ગયાં હતાં પણ હજુએ અંધારું ઓછું થવાનું નામ નહોતું લઈ રહ્યું..આતો નાયકે ગોવિંદને બોલાવી જરૂરી રોશનીની સગવડ કરી રાખી હતી નહીં તો પોલીસ તપાસ લગભગ અશક્ય જ હતી.ફોરેન્સિક ટીમ નાયક અને અન્ય પોલીસકર્મીઓ ઉભાં હતા એ તરફ આગળ વધી અને એમની જોડે આવીને ઉભી રહી.

"નાયક ક્યાં છે એ ત્રણ લાશ જેની તું વાત કરતો હતો..? "નાયકની જોડે આવતાં જ શેખે સીધો મુદ્દાનો સવાલ કર્યો.

"આ રહી એ લાશો..અને એ પણ ત્રણ નહીં પણ ત્રણ ની જગ્યાએ સાત છે.."નાયકે થોડે દુર જમીન પર તરવૈયાઓ દ્વારા ગોઠવવામાં આવેલાં મૃતદેહો તરફ આંગળી ચીંધતાં કહ્યું.

"યા અલ્લાહ..આ તે કેવો કહેર છે..સાત સાત લોકોનાં મૃતદેહો એકસાથે મળવાં એ તો આ શહેરનાં ઈતિહાસમાં સૌથી વધુ ભયાનક ઘટના કહેવાય.."જમીન પર ગોઠવેલાં સાત મૃતદેહો તરફ નજર ફેંકતાં દુઃખ સાથે શેખ બોલ્યો.

"શેખ તમે તમારું કામ કરો..હું મારી ટીમ સાથે આસપાસનો બધો વિસ્તાર ખુંદી વળીએ.. રખેને કંઈક મળી જાય.."શેખ ને આટલું જણાવી નાયક તળાવની આસપાસ ટોર્ચની આછેરી રોશનીમાં આ ઘટના સંદર્ભે કોઈ સબુત શોધતો-શોધતો ચક્કર લગાવવા લાગ્યો.

"સાહેબ..ત્યાં દૂર રોડ ઉપર કંઈક દેખાય છે.."તળાવની નજીકથી પસાર થતાં રોડની એકતરફ ઉભેલી ગાડી તરફ ઈશારો કરતાં દેસાઈ બોલ્યો.

"અરે હા..સફેદ રંગની કોઈ ગાડી લાગે છે..ચલો નજીક જઈને જોઈએ..ક્યાંક આ સાત લોકો સાથે એ ગાડીનો કોઈ સંબંધ હોય.."પોતાનાં સ્ટાફનાં કર્મચારીઓ સાથે નાયક એ ગાડી તરફ અગ્રેસર થયો.

"ઈનોવા કાર.."ત્યાં પહોંચીને ગાડી ને જોતાં જ જાનીનાં મોંઢેથી શબ્દો સરી પડ્યાં.

નાયકે નજીક જઈને જોયું તો એ ગાડી ઈનોવા જ હતી..એમાં હજુપણ ચાવી લટકતી જ હતી..સાથે-સાથે ઈનોવાનો આગળની તરફનો કાચ ભાંગી ગયો હતો..આ ઉપરાંત ગાડીની બોનેટનું પતરું અને છત ઘણે ખરે અંશે દબાઈ ગઈ હોય એવું લાગતું હતું.

"જાની ભાઈ..નક્કી એ સાતેય લોકો આ ગાડીમાં હતાં..આ લોકો અહીં હાઇવે તરફથી રાધાનગરમાં પ્રવેશી રહયાં હતાં ત્યારે કોઈકે એમની પર જીવલેણ હુમલો કર્યો..જો ગાડીમાં પણ અમુક જગ્યાએ સીટો ઉપર લોહીનાં ટીપાં દેખાય છે..પોતાની પર હુમલો થતાં ગાડીમાં સવાર બધાં લોકો તળાવ તરફ ભાગ્યાં.. પણ હુમલાખોરો એ એમને મોતની નીંદર સુવડાવીને જ આરામનો શ્વાસ લીધો.."નાયક ગાડીની સ્થિતિ જોઈ પોતાની અવલોકન શક્તિ અને તર્કશક્તિ નો ઉપયોગ કરતાં બોલ્યો.

"નાયક..મને પણ તું કહી રહ્યો છે એવું જ થયું હોવાનું લાગે છે..પણ મને એ નથી સમજાતું તો અહીં સાત વ્યક્તિની અને ગાર્ડન જોડે એક વ્યક્તિની હત્યા કરનારો કોઈ એક વ્યક્તિ છે કે પછી કોઈ સમૂહ..? "જાની બોલ્યો.

"સાત લોકોને એકસાથે મોત ને ઘાટ ઉતારવા એક વ્યક્તિનાં હાથનું કામ તો નથી જ..લાગે છે કોઈ મોટી ચોર-લૂંટારું ટોળકી રાધાનગરમાં આવી ચૂકી છે.."પોતાનાં મનમાં આવેલી વાત જણાવતાં નાયક બોલ્યો.

એટલામાં નાયકનાં ફોનની રિંગ વાગી..આ રિંગ નો અવાજ પણ અત્યારે તો હૃદયમાં ફાળ પાડનારો સાબિત થઈ રહ્યો હતો..નાયકે જોયું તો કોલ કરનાર અશોક હતો..કોલ રિસીવ કરતાં જ નાયકે કહ્યું.

"હા બોલ અશોક..કેમ કોલ કર્યો..? "

"સાહેબ.. અહીં જે મૃતદેહ મળી આવ્યો છે એની અને ઘટનાસ્થળની જરૂરી તપાસ થઈ ચૂકી છે..હવે અહીં લોકોની અવરજવર નો ટાઈમ થઈ ગયો છે માટે હું અહીંથી મળેલાં મૃતદેહ ને ગમે તે રીતે ફોરેન્સિક લેબમાં મોકલવાની વ્યવસ્થા કરું.."અશોક નાયકનાં પુછાયેલાં સવાલનો જવાબ આપતાં બોલ્યો.

"સારું..તું તારી રીતે આગળની વિધિ પતાવ..અમારે આવતાં થોડું મોડું થઈ જશે કેમકે અહીં સ્થિતિ વધુ વણસી છે.."નાયક નાં અવાજમાં બેચેની સાફ અનુભવાતી હતી.

"સ્થિતિ વધુ વણસી છે મતલબ..? "નાયક નાં આમ બોલતાં જ અશોકે સવાલ કર્યો.

"ભાઈ..અમે તો અહીં ત્રણ મૃતદેહોની તપાસ કરવાં આવ્યાં હતાં પણ અહીં તો પૂરાં સાત લોકોનાં મૃતદેહ મોજુદ છે.."નાયક બોલ્યો.

"શું કહ્યું..? સાત મૃતદેહો એકસાથે..? આ તો ખરેખર ખુબજ મોટી ઘટના છે.."નાયકની વાત સાંભળી અશોક બોલ્યો.

"હા ભાઈ..આ એક ખુબજ મોટી ગોઝારી ઘટના છે..મારાં મતે શહેરમાં કોઈ ચોર-લૂંટારું ગેંગ સક્રિય થઈ છે..જે એટલી ઘાતક છે કે પૈસા અને લૂંટ માટે કોઈની હત્યા કરતાં પણ નથી અચકાતી.."નાયક પોતાનાં મનમાં આવેલી વાતનું રટણ અશોક આગળ કરતાં પણ બોલ્યો.

"હા બની શકે..સારું તો તમે તમારી રીતે આગળની પ્રોસેસ પૂર્ણ કરો..હું અને અબ્દુલ અહીં મળી આવેલાં મૃતદેહને ફોરેન્સિક લેબમાં મોકલાવી ઘરે જવાં નીકળીએ..ત્યારબાદ નાહી-ધોઈ પછી પોલીસસ્ટેશન જઈશ..જય હિંદ.."આટલું કહી અશોકે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.

અશોક સાથેનો કોલ ડિસ્કનેક્ટ કર્યાં બાદ નાયકે જાની, દેસાઈ અને અન્ય કોન્સ્ટેબલોને પોતાની સાથે પાછા તળાવ જોડે આવવાં કહ્યું..થોડીવારમાં એ લોકો પુનઃ તળાવ કિનારે આવી પહોંચ્યાં જ્યાં યાસીર શેખ પોતાની ટીમની સાથે મળીને ત્યાં મોજુદ સાત મૃતદેહની બારીકાઈથી તપાસ કરી રહ્યો હતો..રમેશભાઈ, ગોવિંદ, તરવૈયાઓ અને ફોટોગ્રાફર પણ સ્થળ ઉપર જ ચૂપચાપ ઉભાં રહી ફોરેન્સિક ટીમની કામગીરી નિહાળી રહ્યાં હતાં.

નાયક નાં ત્યાં પહોંચતાં જ પોતાને મંદિરે જવાનો સમય થઈ ગયો હોવાનું કહી રમેશભાઈએ ઘટનાસ્થળેથી વિદાય લીધી.

"શેખ કંઈ હાથ આવ્યું કે નહીં..મૃતદેહનાં શરીર પર કોઈ નિશાન કે બીજું કંઈ..? "નાયકે શેખની જોડે પહોંચી ને સવાલ કર્યો.

"નાયક..લાગતું નથી કે આ લોકોને કોઈ હથિયાર નો ઉપયોગ કરીને મારવામાં આવ્યાં હોય..આ ઉપરાંત તળાવનું પાણી એટલું બધું એ ઊંડું નથી કે સાત-સાત લોકો એકસાથે એમાં ડૂબીને મૃત્યુ પામે..ત્રણ મૃતદેહનાં શરીર પરથી ઈજાનાં નિશાન જરૂર મળ્યાં છે પણ એ કોઈ ગંભીર ઈજા તો નથી જ.."નાયક ભણી જોઈ શેખ બોલ્યો.

"મને લાગે છે એ કોઈ લૂંટારું ટોળકી જ છે..જે લોકોની ગળું દબાવીને હત્યા કરી એમની લાશ ને અહીં તળાવમાં ફેંકી ગઈ છે..થોડે દુર રોડ ઉપરથી એક સફેદ રંગની ઈનોવા મળી આવી છે જેમાં શાયદ આ સાત લોકો સવાર થઈને આવતાં હશે ત્યારે કોઈએ એમની ઉપર હુમલો કર્યો..જેનાંથી બચવા આ લોકો આ તરફ આવ્યાં પણ પોતાનો જીવ બચાવવામાં અસમર્થ રહ્યાં.. ઈનોવા ની સ્થિતિ પરથી એ સમજી શકાય એવું છે કે આ લોકો ગાડીમાં આવતાં હતાં ત્યારે જ કોઈએ એમની ઉપર હુમલો કર્યો હતો.."આમ કહી નાયકે પોતે ગાડી ની તપાસ વખતે જે જોયું એ બધું શેખ ને જણાવ્યું.

"દિપક..આ સાતેય લોકોનાં શરીર પરથી મળેલી જવેલરી, એમનાં મોબાઈલ અને પર્સ ભરેલી બેગ નાયક સાહેબને આપ..જેથી આ લોકોની ઓળખ એ લગાવી શકે.."શેખ દ્વારા દિપકને આદેશ અપાતાં જ દિપકે એક બેગ નાયકને આપી.

"અરે આ બેગમાં તો ઘણી જવેલરી છે.."બેગ માં રહેલી વસ્તુઓ તરફ અપલક નજર ફેંકતાં જ નાયક બોલ્યો.

"આનો અર્થ સમજે છે..? ..આનો અર્થ એમ થાય કે તું ખોટો છે કે આ લોકોની હત્યા પાછળ કોઈ લૂંટારું ટોળકી હતી..આ જવેલરી અને ચાવી ભરાવેલી વીસેક લાખની ગાડી એ વાત તરફ ઈશારો કરે છે કે આ સાતેય લોકોની મોત પાછળ કોઈ લૂંટારું ટોળકી નથી..આ લોકોની હત્યા નું કારણ જાણવાં આ સાતેય લાશોને વહેલી તકે લેબમાં પહોંચાડવી પડશે.."નાયકની તરફ જોઈ શેખ બોલ્યો.

"સાત નહીં આઠ.. ભૂલી ગયો કે એક લાશ પહેલાં જ ફોરેન્સિક લેબ પહોંચી ગઈ.."જાની ગાર્ડન જોડેથી મળેલી રવિ ની લાશ નો ઉલ્લેખ કરતાં બોલ્યો.

"હા હો..સાત નહીં આઠ..અરે એક બીજી વાત કહેવાની રહી ગઈ કે આ સાતેય લોકોની ગરદન પર એવું જ દાંત નું નિશાન છે જેવું અમરત ની ગરદન ઉપર હતું..જેનો અર્થ સાફ-સાફ છે કે અમરત ની હત્યા કરનાર વ્યક્તિએ જ આ સાતેય લોકોની હત્યા કરી હોવી જોઈએ.."મૃતદેહ ની તપાસ પૂર્ણ કર્યાં બાદ પોતાનાં હેન્ડ ગ્લોવઝ ઉતારતાં શેખ બોલ્યો.

શેખની આ વાત સાંભળી નાયક સમેત બધાં પોલીસ અધિકારીઓ ને ઝાટકો જરૂર લાગ્યો પણ બધાં ચૂપ રહ્યાં.. થોડીવારમાં એ સાતેય લાશોને બે અલગ-અલગ એમ્બ્યુલન્સ મારફતે રાધાનગર ફોરેન્સિક ડિપાર્ટમેન્ટની લેબોરેટરીમાં મોકલાવી નાયક અને અન્ય સ્ટાફ ની સાથે ઘટના સ્થળ પર મોજુદ બધાં વ્યક્તિ પોતપોતાનાં નિયત સ્થળ તરફ રવાનાં થઈ ગયાં.

ત્યાં મળેલી ઈનોવા કારને પણ શેખે ટોઇંગ વેહિકલ મારફતે ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ સુધી પહોંચાડવાનું નાયકને જણાવ્યું.

આઠ મૃતદેહો નું લેબમાં પરીક્ષણ કરવાનું હોવાથી દરેકનો ફોરેન્સિક રિપોર્ટ તૈયાર કરવામાં આખો દિવસ નીકળી જવાનો અંદાજો હોવાથી શેખે નાયકને જણાવી દીધું કે ફોરેન્સિક રિપોર્ટ તૈયાર કરીને પોતે આવતીકાલે મોકલાવશે..પણ જો એ પહેલાં નાયકને એ આઠેય લોકોની ઓળખ મળી જાય તો એક ફોટો આઈડી સાથેનો મેઈલ પોતાને મોકલાવી જરૂર દેવો એવું શેખે ભાર આપીને કહ્યું..આમ કરવાનું કારણ હતું કે આઠેય લોકોનો ફોરેન્સિક રિપોર્ટ એમનાં નામ સાથે તૈયાર કરે જેથી પોલીસ તપાસમાં સરળતા રહે.

એક તરફ રાધાનગરમાં ચાર દિવસનાં ટૂંકા ગાળામાં નવ લોકોની હત્યા અને એમની લાશ મળવાની ઘટના ઘટિત થઈ ચૂકી હતી..તો બીજી તરફ શહેરનાં વાતાવરણમાં ઠંડક અને ધૂમમ્સ સતત વધે જતાં હતાં..સૂર્યપ્રકાશ પણ છેક સવારે નવ-દસ વાગે સરખો આવતો અને સાંજે ચાર વાગે તો ઓછો થઈ જતો.

નાયકે શેખ નાં કહ્યાં મુજબ ઘટના સ્થળે મળેલી ઈનોવા ને પણ ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી દિધી..સાથે-સાથે તળાવની અંદર મોજુદ લોકોની ઓળખવીધી પણ કરીને એમનાં નામ અને ફોટો વાળો મેઈલ યાસીર શેખ ને કરી દીધો.

રાધાનગરમાં જે કંઈપણ બની રહ્યું હતું એને રોકવાનાં અભિયાન માટે નાયકે હવે દરેક પોલીસકર્મીને રાતે પોલીસ સ્ટેશનમાં રોકાઈ જવાનો આદેશ આપ્યો..બધાં પોલીસકર્મીઓ નાયકનો આદેશ માની શહેરની સુરક્ષામાં લાગી ગયાં હતાં.

રાધાનગર પોલીસ સ્ટેશનનાં સ્ટાફમાં ચાલીસ જેટલાં પોલીસકર્મીઓ હતાં..જે બધાં અલગ-અલગ ટુકડીઓમાં શહેરની વિવિધ જગ્યાએ ચાંપતો બંદોબસ્ત રાખીને ચોકી પહેરો ભરી રહ્યાં હતાં..એ દરેકની જોડે જરૂરી હથિયારો પણ મોજુદ હતાં.

આવી જ એક ટુકડીમાં અબ્દુલ, હરિ અને અન્ય બે કોન્સ્ટેબલ મસ્જિદ ની જોડે આવેવાં ત્રણ રસ્તે પોતાની ડ્યુટી નિભાવી રહ્યાં હતાં..ખૂબ જ ઠંડી હોવાથી એ લોકો તાપણું કરી ઠંડીથી રક્ષણ મેળવવાની કોશિશમાં લાગેલાં હતાં..ઘણો સમય વીતી ગયાં બાદ રાત કેમેય કરીને પસાર નહોતી થઈ રહી એવું ધૂમમ્સ અને તીવ્ર ઠંડીનાં લીધે એ લોકો અનુભવી રહ્યાં હતાં.

રાતનાં લગભગ સાડા ત્રણ વાગ્યાં હશે ત્યાં એ લોકો જોડે જે તાપણી માટેનું સૂકું લાકડું હતું એ પૂરું થઈ જતાં અબ્દુલે હરિ અને બાકીનાં બે કોન્સ્ટેબલોને ત્યાં રોકાવાનું કહ્યું અને પોતે નજીકમાં ક્યાંકથી સૂકું લાકડું લઈને આવે એવું કહી ત્યાંથી ચાલી નીકળ્યો..મોબાઈલની ફ્લેશલાઈટનાં પ્રકાશમાં સૂકું બળતણ માટેનું લાકડું શોધતાં શોધતાં અબ્દુલ મદરેસા તરફ જતાં રસ્તે આવી પહોંચ્યો.

અબ્દુલ ની જાણ બહાર એક માનવાકૃતિ ચૂપચાપ એની પાછળ પાછળ આગળ વધી રહી હતી..તીવ્ર અંધકાર હોવાથી એ માનવાકૃતિ ને જોવી લગભગ અશક્ય હતી..છતાં એની બિલાડી જેવી આંખો અત્યારે ચમકી રહી હતી..એ આંખોની જે ચમક હતી એમાં ભરી હતી ભયાનક ક્રુરતા અને શૈતાનીયત..!!

★★★

વધુ આવતાં અંકમાં.

અબ્દુલ બચી જશે કે એની પણ હાલત અન્ય લોકો જેવી થશે..? રાધાનગરમાં થયેલાં સામુહિક હત્યાકાંડ નું કારણ શું હતું..? ફોરેન્સિક રિપોર્ટમાં શું આવશે..? રાધાનગરનાં બદલાયેલાં વાતાવરણનું કારણ શું હતું..? દરિયામાંથી આવેલી એ માનવાકૃતિઓ કોની હતી..? અર્જુન ને લાશ વિશે ન જણાવી એનાં સાથી અધિકારીએ સારું કર્યું હતું કે ખોટું..? આવાં જ સવાલો નાં જવાબ માટે વાંચતાં રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલનો નવો ભાગ..આ નોવેલ મંગળવારે અને શુક્રવારે પ્રસારિત થાય છે એની નોંધ લેવી.

તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો..આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોત ની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

મર્ડર એટ રિવરફ્રન્ટ

The ring

~જતીન.આર.પટેલ (શિવાય)