ડેવિલ રિટર્ન-1.0 - 2 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડેવિલ રિટર્ન-1.0 - 2

ડેવિલ રિટર્ન-1.0

(2)

અર્જુન પોતાની પત્ની પીનલ અને દીકરા અભિમન્યુ સાથે ઉટી જવાની યોજના બનાવી ચુક્યો હોય છે..રાધાનગરનાં દરિયામાંથી કોઈ રહસ્યમય વ્યક્તિ શહેરમાં પ્રવેશ કરે છે..રાધાનગર પોલીસ સ્ટેશનમાં એક કોલ આવે છે જેમાં જણાવવામાં આવે છે કે એક લાશ મળી છે..આ બાબત વિશે અર્જુનને જણાવ્યાં વગર નાયકની આગેવાનીમાં અર્જુનનાં અન્ય સાથી અધિકારીઓ તપાસ માટે સરદાર પટેલ ગાર્ડન તરફ નીકળી પડે છે.

રાધાનગર શહેરની મધ્યમાં આવેલ સરદાર પટેલ ગાર્ડન સવાર નાં અને સાંજનાં સમયે રાધાનગરનાં રહેવાસીઓ માટે સમય પસાર કરવાનું એક ઉત્તમ સ્થળ હતું.નાનાં ભૂલકાઓથી લઈને વૃદ્ધ લોકો અહીં કુદરતનાં સાનિધ્યમાં સમય પસાર કરવાં આવતાં..ખૂબ મોટાં વિસ્તારમાં વિસ્તરેલો આ બગીચો એક રીતે રાધાનગરની શાન સમાન હતો.

પોલીસ સ્ટેશનમાંથી નીકળીને નાયક, અશોક, જાની અને વાઘેલા વીસેક મિનિટમાં તો સરદાર પટેલ ગાર્ડન આવી પહોંચ્યાં..એ લોકો જ્યારે ત્યાં પહોંચ્યાં ત્યારે ગાર્ડનની નજીક આવેલી ગાંધી લાયબ્રેરી સ્થિત ટાવર પરથી આઠ ટકોરાં વાગવાનો અવાજ સંભળાયો.જે દર્શાવી રહ્યો હતો કે આઠ વાગી ગયાં છે..નવેમ્બર મહિના નો પૂર્વાર્ધ હોવાથી વાતાવરણમાં ફૂલ ગુલાબી ઠંડી મોજુદ હતી.

નાયક અને એની પાછળ-પાછળ અન્ય પોલીસકર્મીઓ જીપમાંથી હેઠે ઉતર્યાં અને ગાર્ડનનાં મુખ્ય ગેટની તરફ આગળ વધ્યા..પોલીસ ની વર્દી પહેરેલાં એ લોકોને જોઈ એક સિક્યુરિટી ગાર્ડ દોડતો એમની જોડે આવ્યો અને બગીચાની અંદરની તરફ આંગળી ચીંધતા બોલ્યો.

"સાહેબ, ત્યાં અંદર અમરત ની લાશ પડી છે.."

"કોણ અમરત..? અને ક્યાં પડી છે એની લાશ..? .અને તું કોણ છે.? "બગીચાનો દરવાજો વટાવી અંદરનાં ભાગમાં અગ્રેસર થતાં નાયકે એ સિક્યુરિટી ગાર્ડ ને ઉપરાછાપરી સવાલો કરી મૂક્યાં.

"સાહેબ મારું નામ લાલજી છે..હું આ બગીચામાં સિક્યુરિટી ગાર્ડ નું કામ કરૂં છું..મારી જેમ અમરત પણ આ બગીચામાં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતો હતો..મારી ડ્યુટી સવારનાં આઠ થી રાતનાં આઠ સુધીની રહેતી જ્યારે અમરતની રાત નાં આઠ થી સવારનાં આઠ..દર મહિને અમારો સમય ઑલ્ટરનેટ બદલાતો રહેતો.."નાયકની સાથે-સાથે બગીચાની અંદર પહોંચતાં લાલજી બોલ્યો.

બગીચાની મધ્યમાં આવેલાં ફુવારાની નજીક અમુક લોકો ટોળે વળી ઉભાં હતાં જેમને જોઈ નાયક સમજી ગયો કે નક્કી અમરતની લાશ ત્યાં જ પડી હોવી જોઈએ.

"એ ટોળું ઉભું છે ત્યાં જ લાશ પડી છે.? "નાયકે લાલજી તરફ જોઈને પૂછ્યું.

જવાબમાં લાલજી એ હકારમાં પોતાની ગરદન હલાવી..લાલજીનાં ચહેરા પર અત્યારે પોતાનાં સાથીદાર ને આમ અચાનક ખોવાનું દુઃખ અને એની લાશને નજરે જોવાનો ખૌફ એકસાથે નજરે પડતાં હતાં.

પોલીસ ને ત્યાં આવી પહોંચેલી જોઈ લોકોનું ત્યાં મોજુદ ટોળું થોડું પાછું હટી ગયું..ત્યાં જોરદાર દુર્ગંધ આવી રહી હતી જેનાં લીધે ટોળામાં મોજુદ બધાં લોકોએ નાક પર પોતાનો હાથ કે પછી હાથ રૂમાલ રાખેલો હતો.

નાયક અને અન્ય પોલીસકર્મીઓએ પણ આ માથું ફાડી નાંખતી બદબુથી બચવા પોતાનાં નાક આડે રૂમાલ રાખી દીધો..એક પાંત્રીસેક વર્ષનો ગ્રે ટીશર્ટ અને બ્લેક નાઈટ પેન્ટ પહેરેલો વ્યક્તિ નાયકની જોડે આવ્યો અને પોતાનો પરિચય આપતાં બોલ્યો.

"સાહેબ, મારું નામ અંકિત સુરાની છે..મેં જ પોલીસ સ્ટેશનમાં કોલ કરીને અહીં પડેલી લાશ વિશે ખબર આપી હતી.."

"મારું નામ ઇન્સપેક્ટર નાયક છે..તમે જણાવી શકશો એ આ લાશ તમારાં ધ્યાનમાં ક્યારે અને કેવી રીતે આવી..? "પોતાની ઓળખાણ આપતાં નાયક બોલ્યો.

"સાહેબ, હું અને મારાં ઘણાં મિત્રો રોજ સાંજે અહીં ગાર્ડનમાં વોક કરવાં માટે આવીએ છીએ..આજે સાંજે અમે જ્યારે અહીંથી પસાર થયાં તો ત્યાં જે પીપળાનું વૃક્ષ છે એની જોડેથી કંઈક બદબુ આવી રહી હતી..ઘણાં લોકો અહીંથી પસાર થતી વખતે મોં અને નાક પર હાથ રાખી દુર્ગંધથી બચવાની કોશિશ કરી રહ્યાં હતાં..પણ કોઈ એ જોવાની મહેનત નહોતું કરી રહ્યું કે એ દુર્ગંધ નું કારણ શું છે.."

"હું મારાં એક દોસ્ત ને સાથે લઈ અહીં મોજુદ મહેંદી નાં છોડ ને હાર ને વટાવી પીપળા ની નજીક પહોંચ્યો તો મેં જોયું કે ત્યાં ઝાડીઓની અંદર એક વિકૃત લાશ પડી છે..જેનાં હાથ અને પગનો ઘણો ખરો ભાગ મોજુદ જ નથી..હું દોડીને સિક્યુરિટી ગાર્ડ જોડે ગયો અને આ વિશે જણાવ્યું..એને લાશને જોતાં જ કહ્યું કે આ અમરત ની લાશ છે જે અહીં જ સિક્યુરિટી ગાર્ડ ની બીજી શિફ્ટમાં નોકરી કરતો હતો..અમે લોકો પણ આમ જોઈએ તો અમરત ને ઓળખતાં જ હતાં પણ એ હાલતમાં એ લાશ હતી એ જોયાં પછી તો માનવું જ અઘરું છે કે એ અમરત જ હતો.."નાયક નાં સવાલનો વિગતે જવાબ આપતાં અંકિત સુરાની એ કહ્યું.

"એક જવાબદાર નાગરિક તરીકેની ફરજ નિભાવવા બદલ આપનો ખુબ ખુબ આભાર..હવે મહેરબાની કરીને તમે અન્ય લોકો સાથે આ ગાર્ડન છોડી બહાર જશો તો અમને અમારું કામ કરવામાં સરળતા રહેશે.."નાયકે કહ્યું.

"ચોક્કસ.."આટલું કહી અંકિત સુરાની એ બાકીનાં લોકોને સમજાવી બગીચામાંથી બહાર જવાનું સૂચન કર્યું અને ત્યાંથી વિદાય લીધી.

"ચલો ત્યાં જઈને જોઈએ કે અમરત ની લાશ કઈ સ્થિતિમાં છે..અશોક તું ટોર્ચ ઓન કર.."પોતાનાં સાથી કર્મચારીઓ તરફ જોતાં નાયક બોલ્યો.

નાયકની વાત સાંભળી એને અનુસરતાં જાની, અશોક અને વાઘેલા પીપળાનાં વૃક્ષ ની નજીક જ્યાંથી માથું ફાડી નાંખતી દુર્ગંધ આવી રહી હતી એ તરફ અગ્રેસર થયાં..ત્યાં પહોંચી અશોકે પોતાની જોડે રહેલી ટોર્ચનો પ્રકાશ જેવો ત્યાં પડેલી લાશ પર ફેંક્યો એ સાથે જ બધાં પોતાનાં ચહેરા ફેરવીને બે ડગલાં પાછાં હટી ગયાં.

વાઘેલા ને તો અમરત ની લાશ ને જોઈ ઉબકા આવવાં લાગ્યાં..વાઘેલાની દશા જોઈ એને દૂર ઉભાં રહેવાનું કહી જાની અને અશોક સાથે નાયક પુનઃ અમરત ની લાશની નજીક ગયો.અંકિત સુરાની નાં કહ્યાં મુજબ સાચેમાં અમરતનાં હાથ પગ નો ઘણોખરો ભાગ મોજુદ નહોતો..જાણે કોઈએ ત્યાં બચકાં ભર્યાં હોય એવું લાગતું હતું..ત્યાં એક બીજી નવાઈની વાત નાયકે એ નોંધી કે અમરતનાં મૃતદેહમાં લોહી વધ્યું જ ના હોય એમ એનો મૃતદેહ જ્યાં હતો ત્યાં પણ જરાસરખું પણ લોહી નજરે ના ચડ્યું.

"કોઈએ આની હત્યા કરી લાશ ને અહીં ફેંકી દીધી લાગે છે..અને પછી રખડતાં કુતરાઓએ આની લાશ ની મિજબાની કરી હોવી જોઈએ.."અમરત ની લાશ નું નિરીક્ષણ કરી થોડે દુર ઉભેલાં વાઘેલા જોડે પહોંચી નાયક બોલ્યો.

"તો નાયક, હવે આ લાશનું શું કરીશું..? "જાની એ નાયક ને ઉદ્દેશતાં કહ્યું.

જાની ની વાત સાંભળી નાયકે લાલજી ને બોલાવ્યો અને અમરત નાં પરિવારમાં કોણ કોણ છે એ વિશે પૂછ્યું..જવાબમાં જાણવાં મળ્યું કે અમરત રાજસ્થાનનો રહેવાસી હતો..અને એનો ઘણો મોટો પરિવાર છે..નાયકે લાલજી ને અમરતાનાં ઘરે કોઈને આ બાબતની જાણ કરવાનુ જણાવી દીધું.

"અશોક, તું ફોરેન્સિક ટીમ અને ફોટોગ્રાફર ને અહીં બોલાવી અહીં ની દરેક વસ્તુની બારીકાઈથી તપાસ કરાવ..હું ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ હેડ યાસીર શેખ ને કોલ કરી આ વિશે માહિતી આપી દઉં છું..અમરત ની લાશ નું જેવું ફોરેન્સિક ટીમ દ્વારા નિરીક્ષણ થઈ જાય પછી એનાં મૃતદેહ ને શેખ સુધી પહોંચાડો એટલે અમરતની હત્યા કેવી રીતે થઈ એની માહિતી મળે.."અશોકને ઉદ્દેશીને નાયક બોલ્યો.

"જાની તમે અશોક જોડે જ રહો..હું અને વાઘેલા લાલજી જોડે જરૂરી સવાલાત પતાવી લઈએ.."આટલું કહી નાયક અને વાઘેલા લાલજીને થોડે દુર લઈ ગયાં.

"લાલજી, આ અમરત ને કોઈની સાથે કોઈ જાતની દુશ્મની..? "લાલજી તરફ જોઈ નાયકે મૃદુતાથી પૂછ્યું..અર્જુન જોડે રહીને અર્જુનની કામ કરવાની ઢબ થોડી ઘણી નાયક પણ શીખી ગયો હતો.

"ના સાહેબ..અમરત તો એકદમ ભગત માણસ હતો..આજસુધી એ કોઈ જોડે ઊંચા અવાજે બોલ્યો હોય એવું પણ મને યાદ નથી..આજ સવારે હું ડ્યુટી પર આવ્યો ત્યારે મેં અમરત ને જોયો નહીં.. આમ તો હું આવું પછી જ એ પોતાનાં રૂમ પર જાય છે પણ મને લાગ્યું કે કોઈ કામ હશે તો થોડો વહેલો નીકળી ગયો હશે એટલે આ વિષયમાં મેં વધુ માથાકૂટ કરી નહીં..આજે સાંજથી જ ઘણાં લોકો ત્યાં ફુવારા નજીક આવેલાં પીપળા જોડે દુર્ગંધ આવવાની ફરિયાદ કરતાં હતાં..પણ અત્યારે લોકોની અવરજવર વધુ હોવાથી હું ગેટ મૂકીને જઈ શકું એમ નહોતો..મેં વિચાર્યું કે અમરત આવે એટલે એને લઈને ત્યાં જોવાં જઈશ કે આખરે એ દુર્ગંધ નું કારણ શું છે..? ..પણ સાહેબ અમરત ની જ ત્યાં લાશ મળશે એનો તો મને સપનામાં પણ અંદાજો નહોતો.."ગળગળા સ્વરે લાલજી બોલ્યો.

"સારું લાલજી..તું જ્યાં સુધી અમે અહીંથી ના જઈએ ત્યાં સુધી ગેટ ઉપર જ ઉભો રહેજે..પછી તું તારાં ઘરે જઈ શકે છે..અને તે અમરત નાં ઘરે કોલ કર્યો કે નહીં.."લાલજી ને સાંત્વનાં આપતાં નાયક બોલ્યો.

"મેં અમરત નાં મોટાં ભાઈ નારાયણ ને કોલ કરી આ વિશે જણાવી દીધું છે..કાલે સવારે નારાયણ અહીં આવી જશે.."આટલું જણાવી લાલજી ગાર્ડનનાં મુખ્ય પ્રવેશદ્વાર તરફ આગળ વધ્યો.

નાયક નાં કહેવાથી અશોકે ફોરેન્સિક ટીમ અને ફોટોગ્રાફર ને કોલ કરી તાત્કાલિક આવી જવાં જણાવ્યું..જ્યારે નાયકે યાસીર શેખ ને આ ઘટના વિશે જાણ કરી દીધી..સાથે-સાથે નાયકે શેખને એમ પણ જણાવ્યું કે આજે રાતે શક્ય હોય તો એ લેબમાં જ રોકાય..જેથી સવાર સુધી આ હત્યાકાંડ વિશેની વિગતો પોલીસ ને મળી શકે.

થોડીવારમાં જ ફોરેન્સિક ટીમ અને પોલીસ કેસમાં આવતાં ફોટાગ્રાફર પણ ઘટનાસ્થળ પર આવી પહોંચ્યાં..નાયક ની દેખરેખ નીચે ફોરેન્સિક ટીમ દ્વારા અમરત ની લાશ જ્યાંથી મળી હતી એની નજીકનાં વિસ્તારને કોર્ડન કરીને આસપાસનાં વિસ્તારની વ્યવસ્થિત રીતે તપાસ કરવામાં આવી..ફોટોગ્રાફર દ્વારા પણ અમરત ની લાશ અને એની નજીકની દરેક વસ્તુઓનાં બારીકાઈથી ફોટો લેવામાં આવ્યાં.

સમગ્ર કાર્યવાહી પૂર્ણ થતાં બે કલાક જેટલો સમય નીકળી ગયો..રાતનાં લગભગ સાડા દસ વાગે અમરત ની લાશને એક સ્ટ્રેચર પર રાખીને ફોરેન્સિક લેબ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી.

"ચલો તો હવે પોલીસ સ્ટેશન જઈએ..આજની રાત વાઘેલા તમારી ડ્યુટી હોવાથી અમે તમને પોલીસ સ્ટેશન ઉતારી પોતપોતાનાં ઘર તરફ જવા રવાના થઈ જઈશું..."અમરત ની લાશ ને ફોરેન્સિક તપાસ માટે મોકલ્યાં બાદ નાયક વાઘેલાની તરફ જોઈને બોલ્યો.

અમરત ની લાશ જોયાં બાદ અંદર સુધી ધ્રુજી ગયેલાં વાઘેલાને એકવાર તો થયું કે પોતે આજની રાત પોલીસ સ્ટેશનમાં રોકાવાની ના પાડી દે..પણ હવે આટલી વાતમાં પોતે ડરીને પોલીસ સ્ટેશનમાં રોકવાની ના પાડે તો પોતાનાં સાથી અધિકારીઓ વચ્ચે પોતાની કેવી છાપ ઉભી થાય એમ વિચારી વાઘેલા ચૂપ જ રહ્યાં.

અમરત ની જે હાલત થઈ હતી એ પોતાની સગી આંખે જોયાં બાદ નાયક અને એની ટીમની ત્યાંથી વિદાય થતાં જ લાલજી પણ ગાર્ડનનાં ગેટ ને તાળું મારી ઘરે જવા રવાના થઈ ગયો..વીસેક મિનિટમાં તો નાયક, અશોક, જાની અને વાઘેલા પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા..અમરત ની લાશ વિશે ની માહિતી થોડી ઘણી પોલીસનાં ચોપડે નોંધી વાઘેલા સિવાયનાં બીજાં બધાં પોતપોતાનાં ઘર તરફ જવા અગ્રેસર થયાં.

એવું નહોતું કે પોલીસ સ્ટેશનમાં વાઘેલા એકલો જ હતો..એની સાથે બીજાં સાત-આઠ કોન્સ્ટેબલ પણ રાત દરમિયાન પોલીસ સ્ટેશનમાં જ રોકાતાં..છતાં ડરપોક પ્રકૃતિનો વાઘેલા પોલીસ સ્ટેશનમાં રાત રોકવામાં આજે ડર અનુભવી રહ્યો હતો..પોતાની અલગ કેબિન આપી હોવાં છતાં ત્યાં જવાનાં બદલે વાઘેલા બેઠકરૂમમાં રાખેલી પાટલી પર જ સુઈ ગયો.

ફોરેન્સિક ટીમનાં સભ્યો સરદાર પટેલ ગાર્ડનમાંથી મળેલી અમરત ની લાશને લઈને અગિયાર વાગ્યાનાં સુમારે ફોરેન્સિક લેબ આવી પહોંચ્યાં..જ્યાં ફોરેન્સિક ડિપાર્ટમેન્ટનો હેડ યાસીર શેખ અમરત ની લાશ ને ત્યાં લાવવાની જ રાહ જોઈ રહ્યો હતો..દિપક અને વિશાલ સિવાયનાં બાકીનાં ફોરેન્સિક ટીમનાં સભ્યો અમરત ની લાશ ને લેબ સુધી પહોંચાડયાં બાદ પોતપોતાનાં ઘર તરફ અગ્રેસર થયાં.

"આ મૃતદેહ ને અહીં લેબ ની વચ્ચે રાખો.."વિશાલ અને દિપક ને આદેશ આપતાં શેખ બોલ્યો.

પોતાનાં સિનિયર નો આદેશ માની દિપક અને વિશાલે સાચવીને અમરતનાં મૃતદેહને લેબની મધ્યમાં આવેલાં ટેબલ પર રાખી દીધી.દિપક અને વિશાલ જોડે ડેડબોડીનાં એક્ઝેમાઈનમાં ઉપયોગી મેડિકલ ટુલ મંગાવ્યાં બાદ શેખ પોતાનાં કામમાં લાગી ગયો..જે-જે વસ્તુ શેખનાં ધ્યાને ચડતી એને એ લેબનાં રિપોર્ટ કાર્ડમાં ટપકાવતો હતો.

"શું લાગે છે સાહેબ..આવી ઘાતકી હત્યા કોને કરી હશે..? "વિશાલે લેબમાં વ્યાપ્ત ચુપ્પી તોડતાં શેખને સવાલ કર્યો.

"આનાં હાથ અને પગનું ઘણું ખરું માંસ કુતરાઓ દ્વારા ભક્ષણ કરવામાં આવ્યું છે એ બાબતે હું સ્યોર છું..કેમકે આ મૃતદેહનાં હાથ અને પગ પર લાળનાં ટીસ્યુ છે..જેમાં મોજુદ DNA સાફ સાબિત કરે છે કે આ કામ કૂતરાઓનું છે.."શેખ બોલ્યો.

"તો શું અમરત જેવાં તંદુરસ્ત માણસની હત્યા કૂતરાંઓ દ્વારા કરવામાં આવી..? "શેખની વાત સાંભળી દિપકે સવાલ કર્યો.

"એ બાબતે હું ચોક્કસ નથી..કેમકે મને લાગે છે ત્યાં સુધી તો કુતરાઓ દ્વારા એનાં શરીરનું ભક્ષણ થયું એ પહેલાં જ એ મૃત્યુ પામ્યો હતો..ઉપરથી એનાં શરીર પર પડેલાં કોઈ ઘા ઉપર લોહીનો નાનો પણ અંશ નથી.."શેખ કાચની સ્લાઈસ પર કોઈ લિકવિડ નાંખતાં બોલ્યો.

"આવો મૃતદેહ તો મેં પહેલી વખત જોયો જેનાં શરીરમાં એક ગ્રામ પણ લોહી નથી વધ્યું.."નવાઇભર્યા સુરમાં વિશાલ બોલ્યો.

આ દરમિયાન શેખની નજર અમરતની ગરદન પર ગઈ..અમરતનાં ગળા પર બનેલું આ નિશાન જોઈ શેખ થોડો ચમક્યો..આ નિશાન કોઈ રાની પશુનાં દાંતનાં હોવાનું અનુમાન લગાવતો શેખ અમરતનાં મૃતદેહ નજીક ગયો અને એનાં ગરદન પર મોજુદ દાંતનાં નિશાનોને નીરખીને જોવાં લાગ્યો.

શેખે કંઈક મનોમંથન કરી એક રૂ નું પુમડું લીધું અને એની મદદથી અમરતનાં ગરદન પર પડેલાં ઘા ની ફરતે પુમડું સાચવીને ફેરવ્યું..આ પુમડા પર અમરત નાં ગળે બચકું ભરનારાં હિંસક જીવનું DNA હોવાનું અનુમાન લગાવતાં શેખે એ પુમડું સીધું જ માઇક્રોસ્કોપ ની નીચે રાખી દીધું.

વિશાલ અને દિપક તો ચૂપચાપ શેખ જે કંઈપણ કરી રહ્યો હતો એ નિહાળી રહ્યાં હતાં..દોઢેક વર્ષથી શેખ જોડે હોવાથી એ બંનેને ખબર હતી કે કામ કરતો હોય ત્યારે શેખ કોઈનું પણ વચ્ચે બોલવું પસંદ નહોતો કરતો.

રુનાં પુમડાને માઇક્રોસ્કોપ નીચે રાખી એનું એક્ઝેમાઈન કરતાં શેખ નાં ચહેરા પર અચાનક નવાઈભરી રેખાઓ ઉભરી આવી..ઘણો સમય સુધી બારીકાઈથી એ પુમડાં પર મોજુદ DNA જોયાં બાદ જાણે કોઈ ભૂત જોઈ લીધું હોય એવાં ભાવ સાથે શેખે માઇક્રોસ્કોપ પરથી નજર હટાવી અને બોલ્યો.

"This is not possible.. આ શક્ય નથી.."

★★★

વધુ આવતાં અંકમાં.

કેમ શેખ એવું બોલ્યો કે આ શક્ય નથી...? કોને કરી હતી અમરતની હત્યા.? દરિયામાંથી આવેલી એ માનવાકૃતિ કોની હતી..? અર્જુન ને લાશ વિશે ન જણાવી એનાં સાથી અધિકારીએ સારું કર્યું હતું કે ખોટું..? આવાં જ સવાલો નાં જવાબ માટે વાંચતાં રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલનો નવો ભાગ..આ નોવેલ મંગળવારે અને શુક્રવારે પ્રસારિત થાય છે એની નોંધ લેવી.

તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો..આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોત ની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

મર્ડર એટ રિવરફ્રન્ટ

The ring

~જતીન.આર.પટેલ (શિવાય)