ડેવિલ રિટર્ન-1.0 - 6 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડેવિલ રિટર્ન-1.0 - 6

ડેવિલ રિટર્ન-1.0

(6)

અર્જુનની ગેરહાજરીમાં રાધાનગરમાં અમરત નામનાં વ્યક્તિની લાશ મળે છે.ફોરેન્સિક રિપોર્ટ ઘણો વિચિત્ર હોવાં છતાં નાયક અમરતની મોત જંગલી જનાવરનાં હુમલામાં થયું હોવાનું માની કેસ ક્લોઝ કરે છે..એક વરુ જંગલ ખાતાનાં અધિકારીઓ પકડી પાડે છે..રાધાનગરનાં વાતાવરણમાં તીવ્ર પલટો આવે છે જેનાં લીધે ફાધર વિલિયમ ને કોઈ અજાણી ચિંતા સતાવી રહી હોય છે..રાધાનગર પોલીસસ્ટેશનમાં એક કોલ આવે છે.

"કુલ કેટલાં લોકોની લાશ છે.."લેન્ડલાઈન પર આવેલાં કોલને રિસીવ કરનાર દેસાઈનાં આ સવાલે બધાં પોલીસ અધિકારીઓની ઊંઘમાં પળભરમાં ગાયબ કરી મૂકી હતી.

"સારું હું બીજાં પોલીસ કર્મચારીઓ સાથે ત્યાં આવું છું.."આટલું કહી દેસાઈએ લેન્ડલાઈનનું રિસવર એની જગ્યાએ પાછું રાખ્યું.

દેસાઈનાં કોલ રાખતાં જ જાની અને અન્ય પોલીસ સ્ટાફ દેસાઈની ફરતે ઉભો રહી એની તરફ સવાલસુચક નજરે જોઈ રહ્યો હતો..એ લોકોનાં મનમાં શું સવાલો હતાં એ જાણતાં દેસાઈએ કહ્યું.

"રમેશભાઈ નો ફોન હતો..આ રમેશભાઈ એ જ વ્યક્તિ છે જેમને ગુજરાત સરકાર તરફથી શ્રેષ્ઠ વ્યાયામ શિક્ષક નો એવોર્ડ મળ્યો હતો.."

હજુ દેસાઈ એની વાત પૂરી કરે એ પહેલાં તો અધીરા બનેલાં જાની એ કહ્યું.

"હા..ઓળખું છું રમેશભાઈ ને તો..હવે એ બોલ કે રમેશભાઈ એ શું કહ્યું..? અને તું કઈ લાશો ની વાત કરી રહ્યો હતો..? "

"સાહેબ, રમેશભાઈ સવારે વોકિંગ પર રોજ વહેલા જાય છે..તો આજે જેવાં એ શહેર ની નજીક આવેલાં તળાવ જોડે પહોંચ્યાં ત્યાં એમને તળાવની અંદર કંઈક તરતું જોયું..વહેલી સવાર અને ધુમ્મસ નાં લીધે એમને પહેલાં તો કંઈ સ્પષ્ટ ના દેખાયું ..પણ પોતાની જોડે રહેલી ટોર્ચનો પ્રકાશ એ તરફ ફેંકતાં એમની નજરે એક સ્ત્રીની લાશ પડી..હજુ તો એ દ્રશ્ય નાં આઘાતમાંથી એ બહાર આવે એ પહેલાં બીજી બે લાશો એમને જોઈ અને તાત્કાલીક અહીં પોલીસ સ્ટેશનમાં કોલ લગાવ્યો.."જાનીનાં સવાલનો જવાબ આપતાં દેસાઈ બોલ્યો.

દેસાઈની આ વાત સાંભળી જાની તો અવાચક થઈ ગયો..એનું મગજ તો આ ખબર સાંભળી ચકરાવે ચડી ગયું..શું કરવું..? શું ના કરવું ? એ વિશે જાની થોડો સમય તો નિર્ણય જ ના લઈ શક્યો.

"હવે શું કરવાનું છે આગળ..? "દિશાશુન્ય અવસ્થામાં ઉભેલાં જાની ને જોઈ દેસાઈ બોલ્યો.

"જલ્દી એક ટીમ તૈયાર કરો..આપણે બે મિનિટમાં નીકળીએ ત્યાં જવાં..તમે બધાં જીપમાં બેસો ત્યાં સુધી હું નાયકને કોલ કરી આ વિશે જાણ કરી દઉં."દેસાઈને પ્રત્યુત્તર આપતાં જાની બોલ્યો.

છ કોન્સ્ટેબલો સાથે ઘટનાસ્થળ પર કામમાં આવે એવી વસ્તુઓને જ્યાં સુધી દેસાઈએ જીપમાં રખાવી ત્યાં સુધી નાયક ને કોલ કરી જાનીએ આ ગોઝારી ઘટનાની જાણકારી આપી દીધી.

જીપ માં બાકીનાં કોન્સ્ટેબલો ગોઠવાઈ ગયાં બાદ ત્રણ કોન્સ્ટેબલો ને પોલીસ સ્ટેશનમાં રોકાવાનું કહી જાની પોતાની રિવોલ્વર અને ટોપી લઈ પોલીસ સ્ટેશનનાં દરવાજે પહોંચ્યો હતો ત્યાં પુનઃ લેન્ડલાઈન રણક્યો..જાની ઉતાવળાં ડગલે લેન્ડલાઈન જોડે પહોંચ્યો અને રીસીવર કાને ધરતાં બોલ્યો.

"હેલ્લો..રાધાનગર પોલીસ સ્ટેશનમાંથી હેડ કોન્સ્ટેબલ જાની વાત કરું..તમે કોણ બોલો..? "

"સાહેબ..હું દામજી બોલું..ખેતરમાં રાત્રી રોકાણ બાદ ઘરે જતો હતો તો સરદાર પટેલ બગીચાની જોડે જે ઝાડીઓ છે ત્યાં પેશાબ કરવાં જતો હતો..તો પગમાં કંઈક આવતાં હું નીચે પડતાં રહી ગયો..પહેલાં તો એ તરફ ધ્યાન ના આપ્યું પણ પેશાબ કરી પાછો આવતો હતો ત્યાં મારી નજર એક મૃતદેહ પર પડી..હું ગભરાઈને ત્યાંથી બગીચા જોડે આવ્યો અને તરત જ પોલિસ સ્ટેશનમાં કોલ કર્યો.."સામેથી એક નવો ઘટસ્ફોટ જાનીનાં કાને પડ્યો.

"હું થોડીવારમાં ત્યાં પહોંચું છું..તું ત્યાં જ ઉભો રહેજે.."આટલું કહી જાની એ રીસીવર નીચે મુક્યું અને પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળી જીપ ની જોડે આવ્યો..લેન્ડલાઈન ની રિંગ શાંત વાતાવરણ નાં લીધે જીપમાં બેસેલાં બધાં નાં કાને પડી હોવાથી દેસાઈએ જાણ ખાતર જાની ને પૂછ્યું.

"સાહેબ, પાછો કોનો કોલ હતો..? "

"દેસાઈ..લાગે છે આજનો દિવસ રાધાનગર નાં લોકોની શાંતિ ને હણનારો સાબિત થવાનો છે.."નિઃસાસો નાંખતાં જાની બોલ્યો.

"શું થયું એ જણાવશો..? "દેસાઈએ જાની નો હતાશામાં ગરકાવ અવાજ સાંભળી કહ્યું.

"બીજી એક જગ્યાએ પણ કોઈની લાશ મળી આવી છે.."આટલું કહી જાની એ દામજી સાથે થયેલી વાત વિશે બધું જણાવી દીધું.

"તો સાહેબ આપણે તળાવે જઈએ કે પછી બગીચા જોડે..? "અસમંજસ ભરી સ્થિતિનું નિર્માણ થતાં દેસાઈએ જાની ને પૂછ્યું.

દેસાઈનો આ પ્રશ્ન સાંભળી થોડું વિચાર્યા બાદ જાની બોલ્યો.

"આપણે કુલ આઠ જણા છીએ..નાયક ને કોલ કરી તળાવે આવવાં કહી દીધું છે..અશોક અને અબ્દુલ બંને નું ઘર સરદાર પટેલ ગાર્ડનથી દસેક મિનિટનાં અંતરે છે..તો એક કામ કરૂં એ બંને ને ત્યાં આવવાં જણાવી દઉં..આપણે જતાં-જતાં ત્રણ કોન્સ્ટેબલ ત્યાં ઉતારી દઈશું.."

"બરાબર વિચાર છે.."દેસાઈ બોલ્યો.

દેસાઈનાં આમ બોલતાં જ જાની એ સમય બગાડયાં વિના પહેલાં અશોક અને પછી અબ્દુલને બધી વાતો ટૂંકમાં જણાવી ગાર્ડન જોડે પહોંચવાનો આદેશ આપી દીધો..અને પછી દેસાઈને ફટાફટ જીપને ગાર્ડન તરફ ભગાવવા જણાવી દીધું.

****

જાની જ્યારે પોલીસ સ્ટેશનમાંથી નીકળી જીપ લઈને સરદાર પટેલ ગાર્ડન જોડે પહોંચ્યો ત્યારે અશોક અને અબ્દુલ બંને ત્યાં આવી પહોંચ્યા હતાં..જાની નો ફોન આવતાં જ ફટાફટ આવ્યાં હોવાનાં લીધે અબ્દુલ અને અશોક બંને અત્યારે નાઈટ ડ્રેસમાં હતાં.એ બંને ની જોડે એક માણસ ઉભો હતો..જે જાની નાં જીપ લઈને ત્યાં પહોંચતાં જ અબ્દુલ અને અશોકની સાથે-સાથે જીપ તરફ અગ્રેસર થયો.

"રાકેશ, ફૈઝલ અને હરિ તમે અહીં જ ઉતરી જાઓ..અને અશોક તથા અબ્દુલ ની આગળની કાર્યવાહીમાં મદદ કરો.."પોતાની જોડે આવેલાં કોન્સ્ટેબલોમાંથી ત્રણ કોન્સ્ટેબલને ઉદ્દેશીને જાની બોલ્યો..એનાં આમ કહેતાં જ જીપની પાછળનાં ભાગમાં બેસેલાં ત્રણ કોન્સ્ટેબલ જીપમાંથી હેઠે ઉતરી ગયાં.

"મારુ નામ દામજી છે અને મેં જ હમણાં કોલ કર્યો હતો પોલીસ સ્ટેશનમાં.."અશોક અને અબ્દુલ જોડે મોજુદ લઘરવઘર કપડાં પહેરેલો માણસ જાની ને ઉદ્દેશીને બોલ્યો.

"દામજી.. તું આ બંને સાહેબને લાશ ક્યાં પડી છે એ જણાવ..અને એમની સાથે રહેજે..હું એક બીજાં કામે જાઉં છું.."દામજી ની તરફ જોઈ જાની બોલ્યો.

"સારું તો સાહેબ તમે નીકળો..અહીં નું હું અને અશોક અમારી રીતે જોઈ લઈશું.."અબ્દુલ બોલ્યો.

અબ્દુલ નાં આમ બોલતાં જ જાની એ દેસાઈને જીપને તળાવ તરફ ભગાવી મુકવાનો આદેશ આપી દીધો..આ સાથે જ દેસાઈએ એક્સીલેટર પર પગ મૂક્યો અને જીપને ભગાવી મુકી રાધાનગર શહેરની ઉત્તર દિશામાં આવેલાં તળાવની તરફ.

હજુ જાની જેવો તળાવની જોડે આવેલી સમતલ જગ્યાએ જીપ ઉભી રખાવી જીપમાંથી દેસાઈ અને અન્ય કોન્સ્ટેબલો સાથે નીચે ઉતર્યો ત્યાં રોડ તરફથી એક બાઈક આવતી દેખાઈ.. એ જોતાં જ જાની સમજી ગયો કે નક્કી બાઈક લઈને નાયક જ આવ્યો હશે..નાયકે બાઈકની હેડ લાઈટનાં પ્રકાશમાં પોલીસ ની વરદીમાં સજ્જ વ્યક્તિઓને દૂરથી જોઈ અનુમાન લગાવી દીધું હતું કે એ જાની અને પોલીસ સ્ટાફ જ છે.

"જાની.. ક્યાં છે રમેશભાઈ.. દેખાતાં નથી..? "બાઈકમાંથી ઉતરતાં જ નાયકે જાની ને સવાલ કર્યો.

"આ અહીં ઉભો સાહેબ.."એક લીમડા નાં વૃક્ષ જોડેથી એમની તરફ અગ્રેસર થતાં રમેશભાઈ બોલ્યાં.સિત્તેર વર્ષની ઉંમર હોવાં છતાં રમેશભાઈ નો શારીરિક બાંધો અને સ્ફૂર્તિ એવી હતી કે વીસ વર્ષનો યુવાન પણ એમની આગળ તો સાવ ફિક્કો જ પડે.

"કેમ છો કાકા..મજામાં ને..? "નાયક રમેશભાઈ ને સારી રીતે ઓળખતો હોવાથી એમની તરફ આગળ વધી હાથ મિલાવતાં બોલ્યો.

"દ્વારકાધીશ ની મહેરબાનીથી મજામાં છું..પણ અહીં જે દ્રશ્ય મેં જોયું એ જોયાં બાદ હું મારી જીંદગીમાં કોઈ વસ્તુથી પ્રથમ વખત આટલો ભયભીત થયો છું.."તળાવની તરફ આંગળી કરી ધ્રુજતાં ધ્રુજતાં રમેશભાઈએ કહ્યું.

"તમે ઈચ્છો તો ઘરે જઈ શકો છું..અમે અમારી રીતે તપાસ કરી લઈશું.."રમેશભાઈ ને ધ્રુજતાં જોઈ નાયક બોલ્યો.

"ના સાહેબ..તમતમારે તમારું કામ પૂરું કરો..હું અહીં જ ઉભો છું..એક જવાબદાર શહેરીજન તરીકે મારી પણ ફરજ બને છે કે તમારી સાથે ખડેપગે ઉભું રહેવું.."રમેશભાઈ એ કહ્યું.

એમની વાત સાંભળી રમેશભાઈ પ્રત્યે મનોમન ગર્વ મહેસુસ કરતો નાયક તળાવની તરફ આગળ વધ્યો..રમેશભાઈએ દેસાઈ ને કહ્યું હતું એ મુજબ તળાવમાં ત્રણ લોકોની લાશ તરી રહી હતી..મતલબ કે સ્થિતિ ઘણી ગંભીર હતી.પોતાનાં સ્ટાફ જોડે રહેલી ટોર્ચનાં પ્રકાશમાં સરખી તપાસ શક્ય નથી એ જાણતાં નાયકે તાબડતોડ પોતાનાં ઓળખીતાં એક લાઈટિંગ વાળાં ને કોલ કરી એક જનરેટર અને ત્રણ-ચાર હેલોજન સાથે તળાવ કિનારે આવી જવાં જણાવ્યું.

ત્યારબાદ નાયકે તરવૈયાઓ, ફોરેન્સિક ટીમ અને ફોટોગ્રાફર ને પણ કોલ કરી ત્યાં આવવાં જણાવી દીધું.. ખૂબ ઓછાં સમયમાં નાયક જે રીતે અર્જુનની સાથે રહી ધડાઈ ગયો હતો એ જોઈ જાની મનોમન ખુશ થઈ રહ્યો હતો અને મનોમન એસીપી અર્જુનને સલામ કરી રહ્યો હતો.

જ્યાં સુધી લાઈટિંગવાળો ના આવે ત્યાં સુધી પોતાની રીતે તપાસ કરવાનાં હેતુ સાથે નાયક તળાવની તરફ આવી પહોંચ્યો.

****

નાયક જ્યાં જાની અને દેસાઈ સાથે તળાવ કિનારે તપાસ કરવામાં વ્યસ્ત હતો તો બીજી તરફ દામજી ને સાથે રાખી અબ્દુલ અને અશોક પણ બગીચાની જોડે આવેલી ઝાડીઓ તરફ તપાસ કરવાનાં હેતુથી આગળ વધ્યાં.

"દામજી, તે જોયું ખરું કે એ લાશ કોની છે..? "ઘટનાસ્થળ તરફ આગળ વધતાં અશોકે દામજી ને પૂછ્યું.

"સાહેબ..હું તો જેવો પેશાબ કરી નીકળતો હતો ત્યાં મારી નજર અનાયાસે જ એ વસ્તુ પર પડી જે મારાં પગમાં આવતાં હું પડતાં પડતાં બચ્યો..એ કોઈ મનુષ્ય નો પગ હતો..થોડું નીચું નમીને જોયું તો ત્યાં એક ઊંધા માથે શર્ટ પેન્ટ પહેરેલી વ્યક્તિ પડી હતી..ચહેરો તો સાફ નથી જોયો પણ એને જોતાં જ લાગ્યું કે એ જીવિત નથી એટલે હું ડરીને ત્યાંથી દૂર આવતો રહ્યો.."દામજી અશોકનાં સવાલનો જવાબ આપતાં બોલ્યો.

અશોક અને દામજી ની વાતચીત દરમિયાન અબ્દુલ ની પરમદિવસ રાતની ઘટના યાદ આવી જ્યારે એ અહીંથી પોલીસ સ્ટાફ સાથે જીપ લઈને પસાર થયો હતો..અબ્દુલ ને મનોમન એવું લાગી રહ્યું હતું કે અહીં જે વ્યક્તિનો મૃતદેહ હતો એને જ શાયદ પોતાને મદદ માટે અવાજ આપ્યો હતો..પોતાનાં સાથી કર્મચારીઓની વાત સાંભળી પોતે જીપમાંથી હેઠે ના ઉતર્યો એ વાત ની ગ્લાનિ અને પસ્તાવો અત્યારે અબ્દુલ મહેસુસ કરી રહ્યો હતો..એસીપી અર્જુને કહેલી એક વાત અત્યારે અબ્દુલનાં કાનમાં વારંવાર પડઘાઈ રહી હતી કે 'જ્યારે તમારું દિલ કોઈ સંકેત આપે ત્યારે દુનિયાનું સાંભળ્યાં વિના એકવાર દિલનો સંકેત માની એને અનુસરવું જોઈએ..'

"સાહેબ..ત્યાં પડી છે લાશ.."કાચા રસ્તે પહોંચી દૂરથી જ અંધારામાં આંગળી કરતાં દામજી બોલ્યો.

"સારું..તું અહીં ઉભો રહે..તારી હમણાં જરૂર પડશે.."દામજી ને ત્યાં જ રોકવાની હિદાયત આપી અશોક અને અબ્દુલ અન્ય ત્રણ કોન્સ્ટેબલ રાકેશ, ફૈઝલ અને હરિ સાથે ઘટનાસ્થળ તરફ અગ્રેસર થયાં.

અશોકે ટોર્ચનાં પ્રકાશમાં દામજી એ બતાવેલી જગ્યાએ જઈને જોયું તો ત્યાં સફેદ શર્ટ અને ક્રીમ કલરનું પેન્ટ પહેરેલી એક વ્યક્તિ ઊંધા માથે પડી હતી..એનાં મૃતદેહમાંથી દુર્ગંધ પણ આવી રહી હતી જે એ વાતનો સંકેત હતી કે એ વ્યક્તિને મૃત પામે એક દિવસથી વધુ સમય થઈ ગયો હતો..અને અબ્દુલ હવે એ બાબતે ચોક્કસ હતો કે પોતે મદદ માટે જેનો અવાજ સાંભળ્યો હતો એ આ જ વ્યક્તિ હતો.

"ગ્લોવ્ઝ.."હરિ તરફ જોઈ અશોક બોલ્યો..અશોક ની વાત સાંભળી હરિ એ પોતાની ખિસ્સામાંથી હેન્ડ ગ્લોવ્ઝ નીકાળી અશોક તરફ લંબાવ્યાં..હાથમાં હેન્ડ ગ્લોવ્ઝ પહેરી અશોકે એ મૃતદેહ ને સીધો કર્યો એ સાથે જ રાકેશનાં મોંઢેથી આશ્ચર્ય સાથે બોલાઈ ગયું.

"આ તો મહાદેવ કાકા નો રવિ છે.."

"તું ઓળખે છે આને..? "રાકેશની તરફ જોતાં અબ્દુલે પૂછ્યું.

"અરે હા..મારાં ઘરની જોડે જે દરજીની દુકાન છે ને એમાં આ પહેલાં કારીગર હતો..પછી આની ક્યાંક નોકરી લાગી એટલે ત્રણ મહિનાથી નથી આવતો ત્યાં..આ રવિ જ છે એ નક્કી છે.."રાકેશ બોલ્યો.

રાકેશ ની વાત સાંભળ્યાં બાદ અશોક પોતાનાં કામમાં લાગી ગયો..મૃતદેહ નાં શરીર પર કોઈ ઈજાનું નિશાન છે કે નહીં..એનાં જોડે કોઈ આઇડેન્ટિટી પ્રુફ મોજુદ છે કે નહીં..? અને ઘટનાસ્થળે કોઈનાં પગ નાં નિશાન કે કોઈ અન્ય શંકાસ્પદ વસ્તુ છે કે નહીં..? આ સવાલોનો સુસંગત વસ્તુઓની તપાસ કર્યાં બાદ અશોક ત્યાંથી ઉભો થયો અને ઘટનાસ્થળથી થોડે દુર આવ્યો.

અશોકની પાછળ-પાછળ અન્ય કર્મચારીઓ પણ પણ ત્યાંથી દૂર આવી અશોક જોડે ઉભાં રહ્યાં.

"હરિ..વિકટીમ નાં ખિસ્સામાંથી મળેલું આ વોલેટ અને મોબાઈલ પોલીથીન બેગમાં મૂકી દે.."વોલેટ અને મોબાઈલ કોન્સ્ટેબલ હરિ ને આપતાં અશોક બોલ્યો.

"શું લાગે છે તને..આ રવિ ની હત્યા થઈ છે કે પછી કોઈ કુદરતી મોત..? "અબ્દુલે અશોક ને પ્રશ્ન કર્યો.

"ભાઈ આનાં શરીર પર કોઈ નાની અમથી પણ ઈજા નું નિશાન નથી એટલે એ ખબર નથી પડતી કે આ હત્યા જ છે કે કેમ..પણ રવિની ગરદન પર મેં એવું જ નિશાન જોયું જેવું નિશાન આ બગીચામાં મળેલ અમરતનાં મૃતદેહ ની ગરદન પર હતું.."અશોક બોલ્યો.

"પણ અમરત ની મોત નું કારણ કોઈ જંગલી જાનવરનો હુમલો હતું..અને એ જાનવર એક વરુ હતું જેને જંગલખાતા નાં માણસો પાંજરે પુરી પોતાની સાથે લઈ ગયાં.. તો પછી રવિ ની મૃતદેહ પર બિલકુલ એવું જ નિશાન..? "વિસ્મય સાથે અબ્દુલ બોલ્યો.

"એવું હોઈ શકે કે અમરત નું મોત સાચેમાં કોઈ જાનવર નાં હુમલામાં થયું હોય..પણ એ કોઈ વરુ તો નથી જ એ બાબતે હું સ્યોર છું.."અશોક બોલ્યો.

"એ જાનવર વરુ નથી તો પછી શું છે..? "અશોકની વાત સાંભળી ક્યારનોય ચૂપ ઉભેલો ફૈઝલ બોલ્યો.

"એ જાનવર કયું છે એની તો ખબર નથી પણ એ જાનવર તમારી અને મારી કલ્પનાશક્તિ કરતાં પણ અધિક શક્તિશાળી છે..બાકી બીજું તો ફોરેન્સિક લેબમાં ખબર પડી જ જશે.."આટલું કહી અશોકે ફોરેન્સિક ટીમને કોલ કરી અહીં આવવાં જણાવી દીધું..જવાબમાં ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ તરફથી એમ કહેવામાં આવ્યું કે ઈન્સ્પેકટર નાયકનાં કહેવા પર એ લોકો તળાવ તરફ જાય છે તો રસ્તામાં બે ફોરેન્સિક ટીમનાં સભ્યોને ત્યાં ઉતરતાં જશે.

ફોરેન્સિક ટીમ નાં આવવાની રાહ જોઇને ઉભેલો અશોક મનોમન ગહન મનોમંથન કરી રહ્યો હતો કે 'અહીં તો ફક્ત એક વ્યક્તિની લાશ મળી છે..પણ તળાવમાં તો ત્રણ-ત્રણ લોકોની લાશ પડી છે..મતલબ એક રાતમાં ચાર લોકોની લાશ મળવી..અને આ ઘટના રાધાનગરનાં લોકોને અંદર સુધી ડરાવવા કાફી છે'..આ બધું વિચારી અશોક ને એસીપી અર્જુનની કમી મહેસુસ થઈ રહી હતી.

અહીં અશોક પોતાની તપાસ પૂર્ણ કરી ચુક્યો હતો તો તળાવ જોડે મોજુદ નાયક, જાની, દેસાઈ અને અન્ય પોલીસકર્મીઓ તળાવનાં કિનારે આવીને ઉભાં રહ્યાં.

"સાહેબ..ત્યાં જોવો..એક સ્ત્રી અને બે પુરુષની એમ ત્રણ લાશો તરતી દેખાય છે.."દેસાઈએ એ લોકો ઉભાં હતાં એ કિનારાથી નજીક તળાવનાં પાણીમાં તરતી ત્રણ લાશો તરફ આંગળી કરતાં કહ્યું.

"સાહેબ ત્યાં પણ કંઈક તરતું દેખાય છે.."એક કોન્સ્ટેબલ એ લોકો જ્યાં ઉભાં હતાં એની ડાબી તરફ ટોર્ચ નો પ્રકાશ ફેંકતા બોલ્યો.

એની વાત હજુ પુરી જ થઈ હતી ત્યાં જાની ડર અને ચિંતામાં ડૂબેલા અવાજે બોલ્યો.

"નાયક આ તરફ પણ જો.."

★★★

વધુ આવતાં અંકમાં.

તળાવમાં કુલ કેટલી લાશો હતી..? આ બધી લાશો મળવાં પાછળ કોણ જવાબદાર હતું..? રાધાનગરનાં બદલાયેલાં વાતાવરણનું કારણ શું હતું..? દરિયામાંથી આવેલી એ માનવાકૃતિઓ કોની હતી..? અર્જુન ને લાશ વિશે ન જણાવી એનાં સાથી અધિકારીએ સારું કર્યું હતું કે ખોટું..? આવાં જ સવાલો નાં જવાબ માટે વાંચતાં રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલનો નવો ભાગ..આ નોવેલ મંગળવારે અને શુક્રવારે પ્રસારિત થાય છે એની નોંધ લેવી.

તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો..આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોત ની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

મર્ડર એટ રિવરફ્રન્ટ

The ring

~જતીન.આર.પટેલ (શિવાય)