ડેવિલ રિટર્ન-1.0 - 9 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડેવિલ રિટર્ન-1.0 - 9

ડેવિલ રિટર્ન-1.0

(9)

રાધાનગર પોલીસસ્ટેશનમાં એક કોલ આવે છે જેનાં અનુસંધાનમાં તળાવ કિનારે પહોંચેલાં નાયક ને કુલ સાત લાશો મળી આવે છે.બગીચા જોડેથી મળેલી લાશ કોઈ રવિ નામનાં વ્યક્તિની હોય છે જેની ગરદન પર બનેલાં નિશાન જોઈ અશોક અંદર સુધી ફફડી જાય છે.અશોકનાં કરેલાં કોલ નાં લીધે અર્જુન પોતાની ટુર ને ટૂંકાવી રાધાનગર પાછો આવે છે..કોનફરન્સ હોલમાં અર્જુન પોલીસકર્મીઓઓને પોતાનાં ત્યાં આવવાનું કારણ જણાવે છે..અને પછી ફોરેન્સિક રિપોર્ટ વાંચવાનું શરૂ કરે છે.

ફોરેન્સિક રિપોર્ટ વાંચતાં અર્જુનનો ચહેરો એ દર્શાવવા કાફી હતો કે રિપોર્ટમાં કંઈક તો એવી માહિતી છે જે ખરેખર આંચકાજનક છે..આખરે અર્જુને આઠેય મૃતકોનાં રિપોર્ટમાં શું લખ્યું હતું એ વ્યવસ્થિત વાંચ્યું અને પછી ફોરેન્સિક રિપોર્ટમાં શું હતું એ વિશે પોતાનાં સહકર્મીઓને ઉદ્દેશતાં કહ્યું.

"અમરતનાં ફોરેન્સિક રિપોર્ટમાં શું હતું એ વિશે તો આપ સૌ માહિતગાર છો જ..શરીર પર કોઈ જાતની ગંભીર ઈજા ના હોવાં છતાં અમરતનાં શરીરમાંથી બધું જ લોહી ગાયબ હતું..બસ એવું જ કંઈક આ આઠેય લોકો સાથે થયું છે..આ બધામાં ગાડીમાં સવાર ડ્રાઈવર પ્રહલાદ ભરથરીનાં માથા અને ચહેરાનાં ભાગે ઈજાનાં ચિહ્નો હતાં જે શાયદ ગાડીનો કાચ તૂટવાનાં લીધે થયાં હોવાં જોઈએ..આ સિવાય ગાડીમાં મોજુદ બે મહિલાઓને પણ નાની મોટી ઈજાઓ પહોંચી હતી..પણ આ ઈજાઓ એ પ્રકારની નથી જેમાંથી શરીરનું બધું જ લોહી નીકળી જાય..અને કોઈ પણ જાતની ગંભીરમાં ગંભીર ઈજા હોય છતાં શરીરમાંથી બધું જ લોહી તો ના જ નીકળે."

ફોરેન્સિક રિપોર્ટમાં મોજુદ માહિતી પોતાનાં સાથી કર્મચારીઓ આગળ જેવી અર્જુને રજૂ કરી એ સાથે જ ત્યાં હાજર દરેક પોલીસકર્મીઓનાં ચહેરા આશ્ચર્યચકિત થઈ ગયા.

"તો, સાહેબ આગળ હવે શું કરીશું..? "અર્જુનનાં ફોરેન્સિક રિપોર્ટમાં રહેલું લખાણ વાંચતા જ નાયકે પોતાની જગ્યાએથી ઉભા થઈ અર્જુનને સવાલ કરતાં કહ્યું.

"જે પ્રકારે આ બધી હત્યાઓ ને અંજામ આપવામાં આવ્યો છે એના ઉપરથી એ વાત તો સ્પષ્ટ છે કે હત્યારાઓ કંઈક મોટી યોજના ઉપર કામ કરી રહ્યા છે..કેમ કે એ લોકોએ મૃતકો જોડે થી કોઈ પણ વસ્તુની ચોરી કરી નથી અને લોકો ની હત્યા કરવાની પેટર્ન પણ એક સમાન છે.કોઈ કેમિકલનો કે પછી કોઈ સ્પેશ્યલ પદ્ધતિનો ઉપયોગ કરીને એ લોકોએ પોતાના શિકારનાં શરીરમાંથી બધુ લોહી નીકાળી દીધું છે.. આવું કરવાનું કારણ મારાં અંદાજા મુજબ કોઈ શૈતાની વિધિ હોઈ શકે છે." નાયકનાં પૂછાયેલા સવાલનો જવાબ આપતા અર્જુન બોલ્યો.

"સાહેબ તમારી વાત સાચી છે, મેં પણ આ વિશે સાંભળેલું છે કે અમુક આદિવાસી લોકો પોતાનાં ઇષ્ટદેવને ખુશ કરવાના હેતુથી એમને મનુષ્યનું રક્ત ભેટ તરીકે ચડાવતા હોય છે.."અર્જુનની વાતમાં ટેકો આપતાં અશોક બોલ્યો.

" આ બધું જે કોઈપણ કરી રહ્યું હોય એ સાથે આપણે એક જ વાત ની નિસ્બત છે કે કોઈપણ ભોગે હવે કોઈ માસૂમનું લોહી નહીં રેડાય અને આ બધી ઘટનાઓ પાછળ જવાબદાર વ્યક્તિ ટૂંક સમયમાં આપણી પકડમાં હશે.."અર્જુનનાં અવાજમાં મક્કકમતા હતી..એક ગજબનો વિશ્વાસ હતો.

"તો આપણે આગળ જે કરવાનું હોય એ વિશેની માહિતી આપી દો..જેથી અત્યારથી જ બધાં જ કર્મચારીઓ કામે લાગી જાય.."જાની બોલ્યો.

"આપણે બધાં એ નવું તો કંઈપણ કરવાનું નથી..બસ શહેરનાં લોકોને લોકલ ન્યૂઝ ચેનલ મારફતે અથવા અન્ય કોઈ રીતે સતેજ કરો કે જ્યાં સુધી આ હત્યાઓ પાછળ જવાબદાર લોકોની ધરપકડ ના થાય ત્યાં સુધી જેવું અંધારું થઈ જાય પછી એકલ-દોકલ કોઈ સુનકાર જગ્યાએ ના જાય..બાકી તો આપણે ગઈકાલ રાતની માફક હથિયારો સાથે ડ્યુટી નિભાવવાની છે..આ સિવાય સિનિયર અધિકારીઓ પોતાનાં ખબરી નેટવર્કને કામે લગાવી એ તપાસ કરો કે એમનાં ધ્યાનમાં એવી કોઈ વાત આવી જે વિચિત્ર હોય.."અર્જુન જાનીની વાતનાં પ્રત્યુત્તર રૂપે બોલ્યો.

"તો સાહેબ..અત્યારે શું કરીએ..? "અબ્દુલે સવાલ કર્યો.

"ગઈકાલ રાતભર તમે લોકો ડ્યુટી પર હતાં તો પાંચ-છ પોલીસકર્મીઓ અત્યારે અહીં રોકાઈ જાઓ..બાકીનાં ઘરે આરામ કરવાં જઈ શકે છે..પણ સાંજે પાંચ વાગે અંધારું થઈ જતું હોવાથી એ પહેલાં ઘરે ગયેલો દરેક અધિકારી મારે ડ્યુટી પર જોઈએ..જે અત્યારે અહીં રોકાશે એ પોલીસકર્મીઓ રાતે ઘરે જઈ શકશે..બીજો કોઈ પ્રશ્ન..? "અર્જુને ઊંચા અવાજે કહ્યું.

"નો સર.."બધાં એકસુરમાં મોટેથી બોલ્યાં.

"સારું તો તમે બધાં ઘરે જઈ શકો છો..અને અશોક તું તારી રીતે નક્કી કરી લે કે કયાં પાંચ-છ અધિકારીઓ અહીં પોલીસ સ્ટેશનમાં અત્યારે રોકાશે..અને અબ્દુલ તું લોકલ ન્યૂઝ ચેનલ માં મેં કહ્યું એ સમાચાર પ્રસારિત કરવાનું જણાવી દે..ત્યારબાદ તમે પણ ઘરે જઈ શકો છો.."અર્જુને કહ્યું.

અર્જુનનાં આમ બોલતાં જ બધાં જ પોલીસકર્મીઓ પોતપોતાનાં સ્થાનેથી ઉભાં થઈ હોલની બહાર નીકળી ગયાં..અર્જુને જોયું કે નાયક હજુ પોતાની જગ્યાએ બેઠો હતો.

"કેમ ભાઈ..તારે ઘરે નથી જવું..? "નાયક ની નજીક જઈ એનાં ખભે હાથ મૂકીને અર્જુને પૂછ્યું.

અર્જુનનાં સવાલનો જવાબ આપવાનાં બદલે નાયક રડતાં રડતાં અર્જુનને ભેટી પડ્યો..એને આમ અચાનક રડતો જોઈ અર્જુન એને સાંત્વનાં આપતાં બોલ્યો.

"એ..શું થયું તને..? આમ કાં બાઈમાણહ ની જેમ રડે છે..? ..મને ખબર છે કે તને એ વાતનું દુઃખ છે કે આ બધું તે મને કેમ ના જણાવ્યું..તો એમાં દુઃખ ના કર..હું જાણું છું કે હું મારાં પરિવાર સાથે શાંતિથી ફરી શકું એટલે તે મને અહીં જે કંઈપણ થયું એની ખબર ના આપી..અને બીજી વાત કે હું અહીં હાજર હોત તો પણ આ બધી હત્યાઓ તો થવાની હોત તો થઈને જ રહેત..તો ચૂપ થા નહીં તો કોઈ જોઈ જશે તો તારી ઉપર હસશે..તું ચિંતા ના કર હવે હું આવી ગયો છું એટલે બધું ઓલરાઈટ.."અર્જુનનાં આમ બોલતાં જ નાયકનો ચહેરો ખીલી ઉઠ્યો અને એને ફરીથી અર્જુનને ગળે લગાવી દીધો.

હોલનાં દરવાજે ઉભેલો વાઘેલા અર્જુન અને નાયક વચ્ચેનું આ લાગણીસભર દ્રશ્ય જોઈ મનોમન ભગવાનને પ્રાર્થના કરતાં બોલ્યો.

"હે પ્રભુ, આ જોડી તું હંમેશા સલામત રાખજે.."

****

અર્જુનનાં કહ્યાં મુજબ રાધાનગર પોલીસ સ્ટેશનનાં દરેક સિનિયર અધિકારીએ પોતાનાં ખબરી નેટવર્ક ને એક્ટિવ કરી દીધું હતું..લોકલ ન્યૂઝ ચેનલમાં પણ અંધારું થયાં પછી કોઈપણ વ્યક્તિ બહાર એકલું નહીં નીકળે એવી સૂચના પણ આપી દેવામાં આવી હતી.સાંજે પાંચ વાગે તો બધાં જ પોલીસકર્મીઓ પોલીસ સ્ટેશન આવી પહોંચ્યાં.

જે રીતે શહેરમાં વસતાં લોકોની ચિંતાનાં લીધે એમની સુરક્ષા હેતુથી અર્જુન પોતાનો પારિવારિક પ્રવાસ ટૂંકાવી ડ્યુટી પર હાજર થઈ ગયો હતો એ વાતે રાધાનગર પોલીસસ્ટેશનનાં દરેક પોલીસ અધિકારીને અર્જુનનાં જેવી જ લગન અને મહેનતથી પોતાનાં કામ પ્રત્યે વફાદાર રહેવાની પ્રેરણા આપી હતી.

ગતરાતે જે રીતે આઠ ટીમો અલગ અલગ જગ્યાએ ડ્યુટી પર હાજર હતી અને ઘટાડીને અર્જુને છ કરી દીધી.. અને બીજી બે ટીમો એવી બનાવી જે રાતભર જીપમાં બેસી શહેરભરનાં ચકકર લગાવતી રહે..આ સિવાય ઠંડીનું પ્રમાણ વધુ હોવથી પોલીસકર્મીઓ જ્યાં ડ્યુટી પર હાજર હોય ત્યાં આખી રાત ચાલે એટલાં લાકડાં ની વ્યવસ્થા અર્જુનનાં કહેવાથી કરવામાં આવી.

પોલીસ ની જે બે જીપો રાતભર શહેરમાં ચક્કર લગાવશે એમાં મોજુદ પોલીસ કર્મીઓ શહેરની વિવિધ જગ્યાએ મોજુદ અન્ય પોલીસકર્મીઓને રાતમાં બે વખત ચા અને નાસ્તો પણ આપશે એવી ગોઠવણ અર્જુને કરી દીધી હતી..જે રીતે પોતાનાં સ્ટાફનાં માણસોને ડ્યુટી દરમિયાન કોઈ તકલીફ ના પડે એ તરફ અર્જુન જે બારીકાઈથી ધ્યાન આપી રહ્યો હતો એ જોઈ દરેક પોલીસકર્મી ને એ વાતનો ગર્વ થઈ રહ્યો હતો કે એ લોકો અર્જુનનાં હાથ નીચે કામ કરી રહ્યાં હતાં.

"ઓફિસર..તો હવે તમે બધાં પોતપોતાની ગઈકાલે નક્કી કરેલી જગ્યાએ જઈને ડ્યુટી પર હાજર થઈ જાઓ..ગઈકાલે કહ્યું હતું એ મુજબ કોઈ પોલીસ અધિકારી એકલો ક્યાંય નહીં જાય..આ ઉપરાંત મેં ચોવીસ કલાક સુધી બેટરી પર ચાલે એવાં મોટાં લેમ્પ ની વ્યવસ્થા પણ તમારી જ્યાં ડ્યુટીની જગ્યા છે ત્યાં કરાવી દીધી છે..રાતભર પોલીસકર્મીઓથી ભરેલી બે પોલીસ જીપો અને હું પોતે શહેરમાં ચક્કર લગાવતાં રહીશું..એક જીપમાં અબ્દુલ ટીમ લીડર હશે તો બીજીમાં વાઘેલા..તો કોઈપણ તકલીફ હોય તો તાત્કાલિક પહેલાં અબ્દુલ, વાઘેલા કે મારો સંપર્ક કરવો.."પોતાનાં સર્વે અધિકારીઓને પોતાની નાઈટ ડ્યુટી પર જતાં પહેલાં અર્જુન એક કર્તવ્યનિષ્ઠ પોલીસ ઓફિસર ની રીતે નાનામાં નાની વાત સમજાવી રહ્યો હતો.

"સાહેબ..ક્યાંક એવું બને કે અમારે રિવોલ્વરનો ઉપયોગ કરવાની નોબત આવી ગઈ તો..અમારે પહેલાં તમને પૂછવાનું કે પછી અમે રિવોલ્વર નો સ્વબચાવ કે પછી અન્ય કોઈ વ્યાજબી કારણોસર ઉપયોગ કરી શકીએ છીએ..? "મુદ્દાનો પ્રશ્ન ઉઠાવતાં નાયકે કહ્યું.

"Good question.. હું તમને એની છૂટ આપું છું કે જો જરૂર જણાય તો તમે રિવોલ્વરનો ઉપયોગ કરી શકો છો..પણ એ પહેલાં તમે એ બાબતે ચોક્કસ હોવાં જોઈએ કે તમે ગોળી જેની ઉપર ચલાવો છો એ કોઈ નિર્દોષ શહેરીજન તો નથી ને..કેમકે મારાં મતે સો ગુનેગાર બચી જશે તો ચાલશે પણ એક માસુમ ને નાની અમથી પણ તકલીફ ના થવી જોઈએ.."નાયકનાં સવાલનો જવાબ આપતાં અર્જુન બોલ્યો.

"મારી જોડે જીપ છે..તો હું મારી અને એક અન્ય ટીમને સાથે લેતો જાઉં છું..બીજી ચાર ટીમોને અબ્દુલ અને નાયક નિયત સ્થળે ઉતારી આવશે..ત્યારબાદ એ બંને પોતપોતાની ટીમ ને જીપમાં લઈ તમારી સૂચના મુજબ શહેરમાં ચક્કર લગાવશે.."વાઘેલા બોલ્યો.

"બરાબર છે..તમે બધાં હવે જઈ શકો છે.."અર્જુનનાં આમ બોલતાં જ પોલીસકર્મીઓ ની છ અલગ-અલગ ટુકડીઓ ત્રણ જીપમાં બેસી પોતપોતાની નક્કી કરેલી જગ્યાએ જવાં રવાના થઈ ગઈ.

એ લોકોનાં જતાં જ અર્જુન પોતાની કેબિનમાં પ્રવેશ્યો અને ખિસ્સામાંથી મારબોલો સિગરેટ નું પેકેટ નીકાળી એની અંદરથી એક સિગરેટ નીકાળી બે હોઠ વચ્ચે રાખી..લાઈટર વડે સિગરેટને સળગાવ્યાં બાદ સિગરેટનાં કશ ભરતાં ભરતાં અર્જુન ગહન વિચારોમાં ડૂબી ગયો..અર્જુન ફોરેન્સિક રિપોર્ટ પરથી અનુમાન લગાવતાં એવાં તારણ પર તો આવ્યો હતો કે કોઈ પરંપરાગત વિધિ માટે લોકોનું લોહી લઈ જવાનાં ઉદ્દેશથી આ હત્યાઓ થઈ હોવી જોઈએ..પણ જોડે જોડે સિગરેટ ની માફક બે સવાલ હતાં જે અર્જુનનાં મનને અશાંત કરી રહ્યાં હતાં.

જેમાં પ્રથમ સવાલ એ હતો કે જો વિધિ માટે જરૂરી મનુષ્ય લોહી એકઠું થઈ ગયું હશે તો હત્યારાઓ પુનઃ રાધાનગરમાં આવશે કે નહીં..અને જો આ શંકા સાચી પડી તો એ લોકો સુધી પહોંચવાનો કોઈ નવો રસ્તો કઈ રીતે શોધવો..? બીજો સવાલ હતો રાધાનગરનું બદલાયેલું વાતાવરણ.. માન્યું કે આ પ્રકારનું વાતાવરણ ઘણી વખત હવાનાં દબાણ કે કોઈ કુદરતી કારણોસર નિર્માણ થતું હોય છે પણ ફક્ત રાધાનગર શહેરની ફરતે જ આવું વાતાવરણ હોવાનું કોઈ ખાસ કારણ..?

આ બંને સવાલો વિશે વિચારતો વિચારતો અર્જુન રાતનાં નવ વાગ્યાં સુધી પોલીસ સ્ટેશનમાં જ બેસી રહ્યો.ત્યાં બેઠાં બેઠાં પણ અર્જુન સતત પોતાનાં કર્મચારીઓ નાં સંપર્કમાં રહી શહેરની સ્થિતિ પર નજર રાખી રહ્યો હતો.નવ વાગી જતાં શહેરમાં તીવ્ર ઠંડી અને ગાઢ અંધકારનું સામ્રાજ્ય ફરી વળ્યું એટલે પોલીસ સ્ટેશનમાં હાજર ફૈઝલ અને અન્ય ચાર કોન્સ્ટેબલોને જરૂરી સલાહ સુચન આપી અર્જુન પોતાની બાઇક પર સવાર થઈને નીકળી પડ્યો.

રાધાનગરમાં દરેક ખૂણે ખૂણે હવે પોલીસ પથરાઈ ચુકી હતી એટલે શહેરનાં લોકો પણ નિરાંતનો શ્વાસ લઈ રહ્યાં હતાં..અર્જુન શહેરમાં આવી ગયો હોવાની ખબર મળતાં જ શહેરીજનો એ વાતે આશ્વસ્થ હતાં કે હવે આ બધી ઘટનાઓ પાછળ જવાબદાર વ્યક્તિ નજીકમાં પોલીસ ની પકડમાં હશે.

રાતનાં લગભગ સાડા અગિયાર થયાં હતાં ત્યાં રાધાનગરનાં દરિયાકિનારે પાણીમાં હિલચાલ થઈ..એક મોટાં કદનું જુનાં જમાનાની બનાવટનું એક જહાજ અચાનક દરિયામાં પ્રગટ થયું..આ એ જ જહાજ હતું જેમાંથી ત્રણ દિવસ પહેલાં બે માનવાકૃતિઓ ઉતરી રાધાનગરમાં પ્રવેશી હતી.

આજે પણ જહાજનાં તુતક પર ચાર માનવાકૃતિઓ એકસાથે નજરે પડી..જહાજનાં તુતક પરથી કૂદકો લગાવી ચારેય માનવાકૃતિઓ દરિયાની સપાટી પર કુદી.. દરિયાનું પાણી કોઈ જમીન હોય એમ પાણી ઉપર ચાલતી ચાલતી એ ચારેય માનવાકૃતિઓ દરિયાકિનારે આવીને ઉભી રહી..જેમાં બે પુરુષ હતાં અને બે મહિલા.

જે પુરુષ હતાં એમને એક સરખો પોશાક પહેર્યો હતો..ગ્રે કોટ-ગ્રે પેન્ટ અને અંદર સફેદ શર્ટ..અને બંને મહિલાઓ એ કાળા રંગનો છેક પગ સુધી આવતો વનપીસ ડ્રેસ પહેર્યો હતો..અને એમનાં વાળમાં એક કાળું ગુલાબ પણ લગાવેલું હતું.

દરિયાકિનારે પહોંચી એ ચારેય માનવાકૃતિઓ એ એકબીજાની તરફ જોયું અને ક્રૂર સ્મિત વેર્યું..આ સાથે જ એ ચારેય લોકો નીકળી પડ્યાં શહેરની તરફ.

આ વખતે દીવાદાંડી પર હાજર મુસ્તફા એ રડાર નાં સેન્સરમાં અવાજ થતાં જ નાઈટ વિઝન દૂરબીન થી દરિયાની તરફ નજર ફેંકી..મુસ્તફા એ આ સાથે જ પુરાતન બનાવટનું એક વિશાળ જહાજ જોયું..હજુ તો મુસ્તફા આંખ નો પલકારો ઝબકે એ પહેલાં તો એ જહાજ બાષ્પની માફક અદ્રશ્ય થયું ગયું.

આ જોઈ આંખો ચોળતાં-ચોળતાં મુસ્તફા બબડયો.

"એની માં ને આ શું હતું..? "

★★★

વધુ આવતાં અંકમાં.

અર્જુન અને એનો સ્ટાફ શહેર માં પ્રવેશ કરતાં ચાર લોકો સામે મુકાબલો કરી શકશે..? અર્જુન કઈ રીતે આ બધી ઘટનાઓ પાછળનું કારણ શોધી શકશે..? રાધાનગરમાં થયેલાં સામુહિક હત્યાકાંડ નું કારણ શું હતું..? રાધાનગરનાં બદલાયેલાં વાતાવરણનું કારણ શું હતું..? દરિયામાંથી આવેલી એ માનવાકૃતિઓ કોની હતી..? આવાં જ સવાલો નાં જવાબ માટે વાંચતાં રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલનો નવો ભાગ..આ નોવેલ મંગળવારે અને શુક્રવારે પ્રસારિત થાય છે એની નોંધ લેવી.

તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો..આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોત ની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

મર્ડર એટ રિવરફ્રન્ટ

The ring

~જતીન.આર.પટેલ (શિવાય)